મોટીબા/ત્રણ
કાન સાવ ગયા નહોતા ને ઓછું સાંભળતાં ત્યારે તેઓ ઘણીયે વાર મજાક પણ કરતાં — સ્કૂલેથી અમે ઘેર આવીએ, મા શાકબાક લેવા ગઈ હોય. મોટીબાને કહીએ, ‘બા, ખાવું છે.’ ‘ના’વું હોય તો જા બાથરૂમમોં,’ આછું મરકતાં મરકતાં તેઓ બોલે, ‘ટોંકી ભરેલી સ.’ અમારી શેરીમાં તે વખતે બધાંય ઘરો બ્રાહ્મણનાં. તે લગનગાળામાં પડોશમાં નોતરું આવ્યાની ખબર પડે એટલે મારો નાનો ભાઈ દોડતો ઘરે જઈ મોટીબાને પૂછે, ‘બા, બા, સાંજે જમવા જવાનું છે?’ ‘તે જજે, રમવા જવાની કુણ ના પાડ સ? પણ લેસન પતાયા કેડી.’ કહી ખડખડાટ હસે. બા મંદિરેથી આવે ને અમે પૂછીએ, ‘બા, પરસાદ?’ ‘વરસાદ? વરસાદની તો હજી ઘણી વાર સ.’ ઓછું સાંભળવાના કારણે ઘણી વાર આવું ખરેખર બને તો કેટલીયે વાર મોટીબા સાચું સાંભળવા છતાં ખોટું સાંભળ્યું હોય એવો ડૉળ કરી, ગંભીર મોં રાખી, સરસ મઝાનો પ્રાસ મેળવી, મઝા કરે ને પછી ક્યારેક મંદ મંદ તો ક્યારેક ખડખડાટ હસી પડે. મારાં તથા ભાઈનાં બાળકોને ઊછળતાં, કૂદતાં, તોફાન કરતાં જોઈ મોટીબાના આનંદનો પાર ન રહે. ક્યારેક તો છોકરાંઓ ઝઘડતાં હોય, બથંબથા કરતાં હોય, ‘WWF' ચાલતું હોય ત્યારે એમને છોડાવવાને બદલે મોટીબા ઉશ્કેરે— ‘લ્યા. તારા દાદા જેવો ઢીલો કેમ પડ સ? બાથ ભિડાય ક બરાબર…' દિવાળી વૅકેશનમાં અમે ત્રણે ભાઈઓ વિસનગર ગયા હોઈએ. મારો બાબો-બેબી તથા ભાઈની ત્રણ દીકરીઓ રમતી હોય. મોટીબા પલંગમાં બેઠાં બેઠાં, છીંકણી તાણતાં તાણતાં, લીલી વાડીને લહેરાતી જોયા કરે ત્યારે એમની આંખોમાં, ફૂલેલા ગાલમાં, બોખા હાસ્યમાં, ખડખડાટ હસતી વખતે ઊછળતા ખભામાં, જાણે અપાર આનંદનાં મોજાંઓ ઊછળે. ‘મો...ટ્ટાં બા છીંકણી કેમ તાણે’ – એની નકલ કરતી સાતેક વર્ષની ઝીણકી હીરલને રાજી થઈને કહે— ‘ઓંમ ખોટું ખોટું છેંકણી હું કોંમ તોંણ સ, લે ઓંમ આય મારી પાહે.’ પછી લગરીક છીંકણી ભરેલી ચપટી હીરલના ટચૂકડા નાક પાસે લઈ જઈને ઉમેરે, ‘લે, અવ તોંણ…' ત્યાં તો નાનકડા નાકમાંથી છીંકાછીંક, ઉપરાછાપરી, મોટા અવાજ સાથે. ટચૂકડી હથેળીનો પાછલો ભાગ નાનું નાનું નાક ચોળે, મોં ખૂલી જાય ને હા...ક્ છીં, વળી હા...ક્ છીં, ફરી હા…ક્ છીં... મોટીબાના ખભા ઊછળે ને ઘર આખુંયે ખડખડાટ હાસ્યથી ભરાઈ જઈને છલકાઈ ઊઠે. હાસ્ય શમે એ પછી મોટીબા વાત ઉપાડે — ‘બટકો’ (મારું નાનપણનું નામ – બટુક) નેંનો હતો તારની વાત. તાર ભનુ (મારા બાપુજી – ભાનુપ્રસાદ) વડગોંમમોં. શિયાળાના દા'ડા. બટકો બાલમંદિરથી ઘેર આયો, દફતરની ઝોળી એક ખૂણામોં ફગાઈ નં કૅ ભૂખ લાગી સ. તે મીં ઈંના ખિસ્સામોં શેકેલા ચણા ભરી આપ્યા નં કહ્યું, ચણા ફોલી ફોલીનં ફોતરોં ઘરમોં વેરતો નંઈ નકર પગોમેં વાગશી. પણ ભઈ હવારે બરાબર ખાધા વન ગયેલા તે ભૂખ બરાબરની લાગેલી. પેટમોં બલાડોં બોલ. તે ચણા ફોલવાય કુણ રૅ? બટકે તો ચણાની મૂઠી ભરીનં ફાકડો ઓર્યો નં બા'ર રમવા દોડી ગયો નં થોડી વારમોં તો આયો પાસો.’ પછી અવાજ ગૂંગણો કરી, નાના છોકરાની જેમ બોલીને વાત આગળ ચલાવે. ‘બા, બા,’ એક નાહકોરું બતાઈનં કૅ ક ‘બા, બા, ચણો અંઈ ભરઈ ગ્યો સ…' આ હોંભળીનં ભનુ નં અનિલા તો ગભરઈ ગ્યો. ભનુ કૅ, ‘જો, ઓંમ કર– ‘છૂં…’ કરીનં શ્વાસ જોરથી બા’૨ કાઢ… જો, ઓંમ, છૂં…! છૂં… છૂં…!’ ને બટકે તો શ્વાસ બા'ર કાઢવાના બદલ ઊંચો ખેંચ્યો તે ચણો તો નાહકોરામોં છેક ઉપર ખેંચઈ ગ્યો! ફોલેલો ચણો હોય તો હજી ઝટ નેંકળ, પણ આ તો ફોતરાવાળો. તાકડઅ્ હું ઘરમોં હતી તે હારું હતું. મંદિરે જવા તૈયાર થઈનં દાદરો ઊતરવા કરતી'તી ત્યોં જ આ ખેલ થયો. મીં કીધું શોંતિ રાખ. રઘવાટ નોં કર. છોકરું ગભરઈ જાય. પસઅ્ મીં તો ખાસ્સી ચપટી ભરીનં છેંકણી હુંઘાડી દીધી તે તરત છેંકો શરૂ થઈ – હા...ક્ છીં! હા..ક્ છીં! હા..ક્ છીં! બીજી નંઈ નં તીજી છેંકે તો ચણો બા'ર નં એ પછીની છેંકોમોં હું બા'ર આયું?’
ત્યાં તો બધાં ટાબરિયાં નાકે-મોંએ નાનકડી હથેળી રાખી બોલી ઊઠે, ‘છી…છી…છી…' ને હસી પડે ખિલખિલાટ.