મોરનાં ઈંડાં/‘મોરનાં ઈંડાં’ નાટ્યકૃતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

મોરનાં ઈંડાં

ઇતિહાસના ઉગમમાં જરાપીંગળ ચીનમાં થઈ ગયેલા પેલા કોન-ફુ-ત્સું (કન્ફ્યુશિઅસ) અને આર્યાવર્તી વિશ્વમેધા ગૌતમબુદ્ધ અને અત્યારના બર્ટ્રાન્ડરસલ : અને વચ્ચે જે બહુ જૂજ સત્યવક્તાઓએ પૃથ્વી પર પગલાં પાડ્યાં છે :

બીજા કોઈને નહિ! નહિ જ! (1934)


અર્પણ

વરસોની વાટ ફળી : મેડિયે પધારી મનડાની મૂરિત અવાક. બંધ કર્યાં બારણાં ને અંધ કર્યું કોડિયું ઓઝલવા વસ્લ કેરી રાત. સોનેરી ઢાંકણાએ કાવ્યમુખ આવર્યું. કંપતું એ ઉન્હે આશ્વાસ. ઊંચકી શકું ન એ બુરખો લજામણો; જોર નહિ રાણીની પાસ. આત્મજ્ઞાન જેવડી ભાર હતો લાજમાં, મુર્ઝાઈ આંગળિયો વીશ. એકમેક તોય તોય દર્શનનો લાભ ના, પડતી જ્યાં વસ્લ કેરી ચીસ— ત્રીજાનો હાથ આવ્યો ઉઘાડવા બુરખો : ને વધતું : એકાન્ત; ત્રીજો હતો છતાંય બેના બે મેડિયે પૂગ્યા આત્મીયતાને પ્રાંત. મારી હથેળી, રેખ મારી આ ઊમટે, મારી લીલા ને નામોશી; દર્શનવા જે બધુંય મારા છે હાથમાં જોતા’તા — ઉમાશંકર જોશી, નીરક્ષીર

14-2-’57


પ્રથમ ભજવાયું.


શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન : ભાવનગર દશેરા : 1989 (1932)


પ્રો. અભિજિત : શ્રી. નટવરલાલ બૂચ, એમ.એ. તીરથ : શ્રી દલપત કોઠારી, બી.એ. આરતી : શ્રી તારા કોઠારી સોમ : શ્રી માધવજી રિબડિયા વિદુર : શ્રી મહેન્દ્ર ભટ્ટ અને બીજાં —


આજે કોસાંબીજીને કંચનભાઈનાં પંખીઓ બતાવવા લઈ ગયો. બે કલાક પંખીઓ બતાવ્યા પછી ઈંડાંનો પરિચય આપવો એમણે શરૂ કર્યો. એક સાવ ધોળું ઈંડું હાથમાં લઈ જ્યારે એમણે કહ્યું કે એ મોરનું છે, ત્યારે મારા અચંબાનો પાર ન રહ્યો. ખૂબ નાનપણમાં કસ્તુરિ મા પાસેથી ‘મોરનાં ઈંડાં તે કાંઈ ચીતરવા પડે!’ એ ઉક્તિ સાંભળેલી. મનમાં રહી ગયેલું કે મોરનાં ઈંડાં તો ચીતરેલાં જ હશે! અને આ તો બગલાની પાંખ જેવું સાવ ધોળું શેતર! કંચનભાઈએ અંતે ભરમ ભાંગ્યો : ‘એ કહેવતનો અર્થ તો એમ કે અંદરના રંગરાજ માટે ઉપરના ઓપની આવશ્યકતા નથી!’ — અને મેં એ તત્કાળ સ્વાકારી લીધું.

(માનસી, પાનું 22: પોથી ત્રીજી : તા. 9-12-1928 દ. મૂ) (1934)


મોરનાં ઈંડાં

ત્રણ અંકનું એક સામાજિક નાટક

પાત્રો નામ વય પરિચય પલાશ 15 વર્ષ બંસી 17 વર્ષ મરાલ 16 વર્ષ આલાપ 17 વર્ષ અશોક 22 વર્ષ મઠજ્યેષ્ઠ વિદુર 52 વર્ષ કુલપતિ ફાલ્ગુની 13 વર્ષ વિદુરની કન્યા, આશ્રમ-કોકિલા સોમ 40 વર્ષ ઈંડા વેચનાર વાઘરી તીરથ 16 વર્ષ સોમનો દીકરો આરતી 14 વર્ષ ગ્રામકન્યા પ્રો. અભિજિત 55 વર્ષ યુરોપથી તાજેતરમાં પાછા ફરેલા ફિલસૂફ; વિદુરના બાલસખા હરિશ્ચંદ્ર લગભગ 2500 વર્ષ રામો પહેલો માણસ બીજો માણસ ત્રીજો માણસ સ્થળ : મંથરા નદીને કાંઠે આવેલા સેવાશ્રમની પાન્થશાળા; અને પુસ્તકાલય ઉપરનો એક ઓરડો. કાળ : વર્તમાન, શિયાળાનો એક મહિનો.



અંક પહેલો

દૃશ્ય પહેલું


(સ્થળ : સેવાશ્રમની પાન્થશાળા. કાળ : સવાર. પડદો ખસતાં દીવાનખાનાની પૂર્વની બારીઓમાંથી બકુલકુંજની ઘટા દેખાય છે. ઉત્તર-દક્ષિણની દીવાલોમાં પડખેના ખંડોમાં જવાનાં બારણાંઓ પડે છે. ઓરડાની મધ્યમાં એક ગોળ ટેબલ છે; અને હરતીફરતી નેતરની ખુરસીઓ પડી છે. ટેબલ ઉપર ફૂલદાન છે અને સફેદ કરેણનાં તાજાં ફૂલો ગોઠવ્યાં છે. આસપાસ એક-બે અખબારો પડ્યાં છે. ભીંતને અઢેલીને મૂકવામાં આવેલા ટેબલ ઉપર એક બાજુએ લખેલા અને બીજી બાજુએ કોરા કાગળોના થોકડા પડ્યા છે. પડખેની છાજલીઓ ઉપર દળદાર થોથાંઓ ખડકાયાં છે. ટેબલ ઉપર તુરંગમાં ઝેરનો પ્યાલો પામતા સોક્રેટિસની છબી મૂકી છે. ખીંટીઓ ઉપર પાઘડી અને ટોપો પડખેપડખે ટિંગાયેલાં છે. બે-ચાર કોટ અને પાંચ-સાત પેન્ટ લટકે છે. પલંગ પાસે જ એક આરામખુરશી પડેલી છે. ખુરશીના એક હાથા ઉપર કોઈ પુસ્તક ઉઘાડું પડ્યું છે, અને બીજા હાથા ઉપર સિગારેટનો ડબો પડ્યો છે. પડદો ઊપડતાં ચારેક છાત્રો ધસી આવે છે.) પલાશ : પંદર વર્ષનો ગૌર, કાંતિમાન અને આકર્ષક કુમાર : સિંધી લેંઘો અને હાફ શર્ટ) : પ્રોફેસર સાહેબ! (આસપાસ જોઈ) અરે, ખંડ તો ખાલી છે. અભિજિત ક્યાં ગયા હશે? બંસી : (સત્તર વર્ષનો ઘઉંવર્ણો : રાતી કોરની ધોતી અને પંજાબી કફનીમાં) : આજે આપણે વહેલા પડ્યા. હજી સાત પણ નથી થયા. સાડાસાત સુધી ફર્યા કરવાનો અભિજિતનો નિયમ છે. મરાલ : (સોળ વર્ષનો તરવરીઓ : ધોતી અને ખમીસમાં) ધુત! એ ઉલ્લુને વળી નિયમ-બિયમ કેવો? નદીની રેતીમાં જોડા ખૂંપી ગયા હશે તે બેઠા બેઠા કાઢતા હશે! આલાપ : (ઉરેબી ઇજાર અને સાંકડી કફની પહેરેલો સત્તર વર્ષનો આલાપ આગળ આવે છે અને ટેબલ ઉપરનાં છાપાંઓ દૂર કરી હાથમાંનો પૃથ્વીનો ગોળો મૂકે છે) ચાલો ત્યારે બે ઘડી બેસીએ. સવારની સ્વચ્છ હવા જે બે ઘડી વધારે મળી તે! આવશે કે આખો ઓરડો બીડીના ધુમાડાથી ભરી દેશે. સ્વામીજીય તે કોણ જાણે ક્યાંથી આવા ઉખડેલને પકડી આણે છે! બંસી : આવ તો મરાલ, આપણે આપણી યોજના આગળ ચલાવીએ. (બંસી, આલાપ અને મરાલ ટેબલ ફરતા ગોઠવાય છે.) પલાશ : યોજના? યોજના તે વળી શી? મરાલ : હજી તો ભાઈને ગગનમાં ગાજે છે. ફાલ્ગુનીને ફૂલ આપ્યા કર ફૂલ. બધું રહ્યું એમાં! પલાશ : મરાલ... બંસી : શાંતિ, વ્યવસ્થા, શિસ્ત! જો પલાશ, વાત એમ છે કે હવે આપણને સ્વરાજ મળ્યું, અને રાષ્ટ્રનાયકો આજની લહેજતમાં આવતી કાલને અભરાઈને ચડાવી ચૂક્યા છે. સ્વરાજ તે કાંઈ ચીભડું છે કે શમારીને શાક કરાય? પલાશ : પણ તેનું શું? આલાપ : હજી પ્રશ્નો! મરાલ કાંઈ ફા... વિશે ખોટું નહોતો કહેતો! પછી શું શું? બધી જવાબદારી આપણી ઉપર—દેશના તરુણો ઉપર આવી પડી. બંસી : અને એની તો આ બધી માથાફોડ છે. કાબૂલ અને તેનાથી ઉપર મધ્ય એશિયાનો પ્રશ્ન તો લગભગ ઊકલી ગયો કહેવાય. સ્વતંત્ર ભારતનો ત્યાં કોઈ વજ્રનિશ્ચયી... મરાલ : અને વજ્રાંગ... બંસી : મને બોલી લેવા દે. સ્વતંત્ર ભારતનો ત્યાં કોઈ વજ્રનિશ્ચયી એલચી જોઈએ. ત્યાં તો તરવારની ધાર ઉપર ચાલવાનું છે. સ્વામીજી કહેતા હતા કે અહીં આપણે જેમ હાથમાં ચોપડીઓ રાખીએ છીએ તેમ ત્યાં તો નાનાનાના છોકરાય તે હાથમાં બંદૂકોર રાખે છે, અને જેમ આપણે લગભગ બધો વખત ચોપડીઓ વાંચ્યા કરીએ છીએ તેમ તેઓ બંદૂકો ફોડ્યા કરે છે. કાચાપોચાનું ત્યાં કામ નહિ; પણ સૌથી મહત્ત્વનું તો એ દેશોની ભાષાનું જ્ઞાન છે. મરાલ : અને તું જાણે છે પલાશ, કે લગભગ બે વર્ષથી બંસી ‘અલેફ-બે’ની ‘હડેફ-હોમ’ કરે છે? (પલાસ હસે છે.) આલાપ : આ હસવાની વાત નથી. જો આમ જો. (ગોળો ફેરવીને ચીન ઉપર આંગળી ઠેરવે છે.) ચીનાઓની ચામડી જેવું મોટું પીળું ચગદું. લોકો ભલે કહે કે આવતી કાલનું મહારાષ્ટ્ર હિન્દુસ્તાન છે; પણ હું કહું છું કે આવતી કાલનું મહારાષ્ટ્ર ચીન છે. હિન્દી-ચીની ભાઈ ભાઈ, અને તેમાં પાછી હરીફાઈ. મરાલ : પણ તને કોણે કહ્યું છે તે કહીશ? મોટો ‘હું’ કહું છુંવાળો આવ્યો છે તે! આલાપ : તને વચ્ચે બોલવાની બહુ ખરાબ ટેવ છે, મરાલ. હું પાછળથી કહેવાનો જ હતો કે એ કથન અભિજિતનું છે. વળી તેઓ તો એમ પણ કહેતા હતા કે ચીન તો એક ડ્રેગૂન છે. તેને જાગતાંય વાર નહિ અને ઊંઘતાંય વાર નહિ. પલાશ : એ તો મનેય યાદ છે. પણ યાદ હોય તો એમણે તો અનેક વાતો કરેલી. નિશાળમાં શિક્ષક સવાલ પૂછવા વિદ્યાર્થીને ઊભો કરે ત્યારે વિદ્યાર્થી મોઢું માંડવાને બદલે પૂંઠ ફેરવીને ઊભો રહે. ઘરના આંગણામાં પોપટને બદલે ડુક્કર ટાંગે, અને પેલી વાત......પેલા બાઈબલોની! બાઈબલના અમૂલ્ય દાનનો ચીનાઓને મોકળે હાથે ઉઠાવ કરતા જોઈને ખ્રિસ્તી પાદરીઓનો હરખ હૈયે માતો નહોતો; પાછળથી ખબર પડી કે એનો ઉપયોગ તો ફટાકડા બનાવવાની પસ્તીરૂપે થતો હતો. એમાંના કેટલાક ફટાકડાઓ હિન્દમાં પણ આવેલા, કાં આલાપ! ગમે તે કહો, ચીનાઓ ચીબા હશે પણ મૂર્ખા તો નથી જ. પછી ભલે તે જૂનું ચીન હોય કે નવું! આલાપ : પણ એ બધું માત્ર યાદ રાખ્યે કાંઈ ન વળે! એ માટે તો મોટું મગજ અને જબ્બર જહેમત જોઈશે. બોલ, પૌર્વાત્ય રાષ્ટ્રસંઘ તું સ્થાપી શકીશ? ત્યારે? નાહક વાતો કરવાની. હું તો કહું છું કે આપણામાંથી એ કામ કોઈથી ન થાય. પલાશ : એમ નહિ, આલાપ; હું માનું છું કે જો તું ધારે તો તારાથી એ થઈ શકે! આલાપ : હું તો એમ માનું છું. પણ બધા... મરાલ-બંસી : અમે ક્યારે ના પાડી? પલાશ : ત્યારે તો એ પ્રશ્ન પણ ઊકલી ગયો. હવે મરાલ, તું એક બાકી રહ્યો. હવે તો એવું રહ્યું ને કે પ્રશ્નોને માટે પુરુષોની નહિ પણ પુરુષોને માટે પ્રશ્નોની જરૂર પડે. મરાલ : ખરું જોતાં તો તું જ બાકી રહ્યો છું. મેં મારું કામ તો ક્યારનુંય નક્કી કરી નાખ્યું છે. છેલ્લાં ત્રણ વર્ષથી બાર વાગ્યા પહેલાં સૂતો નથી તે શું નાહક ઉજાગરા કરવા? પલાશ : અરે હોય કાંઈ! પણ શું કામ નક્કી કર્યું છે તે તો કહે? મરાલ : જો. (પૃથ્વીના ગોળા ઉપર આંગળીથી) આ મોસ્કો અને આ દિલ્હી! બે વચ્ચે સડસડાટ કરતી ટ્રેઈન! ગમે તેમ તોય આવતી કાલ રશિયા ઘડી રહ્યું છે. પલાશ : સ-અ-2-સ! પણ ત્યારે અત્યાર સુધી કેમ નહિ થઈ હોય? મરાલ : સહેલું હશે! હિમાલય આડો પડે છે. પલાશ : પણ તું કહેશે ત્યારે સીદ્ધો પડશે? મરાલ : હા. પલાશ : કેમ? મરાલ : કેમ શું?—એમ સ્વરાજ મળ્યું છે ને! આલાપ : પણ હવે તારું બોલ, પલાશ. તારેય કંઈક તો નક્કી કરવું પડશે ને? પલાશ : એમાં ના નહિ, મેંય કામ તો નક્કી કરી નાખ્યું છે. (પૃથ્વીનો ગોળો ઉપાડી) હું આવા પૃથ્વીના ગોળો બનાવવાનું કારખાનું કાઢીશ. બંસી : હું નહોતો કહેતો? એ છોકરી આવા કામમાં પડે? (બહારથી અવાજ આવે છે : ‘ઈંડાં, લ્યો ઈંડાં.’) સૌ : (ચમકી) ઈંડાં! મરાલ : આશ્રમમાં ઈંડાં! સત્યાનાશ! સ્વામીજી જાણશે તો? (બહારથી અવાજ આવે છે. ‘શા’બ અંદર છે કે? હું સોમ આવ્યો છું. કોઈ ઈંડાં લ્યો. ઈંડાં.’ બંસી : (પૂર્વની બારીમાંથી ડોકાઈ) અરે એઈ, કોણ છે ત્યાં? જોતો નથી આ આશ્રમ છે? અહીં તારાં ઈંડાં કોણ લેવાનું હતું? (બહારથી અવાજ : શા’બ! કૂકડીનાં છે.’) બંસી : કૂકડીનાં હો કે કાગડાનાં! અમને એનો શો ખપ? અમારી જીભ તો ઈંડાં શબ્દથી જ અભડાઈ જાય. (બહારથી અવાજ : ‘પણ શા’બ, અહીં રોજ ઈંડાં લેવાય છે. પેલા નવા શા’બ, આવ્યા છે ને! —તે ઈમને માટે. પલાશ : બંસી, આવવા દે એને બિચારાને! કદાચ અભિજિત ઈંડાં લેતા હશે! બંસી : અરે પણ આશ્રમમાં? પલાશ : હા; પણ તેમાં થઈ શું ગયું? વળી સ્વામીજીએ તો એમને બધી છૂટ આપી છે, અથવા બધી છૂટની શરતે તો તેઓ બે મહિના માટે અહીં આવ્યા છે. યુરોપથી હમણાં જ પાછા ફર્યા તે ટેવ હશે! બંસી : બીડી પીતા ભાળ્યા ત્યારથી જ અર્ધું માન ઊતરી ગયું હતું. આજે ઈંડાંએ આખું ઉતાર્યું. દુનિયામાં ફિલસૂફ તરીકે પંકાયા તેથી શું થયું? જીવનમાં તો મોટું લંબગોળ મીંડું — ઈંડું. પલાશ : બીડી પીએ અને ઈંડાં ખાય એમાં તો આખો ગરાસ લૂંટાઈ ગયો જાણે. જાણે જવાહરલાલ બીડી પીએ છે એ જ્ઞાન થતાં જ કેટલાકનું એમના તરફનું અડધું માન ઓસરી જાય છે. મારું એથી તદ્દન ઊલટું થયું. ગાંધીજી બીડી નહોતા પીતા એટલે જ મારો તો એમના તરફનો મોહ ઊતરી ગયો હતો. વળી અભિજિતનો અભિપ્રાય તો તું જાણે જ છે કે જ્યાં સુધી સોક્રેટિસની જેમ ઝેરનો પ્યાલો પીવાનો વારો ન આવે ત્યાં સુધી ફિલસૂફે બીડી પીવી જોઈએ. (સોમ માથા ઉપર ઈંડાંનો સૂંડલો મૂકીને આવે છે. એ આધેડ છે. ટૂંકું ધોતિયું અને ફાટેલું પહેરણ પહેર્યાં છે. સાથે એનો સોળ વરસનો દીકરો તીરથ પણ છે. વાળના સરસ જુલ્ફાં અને ચળકતી આંખો એ ફૂટડા કુમારને વધુ આકર્ષક બનાવે છે.) બંસી : આ બાજુ, ડોસાજી, ત્યાં જાજમ ઉપર સૂંડલાએ નહિ પણ તમારે બેસવાનું છે. પ્રો. અભિજિત ફરીને હજી આવ્યા નથી એટલે તમારે થોડી રાહ જોવી પડશે. સોમ : (એક બાજુ સૂંડલાને મૂકી બેસતાં બેસતાં) ઠીક ભાઈ. આલાપ : કેવા છો? સોમ : કોળી, શા’બ. મરાલ : આ છોકરી તમારો છે? નામ શું? સોમ : હા જી; એની મા ખોડિયાર માની જાત્રાએ ગઈ હતી ત્યાં એનો જન્મ થયો; એટલે એનું નામ તીરથ પાડ્યું છે. આલાપ : નામ તો બહુ રૂડું છે. બંસી : અને પોતેય ક્યાં રૂડો નથી? આમ લાગે છે તો કોઈ ઉચ્ચ વર્ણનો. (તીરથ સહજ ક્ષોભે મોઢું ઢાળી દે છે.) સોમ : રામજીની કૃપાથી, ભાઈ. પલાશ : (બારીમાંથી જોતાંજોતાં) મરાલ! આ બધાની યોજનાઓ તો જ્યારે પાર પડે ત્યારે ખરી. પણ તારી મોસ્કો-દિલ્હી મેઈલ હવે ચાલુ થઈ ગઈ લાગે છે. જો, આમ જો; પેલા ધુમાડા દેખાય. આ દિશામાં આવતા લાગે છે. મરાલ : (પાસે જઈને જોઈને) અભિજિત આવતા લાગે છે. શો પોશાક છે? સફેદ ધોતિયું અને વીસમી સદીની શરૂઆતનો બાલ્યકાળનો કોટ! વળી કાંઈ અધૂરું રહી ગયું હતું તે માથે સોલા હેટ! ભગવાનેય શી સૂરત ઘડી છે! આલાપ : એ તો એમનું એવું માનવું છે ને કે હિન્દુુસ્તાનમાં સૌએ, ખાસ કરીને ખેડૂતોએ, હૅટ પહેરવી જોઈએ ! હિન્દુસ્તાનના તડકાને કારણે. સોમ : કોણ, શા’બ આવે છે, ભાઈ! (કપડાં સંકોરી સહેજ સ્વસ્થ થઈ બેસે છે. તીરથની તરફ હાથ કરી) આમ આવ, બેટા, બે ઘડી શાણો થઈને મારી પડખે બેસી જા જોઉં, (તીરથ તેમ કરે છે. ઉત્તરના બારસાખમાંથી પ્રોફેસર અભિજિત પ્રવેશ કરે છે. સફેદ ધોતી અને ઉપર કાળો આલપાકાનો કોટ, માથા ઉપર હૅટ અને હાથમાં રૂપાના હાથાવાળી જાડી લાકડી. મોઢું ઠરેલ અને કપાળ કરચલીઓથી ભરપૂર છે. વનમાં પ્રવેશ કર્યો હોવા છતાં વાળ તદ્દન ધોળા નથી થયા. આંખો ઊંડી ને વેધક છે. એમના આખા અસ્તિત્વ ઉપર નિશ્ચિત એકમોના એક જબ્બર ગોટાળાનો ઓપ છે.) (સોમ પ્રણામ કરે છે.) અભિજિત : ઓ-હ હો! સૌ આવી ગયા છો ને શું? (હેટ ઉતારી ખીંટીએ ટાંગતાં) આજે સહેજ મોડું થઈ ગયું. સોમનેય ઠીક રાહ જોવી પડી હશે. શહેરમાં જવાનું મોડું તો નહિ થાય ને? સોમ : ના શા’બ, કાંઈ વાંધો નહિ આવે. અભિજિત : ચાલો તો સૌ, પસંદ કરીએ ઈંડાં. આલાપ : ધત્! અમે ગુજરાતી હિન્દુ છીએ, પ્રોફેસર. અભિજિત : ગુજરાતી હિન્દુ ઈંડાં ન ખાય? બંસી : થોડા વરસ પરદેશ રહી આવ્યા એમાં તો સ્વદેશનું સઘળું વીસરી ગયા. અભિજિત : સ્વદેશનું સઘળું વીસરી ન જવું હોય તો પરદેશ જવું શા માટે જોઈએ? પણ જવા દો એ વાત. તમે તે દિવસે આમલીનાં ફૂલ તો તોડીને ખાતા હતા. મરાલ : હા; તેનું શું? અભિજિત : તે આમલીનાં ફૂલો એ આમલીનાં ઈંડાં નહિ? એમાંથી કાતરા જન્મવાના. બંસી : એવી ને એવી વાતો! આમલીના કોરમાં અને કૂકડીનાં ઈંડાંમાં કશો તફાવત જ નહિ જાણે! અભિજિત : તફાવત તો ખરો! એક નાનું અને એક મોટું ઈંડું! બાકી બીજો નહિ. વળી બધાં ઈંડાંમાં જીવ નથી હોતો એ તો તમે જાણતા જ હશો. બધાં ઈંડાંમાંથી કાંઈ બચ્ચાં નીકળતાં નથી. અફલિત ઈંડાંમાંથી ન નીકળે, અને ફલિતમાંથી નીકળે, સમજ્યા? આલાપ : બાપ રે! (કાનમાં આંગળાં નાખી) આશ્રમમાં કેવી વાતો? અભિજિત : કેમ રે ભાઈ! કાનમાં શું કાનખજૂરા ઘૂસ્યા? અને ધારો કે ઈંડામાંય જીવ છે, તોય શું થયું? શાકભાજીમાં પણ જીવ છે એમ તમારા જ જગદીશ બોઝે પુરવાર નથી કર્યું? બંસી : જગદીશ અમારા જ, કાં? અને આપ તો આફ્રિકાથી આવતા હશો? અભિજિત : તમારા એટલે હિન્દુઓના! પલાશ : બંગાળીઓ તો માંસ ખાય છે. માંસ ખાય તે હિન્દુ નહિ. અભિજિત : ઋષિમુનિઓને આમિષાહાર અને સુરાપાન વિના વેદની ઋચાઓ નહોતી સ્ફુરતી એ જાણો છો? મરાલ : પ્રોફેસર સાહેબ, તમે હદ કરો છો હવે? આશ્રમનું વાતાવરણ ડોળી નાખો છો. અભિજિત : મને એ ભય તો હતો જ. મેં એ વિદુરને, તમારા સ્વામીજીને જણાવ્યું પણ હતું. પણ તોય તેઓ મને ખેંચી લાવ્યા અહીં. નાનપણનો સ્નેહ મોટપણે મોટો થઈ ગયો. બંસી : પણ આવા તર્કવિતર્કો કર્યે લાભ શો? અભિજિત : ન કર્યે લાભ શો? પલાશ : જીવન એકધારું અને ધર્મપરાયણ રહે. અભિજિત : સત્યાનાશ વળે તો તો. પછી જીવન જીવન જ રહે નહિ. પણ આપણે આડા ઊતરી ગયા. મારું કહેવાનું તાત્પર્ય એટલું જ કે તમારી વચ્ચે અને અમારી વચ્ચે માત્ર માત્રાનો ફેર છે. તમે વનસ્પતિ-જીવનું ભક્ષણ કરો છો એને અમે એથી સહેજ આગળ વધેલા જીવનું ભક્ષણ કરીએ છીએ. Only the difference of degrees. સોમ : (અસ્વસ્થ થતો) મોડું થાય છે, બાપજી. અભિજિત : માફ કર મને, સોમ. અમારી વાતોમાં તને તો હું સાવ વીસરી ગયો. બોલ, કોનાં ઈંડાં લાવ્યો છે? બતકનાં હશે તો આજે નહિ લઉં. (ટોપલો ઉઘાડે છે.) અભિજિત : તો તો બહુ સારું. બતકના ઈંડાંમાં quantity છે, મુરઘીનાં ઈંડાંમાં quality છે. અમે ફિલસૂફો જથ્થા કરતાં જાતને વધારે ચાહીએ છીએ. મરાલ : ભેંસ આગળ ભાગવત. અભિજિત : કેમ કે ભાગવત એ પ્રાણીઓ માટે જ લખાયું હતું. તમે જોશો તો જણાશે કે ભેંસની સ્થિતપ્રજ્ઞતા કેળવતા માનવીઓને હજી જન્માન્તરો જોશે. પણ હવે વિશેષ વાતો નહિ. આમ આવો, ઈંડાં પારખતાં શીખવાડું. પલાશ : ચાલો, આવ્યાં છે ત્યારે જોઈ લઈએ. આપણે ક્યાં જાતે જ જોવા મંગાવ્યાં છે! (સૌ સોમ અને અભિજિતને વીંટળાઈ વળે છે.) અભિજિત : (કાન પાસે લઈ જઈ ઈંડું ખખડાવતાં) સ-અ-2-સ! જો અંદર કાંઈક ખખડે તો જાણવું કે ગોટો બાઝી ગયો છે. (પાંચ-સાત ઈંડાં પસંદ કરે છે.) પલાશ : (અર્ધ ઢાંકેલા સૂંડલાને પૂર્ણ ઉઘાડી) જોઈએ તો ખરા. બંસી : અરે ! એ શું કરે છે, પલાશ? અભિજિત : ‘હિરણ્યમયેન પાત્રેળ સત્યસ્યાપિહિતં મુખમ્ |’ — તે ઉઘાડી જોવે છે. પલાશ : આ તો નથી સહાતું. ધર્મસૂત્રોનીય ચેષ્ટા! અભિજિત : આ જગતમાં બીજું ચેષ્ટા કરવા જેવું શું છે? એક વખત આખા જગતની મૂર્ખાઈ ને એકઠી કરીને સેતાને નીચોવવી શરૂ કરી. સાધુઓએ ઢેલની જેમ અધ્ધરથી જ એનાં ટીપાં ઝીલી લીધાં. પછી એમને ગર્ભ રહ્યો અને આ શાસ્ત્રોનો ઉદ્ભવ થયો. નહિ તો ધર્મશાસ્ત્ર અને માનસશાસ્ત્રને આવો બારમો ચંદરમા હોય? પલાશ : (આંગળી ચીંધી) એ ઈંડું શેનું? અભિજિત : શેનું નહિ, કોનું કહેવાય. સોમ : પોપટનું, ભાઈ. બંસી : (એક ઈંડું હાથમાં ઉપાડી) અને આ? આલાપ : અરે, અડ્યો, અડ્યો? જા, નાહી આવ. સોમ : એ ટીટોડીનું, ભાઈ. મરાલ : કેવું સરસ છે! રંગોની પંચવટી જેવું પચરંગી પલાશ : અને આ? — સાવ ધોળુંફક! સોમ : એ મોરનું ઈંડું. મરાલ : મોરનું સાવ સાદું? પલાશ : ન હોય! સાંભળ્યું છે કે મોરનાં ઈંડાં કાંઈ ચીતરવાં ન પડે! એ તો ચીતરેલા, જ હોય. સોમ : (હસતો) હા—હા—હા! આખો જન્મારો આમાં ગાળ્યો તોય મોરનાં ચીતરેલાં ઈંડાં જોયાં નથી. (દક્ષિણદ્વારમાંથી વિદુર આવે છે.) (અભિજિતની ઉંમરના છે છતાં વાળ સાવ ધોળા થઈ ગયા છે. અંગ ગૌર અને મુખાકૃતિ સૌમ્ય છે. ઝીણી દાઢી મોઢાના ભરાવમાં ઉમેરો કરે છે.) (સૌ છાત્રો સડાક થઈ ઊભા રહી જાય છે.) વિદુર : શું કરો છો અહીં સઘળા? બંસી : તમે કહ્યું હતું ને કે પ્રોફેસર અભિજિતનો ઈસ્વીસન પૂર્વના પહેલા અને બીજા સૈકાનો ઊંડો અભ્યાસ છે! એટલે અમે એ વખતના માર્ગો, — જે, જે માર્ગે થઈને બૌધમતપ્રચારકો મધ્ય એશિયામાં ગયા, અને જે માર્ગે પાછળથી ફાહિયાન, હ્યુએનસાંગ અને ઇત્સિંગાદિ આર્યાવર્તમાં આવ્યા તે માર્ગો આ પૃથ્વીના ગોળા ઉપર એમની પાસે સમજવા આવેલા. અભિજિત : અને અત્યારે ઈંડાના ગોળા ઉપરના રંગીન માર્ગો જોઈ રહ્યા છે. પૃથ્વીના ગોળા કરતાં ઈંડાને હિંદુઓએ વધારે માન આપવું જોઈએ. વેદમાં સર્જનને ઈંડા સાથે સરખાવ્યું છે, નહિ વિદુર? અને ઉપમેય કરતાં ઉપમાન વધારે ચડિયાતું હોવું જોઈએ એવો રસશાસ્ત્રનો નિયમ છે. (વિદ્યાર્થીઓ વધારે મૂંઝાય છે. અભિજિત આવી રીતે સ્વામીજી સાથે ઠઠ્ઠા કરે એ પણ એમને ગમતું ન હોય એવી રેખાઓ એમના મોઢા ઉપર છે.) વિદુર : બહુ સારું કર્યું, અભિજિત! હું મારા છાત્રોને પક્ષીઓના અભ્યાસ તરફ દોરવાનો વિચાર કરતો હતો ત્યાં તમે જ એ વિષય શરૂ કર્યો એ યોગ્ય જ થયું છે. (વિદ્યાર્થીઓ આશ્ચર્ય પામે છે.) અભિજિત : પણ પક્ષીઓનો અભ્યાસ એમને ખાધા વિના થાય નહિ. જે વસ્તુ કરવી તેની સાથે તન્મય થઈ જવું જોઈએ અથવા તેને પોતા-મય કરી દેવી જોઈએ. પાશ્ચાત્ય દેશોમાં પક્ષીશાસ્ત્ર ખૂબ વિસ્તર્યું અને આપણે ત્યાં સોમ જેવા વાઘરીઓના હાથમાં જઈ પડ્યું તેના મૂળમાં પણ આ જ કારણ છે. તેઓ પક્ષીઓને ખાય છે, અને આપણે ત્યાં પક્ષીઓ આપણા દાણા ખાઈ જાય છે. એટલે જ મને એક વખત કલ્પના આવેલી. સાચી ખોટી તો ભગવાન જાણે, — ભગવાન એટલે ભાષાનો ભગવાન, — કે પાશ્ચાત્ય દેશોમાં પક્ષીઓના માનસશાસ્ત્ર કરતાં હિન્દુસ્તાનમાં પક્ષીઓનું માનસશાસ્ત્ર વધારે વિકસિત હશે! વિદુર : તું નાનો હતો ત્યારના તારામાં અને આજના અભિજિતમાં જરાય ફરક નથી પડ્યો. માત્ર ત્યારે તું નાનીનાની વાતો કરતો, આજે મોટામોટા કટાક્ષો કરે છે અને કોઈને છોડતો નથી. અભિજિત : એનુંય કારણ છે. મૂર્ખાઈને શરીર સાથે સંબંધ હોઈ શરીર સાથે તેનો વિકાસ થાય છે. મગજ મોટું થતું જ નથી, કદી! (સોમને) આ પાંચ ઈંડાં. કેટલા પૈસા થયા, સોમ? સોમ : પાંચ આના, શા’બ. પલાશ : આપણે આ મોરનાં ઈંડાં રાખી લઈએ તો? વિદુર : હા, એ ઠીક છે. ફાલ્ગુની કેટલાય વખતથી મોર મોર ઝંખે છે. અભિજિત : તો એક બીજું ઈંડુંય રાખી લઈએ. સૌમ, તને આશ્ચર્ય થશે, પણ આ તારો છોકરો મને ખૂબ ગમી ગયો છે. જોયો છે ત્યારથી એને જોયા કરું છું. અહીં મૂકતો ન જા? સોમ : કોને? તીરથને? અભિજિત : હા, તીરથને. નામ પણ કેવું સારું?—તીરથ? હા, એ પણ ઠીક છે. તીરથને આપણે ભણાવશું—ગણાવશું, અને પછી એની દ્વારા વાઘરી કોમમાં પ્રવેશ કરશું. વાઘરી કોમની ખરી સેવા તો વાઘરી જ કરી શકે. પણ સોમ, આ પેલા પાદરીઓ સાથે ભાગી ગયો હતો એ જ છોકરો? સોમ : હા, શા’બ, બાર મહિના કેડે વળી એમને મૂકીને તે પાછો વયો આવ્યો. કે’તો’તો કે ગોરી મડમડી પરણાવવાની લાલચ મળેલી. પણ ઈશ્વરે મહેર કરી અને ગામના કૂબા સાંભર્યાં. નહિ તો આજ એ ક્યાં હોત! (આંખો લૂછે છે.) તમારી મોટી મે’રબાની શા’બ, જો એને રાખો તો. બહુ જૂઠો છે. એની માને બહુ કવરાવે છે. સહેજ સુધરે અને સારો થાય તો અમારી આંખ ટાઢી. વિદુર : તો એને અહીં મૂકતો જા અથવા એક બે દિવસ પછી મોકલી દે જે. એની માને મળી લે. સોમ : ના બાપજી; ઘરે જાય તો પાછો આવે નહિ. એને આજે જ રાખી લો. વળી એની માને મળવું હશે તો ક્યાં છેટું છે? હું હવે આધેડ થયો, પણ એ તો હજી જોબનમાં છે. ઘોડી જેવી દોડી આવશે. (તીરથ કાંઈ બોલતો નથી. પિતા તરફ એક નજર નાખી બારીમાં જાય છે અને બકુલકુંજ તરફ જોઈ રહે છે.) (અશોક, આશ્રમનો મઠ-જ્યેષ્ઠ પ્રવેશ કરે છે. ધોતી અને પહેરણ પહેર્યાં છે.) વિદુર : લ્યો, મઠ-જ્યેષ્ઠ પણ આવી ગયા. અશોક, એક નવો વિદ્યાર્થી આવ્યો છે. એને પુસ્તકાલય ઉપરની ઓરડી આપજે, અને અહીં ગમી જાય તેની પૂર્ણ સંભાળ રાખજે. અશોક : વારુ; પણ વિદ્યાર્થી તો બતાવો. બંસી : જો પેલો બારીમાંથી બહાર ડોકાય તે. આ ઈંડાં વેચનાર સોમભાઈ વાઘરીનો પુત્ર. સોમ : ત્યારે હું જાઉં, બાપજી. અવારનવાર આવીને તીરથની ખબર કાઢતો રહીશ. ભગવાન તમારુંં ભલું કરે. (ઊભો થઈ જવા લાગે છે.) અભિજિત : ઊભો રહે. આ પૈસા લેતો જા. આ પાંચ આના પેલાં પાંચ ઈંડાંના અને આ મોરનું ઈંડું મૂકતો જાય છે તેનું શું? (પૈસા ઉપાડતો) કાંઈ નહિ શા’બ. આશ્રમને મારી એટલી ભેટ માનજો. (નમસ્કાર કરી જાય છે.) વિદુર : બહુ માયાળુ ડોસો છે અને છોકરો પણ ચાલાક લાગે છે. એની માંજરી આંખોમાં ચમક છે. પછી તો નીવડ્યે વખાણ. નાનપણથી સેવેલું સ્વપ્નું આમ આજે કોળવું શરૂ થાય છે. તેથી ખૂબ સંતોષ અનુભવું છું. (બહારથી અવાજ આવે છે : ‘બાપુ, બાપુ!) વિદુર : કોણ? ફાલ્ગુની? અહીં છું, બેટા, અભિજિતના ખંડમાં. અહીં આવ. (ફાલ્ગુની પ્રવેશ કરે છે. તેર વરસની એ સુંદર કન્યા આશ્રમની કોકિલા છે. સ્વામીજીની એ એકની એક દીકરી છે.) વિદુર : જો, તારે માટે મોરનાં ઈંડાં લીધાં. ખુશ? ફાલ્ગુની : (ઈંડાં ઉપાડી) મોરનાં ઈંડાં? વાહ, કેવી મજા? ચાલો, બાને બતાવું. (જવા દોડે છે.) પલાશ : એક ઈંડું મને આપવાનું, સ્વામીજી. વિદુર : ફાલ્ગુની, એક ઈંડું પલાશને આપી દે. એના કહેવાથી તો અમને સૌને સૂઝ્યું. ફાલ્ગુની : (ફરીને-હસીને) લ્યો, કયું જોઈએ એ છે? પસંદ કરી લો. પલાશ : તમે જ આપો. તમે આપો તે લઈશ. ફાલ્ગુની : તો આ મોટું ઈંડું ઉપાડી લ્યો. હું નાની એટલે મારું નાનું, તમે મોટા એટલે તમારું મોટું! (ઈંડું આપી હસતીહસતી ચાલી જાય છે.) વિદુર : ત્યારે હું જાઉં. આજે ફાલ્ગુનીની બાની તબિયત સહેજ લથડી છે. અભિજિત : તે ફાલ્ગુનીની બા તને કંઈ થાય કે નહિ? (સૌ હસે છે.) બોલને મારી બૈરી. વિદુર : (હસી) અહીં છાત્રો ઊભા છે, અભિજિત. અભિજિત : અમને ફિલસૂફોને સ્થળકાળનાં બંધન નથી. વિદુર : તારી વાતો! ચાલો હું તો જાઉં. અશોક! સૌને વાંચવા બેસાડી દેજે અને તીરથને સંભાળવાનું ભૂલતો નહિ. (જાય છે.) અભિજિત : હું તો થાક્યો. (જઈને આરામખુરશીમાં પડે છે. છાત્રો બીજી ખુરશીઓ તાણી એની આસપાસ ગોઠવાય છે.) અભિજિત : તીરથ, આમ આવ તો. આમ એકલો ક્યાં સુધી ઊભ્યા કરીશ? બેસ સૌની સાથે. (તીરથ પાસે આવે છે, શું કરવું એની સૂઝ ન પડવાથી સૌ સામે જોતો ઊભો રહે છે. અભિજિત એનો હાથ પકડી પોતા તરફ ખેંચે છે અને એક ઘોડા ઉપર બેસાડે છે.) બોલ, ગમશે અહીં! તીરથ : (માથું ધુણાવી હા કહે છે.) અભિજિત : ઘર યાદ આવે છે? તીરથ : (માથું ધુણાવી હા કહે છે.) અભિજિત : આમ એક મણનો મૂંડો હલાવે છે તે કરતાં પાશેરની જીભ ચલાવતો હો તો! આખો વખત મૂંગો રહ્યો. હવે તો કાંઈ બોલ, ભાઈ. બીજા ન બોલે એમાં અસ્વસ્થતા મને થાય છે. (તીરથ તોય કશું બોલતો નથી.) અભિજિત : ઠીક, એક બીજી વાત, બીડી પીતાં આવડે છે? તીરથ : (ઉત્સાહથી) હા. અભિજિત : શાબાશ. મને અંતે અરણ્યમાંય સાથી મળ્યો ખરો. નરકમાં જેમ પુણ્યશાળીઓ અલ્પ સંખ્યામાં હોય છે તેમ આશ્રમમાં આપણેય અલ્પ સંખ્યામાં છીએ. (ડબામાંથી બે સિગારેટ કાઢી સળગાવે છે. અને એક તીરથને આપે છે.) મરાલ : (ખુરશી આઘી ખસેડતો) ભાઈ શા’બ, તોબા તમારાથી તો! તમારા આ ધુમાડા નથી સહાતા. અભિજિત : ધુમાડા પણ ફિલસૂફી જેટલા જ અસહ્ય હોય છે. સિંહણનાં દૂધ સૌથી ન જીરવાય, કેમ તીરથ? જવાબ દે તો, ભાઈ! આમ મૂંગો શું બેસી રહ્યો છે? રાજકારણમાં જેમ બહુસંખ્યા કોમ કરતાં અલ્પસંખ્યા કોમ વધારે શોરબકોર મચાવે તેમ આપણેય કરવું જોઈએ. આપણે આ લોકોને United Front આપવો જોઈએ, સમજ્યો? અશોક : તીરથ, તમે કહ્યું બધું સમજી ગયો. (સૌ હસે છે. તીરથ કરડાય છે.) અભિજિત : સમજણ એ કાંઈ અમુક વર્ગનો જ ઈજારો નથી. કેટલાક વહેલું સમજે અને કેટલાક મોડું સમજે. માણસનાં બચ્ચાં જન્મે કે તરત જ તેમની આંખો ઊઘડી જાય છે; જ્યારે મીંદડીનાં બચ્ચાંની આંખો ઊઘડતાં વાર લાગે છે. પણ બને છે તો એવું કે જે અંધારામાં માણસો નથી જોઈ શકતાં ત્યાં મીંદડાં જોઈ શકે છે. તીરથ : (રસપૂર્વક) ખરું છે. વળી અંધારામાં એમની આંખો એવી તો ચમકે! અમે કેટલીય વાર અંધારામાં કેડી ન દેખાતી હોય ત્યારે અમારી પાળેલી બિલાડીને આગળ કરી પાછળ-પાછળ જઈએ છીએ. અશોક : અંતે મીંદડીનાં બચ્ચાંની આંખો ઊઘડી ખરી. (તીરથ મૂઠીઓ વાળે છે. મોઢું શાંત રહે છે.) પલાશ : તમારી વાતો છોડો હવે. આપણે આપણો અભ્યાસ આગળ ચલાવીએ અભિજિત : હા; બોલો. શું લઈને આવ્યા હતા આજે? બંસી : નીતિશાસ્ત્ર. અભિજિત : સર્વનાશ! મારું એ ગજું નહિ. હું તો ઈંડાં ખાઉં; બીડી પીઉં. નીતિશાસ્ત્ર માટે તો તમારે કોઈ ધર્મપરાયણ પુરુષ પાસે જવું જોઈએ. હવેલીના મુખિયાજી પાસે જાવ. અશોક : મશ્કરી નહિ. તમારે એ વિષય ઉપર કંઈક કહેવું જ પડશે. તમારા ‘This Exists Not’ નામના પુસ્તકનાં અમે ખૂબ વખાણ સાંભળ્યાં છે. (વાતોમાં રસ ન પડવાથી ઊભો થઈને તીરથ બારી કને જાય છે અને બકુલઘટામાં જોઈ રહે છે.) અભિજિત : ત્યારે તો તમે મારાં મંતવ્યો જાણતા લાગો છો. જે વસ્તુ મારે મન હયાતી ધરાવતી નથી તે વિશે મારી પાસેથી શું સાંભળવાની આશા રાખો છો? અશોક : તો પુસ્તક શા માટે લખ્યું? અભિજિત : કેમ કે જે હોતું નથી તેને જ વિશે વિશેષ કહેવાનું હોય છે. પણ એમાં એક બીજો હેતુ પણ રહેલો છે. મેં એ પુસ્તક સત્યનું પાલન કરવા, જે વસ્તુ નથી તેને નથી કહેવા લખ્યું છે. જે વસ્તુ છે તે તો છે કહેવી તે અર્ધસત્ય છે. સમાજને અર્ધસત્ય આકર્ષક થઈ પડે છે, કેમ કે એનો ચળકાટ વિશેષ હોય છે. જે નથી તેને નથી કહીએ છીએ ત્યારે સમાજને આઘાત થાય છે, અને એમાં અસત્યનું આરોપણ કરવામાં આવે છે. ખરું જોતાં સત્યની પૂર્ણાહુતિ ત્યારે જ થાય છે. હોય તેને નથી એમ કહેવું, કે ન હોય તેને છે એમ કહીએ છીએ ત્યારે સમાજ આપણને ધર્માચાર્ય કરીને સ્થાપે છે. તોબા તમારો સમાજ! એને તો ધગધગતા લોહસ્તંભો અને લોહીની નદીઓવાળો ભગવાન જ પહોંચે. કાચાપોચા ભગવાનનેય તે તો કરડી ખાય! પલાશ : તમે ભગવાનમાં માનતા નથી છતાં એને યાદ તો વારંવાર કરો છો. એટલું તો ભાવિકોય સ્મરણ નથી કરતા. અભિજિત : હું એ જ કહું છું તો! — કે જેની પૂજા કરવી હોય તેમાં માનવું નહિ અને જેમાં માનવું હોય તેની પૂજા કરવી નહિ. વળી ભગવાનમાં હું નથી માનતો તેમ તમને કોણે કહ્યું? એવું કોઈક કે કાંઈક છે એમ લાગે છે. માત્ર તેને તમારી જેમ પૂજતો નથી પણ તિરસ્કારું છું. કેમ કે તે આપણને તિરસ્કારે છે. આકાશમાં રહેવું અને આપણા થઈને રહેવું એ કામ ખુદ ભગવાનથીય બની શકે તેમ નથી. એ ઊંચે રહેતો હોવાથી માનવસમાજ, અરે આખી સૃષ્ટિ ઉપર નીચી નજરે જુએ છે. He looks down upon us. કાં તો એણે આપણી વચ્ચે આવીને વસવું જોઈએ અને નહીં તો આપણા પ્રેમની આશા છોડવી જોઈએ. મરાલ : તમેય જબરા છો! જાણે એ આપણી ભક્તિની રાહ જોઈને જ બેઠા હશે! આપણા માપથી ભગવાનને માપવાના ન હોય! અભિજિત : માણસની કલ્પનાના ભગવાન માણસની મર્યાદાની ઉપરવટ ગજું ન કરી શકે. એક ગ્રીક દાર્શનિકે કહ્યું છે કે જો કૂતરાઓ ભગવાનની કલ્પના કરે તો એક મોટા ડાઘિયા કૂતરાને-બૂલડોગને પ્રભુ કરી સ્થાપે. માટે જ કહું છું ને કલ્પનાના પ્રભુને નહિ પણ છે તે પ્રભુને પૂજવાના છે. પ્રભુની અનુભૂતિ કરવી હોય તો કલ્પના કરવાનું છોડી દેવું પડશે. (બારીમાંથી બકુલઘટામાંથી એક તેતરનો કારમો આર્તનાદ આવે છે. સૌ ચમકીને ઊભા થઈ જાય છે અને બારી પાસે જાય છે.) મરાલ : શું થયું? આલાપ : કોઈ પંખી પડ્યું. સમડીએ ઝડપ મારી હશે કદાચ. અભિજિત: અવાજ તો બહુ નજીકનો હતો. તપાસ કરીએ. તીરથ : કાંઈ થયું નથી. એ તો સહેજ તમારા કોટમાંથી બટન કાઢી આંગળીએ ચડાવ્યું તે એક તેતર પડ્યું. તમારી બધાની વાતો સાંભળી મને થતું હતું કે મને કાંઈ નથી આવડતું. ખાતરી કરી કે કાંઈક તો જાણું છું. પલાશ : અરે પણ કાંઈ કોઈના જીવ ઉપર અખતરા હોય? ભાઈસાહેબ આવ્યા તે જ દિવસે ઝળક્યા. અભિજિત : ચાલો કાંઈ નહિ, શાક થશે. આલાપ : તમેય પ્રોફેસર... તીરથ : ના.. રે. એમ કાંઈ મરી જાય તેમ નથી માર્યું. જમણી પાંખ વેધાય એવી ટીપ લીધી હતી. તેતર હાથમાં આવ્યું એટલે તેતરી ખસે નહિ. મને અહીં એકલું એકલું લાગત અને કેમે કરી દિવસો ન જાત. સાથી શોધ્યો. ચાલો સૌને બતાવું.

(તીરથ આગળ અને બીજા પાછળ એમ જાય છે. પ્રોફેસર કાંઈ ઊંડો વિચાર કરતા નવી બીડી સળગાવવા રોકાય છે અને પછી તેઓ પણ સૌને અનુસરે છે.)


દૃશ્ય બીજું


(સ્થળ : તીરથનો ઓરડો. કાળ : અઠવાડિયા પછીની એક આથમતી સાંજ. પડદો ખસતાં પશ્ચિમની બારીમાંથી મંથરાનો પટ દેખાય છે, પણ મકાન અને નદીની વચ્ચે સારું એવું અંતર છે. બરોબર સામે નદીને વીંધીને પેલે પાર જવાનો પુલ છે. રંગભૂમિનો પાછલો ભાગ પશ્ચિમ તરીકે લેવાનો છે. ઉત્તરની દીવાલમાં બારણું છે અને એની નીચે ટેબલ ગોઠવ્યું છે. ટેબલ ઉપર થોડી ચોપડીઓ પડી છે. ઊંચે ભીંતમાં એક એકતારો ટીંગાય છે. એક બાજુ સૂવાના કોટ ઉપર ભીંતમાં ખીંટી છે અને એમાં કપડાં અસ્તવ્યસ્ત ભરાઈ પડ્યાં છે. પડદો ઊપડે છે ત્યારે તીરથ ખુરસીમાં બેસી કોઈ ચોપડી વાંચતો હોય છે. થોડી વારે અવાજ સાથે ચોપડીને બંધ કરી ઊભો થઈ જાય છે અને આમથી તેમ આંટા મારવા લાગે છે.) તીરથ : નથી ગમતું, નથી ગમતું; અને નથી ગમતું. ફાલ્ગુની રોજ રોજ નવી નવી ચોપડીઓ ખડકી જાય છે અને હું ચિત્રો જોઈ જોઈને પાછી વળાવું છું. એ બિચારી અંગ્રેજી શીખવવા બહુએ માથાં ફોડે છે, પણ મારું મગજ ચોંટે તો મગજમાં અક્ષરો ચોંટે ને? આખો દિવસ એની એ પંચાત. સવાર-સાંજ ધ્યાન ધરવાં અને બપોરે પેલા લોકો બબડ્યા કરે તે ચુપચાપ સાંભળ્યા કરવાનું. (વળી ખુરશીમાં બેસે છે. ચેન ન પડતાં ખાટલા ઉપર જઈને આડો થાય છે. તરત જ બેઠો થઈ પાછળની બારીએ જાય છે. થોડી વાર દૂર દૂર જોઈ રહે છે. ટેબલ પાસે આવી એકતારો ઉપાડે છે અને બારીમાં જઈ ઊભો રહે છે.) તીરથ : એ જ, એ જ; પેલા નાળિયેરીના ઝાડ અને ડાક બંગલાની વચ્ચેનું ઝૂંપડું. કેમ બેસતાં! કેમ ઊઠતાં? (એકતારો વગાડતો એમાં સૂર પૂરે છે.) તીરથ : આરે કાંઠે તો મારી હોડલી મેં બાંધી ને નજરું માંડી પેલે પાર: અવનીને આભ જ્યાં ચૂમે ત્યાંથી કોઈ, અણદીઠ ખેંચતું તાર : જુગ જુગ જેવી રાત લંબાણી, ક્યારે જનમશે સવાર? પલાશ  : (બારણામાંથી આવું કે? — કશો વાંધો ન હોય તો! તીરથ : (ચમકતો, જાણે પકડાઈ ગયો હોય એવા ક્ષોભથી) હા, આવો. (મનમાં) વળી પાછી એની એ લપ. (એકતારો ટેબલ ઉપર મૂકે છે.) મરાલ : (એકદમ આવી) અરે એકતારો મૂકો નહિ; મૂકો નહિ; નીચેથી અમે તમારું ગાન સાંભળ્યું. મનમાં થયું કે અધૂરું છે તે ઉપર જઈને પૂરું કરીએ ખાટલા ઉપર બેસતાં) હં; ચલાવો જોઈએ! તીરથ : મને ગાતાં ક્યાં આવડે છે આલાપ : (ધસી આવી) મને એમ હતું કે ગાતાં આવડતું હોય છતાં ‘મને નથી આવડતું — નથી આવડતું’ એમ કહીને પા કલાક કાઢી નાખવાનો રોગ કેવળ અમને શહેરીઓને જ હશે! આજે ખબર પડી કે તમને લોકોને પણ એનો ચેપ લાગ્યો છે. મોંઘા ન થાવ. (ખુરશીમાં બેસે છે) ચાલો, ગાવ જોઈએ. તીરથ : સાચે જ મને ગાતાં નથી આવડતું. પલાશ : કહેશું ત્યારે ગધેડે નહિ ચડો, કાં? આલાપ : અને આમ અમસ્તો તો તગડાવી મૂક્યો હતો! વાત છે હવે તમારી. હવે બેસવા જશો ત્યારેય ભડકાવીને ભગાડી મૂકીશ. મરાલ : ચાલો પલાશ. આપણે ચાલ્યા જઈએ. નાહક આપણે એમના પેલે પારના તાર તોડીએ છીએ. તીરથ : (છુપાવવા) ના, બેસો, બેસો; એવું કાંઈ નથી. પલાશ : અમેય ક્યાં કહીએ છીએ કે એવું કાંઈ છે. એવું ‘કોઈ’ છે એટલું જ અમારું કહેવું છે. (તીરથ મૂંગો રહે છે.) પલાશ : (ઉત્તર ન મળવાથી એક વળ વધારે ખાઈ) પણ તીરથશંકર! પેલા પારની વાત કરો ત્યાં સુધી તો જાણે ઠીક! પણ આ પારથી કોઈને ઉપાડીને પેલે પાર પહોંચાડી ન દેતા હો! તીરથ : પલાશ, મેં તમને અનેક વખત કહ્યું છે કે મારી સાથે વધારે ઠઠ્ઠામાં સાર નથી. અમને લોકોને બોલતાં નથી આવડતું. પણ બીજું કાંઈક આવડે છે. પલાશ : એ હું બરાબર જાણું છું. પણ અહીં. આશ્રમમાં કાંઈક પરાક્રમ કરી ન બેસતા — ગાત’તા એવું! (તીરથ ધસી આવી આવેશથી તેને એક લપડાક ચોડે છે. એ જ વખતે ખંડમાં ફાલ્ગુની દાખલ થાય છે. પલાશ ઝંખવાણો પડી જાય છે. સૌ સ્તબ્ધ બની ગયા છે. થોડી વાર કોઈ કાંઈ બોલતું નથી.) પલાશ : (મહામહેનતે) સ્વામીજી ઓફિસમાં છે, મરાલ? મરાલ : હા. પલાશ : ત્યારે હું સીદ્ધો જાઉં છું. જંગલી, અજડ, ગામડિયો, વાઘરો! (બબડતો બહાર નીકળી જાય છે. તીરથ મોઢું ફેરવ્યા વિના બહાર જ જોઈ રહ્યો છે. ફાલ્ગુની પાસે જાય છે એટલે તે ત્યાંથી ખસી ટેબલ પાસે આવે છે.) તીરથ : (ઓચિંતા) પલાશને બહુ વાગ્યું હશે, નહિ? મરાલ : હા. તીરથ : અને એને માઠુંય ખૂબ લાગ્યું હશે! મારો જરાય વિચાર નહોતો. પણ હાથ હાથમાં ન રહ્યો. આલાપ : તમે ખોટું તો કર્યું જ છે. કદાચ હવે તમે આશ્રમમાં નહિ રહી શકો. તીરથ : એની મને પરવા નથી. પણ જતાં પહેલાં પલાશને મનાવી લઈ હું કહીશ કે મારી ભૂલ થઈ. મેં એને કેટલીય વાર વાર્યો હતો! ફાલ્ગુની : ગભરાવ નહિ તીરથ, બાપુ તમને કાંઈ નહિ કહે. હું બારણામાં ઊભીઊભી બધું જોતી હતી. બાપુને બધી વાત કરીશ. (છાત્રો એકબીજા સામે માર્મિક દૃષ્ટિ નાખે છે.) તીરથ : હું ગભરાઉં એવો નથી. આલાપ : પણ તમારે હવે તમારા જૂના ધંધાઓ છોડી કાંઈક રીતે ઉપર આવવું જોઈએ. જો આવું ને આવું કરવાના હો તો ઘેર રહો અને અહીં રહો એમાં કાંઈક ફરક નથી. તમારી ઉપર સ્વામીજીએ મોટી આશાઓ બાંધી છે તે કૃપા કરી એ સાધુપુરુષને નિરાશ કરશો નહિ. અભ્યાસમાં કાંઈક ધ્યાન આપો ધ્યાન. સેવા કરવા માટેય તૈયારીની જરૂર હોય છે. તીરથ : મારે નથી ભણવું; જાવ. તમે બધા મોટી સેવા કરવાના છો તે કોઈક તો એવા જોશે ને કે જેની સેવા કરવી પડે? મારે સુધરવુંય નથી, પછી? મરાલ : તો અહીં રહી શા માટે સમાજના પૈસા બગાડો છો? ફાલ્ગુની : તેની ચિંતા તમારે નથી કરવાની બાપુ એ બધું જોઈ લેશે. (બન્ને ધૂંધવાતા સામસામે જુએ છે.) મરાલ : ચાલ આલાપ, જઈએ. આલાપ : જી. ચાલ બંસી : (પ્રવેશ કરી તીરથ સામે ઊભો રહે છે.) તીરથ, ચાલો સ્વામીજી બોલાવે. તીરથ : કહો સ્વામીજીને કે તીરથ નથી આવતો. બધા : અપમાન, સ્વામીજીનું અપમાન! બંસી : આવા બબૂચકને શા માટે સંઘર્યો હશે ! (ત્રણેય છાત્રો ચાલ્યા જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે.) ફાલ્ગુની : ખૂબ અંધારું થઈ ગયું. ચાલો, દીવો લઈ આવું. અને પછી આગળનો પાઠ આપું. તીરથ : તમે બેસો, મારી પાસે બત્તીયે છે અને બાકસેય છે. (દીવો પેટાવતાં) પણ આજે પાઠ નથી લેવો. ફાલ્ગુની : કેમ? તીરથ : મારે નથી ભણવું (દીવો પેટાવી ટેબલ ઉપર મૂકે છે.) ફાલ્ગુની : (આરજૂથી) એ નહિ ચાલે, ભણવું તો પડશે જ. તમે ભણી લેશો એટલે આપણે સાથે કામ કરીશું. તીરથ : મારે કામ નથી કરવું. મને કેટલીય વાર એમ થાય છે કે અમે છીએ તેવા જ સારા છીએ. (ફાલ્ગુની સામે ખુરશીમાં બેસે છે.) ફાલ્ગુની : પણ તમને કોણ કહે છે કે તમે ખરાબ છો? તીરથ : બધા જ. ફાલ્ગુની : બધા જ એટલે કોણ? આ બધાં? એમનું માનવાનું નથી. મેં તમને કદી ક્યાં ખરાબ કહ્યા છે ? (આશાથી જોઈ રહે છે.) તીરથ : તમે એક ન કહો તેમાં શો દિ’ વળ્યો? (ફાલ્ગુની સહેજ નિરાશ થાય છે.) પણ પલાશને ખૂબ ખોટું લાગ્યું હશે, નહિ? ફાલ્ગુની : ખૂબ જ. વળી, મેં એ જોયું એથી વિશેષ. તીરથ : તમને એ ચાહે છે, નહિ? ફાલ્ગુની : તમને કોણે કહ્યું? તીરથ : મને એવું લાગે છે. કહ્યું તો કોઈએ નથી. ફાલ્ગુની : (નીચે જોઈ) ખરું છે. તીરથ : અને મને એ શા માટે તિરસ્કારે છે તેનું પણ મને કારણ જડ્યું છે. તમે હવેથી મારી પાસે આવવાનું બંધ કરો તો? ફાલ્ગુની : (માથાનો ઉછાળો આપતાં એની વેણી વિંઝાય છે.) શા માટે? તીરથ : તમેય એને ચાહો છો, નહિ? ફાલ્ગુની : તમને નહિ ગમતું હોય તો નહિ આવીએ. તીરથ : (ઊભો થઈ જઈ) જુઓ, એમ નહિ. એમ ખોટું ન લગાડશો. મને તો તમે આવો છો તે ખૂબ ગમે છે. તમને જોઉં છું અને મને મારા ગામની એક છોકરી યાદ આવે છે, અને આખા દિવસનો અણગમો ઓસરી જાય છે. પણ મારાથી પલાશનું પડી ગયેલું મોઢું નથી ખમાતું. ફાલ્ગુની : (ઊંડા અને માટે જ અવ્યક્ત વિષાદથી) કોઈ છોકરી? કોણ એ તો કહો? કોઈ મારા જેવડી? તીરથ : (ફરતાંફરતાં સહજ તાનમાં) તમારાથી સહેજ નાની. ફાલ્ગુની : ખૂબ સુંદર હશે. તીરથ : સાધારણ. તમારા જેટલી તો નહિ જ. ફાલ્ગુની : મીઠો કંઠ હશે, નહિ? તીરથ : કેટલીક વખત હું રાવણહથ્થો બજાવું છું ત્યારે ગાય છે ખરી. પણ તોય તમારા જેવું મીઠું નહિ. એવું અઘરું-અઘરું તો એ બિચારીને આવડે પણ નહિ. ફાલ્ગુની : ઠીક, એક બીજી વાત. હું ગાઉં છું એ તમને ગમે છે? અમારા બેમાં તમને વધારે કોનું ગાવું ગમે? તીરથ : સારું તમારું લાગે; પણ ગમે તેનું. પણ એવું એવું શા માટે પૂછો છો? જુઓ, (સહજ આનન્દમાં આવી જઈ) હું કોયલ બોલાવું. ના, ના, ચીબરી. તમને ખબર છે, મને લગભગ બધાં પંખીઓની બોલી આવડે છે? તમે કહો તે બોલાવું. ફાલ્ગુની : મોરલો. તીરથ : મોરલો? ના, તમે કહેતાં હતાં ને કે અમુક રાગ અમુક વખતે જ ગવાય? તેમ જ અમુક પંખી અમુક વખતે જ બોલાવાય. મુશળધાર વરસાદ વરસતો હોય ત્યારે મોરલો રણકી ઊઠે. ફાલ્ગુની : એમ કહો કે હું કહું એ તમારે નથી કરવું. તીરથ : આજે તમને શું થયું છે? આમ વાતવાતમાં ખોટું લગાડો છો તે? ફાલ્ગુની : મનેય ખબર પડતી નથી કે મને શું થયું છે. પણ કંઈ થયું છે તેટલું ચોક્કસ. તીરથ : મારી ગમગીની ઊડી તો તમને એનો પડછાયો પડ્યો. ચાલો કાંઈક ગાઉં, તમને ગમે તેવું! તમે ખુશ થશો. (એકતારો ઉપાડી બારી પાસે જાય છે અને વગાડવો શરૂ કરે છે.) તીરથ : પર્વતમાંથી ધોધવો દોડ્યો, વીંધતો વગડા-વાટ : વીંધતો વગડા-વાટ : એકબીજાને અડવા-રડવા, તીર કરે રઘવાટ : વહે તેમ વેગળા થાતા! પદે પદે ભેદ લંબાતા! (ફાલ્ગુની નિસાસો મૂકે છે. તીરથ બારીમાંથી મુખ ફેરવી તેની સામે જોઈ રહે છે.) તીરથ : તમને શું થયું છે આજે, કહેશો? મારું ગીત પણ ગમ્યું નહિ? ફાલ્ગુન : ગમ્યું તો ખરું, પણ.... તીરથ : પણ શું? કેમ અટકી ગયાં? ફાલ્ગુની : મને એમ થયું કે તમે ગાવ છો મારી પાસે, પણ ગાવ છો કોઈ બીજા માટે! તીરથ : બીજા માટે? હું ન સમજ્યો. અહીં આસપાસમાં તો કોઈ નથી એવો મારો ખ્યાલ છે. ફાલ્ગુની : આસપાસ કોઈ નહિ હોય, પણ કોઈ ખૂબ પાસે છે, અંદર છે. પણ તમને છૂટ છે તેમ કરવાની. જેમ પલાશ મને બાંધી ન શકે તેમ હું તમને બાંધી ન શકું, અને તીરથ... (અટકી પડે છે.) તીરથ : એમ વચ્ચેથી વાત અધૂરી ન મૂકો. ફાલ્ગુની : હું એમ કહેતી હતી તીરથ, કે તમારા કહેવા પ્રમાણે હવેથી હું તમારી પાસે આવવું બંધ કરીશ. આજ નહિ તો આગળ મળશું એ આશાએ દોડી રહેલા તમારી ગીતની નદીના બે કાંઠાઓ જેમ વધારે ને વધારે વેગળા થતા જાય છે તેમ આપણુંય થાય! —અને પછી તો મારાથી એ ન સહાય! જો મળવાનું નિર્માણ હોત તો પહેલેથી મળી ગયાં હોત! વળી પલાશનેય ખૂબ ખોટું લાગે છે. તીરથ : ફાલ્ગુની.. ફાલ્ગુની : હવે કાંઈ નહિ, ગમે કે ન ગમે. ફાલ્ગુનીએ તો પલાશના વડવાનળમાં જ શાંતિ મેળવવાની હોય. તીરથ, ત્યારે હું જાઉં. કાંઈ ખપ પડે તો મને કહેજો. અચકાશો નહિ. (જવા જાય છે. બારણામાંથી આવતાં વિદુર સામે મળે છે.) વિદુર : તું અહીં છે, બેટા? તારી બાએ તો તને શોધવા આખો આશ્રમ શોધી કાઢ્યો. ફાલ્ગુની : મને માફ કરો બાપુ. હવેથી હું અહીં નહીં આવું. વિદુર : હું એમ નથી કહેતો, બેટા. ફાલ્ગુની : હું પણ એમ નથી કહેતી. હું કહું છું માત્ર એટલું કે ફરી કદી અહીં નહીં આવું. (ચાલી જાય છે.) વિદુર : (સહેજ કડક થઈ) આટલા અંધારા સુધી આશ્રમકન્યા સાથે એકલા રહેવું સારું નહિ, સમજ્યો તીરથ? તીરથ : (રોષે ભરાઈ) આ મારો ઓરડો છે, અને મેં એમને અહીં બોલાવ્યાં નહોતાં. તમે ઇચ્છો તો એમને બંધબારણે પૂરી રાખી શકો છો. સમજ્યા? બાકી મારા ઓરડામાં જેમ તમને આવવાની છૂટ છે તેમ તેમને પણ છે. પણ હવે એમ કરવાની જરૂર નહિ રહે. એમણે જાતે જ કહ્યું. તેઓ નહિ આવે. (ખીંટી ઉપરથી કપડાં ઉતારી ઢગલો કરવા લાગે છે.) વિદુર : શું કરે છે, તીરથ? તીરથ : કપડાં બાંધું છું. વિદુર : શા માટે? તીરથ : પલાશને આજે મેં માર્યો એટલે હવે તમે મને અહીં નહિ રાખો એમ કોઈક કહેતું હતું. તમે કાઢો તે પહેલાં હું જ ચાલ્યો જઈશ. જોકે એમાં મારો કશો વાંક નહોતો. વિદુર : મેં તને જવાનું ક્યાં કહ્યું છે? તીરથ : પણ કહેવાના છો ને? વિદુર : ના. તીરથ : ના? પણ મેં પલાશને માર્યો ને? વિદુર : તેનું કશું નહિ. માત્ર મેં તને બોલાવ્યો ત્યારે તું ન આવ્યો એ અઘટિત થયું છે. એનુંય કાંઈ નહિ, પણ આજે તો હું તારી પાસે કંઈક બીજી જ વાત કરવા આવ્યો છું. જો આમ આવ; મારી પડખે બેસ. (તીરથને પડખામાં લઈ ખાટ ઉપર બેસે છે.) વિદુર : જો તીરથ, તારી ઉપર મેં મોટી આશાઓ બાંધી છે. જીવનનું સ્વપ્નું તારી દ્વારા મારે ફલિત કરવું છે. પણ એને માટે તારે દિવસ-રાત મહેનત કરવી પડશે. સૌથી પહેલાં સામાન્ય જ્ઞાન અને જીવનની સંસ્કારિતા, પછી સમાજશાસ્ત્ર, અને છેલ્લે જે ખાસ વર્ગની સેવા કરવાની છે તે વર્ગના પ્રશ્નોનું ઊંડું ચિંતન અને મનન. આટલું બધું ભાળી ભડકતો નહિ. બધું ધીરેધીરે આવી જશે. વળી તારામાં પ્રાણ છે. માત્ર તેને યોગ્ય દિશા-સૂચનની જરૂર છે. તે હું કરતો રહીશ. પણ તારે અભ્યાસ માટે પ્રમાણિક પ્રયત્ન કરવો પડશે. કરીશ ? તીરથ : હા. વિદુર : વચન આપે છે? તીરથ : ના. વિદુર : કેમ? જે કરવું જ છે તેનું વચન આપવામાં શો વાંધો? તીરથ : વચન પળાયું કે ન પળાયું! વિદુર : એનો તો નિશ્ચય કરવાનો છે. તીરથ : ઠીક; મને વિચાર કરી જોવા વખત આપો, એક દિવસ પછી જવાબ આપીશ. વિદુર : વિચાર પૂરતો કરી જો, એક દિવસ શું, એમ તો આખું અઠવાડિયું ખમવા હું તૈયાર છું. ચાલ ત્યારે, જાઉં હું તો. આજે મારી બેનનું માથું ચડ્યું છે. (ઊભો થાય છે.) એક વાત કરી દઉં. છોકરીઓની મૈત્રી એ કાંઈ ખરાબ વસ્તુ નથી. પણ એમાં જોખમ રહેલું છે. એથી મન વિલાસી બને છે અને પુરુષાર્થ હણાય છે. પરિણામે જીવન વેડફાઈ જાય છે, સમજ્યો? મને થયું કે શરૂઆતથી જ તને ચેતવી દઉં. (વિદુર જાય છે. બે હાથમાં માથું દાબી નીચે વદને તીરથ ક્યાંય સુધી બેસી રહે છે. પછી) તીરથ ન: (ઊભા થઈ જઈ) ના, ના, ના; પુરુષાર્થ ત્યાં ઘડાય છે. તોફાનની આ કૂટાકૂટ કરતી શક્તિ એ જ પ્રેરે છે. (બારીમાં જોઈ રહે છે. થોડી વારે) પણ આમ ક્યાં સુધી? અહીં રહ્યે શો લાભ? નથી આ લોકો જેવો થવાનો કે નથી મારા જેવો રહેવાનો. એના કરતાં હું જ રહું એ શું ખોટું? (ફરી પાછો બારીમાંથી બહાર તાકવા લાગે છે, થોડી વારે એ એકતારો ઉપાડી ગાવું શરૂ કરે છે.) હાથ હતા વણકેળવ્યા મારા, કંઠમાં ખૂબ કચાશ : કંઠમાં ખૂબ કચાશ : જાણું નહિ. આજ એકતારામાં, કોણ ઉપાડતું શ્વાસ? બાંધ્યા કોઈ કોયલે માળા! ગળામાં આજ રૂપાળો! જૂનો થયો જરી એકતારો ને, વાંસમાં ઊપડી ફાટ : વાંસમાં ઊપડી ફાટ : ખોખરી ખૂંટીએ ગૂંચળાં લેતા, તારને ગાળતો કાટ : કોઈ તોય તૂંબ છૂપાણું! ગવાડતું ગેબનું ગાણું! અભિજિત : (અંદર આવી) આવું કે? — મારી પહેલાં આવી ગયેલાં લોકોથી કંટાળો ન ચડ્યો હોય તો? તીરથ : (કમને મુખ ફેરવતાં) ચડ્યો છે; પણ તમે આવી શકો છો. અભિજિત : જરા ધીરજ રાખીશ તો તને સમજાશે કે મારાથી કદી કંટાળો ન ચડે! તીરથ : (એકતારો ટેબલ ઉપર મૂકી, ખુરશી ખસેડી) બેસો, પ્રોફેસર સાહેબ, આટલી મોડી રાતે સબળ આવ્યા? અભિજિત : તને એક વાત કહેવા આવ્યો છું. તીરથ : વળી શું છે? અભિજિત : ગભરા નહિ. જો, પહેલાં આપણે ધુમાડા કાઢી લઈએ. ધુમાડા વગર વાતાવરણ જામતું નથી અને વાતાવરણ વિના ન કહેવાય એવી આ વાત છે. (સિગારેટ સળગાવી એ તીરથને આપે છે અને પોતે સિગાર પીવી શરૂ કરે છે, જોતજોતામાં ઓરડો ધુમાડાથી ભરાઈ જાય છે.) અભિજિત : હવે વાતાવરણ જામ્યું! જો તને હું એમ કહેવા આવ્યો છું કે હું તને ચાહું છું. (તીરથ ચમકે છે.) અભિજિત : ચમક નહિ, ફિલસૂફોનો પ્રેમ પ્રદર્શિત કરવાનો પ્રકાર પણ ન્યારો હોય છે. માટે તો કોઈ ફિલસૂફ હજી પ્રેમમાં સફળ નથી થયો. ચાહવાનો અર્થ એમ નથી કરવાનો કે હું તને પરણવા માગું છું. જાતિનો વાંધો ન સ્વીકારીએ તોય આપણી વચ્ચે વયનું ઘણું અંતર છે. વળી ફિલસૂફોને લગ્ન વિશે તો બહુ માઠો અનુભવ છે. ઓથેન્સનો સોક્રેટિસ અને મહારાષ્ટ્રનો તુકારામ બૈરીને લીધે બેવડા થવાને બદલે અડધા થઈ ગયા, બિચારા. હું તો તને એમ સમજાવવા માગું છું કે તું એમ નહિ માનતો કે તને ચાહનારું અહીં કોઈ નથી. ન ગમે ત્યારે મારી પાસે રહેજે. વળી બીજી વાત જો, વિદુરની વાતોમાં બહુ માનતો નહિ, એ ધાર્મિક છે અને માટે મૂરખ છે. તારે સુધરવાપણું છે જ નહિ, કેમ કે તું બગડ્યો જ નહોતો! (થોડી વાર અભિજિત ધુમાડાના ગોટાઓ તરફ જોઈ રહે છે. તીરથ આશ્ચર્યમાં બીડી પીવાનું ભૂલી જાય છે એટલે બીડી એના હાથમાં જ ઠરી જાય છે. અભિજિતનું ધ્યાન જાય છે.) અભિજિત : તારી બીડી તો હોલાવઈ ગઈ. સાધનાની જેમ બીડીનું પાન પણ સતત ચાલવું જોઈએ. એમાં ક્ષતિ થઈ કે ફળની જેમ તણખો અલોપ થઈ જવાનો. લાવ સળગાવી આપું. (પોતાની સિગારના ટોપકાને તીરથની બીડીનું ટોપકું અડાડી સળગાવે છે.) બાઈબલમાં વાક્ય છે કે દીવામાંથી દીવો પ્રગટે, (બીડી સળગાવી તીરથના હાથમાં ન આપતાં એના મોંમાં જ પાધરી ખોસે છે.) મારેય એક દીકરો હતો. તારી જેવી જ એની આંખો. તારા જેવડો થયો અને માળો મરી ગયો. તને જોઉં છું ત્યારે તે યાદ આવે છે. (વળી ધુમાડા સામે જોઈ રહે છે. થોડી વારે સિગારને ખુરશીના હાથા સાથે ઘસી ઠારી નાખે છે. ઠૂંઠું ફેંકી દેવા બારીમાં જાય છે. થોડી વાર ત્યાં થંભી જાય છે.) અભિજિત : હું અંદર આવ્યો ત્યારે તું આ બારીમાંથી બહાર જોતો હતો, નહિ? તીરથ : હા. અભિજિત : બારી વસ્તુ જ એવી છે કે એમાંથી બહાર જોવાનું મન થાય. એમાં તારો વાંક નથી! બારી વિનાના ઘરની કલ્પના જ કેટલી દુ:ખદ છે? (થોડી વારે) અને તું કાંઈક ગાતો હતો, નહિ? તીરથ : હા. અભિજિત : હવે તો ચંદ્રમાએ પણ કોર કાઢી છે. એના ઝાંખા પ્રકાશમાં નદીને પેલે પાર ઊભેલા ધૂંધળા કૂબાઓ દેખાય છે. આમ આવ ને? ત્યાં શું ઊભો છે? જો પેલો ધુમાડો દેખાય. કોઈ આપણી જેમ ત્યાં બેઠુંબેઠું બીડી પીતું હશે, નહિ? (તીરથ નિસાસો મૂકે છે.) અભિજિત : સામાં ઝૂંપડાં યાદ આવે છે ત્યારે તને કાંઈક થાય છે, નહિ? શું થાય છે તે સમજાવી શકે? (થોડી વારે) જો, મને વાત કહેવાય, હોં! જેમ મને તારામાં મારો દીકરો દેખાય છે તેમ તને મારામાં તારો બાપ દેખાવો જોઈએ. એટલે તો રોજ બીડી પાઉં છું. તીરથ : (હસે છે; પાસે જાય છે.) એક વાત પૂછું, સાહેબ? અભિજિત : ખુશીથી. મને થાય છે કે કોઈ આવીને મને ચોવીસે કલાક પ્રશ્નો પૂછ્યા કરે. મારી પાસે જવાબોનો ખજાનો ભર્યો છે. કેટલાક તો પ્રશ્ન વિનાના માત્ર જવાબો જ છે; તું માનીશ? પણ એક વાત. હવેથી સાહેબ નહિ કહેતો, હોં! પ્રોફેસર! બસ! તીરથ : ઠીક પ્રોફેસર, એમાં કશું ખરાબ ખરું? અભિજિત : એમાં એટલે શેમાં? તીરથ : (ઝૂંપડાંઓ તરફ હાથ કરી) એમાં! અભિજિત : (તીરથને ખભે હાથ મૂકતાં) ના રે! કદાચ એના સિવાય બીજા બધામાં ખોટું છે. નહિ તો સિંધુ નદીના પૂર જેટલું એમાં જોર ક્યાંથી હોય? જગતમાં શક્તિ એટલી સારી; અશક્તિ એટલી અનીતિ! તીરથ : ત્યારે એક વાત મેં કોઈને નથી કરી તે તમને કહું. હું આજે રાત્રે અહીંથી ભાગી જવાનો છું. અભિજિત : શક્તિથી ભાગી જવાનો છે કે દુર્બળતાથી? તીરથ : શક્તિથી. અભિજિત : બસ; ત્યારે કોઈને પૂછવાની જરૂર નથી. પણ ભાગીને શું કરીશ? અહીં રહ્યોરહ્યો નિરાંતે ભણને! મનેય શાંતિ રહે! પણ ભૂલ્યો. મેં જ હમણાં ઘડી પહેલાં કહેલું કે તારે માટે ભણવાનું ન હોય કાં? તારી મરજી! તીરથ : અને એક બીજી વાત કરી લઉં. પેલું પલાશવાળું ઈંડું પણ ઉપાડતો જવાનો છું. એ ઈંડું મારા અને આરતીના પાળીતા મોરનું છે. બાપુને મેં એ ન વેચવા બહુએ વિનવ્યા હતા; પણ માન્યા નહિ. ખરું કહું તો મને મારા બાપુ કરતાં તમે વધારે ગમો છો અને મારી બા ઉપર પણ મને હવે તો રોષ ચડ્યો છે. કદાચ એને મારામાં રાગ નથી. નહિ તો ગઈ કાલે જ્યારે એ મળવા આવી ત્યારે મને કલાકો સુધી રડતો જોવા છતાં પાછો લઈ ગયા વિના કેમ રહી શકે? અભિજિત : એ તો તું જાણે! પણ તું તારા પિતાની વાતો કરે છે ત્યારે કોણ જાણે કેમ પણ મને નથી ગમતું. તીરથ : ત્યારે હું નાસવાની તૈયારી કરું. (એકતારો લઈ) આ એકતારો? બીજું શું લેવાનું હોય? સિદ્ધો પહોંચવાનો એને કૂબે, અને બજાવવાનો એકતારો, કોશેટાના કીડાની માફક એ કૂબામાં જ ગુંજી ઊઠશે અભિજિત : સામે ન થવાય એટલો જોરદાર પ્રવાહ છે, નહિ? પણ વાંધો નહિ, એ તાણ અંતરમાં એવું જ અદમ્ય જોમ પેદા કરે છે, જે આખરી બલિદાનમાં પરિણમે છે. પણ ચાલ, હુંય આ ઓરડામાંથી ભાગવાની તૈયારી..... તીરથ : પહેલાં હું, પછી તમે. (તીરથ નીકળી જાય છે. અભિજિતના હાથ બીડી ખોળવા ડબામાં ફંફ મારી રહે છે.) અભિજિત : સાળી બીડીયે ખલાસ થઈ ગઈ છે.!

(ડબલું પછાડી ચાલતા થાય છે.)


અંક બીજો દૃશ્ય પહેલું


(સ્થળ : સેવાશ્રમની પાન્થશાળા, કાળ : પખવાડિયા પછીની એક ઊગતી રાત. રચના : પહેલા અંકના પહેલા પ્રવેશની પ્રોફેસર અભિજિત ખુરશી ઉપર બેઠા છે. લાકડાના ચોખૂણ ઉપર મઢેલા રેશમના ફલકનો ઉપરનો ભાગ ટેબલ ઉપર ટેકવી છેડાને ગોઠણ ઉપર ગોઠવી કાંઈક ચીતરી રહ્યા છે. પડદો ઊપડે છે ત્યારે એકબે આંચકા આપી ટેબલ ઉપર ચિત્રને ગોઠવે છે, અને પછી સહેજ દૂર જઈને ધારી ધારીને જુએ છે.) અભિજિત : મનની મૂર્તિ! બૂઢાપામાં આ ઠીક લીલા આદરી છે. ફરીને આવ્યો અને ઓચિંતું પહેલાંની જેમ ચીતરવા બેસવાનું મન થયું. શું ચીતરવું છે તેની ખબર નહોતી; છતાંય પેટીમાંથી કાટ ખાઈ ગયેલી જરીપુરાણી રંગપેટી કાઢી અને લબકા મૂકવા લાગ્યો. આકૃતિ ખલાસ થઈ ત્યારે ખબર પડી કે અંતરમાં કોની અસ્પષ્ટ છાયાબી જામતી જતી હતી! (નજીકમાં જઈ વળી બેચાર વળાંકો આપે છે. પાછા દૂર જઈ) ના; જેમ હતું તેમ જ સારું હતું. દુનિયામાં જેમ હોય છે તેમ જ સારું હોય છે. સુધારવા જઈએ છીએ અને છબરડો વાળી મૂકીએ છીએ. માટે તો હું માનું છું કે Ethics Normal science મટી Natural science થાય; નીતિશાસ્ત્ર આદર્શવિવેચક વિજ્ઞાન મટી, પ્રાકૃતિક વિજ્ઞાન બને તો સમાજનું પોણું ઝેર ઊતરી જાય — અને એ natural science થયું એ ભેગું એનું અસ્તિત્વ ગયું. એનું અસ્તિત્વ ગયું કે સમાજનું શેતૂર પ્રફુલ્લ થયું. નીતિશાસ્ત્રનો સ્વભાવ રેશમના કીડા જેવી હોય છે. શેતૂર ખૂબ કોળે એવી એની ભાવના હોય છે; પણ સ્વભાવ પાંદડાં કરડી ખાવાનો હોઈ શેતૂરનો નાશ પણ એ જ કરે છે. (ચમકી) પણ આ વિચારો ક્યાંથી આવ્યા? હવે આગળ ચિત્ર કરવું અશક્ય થઈ પડ્યું. આમ જ રોજ મમરો મુકાય છે. આરંભું છું કાંઈક અને અંત કોઈ બીજી જ વસ્તુનો આવે છે. (સિગાર સળગાવી ચિત્રને ખોળામાં લઈ બેસે છે. શરૂઆતમાં ચિત્રની સામે જોઈ રહે છે. થોડી વારે મોઢું આપોઆપ ઊંચું થઈ જાય છે અને ધુમાડાઓ તરફ તાકવા લાગે છે.) પણ એ જ ખરી વસ્તુ છે. જેમ જેમ વિચાર કરતો જાઉં છું તેમતેમ વધારેને વધારે સ્પષ્ટ થતું જાય છે કે જ્ઞાન માત્રના સર્વ પ્રમાણો અંતે એક જ અવસ્થામાં આવી મળે છે. એ અવસ્થા શૂન્ય સ્વભાવની છે. એને અસ્તિત્વ નથી છતાં એ છે. આમ મોટા મૂર્ખાઓ હોવા છતાં વેદાન્તીઓની શૂન્યની કલ્પના આહ્લાદક છે! (એમની વિચારમાળા ધોળાય છે એ દરમ્યાન બંસી, મરાલ, અશોક, પલાશ અને આલાપ આવી લાગે છે. પ્રોફેસરનું ધ્યાન ન જવાથી બે ઘડી મૂંગા ઊભા રહે છે. અભિજિત ધુમાડાનાં ગૂંચળાઓમાં જોઈ રહ્યા છે.) અંતે બધું એકાત્મમાં પરિણમે છે. પદાર્થની આત્યંતિક સ્થિતિ પરમાણુ છે એ સંકલના ખોટી ઠરી અને અંતે સૌ આવીને ઊભા રહ્યા શક્તિ, Energy, ઉપર! કળામાં પણ એમ જ બન્યું. આકૃતિની સપ્રમાણતા, ઋજુતા, — એ બધું ઊડી ગયું અને શ્રેષ્ઠ આંગળીઓની શક્તિની મૂલવણી આકૃતિના છંદમાં, વેગમાં થવા લાગી. બધે એ જ વિચારોનાં ગૂંચળાં! — મારી સિગારના ધુમાડા જેવાં! પલાશ : (આગળ આવી) શું વિચાર કરો છો પ્રોફેસર? અમે ક્યારના આવી ઊભા છીએ, હો! અભિજિત : (આછું મરકી) ઊભા હો તો અદબપલાંઠી વાળી બેસી જાવ. કાન નથી પકડાવતો કેમકે હું કેળવણીના આધુનિક વિચારોમાં માનનારો છું. (સૌ હસતાં હસતાં વીંટળાઈ વળે છે.) બંસી : અમે તમારા વિચારોમાં ખલેલ પાડી, ખરું? ધુમાડાના ગોટાઓ વચ્ચે તમારા ભમરને વમળ લેતા અમે જોઈ શક્યા હતા. અભિજિત : (રાખ ખંખેરતાં) ના-આ-રે-ના! એવું કાંઈ નહોતું. હું તો એમ વિચાર કરતો હતો કે Higher Philosophyની જેમ Higher Mathematics 5ણ paradoxesમાં પરિણમે છે. મોટામાં મોટી ત્રિજ્યાવાળું વર્તુળ એટલે સુરેખા! બે સમાન્તર સુરેખાઓ અનન્તમાં મળે ખરી વિશ્વાત્મા અનન્ત છતાં શૂન્ય! બધે જ ઘાણીના બેલની ઘૂમરીઓ. આલાપ : મને તો એમ લાગે છે કે માનવમેધા થાકે છે ત્યારે આવા અવળા ધંધા શરૂ કરે છે. અભિજિત : ના-આ-રે! અવળા ધંધા તો અદમ્ય શક્તિની નિશાની છે. હંમેશાં થાકેલા લોકો રસ્તા ઉપર ચાલનારાં હોય છે. માટે તો વાંદરાંઓને રસ્તા ઉપર ચાલવું પસંદ નથી, પણ ડાળીએ ડાળીએ કૂદકા મારતા કંટાળો ચડતો નથી. એ રીતે માણસો કરતાં માનવીના એ આદિ વડીલો ઊંચા છે. પણ તમે લોકો મને પાટા ઉપરથી ઉતારી પાડો છો. વાતનો વિષય એ નહોતો. હું એમ કહેતો હતો કે ફિલસૂફીનો પરિપાક એટલે શૂન્ય! સૃષ્ટિનાં સામાન્ય આવિષ્કરણોમાં પણ તમે એ જોઈ શકો. વનસ્પતિ માત્રનો મૂળછંદ સુરેખા કે કાટખૂણો નથી, પણ વર્તુલની ક્યારેક અધૂરી તો ક્યારેક સંપૂર્ણ લીલાઓ છે. કળામાંય વળાંકને વધારે પસંદ કરવામાં આવે છે. જો કે પેલા રશિયનોએ હમણાં એક થોડા જૂના ધતિંગને ઝાઝું નવું ચેતન આપ્યું છે? Cubismનું! પણ એ તે કાંઈ કળા છે? કૂતરાના વડછકાં કહી શકાય કદાચ! જે આવ્યો એને ભર બટકું! હું તમને રોજ કહું છું તે યાદ રાખતા નથી? શક્તિમાંથી જે જન્મે તે સારું? અશક્તિની સંતતિ વિકૃત હોય છે. ઈર્ષા, દ્વેષ અને અસૂયા, તિરસ્કાર અને વૈર; —એ માનવસ્વભાવની નિર્બળતાઓ છે. રશિયાની કળા એમાંથી જન્મેલી હોવાથી વિકૃત છે. બંસી : રહેવા દેજો, અભિજિત. આવું જાહેરમાં બોલ્યા તો કોઈ કોમ્યુનિસ્ટ ગોળીએ દેશે. અભિજિત : એ જ ઉપાધિ છે તો! એમની હિંસા પણ અકલામય છે. ગોળી છૂટે છે ત્યારે સીધી લીટી પડે છે. અસલના લોકો ગળાટૂંપો દેતા; એથી ગળા આસપાસની દોરીનો આકાર ગોળ, વર્તુલ, શૂન્ય જેવો ઊર્ધ્વબાહુ થતો. અંતે સઘળું શૂન્યમાં પરિણમે છે! મરાલ : જો બધું જ શૂન્ય હોય તો આટલી બધી ચોરસ વાતો શા માટે કરો છો? જે નથી તે વિશે જ તમે ખૂબ બોલો છો. અભિજિત : માનવીનો એ સ્વભાવ છે. ઈશ્વર નથી માટે તો ઈશ્વર ઉપર લખાયું—બોલાયું છે તેટલું બીજા કશા ઉપર નથી થયું. પણ જે નથી તે શૂન્ય અનન્ત છે. તમે ફર્યા જ કરો! ફર્યા જ કરો! પણ કદી વર્તુલનો છેડો હાથ લાગવાનો છે? શૂન્ય વસ્તુ જ એવી છે કે એનો વિસ્તાર અનો હોવાથી એની પરિણતિ પણ અનન્ત જ રહે! નીતિશાસ્ત્રનો જ દાખલો લો! (બીડી ઠારીને નાખી દે છે. બીજી સળગાવી ધુમાડા કાઢવા લાગે છે.) અશોક : જો નીતિશાસ્ત્રને સમૂળગું જ ઉડાડી દ્યો તો સમાજ ટકશે શી રીતે? વર્તનનું કાંઈક ધોરણ તો હોવું જોઈ એ ને? અભિજિત : તમે ધારો છો ત્યાં આપણો વિરોધ નથી. આપણો વિરોધ તો અહીં છે : તમે કહો છો કે વર્તણૂકને — કે જેને હું આદતી રાર્જનશક્તિ કહું છું. — કાંઈક ધોરણ હોવું જોઈએ. હું કહું છું, એને ધોરણ છે જ. નીતિશાસ્ત્ર નૈસર્ગિકતાના ધોરણે રચાવું જોઈએ — એટલે કે નિસર્ગ પોતાનું કામ કરતી હોવાથી એમાં આપણે માથું ન મારવું જોઈએ. બાઈબલમાં ઈવ-આદમ અને જ્ઞાનફળની જે કથા છે તેનો અર્થ બીજો શો છે? એનો અર્થ તો એ કે આદમ અને ઈવ જેવાં હતાં તેવાં સારાં હતાં. સુધરવા ગયાં, જ્ઞાન પામવા ગયાં, — કે સત્યાનાશ વળ્યું. એટલે તો હું કહું છું કે દલિતવર્ગોને તમારા શબ્દોમાં, હોં! — જેવા છે તેવા જ રહેવા દો! સુધારવા જશો તો શું કરી બેસશો તેની કલ્પના છે? — તમારા જેવા! પણ તમે કોઈએ મારું માન્યું નહિ અને ભેગા થઈને તીરથને ભગાડી મૂક્યો. મરાલ : ક્યાંની ક્યાં વાત લાવી મૂકો છો? ક્યાં શૂન્ય અને ક્યાં તીરથ? બંસી : બન્ને એક જ છે! તીરથ અને શૂન્ય! અભિજિત : જીવનમાં આજે પહેલી જ વાર તું સાચું બોલ્યો. (સૌ હસે છે.) આલાપ : પણ તમને ખબર છે, અભિજિત, કે તીરથ અહીં જ છે? આશ્રમમાં? અભિજિત : (ચમકથી) ના રે! અશોક : ત્યારે શું? પાંચ દિવસ પહેલાં એનો બાપ એને અહીં પાછો મૂકી ગયો. બિચારાને બાંધીને લાવ્યો હતો! વાંસા ઉપર હજી સોળ છે. અભિજિત : અ ર્ ર્ ર્ ર્! (તરત જ) પણ અહીં છે તો મારી પાસે કેમ નથી આવતો? અશોક : કેમ કે ઓરડામાંથી બહાર નીકળવાની કે નીચે ઊતરવાની સ્વામીજીએ એને બંધી કરી છે. અભિજિત : શાબાશ તમારા સ્વામીજીને! એને મનમાં એમ હશે કે પુસ્તકાલય ઉપર રહ્યોરહ્યો તીરથ પંડિત થઈ જશે! (થોડી વારે) ત્યારે એનો અર્થ તો એમ થયો કે મારે એને મળવા જવું. (આળસ મરડી, બગાસું ખાઈ ઊભા થાય છે. ચિત્ર ખોળામાંથી દડી પડે છે.) ઓહ! (અશોક નમીને ચિત્ર ઉપાડી લે છે. સૌ ઊભા થઈ અશોકની ખુરશી ઉપર ઝળૂંબતા ટોળું વળે છે.) આલાપ : આ ચિત્ર શેનું છે, પ્રોફેસર સાહેબ? અભિજિત : (આંટા મારતાં) મારે ફરી વાર કહેવું પડે છે કે ‘શેનું છે’ એમ ન પુછાય! કોનું છે એમ કહેવું જોઈએ! પલાશ : ચિત્રમાં મનુષ્યાકૃતિ તો છે નહિ. તો પછી કોનું છે એમ કેમ કરીને પૂછવું? નાળિયેરીના ઝાડ વચ્ચે નાના કૂબાઓ! ઉપર ભૂરું આકાશ અને એમાં એક ભડકો : બે સીમાઓ આકાશને બાથ ભરતા હાથ જેવી ચીતરી છે. આને તમે જો માણસ કહેતા હો તો ભલે! અભિજિત : હું ધારતો જ હતો કે તમને એ નહિ સમજાય. એ ચિત્ર તીરથનું છે. અશોક-પલાશ : તીરથનું? અભિજિત : હા. આલાપ : નીચે નામ નહિ લખો ત્યાં સુધી એ નહિ ઓળખાય. (સૌ હસી પડે છે.) અભિજિત : હાસ્યનો ઉદ્ભવ ટૂંકી દૃષ્ટિમાં, વિસ્તાર છેતરપિંડીમાં અને વિલોપ રુદનમાં થાય છે. આલાપ : એમ નહિ; સમજાવો તો ખરા કે આ ચિત્રને તમે તીરથનું કઈ રીતે કહી શકો છો! તીરથ તો શું, અંદર એકે મંદિર પણ દેખાતું નથી. અભિજિત : જે હોય છે તે નથી દેખાતું; જે નથી હોતું તે જ્ઞાન ગણાય છે. ચિત્રમાં લાલપીળા લીટાઓને નહિ; પણ એ સૌનો મળીને જે એક સૂરસંવાદ જામે છે, જે એક આભા પ્રકટે છે તેને જોવાનું હોય છે, જે કૂબા તરીકે દેખાય છે તે કૂબા છે જ નહિ. નાળિયેરીના સ્તંભો પણ બીજું ગમે તે છે પણ નાળિયેરી નથી. જે દેખાય છે તેની પછવાડે છુપાયેલું અદૃશ્ય જોતાં શીખવાનું છે. અશોક : તો તો જોઈએ છીએ તે સઘળી માયા, નહિ? માટે જ તમે લોકો નિગમની બહુબહુ વાતો કરતા લાગો છો. અભિજિત : એમ જ! બરાબર એમ જ! ધ્રુવતારક સ્થિર લાગે છે પણ તેની ગતિ કોઈ પણ તારા કરતાં ઊતરતી નથી. પૃથ્વીની ધરી એના તરફ તાકે છે એટલે એ સ્થિર લાગે છે. આવતી કાલે કોઈ ઉલ્કાપાત થાય અને ધરીનું ત્રાટક અભિજિત—પેલો આકાશનો તારો; હું નહિ! — સાથે સંધાય તો અભિજિત સ્થિર ભાસે. માટે તો હું કહું છું કે કોઈ તરફ તાકવું નહિ. જેને ધ્યેય કર્યું તે નિષ્પ્રાણ થઈ સ્થિર થઈ જવાનું. (નવી સિગાર સળગાવી આરામખુરશીમાં પડે છે.) કેટલીક વખત તો મને એમ થાય છે કે આખા મનુકુલની બુદ્ધિને સનાતન ચકરીનો રોગ લાગ્યો છે નહિ તો આ સૂર્ય, ચંદ્ર, ગ્રહો, તારા જેવા તેજસ્વીઓ પણ ચક્કર-ચક્કર ફરતા કેમ લાગે? મરાલ : તમારી વાતો સાંભળીને અમારું મગજ ચક્રાવે ચડે છે. પ્રોફેસર, એમ થાય છે કે આવા ગોટાળામાં પડવા કરતાં તમારી પાસે આવવું જ બંધ કરવું. તમે આવ્યા એ પહેલાં એવી મઝા હતી! તમે આવ્યા અને આશ્રમનું અંતર ડોળી નાખ્યું. તીરથ આવ્યો અને આશ્રમનું શરીર ક્ષુભિત થયું. અભિજિત : જે વસ્તુ તને આજે સમજાય છે મરાલ, તેની દિવ્યદૃષ્ટિથી મેં પહેલેથી જ કલ્પના કરી લીધી હતી. મેં વિદુર પાસે મારી જાત સામે અનેક દલીલો કરી હતી. પણ એણે માન્યું નહિ. બાકી અંગત રીતે મને તો સ્તબ્ધ થઈ જીવનના એકધારા પ્રવાહમાં તણાયા કરવા કરતાં સામે પૂર તરવાનો શોખ છે. ભલે તાણ અસહ્ય હોય અને છાતી ફાટી જાય! અમે શૂન્ય- શૂન્ય શા માટે પુકારીએ છીએ, ખબર છે? કેમ કે અમારી અક્કલ ઊડી- ઊડી ને ખૂબ અંતરે પહોંચે છે ખરી; પણ અંતે ખબર પડે છે કે આડી લોખંડની કોઈ અભેદ્ય દીવાલ ખડી છે. એ ન વટાવાય એટલી ઊંચી છે, અને ન ભેદાય એટલી નક્કર છે. આટલું ભાન હોવા છતાં, ઊડી ઊડીને લોખંડની અભેદ્ય દીવાલ સાથે પાંખો અફળાવી અફળાવી પીંખાઈ જવાનો અમને શોખ થાય છે. એ દીવાલ ઉપર ફાંફાં મારતી પાંખો પછડાય છે ત્યારે જે નાદ ઊઠે છે તે નાદમાં અમને જીવનની ધન્યતા લાધે છે. છીછરાં લોકો એ નાદને Cynicism કહે છે. પણ અમે માનીએ છીએ કે નિરાશાના એ નાદ સિવાય ક્યાંય કશું વિશેષ છે નહિ, કેમ કે કશું વિશેષ મળી શકે એમ નથી. પલાશ : ઓછામાં ઓછું રાત્રે તો તમારી પાસે ન આવવું જોઈએ. તમારી વાતો સાંભળીને જઈએ છીએ પછી ઊંઘ આવતી નથી. અભિજિત : (ખડખડાટ હસતાં ઊભા થઈ જાય છે. પલાશ પાસે જઈ એને કપાળમાં એક જોરથી ચુંબન ભરે છે.) અરે! કપાળ બંદ થયું, નહિ? લે આ રૂમાલ; લૂછી નાખ તો! (બધા હસી પડે છે.) પલાશ : બીજો વાંધો નથી, તમારા મોંમાંથી બીડી ખૂબ ગંધાય છે એટલે! અભિજિત : (હસતાં હસતાં આરામખુરશીમાં બેસતાં) સાચું, સાચું, જેણે ચુંબન કરવું છે તેણે બીડી ન પીવી જોઈએ. પણ અધૂરી વાત આગળ ચલાવીએ તો તમારી જેમ શરૂઆતમાં મેંય કેટલીય રાતો, નિદ્રાવિહીન દશામાં ગાળી હતી. કેટલી એની તમને કલ્પના ન આવે! આ ગામમાં જ એ વખતે હું અને વિદુર રહેતા. તમારો આશ્રમ એ વખતે નહોતો. પડખાં ફેરવી ફેરવીને જ્યારે પાંસળીઓ બળવા આવે ત્યારે નદીને કાંઠે ગાઉઓના ગાઉ ફરી વળતો! પણ મને જોઈતું હતું તે જડતું નહિ. દિલમાં એક જ પ્રશ્ન ઊઠ્યા કરતો : આત્યંતિક સત્ય કયું? અંતે... ... અશોક : અંતે શું? કેમ અટક્યા? અભિજિત : હું એમ કહેતો હતો કે અંતે એક તત્ત્વ હાથ લાગ્યું અથવા કહો કે ખાતરી થઈ કે એ જ તત્ત્વ સાચું છું. આલાપ : કયું તત્ત્વ? અમને ન કહો? અભિજિત : એમ ન કહેવાય. પહેલાં તો મારી એક સો ગાયો લઈ જઈ એક વસ જંગલમાં ચરાવી લાવો. પછી બીજે વરસે એક હજાર; પછીને વરસે એક લાખ; પછી એક કરોડ; પછી... પણ અરે, એટલી ગાયો મારી પાસે તો શું, દુનિયા પાસે પણ નહિ હોય! છતાં આશ્ચર્યની વાત તો એ છે કે અસલના ઋષિમુનિઓને અબજો ગાયો હતી. મરાલ : એમ વાત ન ઉડાવો, કયું તત્ત્વ હાથ લાગ્યું તે કહો! અભિજિત : એને માટે તમારે અદબપલાંઠી વાળી એકધ્યાન થવું પડશે. એ કાંઈ જેવું તેવું વાક્ય નથી. જીવનભર સંઘરી રાખવાનું છે, સમજ્યા? સાવધાન! અશોક : ચાલો સૌ સાવધાન છીએ; ઉચ્ચરો! અભિજિત : મને ખાતરી થઈ કે અસત્ય પણ અંતે એક સત્ય છે. બંસી : એવા ને એવા તમે; અને એવી ને એવી તમારી વાતો! નાહક જિજ્ઞાસા પેદા કરી અને કહ્યું ત્યારે કંઈ નહિ! અભિજિત : તમે માનો છો એમ નથી. એ તત્ત્વ ન સમજાય એટલું સહેલું છે; —સહેલું છે સમજ્યા! પણ છોકરાઓ, હવે હું ખૂબ થાક્યો છું. બે-પાંચ મિનિટ સૂઈ જાઉં, તમે ત્યાં સુધી આ બાજુ બેઠા-બેઠા આ ચોપડીઓ જુઓ. આજે જ આવી છે. (એક પછી એક ચોપડીઓ આપતાં) આ જર્મન કવિ ગટેનાં ચિત્રો છે. હમણાં જ એની મૂળ પોથી જડી. આ રિનેસાંના કલાકાર માઈકેલ એન્જેલોના સ્વનીતો છે, અને આ જાણો છો? મારા પોતાના છબરડા છે! ફિલસૂફીમાં પડ્યો તે પહેલાં કવિતાઓ કરતો અને ચિત્રો ચીતરતો. ગમે તો જુઓ! (છાત્રો ખુરશીઓ ખેંચી પુસ્તકો લઈ ખૂણામાં બેસી જોવા લાગે છે. અભિજિત આરામખુરશીમાં ઢળી પડે છે. ઓચિંતો એક હાથ છાતી ઉપર સરી પડે છે. થોડી ક્ષણ સાવ શાંતિ પથરાય છે. છાત્રોની ચોપડીઓનાં પાનાંઓના ચલન સિવાય બીજું કશું હલનચલન નથી.) અભિજિત : (ઊંઘમાં) હા! (સ્વપ્નોનો ભાસ કરાવતો એક આછા પડદા પાછળ પીળી પીતાંબરી પહેરીને અને સફેદ ઉત્તરિય ઓઢીને એક વ્યક્તિ દાખલ થાય છે. કાનમાં કુંડળ છે. પગની ચાખડીઓના અવાજથી આખા ઓરડાને ભરી દે છે. મુખાકૃતિ તેજસ્વી અને માથા ઉપર સુંદર લાંબા વાળ છે. આખા દેહમાંથી કાંતિ નીતરે છે.) અભિજિત : આવવાની તમે રજા માગતા હતા ? આવનાર વ્યક્તિ : જી! અભિજિત : વારુ, પણ તમે કોણ છો એ પૂછું તે પહેલાં મારે તમને બે વાત કહી દેવાની છે. પહેલી : મારાં બારણાં સદાય ઉઘાડાં હોવાથી, સિવાય કે હું ઊંઘતો હોઉ, આવવાની રજા માગ્યા વિના ધસી આવવું. બીજી : તમે ફરી વાર મને મળવા આવો ત્યારે આ ઠકઠક કરતી ચાખડી પગથિયા ઉપર ઉતારતા આવશો. મને એનો અવાજ બિલકુલ પસંદ નથી અથવા તળિયા ઉપર રબ્બર જડાવતા આવજો. આવનાર વ્યક્તિ : પણ અમારી દુનિયામાં રબ્બર થતું નથી. અભિજિત : તમારી દુનિયા? કવિ છો તમે? આવનાર વ્યક્તિ : ના જી. અભિજિત : તો પછી અમારી દુનિયા ને તમારી દુનિયા એવા ચાળા શા? ક્યાંથી આવો છો? આવનાર વ્યક્તિ : સ્વર્ગમાંથી. અભિજિત : સ્વર્ગમાંથી? મારા બાપ! અથવા તમારા બાપ! પણ સ્વર્ગ છે ખરું? તમે જોયું છે એ? આવનાર વ્યક્તિ : હું એમાં સૈકાઓ સુધી રહ્યો છું. અભિજિત : તમે ઊંઘતા તો નથી ને! જાંઘમાં ચોંટિયો ભરી જુઓ તો! આવનાર વ્યક્તિ : ના જી, હું ઊંઘતો નથી. તમારે મારું માનવું જોઈએ, કેમ કે હું કદી ખોટું બોલતો નથી. અભિજિત : મૂરખ નથી તો! એક વખત ખોટું બોલવામાં શો વાંધો છે એમ મનમાં કહી અત્યારે જ બોલતા હો તો શું કરવું? એ રીતે તો આખા જગતનું અસત્ય તમે બોલી શકો અને છતાં યુધિષ્ઠિરની જેવા ધર્મરાજ ગણાઈ શકો. લુચ્ચો, આખી દુનિયાને બનાવી ગયો. પણ વાતવાતમાં રહી ગયું. કહો, શુભ નામ! આવનાર વ્યક્તિ : હરિશ્ચંદ્ર. અભિજિત : તે બાપ બાપ હતા કે નહિ? દુનિયામાં તો હજારો હરિશ્ચંદ્ર થઈ ગયા છે. હરિશ્ચંદ્ર : બાપનું નામ તો ભૂલી ગયો છું. પણ દુનિયાના લોકો મને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર કહે છે. અભિજિત : બહુ અનુકૂલા-સ્મૃતિ રાખતા લાગો છો. બાપને ભૂલી ગયા પણ બિરુદને નહિ ભૂલ્યા. જુઓ એક વાત કહું. હું તમને બેસો એમ નથી કહેવાનો. બેસવું હોય તો બેસજો, અને ઊભા રહેવું હોય તોય ઓરડો પૂરતો ઊંચો છે. તમારા મનમાં ખ્યાલ હશે કે ‘હું હરિશ્ચંદ્ર છું’ એમ કહીશ એટલે લોકો ઓછા ઓછા થઈ જશે. બીજાની બાબતમાં સાચું હોય તોય મારે મન તમારી કોડીનીય કિંમત નથી. હરિશ્ચંદ્ર : હું કાંઈ મારી કિંમત કરાવવા નથી આવ્યો. જુઓ (પાસે જઈ ખુરશીનો દાંડો પકડી નમીને ઊભા રહે છે.) આજે તમને હું મારી અનુમતિ દેવા આવ્યો છું અને મને લાગે છે કે એ વિષયમાં મારી અનુમિત બહુ વજૂદની થઈ પડશે. અભિજિત : તમે શું કહેવા માગો છો? હરિશ્ચંદ્ર : હું એમ કહેવા આવ્યો છું કે તમારી સત્યની ફિલસૂફી સાચી છે. અભિજિત : એટલે? હરિશ્ચંદ્ર : એટલે અસત્ય પણ આખરે એક સત્ય છે એ તમારા કથન સાથે હું મળતો થાઉં છું. અભિજિત : આટલા સૈકાઓ વેડફ્યા પછી પણ તમે અંતે એમ માનતા થયા છો તેથી મને તમારા વિશે હવે સહેજ આશા બંધાય છે. આ નવીન સૂઝેલા પંથે આગળ જશો તો કદાચ તમારો ઉદ્ધાર શક્ય છે. તો તો પછી આપણે થોડા જ સમયમાં મળશું; — નરકમાં! હું માનું છે કે સ્વર્ગમાં કાંઈ ઝાઝું સુખ નહિ હોય! હરિશ્ચંદ્ર : ના-આ-રે! જરાય નહિ! માટે તો મને મહાન અનુતાપ થયો છે. સ્વર્ગના સુખની આશામાં મેં દુનિયાનુંય સુખ ગુમાવ્યું અને રહ્યો ત્રિશંકુની માફક લટકતો. જાતને વેચી, પુત્રને વેચ્યો અને બૈરીને પણ વેચી! અત્યારે એમ થાય છે કે એક આટલુંક અસત્ય બોલ્યો હોત તો કાંઈ નહોતું! — વળી અભિજિત : (વચમાં જ) તમને એમાં અસત્યની શક્તિનાં દર્શન નથી થતાં! શક્તિશાળી એટલું શુભ! દુર્બળતા ભરેલું એટલું અશુભ. હરિશ્ચંદ્ર : થાય છે સ્તો! પણ એ તો હવે! અને હવે તો બહુ મોડું થયું! પણ હું એમ કહેતો હતો કે અત્યારે તો મને એમ પણ થાય છે કે સત્યને જેમ સ્વતંત્ર વ્યક્તિત્વ હતું તેમ મારા પુત્રને અને પત્નીને પણ હતું. એટલે સત્યના વ્યક્તિત્વ માટે પુત્ર-પત્નીનો ભોગ આપ્યો તેના કરતાં પુત્રપત્નીના વ્યક્તિત્વ માટે સત્યનો ભોગ આપ્યો હોત તો તે ક્રિયા વધારે મહાન થાત — ગૌરવવાન થાત! અથવા ટૂંકમાં સત્ય ખાતર પુત્રપત્નીના વ્યક્તિત્વ ઉપર તરાપ મારવાનો અધિકાર મને નહોતો. — પણ મારે હવે જવું જોઈએ. અભિજિત : રહોને; શી ઉતાવળ છે? જવાય છે! હરિશ્ચંદ્ર : એમ તો કાંઈ ઉતાવળ નથી. પણ આઠમે પ્રહરે અગ્નિદેવ આજે સર્વ સ્વર્ગવાસીઓને સુરાપાન કરાવવાના છે. વળી એ મિજલસમાં ઉર્વસી મૃત્યુ-નૃત્ય નાચવાની છે. અમને અમરોને મરણમાં ખૂબ રસ પડે છે એ તો તમે જાણતા હશો! ત્યારે પ્રણામ. (ઊપડે છે) અભિજિત રહો; બે ઘડી બેસો. હું મારા વિદ્યાર્થીઓને બોલાવું. ઘણે વખતે તમને જોઈને એ લોકોને કૌતુક થશે. હરિશ્ચંદ્ર : ના, ના; મારે જવું જોઈએ. (જવા જાય છે. જાય છે. સ્વપ્નનો ભાસ કરાવતો પડદો ખેંચાય છે.) અભિજિત : ના, એમ ન જવાય. (એમનું ઉત્તરિય ઝાલવા હાથ લંબાવે છે. ખીંટી ઉપરથી ઝૂલતો ખેસ હાથમાં આવે છે. તાણથી ખીંટી ઊખડી પડે છે. એક મોટો ધબાકો થાય છે. અભિજિત ઊભા થઈ જાય છે. છાત્રો પણ ધસી આવે છે.) માફ કરજો, માફ કરજો મને હરિશ્ચંદ્ર! બહુ વાગ્યું તો નથી ને? તમારું ઉત્તરિય ઝાલ્યું તે કાંઈ તમને પાડવાના... ... અશોક : (આગળ આવી) શું બોલો છો, અભિજિત? અને આ ખીંટી શા માટે તાણી પાડી? ઊંઘો છો કે જાગો છો? અભિજિત : (ચારે બાજુ બાઘામંડળ ફરી) કેમ, હરિશ્ચંદ્ર અહીં નથી? હમણાં જ હતા ને? મરાલ : હરિશ્ચંદ્ર કોણ? અભિજિત : અરે પેલા તમારા સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર હતા! બિચારા ખરખરો કરતા હતા! મને એમની ખૂબ દયા આવી. આલાપ : સ્વપ્ન હશે, સ્વપ્નું! અભિજિત : હા; એમ જ હશે, કદાચ અથવા અત્યારે ચાલે છે તે સ્વપ્ન હશે. એ તો પૂરી જાગૃતિ હતી. તમને ખબર છે કે જીવન એ સ્વપ્નું છે અને મૃત્યુ એ અનન્ત જાગરણ છે? પલાશ : ચાલી પાછી તમારી વાતો! તોબા પ્રોફેસર! પછી તો કંટાળો ચડે, હો! અભિજિત : કંટાળો એ... ... .... .... બંસી : (વચમાં જ) હવે બસ, સાહેબ; અમે જઈએ ઊંઘ આવે છે. અભિજિત : હા, પધારો. (સૌ જાય છે, અભિજિત થોડી વાર સ્તબ્ધ ઊભા રહે છે. પછી બીડી સળગાવી આંટા મારે છે.) સત્યની દુનિયાનાં આછાં દર્શન થતાં હતાં ત્યાં ખીંટી પડી અને શૂન્યની દુનિયામાં લાવી મૂક્યો. (બારીમાં જઈ ઊભો રહે છે.) અભિજિત : દીવો તો બળે છે, જાગતા હશે, કદાચ!

(પથારી ઉપરથી શાલ ઉપાડે છે.)


દૃશ્ય બીજું


(સ્થળ : તીરથનો ઓરડો. કાળ : આગલા દૃશ્યની રાત. રચના : પહેલા અંકના બીજા દૃશ્યના જેવી. બારણાના બન્ને બારસાખ ઉપર હાથ ઠેરવી તીરથ ઊભોઊભો વિચાર કરે છે.) તીરથ : કોઈ આવતું નથી. આખો દિવસ અંગ્રેજી અક્ષરો ઘૂંટવા અને કવિતાઓ ગોખવી. આના કરતાં તો ઝાડ ઉપર ઊંધે માથે લટકવું સારું. પહેલાં તો વિદ્યાર્થીઓય આવતા અને વાતો કરતા જતા. હવે તો હું પોતે એમને બારીમાંથી બોલાવું તોય તેઓ જોયા વિના ચાલ્યા જાય છે. એમને મારી પાસે આવવું કેમ નહિ ગમતું હોય? મારામાં એવું તે શું હશે કે એમને પાસે બેસતાં સૂગ ચડે! (બારણું છોડી ટેબલ પાસે જઈ ઊભો રહે છે.) અને પ્રોફેસર પણ આવતા નથી. એમણેય માયા મૂકી લાગે છે. એ આવતા તો બે ઘડી આનંદ પડતો. (બારીમાં જાય છે.) અને તે દિવસે ફાલ્ગુની ગઈ તે ગઈ. પાછી ડોકાણી જ નહિ. મને હજીય નથી સમજાતું કે એને શાનું માઠું લાગ્યું! (બારીમાંથી બહાર જોઈ રહે છે.) પાંચ દિવસથી એનુંય મોઢું જોયું નથી. બિચારીએ રડીરડીને આંખના દેવતા જગાવ્યા હશે! (ટેબલ પાસે આવી થોડી વારે આવેશમાં.) શા માટે? શા માટે આ બધું? કશું સમજાતું નથી, અને કશું સહાતું પણ નથી. આ કરતાં તો મંથરામાં મરણિયો મારી તળીએ બેસવું. સારું. (આંટા મારે છે.) મનનેય કેમ કરી સમજાવું? હું એનો કાન પકડ્યા જ કરું છું કે તારે સુધરવાનું છે. એણેય પોતાનો કક્કો પકડી રાખ્યો છે કે ‘હું છું તેવું જ સારું છું.’ (ટેબલ ઉપર જઈ ચોપડીઓનાં પાનાં ફેરવવા લાગે છે.) એક મોટા પતાસા ઉપર મકોડા ચડ્યા હોય એવું લાગે છે આ પાનું. અક્ષર તો એકે ઉકલતો નથી. જે ઊકલતું નથી એ આવરણ વાંચવાનું છે. જે અંદર તરવરે છે તે આભા જોવાની મનાઈ છે. (બારીમાં જઈ, કોણી ટેકવી, હથેળીમાં મોઢું રાખી) જીવનભર આમ જોયા જ કરવાનું હોય તો! (થોડી વાર સ્તબ્ધ રહે છે. પછી ખીંટીએ ટીંગાતો એકતારો ઉપાડી પાછો બારીમાં જાય છે; ગાય છે.) પાંખો કાપવી’તી તો.....રે..... મોરલાને, જનમ કેમ આપ્યો? હે, પડઘો ન પાડવો તો....રે.... અંતરે સાદ કાં આલાપ્યો? —જનમ કેમ આપ્યો? સામી મેલાતમાં દીવડી ફરુકે, ફરકે એના અંતરની જ્યોતિ : હે, આડી ચણી આ કાચની દીવાલ તો લોહની દીવાલ કાં ન રોપી? — સાદ કાં આલાપ્યો? પાંખો કાપવી’તી તો....રે.... મોરલાને જનમ કેમ આપ્યો? (બહાર દીવાલ પર બારીની ઉપર કાંઈક અફળાઈને ચોંટી ગયું હોય એવો અવાજ થાય છે. બારીમાંથી એક ગાંઠોવાળી, નહિ જાડી અને નહિ પાતળી એવી દોરી લટકી રહેલી દેખાય છે.) તીરથ : (ચમકી) આ શું? આ શેનો અવાજ? (બારીમાંથી બહાર જુએ છે. પછી બહાર ડોકું કાઢી ઉપર જુએ છે, અને ભીંત ઉપર હાથ ફેરવે છે.) કાંઈક સુંવાળું-સુંવાળું ચોટી ગયું છે! શું હશે! (થોડી વારે) અરે! બે નાના પગ વચ્ચે જાડી પૂંછડી જેવું કાંઈક છે! અને આ શું? આ દોરી ક્યાંથી? (હાથ હજી બહારની બારી ઉપરની દીવાલ ઉપર ફરી રહ્યો છે.) ઘો! ચંદન ઘો! (ઓરડામાં આગળ આવી જાય છે.) કોણ હશે! કોણે ચંદન ઘો ફગાવી હશે! (થોડી વારે) ચોર! બૂમ પાડું? (થોડું રહી) ના. આવે તો હું એકલો પૂરો પડીશ. એનેય ખબર પડશે કે ચોરને ત્યાં ખાતર ન પાડી શકાય. (પાછો બારીમાં દોડી જાય છે. બહાર નીચે નમીને બૂમ પાડે છે.) કોણ છે એ? (દોરી હલી રહી છે. કોઈ ધીરે ધીરે ઉપર આવતું હોય એવો આછો અવાજ થાય છે.) કોણ છે ત્યાં? (દોરી પકડી લે છે.) બોલ છે કે કાપી નાખું અહીંથી દોરી! પછડાઈશ પથરા ઉપર અને રંગાઈ જશે હાડકાં તારાં! બોલ, કોણ છો તું? (નીચેથી અવાજ આવે છે : ‘ધીમે બોલ; કોઈ દોડી આવશે.’ તીરથ : ચાલાકી નહીં. કોણ છે? બોલી નાખ! (નીચેથી અવાજ આવે છે; વધુ પાસે આવ્યો હોય તેવો : ‘તીરથ!’) તીરથ : (આશ્ચર્ય, દોરડું છોડી દઈ) કોણ? (નીચે સાવ નજીકથી અવાજ આવે છે : ‘હજી નહીં ઓળખી, તીરથ?’) તીરથ : કોણ? તું અહીં ક્યાંથી? કેમ કરીને આવી? શા માટે આવી? (એક બાળાનું માથું દેખાય છે.) દેખાતું ડોકું : મને અંદર ખેંચી લે, તીરથ. તીરથ : (ઝડપથી બારી બંધ કરતો) ના, તારાથી અંદર ન અવાય. (બારી બંધ કરી દે છે.) બહારથી અવાજ : અરે! આ શું કરે છે? ઉઘાડ તારી બારી અને લઈ લે મને અંદર! તીરથ : (નિશ્ચયથી જૂલફાં ઝુલાવતો) ના-ના-ના! બહારથી અવાજ : તોફાન નહિ; હું થાકી છું હવે. તીરથ : ઢોંગ નહિ; તું થાકે નહિ કદી. બહારથી અવાજ : અરે હું પછડાઈ પડીશ, સમજતો નથી? તીરથ : તો હું પાછળ પડીશ. પણ એ પહેલાં બારી નહિ ઊઘડે. સ્વામીજીની મના છે અને રાત્રે કન્યાઓ સાથે વાતો નહિ. વળી અંધારા ઓરડામાં એકલાં ન રહેવાય, સમજી? બહારથી અવાજ : મરે તારા સ્વામીજી; ચાલ, ખોટાં બહાનાં નહિ કાઢ. હું આવું એ ન ગમતું હોય તો ઊતરી ચાલી જાઉં, સમજ્યો? તીરથ : તો નથી ગમતું, જા! ઊતરી જા! (ઊતરતાં પગલાંનો અવાજ આવે છે.) તીરથ : ના, ના, ના; રહે તો! જો એક વાત કહું! ન સાંભળે? બહારથી અવાજ : તો બારી ઉઘાડ. મારે અંદર આવવું છે. તીરથ : એમ બારી ન ઊઘડે. પણ તું બહાર ઊભી રહે, જો આજે બારી ઉઘાડું તો તું પછી રોજ આવે! અને પકડાય તો પછી ભોગ લાગે! મને મારી ચિંતા નથી; પણ તારી દુર્દશા શે જોઈ જાય? આજ બહારથી જ પાછી જા અને પછી કોઈ દિવસ પાછી ન આવ, સમજી? બહારથી અવાજ : તીરથા! તીરથ : પણ કહે તો, આરતી; તું ક્યાંથી આવી? અને હું રહું છું તેની ભાળ ક્યાંથી મળી? આરતી : (બહારથી) તને તારા બાપુ બાંધીને લઈ ગયા તે દિ’થી અંતરનું પાંજરું ખાલીખાલી થઈ ગયું. ખાવા બેસું તો ખાવું ભાવે નહિ. રોવા મન કરું તો રોવાય નહિ. મારા બાપુ ભાળી જાય તો-તો મારો ભોગ લાગે ને! મૂંગી મૂંગી કામ કર્યા કરું આખો દિવસ. પણ પછી ન રહેવાયું. તરકીબ શોધી કાઢી. દાતણ લઈને આ ગામમાં વેચવા આવી. આશ્રમમાં પણ આવવા લાગી. રોજરોજ છોકરાઓને તારા ખબર પૂછું. પણ સહુ આસપાસમાં આંખ મિચકારા કરે અને જવાબ દીધા વગર ચાલ્યા જાય. આજે તને બારણામાંથી જોઈ લીધો. બસ! પછી પૂછવાનું હોય? રાત પડી અને બાપુની રાધા... તને ખબર છે ને અમારી ચંદનઘોનું નામ રાધા છે? મેં પાડ્યું છે. તને ગમે એ નામ? તીરથ : હા, ભાઈ હા! પણ આગળ જલદી કહે રાધાનું શું? આરતી : (બહારથી) બાપુએ આજે લાળી ન કરી એટલે માની લીધું કે આજે ખાતર પાડવા નહિ જાય. બસ પછી તો! સૌ સૂતા એટલે રાધાને ઉપાડીને ચાલી આવી. અને પછી તો તું જાણે છે? કોઈક મારી દોરી કાપી નાખતું હતું. કોઈક ભૂલી ગયું હતું કે પોતે પોતાની જ દોરી કાપતું હતું! પણ જો તીરથ! હવે તારે બારી ઉઘાડવી પડે! મેં તેં કહ્યું તેમ કર્યું, અને તું મારું ન માને? તીરથ : ના, ના, ના; તારું ન મનાય. અહીં એથી અનર્થ થઈ જાય તને એ ન સમજાય. આરતી : (બહારથી) તીરથ! મારી બધી મહેનત પાણીમાં? અહીં સુધી આવીને તને જોયા વિના પાછી જાઉં? અને પછી મારી રાત કેમ જાય? અને કોને ખબર તું પાછો ક્યારે આવે? તીરથ : બારી ન ઊઘડે. કોઈ જોઈ જાય તો તને કેદમાં નાખે. વળી તે કાંઈ આજથી અટકવાની થોડી છો? મારે અહીં રહેવાના દિવસો ઝાઝા અને પછી તો તારે અહીં આવવાના દિવસોનો પાર ન રહે! જો, તું ચાલી જા, જોઉં! આરતી : (બહારથી) ના, તીરથા; એવું નહિ, જો, આજે ઉઘાડ, હું ફરી કોઈ દિ’ નહિ આવું! તીરથ : હું માનું નહિ તો! ચાલ, ઊતરી જા જોઉં. આરતી : (બહારથી) ઉઘાડે છે કે હું બૂમ પાડું? પકડાઈએ બંને! થોડું તો સાથે રહેવાશે! તીરથ : વાહ રે, આરતુ! તુય જબરી છે. જાણે હું ડરી જવાનો! જા, ડાહી થઈ જા! તું જ્યારેજ્યારે આશ્રમમાં દાતણ દેવા આવીશ ત્યારેત્યારે હું બારીમાંથી ડોકાઈશ, હવે મારું માન! આરતી : એમ હું નથી જવાની. આખી રાત આમ ટીંગાઈ રહેવાની. ઠરીને ઠીકરું થઈ જવું બ્હેતર! તીરથ : (પટાવતો) : જો, એક બીજી વાત કહું, તું રોજરોજ અત્યારે આવજે, હું અહીં ઊભાંઊભાં એકતારો બજાવીશ અને તને ગમતાં મારાં ગીતો ગાઈશ. કબૂલ? તો જા અત્યારે. જો, પડકાઈ એ તો ભારે થાય! આરતી : (બહારથી) એ બધું કબૂલ છે. પણ આજે આટલે સુધી આવી તો જોઈ લેવા દે તારું મોઢું. તું કઈ રીતે રહે છે તે તો જોવા દે! તારા બાપુ તો આખા ગામમાં પોરસ કરતા ફરે છે! તીરથ : અંદર આવે એટલે પ્હો પહેલાં પાછી નીકળે એવી તું શાણી ખરી ને? ના, એ નહિ બને, નહિ બને! જા, ઊતરી જા. મને બહુ ખોટું લાગે છે, હો! આરતી : (બહારથી) જો તીરથા, આમ માઠું ન લગાડ. હું જાઉં છું. તારું વચન પાળજે. હું રોજરોજ આવીશ નીચે, અને ઊભી રહીશ તારા પડછાયાની જેમ! પણ આજે તીરથા આજે, નથી રહેવાતું! એક, બસ એક જ! તીરથ : ગાંડી રે ગાંડી! જો એક કામ કર! બારીના લાકડાને તારો ગાલ અડાડી રાખ. અહીંથી હું ચુંબન લઉં છું. જો... (અવાજથી બારીના બારણાને ચૂમે છે.) હવે બસ ને! જા હવે જોઉં! આરતી : (બહારથી) જાઉં છું તીરથા, પણ નીચે ઊભી રહીશ. બારીમાંથી તારો પડછાયો પડે ને! — તેના પગ પાસે! આજેય તારે ગાવું પડશે! તીરથ : જા, તેમ કરીશ. જાય છે ને હવે? આરતી : (બહારથી) હા. (દોરડું હાલવા લાગે છે તેની ખબર બારી ઉપરના તેના આછા પછડાટથી થાય છે.) તીરથ : જાય છે ને? આરતી : (બહારથી નીચેથી) હા, હા! તીરથા! (તીરથ બારી ઉઘાડી નીચે ટીંગાતો ઊતરતી આરતીને જોઈ રહે છે. થોડી વારે દોરડું ધ્રૂજતું અટકે છે, અને ઓર્ચિતો એક મૃદુ આંચકો આવે છે. ચંદનઘોનો નીચે કોઈના ખોળામાં પડવાનો અવાજ આવે છે. તીરથ હજી જોઈ રહ્યો છે. પછી...) પહોંચી ગઈ! હાશ! (નિસાસો મૂકી આવીને એકતારો ઉપાડે છે. પછી બારીની એક બાજુને અઢેલીને ઊભો રહે છે અને પોતાનાં ઝાંખાં નયનો નીચે કોઈ નિશ્ચિત વસ્તુ ઉપર ખોડે છે. એકતારો ઝણઝણે છે, અને હોઠ વચ્ચેથી સૂરો સરવા લાગે છે.) તીરથ : નીચે નિરંજરા નર્તકી , ને ઊંચે ઝળૂંબે આભ; વાદળાંએ હૈયાં ખોલ્યાં! નદીઓના નીરમાં હેલી ચડી રે, ગાજ્યાં વનગૌહરના ગાભ; ધણણણ ડુંગર ડોલ્યા! ભાઈ રે મેહુલા જરી રોતો રે’જે રે, નદી માતા ઓસરજો પૂર; સામે કાંઠે કૂકડા બોલ્યા! આ કાંઠે હું, સામે સાહ્યબો રે, મધગાળે નદી કેરાં પૂર; પ્રેમપથ મસ્તક મોલ્યાં! નીચે નિરંજરા નર્તકી રે, ને ઊંચે ઝળૂંબે આભ; વાદળાંએ હૈયાં ખોલ્યાં! (થોડી વાર મૂંગો રહે છે.) હજી જતી નથી. ક્યારેક આ છોકરી ભૂંડી કરી બેસશે! (થોડી વારે) બીજું ગાવું પડશે એમ લાગે છે. (ફરી એકતારો છેડે છે.) કાંટો વાગ્યો રે મને કેરનો, ના ધરણીએ પગલું મેલાય: પંથ હજી પહોળો પડ્યો રે! ઊઠતાં ખૂબ આકરું, ને ‘આવ’ તારું શે’ય ના ઠેલાય : દરિયાની વચમાં ખડ્યો રે! અભિજિત : (બારણામાંથી) આવું કે? - આડો ન આવતો હોઉં તો! તીરથ : (સ્વપ્નામાંથી સફાળો જાગતો હોય તેમ) ઓહ! (તરત જ સ્વસ્થ થઈ જાય છે. આગળ આવી) આવો, આવો; એ તો સહેજ ગાતો હતો. અભિજિત : ગાતો હતો તો ગાયા કર હજી. દુનિયામાં બધાં ગીત અધૂરા છે એટલે તું તારું ગીત અધૂરું રાખીશ તોય કશો અચંબો નહિ થાય. પૂરું કર ત્યારે! તીરથ : (ક્ષોભથી-સંકોચથી) ના, ના; હવે શું ગવાય? અને મને ગાતાંય ક્યાં આવડે છે? અભિજિત : એટલે તો હું કહું છું કે ગા! તું જાણે છે કે અહીં તું જે ન આવડતું હોય તે શીખવા આવ્યો છે. આજે ગાતાં શીખ! (આગળ આવી ખુરશીમાં બેસે છે.) લે, આ એક ચિત્ર લાવ્યો છું, તને ગમે તો રાખી લે! નહિ તો ગોટો વાળી બારીમાંથી ફેંકી દે! (અભિજિતના હાથમાંથી તીરથ ચિત્ર લઈ લે છે. બે ઘડી જોઈ રહે છે.) તીરથ : (આવેશથી) હા.... હા....! સરસ છે! મને ખૂબ ગમે છે. હું જ રાખીશ પાછું કદી નહિ મળે! અભિજિત : દુનિયામાં કશું પાછું મળતું નથી. દાખલા તરીકે તારું ગીત! તીરથ : ના, ના; એમ નહિ. હું ગાઈશ કરી. પણ હમણાં નહિ. થોડી વાર પછી. અભિજિત : તારી મરજી, પણ એક શરત બારીમાં ઊભાંઊભાં ગાવું પડશે. તીરથ : (ચમકે છે.) ખૂબ ઠંડી છે, નહિ? તમને ઢાઢ વાતી હશે. બારી બંધ કરું? અભિજિત : ના-અ—રેના તીરથ : (કશું સાંભળ્યા વિના બારી બંધ કરી દે છે.) હવે તમને ઠીક લાગતું હશે! અભિજિત : કોણ જાણે! કોઈ દિવસ અઠીક થયું નથી એટલે ઠીક કેવું હોય તેની કલ્પના નથી. પણ આમ આવ તો! લે આ સિગારેટ! તારા વિના આ ડબો ખાલી થતો નહોતો! (સિગારેટ આપે છે. પોતાની સળગાવ્યા પછી બાકસ તીરથને આપે છે.) અભિજિત : (બીડી પીતાંપીતાં થોડી વારે) તે તું અહીં ક્યારે આવ્યો? તીરથ : ચારપાંચ દિવસ થયા હશે! અભિજિત : ખૂબ વાંચતો હશે! તીરથ : ના રે ના! વાંચવાનું ગમતું હોય તો જોતશું? આ તો મને અહીંથી ઊતરવાની મનાઈ છે એટલે તમને મળવા ન આવી શક્યો. અભિજિત : આશ્ચર્યની વાત છે! હું તો માનતો હતો કે આ આશ્રમમાં માત્ર ચડવાની મનાઈ હશે! પણ મળવા આવવાનું કાંઈ જ પ્રયોજન નહોતું! હું તો અમસ્તો જ પૂછતો હતો. (ધુમાડાના ગોટાથી ઓરડો ભરાઈ જાય છે.) અભિજિત : હવા કરતાં ધુમાડો વધી ગયો. જરા બારી ખોલ તો! તીરથ : (આતુરતાથી) ના, ના; તમને ટાઢ વાશે અને શરદી થશે. અભિજિત : નહિ થાય એની ખાતરી આપું છું, અને પાછળથી તુંય કબૂલ કરીશ એ. તીરથ : મારું માનો! આજની હવા બહુ વિચિત્ર છે! અભિજિત : એ હું જાણું છું; અને માટે તો એ અંદર આવે એવું કરું છું. પણ તું જાતે નહિ ઉઘાડ તો હું ઉઘાડી આપીશ. (ઊભા થઈ બારી ઉઘાડે છે. તીરથ જોઈ રહે છે. થોડી વાર બહાર જોતા અભિજિત સ્તબ્ધ ઊભા રહે છે. અભિજિત : આમ આવ તો! તને કંઈક બતાવું. (તીરથ પાસે જાય છે.) અભિજિત : જો, સામા પુલ ઉપર કાંઈક પડછાયા જેવું જતું દેખાય છે, નહિ? શું હશે? તીરથ : (જોઈને) મને તો કાંઈ દેખાતું નથી. અભિજિત : તો તો નક્કી એ ભૂત! નહિ તો મને દેખાય અને તને કેમ ન દેખાય? અથવા બીજું પણ બનવાનો સંભવ છે કોઈ વસ્તુને જોવી હોય તો જેમ એ વસ્તુ અમુક હદ કરતાં પાસે હોય એ જરૂરનું છે, તેમ એ વસ્તુ અમુક અંતરે હોય તેય જરૂ2નું છે. માણસ પર્વત જોઈ શકે તોય પોતાની પાંપણ ન જોઈ શકે. એ તારી પાંપણમાં તો નથી ભરાઈ ગયું ને? તપાસ કરી જો! તીરથ : (આકુળ થઈ) તમે શું કહો છો તે સમજાતું નથી. અભિજિત : એમ જ બને! સમજવાનું પણ જોવા જેવું જ છે. કાંઈ સમજવું હોય ત્યારે એ શક્તિ ઉપરાંત અઘરું ન હોય એ જેમ જરૂરનું છે તેમ એ ખૂબ સહેલું ન હોય તે જરૂરનું છે. Perhaps it might be too easy for you to understand. અરે ભૂલ્યો! તને અંગ્રેજી નથી આવડતું. કાં? હું એમ કહેતો હતો કે મેં કહ્યું એ કદાચ તું સમજી શકે તે કરતાંય તારે માટે સહેલું હશે! પણ હવે પાટા ઉપર આવી જા. (ખભે હાથ મૂકી) હું જાણું છું. (તીરથ મૂંગો રહે છે.) કહું છું ને કે હું જાણું છું. બોલ, હવે તારું અધૂરું ગીત આગળ ગાઈશ ને? — ગાઈશ ને? તીરથ : ના. અભિજિત : ના? કેમ મારી ઉપર રોષે ભરાયો છે? તીરથ : હા. અભિજિત : તેને વાંધો નહિ. લે આ બીજી બીડી. ઊતરી જશે એમ આશા છે. તીરથ : (હસી પડે છે.) તમે બહુ વિચિત્ર માણસ છો. અભિજિત : નહિ; આજની હવા! (તીરથ અભિજિતના હાથમાંથી બીડી ખેંચી લઈ બારીમાંથી બહાર ફેંકી દે છે.) અભિજિત : બહુ ધીમે ફગાવી. વાગી નહિ તો! ભૂત તો બહુ દૂર ભાગી ગયું છે. (તીરથ હસે છે.) તે હું પૂછું છું કે ભૂત બીડી પીવે ખરાં? તીરથ : (હસી પડે છે. લાડથી પોતાના બંને હાથોમાં પ્રોફેસરના હાથ પકડી) વિચિત્ર પ્રોફેસર, ચાલો બેસીએ. અભિજિત : ચાલો. તીરથ : (રંગમાં આવી જઈ, હાથ છોડી દઈ) ના, હવે તો હું ગાઈશ. તમે ખુરશીમાં બેસો. અહીં બારીમાં ઊભોઊભો એકતારો લઈ ગાઈશ. હું આડો હઈશ તો તમને પનવ નહિ અડે. અભિજિત : એમ કર. (અભિજિત ખુરશીમાં જઈને પડે છે. તીરથ એકતારો લઈ બારીમાં જાય છે. એક આંખ અંદર અને એક આંખ બહાર રાખી ગાય છે. કાંટો વાગ્યો રે મને કેરનો, ના ધરણીયે પગલું મેલાય; પંથ હજુ પ્હોળો પડ્યો! ઊઠતાં પડે ખૂબ આકરું, ને ‘આવ’ તારું શે’ય ના ઠેલાય; દરિયાની વચમાં ખડ્યો રે! ઊઠ રે સાથીડા, ઊઠ ભાઈબંધ, તારો મોંઘો સમય વહી જાય: છાંડ મને : હું ક્યાં નડ્યો રે? અભિજિત : બસ ભાઈ, બસ! ગીત ગમતું હોત તો બીડી શા માટે પીત? મૂક તારો એકતારો. આવ, અહીં બેસ. (તીરથ તેમ કરે છે.) અભિજિત : બોલ, હવે ક્યારે ભાગી જવું છે? તીરથ : ક્યારેય નહિ. અભિજિત : કેમ? અહીં ગમી ગયું? તીરથ : ના. અભિજિત : તોય? તીરથ : હા; તોય અહીં રહેવું છે. અભિજિત : શક્તિથી કે ડરના માર્યા? તીરથ : શક્તિથી. અભિજિત : બસ ત્યારે! કોઈને પૂછવાની જરૂર નથી. લે આ બીડીઓ. (ડબો મૂકતો જાય છે.) હું તો ચાલ્યો. માણસોએ જાગતા ન હોય ત્યારે ઊંઘી જવું જોઈએ. (ચાલ્યા જાય છે. તીરથ એમની તરફ એમની દિશામાં જોઈ રહે છે.) તીરથ : અજબ માણસ છે કોઈ! (ઊઠીને આંટા મારે છે. બારીમાં જાય છે.) તીરથ : આખો પુલ અજગરની જેમ પડ્યો છે અને ઉપર કોઈ નહિ. (પલંગ પાસે આવે છે.)

ચાલ ઊંઘી જાઉં. (પલંગમાં કૂદી પડી મોઢા ઉપર શાલ ઓઢી લે છે.)


અંક ત્રીજો

દૃશ્ય પહેલું


(સ્થળ : સેવાશ્રમની પાન્ધશાળા, કાળ : અઠવાડિયા પછી એક રાત. રચના : પહેલા અને બીજા અંકનાં પહેલાં દૃશ્યો જેવી. એક બાજુ કપડાંનો ગંજ અને બીજી બાજુ અસ્તવ્યસ્ત ચોપડીઓનો મોટો ઢગલો પડ્યો છે. થોડીથોડી વારે કોરાં તથા લખેલાં પાનાંઓ આમતેમ ઊડે છે. બિછાના સિવાય બધું જ ઊથલપાથલ થઈ ગયું છે. બધા ગોટાળા વચ્ચે પહોળા પગ કરી પ્રોફેસર અભિજિત માથા ઉપર બન્ને હાથ મૂકી કાંઈ ન સૂઝતું હોય તેમ, નીચે જોતા ઊભા રહે છે. આજેએમણે પહોળો લેંઘો અને હાફ શર્ટ પહેર્યો છે. બાજુની ટ્રંકોને પગના હડસેલાથી ખસેડે છે.) અભિજિત : (એમ નીચે જોઈ રહી) આકાશનાં વાદળાંઓની ગડી કરી ગોઠવવા જેવો પ્રયત્ન છે. આ બધાંને કેમ કરી ગોઠવવું, અને ક્યાં ગોઠવવું? ટ્રંકોમાં કપડાં ગોઠવી જોયાં તો ચોપડીઓ બહાર રહી ગઈ; અને ચોપડીઓ ગોઠવી જોઈ તો કપડાં બહાર રહી ગયાં. અસલના લોકોનો અપરિગ્રહનો સિદ્ધાંત કદાચ આવી સ્થિતિમાં જ શોધાયો હશે! (કંટાળી પલંગ ઉપર જઈને બેસે છે.) પણ આમ બેસી રહ્યે નહિ પાલવે. સવારમાં સાત વાગ્યે ટ્રેઈન ઊપડે છે; અને એ પહેલાં ઊંઘમાંથી જાગવા સુધીનાં તમામ કામો આટોપી લેવાનાં છે. (પાછા ઊભા થઈ અરાજકતા વચ્ચે આવી ઊભા રહે છે. નીચા નમી બેચાર ચોપડીઓ એક ટ્રંકમાં મૂકે છે. ન રુચ્યું હોય તેમ તેમાંથી કાઢી બીજી ટ્રંકમાં ગોઠવે છે. વળી ન ગોઠતું હોય તેમ ઉઠાવી તેને ઢગલામાં ફેંકે છે અને કપડાં ગોઠવવા લાગે છે.) જીવનમાં આવા પ્રસંગોએ માબાપ યાદ આવે છે; એમના ભાવ માટે નહિ; એમની ભૂલો માટે. જો જીવન આખું દુ:ખોની એક પરંપરા સમાન હોય તો જીવન માટે તેમની જવાબદારી હોઈ એ દુ:ખો માટે પણ તેમના જ કાન પકડવા જોઈએ. પણ માબાપમાં એટલું સમજવાની શક્તિ હોત તો વહેલાં-વહેલાં મરી શેનાં જાત? (આસપાસ ઊડતાં કાગળિયાં એકઠાં કરવા લાગે છે. એક કાગળ આંખ આગળ આણી) સર્વનાશ! જો આ ઊડી ગયો હતો તો! સાત સામયિકોમાંથી પાછું ફરેલું મારું કાવ્ય. વિષય ‘વિદ્યાર્થીની સ્વપ્નસુંદરી’, (ખાટલા ઉપર બેસી જઈ વાંચવા લાગે છે.) છપાયું નહિ એ જ સારું થયું. નહિ તો એ મહાપુરુષના કોઈ અહિંસક અનુયાયીએ મને ફરિજયાત નિર્વાણ અપાવ્યું હોત! (ઊભા થઈ બારીમાં જાય છે.) ગચ્છ, ગચ્છ, કાવ્ય શ્રેષ્ઠ! સ્વસ્થાને! સ્વધામે! (પવનમાં કાવ્યને ઊડતું મેલે છે.) પણ પુણ્યના પુંજ જેવા આ ઢગલાનું શું? મને તો ગમ પડતી નથી. (પાછા પલંગ ઉપર જઈને બેસે છે અને પુસ્તકોના ઢગલા તરફ જોઈ રહે છે.) એમ કરું તો? આમાંનું બધું જ અહીં મૂકતો જાઉં. ઉપયોગનું થોડું ઉપાડતો જાઉં? પણ ઉપયોગનું કોને ગણવું? જગતમાં જેમ એકે સ્ત્રી કદરૂપી નથી તેમ જીવનમાં એકે વસ્તુ નકામી નથી. કેમ કે બદસૂરતમાં બદસૂરત સ્ત્રી પણ કોઈ એક પુરુષને ગધેડો કે ખચ્ચર બનાવી મૂકવાને શક્તિમાન હોય છે. એવી સ્થિતિમાં ઉપયોગનું કોને કહેવું અને સુંદરતા શામાં લેખવી? (અશોક, બંસી, પલાશ, આલાપ અને મરાલ આવે છે. ઓરડાની આ સ્થિતિથી આશ્ચર્યમુગ્ધ થઈ થોડી વાર જોઈ રહે છે.) પલાશ : આ બધું શું, પ્રોફેસર સાહેબ? અભિજિત : તમે જુઓ છો તે! આ જગતમાં તમે જુઓ છો તે સિવાય બીજું કશું છે જ નહિ. બંસી : અત્યાર સુધી અમે તમને નહોતા જોયા તે તમે નહોતા? અભિજિત : ના. મરાલ : તો અત્યારે ક્યાંથી ઊતરી આવ્યા? અભિજિત : તમારી આખોમાંથી. આલાપ : તો ફિલસૂફ ઉપરાંત કવિ પણ છો, નહિ? અભિજિત : દરેક ફિલસૂફ નિષ્ફળ કવિ જ હોય છે. હમણાં જ મારી એક કવિતા ફાડી ફેંકી દીધી. અશોક : ફાડી ફેંકી દીધી? અમને આપતા જવું’તું. અમે છપાવત સમાજને આમ તમારા જ્ઞાનથી વંચિત રાખવાનો તમને અધિકાર નથી. અભિજિત : ધૂત્ તમારો સમાજ; અને હડધૂત મારી કવિતા! સમાજ એમ સુધરવાનો હોત તો આજથી બે હજાર અને પાંચસો વર્ષ પૂર્વે પેલા ગૌતમને ગામડે ગામડે ઠેબાં ખાઈ ઘસાઈ જવું ન પડત. ઈસુએ બિચારાએ પ્રાણ આપ્યા, અને જોઅન સળગી મરી. દુનિયા સુધરવાની નથી; અને દુનિયાએ સુધરવું પણ ન જોઈએ. કેમ કે કોઈ પણ સુધારો બલિદાન માગે છે, કે જે બલિદાનને એ પોતે જ લાયક નથી હોતો. માટે તો કહું છું કે તમે લોકો તીરથને સુધારવાનું છોડી દો. અશોક : આ વાત ઊપડી તો એનો અંત આવવાનો નહિ. કહો તો. અભિજિત, આ બધી ઊથલપાથલ શા માટે? અભિજિત : (ઠંડે પેટે) કાલે જાઉં છું. બંસી : કાલે? પલાશ : (આતુરતાથી) આટલા જલદી! હજી તો... અભિજિત : જલદી જવું સારું અહીંથી તો. મને તો ભય લાગવા માંડ્યો છે કે અહીં વધારે રોકાઈશ તો સુધરી જઈશ, અને વિદુરને ભય લાગવો શરૂ થયો છે કે મારા અહીં વિશેષ રોકાવાથી આશ્રમ બગડી જશે. મરાલ : સ્વામીજીને? ના...! એમને કદી જ એવું લાગે નહિ. એમણે કદી જ એવું કહ્યું નથી. અભિજિત : ના... ! હું તો લહેર કરતો હતો! પણ એમ છે ને, કે હવે મારે જવું જોઈએ! પલાશ : ક્યાં જશો? અભિજિત : રસ્તાનું પૂછે છે? એનું કેમ કહી શકાય? મગજના વિચારોની જેમ રસ્તાનું પણ તે ક્યાં દોરી જશે તે કહી શકાતું નથી. બંસી : કાલે જ જશો? કાલે સવારમાં? અભિજિત : હા. બંસી : અને એ પહેલાં આ બધું ગોઠવી લેવાની આશા રાખો છો? અભિજિત : હું કશાની જ આશા રાખતો નથી. માણસોએ બધી આશા છોડવાની છે. આશા એટલે જે અત્યારે છે તેનાથી કંઈક વધારે સારાના આવવાની આગાહી. એમાં હું માનતો જ નથી. કેમ કે વધારે સારાની આશા રાખીને જગતને મ્હાણી ન શકાય. જે છે તે જ સારું છે — જેમ છે તેમ જ બધું બરાબર છે. પલાશ : ચાલો અભિજિત, આમ આરો નહિ આવે. અમે તમને મદદ કરીએ. અભિજિત : એ મઝાની યોજના છે. તેમને કામ કરતા જોઈને મને થશે કે બધું હું જ કરું છું. (છાત્રો પુસ્તકો અને કપડાં ગોઠવવા લાગે છે. પ્રોફેસર બીડી સળગાવી આમ તેમ ફરતા ફરતા એ જોતા રહે છે.) બંસી : આટલી બધી ચોપડીઓ તમારી ટ્રંકમાં નહિ સમાય. હું મારી ટ્રંક લઈ આવું. અભિજિત : ના. ના; હું બધાં પુસ્તકો લઈ જવાનો નથી. આલાપ : અહીં આશ્રમમાં મૂકી જશો? અભિજિત : આ, હું સંસ્થાઓમાં માનતો જ નથી. અશોક : દોષ તો જેમ દરેકમાં હોય છે તેમ સંસ્થાઓમાં પણ હશે! છતાં સંસ્થાઓ ઘણું સારું કામ કરે છે તેની કોઈ ના પાડી શકે એમ નથી. (ચોપડીઓ એક તરફ ખડકવા લાગે છે.) અભિજિત : મારે તો સંસ્થાઓ ન જોઈએ. સારાને અને અભિમાનને શબ્દ-અર્થ, અથવા શિવપાર્વતી જેવો સંબંધ છે અને અભિમાન એટલે સંકુચિતતાવાડાઓ! દુનિયામાં એટલા બધા વાડાઓ છે કે નવા ઉમેરવાની જરૂર નથી. આલાપ : તો આ ચોપડીઓ ક્યાં મૂકી જશો? અભિજિત : જો તમને જોઈતી હોય તો લઈ જાવ. નહિ તો નદીમાં નાખી આવો. પલાશ : (ઊછળી) ઇતિહાસની ચોપડીઓ મારી. આલાપ : (કૂદી) કળાની ચોપડીઓ કોઈ ન લે! મરાલ : દર્શનશાસ્ત્રની હું જ રાખી લઈશ. અશોક : અને હું? ફિલસૂફીની ચોપડાઓ તો મારે જોઈએ. હું ઉંમરમાં મોટો અને અભ્યાસમાં આગળ છું. બંસી : (વચ્ચે આવી) તકરાર નહિ. ભગવાન બુદ્ધનો મધ્ય પ્રતિપદા માર્ગ સ્વીકારો. તમારી બેની મધ્યમાં ફિલસૂફીની ચોપડીઓ હું જ રાખીશ. અભિજિત : મને કેટલીય વખત એમ થાય છે, (ઠરી ગયેલી બીડી પાછી સળગાવી) કે બુદ્ધે પોતાના મધ્ય પ્રતિપદામાર્ગની કલ્પના બે બિલ્લી અને વચ્ચે પડેલા વાંદરા વાળી પેલી પુરાણી કથામાંથી લીધી છે. મધ્યમાર્ગ એ વાંદરાનો માર્ગ છે. અશોક : ધર્મની ચેષ્ટા નહિ, અભિજિત. અભિજિત : તારે મન એ ચેષ્ટા હશે! મારે મન ચેષ્ટા માત્ર ગાંભીર્યનો ગર્ભ છે. વળી મધ્યપ્રતિપદા માર્ગની લીટી બહુ સાંકડી હોવાથી સૌ એના ઉપર ઊભા રહી ન શકે; — સૌનો એમાં સમાવેશ ન થાય. પલાશ : પણ... અભિજિત : ઊભો રહે, ઉતાવળા, અને તમે મધ્યપ્રતિપદ્ય માર્ગ ગણો પણ કોને? મધ્યબિન્દુ નક્કી કરતાં પહેલાં બે અંત્યબિન્દુની હયાતિ આવશ્યક છે. વળી જ્યાં શરૂ કરો અને જ્યાં પૂરું કરો ત્યાં અત્યબિન્દુઓ તો આવી રહે. એટલે જેને ગૌતમે મધ્યમાર્ગની રેખા ઉપર પડતું માની ઉચ્ચ ગણ્યું હોય તેને જ તમે અંત્ય તરીકે પ્રતિષ્ઠિત કહી શકો. એ રીતે તો કોઈ નવું જ મધ્યબિન્દુ શોધાય. વળી બીજી વાત, ગૌતમનું પોતાનું જીવન જુઓ. એણે રાજ્યત્યાગ કર્યો એ તો જાણે ઠીક; પણ પુત્રપત્નીને પોઢતાં મૂકી પલાયન કર્યું એ અંત્ય પગલું હતું કે માધ્યમિક? જો એને માધ્યમિક કહી શકાય તો કહેવું જોઈએ કે જગતમાં સઘળું જ માધ્યમિક છે. તો તો પછી અંત બાકી રહેશે જ નહીં; અને જ્યાં અંત નહીં ત્યાં મધ્ય શું? અશોક : તમારી વાતો! તમારી ચોપડીઓ જેમ ટ્રંકમાં માતી નથી તેમ તમારા વિચારોય વધી પડ્યા છે. કેટલાક વિચારો અહીં મૂકતા જાવ ને! (સૌ ફરી ગોઠવવા લાગે છે.) અભિજિત : પોતાના મગજમાં વિચારો ન હોય ત્યાં સુધી બીજાના વિચારો સંઘરી શકાતા નથી. પલાશ : અમારા મગજમાં વિચારો છે. અભિજિત : તો તમારે મારા વિચારોની જરૂર નથી. આપણને આપણે ન જાણના હોઈએ એવું જાણનાર તરફ આકર્ષણ થાય છે, માટે તો હું જ્યારે જ્યારે આહ્વાન આપતો ત્યારેત્યારે તમે મોઢું બગાડતા! એમ કે જાણતા હોઈએ તે વિષે શું સાંભળવું? બંસી : (કૂદી) પણ એક વાત. અહીં એક વ્યક્તિ એવી છે જેના શરીરનો ઉપલો માળ સાવ ખાલી છે. એને માટે થોડા વિચારો મૂકતા જાવ ને! પલાશ : (કામ કરતાં) કોણ એ? બંસી : તીરથ. અભિજિત : (હસતાં) માથું ખાલી છે કે નહિ તેનો એ તમને હવે પછી અનુભવ કરાવશે. બાકી એની મૂઠી ખાલી નથી એની તો પલાશેય સાથી પૂરશે. (પલાશ ઝંખવાય છે.) અશોક : પ્રોફેસર, એક વાત કહું? અભિજિત : તમારી મરજી. અશોક : તમને તીરથ માટે આડો ખૂણો છે. અભિજિત : મને આખા માનવલોક માટે આડો ખૂણો છે. ફરક માત્ર એટલો કે માનવીમાં હું સૌને મૂકી શકતો નથી. (અશોક નીચે જોઈ કામે વળે છે.) આલાપ : (કૂદી ઊઠી) બધું તૈયાર. આટલી ચોપડીઓ બાકી રહી. અમે એ વહેંચી લઈશું. મરાલ : તમે આખી રાત ઊથલપાથલ કરી હોત તોય સવારે એવું ને એવું હોત! અમે એટલી ત્વરાથી બધું કરી નાખ્યું? કોઈએ મને શિખવાડ્યું હતું? અભિજિત : વાંદરાને ઝાડ ઉપર ચડવાનું શીખવાડવું ન પડે. મરાલ : (હસતાં) સરસ બદલો આપો છો. અભિજિત : (નિ:શ્વાસ લેતાં) ચાલો, પત્યું તમે આવ્યા તો! હંમેશાં કોઈ હરિના લાલ મળી જ રહે છે. જરા બેસીએ, આવો. આ આપણી છેલ્લી રાત, કાં? (અભિજિત આરામખુરશીમાં પડે છે, સિગારેટ સળગાવી ધુમાડા કાઢવા શરૂ કરે છે.) પલાશ : (પાસે આવી, પ્રોફેસરનો હાથ પકડતાં) કહો તો પ્રોફેસર, તમને કાંઈ જ થતું નથી મનમાં? તમે જાવ છો તે અમને નથી ગમવાનું — નથી ગમતું. અભિજિત : જગતમાં કોઈ પણ વસ્તુને સ્વકીય મૂલ્ય છે જ નહિ. મૂલ્ય બધું મનનું આપેલું છે. એટલે ગમવું ન ગમવું એ મનનો સોદો છે. દુ:ખમાં, માંદગીમાં કે આપત્તિમાંય મને તો આનંદ પડે છે. દરેક વસ્તુમાં એકાદ તો એવું તત્ત્વ હોય જ છે જેને ગમતું કરી શકાય. માટે તો હું કહું છે કે સાંપ્રત શિક્ષણપ્રણાલી સારી છે કે નઠારી એ પ્રશ્ન બાજુએ મૂકીએ તોય પ્રાણદંડની શિક્ષાની શોધ કરનાર ખરેખર કોઈ બેવકૂફ હતો; કેમ કે મૃત્યુમાં સજા નથી; મૃત્યુના ભયમાં સજા છે. એટલે વૈર લેવું હોય તોય જન્મકેદ આપી કેદીને રોજરોજ કહ્યા કરવું જોઈએ કે આવતી કાલે તને ફાંસીએ ચડાવવામાં આવશે. આલાપ : (પાસે આવી બન્ને હાથ પકડી) જવા દો તમારી એ બધી ફિલસૂફી આજે. કહો, અમને કદી યાદ કરશો ખરા? અમે તો તમને કદી નહિ વિસરવાના. અભિજિત : (વિરોધથી) અરે, અરે, આમ મારા બન્ને હાથ પકડી રાખો તો મારે બીડી કેમ પીવી? (એક હાથ ખેંચી લઈ બીડીની રાખ ખંખેરે છે.) બાકી યાદ કરવાનું તો ચિત્તનું કામ રહ્યું અને ચિત્ત કોઈ અચળ-અટલ વસ્તુ નહિ પણ જાગૃતિઓની પરંપરા છે. એવી સ્થિતિમાં એવું વચન ન આપી શકાય. વળી એક બીજી વાત પણ છે. માણસ ક્ષણે ક્ષણે બદલાય છે. આ ક્ષણનો અશોક તે આવતી કાલનો અશોક નથી. એટલે સ્મૃતિ માત્ર અસત્ય છે. સાચી સ્મૃતિ સંભવતી જ નથી. (ઉતાવળે) હું તમને કહું છું ને કે બધું ચક્રાવો છે! શૂન્ય-શૂન્ય; સમજ્યા? મરાલ : એમ નહિ, અભિજિત. જાવ છો ત્યારે તમારું આ કવચ ઉતારી નાખો. એ અમારી અને તમારી વચ્ચે આવે છે. આજે તો અમને જાણવા દો કે અમારી જેમ તમારી છાતી નીચેય એક ઊનું હૃદય ધબકે છે. અભિજિત : જો મારું હૃદય ઊનું હોત તો આમ મારે બીડી પીવી ન પડત. એ ક્યારનુંય ઠરી ગયું છે. એટલે શરદી ન થઈ જાય માટે તો આ અગ્નિ અંદર ઉતારું છું. અશોક : તમે એમ માનતા હશો કે આવુંઆવું વિચિત્ર બોલશો એટલે લોકો તમને વખાણશે, કાં? અભિજિત : હું પોતે જ્યાં સુધી મને વખાણું છું ત્યાં સુધી લોકોનાં વખાણની મને અપેક્ષા નથી. વળી વખાણ તો આપણે જે વસ્તુ સમજી ન શકીએ તેનાં જ કરીએ છીએ. એવાં વખાણ કરતાં વડછકાં વધારે મીઠાં લાગે છે. અશોક : પણ એક ગંભીર વાત પૂછી લઉં. જેટલી વખત અહીં રહ્યા તેટલો વખત તમે અમારે મન એક કોયડો જ રહ્યા છો. કહો તો તમારો બળવો કોની સામે છે? ધર્માચાર્યો સામે? — કે ધનિકો સામે? અભિજિત : (ઊભા થઈ જાય છે.) કોયડો? હું કોયડો હું બીજું બધું હોઈશ, પણ કોયડો નથી. પેલો આકાશવાળો ભગવાન કોયડો થવા ગયો તો લોકોએ એની શી દશા કરી મૂકી એ તો વિચારો! કોઈ કહે એને એક હજાર આંખ છે. કોઈ માને એની ડુંટીમાંથી કમળ ઊગ્યું છે. તો તો બિચારાને અહોરાત સૂતું રહેવું પડતું હશે! અને એટલે જ દુનિયામાં આટલી અંધાધૂંધી ચાલે છે. સૂતાસૂતા સાવરણી ન ફેરવાય ત્યાં આખી દુનિયાની રખેવાળી તો ક્યાંથી થાય? મારે મારી એવી દશા કરાવવી નથી કે હું કોયડો બનું! વળી મારે કોઈની સામે વિરોધ નથી એટલે બળવો ક્યાંથી જન્મે? અને કોણ કોની સામે બળવો કરે? ગરીબો એમ માને કે પૈસાદારો સુખી છે અને પોતે દુ:ખના દરિયામાં ડૂબેલા છે. ભિખારીઓ એમ માને છે કે ગરીબ ગણાતાં લોકો લૂચ્ચાં-લફંગાં છે કેમ કે ખરું દુ:ખ તો પોતાને જ છે. પૈસાદારો એમ માને છે કે રાજાઓ જેટલું સુખ પોતાને નથી. આમાં કોણ કોની સામે બળવો કરે? ખરી રીતે તો આખી માનવજાતને એક થઈને ભગવાન સામે બળવો કરવાનો છે કે એણે સૌને પેટ આપ્યાં અને પામરતા આપી! પલાશ : ઓ બાપ રે! ભગવાન સામે બળવો? અભિજિત, આવી ઉપાધિ શા માટે? એના કરતાં જીવનને મજાથી માણો ને! જીવનને સુંદર બનાવવા દર્શનિકોએ યુગયુગથી કૂદકા માર્યા, પરિણામે જગતની સપાટીમાં પણ ખાડાટેકરા થઈ ગયા. અભિજિત : એ જ ઉપાધિ છે તો! ખરી રીતે જગતને સુંદર બનાવવા માટે નહિ પણ સહ્ય બનાવવા માટે ફિલસૂફીનો ઉપયોગ છે. સર્જનમાં વેદના છે, અને જીવન સર્જનની અખંડ પરંપરા છે. સુખથી જીવન જીવવાનો આથી વધારે સારો ઉપાય મને હજી મળ્યો નથી. (બીડી ઠરી રહેતાં ફગાવી દે છે. નવી સળગાવે છે. ઊભા થઈને આંટા મારે છે. બારીમાં જાય છે.) અભિજિત : (ઉદ્વિગ્ન થઈ) અરે આમ આવો તો. ગામમાં કંઈ કોલાહલ મચ્યો હોય એમ લાગે છે. દીવાઓ દોડી રહ્યા છે. (સૌ બારી આગળ જાય છે. બંદૂકોના અવાજ સંભળાય છે.) અશોક : ધડાકો! કોઈએ બંદૂક ફોડી! આલાપ : કોઈએ પંખી પાડ્યું હશે! બંસી : (બારીમાં જોતાં) આખા ગામમાં દોડાદોડ થઈ રહી છે. શું થયું હશે? અભિજિત : ધાડ તો........ અશોક : ના-આ-રે ! એમ તો ગામની પોલીસ જાગૃત છે. અભિજિત : પણ તપાસ કરવામાં આપણું શું જાય છે? ચાલો બહાર જઈએ, ઊભા રહો, હું મારા જોડા પહેરી લઉં. અશોક : નાહકની ઉપાધિ છે એ, પ્રોફેસર, જે હશે તેની હમણાં જ જાણ થશે. હું રામાને મોકલી દઉં છું. (બારીમાંથી બૂમ પાડે છે.) રામા! રામા! પલાશ : કેમ કોઈ જવાબ નથી આપતું? અશોક : બહાર ગયો હશે! હમણાં આવશે! આવશે કે તરત જ એને મોકલી દઈશું. અભિજિત : પણ મને ભય છે કે લોકો ઉપર કંઈક આપત્તિ આવી પડી છે. એવી સ્થિતિમાં આપણે એમની પડખે ઊભા રહેવું જોઈએ. અશોક : પણ ઉતાવળ શી છે? હમણાં તપાસ કરાવું છું. પલાશ : અશોક ઠીક કહે છે. તપાસ કરાવીને પછી જ જઈએ પ્રોફેસર. બંસી. : લો, હું રામાને ફરી સાદ પાડું (જોરથી) રામા, રામા. અશોક : થોભી જા ને બંસી; બિચારો બહાર ગયો હશે. (ફરી બંદૂકના અવાજ થાય છે.) અભિજિત : ના, ના; રાહ જોવી ઉચિત નથી. આપણે પહોંચી જવું જોઈએ. કાંઈ નહિ હોય તો પાછા આવીશું. રાત સરસ છે અને શીતળ છે. આનંદ પડશે. અશોક : પણ એમ કારણ વિના આશ્રમછાત્રોથી... (એક માણસ હાંફતોહાંફતો આવે છે.) આવનાર માણસ : ગામ ભાંગ્યું! ગામ ભાંગ્યું! મિયાણાઓએ ધાડ પાડી છે. ફોજદાર સા’બને ગોળીએ દીધા. લોકો નાસભાગ કરે છે. નગરશેઠે આશ્રમને ખબર કરવા મને મોકલ્યો છે. આવી પૂગજો. અભિજિત : (ઉદ્વેગી) હું નહોતો કહેતો? ચાલો હવે; બહુ ચર્ચા નહિ. બંસી : ચાલો. આલાપ : આપણે લાઠીઓ લઈ લઈએ. (અભિજિત આગળ જઈ ચાલવા લાગે છે. છાત્રો પાછળ પડે છે.) અશોક : ઊભા રહો સૌ! સ્વામીજી ગેરહાજર છે એટલે આશ્રમની જવાબદારી મારી ઉપર છે. તમે કોની રજાથી જાવ છો? કોઈ મારી રજા વગર આશ્રમની બહાર પગલું ન મૂકી શકો. બંસી : (પાછા ફરતાં) એ સાચું છે. આલાપ : (આગળ આવી) એ તો ભૂલી જ ગયા. મરાલ : મઠજ્યેષ્ઠની રજા વિના જવાય જ કેમ? પલાશ : સાચે જ ભૂલ થઈ. (અભિજિત ફાટી આંખે જોઈ રહ્યા છે.) અશોક : અને અત્યારે આશ્રમ બહાર જવાની હું કોઈને અનુજ્ઞા આપતો નથી. પારકા ધનને જોખમમાં મૂકવાનો આશ્રમને અધિકાર નથી. અભિજિત : મારે તો તારી અનુજ્ઞાની જરૂર નથી! તમે સૌ અહીં રહો; હું જાઉં છું. અશોક : (આગળ આવી) તમે પણ નહિ જઈ શકો. જ્યાં સુધી અમારા અતિથિ છો ત્યાં સુધી આશ્રમના નિયમો તમનેય બાધક છે. અભિજિત : જીવનમાં નિયમ શું તે જાણ્યું નથી. હું આ ચાલ્યો. (ઝડપથી જવા જાય છે. અશોક આડો પડી પકડી રાખે છે. બધા છાત્રો અશોકની મદદમાં છે.) અશોક : અમે તમને નહિ જવા દઈએ — નહિ જવા દઈ શકીએ. તમારી જવાબદારી પણ અમારી ઉપર છે, જ્યાં સુધી સ્વામીજી ન આવે ત્યાં સુધી. અભિજિત : (છૂટવાનો ફોગટ પ્રયત્ન કરી રહ્યા છે.) ઓહ! ઓહ! આ જ કારણે હું તમારા ધાર્મિકોનાં મંડળોમાં ભળતો નથી. તમને લોકોને અદ્ભુત કરવા માટે અનુજ્ઞાની અપેક્ષા રહે છે. છોડો; તમારી સાથે મનેય શરમમાં ન નાખો. પલાશ : એમ જવાય નહિ; સાહેબ. બંસી : (પકડી રાખી) અને તમે એકલા જઈને કરશો પણ શું? આલાપ : (હાથ ન છોડતા) નકામા એક વધારે માણસનો જાન જોખમમાં. (રામો દોડતો-દોડતો આવે છે.) રામો : ગજબ થઈ ગયો! ગોકીરો સાંભળીને તીરથ ધિંગાળામાં પહોંચી ગયો. એક મિયાણાએ ગોળીથી એનું પેઢું વીંધી નાખ્યું. માણસો એને ખાટલામાં નાખીને લાવ્યા છે. અરે કોઈ દોડો! ડાક્ટરને બોલાવો! (સૌ અવાક્ થઈ જાય છે.) અભિજિત એ છે ક્યાં? રામો : એના ઓરડામાં.

(કાંઈ બોલ્યા વિના અભિજિત બહાર દોડ્યા જાય છે. સૌ બાવરાની માફક એને અનુસરે છે.)


દૃશ્ય બીજું


(સ્થળ : તીરથનો ઓરડો કાળ : એ જ રાત - આગળ રચના : પહેલા અને બીજા અંકોના બીજાં દૃશ્યો જેવી. ખાટલામાં ઘાયલ તીરથ પડ્યો છે. એના પેડુ ઉપર ફાળિયું બાંધી દેવામાં આવ્યું છે. એના આખા શરીર ઉપર એની શાલ ઓઢાડી દેવામાં આવી છે. માત્ર માથું જ ઉઘાડું છે. બેત્રણ માણસો એના ખાટલાની આસપાસ ઊભા છે. રઘવાટમાં રામો પ્રવેશ કરે છે.) પહેલો માણસ : કેમ કોઈ આવે છે કે નહિ? રામો : હા, હા જરી ધરીજ પકડો. સૌ સારાં વાનાં થઈ રહેશે. બીજો માણસ : તો તો ભગવાનનો પા’ડ. બિચારું કુમળું ફૂલ! હજી તો મોંમાથી દૂધ પણ સુકાયું નથી. ત્રીજો માણસ : એને માબાપ છે કે નહિ? રામો : બધું છે, ભાઈ. ત્રીજો માણસ : તો એમને ખબર આપોને? પછી ઝાઝી વાર નથી. રામો : નદી પેલે પાર તેઓ રહે છે. બિચારાં આવતાં જ અડધાં થઈ જાય. (તીરથ ‘ઓહ!’ કરી પડખું ફરવા જાય છે, પણ ફરાતું નથી. રામો પાસે જાય છે અને માથે હાથ મૂકે છે.) રામો : બહુ દુ:ખે છે, ભાઈ? બધું સારું થઈ જશે, હો! ગભરાતો નહિ. દાક્તરને તેડવા મોકલ્યા છે. (અભિજિત પ્રવેશ કરે છે, અને પાધરા જ ખાટલા પાસે જાય છે. થોડી વાર તીરથની સામે ધારી ધારીને જોઈ રહે છે; પછી નાડી હાથમાં લઈ પડખે જ બેસી જાય છે.) અભિજિત : તીરથ તીરથ : (આંખો ખોલી) કોણ પ્રોફેસર? અભિજિત : હા, તીરથ. પણ બોલ, કેમ છે તને? ગભરાતો નહિ. તીરથ : મને સારું છે, અભિજિત. અભિજિત : તો ઠીક, જે કરવું તે શક્તિથી કરવું. મરવું તે પણ શક્તિથી. જો તને વાત કહી દઉં? તું ઝાઝું જીવવાનો નથી. પણ બહાદરિયા, તેં તો મોત માગી લીધું છે, નહિ? અને તું ગભરાય નહિ તે પણ હું જાણું છું. તીરથ : લેશમાત્ર ગભરામણ નથી, અભિજિત! માત્ર કષ્ટ ખૂબ પડે છે. અભિજિત : બસ ત્યારે! કોઈની રજા લેવાની જરૂર નથી. (બીજા સૌ આવી પહોંચે છે. માણસો એક બાજુ ખસી જાય છે. સૌ ગભરાયેલા છે.) અશોક : કેમ છે, તીરથભાઈ? પલાશ : કેમ છે, ભાઈ તને? બંસી : કાંઈ ખાસ દુ:ખતું નથી ને? અભિજિત : મહેરબાની કરી સૌ શાંત રહો. અશોક : (પાસે જઈ) ડોક્ટરને બોલાવવા છે? અભિજિત : મેં માણસ મોકલી દીધું છે. પણ એનો કાંઈ અર્થ નથી. તીરથ પણ જાણે છે કે ઘા મરણતોલ છે. તીરથ : અને હવે મારી ઘડીઓ પણ ગણીગાંઠી છે. પલાશ છે અહીં? મારી પાસે ન આવે? પલાશ : (પાસે આવી, રૂંધાયેલા સ્વરે) આ રહ્યો, ભાઈ! કહે, જે કહેવું હોય તે! તીરથ : મને માફ કરજે, હો! પલાશ : (રડી પડી) માફ તો તારે કરવાનું. તીરથ : અને જો, એક બીજું કામ. ફાલ્ગુનીને કહેજે કે તીરથ ઉ52નો રોષ ઉતારી નાખે, અને અશોકભાઈ, સ્વામીજી આવે ત્યારે એમને કહેજો કે રજા વિના તીરથે ઓરડો છોડ્યો તોય તેને માફ કરે! રજા લેવાનો સમય નહોતો! અમ કોળીઓથી બેઠા રહેવાય! અશોક : (આંસુ લૂછતાં) અને સોમને, તારા બાપુને કાંઈ કહેવું છે? તીરથ : ના. અભિજિત : અને આરતીને? તીરથ : (હસે છે, થોડી વારે) ના. (તીરથ આંખો મીંચી જાય છે. બંધ બારી ઉપર એ જ સમયે ટકોરા થાય છે તે તરફ ધ્યાન જાય એટલી સ્વસ્થતા કોઈનામાં નથી. અભિજિત પલંગ પાસે જાય છે.) અભિજિત : તીરથ! (જવાબ નથી મળતો. તીરથના મુખ ઉપર અભિજિત ઝળંૂબે છે.) ઓહ, તું ચાલ્યો ગયો, નહિ? (તરત જ પલંગ છોડી વચ્ચે આવી બીડી સળગાવે છે અને સ્તબ્ધ ઊભા ઊભા બીડી પીધા કરે છે.) (બારી ઉપર કોઈના ધબ્બાનો અવાજ આવે છે.) મરાલ : કોઈ બારી પાછળ છે. આલાપ : કોઈ બારી ભાંગે છે. પલાશ : બહારવટિયા... (અભિજિત ખડખડાટ હસી પડે છે.) અશોક : કોણ છે બારી ઉપર? (બારી ઉપર ફરી ધબ્બા પડે છે. અવાજ આવે છે. ‘ઉધાડ તીરથા! વચનભંગી!’’ છાત્રો દૂર જતા જાય છે.) અશોક : કોણ છે બારી પાછળ? (બારી ઉપર ફરી ધબ્બા પડે છે; ફરી અવાજ આવે છે. ‘ઉઘાડને હવે! રોજ રોજ બારીમાં ઊભા રહી ગાવાનું વચન આપ્યું, અને હજી તો અઠવાડિયું નથી થયું ત્યાં થાકી ગયો? જુઠ્ઠા, બેબોલા! ઉઘાડ હવે!’’) અશોક : કોણ છે? (બારી પાછળથી અવાજ ‘‘કોણ, કોણ, શું કર્યા કરે છે તીરથ? હું આરતી!’’) પલાશ : આરતી? આરતી કોણ? અભિજિત : આરતી એક છોકરી છે. (બીડી મોંમાં રાખી) રૂપાળી કન્યા છે. આલાપ : તે અત્યારે અહીં શા માટે! અભિજિત : પૂછ તેને! મને શી ખબર? અશોક : આટલી મોડી રાત્રે છાત્રાલયમાં કોઈ કન્યા? શું થવા બેઠું છે આશ્રમનું? અભિજિત : ઉલ્કાપાત! અશોક : પ્રોફેસર સાહેબ... અભિજિત : આદેશ મઠજ્યેષ્ઠ! શું કહો છો? બારી ઉઘાડી નાખું? અશોક : ના, એ બારી નહિ ઊઘડે. અભિજિત : જેવી આજ્ઞા!

પહેલો માણસ : (મગજ ગુમાવવાની અણી ઉપર) તમારા ટોળ જવા દો અને કોઈક દોડો નદીને સામે કાંઠે! છોકરાના માબાપને ખબર કરો! વડના ટેટા જેવો રાતોમાતો ઘડી બેઘડીમાં તો હતોનહોતો થઈ ગયો! અભિજિત : (વચમાં જ) એ વિશે વધારે નહિ! (નાક ઉપર આંગળી મૂકે છે અને બારી તરફ ઇશારો કરે છે.) અશોક : રામા, જા ખબર કર. (રામો જાય છે.) ત્રીજો માણસ : ત્યારે અમે જઈએ. શબને સવારે કાઢજો. ત્યાં સુધી એની પાસે ઘીનો દીવો કર્યો અને ગીતાપાઠ કરો. કોઈક આખી રાત જાગજો! બધા માંડીવાળેલ ભેગા થયા છો તે! (ત્રણે માણસો જાય છે.) અશોક : (ઉતાવળો થતો છાત્રોને) તમે સૌ જાવ અને સૂઈ જાવ. અમે અહીં જાગતા બેસીશું; હું અને પ્રોફેસર. અભિજિત : આપ પણ પધારો, અશોક! અહીં હું એકલો જ બસ છું. સવારે સૌ આવી લાગજો, કેમ કે મારા એકલાથી શબને ઊંચકી શકાય તેમ નથી. અશોક : તમે એકલા અહીં શબ પાસે રહી શકશો — (સુધારી) રહેશો? અભિજિત : હા, હા; એકલા! (મિજાજ તંગ કરી) કેટલી વાર કહેવું તને તે! તમે જાવ અને તમારા આશ્રમછાત્રોને સંભાળો! જુઓ, બિચારાઓના ટાંટિયા હમણાંથી જ ધ્રૂજવા લાગ્યા છે. એકલા કેમ ઊંઘી શકશે? આજે તમે સૌની વચ્ચે સૂજો! (બધા ગુપચુપ જાય છે. અભિજિત પલંગ પાસે જઈ મૂંગા મૂંગા તીરથના મોં સામે જોઈ રહે છે. થોડી વારે ત્યાંથી ખસી વચ્ચે આવી બીજી બીડી સળગાવે છે. અને ધુમાડા કાઢતા ઊભા રહે છે. થોડી વારે) ના, ના; ના! તીરથનું મૃત્યુ મને હલાવી ન શકે! મેઘનું બિન્દુ મહાસાગરમાં પડીને ગેબ થઈ ગયું! કાંઈ નહોતું અને કાંઈ ન રહ્યું! (બારી ઉપર ફરી ટકોરા થાય છે, અવાજ આવે છે. ‘હવે તું એકલી પડ્યો નહિ તીરથા? અત્યાર સુધી બીજા કોઈ હતા એટલે બારી ન ઉઘાડીને? હવે તો ઉઘાડ? જા, તને વચનભંગી નહિ કહું, લે! ઉઘાડ જોઈએ, મારા તીરથા!’ અભિજિત : (કાંઈ નક્કી કરતાં) ઉઘાડું તો ખરો જ! (ખાટલા પાસે જઈ શબને બરાબર ઢાંકી દે છે. આસપાસ કપડાં એવી રીતે ગોઠવે છે કે કોઈ સૂતું હોય તેની કોઈને કલ્પના પણ ન આવે) (પછી બારી ઉઘાડી બીડી પીતા એક બાજુ ઊભા રહે છે.) (એક ડોકું ઉપર આવે છે. નમણું નાક અને નાકમાં નથણી : કસુંબલ ચૂંદડી અને પાતળો સોટા જેવો ફૂટડો દેહ : ચૌદ વર્ષની ગ્રામ્યકન્યા) આરતી : (બારી ઉપર) તીરથ! ક્યાં સંતાયો? (કૂદી અંદર આવે છે. પ્રોફેસરને જોઈને ચમકે છે.) આરતી : ઓહ! અભિજિત : ગભરા નહિ, આરતી! હું તો તારો બાપ ગણાઉં. આરતી : (સંકોચથી) તમે કોણ છો? અને તીરથ ક્યાં ગયો? અભિજિત : તીરથ તો મુસાફરીએ ગયો છે; આજ સવારે; સ્વામીજીની સાથે. આરતી : મુસાફરીએ? (ઉદ્વેગથી) ન હોય! તો તો કાલે મને કહે નહિ? અભિજિત : ઓચિંતુ, નક્કી થયું આજે સવારે, મને કહેતો ગયો છે એ ખબર તને આપવાનું. આરતી : એમ! બહુ સારું (થોડીવાર નીચે જોઈ રહે છે.) આરતી : તમારું નામ શું? અભિજિત : મારું નામ? જવા દે એ! સહેજ અઘરું છે, તને નહિ આવડે બોલતાં! આરતી : તોય કહોને! અભિજિત : મારાં બે નામ છે. એક અઘરું અને એક સહેલું. મારે ઘેર મારી નાની બેન મને અભાભાઈ કહેતી. તું અભો કહીશ તોય ચાલશે. આરતી : ના, હું તમને તમારી નાની બેનની જેમ અભાભાઈ કહીશ. એટલું તો આરતી આવડે છે, હો! સાવ જંગલી ન ધારશો! અભિજિત : સાવ જંગલી ધારું તોય શું? જંગલી લોકો સુધરેલા લોકો કરતાં સારા હોય છે. આરતી : પણ કહો તો, અભાભાઈ તીરથ ક્યારે પાછો આવશે? અભિજિત : જો તારી વાતોમાં મારી બીડી ઠરી ગઈ. (નવી સળગાવે છે.) તું બીડી પીએ ખરી? આરતી : ક્યારેક. અભિજિત : તો આજે ન પીએ? — આરતી! આરતી : ના. અભિજિત : કેમ? આરતી : એ તો તીરથની સાથે ક્યારેક! બાકી આમ તો જરાય ગમે નહિ. પણ કહોને, તીરથ ક્યારે આવશે પાછો? અભિજિત : એક વરસે. આરતી : (ચમકી) એક વરસે? અરેરે? ત્યાં સુધી શું કરીશ હું? અભિજિત : તું મારી સાથે ચાલ. તીરથ સ્વામીજી સાથે ગયો. હું મારી સાથે ચાલ મારે ત્યાં સુંદર પંખીઓ પાળ્યાં છે. તેની સાથે કલ્લોલમાં વરસ તારું વાતવાતમાં વહી જશે. આરતી : તમે ક્યાં રહો છો? અભિજિત : અહીંથી બહુ દૂર. આરતી : તો તો મારાથી ન અવાય. મારા બાપા માંદા છે. વળી ઓચિંતો તીરથ આવી ચડે તો! મને ગોતી ગોતીને અડધો થઈ જાય. હું તો અહીં જ રહેવાની અને તીરથની રાહ જોવાની. અભિજિત : (ખુરશીમાં બેસતાં) પણ ધાર કે એવું બને, આરતી! કે મુસાફરીમાં તીરથ કોઈ બીજી છોકરીમાં મોહાઈ જાય અને તને ભૂલી જાય! — તો તું એને ભૂલી ન જા? આરતી : જુઓ, એવું ન બોલશો. તમે લોકો એવી વાતો કરો પણ અમને એ ન ગમે. વળી એ મને ભૂલે તોય હું કદી એને ન ભૂલું! અભિજિત : પણ એક આખા વર્ષમાંય તું તેને ભૂલી ન શકે! કોઈ એનાથીય ફૂટડું મળી જાય તો? આરતી : જો! કહ્યું નહિ કે એવી વાતો અમને ન ગમે! અભિજિત : તો નહિ કરું, હો! (બહાર બારી પાસે કાંઈ પાંખોનો ફફડાટ થાય છે.) અભિજિત : એ શું? કોઈ પાંખો ફફડાવે છે? આરતી : (ઉમંગમાં) એ તો મારો નાનો મોરલો! જે ઈંડું તીરથો અહીંથી પાછું લઈ આવ્યો હતો તે! — તે ફૂટ્યું અને અંદરથી રંગરાજ નીકળ્યો. મનમાં થયું કે તીરથાને અહીં એકલું ગમતું નથી તે રમવા લઈ આવું. એટલે તો આવી હતી. પણ અહીં આવી તો મનડાનો મોર ન મળે! અભિજિત : (ઊભા થઈ) જો, તને એક વસ્તુ આપું. (ટેબલ ઉપરની ચોપડીઓમાંથી એક ચિત્ર કાઢે છે.) કદાચ તને ગમશે, એમ ધારીને! (આરતીને આપે છે.) આરતી : (થોડી વાર જોઈ, આનંદના ઉદ્વેગથી) મને ગમે છે — ખૂબ ગમે છે. હું રાખી લઈશ મારી પાસે. આ અમારા કૂબાઓ! આ નાળિયેરી! અને ઉપર અજવાળું! કોણ જાણે કેમ પણ ચિત્ર જોઉ છું અને તીરથનું મોઢું તરવરે છે. તમને પાછું ન મળે તો? અભિજિત : (મોઢા ઉપર વિજયનો ઉલ્લાસ તરવરે છે.) મને એ પાછું નથી જોઈતું. મેં તને એ આપી દીધું છે. હું ધારતો હતો એવું જ બન્યું. જો હું હવે એવું બોલવાનો છું કે તું સમજીશ નહિ; તોય સાંભળજે ખરી! ઉચ્ચ કળા કાં તો અભિજિતોથી સમજાય અને કાં તો આરતીઓથી સમજાય. વચલા વડવાગળાંઓનું કામ નહિ. સમજી કશું? આરતી : ના, પણ ત્રણ શબ્દો સમજી, અભિજિત (અભિજિત આશ્ચર્ય પામે છે.) આરતી અને વડવાગળાં! અભિજિત : તો તને અભિજિત એમ બોલતાં આવડે એમ? મને ખબર નહિ. તો તો હવેથી મને અભિજિત કહેજે. (થોડી વારે) ના, ના; ના. અભાભાઈ જ ઠીક છે. મારી બેન એમ કહેતી. આરતી : હવે હું જાઉં; ખૂબ મોડું થયું. નહિ? આરતી : હા. અભિજિત : તો મને બદલામાં કાંઈ નહિ આપે? આરતી : અમે ગરીબ રહ્યાં, અભાભાઈ. વળી મારી પાસે કશું આપવા જેવું પણ નથી. અભિજિત : છે. આરતી : હશે તો જરૂર આપીશ. માગો. અભિજિત : પેલો મોરલો! આરતી : મોરલો? ના, એ નહિ. (થોડી વારે) ઠીક લ્યો, આપ્યો એ મોરલો તમને. હું જાઉં છું, હો! તીરથાના ખબર આવે તો મને ખબર પાડજો. હું ક્યારેક આવતી રહીશ. (જતાં જતાં) ચાલ્યો ગયો મને પૂછ્યા વિના! (એનું ઊતરી ગયેલું મોઢું ઊતરતું દેખાય છે. અભિજિત ધુમાડા કાઢતાં તે દિશામાં જોઈ રહે છે. ઓચિંતા) અસત્ય! છેતરપિંડી! પણ બીજો ઉપાય નહોતો. વળી અસત્ય પણ અંતે એક સત્ય છે અને સઘળું શૂન્યમાં મળી જવાનું! સત્ય-અસત્ય સઘળું જ! (આંટા મારવા લાગે છે. નીચેથી આરતીના ક્રમાગત દૂર દૂર જતાં ગીતનો ધ્વનિ આવે છે એટલે બારીમાં સ્તબ્ધ ઊભા રહી સાંભળ્યા કરે છે.) આરતીનું આવતું ગીત : એક કોળી આવ્યો, મારા દાદાની ડેલીએ : ઈંડાંના ટોપલા લાયો જી રે, કોળી આવ્યો! ઘોડી કુદાવતો વીર મારો આવ્યો, હળવેકથી એક હાથ લંબાવ્યો; એને નીલમડો રંગ મન ભાવ્યો જી રે, કોળી આવ્યો! મોટી મોલાતથી કાકાજી ઊતર્યા, ધારી ધારી અનેક ઈંડાં મને ધર્યાં: એનો પચરંગમાં મન ધાયો જી રે, કોળી આવ્યો! મુને ઘેલીને તે હોય શાં પારખાં? સઘળાં ઈંડાં એક સરખાં મને હતાં! ધોળામાં દિલ લોભાયો જી રે, કોળી આવ્યો! ભાઈને પોપટ, ટિટોડી કાકાને સાંપડી, ભોળીને મા’દેવની આરતિનકી ફળી; રંગરાજ શો રઘવાયો જી રે, કોળી આવ્યો! મોરલો મળ્યો તોય રહી હું અભાગણી, આવી પૂગી એક અદકેરી માગણી; હાકલની કેડીએ ધાયો જી રે! કોળી આવ્યો! સાત સમદર ને હિમલા જે ચડી! ઊડજે મોર! મારી રખાની રાખડી! મોરપીંછ એક ના ફગાયો? — જી રે, કોળી આવ્યો! એક કોળી આવ્યો, મારા દાદાની ડેલીએ; ઈંડાંના ટોપલા લાવ્યો જી રે, કોળી આવ્યો! (ગીતધ્વનિ ધીમે ધીમે અસ્ત થાય છે.) (અભિજિત સ્વસ્થ ચિત્તે વચ્ચે આવી ઊભા રહે છે.) (પછી બાવરાની માફક તીરથના ગામ પાસે જાય છે. અને મોઢા ઉપરી કપડું ખસેડી પોતાના બે હાથમાં એનું માથે જોરથી દાબતા પડખે બેસી જાય છે.) અભિજિત : સાંભળતો નથી? — સાંભળતો નથી, તીરથા? તારે ઊડી જવું હોય તો ઊડી જા! પણ આરતી એક પીંછું માગે છે! અને બીજું એક મારે માટે પણ મૂકતો જા! અરે મૂકતો જા તારું પેલું શૂન્યતા સાત રંગોવાળું પીંછું! ફાલ્ગુની : (એકાએક પ્રવેશ કરી) બે પીંછાં માગો છો ત્યારે સાથેસાથે ત્રીજુંય એક માગી લો, અભિજિત! મારેય એક જાઈએ! અને મોરલાને મોરપીંછની ક્યાં ખોટ છે?

(અભિજિત ઊભા થઈ જાય છે, અને ગાંડાની માફક ફાલ્ગુનીની આંખોમાં તાકી રહે છે. બંનેને અંધકાર આવરી લે છે.)
0 0 0