યુગવંદના/કોણ ગાશે!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કોણ ગાશે!
[સ્રગ્ધરા]

મા, તારી કોણ ગાશે
પલપલ ઇતિહાસે ભરી બારમાસી?
મેં તો શ્રદ્ધાવિહોણે
પ્રથમ મુહૂર્તે કીધી’તી ક્રૂર હાંસી:
આજે એ હાસ્ય મારાં
પૂજનફૂલ બની સર્વ પાછાં વળ્યાં છે;
આજે ગર્વી જનોનાં
મદછક વચનો અશ્રુધારે ગળ્યાં છે.
શી રીતે જાગિયો આ
અજગર સરખો સુપ્ત તોતિંગ દેશ?
કોની ફૂંકે રુઝાયા
દિલદિલ ભરિયા ક્લેશ-ધિક્કાર-દ્વેષ?
કોણે આ ભસ્મપુંજે
નવીન જીવનની ચેતના-છાંટ છાંટી?
મુર્દાંમાં પ્રાણ ફૂટ્યા:
મુલકમુલકની વિસ્મયે આંખ ફાટી!
કોનાં વીરત્વ ગાવાં? –
ઘર ઘર થકી જે કેદખાને દટાયા?
– કે લાઠીને પ્રહારે
અણડગ રહિયા જે ધરી પુષ્પકાયા?
ગાઉં કોના પતિને?
શત દુ:ખ સહતી કોણ સહચારિણીને?
કોને ગાઉં – ન ગાઉં –
અગણિત મહીંથી એકને તારવીને?
કોનાં વીરત્વ ગાવાં? –
નથી નથી નીરખ્યાં ખેતરો ભસ્મીભૂત;
દીઠાં ના ગામડાં, જ્યાં
અકથ પ્રલયલીલા રમ્યા કાળદૂત.
ભૂમિના બેટડાઓ!
શત શત સિતમો લ્હેરથી ઝીલનારા!
ત્રૂટી - ફૂટી કવિતા
ક્યમ કરી કથશે શૌર્ય મૂંગાં તમારાં?
મા! તેં તો રંગ રાખ્યો:
પ્રથમ વખત તેં મુક્તિનો સ્વાદ ચાખ્યો;
‘બી ના! બી ના!’ પુકારી
નિજ શિશુજનને ભવ્ય પેગામ ભાખ્યો.
‘તેં સાધ્યું કાંઈયે ના!’
– કહી કદી અધીરો આપશે ક્રૂર મેણું;
કે’જે પ્રત્યુત્તરે કે –
‘અભય બની પ્રજા: લૈશ હું સર્વ લેણું.’
જાગ્યો મારો વિરાટ:
અમીભર નયનો ઊઘડ્યાં – લોક જાગ્યો!
પૃથ્વીનું ઝેર પીને
અમર બની જતો, જો ત્રિપુરાર જાગ્યો!
જો, એની જાગૃતિને
સકળ જગપ્રજા ભવ્ય સન્માન આપે;
જો, એના વૈરીઓની
વિકલ ભ્રમદશા: બીકથી ગાત્ર કાંપે!
દૂરે દૂરે તથાપિ –
વિજય ગજવવાનું હજુ દૂર ટાણું;
પૂરું ઊગ્યું ન માનું
સકલભયહરા મુક્તિનું રમ્ય વ્હાણું.
ઓ મારા રંક પ્રાણ!
મદછક ન થજે: રાત પૂરી ન વીતી!
જોજે હો માત મારી!
વિજય તણી સુરાપ્યાલી આજે ન પીતી!

૧૯૩૧