યુગવંદના/બ્હેન હિન્દવાણી
આવો આવો રે બ્હાદુર, ઓ બ્હેન હિન્દવાણી!
મેં તો આવતાં તુંને જાણી, બ્હેન હિન્દવાણી!
તારે અંતરે ઉજાસ
તારે મોઢડે મીઠાશ
તારા શબ્દમાં સુવાસ
તને ઓળખી એ એંધાણે, બ્હેન હિન્દવાણી
– આવો
દખણ દેશની દીઠી રે, બ્હેન હિન્દવાણી!
તારા કાળા ભમર કેશ
તારા પ્હાડી પુરુષ-વેશ
તારો ડુંગરિયાળો દેશ
ઘૂમ્યા ઘોડલે જ્યાં શિવરાજ, બ્હેન હિન્દવાણી!
જેનાં ભગવે નેજે રાજ, બ્હેન હિન્દવાણી!
લેવાં હિન્દવાણાંની સાર, બ્હેન હિન્દવાણી!
જેની ખળકી રુધિર-ધાર, બ્હેન હિન્દવાણી!
– આવો
ગોડ બંગાળેથી આવો, બ્હેન હિન્દવાણી!
તારાં મૃગલી સમાં નેન
તારે નયણે ભર્યાં ઘેન
જાણે જમનાજીનાં વ્હેન
દીઠી તળાવડીને તીર, બ્હેન હિન્દવાણી!
ન્હાતી નદીઓ કેરે નીર, બ્હેન હિન્દવાણી!
તારાં વાયરે ઝૂલે ચીર, બ્હેન હિન્દવાણી!
તું તો કાળકાની કુમારી, બ્હેન હિન્દવાણી!
તારી કેડ્યમાં ગાગર પ્યારી, બ્હેન હિન્દવાણી!
– આવો
આવો, કાશ્મીરી કાલૂડી બ્હેન હિન્દવાણી!
તારા નાવડીમાં નિવાસ
તારા વાડીઓના વિલાસ
માથે અવનવું આકાશ
જાણે કુંજની કોયલડી બ્હેન હિન્દવાણી!
ગોરી ગભરુડી ગાવડલી બ્હેન હિન્દવાણી!
તારાં રૂપ તણાં અંબાર, બ્હેન હિન્દવાણી!
એનો કોઈ નહિ રખવાળ, બ્હેન હિન્દવાણી!
– આવો
આવો, આવો રે, પંજાબી બ્હેન હિન્દવાણી!
તારાં સિંહ સમાં સંતાન
જેને મરવામાં છે માન
ઝૂલે કમરમાં કિરપાણ
ધર્મવીરને ધવરાવતી બ્હેન હિન્દવાણી!
ગીત ગુરુનાં ગવરાવતી બ્હેન હિન્દવાણી!
તારા ઘૂંઘટપટ ખોલ, બ્હેન હિન્દવાણી!
ઘોર શૌર્ય-શબદ બોલ, બ્હેન હિન્દવાણી!
– આવો
દ્રાવિડ દેશની આવો રે બ્હેન હિન્દવાણી!
તારા માથડા કેરી વેણ
જાણે નાગણી માંડે ફેણ
તારાં હીરલે જડ્યાં નેણ
મુખે ખટમધુરાં વેણ
તારે દેવ-દેરાં નવ માય, બ્હેન હિન્દવાણી!
તારી તોય લાજો લૂંટાય, બ્હેન હિન્દવાણી!
તારે સાગરે બાંધી પાજ, બ્હેન હિન્દવાણી!
રોળ્યાં રાવણ કેરાં રાજ, બ્હેન હિન્દવાણી!
સીતાવરની રાખ્યે લાજ, બ્હેન હિન્દવાણી!
– આવો
આવો રણઘેલી રજપૂત બ્હેન હિન્દવાણી!
તારી ભોમ તપે રેતાળ
સંગે નીરભર્યો મેવાડ
ડુંગર દૈત સમા ભેંકાર
માથે ગઢ કોઠાની હાર
બોલે જુગજૂના ભણકાર
ધરમ ધેન ને સતી બ્હેન સાટ, હિન્દવાણી!
તારા સાયબા સૂતા મૃત્યુ-વાટ, હિન્દવાણી!
તારાં શીળ ચડ્યાં સળગન્ત કાષ્ઠ, હિન્દવાણી!
એની જશ-જ્યોતોના ઝગમગાટ, હિન્દવાણી!
સૂરજ ભાણ સમોવડ પૃથ્વી-પાટ, હિન્દવાણી!
– આવો
આવો સહુ મળી સંગાથ, બ્હેન હિન્દવાણી!
આવો ઊતરો ગુજ્જર દેશ
જેની બેટડી લાંબે કેશ
દિલે સ્નેહ રંગીલે વેશ
ઘૂમે ગરબે માઝમ રાત, બ્હેન હિન્દવાણી!
માથે ચૂંદડી મોહન ભાત, બ્હેન હિન્દવાણી!
ગાતી સુખદુ:ખોની વાત, બ્હેન હિન્દવાણી!
જેની ભેર પાંચાળી-ભ્રાત, બ્હેન હિન્દવાણી!
– આવો
૧૯૨૮