યુગવંદના/ગાઓ બળવાનાં ગાન!
ઊઠ અવનિના શ્રમજીવી!
ગાવા વિપ્લવનાં ગાન;
ઊઠ બાંધવ ને ઊઠ બેની!
ગાવા બળવાનાં ગાન.
ઊઠ પ્રેમ તણે ઝંકારે ગાવા પીડિત જનનાં ગાન!
ઊઠ રોષ અને ધિક્કારે ગાવા સમર્થ જનનાં ગાન!
એ સમર્થ આપણા સહુના
પૂર્વજના પીસણહાર,
ભૂખ્યાં આપણ શિશુઓની
રોટીના ઝૂંટવનાર;
એ જુગજુગના જુલમોનાં છેદન કાજે આજ પ્રયાણ,
હર કદમે કદમે ગૌરવભર ગાઓ વિપ્લવનાં ગાન!
ગાઓ બળવાનાં ગાન!
હર સૂર્યાસ્તે સૂર્યાસ્તે
ઓરા આવંત મુકામ;
હર સંવત્સર વહી જાતે
વહે જાલિમ દળની હામ.
શીદ ગાવાં અશ્રુ ગમગીની નિ:શ્વાસ તણાં દુર્ગાન!
નિર્ભય, ઉલ્લાસિત, નવચેતન, ગાઓ વિપ્લવનાં ગાન!
ગાઓ બળવાનાં ગાન!
અમ આશા ગુંજે ગગને,
અંતર ઊઠે ધબકાર;
અમ રક્ત-પતાકા પવને
કરતી જગને પડકાર;
‘અમ શ્રમજીવી નિજ ભુજબળથી પામીશું નિજ પરિત્રાણ!’
આતમ-શ્રદ્ધાને ઘોર નિનાદે ગાઓ વિપ્લવ-ગાન!
ગાઓ બળવાનાં ગાન!
ઊંડા દુ:ખની ગહ્વરમાં
સળગાવી અંતર-જ્વાલ,
કરો કૂચ સુધીર સમરમાં
લઈ લોચન કોપ-કરાલ.
જો ઊભાં આપણ માનવતાનાં ઘાતક દળ સુનસાન,
રગરગ સાદે નહિ, હુંકારે લલકારો વિપ્લવ-ગાન!
ગાઓ બળવાનાં ગાન!
જે ગુલામ આજ ચૂમે છે,
જાલિમનો શાસન-દંડ;
નિજ કદમે કાલ નમવશે,
પીડકનો તુંડ ઘમંડ
ઓ બંદી! તું જ જંજીર ભેદવા બનજે વજ્ર સમાન,
તું દાવાનલનો ભડકો થઈ ગાજે વિપ્લવનાં ગાન!
ગાઓ બળવાનાં ગાન!
ઉદયોન્મુખ આગે ધપતી
અમ સેના ચાલી જાય,
ડગ માંડે રટતી રટતી
એક જ શ્રદ્ધા ઉરમાંય –
‘સ્વાતંત્ર્ય તણા સાચા આશકના પડશે એવા ઘાવ,
પૃથ્વી પટ પરથી જાલિમ દળનું કરશે કામ તમામ!’
ગાઓ બળવાનાં ગાન!
૧૯૩૦