યુરોપ-અનુભવ/Leben Lieben Lachen

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
Leben Lieben Lachen

વિયેના નગરીના કેન્દ્રમાં છે સેન્ટ સ્ટિફન ચર્ચ. ચર્ચની આજુબાજુનો ખુલ્લો વિસ્તાર પણ સ્ટિફન પ્લાઝા-સ્ટિફન ચૉક તરીકે ઓળખાય છે. યુરોપનાં ઘણાંખરાં શહેરોમાં આવો એક ખુલ્લો ચૉક હોય. આવા ચૉકમાં એ શહેરની ધડકનો સાંભળી શકાય. બેલ્જિયમના બ્રસેલ્સમાં અમે બહુ ઘૂમ્યાં હતાં, પણ પહેલે જ દિવસે સાંજે એના વિશાળ ચૉકમાં જે રીતે એ નગરને ધબકતું અનુભવ્યું હતું તે અનુભવ તો વિરલ. સ્ટિફન પ્લાઝામાં ઊભા રહીએ એટલે વિયેનાની ચોતરફ જવા ઊંચી ઇમારતોવાળી દિશાઓ આમંત્રી રહે, સામે ઊભેલું ચર્ચ તો નજરને ભરી દે.

જૂનું ચર્ચ, ભૂખરા પથ્થરનું, ગૉથિક શૈલીમાં. એના ઊંચા મિનારા વિયેનાની સ્કાયલાઇનમાં ઉચ્ચતમ. બીજા વિશ્વયુદ્ધમાં જ તે લાકડામાંથી બનાવેલું એનું છાપરું ભડકે બળેલું, તે હવે નવેસરથી બનાવી લેવામાં આવ્યું છે. રતિભાઈએ કહ્યું કે, પહેલાં અહીં રોમન ટેમ્પલ હતું. ખ્રિસ્તીઓએ આવાં પ્રાચીન દેવળોને ચર્ચમાં ફેરવી દીધાં હતાં. મને યાદ આવ્યું, આવી જ રીતે અનેક મંદિરો આપણા દેશમાં મસ્જિદોમાં ફેરવાઈ ગયાં હતાં. એ સ્થળ ઉપાસનાનું તો બની જ રહે છે, એ જ ગનીમત.

વિયેના પર તુર્કોએ હુમલા કરેલા. એક વાર તો તોપો મૂકીને ભાગેલા. એ તોપોમાંથી આ દેવળનો ઘંટ બનેલો છે. સંહારક ધડાકા માટે વપરાયેલી ધાતુનો ધર્મનિનાદ આજ પણ ગુંજી રહે છે. કહે છે – કૉફી પણ તુર્કોની ભેટ છે, એમની પાસેથી અર્ધચંદ્રાકાર બ્રેડ પણ મળેલી છે.

ચર્ચમાં પ્રવેશ કર્યો. ઠંડા પવનથી બચવા એ જરૂરી હતું. વિશાળતા એ ઘણાંખરાં પ્રાચીન ચર્ચનો અનુભવ છે. બારીઓના ચિત્રિત કાચ પણ પ્રભાવક છે. વધસ્તંભ પરની ઈશુની મૂર્તિ કરુણા-નીતરતી છે. ખરેખર તો ચર્ચનું આખું સ્થાપત્યવિધાન રતિભાઈએ કહ્યું તેમ ‘બોડી ઑફ ક્રાઇસ્ટ’ – ક્રોસવિદ્ધ ઈશુના દેહનો ખ્યાલ આપે છે. એ રીતે આપણાં શિખરબંધી મંદિરોની પરિકલ્પનામાં પણ (ગર્ભગૃહ આદિ પણ) મનુષ્યદેહનો આકાર રહેલો નથી? ચર્ચની અંદરની અલંકૃતિમાં બેરોક કલાશૈલીનો ઢોળ ચઢાવેલો છે.

વિયેનામાં સત્તરમી સદીના અંતભાગમાં પ્લેગની મહામારીએ કાળો કેર વર્તાવેલો. એની સમાપ્તિ પછી ચર્ચથી થોડે દૂર, જ્યાં શહેરની ક્યુર્ન્ટર સ્ટ્રાસેની ફૅશનેબલ દુકાનોની હારમાળા શરૂ થાય છે, ત્યાં પ્લેગકોલમ ઊભો કરવામાં આવ્યો છે. પ્લેગ એક ડાકણ રૂપે છે, જેને એક નાનું બાળક (ઈશુ) સંહારે છે, બાજુમાં સમ્રાટ ‘થૅંક્સ ગિવિંગ’ કરે છે – આભાર માને છે. ભવ્ય દુકાનોના શો-વિન્ડો નજરોને ખેંચી રાખે!

આ વિસ્તારના રસ્તા ઉપરની ઇમારતો ઊંચી એકસરખી સફાઈદાર લાગે, જૂની જાજરમાન હવેલીઓ જાણે. એમાંથી એક પરંપરાગત નગરનો સ્પર્શ થાય. અમદાવાદનો સ્પર્શ જોઈતો હોય તો એલિસબ્રિજ, નવરંગપુરા વિસ્તારમાં નહિ, પણ માણેકચૉક કે પોળોના વિસ્તારમાં જવું પડે. રતિભાઈ વિયેનાની ગલીગલીને જાણતા હોય તેમ પરિચય કરાવતા જાય. વચ્ચે વચ્ચે અહીંના લોકોની જીવનશૈલીની પણ વાત કરતા જાય. એમણે ત્રણ જર્મન શબ્દોથી અહીંની પ્રજાની લાક્ષણિકતા બતાવી :

Leben (Live), Lieben (Love), Lachen (Laugh) – લેબન, લીબન, લાખન… એટલે કે જીવવું, ચાહવું અને હસવું. આ લોકો જીવન જીવી જાણે છે, પ્રેમ કરી જાણે છે અને આનંદપ્રમોદ કરી જાણે છે. તેઓ વાતવાતમાં આધ્યાત્મિકતા છાંટતા નથી.

વિયેના એટલે સંગીતનગરી. અહીં કેટલા મોટા સંગીતકારો થઈ ગયા છે! શુબર્ટ, મોત્ઝાર્ટ, બિથોવન, યોહાન સ્ટ્રાઉસ, હાયદન. યુરોપનું મોટામાં મોટું ઓપેરા હાઉસ વિયેનામાં છે. મોત્ઝાર્ટના જીવન વિષેની ફિલ્મ ‘અમેડિયસ’ જોતાં સમજાય કે સંગીતને અને વિયેનાને કેટલું બધું સગપણ છે! અહીં રતિભાઈએ એક એવી પુસ્તકોની દુકાન બતાવી કે જેમાં માત્ર સંગીતનાં જ પુસ્તકો હોય. વિયેનાથી ઊપડતી કેટલીક ગાડીઓનાં નામ મોત્ઝાર્ટ કે શુબર્ટ છે. એક ગાડીનું નામ લિયોનાર્ડો દ વિન્ચી છે. પ્રજાની કલાપ્રિયતાનું આ દ્યોતક છે. ખરેખર તો વિયેનાનો અનુભવ કરવો હોય તો આવા કોઈ સંગીતના કાર્યક્રમમાં શામિલ થવું જોઈએ. પણ એ ભાગ્ય ક્યાંથી? થયું : ખરેખર આ લોકો ‘જીવે છે’!

આકાશમાં વાદળ હટી ગયાં હતાં અને તડકો નીકળી આવ્યો હતો. અમે નગરના રિંગસ્ટ્રાસે – રિંગરોડ ઉપર ચાલતાં હતાં. અમદાવાદના કોટની જેમ ફરતો કોટ તોડીને આ રિંગરોડ બનાવાયો છે. રોડની બન્ને બાજુ ઘણી પ્રતિમાઓ જોવા મળે. વૃક્ષોની ઘનછાયા વિસ્તરેલી હોય. વિયેનાની પ્રજાને જૂની વસ્તુઓ સાચવી રાખવાનો બહુ શોખ. એમાં જાહેર શૌચાલયો પણ આવી જાય. લીલા રંગના આવા એક જૂના શૌચાલય તરફ રતિભાઈએ ધ્યાન દોર્યું. અહીં નગર વચ્ચે એક નાનકડી નદી વહી જાય છે, જે આગળ ડાન્યુબને મળી જાય છે. અમે નગરના પાર્ક – સ્ટાડ્ટ પાર્કમાં પ્રવેશ કર્યો. ગઈ સદીના મધ્યભાગમાં આ પાર્ક બનાવવામાં આવ્યો હતો. પાર્કમાં પ્રવેશતાં આપણે ભૂલી જઈએ કે કોઈ એક મોટું નગર બાજુમાં શ્વસી રહ્યું છે. પાર્કમાં ચસોચસ પ્રેમ કરતાં યુગલો જોવા મળે, જેમ તળાવડામાં તરતાં બતક જોવા મળે. યૌવનની વય અહીં લાંબી હોય એવું લાગે. પણ પ્રેમને વળી વય શી?

એક ખુલ્લી જગ્યા આવી. વાયોલિન વગાડતા યોહાન સ્ટ્રાઉસની વિશાળ પ્રતિમા. વૉલ્ટ્ઝ સંગીતનો એ પ્રણેતા. જે કલાકારે એ પ્રતિમા બનાવી છે તે માત્ર યોહાનની પ્રતિમા બનાવી અટકી ગયો નહોતો, પણ જાણે એના સંગીતનો પ્રભાવ બતાવવા નરનારીઓની એકબીજાને ચૂમતી, એક થતી પ્રતિમાઓ પણ કોતરી છે. અમે એક બેન્ચ પર બેઠાં. રતિભાઈ કહે : ‘કવિ ઉમાશંકર અહીં, આ જ બેેન્ચ પર બેઠા હતા.’ અમે વળી પાછા કવિનાં સ્મરણોમાં ખોવાઈ ગયાં. ત્યાં તો બગીચાના એક ખુલ્લા જરા ઊંચા ચૉક પર સંગીત શરૂ થયું. વાદ્ય સંગીતકારોનું વૃન્દ હતું. એક જમાનો હતો જ્યારે વિયેના ઑસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્યની રાજધાની હતું. પછી તો હિટલરે ઑસ્ટ્રિયાને જર્મનીમાં ભેળવી દીધેલું. પોતાની શાસનપદ્ધતિ ઠોકી બેસાડી હતી. સંગીતમાં એણે માર્ચ મ્યુઝિકને દાખલ કર્યું. પણ અહીંના લોકોનો મિજાજ જુદો જ. પોતાની રીતે ચાલ્યા.

વિયેનાની જૂની યુનિવર્સિટીના વિસ્તારમાં ગયા. યુનિવર્સિટી, ચર્ચ અને ખ્રિસ્તી સાધુઓના મઠ જોયા. અહીં આપણે જૂની આબોહવામાં શ્વાસ લેતા હોઈએ એવો અનુભવ થાય. કબૂતર ઊડાઊડ કરતાં હોય. અહીં ચિત્રનું તથા કોતરણીનું કામ ઘણું છે. ચિત્રોમાં સોનેરી રંગનો ઉપયોગ વધારે થયો છે. અહીંના ડોમિનિક ચર્ચની બેન્ચના છેડા પણ કોતરકામવાળા.

યુનિવર્સિટી ઑફ ટૅક્નોલૉજીની ઇમારતો જોઈ. સામે મકબરાના આકારનું ચર્ચ છે : ‘કાર્લ કિર્ખ્ય’. મિનારા પર જુદા જુદા ધાર્મિક પ્રસંગો ચીતરેલા છે. આગળ મા અને બાળકનું મૉડર્ન શિલ્પ છે – કાળા પથ્થરમાં. બાજુના હોજમાં બતક સાથે બતકનાં બચ્ચાં તરતાં હતાં તે સુંદર લાગ્યું. અહીંથી સામે વિયેનાનું વિશ્વવિખ્યાત કૉન્સર્ટ હાઉસ છે. અહીંનો કાર્યક્રમ જોવો હોય તો બેત્રણ વર્ષ પહેલાં બુકિંગ કરાવવું પડે! રતિભાઈએ કહ્યું કે, પ્રસિદ્ધ નાટકકાર આયોનેસ્કોનું ‘Chairs’ – ‘ખુરશીઓ’ નાટક સૌપ્રથમ અહીં ભજવાયેલું. વિયેનામાં ‘ગેસેલશાફટ દેર ફ્રોઇન્ડસ’–સંગીતરસિક પરિષદ છે, જે કૉન્સર્ટોનું આયોજન કરે છે. પહેલી જાન્યુઆરીએ તો કૉન્સર્ટ અચૂક થાય જ. વિયેનાવાસીઓની રગેરગમાં સંગીત છે. એટલે – When a Wien talks, he is not talking, but singing. – વિયેનાવાસી વાત કરતો હોય ત્યારેય ગાતો હોય એવું લાગે – રતિભાઈએ કહ્યું.

મૉડર્ન આર્ટ બિલ્ડિંગ બહારથી જ જોયું. મેર્સિયાદ એલિયાડે એની ડિઝાઇન કરેલી છે. બહાર ઘુવડનું મોટું શિલ્પ છે. ઘુવડ ડહાપણનું પ્રતીક ગણાય છે. એ શિલ્પથી કલા-વિવેચકોમાં તકરારો થયેલી.

સમગ્ર યુરોપમાં ઉનાળો શરૂ થતાં રેસ્ટોરાં કાફેની બહારની પગથી પર ખુરશી-ટેબલો ગોઠવાઈ જાય અને લોકો ત્યાં બેસીને બિઅર પીતા હોય, કૉફી પીતા હોય કે નાસ્તો કરતા હોય. એ રીતે સાંજ પડ્યે તો પગથીઓ ભરેલી હોય. લોકો નિરાંતે બેઠા હોય. વેગમાં જીવતા નાગરિકો સાંજે એ રીતે બેઠા હોય, જાણે સમય થંભી ગયો છે. અમે પણ મૅકડોનલ્ડની (જે ફૂડહાઉસની ચેઇન લગભગ આખા વિશ્વમાં છે) પગથી પર બેસી લોકોની આવનજાવન જોતાં ‘એપલ પાઇ’ આરોગી (એવી એકબે ખાદ્ય ચીજો જ શાકાહારી હતી); નિરાંતે કૉફી પીતાં બેઠાં. પછી થોડું વિન્ડો શોપિંગ. મિચેલા ફ્રેની મીનાકારીની ચીજો જોઈ, ક્યુર્ન્ટ સ્ટ્રાસેની ભવ્ય દુકાનો જોઈ. દાગીના, પોશાકો, પર્સો – જોયા જ કરો. મોંઘાં એટલાં કે વિચાર જ ન કરાય. આ શેરીમાં વાહનો ચલાવવાની મનાઈ છે.

વિયેના કેટલુંબધું જોયું! પણ હજી તો કેટલું બધું બાકી છે! એને માટે રવિવાર ફાળવી રાખ્યો છે. વચ્ચેનો શનિવાર અમે સાલ્ઝબર્ગ અને ઇન્સબ્રુક જવાનો રાખ્યો છે. આજે હવે ઘર ભણી. ચાલતાં ચાલતાં એક મેટ્રો સ્ટેશને પહોંચ્યાં, ત્યાંથી વનોથી ઘેરાયેલા રતિભાઈના આવાસ હિમેલ હોફ તરફ. સ્ટેશને ઊતરી પુલ ચઢી છેક ઘર નજીક જતી બસની રાહ જોતાં ઊભાં. ચાલીને જવાય તેમ હતું, પણ થાક લાગ્યો હતો અને ઓછામાં પૂરું ઢાળ ચઢીને જવાનું હતું. હિમેલ હોફ પહોંચી ગયાં. પગથિયાં ચઢી વચ્ચેના ખંડમાં થઈ બાલ્કનીમાં જઈ ઊભાં. સામે વિયેના પથરાયેલું હતું. ત્યાં દૂર નગરની ડાબી તરફ રહસ્યોનો અંચળો ઓઢીને પડેલી લીલીછમ લાંબી ટેકરી આમંત્રણ આપતી લાગી. હું એ તરફ જોતો હતો. રતિભાઈ કહે : ‘એ જ એ ટેકરી છે, જેણે બિથોવનને એની છેલ્લી સિમ્ફની રચવાની પ્રેરણા આપી હતી.’ ટેકરી, બિથોવન, છેલ્લી સિમ્ફની – જોતાંજોતાં હું જાણે કશું જોતો નહોતો, ખોવાઈ ગયો હતો.