રણ તો રેશમ રેશમ/મનુષ્યનાં વાસનામય રહસ્યોનું પ્રતિબિંબ : આર્કનો કિલ્લો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
(૪) મનુષ્યના વાસનામય રહસ્યોનું પ્રતિબિંબ :
આર્કનો કિલ્લો
Ran to Resham 9.jpg

ઈરાનના પૌરાણિક મહાકાવ્ય શાહનામા અનુસાર બુખારા શહેર ઈરાનના શાહ કૈકાવુશના પુત્ર સિયાવુશે વસાવ્યું. આ સિયાવુશની જીવનકથની રસપ્રદ છે. સિયાવુશને પોતાનાથી નાની ઉંમરની અપરમાતા સાથે પ્રેમ થઈ ગયો. આ પ્રેમીપંખીડાંના વ્યભિચારની વાત એક દિવસ રાજા કૈકાવુશ સુધી પહોંચી. કૈકાવુશને ક્રોધ તો એટલો આવ્યો કે સિયાવુશનું ખૂન કરી નાખે, પણ પુત્રપ્રેમને ખાતર એ એવું ન કરી શક્યો. એક નાનકડાં લશ્કર સાથે એણે પુત્રનો દેશનિકાલ કર્યો. ઘર તથા પિતાનું રાજ્ય છોડી સિયાવુશ વિશાળ નદી અમુદરિયા પાર કરીને તુરાન આવી પહોંચ્યો. તે જ સમયે અહીં સમરકંદનો રાજા ઍફ્રોસિયાબ ચીનના જંગલી વણજારાઓ સાથેના સંઘર્ષમાં હારવાની તૈયારીમાં હતો. એણે સિયાવુશની તથા એના લશ્કરની મદદ માગી. સિયાવુશની મદદથી ઍફ્રોસિયાબે ચીનાઓને મારી ભગાડ્યા. ખુશ થઈને ઍફ્રોસિયાબે સિયાવુશને વરદાન માગવા કહ્યું. સિયાવુશ કહે, મારી પાસે ઘર નથી. તમારા રાજ્યમાં ઘર બાંધવા જેટલી જમીન મળી શકે તો સારું. ઍફ્રોસિયાબે પૂછ્યું : એક ઘર બનાવવા તને કેટલી જમીનની જરૂર છે? જવાબમાં સિયાવુશ કહે : એક બળદનું શરીર રોકી શકે તેટલી. રાજાને નવાઈ લાગી. એટલીક જમીનમાં શું થાય? સિયાવુશે તો બળદની ચામડી ઉપરાંત પૂંછડીના વાળ સહિત એની ચામડીના એકેએક પાતળા લીરાને જોડતાં ચાર હેક્ટર જેટલો વિશાળ વિસ્તાર માપી બતાવ્યો. સિયાવુશની બુદ્ધિમત્તા પર આફરીન થઈને રાજા ઍફ્રોસિયાબે બુખારાના રણદ્વીપની જમીન પર મહેલ સહિત એક કિલ્લો બાંધી આપ્યો, પોતાની પુત્રીના લગ્ન એની સાથે કરાવ્યા તથા બુખારાના રણદ્વીપની રાજસત્તા પણ એને સોંપી. અહીં પણ સિયાવુશ એક ભૂલ કરી બેઠો. રાજા ઍફ્રોસિયાબની એક રાણી સાથે પ્રેમ કરવાનું આળ એના પર આવ્યું. એ જ કારણસર સિયાવુશ પર પોતાના સસરાને પદભ્રષ્ટ કરીને સમગ્ર ઈરાન તથા તુરાનના રાજા બનવાની પેરવી કરવાનું આળ પણ ચડ્યું. ઍફ્રોસિયાબે આ વાત સાચી માનીને સિયાવુશને સજા કરી. એણે પોતાની દીકરીની સામે જ જમાઈનો શિરચ્છેદ કરાવીને એનું માથું શહેરના પ્રવેશદ્વારની નીચે દટાવી દીધું. સિયાવુશના પિતા કૈકાવુશને આ વાતની જાણ થતાં, એણે બદલો લીધો. એણે રુસ્તમ નામના વીર પાસે બુખારા પર હુમલો કરાવી ઍફ્રોસિયાબને હણાવ્યો. બદલો લઈને પાછા ફરતા રુસ્તમ સિયાવુશના પુત્ર ખુશરૂને કૈકાવુશ પાસે પર્શિયા લઈ આવ્યો. એક મત એવો પણ છે અને ઈરાનના લોકો ખાતરીપૂર્વક માને છે કે, સિયાવુશ વ્યભિચારી નહોતો. એ તો એનું રૂપ જ એટલું આકર્ષક હતું કે, સ્ત્રીઓને એની ઝંખના રહેતી. કૈકાવુશની તથા ઍફ્રોસિયાબની રાણીઓએ સિયાવુશે પોતાના તરફ લક્ષ ન આપતાં નિરાશામાં ખોટાં આળ ચડાવ્યાં હતાં. અપરમાતાના આળ પછી સિયાવુશે પોતાની નિર્દોષતા સાબિત કરવા પિતા પાસે અગ્નિપરીક્ષા પણ આપી હતી. જ્વાળામાંથી નખશિખ પાર ઊતર્યા પછી મનભંગ થયેલ સિયાવુશે જાતે જ ઘર તથા પિતાનું રાજ્ય છોડી દીધું અને વિશાળ નદી અમુદરિયા પાર કરીને તુરાન આવી પહોંચ્યો. સિયાવુશની નિર્દોષતાને માનતાં આજે પણ દર વરસે ૨૧મી માર્ચે નવરોઝના દિવસે બુખારાની પ્રજા એક કૂકડાને મારીને એને લોહી નીંગળતો જ આર્કના કિલ્લા ઉપર લટકાવે છે અને એમ સિયાવુશના વહેલા લોહીને યાદ કરે છે. મનુષ્યની વાસનાઓના અનેક રહસ્યો છુપાવીને બેઠેલા સિયાવુશના કિલ્લાને હું આર્દ્રભાવે જોતી રહી. કિલ્લામાં અનેક ગલીઓ છે. રાજાની ને રાણીઓની, સામંતોની અને લડવૈયાઓની, તો વળી એક ગલી રાજાના પિતરાઈઓની પણ ખરી. રાજ્ય ઝૂંટવી શકનાર આ પિતરાઈઓની દરેક હિલચાલ પર સતત નજર રાખવામાં આવતી અને જો કાંઈ શંકાસ્પદ લાગે તો એને બંદી બનાવાતો અથવા એને મારી નખાતો. અહીં એક ગલી કામદારોની હતી. કિલ્લામાં આશરે ત્રણ હજાર મજૂરો કામ કરતા. એ તમામને પતિ-પત્નીના જોડકામાં કામે રખાતાં. આમ કરવા પાછળનો આશય એ હતો કે, એમને સાથે રાખવાથી સ્ત્રી કે પુરુષ ચારિત્ર્યભ્રષ્ટ ન થાય. અને અહીં એવી પણ પ્રથા હતી કે, કોઈ એક વ્યક્તિનું સ્ખલન થાય, તો સજા પતિ-પત્ની બંનેને કરવામાં આવે! અહીંના બંદીગૃહ પણ કેવાં! પહેલી કોટડી પાણી ભરેલી રહેતી. એ માત્ર એક મીટર જેટલી નીચી હતી એટલે એમાં સાવ ઝૂકીને અથવા બેસીને જ રહી શકાય. એ કોટડીની ઉપરના માળ પર અશ્વોનો તબેલો હતો, જેની છતમાં કાણાં હતાં, જેથી આખો દિવસ અશ્વોનાં મળમૂત્ર નીચેના પાણી ભરેલા ઓરડામાં પડ્યા કરે. ત્રીજી કોટડીનું નામ હતું, કાનાખાના. એમાં અસંખ્ય કીટકો વચ્ચે કેદીને બાંધી રખાતો, જેથી એ તમામ જીવડાં સતત એની ઉપર રેંગતાં રહે. ચોથી કોટડી રેતખાના તરીકે ઓળખાતી. આ એક પ્રેશર ચેમ્બર હતી. એમાં કેદીની છાતી ઉપર રેતીનું દબાણ મૂકવામાં આવતું. એ દબાણ ક્રમશઃ એટલું વધારવામાં આવતું કે કેદી શ્વાસ પણ ન લઈ શકે અને એમ રિબાઈને મરી જાય. કિલ્લો સામાન્ય હતો. કહે છે કે, એ બંધાતો હતો ત્યારે મજૂરો એને બાંધે ને એ પડી જાય. રાજ-જ્યોતિષીએ કહ્યું, એને મોટા રીંછના આકારનો બનાવો, તો એ ટકી જશે. આમ એક વિચિત્ર પહોળા પગ આકારની દીવાલોવાળો સ્ટાર શેઇપનો કિલ્લો અસ્તિત્વમાં આવ્યો. કિલ્લા પર સાત મિનાર છે. પ્રવેશદ્વારની ઉપર સાજિંદાઓ ચોઘડિયાં વગાડવા બેસી શકે તે માટેનો કક્ષ છે. મહેલમાં જાળીદાર બારીઓ છે, જેમાંથી રાણીઓ બજારની ચહલપહલ જોઈ શકતી. વળી એક બારી એવી છે કે જેમાંથી રાજા બજારમાં વેચાવા આવેલ પશુઓ નીરખતો. રાજાને ગમી જાય તે અશ્વ કે ઊંટ ભેટમાં મળતું કે ખરીદી લેવાતું. આપણા મુસ્લિમ રાજવીઓના મહેલો અને કિલ્લાઓ સાથેના સામ્યને કારણે મનમાં સતત સરખામણી થતી રહેતી હતી. પણ મનને જે ખટકતું કોરી રહ્યું હતું તે હતું, માનવમનનું અગોચર ઊંડાણ. અનેક મહેલોમાં અને અનેક કિલ્લાઓમાં આ બન્યું હશે, તેવું જ અહીં પણ બન્યું, જે વીતેલા સમયને બોઝલ બનાવી રહ્યું હોય તેવું લાગ્યું. સિયાવુશ જેવી પ્રેમની અનેક કરુણાંતિકાઓ અહીં સર્જાઈ હશે અને રહસ્ય બનીને આ કિલ્લામાં જ ધરબાઈ ગઈ હશે. માત્ર કવિઓ જ આ કહેતા નથી, ઇતિહાસ પણ કહે છે : પ્રેમ ઉપર જેટલા પણ પહેરા લગાડો, એને માટે કેટલીયે ક્રૂર સજાઓ ફરમાવો, મનુષ્યના મનની વાસનાઓ તથા એના હૃદયની પ્રેમની લાગણીને નાથી શકાતી નથી.