રણ તો રેશમ રેશમ/આભને આંબતા મિનાર જેવી હિંમતનો મુકામ : બુખારા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(૫) આભને આંબતા મિનાર જેવી હિમ્મતનો મુકામ : બુખારા

બુખારાની મધ્યમાં એ સંકુલ શોભતું હતું. બુખારાની એ સાંસ્કૃતિક ઓળખાણ. બે વિશાળ સ્થાપત્યો સામસામે ઊભેલાં હતાં. એમાંથી એક મદરેસા હતી ને બીજી મસ્જિદ હતી અને એ બંને વચાળે એક અત્યંત ઊંચો મિનારો હતો. પત્થર જેવી દેખાતી રતૂમડી ઈંટોના બનેલ એ ત્રણેય સ્થાપત્યો ઉપર ભૂરા રંગનું મીનાકારી કરી હોય તેવું મોઝેઈકનું જડતરકામ તથા ચિત્રકામ અજોડ હતું. અહીં બધું જ ભવ્ય હતું, સુંદર હતું અને અનેરું ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું હતું; સંકુલની ઓટલા જેવી ફૂટપાથ પર અમે નિરાંતે બેસી ગયાં હતાં ને ગાઇડ સમજાવતો હતો : આ પરિસરનું નામ છે પોઈ કલાન. એનો અર્થ થાય ત્રણ મહાન સ્થાપત્યો. એમાં એક છે ‘મિનાર એ કલાન’ અર્થાત્ કલાનનો મિનારો, બીજું છે ‘મસ્જિદ એ કલાન’ અર્થાત્ કલાનની મસ્જિદ અને ત્રીજો છે ‘મીર એ અરબ મદ્રેસા’ અર્થાત્ ‘મીર આરબની મદરેસા.’ આખાય ઉઝબેકિસ્તાનમાં આ ત્રણેય પ્રકારનાં સ્થાપત્યો એક સાથે ઝૂમખામાં બનાવેલાં દેખાયાં. તાશ્કંદની જામા મસ્જિદમાં પણ આવું જ જોયેલું. ધર્મસ્થાન સાથે ભણતર માટેનું સ્થાન, તે ઉપરાંત અજાનમાં લેવાતા અલ્લાહના નામના નાદથી શેતાનને દૂર ભગાડવા અર્થે મિનારની રચના. ઉઝબેકિસ્તાનમાં અનેક મિનારા જોયા, પણ સન્ ૧૧૨૭માં બંધાયેલ આ મિનાર સૌથી ઊંચો હતો. એની વારતા કાંઈક આમ છે : બુખારાનો રાજા અર્સલાનખાન શહેરમાં એવું અનોખું સ્થાપત્ય બનાવવા માગતો હતો કે એવું બીજું કોઈ સ્થાપત્ય એના આખા રાજ્યમાં ન હોય. એણે જાણકારો પાસે ડિઝાઇનો તથા સૂચનો માગ્યાં. જવાબમાં અનેક સૂઝાવ મળ્યા, પણ રાજાને એક પણ વિચાર પસંદ ન પડ્યો. દરેક રૂપરેખા જોઈને એને થાય કે, આવું તો હું આગળ બંધાવી ચૂક્યો છું! અંતે એક ૧૯ વર્ષનો છોકરો પોતાની ડિઝાઇન લઈને રાજા પાસે આવ્યો. તેણે એક અત્યંત ઊંચા મિનારની પરિકલ્પના કરેલી. રાજા કહે, ‘મારા રાજ્યમાં ૨૬૦ મસ્જિદો છે, એ દરેકને એક મિનાર છે, આમાં નવું શું છે?’ છોકરો કહે, ‘આજ સુધી બંધાયેલ તમામ મિનારાની ઊંચાઈ સાડા ત્રણ મિટર રાખવામાં આવતી, જ્યારે આપણો મિનાર ૪૭ મિટર ઊંચો હશે. કારણ કે, શાસ્ત્રાનુસાર બ્રહ્માંડના પહેલા ઇન્સાન આદમની ઊંચાઈ ૪૭ મિટરની હતી.’ રાજા કહે, ‘આટલા ઊંચા મિનારની શું જરૂર?’ છોકરો કહે, ‘જરા કલ્પના કરો, જ્યારે રણમાં મુસાફરી કરતા કાફલાઓ દૂરથી એને જોશે, ત્યારે એમને જાણ થશે કે અહીં રણ વચ્ચે એક ઇસ્લામિક દેશ વસેલો છે. વળી, મસ્જિદના ૧૨ મૌલવીઓ દિવસમાં ચાર વખત એના પરથી બાંગ પોકારશે, ત્યારે એનો અવાજ આખા બુખારામાં ને તેનાથીય આગળ રણમાં દૂર સુધી સંભળાશે અને એમ અલ્લાહનું નામ સાંભળીને શૈતાન દૂર નાસી જશે. રાત્રે આપણે એના ઉપર દીવો સળગાવી રાખશું, જેનો પ્રકાશ રાતવરત ચાલી આવતી પોઠોને દીવાદાંડીની જેમ રાહ ચીંધશે.’ છોકરાની ડિઝાઇન પસંદ કરવામાં આવી. રાજા કહે, ‘તારી પાસે એના બાંધકામ માટેનું સંપૂર્ણ જ્ઞાન છે ખરું? જો તું એ બાંધી બતાવશે તો હું તને તારા વજન જેટલું સોનું આપીશ અને જો તું એ નહીં બાંધી શકે, તો તને મોતની સજા આપીશ.’ છોકરાએ શરત સ્વીકારી. બાંધકામ શરૂ કરવામાં આવ્યું. દસેક મિટરનો પાયો નંખાયા પછી એક દિવસ અચાનક છોકરો ગુમ થઈ ગયો. લોકોએ કહ્યું, ‘એ તો ગપગોળા હાંકતો હશે. આખો મિનાર બાંધવાનું એનું ગજું નહીં હોય, એટલે મોતની સજાના ડરથી ભાગી ગયો હશે.’ રાજાએ પણ એમ જ માની લીધું. આમ કરતાં બરાબર બે વરસે છોકરો બુખારામાં ફરી દેખાયો. રાજાએ એને ભાગી જવાનું કારણ પૂછ્યું, તો છોકરો કહે, ‘આ પાયાને સજ્જડ બનવા માટે બે ઉનાળાના સખત તડકાની, વરસાદની તથા બે શિયાળાની બરફ જેવી શીતળતાની જરૂર હતી. એ દરમિયાન જો હું તમારી સામે રહેત, તો તમે ઉતાવળ કરવા મારી ઉપર દબાણ કર્યું હોત. તમારો અનાદર હું શી રીતે કરી શકત? માટે હું ભાગી ગયો હતો!’ રાજાએ મિનારનું કામ શરૂ કરવાની મંજૂરી આપી. છોકરાએ ઉત્તમ પ્રકારનો કાદવ, ઊંટડીનું દૂધ તથા ઈંડાની જર્દી મેળવીને ઈંટોને ચોંટાડવા માટેનો પદાર્થ બનાવ્યો. તેણે રણની રેતમાંથી ઈંટો બનાવી. એ ઈંટોને રણમાં જ ઊગતી સાક્સાવુ નામની વનસ્પતિ સળગાવીને બનાવેલ ભઠ્ઠીમાં તપાવીને પથ્થર જેવી સખત બનાવી. મિનારની બાંધણીમાં એક ઉપર બીજી ઈંટોની લાઈનો ન બનાવતા, ઈંટોની હારને સળંગ સાંકળની જેમ વર્તુળાકારે લંબાવવામાં આવી. આ રીતે જે મિનાર બન્યો, તે જાણે એક સળંગ પથ્થરનો બનેલ હોય તેવો મજબૂત બન્યો. છોકરો કહે, હવે આને સો વરસ સુધી કાંઈ વાંધો નહીં આવે! અને આશ્ચર્યની વાત એ છે કે, આજથી બરાબર ૧૬ વર્ષ પછી આ મિનારનો નવસો વર્ષ પૂરાં થશે! વીસમી સદીના ત્રીજા દશકમાં બોલ્શેવિકોએ એને તોડવા એની ઉપર નવ વખત બૉમ્બવર્ષા કરી, પણ મિનારની કાંકરી પણ ખેરવી શકાઈ નહીં. લોકવાયકા છે કે ઐતિહાસિક ધરોહરોનો ખાતમો બોલાવીને તથા કત્લેઆમ કરીને કાળો કહેર વર્તાવતો ચંગીઝખાન જ્યારે પહેલી વાર આ મિનારા સામે ઊભો રહ્યો, ત્યારે આટલા ઊંચા મિનારને જોવા જતાં એની પાઘડી માથા પરથી નીચે પડી ગઈ. આ પ્રસંગ ચંગીઝખાનના હૃદયને સ્પર્શી ગયો. એણે પોતાના સેનાપતિને કહ્યું, ‘આ મિનારને તોડવાનો નથી.’ સેનાપતિએ એનું કારણ પૂછતાં ચંગીઝખાને કહ્યું, ‘મેં મારી પાઘડી ક્યારેય ઊતારી નથી. આજે મિનાર સામે એ પડી ગઈ, જેની પાછળ આ સ્થાપત્યની આમન્યા જાળવવા માટેનો કોઈ ગેબી સંકેત હોઈ શકે.’ આમ આ મિનારની અદબ જાળવતો ચંગીઝખાન એને નુકશાન પહોંચાડ્યા વગર ચાલ્યો ગયો. ૧૮૨૬માં અહીં નસરૂલ્લાખાન નામનો રાજા થઈ ગયો. બુખારાના લોકોએ એનું હુલામણું નામ પાડેલું ‘ધ બૂચર’ અર્થાત્ ‘કસાઈ’, કારણ કે રાજા પોતાના દુશ્મનોને આ મિનાર પરથી ફેંકીને મારી નાખતો. રાજા વીર હતો અને ક્રૂર પણ હતો. એ બે તલવારથી લડી શકતો. એણે પોતાના બધા જ દુશ્મનોને આ મિનાર પરથી ફેંકીને મારી નાખ્યા. એક દિવસ એક અપરાધીને ન્યાય તોળવા માટે મિનાર સામે લાવવામાં આવ્યો. રાજા તથા ન્યાયમૂર્તિ મીરસાહેબે એને મૃત્યુદંડ ફરમાવ્યો. મિનારા પરથી એને ફેંકતા પહેલાં માણસની અંતિમ ઇચ્છા પૂછવામાં આવી. માણસ કહે, ‘મારી છેલ્લી ઇચ્છા છે કે હું બહારથી આ મિનાર ઉપર ચડવા માંગું છું.’ લોકોએ એને પાગલ કહ્યો. પર્વતીય પ્રદેશનો રહેવાસી હોય તો કદાચ હજીય એને ઊંચાણો સર કરવાનું કામ ફાવે, પણ આ તો રણનો રહેવાસી. એણે તો સપાટ પ્રદેશ પર જીવન કાઢ્યું. એ કોઈ જાતના સહારા વગર આટલા ઊંચા મિનાર પર શી રીતે ચડી શકવાનો? રાજા કહે, ‘તું એ શી રીતે કરી શકશે?’ માણસ કહે, ‘પડી જઈશ તો તો આમેય મારે મરવાનું જ છે ને! અને જો ચડી જઈશ તો પણ એ પછી તમારે મારી સાથે જે વ્યવહાર કરવો હોય તેની છૂટ છે.’ લોકોના શ્વાસ અધ્ધર રહી ગયા. માણસ તો મોંમાં એક પથ્થર લઈને સડસડાટ મિનારા પર ચડી ગયો અને મિનારાની ઊંચાઈ ઉપર એ પથ્થર ચોંટાડીને સલામત નીચે પણ ઊતરી આવ્યો. ‘કસાઈ’ રાજા ક્રૂર હતો, પણ બહાદૂરીનો કદરદાન પણ હતો. એણે માણસની બહાદૂરી પર ખુશ થઈને એને જીવનદાન આપ્યું. મિનારની આભને આંબતી ઊંચાઈ ઉપર પેલા જાંબાઝ ઇન્સાને ચોંટાડેલ પથ્થર જોઈ શકાતો હતો. મિનાર અતિશય ઊંચો હતો. એના ઉપરની કારીગરી પણ ઉત્કૃષ્ટ હતી. મનુષ્યના મનની ખુમારી જેવા બુલંદ એ મિનારને જોતાં હું બહાદૂરીની ઉન્નત યશોગાથાઓને મનોમન બિરદાવતી રહી.