રવીન્દ્રપર્વ/૧૯૩. શરદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૯૩. શરદ

અંગ્રેજી સાહિત્યમાં શરદ પ્રૌઢ છે. એની યુવાવસ્થા પૂરી થાય ન થાય ત્યાં તો મરણ એને ઘેરી લે છે. ત્યારે બધું સમાપ્ત થયું નથી હોતું, માત્ર ખરી જતું હોય છે. એક આધુનિક અંગ્રેજ કવિ શરદને સંબોધીને કહે છે: ‘તારાં આ આશંકાકુલ વૃક્ષો કેમ આજે ભૂતના જેવાં લાગે છે; તારા કુંજવનનું આ ઊઠી ગયેલું હાટ, તારાં આ ભીનાં પાંદડાંનું દેશ ત્યાગીને બહાર ચાલી જવું! જે અતીત અને જે આગામી તેની વિષણ્ણ વાસરશય્યા તેં રચી છે, જે કંઈ મ્રિયમાણ છે તેની જ તું વાણી છે, જે કંઈ ‘ગતસ્ય શોચના’ તેની જ તું અધિદેવતા છે.’ પણ આ શરદ તે આપણી શરદ સહેજેય નથી; આપણી શરદની ભૂરી આંખોની પાંપણ દેવાળિયા થઈ ગયેલા યૌવનની આંખનાં આંસુથી ભીંજાઈ જતી નથી. આપણી શરદ આપણી આગળ શિશુનું રૂપ ધારણ કરીને આવે છે; એ નરી નવીન હોય છે. વર્ષાના ગર્ભમાંથી અબઘડીએ જન્મ પામીને એ ધરણીધાત્રીના ખોળામાં સૂતી સૂતી હસી રહી છે. એનો દેહ કૂણો હોય છે. સવારે પારિજાતનાં ફૂલની જે સુવાસ આવે છે તે એના દેહની સુવાસના જેવી હોય છે. આકાશમાં પ્રકાશમાં ઝાડપાનમાં જે કાંઈ રંગ દેખાય છે તે એના પ્રાણનો રંગ છે, એ નર્યો તાઝગીભર્યો હોય છે. પ્રાણનો એક રંગ હોય છે. તે ઇન્દ્રધનુષની ગાંઠડીમાંથી ચોરી લીધેલા લાલ ભૂરો લીલો પીળો વગેરે પૈકીનો કોઈ વિશેષ રંગ હોતો નથી; તે રંગ તે કોમળતાનો રંગ. એ રંગ તૃણમાં ને વૃક્ષનાં પર્ણોમાં દેખાય છે, ને દેખાય છે મનુષ્યનાં ગાત્રોમાં. જન્તુની કઠિન ચામડીની ઉપર એ રંગ ઠીક રીતે ફૂટી ઊઠતો નથી, એની શરમથી પ્રકૃતિ એમને રંગબેરંગી રૂવાંટીથી ઢાંકી રાખે છે. મનુષ્યના અંગને પ્રકૃતિ અનાવૃત રાખીને ચૂમે છે. જેને વધવું હોય તેને પાકટ થવાનું પરવડે નહીં, તેથી જ તો પ્રાણ કોમળ હોય છે. પ્રાણ અપૂર્ણતામાં રહેલી પૂર્ણતાની વ્યંજના છે. એ વ્યંજના જ્યારે શેષ થઈ જાય છે, એટલે કે જ્યારે એ કેવળ જે છે તે જ રહે છે, એથી કશા વિશેષનો એમાં આભાસ રહેતો નથી, ત્યારે મૃત્યુમાં બધું પાકટ બની જાય છે, ત્યારે લાલ ભૂરો વગેરે રંગો હોઈ શકે છે, પણ પ્રાણનો રંગ હોતો નથી. શરદનો રંગ તે પ્રાણનો રંગ. એ છે કોમળ, ખૂબ નરમ. તડકો કાચા સોના જેવો, હરિયાળી પણ કૂંણી, લીલો રંગ પણ તાજગીભર્યો. તેથી જ તો શરદ્ આપણા પ્રાણને સાદ દે છે, જેમ વર્ષા સાદ દે છે આપણા નેપથ્યમાં રહેલા હૃદયને, જેમ વસન્ત સાદ દે છે આપણી પરસાળમાં બેઠેલા યૌવનને. મેં કહ્યું, શરદમાં શિશુનો ભાવ રહેલો છે. એમાં શિશુનાં હાસ્ય અને ક્રન્દન રહ્યાં છે. એ હાસ્યક્રન્દનમાં કાર્યકારણની ગભીરતા નથી. એ એવાં તો હળવાં બનીને આવે છે ને જાય છે કે ક્યાંય એનાં પગલાંનું ચિહ્ન સુધ્ધાં પડતું નથી, જળના તરંગ પર પ્રકાશછાયા ભાઈબહેનની જેમ તોફાનમસ્તી કરે ને છતાં એમનું કશું ચિહ્ન જળ પર અંકાતું નથી તેમ. બાળકોનાં હાસ્યક્રન્દન તે પ્રાણની વસ્તુ છે, હૃદયની વસ્તુ નથી. પ્રાણ તો છીપલીની હોડીની જેમ માત્ર વહ્યે જવાનું જાણે, એ હોડીમાં માલ લાદી શકાય નહીં. એ વહ્યે જનારા પ્રાણનાં હાસ્યક્રન્દનનો ભાર સાવ હળવો હોય છે. હૃદય તો માલ લાદેલી નૌકા જેવું છે. એ બધું પકડી રાખે, સંઘરી રાખે, એનાં હાસ્યક્રન્દન ચાલતાં ચાલતાં ખરતાં જાય એવી વસ્તુ નથી. દાખલા તરીકે ઝરણું — એ દોડી નીકળે છે માટે જ ઝળહળ થઈ ઊઠે છે. એમાં પ્રકાશછાયા વાસ કરી પડ્યાં રહેતાં નથી, ઝરણાંને વિશ્રામ નથી. પણ એ ઝરણું જ તળેટીમાં જે સરોવરમાં જઈને પડે છે તેમાં પ્રકાશ જાણે તળિયે ડૂબકી મારવા ઇચ્છે છે, ત્યાં છાયા જળના ઊંડાણનું અન્તરંગ બની રહે છે. ત્યાં સ્તબ્ધતાના ધ્યાનનું આસન મંડાયું હોય છે. પણ પ્રાણનું ક્યાંય આસન બિછાવેલું હોતું નથી, એને તો ચાલ્યા જ કરવાનું હોય છે. તેથી શરદ્નાં હાસ્યક્રન્દન માત્ર આપણા પ્રાણપ્રવાહ ઉપર ચળકચળક થયા કરે છે. આપણા દીર્ઘ નિ:શ્વાસ જ્યાં વસે છે તે ઊંડાણમાં એઓ રૂંધાઈ જતા નથી. તેથી જ તો શરદ્ના તડકાને જોતાં આપણું મન જાઉં જાઉં કરી ઊઠે છે, વર્ષાની જેમ એ અભિસારયાત્રા નથી, એ તો અભિમાનની યાત્રા છે. વર્ષામાં જેમ આપણી આંખ આકાશ તરફ જાય છે તેમ શરદમાં આપણી આંખ ધરતી તરફ વળે છે. આકાશના પ્રાંગણમાંથી ત્યારે સભાનું પાથરણું વીંટાળીને સંકેલી લેવામાં આવ્યું હોય છે. હવે ધરતી સભાસ્થાન બને છે. મેદાનના એક છેડેથી તે બીજા છેડા સુધી હરિયાળી વિસ્તરી રહે છે. એના પરથી આંખને ઉઠાવી શકાતી નથી. બાળક માતાના ખોળામાં બેઠું છે માટે જ તો માના ખોળા તરફ આપણી નજર મંડાયેલી રહે છે. નવીન પ્રાણની શોભાથી ધરણીનો ખોળો આજે ભર્યોભર્યો લાગે છે. શરદ્ મોટાં મોટાં વૃક્ષોની ઋતુ નથી. શરદ ધાન્યનાં ખેતરોની ઋતુ છે. આ ધાન્યનાં ખેતરો ધરતીના ખોળાની વસ્તુ છે. ધરતીનો પ્યારદુલાર આજે ત્યાં જ હિલ્લોલિત થઈ ઊઠ્યો છે. વનસ્પતિદાદાઓ એક બાજુએ ચૂપ થઈને ઊભા ઊભા એ જોઈ રહ્યા છે. આ ધાન્ય, આ શેરડી — એઓ નાનાં છે, એઓ થોડા વખતને માટે આવે છે — એમની જે શોભા, એમનો જે આનન્દ તે આ બે દિવસમાં ઘનીભૂત કરી દેવાનાં હોય છે. સૂર્યનો પ્રકાશ તે એમને મન રસ્તાની બાજુએ બેસાડેલી પરબના જેવો — એઓ ઝટપટ ઘૂંટડો ભરીને સૂર્યકિરણનું પાન કરીને ચાલતા થાય છે. વનસ્પતિની જેમ જળ પવન માટીની એમની ખાધાખોરાકીની પાકી વ્યવસ્થા હોતી નથી; એઓ પૃથ્વીમાં કેવળ આતિથ્ય જ પામે છે, આવાસ પામતા નથી. શરદ પૃથ્વીનાં આ નાનાં નાનાંઓની ઋતુ છે; એ આ બધાં ક્ષણજીવીઓના ક્ષણિક ઉત્સવની ઋતુ છે. એઓ જ્યારે આવે ત્યારે ખોળો ભરી દઈને આવે, ને ચાલી જાય ત્યારે સૂની ધરતી સૂના આકાશની નીચે હાહાકાર કરી રહે. એઓ પૃથ્વીનાં હરિયાળાં વાદળો છે, જોતજોતાંમાં આ વાદળો ઘેરાઈ આવે છે. ત્યાર પછી પ્રચુર ધારાએ વરસી જઈને એ ચાલ્યાં જાય છે, ક્યાંય પોતાનો કશો દાવો રાખી જતાં નથી. તેથી જ તો આપણે કહી શકીએ છીએ: ‘હે શરદ, તું શિશિરાશ્રુ ઢાળતાં ઢાળતાં ગત અને આગતની ક્ષણિક મિલનશય્યા પાથરે છે. આટલા શા વર્તમાનની રાહ જોઈને અતીતની પાલખી દ્વારને ઉંબરે પ્રતીક્ષા કરતી ઊભી છે. એનું મુખ તું ચૂમી લે છે, તારા હાસ્યમાં નયણાંનાં નીર છલકાઈ ઊઠે છે.’ ધરતીની કન્યાનાં આણાં વાળવાનું ગીત હજી તો હમણાં જ ગુંજી ઊઠ્યું હતું. મેઘનો નન્દી શિંગુ બજાવતો બજાવતો ગૌરી શારદાને હજુ તો થોડા દિવસ પહેલાં જ ધરણીમાતાને ખોળે મૂકી ગયો હતો. પણ વિજયાનું ગીત બજી ઊઠવાને હવે ઝાઝી વાર નથી. પેલો સ્મશાનવાસી પાગલ આવ્યો જ જાણો ને! હવે એને પાછા કાઢવાનો કાંઈ ઇલાજ નથી. હાસ્યની ચંદ્રકલા એણે એના લલાટે લગાડી છે ખરી, પણ એની જટાએ જટાએ ક્રન્દનની મન્દાકિની છે. આખરે જોઈએ છીએ તો પશ્ચિમની શરદ અને પૂર્વની શરદ્ બંને એક જ સ્થળે આવીને અન્ત પામે છે દશેરાની રાત્રિના વિજયાના ગીતમાં. પશ્ચિમનો કવિ શરદ્ ભણી જોઈને ગાય છે: ‘વસન્તે એના ઉત્સવનો સાજ વૃથા સજાવ્યો, તારા નિ:શબ્દ ઇશારાએ પાંદડે પાંદડું ખરી ખરીને સોનલાવરણું વરસ આજે માટીમાં ભળીને માટી થઈ ગયું!’ એ કહે છે, ‘ફાગણમાં મિલનપિપાસિનીની જે વ્યાકુળતા હતી તે શમી ગઈ છે, જેઠમાં તપ્તનિ:શ્વાસવિક્ષુબ્ધ જે હૃદયસ્પંદનો હતાં તે હવે સ્તબ્ધ થઈ ગયાં છે. ઝંઝાવાતની ઉન્મત્તતાથી અવળાસવળાં થઈ ગયેલાં વનની ગીતસભામાં તારો પાંદડાં ખેરવનારો પવન પ્રેતલોકની રુદ્રવીણાના તાર સાંધી આપે છે — તારા જ મૃત્યુશોકનું વિલાપગાન ગાવાને. તારા વિનાશની શોભા, તારા સૌન્દર્યની વેદના ક્રમે ક્રમે સુતીવ્ર થઈ ઊઠી છે, હે વિલીયમાન મહિમાના પ્રતીક!’ તેમ છતાં પશ્ચિમમાં જે શરદ્ બાષ્પના ઘૂમટામાં મુખ ઢાંકીને આવે છે, ને જે શરદ્ આપણે ત્યાં ઘૂમટો અળગો કરીને પૃથ્વી ભણી હસતું મોઢું કરીને દેખા દે છે તે બંને વચ્ચે રૂપનો અને ભાવનો તફાવત તો રહેલો જ છે. આપણી શરદ્ આણાં વાળવાના ગીતનું ધ્રુવપદ છે. વિજયાનું ગીત ચાલતું હોવા છતાં એ ધ્રુવપદથી જ ઉત્સવની તાન લાગે છે. આપણી શરદમાં વિચ્છેદવેદનાની અંદર પણ ફરી ફરી નવેસરથી પાછી આવીશ એમ કહીને ચાલ્યા જવાની કથા રહી હોય છે — તેથી પૃથ્વીને આંગણે આણાં વાળવાના ગીતનો અન્ત કદી આવતો નથી. જે લઈ જાય છે તે જ વળી પાછું આપી જાય છે. તેથી જ સર્વ ઉત્સવોમાં મોટો ઉત્સવ તે ખોઈને ફરીથી પામવાનો ઉત્સવ. પણ પશ્ચિમમાં શરદના ગીતમાં પામીને ખોયાની વાત દેખાય છે. તેથી જ તો કવિ ગાય છે; ‘તારો આવિર્ભાવ એ જ તારો તિરોભાવ. યાત્રા અને વિદાય એ જ તારું ધ્રુવપદ; તારું જીવન જ મરણનો આડમ્બર; અને તારા સમારોહની પરમ પૂર્ણતાની અવસ્થાએ પણ તું માયા, તું સ્વપ્ન.’ (સંચય)