રવીન્દ્રપર્વ/૧૯૪. નવવર્ષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૯૪. નવવર્ષા

આષાઢનો મેઘ દરેક વર્ષે જ્યારે આવે ત્યારે નૂતનને રસાક્રાન્ત અને પુરાતનત્વે પૂંજીભૂત થઈને આવે. એને ઓળખવામાં આપણે ભૂલ કરતા નથી કારણ કે એ આપણા વ્યાવહારિક પ્રયોજનોની બહાર રહે છે. આપણા સંકોચની સાથે એ સંકુચિત થતો નથી. મેઘમાં આપણું કશું ચિહ્ન અંકાતું નથી. એ તો પથિક, આવે ને જાય, રહે નહીં. આપણી જરા એને સ્પર્શ કરવાનો અવકાશ પામે નહીં. આપણી આશાનિરાશાથી એ બહુ દૂર. આથી જ કાલિદાસે ઉજ્જયિનીના પ્રાસાદશિખરેથી આષાઢનો જે મેઘ જોયો હતો તે જ મેઘને આપણે જોઈએ છીએ. એ દરમિયાન માનવઇતિહાસમાં થયેલાં પરિવર્તનો એને સ્પર્શી શક્યાં નથી. એ અવન્તી, એ વિદિશા આજે ક્યાં છે? મેઘદૂતનો મેઘ દરેક વર્ષે ચિરનૂતન ચિરપુરાતનરૂપે દેખા દે, વિક્રમાદિત્યની જે ઉજ્જયિની મેઘના કરતાં દૃઢ હતી તેને વિનષ્ટ સ્વપ્નની જેમ આજે ઇચ્છીએ તોય ફરી ઊભી કરવાનું બની શકે તેમ નથી. મેઘને જોતાં સુખિનોઅપ્યન્યથાવૃત્તિચેત: સુખીઓ પણ અન્યમનસ્ક થઈ જાય તે આ જ કારણે, મેઘ મનુષ્યલોકના કશા નિયમને વશ વર્તીને ચાલતો ન હોવાને કારણે જ એ મનુષ્યને એ જેનાથી ટેવાઈ ગયો હોય છે તેની સીમામાંથી બહાર ખેંચી લાવે છે. મેઘની સાથે આપણાં દરરોજનાં ચિન્તાચેષ્ટા કે કામકાજનો કશો સમ્બન્ધ ન હોવાને કારણે જ એ આપણા મનને મુક્ત કરી દે છે. મન ત્યારે કશું બન્ધન સ્વીકારવા ઇચ્છતું નથી, પ્રભુના શાપે નિર્વાસિત યક્ષનો વિરહ ત્યારે ઉદ્દામ થઈ ઊઠે છે. પ્રભુભૃત્યનો સમ્બન્ધ; મેઘ સંસારનાં એ પ્રયોજનોને સાધી આપનારા સમ્બન્ધોને ભુલાવી દે છે ત્યારે હૃદય બન્ધનોને તોડી નાખીને પોતાનો રસ્તો કરી લેવાનો પ્રયત્ન કરે છે. મેઘ પોતાના નિત્યનૂતન ચિત્રવિન્યાસે, અન્ધકારે, ગર્જને, વર્ષણે પરિચિત પૃથ્વીની ઉપર એક પ્રકાણ્ડ અપરિચિતતાના આભાસનો વિક્ષેપ કરે છે. એક બહુ દૂરના સમયની અને બહુ દૂરના દેશની નિબિડ છાયા ઘનીભૂત થઈ ઊઠે ને ત્યારે પરિચિત પૃથ્વીમાં જે અશક્ય લાગતું તે શક્ય લાગવા માંડે છે. કર્મપાશબદ્ધ પ્રિયતમ આવી શકે તેમ નથી એ વાતને પથિકવધૂ માની લેવા ઇચ્છતી નથી. સંસારના કઠિન નિયમને એ જાણે છે, પણ કેવળ જ્ઞાનમાં, એ નિયમ હજુય બળવાન છે એ વાતની પ્રતીતિ એના હૃદયને નિબિડ વર્ષાને દિવસે થઈ શકતી નથી. હું આ જ વાત વિચારી રહ્યો હતો: ભોગ દ્વારા આ વિપુલ પૃથ્વી, આ ચિરકાળની પૃથ્વી આપણી આગળ નાની થઈ ગઈ છે. હું એના જેટલા અંશને પામ્યો છું તેટલાને જ ઓળખું છું. મારા ભોગની બહાર જે રહ્યું છે તેના અસ્તિત્વને હું ગણતો જ નથી. જીવન સખત થઈને બંધાઈ ગયું છે, એની સાથે સાથે મેં મને આવશ્યક એટલા પૃથ્વીના અંશને પણ કસીને બાંધી લીધો છે. મારામાં અને મારી પૃથ્વીમાં હું હવે કશું રહસ્ય જોઈ શકતો નથી તેથી જ શાન્ત થઈને બેસી રહ્યો છું. હું મને પોતાને પૂરેપૂરો જાણું છું એમ નક્કી કરીને બેઠો છું. એવે વખતે પૂર્વ દિગન્તને સ્નિગ્ધ અન્ધકારથી આચ્છન્ન કરી દઈને કોણ જાણે ક્યાંથી પેલો શતશતાબ્દી પહેલાંનો કાલિદાસનો મેઘ આવીને ઉપસ્થિત થઈ જાય છે. એ મારો નથી. મારી પૃથ્વીનો નથી; એ મને કોઈક અલકાપુરીમાં, ચિરયૌવનના રાજ્યમાં, ચિરવિચ્છેદની વેદનામાં, ચિરમિલનના ચિરસૌન્દર્યની કૈલાસપુરીના પથચિહ્નહીન તીર્થાભિમુખે ખેંચી લઈ જાય છે, ત્યારે પૃથ્વીનું જે કાંઈ જાણતો હતો તે તુચ્છ લાગવા માંડે છે. જે જાણી શક્યો નથી તે મહાન થઈ ઊઠે છે; જેને પામ્યો નથી તે જ લબ્ધ વસ્તુના કરતાં વધારે સાચું બની ઊઠે છે. આપણા હરરોજના કર્મક્ષેત્રના નિત્યપરિચિત સંસારને આચ્છન્ન કરી દઈને સજલમેઘમેદુર પરિપૂર્ણ નવવર્ષા આપણને અણજાણપણે ભાવલોકની વચ્ચે સમસ્ત વિધિવિધાનની બહાર બિલકુલ એકાકી બનાવીને ઊભા કરી દે છે. પૃથ્વી પરનાં આપણાં વર્ષોને લઈ લઈને આપણને એક પ્રમાણ પરમાણુના વિશાલત્વમાં લાવી મૂકે છે; રામગિરિ આશ્રમના જનશૂન્ય શૈલશૃંગના શિલાતલે સંગીહીન બનાવીને છોડી દે છે. એ નિર્જન શિખર અને આપણું ચિરનિકેતન, અન્તરાત્માનું ચિરગમ્ય સ્થાન અલકાપુરી એ બેની વચ્ચે એક સુબૃહત્ પૃથ્વી પડી છે તેનું આપણને ભાન થાય છે. એ પૃથ્વી નદીકલધ્વનિત, સાનુમત્પર્વતવન્ધુર, જમ્બુકુંજની છાયાથી અન્ધકારવાળી, નવવારિસંિચિત જૂઈની સુગન્ધથી મહેકતી વિપુલ પૃથ્વી. હૃદય એ પૃથ્વીને વનેવને, ગ્રામેગ્રામે, શૃંગેશૃંગે. નદીઓને કાંઠેકાંઠે હરતાંફરતાં, અપરિચિત સુન્દરનો પરિચય પામતાં પામતાં દીર્ઘ વિરહના મોક્ષસ્થાને જવાને માટે માનસોત્સુક હંસની જેમ ઉત્સુક થઈ ઊઠે છે. મેઘદૂત સિવાય નવવર્ષાનું કાવ્ય બીજા કોઈ સાહિત્યમાં ક્યાંય નથી. એમાં વર્ષાની સમસ્ત અન્તર્વેદના નિત્યકાલની ભાષામાં લખાઈ ગઈ છે. પ્રકૃતિના સાંવત્સરિક મેઘોત્સવની અનિર્વચનીય કવિત્વગાથા માનવીની ભાષામાં બદ્ધ થઈ છે. પૂર્વમેઘમાં બૃહત્ પૃથ્વી આપણી કલ્પનાની આગળ પ્રકટ થાય છે. આપણે સમ્પન્ન ગૃહસ્થ બનીને આરામથી સન્તોષથીઅર્ધનિમીલિતલોચને જે ઘરમાં વાસ કરતા હતા ત્યાં કાલિદાસનો મેઘ ‘આષાઢસ્ય પ્રથમ દિવસે’ એકાએક આવીને આપણને ત્યાંથી બહાર લઈ જઈને ઘર વિનાના કરી દે છે. આપણી ગોશાળા ને ધાન્યના કોઠારથી બહુ દૂર દૂર જે આવર્તચંચલ: નર્મદા ભ્રુકુટિ રચતી વહેતી જાય છે, જે ચિત્રકૂટની તળેટીની કુંજપ્રફુલ્લ અવનિપે વિકસિત થઈ ઊઠી છે, ઉદયનકથાકોવિદ ગ્રામવૃદ્ધોના દ્વારની પાસે જે ચૈત્યવટ પોપટના અવાજથી મુખરિત થઈ ઊઠ્યો છે તે સૌ આપણા પરિચિત ક્ષુદ્ર સંસારને હઠાવીને અનેકવિધ સૌન્દર્યના ચિરસત્યે ઉદ્ભાસિત થઈ ઊઠીને દેખા દે છે. વિરહીની વ્યગ્રતાને ધ્યાનમાં લેવા છતાંય કવિએ માર્ગને ટંૂકો બનાવ્યો નથી. આષાઢનાં નીલાભ મેઘચ્છાયાવૃત પર્વત, નદી, નગર, જનપદ ઉપર થઈને ધીમે ધીમે ભાવાવિષ્ટ અલસગમને મેઘ યાત્રા કરે છે. જે એના મુગ્ધ વચનની અભ્યર્થના કરીને એને બોલાવે છે તેને એ ‘ના’ કહી શકતો નથી. વાચકના ચિત્તને કવિએ વિરહના આવેગથી બહાર લાવી મૂક્યું છે ને પછી પથના સૌન્દર્યથી એને મન્થર કરી દીધું છે. જે ચરમ સ્થાને મન દોડી રહ્યું છે તેનો સુદીર્ઘ પથ પણ મનોહર છે, તેની ઉપેક્ષા કરી શકાય એમ નથી. વર્ષાના અભ્યસ્ત પરિચિત સંસારથી વિક્ષિપ્ત થઈને મન બહાર દોડી જવા ઇચ્છે છે. પૂર્વમેઘમાં કવિ આપણી એ આકાંક્ષાને ઉદ્વેલિત કરીને એનાં કલગાનને જગાડે છે. આપણને મેઘના સંગી બનાવીને અપરિચિત પૃથ્વીમાં થઈને લઈ જાય છે. એ પૃથ્વી ‘અનાઘ્રાતં પુષ્પં’ એ આપણા પ્રાત્યહિક ભોગથી સહેજ માત્ર પણ મલિન થઈ નથી. એ પૃથ્વીમાં આપણા પરિચયની દીવાલ સાથે કલ્પના કદી ટકરાતી નથી. જેવો આ મેઘ તેવી જ પૃથ્વી. આપણું આ સુખદુ:ખક્લાન્તિઅવસાદભર્યું જીવન એને ક્યાંય સ્પર્શતું નથી. પ્રૌઢ વયની નિશ્ચિન્તતા વાડ બાંધીને એને ઘેરી લઈ પોતાની વસ્તુના સંચયની અંદર એને સામેલ કરી દઈ શકાતી નથી. અજ્ઞાત નિખિલની સાથેનો નવીન પરિચય પૂર્વમેઘમાં થાય છે. નવમેઘનું બીજું પણ એક કામ હોય છે. એ આપણી ચારે બાજુ એક પરમ વિભૂત પરિવેષ્ટન રચીને ‘જનનાન્તરસૌહૃદાનિ’ની યાદ દેવડાવે છે. નિરતિશય સૌન્દર્યની સૃષ્ટિમાં કોઈ ચિરજ્ઞાત ચિરપ્રિયને માટે મનને વિહ્વળ કરી મૂકે છે. પૂર્વમેઘમાં અનેકવિધની સાથે સૌન્દર્યનો પરિચય થાય છે ત્યારે ઉત્તરમેઘમાં એકની સાથે આનન્દનું સમ્મિલન થાય છે. પૃથ્વીમાં બહુમાં થઈને જ સુખની માત્રાનો આરમ્ભ થાય છે ને સ્વર્ગલોકમાં એકમાં આખરે એ અભિસારનું પરિણામ આવે છે. નવવર્ષાને દિવસે આ વિષયકર્મના ક્ષુદ્ર સંસારને કોણ નિર્વાસન નહિ કહે? પ્રભુના અભિશાપે જ અહીં પુરાઈને પડી રહ્યા છીએ. મેઘ આવીને બહાર યાત્રા કરવા બોલાવે છે. એ જ પૂર્વમેઘનું ગાન અને યાત્રાને અન્તે ચિરમિલનનું આશ્વાસન દે છે, તેથી જ ઉત્તરમેઘમાં સંવાદિતા દેખાય છે. બધા જ કવિના કાવ્યના ગૂઢ અભ્યન્તરમાં આ પૂર્વમેઘ ને ઉત્તરમેઘ રહ્યા હોય છે. બધાં જ ઊંચી કોટિનાં કાવ્ય આપણને બૃહત્માં નિમન્ત્રે છે ને નિભૃતની ભણી દોરે છે. પહેલાં બન્ધનને છેદીને બહાર લાવે છે. પછી ભૂમિની સાથે આપણને બાંધી દે છે. પ્રભાતે આપણને રસ્તે થઈને દોરી લઈ આવે છે. સન્ધ્યાએ ઘરે લઈ જાય છે. એક વાર તાનની સાથે આકાશપાતાળમાં ફેરવે છે ને પછી સમમાં પૂર્ણ આનન્દે આપણને સ્થિર કરી દે છે. જે કવિને તાન છે પણ સમ ક્યાંય નથી; જેમ કેવળ ઉદ્યમ છે, આશ્વાસ નથી તેનું કવિત્વ ઉચ્ચ કાવ્યની શ્રેણીમાં સ્થાયી રહી શકે નહિ. આખરે ક્યાંક એ આપણને પહોંચાડશે એ વિશ્વાસે જ આપણે આપણા ચિરભ્યસ્ત સંસારની બહાર નીકળીને કવિની સાથે યાત્રા કરીએ છીએ. પુષ્પિત પથે થઈને જો એ એકાએક એકાદ શૂન્ય ગહ્વરની ધારે લાવીને આપણને છોડી દે તો એ વિશ્વાસઘાતક જ કહેવાય. આથી કોઈ કવિનું કાવ્ય વાંચતી વેળાએ આપણે બે પ્રશ્નો પૂછીએ: એનો પૂર્વમેઘ આપણને બહાર ક્યાં લઈ જાય છે? એનો ઉત્તરમેઘ કયા સંહિદ્વારની સન્મુખ લાવીને આપણને ઉપસ્થિત કરે છે? (સંચય)