રવીન્દ્રપર્વ/૨૦૯. પૃથ્વી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૦૯. પૃથ્વી

કાલીગ્રામ, જાનેવારી ૧૮૯૧ આવડી મોટી પૃથ્વી ગુપચુપ લેટી રહી છે, એને હું એટલી બધી તો ચાહું છું! એનાં આ ઝાડપાન, નદીનાળાં, કોલાહલ નિસ્તબ્ધતા, પ્રભાતસન્ધ્યા- એ બધાંને જ બે હાથે બાઝી પડવાનું મન થાય છે. મનમાં થાય છે કે પૃથ્વીની પાસેથી આપણે આટલું બધું પૃથ્વીનું ધન પામ્યા, તેવું શું સ્વર્ગ પાસેથી પામી શક્યા હોત? સ્વર્ગે શું આપ્યું હોત તેની તો ખબર નથી, પણ આવા કોમળતા દુર્બળતામય આવા સકરુણ આશંકાભર્યા માનવીના જેવું પોતાનું ધન એણે ક્યાંથી આપ્યું હોત? અમારી આ માટીની માતા, અમારી પોતીકી આ પૃથ્વી એના સોનલાવરણ શસ્યક્ષેત્રે, એની સ્નેહશાલિની નદીને કાંઠે અને સુખદુ:ખમય પ્રેમભર્યા માનવસમાજ વચ્ચે આ સમસ્ત દરિદ્ર મર્ત્ય હૃદયનાં અશ્રુનું ધન ખોળો ભરીને આણી દે છે. આપણે હતભાગીઓ એને રાખી શકતા નથી, સાચવી શકતા નથી; અનેક અદૃશ્ય પ્રબળ શક્તિ આવીને છાતીસરસા ચાંપેલા એ ધનને છિન્ન કરીને લઈ જાય છે, પણ બિચારી પૃથ્વી તો પોતાનાથી બનતું બધું કરી છૂટે છે. હું આ પૃથ્વીને ખૂબ ખૂબ ચાહું છું. એના મુખ પર એક ભારે સુદૂરવ્યાપી વિષાદ છવાઈ ગયેલો છે. એના મનમાં એ જાણે વિચારે છે ‘હું દેવતાની કન્યા, પણ દેવતાની ક્ષમતા મારામાં નહીં. હું ચાહું, પણ રક્ષણ કરી શકું નહીં; આરમ્ભ કરું, પણ સમ્પૂર્ણ કરી શકું નહીં; જન્મ દઉં, પણ મૃત્યુના હાથમાંથી બચાવી શકું નહીં.’ આથી જ સ્વર્ગની તમા રાખ્યા વગર હું મારી દરિદ્ર માતાના ઘરને વધારે ચાહું છું; એ આવી અસહાય, અસમર્થ, અસમ્પૂર્ણ, પ્રેમની સહ આશંકાએ સર્વદા ચિન્તાતુર છે તેથી જ તો એને આટલી બધી ચાહું છું.