રવીન્દ્રપર્વ/૬૭. આમલીનું ફૂલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૬૭. આમલીનું ફૂલ

આ જિંદગીમાં ઘણુંય ધન પામ્યો નથી,
એ રહી ગયું મારી મૂઠીની પકડની બહાર;
એનાથી અનેકગણું તો ગુમાવ્યું
હાથ નહીં પસાર્યો તેથી.
એ પરિચિત સંસારમાં
અસંસ્કૃત ગ્રામરૂપસીની જેમ
બેઠું હતું એ ફૂલ મુખ ઢાંકીને, —
નિ:સંકોચે ઉપેક્ષાની જેણે ઉપેક્ષા કરી છે
એવું એ આમલીનું ફૂલ.
વંડી પાસેનું એ ઠીંગણું ઝાડ,
વધી શક્યું નહિ કૃપણ માટીમાં;
વાંકીચૂકી ડાળ એની ઘસાય છે માટી સાથે.
એની વય વધી છે, પણ તે જણાતી નથી.

પાસેની લીંબોઈ પર ફૂલ બેઠાં છે,
ચંપાનું ઝાડ ફૂલથી ભરાઈ ગયું છે,
ખૂણા પરના કાંચન પર ફૂલનો પાર નથી
ઇન્દ્રજવના ઝાડની ડાળ ફૂલની તપસ્યાએ મહાશ્વેતા.
સ્પષ્ટ એ સૌની ભાષા,
એ સૌ મને સાદ દઈને વાત કરે.
આજે જાણે એકાએક કાને પડ્યો
કોઈ ઘૂમટાની નીચેથી આવતો ગુપચુપ અવાજ
જોઉં છું તો રસ્તાની બાજુએ, આમલીની ડાળને એક ખૂણે
શરમાળ એક મંજરી,
આછો પીળો એનો રંગ,
આછી એની ગન્ધ
સુંવાળી લિપિ એની પાંખડીને અંગે.
શહેરના ઘરમાં છે
બાળપણથી પરિચિત, કેટલુંય જૂનું, આમલીનું ઝાડ.
દિક્પાલની જેમ ઊભું છે
ઉત્તરપશ્ચિમના ખૂણે.
કુટુંબનો જાણે કોઈ પુરાણો સેવક.
પ્રપિતામહની વયનો.
આ ઘરનાં અનેક જન્મમૃત્યુનાં પર્વ પછી પર્વે
એ ઊભું છે ચૂપ થઈને,
જાણે મૂક ઇતિહાસનો સભાપણ્ડિત.
એના પર જેનો નિશ્ચિત હતો અધિકાર
એવા અનેક જણનાં નામ
આજે એનાં જીર્ણ પર્ણથીય છે વધુ જીર્ણ.
એમાંના કેટલાયની સ્મૃતિ
એની છાયાથીય વધુ છાયામય.

એક વખત ઘોડાનો તબેલો હતો એની છાયા નીચે,
ખરીના ખટ્ખટ્ અવાજથી અસ્થિર,
પતરાંના છાપરામાં.
ક્યારનોય ચાલ્યો ગયો છે એ સાઇસની હાંકવાળો
ઘોડાગાડીનો જુગ
ઇતિવૃત્તની પેલે પાર,
આજે બંધ થઈ ગયો છે હ્રેષાધ્વનિ,
રંગ બદલ્યો છે કાળની છબિએ.
સરદાર કોચમેનની જતનથી હોળેલી દાઢી,
હાથમાં ચાબૂક સાથે ઊપડતાં એમનાં ગર્વીલાં ઉદ્ધત પગલાં,
તે દિવસના દબદબાભર્યા સમારોહ સાથે
ગયાં છે વેશપરિવર્તનના મહાનેપથ્યે.

દશ વાગ્યે સવારના તડકામાં
આ આમલી તળિયેથી આવતી દરરોજ
અવિચલિત નિયમે નિશાળે જવાની ગાડી.
બાળકની નિરુપાય અનિચ્છાનો બોજો
ખેંચી જતી રસ્તાની ભીડ વચ્ચે થઈને.
આજે હવે ઓળખી શકાશે નહીં એ બાળકને —
નહીં દેહે, નહીં મને, નહિ અવસ્થાએ.
પણ એમનું એમ ઊભું છે હજીયે
પેલું આત્મસમાહિત આમલીનું ઝાડ.
માનવભાગ્યની ચઢતીપડતી તરફ
ભ્રૂક્ષેપ પણ કર્યા વિના.

યાદ આવે છે એક દિવસની વાત:
રાતથી જ પડવા માંડ્યો હતો એકધારો વરસાદ;
સવારે આકાશનો રંગ
જાણે પાગલ માણસની આંખની કીકી.
દિશાભૂલ્યો ઝંઝાવાત અટવાતો ફરે આમથી તેમ,
વિશ્વવ્યાપી અદૃશ્ય પંજિરમાં મહાકાય પંખી
ચારે બાજુ લગાવે પાંખોની ઝાપટ.
રસ્તો જળબંબાકાર,
આંગણું તો સાવ ડૂબી જ ગયું’તું.
વરંડામાં ઊભો રહીને જોતો’તો
ક્રુદ્ધ મુનિની જેમ આ ઝાડ માથું ઊંચું કરીને ઊભું’તું
આકાશ સામે
આકાશના અત્યાચારનો પ્રતિવાદ કરવાની ભાષા
નહોતી એની પાસે.
કેવળ એના પર્ણપુંજના આન્દોલને
હતી વિદ્રોહની વાણી.
હતો પ્રગલ્ભ અભિસમ્પાત.
અન્તહીન ઈંટલાકડાંની મૂક જડતા વચ્ચે
એક માત્ર હતું એ મહારણ્યનું પ્રતિનિધિ,
તે દિવસના વૃષ્ટિપાણ્ડુર દિગન્તે
મેં જોયો હતો એનો વિક્ષુબ્ધ મહિમા.
પણ એક પછી એક વસન્ત આવતાં
અશોક બકુલ પામ્યાં સમ્માન;
ત્યારે એ જાણે ઋતુરાજની બહારની દેવડીનો દ્વારપાળ
ઉદાસીન, ઉદ્ધત.
તે દિવસે કોણે જાણ્યું હતું જે
આ કર્કશ બૃહત્ના અન્તરે રહી છે સુન્દરની નમ્રતા!
કોણે ઓળખ્યું હતું વસન્તની સભામાં એના કૌલીન્યને!

ફૂલના પરિચયે આજે એને જોઉં છું
જાણે ગન્ધર્વ ચિત્રરથ.
જે હતો અર્જુનવિજયી મહારથી
ગાનની સાધના કરે છે જે એકલો આત્મરત,
નન્દનવનની છાયાની આડશે ગુન્ગુન્ સૂરે.
તે દિવસના કિશોર કવિની આંખે
આ પ્રૌઢ વૃક્ષની ગુપ્ત યૌવનમદિરતા
યથાયોગ્ય મુહૂર્તે પકડાઈ ગઈ હોત તો
મધમાખીની પાંખને અધીરી કરી મૂકનાર
કોઈ એક પરમ દિનના તરુણ પ્રભાતે
ફૂલના એક ગુચ્છને ચોરીને
કંપી ઊઠેલી આંગળીએ પહેરાવી દીધો હોત
કોઈ એક જણના આનન્દે રંગ્યા કર્ણમૂળે.
એણે જો પૂછ્યું હોત: આનું શું નામ?
તો કદાચ કહ્યું હોત —
આ જે તડકાનો ટુકડો પડે છે તારી ચિબુક પર
એનું કશું નામ જો તારે હોઠે ચઢે
તો એ જ નામ પાડી દઉં આ ફૂલનું નામ.
(શ્યામલી)
મનીષા: ૧૯૫૮, ૨