રવીન્દ્રપર્વ/૭૩. ઓઇ આસે ઓઇ અતિ ભૈરવ હરષે
આજ આવી રહી છે અતિ ભૈરવ હર્ષથી, જળથી સંચાિયેલી પૃથ્વીની ઉત્કટ સૌરભ સાથે, ઘનગૌરવથી શ્યામ ગંભીર રસપૂર્ણ વર્ષા. ભારે ગર્જનાથી નીલ અરણ્ય કંપી ઊઠે છે. ચંચળ મોર કેકા કરતો કરતો વિહરે છે — બધાંનાં ચિત્તને હરખાવનારી વાદળાના ગૌરવવાળી મત્ત વર્ષા આવી લાગી છે. હે તરુણી પથિક લલનાઓ, તમે ક્યાં છો? વીજળીથી ચમકેલી આંખવાળી ગ્રામવધૂઓ ક્યાં છો? ક્યાં છો માલતીની માળાઓ પહેરેલી ક્યાં છો પ્રિય પરિચારિકાઓ? ઓ અભિસારિકાઓ તમે ક્યાં છો? ગાઢ વનમાં ઘનનીલ વસ્ત્રો સજીને તું આવ, લલિત નૃત્યે તારી સ્વર્ણ કટિમેખલા બજી ઊઠો. મનોહારી વીણા પણ લાવો. ક્યાં છો વિરહિણી? ક્યાં છો તમે બધી અભિસારિકાઓ? મૃદંગ, મુરજ અને મધુરા મોરલી લાવો. શંખ વગાડો, વધૂઓ મંગલધ્વનિ કરો — વર્ષા આવી છે. હે નવઅનુરાગિણી, હે પ્રિયસુખભાગિની, કુંજકુટીરમાં ભાવથી વ્યાકુલ લોચને બેઠેલી હે સુંદરી, ભૂર્જપત્ર પર નવાં ગીતો રચો, મેઘમલ્લાર રાગમાં. વર્ષા આવી છે, હે નવઅનુરાગિની. કેતકીની રેણુથી કેશપાશ સુરભિત કરો, ક્ષીણ કટિએ કરેણની માળા ગૂંથીને પહેરો, શય્યા પર કદમ્બની રેણુ બિછાવી દો. નયનમાં અંજન આંજો. બે કંકણને રણકાવીને તાલ ગણી ગણીને ઘરના પાળેલા મોરને નચાવો. સ્મિતવિકસિત મુખે — કુસુમશય્યા પર કદમ્બની રેણુ બિછાવી દો. વર્ષા આવી છે, નવવર્ષા આવી છે. આકાશને ભરી દઈને પૃથ્વીને આશા આપનારી વર્ષા આવી છે. પવનમાં વનવીથિકા સન સન ડોલી રહી છે. તરુલતા ગીતમય છે. શતજુગના કવિઓ આકાશમાં ભેગા મળીને મત્તમદિર પવનમાં શતજુગનાં ગીતો ગાઈ રહ્યા છે. શતશત ગીતથી વનવીથિકા મુખરિત થઈ ઊઠી છે. (ગીત-પંચશતી)