રા’ ગંગાજળિયો/૪. પંડિતની સ્ત્રી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૪. પંડિતની સ્ત્રી

‘વાજા ઠાકર, અંબવન, ઘર ઘર પદમણરા ઘેર : રેંટ ખટૂકે વાડિયાં, ભોય નીલો નાઘેર’ : ઠાકોરો જ્યાં વાજા શાખના રાજ કરતા, વનરાઈ તો જ્યાં આંબાઓની જ ઝૂકી રહી હતી, ઘેરે ઘેરે—ઓ ભાઈ, કોઈક કોઈક વિરલાને ઘેરે નહીં પણ હરએક ઘરને આંગણે—જ્યાં પદમણી-શી રૂપવંતી સ્ત્રીઓના ઘેરા લહેરો લઈ રહ્યા હતા, એવા સદાય નીલા, અહોનિશ હરિયાળા નાઘેર નામના સોરઠી કંઠાળ મુલકમાં ઊના-દેલવાડાનાં બે ગામ લગોલગ આવેલ છે. ‘ઘર ઘર પદમણરા ઘેર’ હતા ખરા, પણ રાજેશ્વર બારોટની સ્ત્રીનું રૂપ તો શગ ચડાવતું. ભાટવાડામાં એ રૂપ સમાતું નહોતું. એની છોળો કાંઠા માથે થઈને છલી જતી હતી. પણ રાજેશ્વર બારોટને ખબર નહોતી કે રૂપને સચવાય કઈ જુક્તિએ! પ્રૌઢ ઉંમરે પહોંચી ગયા પછી પરણ્યો હતો. પરણી કરીને ઘર સ્ત્રીને ભળાવ્યું હતું. પેઢાનપેઢીથી સાચવેલા ક્ષત્રિય યજમાનોની વંશાવળીના ને શૂરવીરોની બિરદાવળીના અમૂલખ ચોપડાના પટારાની ચાવીઓ એણે પરણ્યાની પહેલી રાતે પત્નીને સોંપી હતી. ઘરાણાં, લૂગડાં, રોકડ નાણું, જે કાંઈ ઘરમાં હતું તેની માલિક એણે સ્ત્રીને બનાવી હતી. એ ચાવીઓના ઝૂડાએ આવતી નારને કેવીક રીઝવી હતી? રાજેશ્વર ભાટને ગતાગમ નહોતી. ઘોડીને માથે વંશાવળીના ચોપડાનો ખલતો લાદીને વિદ્વાન રાજેશ્વર યજમાનવૃત્તિ કરવા ગામતરાં ખેંચતો હતો. જ્યાં જ્યાં ઊતરતો ત્યાંથી મહિનો મહિનો બબ્બે મહિના સુધી યજમાનો એને ખસવા ન દેતા. મીઠી મીઠી એની વાણીને માથે યજમાનો મોરલી ઉપર ડોલતા નાગ જેવા મંડાઈ રહેતા. રાજેશ્વર બારોટના ચોપડામાં દીકરાદીકરીનાં નામ મંડાવવામાં ઠાકોરો ગર્વ લેતા. “વિદ્વાનની વહુ : પંડિતની પત્ની : દુનિયામાં ડહાપણની જેની શગ ચડે છે એની તું અર્ધાંગના, બાપ! વાહ પંડિત ને વાહ પંડિત રાણી : જોડલું તો જુગતે મેળવ્યું છે માતાજીએ.” આવાં અહોગાન જ્યારે જ્યારે રાજેશ્વર બારોટને આંગણે રોજે રોજ સવાર ને સાંજે સંભળાવા લાગતાં ત્યારે રાજેશ્વર બારોટની સ્ત્રી પાણીના બેડાને મસે ઘરની બહાર નીકળી પડતી, ને પાણી શેરડે એકલવાયા આરા ઉપર અસૂર-સવાર ઊભી રહી અંતરના ફિટકાર આપતી : ‘આગ મેલાવ એ વિદ્વત્તામાં, એ ચોપડાઓના પટારામાં, ને એ પંડિતાઈની પ્રશંસામાં; જીભ ખેંચાઈ જાવ એ વખાણ કરનારાઓની.’ મછુંદરી નદીનો આરો નિર્જન હતો. પાણી પીવા થોભતા ગૌધણને ગોવાળિયાઓ પોતાના પાવાના સૂર પણ સાથોસાથ પાતા હતા. બકરાં-ગાડરના વાઘ(ટોળા)માં તાંબડી લઈને ગોવાલણો દોવા માટે ઘૂમતી હતી, અને સીમમાં ઘઉંની કાપણી કરીને પાછાં વળતાં મજૂર મૂલીનાં જોડલાં ફરકતે પાલવડે ને ઊડઊડ થતે છોગલે ગાતાં હતાં :

જોબનિયું કા … લ્ય જાતું રે’શે!
જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે
જોબનિયું કાલ્ય જાતું રે’શે.
જોબનિયાને પાઘડીના આંટામાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે’શે.
જોબનિયાને ચૂંદડીના છેડામાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે’શે.
જોબનિયાને હાથની હથેળીયુંમાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે’શે.
જોબનિયાને નેણના ઉલાળામાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે’શે.
જોબનિયું આજે આવ્યું ને કાલ્ય જાશે
જોબનિયું કાલ્ય જાતું રે’શે.

ભાટની વહુવારુનો ઠીકરાનો ઘડો મછુંદરીનાં પાણીમાં ભખ ભખ ભખ અવાજ કરે છે, પણ ભરાતો નથી; હાથ થીજી ગયા છે. ટિટોડીના તી-તી સૂર કોઈની હાંસીના અવાજને મળતા આવે છે. રાજેશ્વર ભાટની વહુવારુ પાણીમાં પોતાનો પડછાયો જોઈ રહી. પંડિતની પરણેલીએ પોતાના બેઉ હાથ આંગળીના નખથી લઈ કોણી લગી ધીરી ધીરીને નીરખ્યા. વિદ્વાનની વહુએ વહેતાં નીરમાં પોતાનું જોબન ડૂબતું, ભાગતું, તણાતું, ભાંગતું ને વીખરાતું જોયું. વિદ્વત્તા ને પંડિતાઈ એ જોબનને બચાવી લેવા આવી નહીં. આવતો હતો એક જુવાન અસવાર. સીમમાંથી ગામઢાળો આવતો હતો. રોજ આવતો હતો. રોજ જોતી હતી. રોજેરોજ જ્યાં એ પાણી ભરતી ત્યાં એ ઘોડો ઘેરતો; પણ રોજ એ ઘૂમટો કાઢતી, આજ ન કાઢ્યો. “ભાભી, લાજ કાઢ્ય, ઝટ લાજ કાઢ્ય!” પાસે ઊભેલી નણંદે ભોજાઈને ચેતાવી. “આપણા ગામના ઠાકોર છે.” ભોજાઈના કાન એની આંખોમાં ઊતરી ગયા હતા. આંખો આવતા અસવારને ચહેરે ચોંટી છે, નણંદના સૂર એને પહોંચતા નથી, એ તો ફાટ્યે મોંએ અસવારને નીરખે છે. ઊનાના ઠાકોર વીંજલ વાજાએ ઘોડો નદીમાં ઘેરવા માંડ્યો. ઓરતને એણે ઘૂમટા વગરની જોઈ. આજ પહેલી જ વાર ઘૂમટાની મરજાદ ફગાવીને પાણી ભરતી આ કોણ છે જુવાનડી? “ભાભી, લાજ કાઢ!” નણંદે ભોજાઈને હાથ ઝાલી હબડાવી. “જોઈ લેવા દેને બાઈ! ધરાઈને જોઈ તો લેવા દે! જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે…” એ ગાવા લાગી. વીંજલ વાજો આ બોલ પકડતો હતો. એ શરમાઈ ગયો. ઘોડો હાંકીને ગઢમાં ચાલ્યો ગયો. ભૂતનો વળગાડ લાગ્યો હોય તેવી બાવરી બનીને ભાટની વહુ મછુંદરીની ભેખડ ચડી. પાછળ નણંદ ચડી. ચડતી ચડતી બોલતી ગઈ : “ભાનભૂલી ભાભી! લાજી નહીં? વેદવાનનું ખોરડું…” “અંગારો મેલાવ વેદવાનને ખોરડે! જોબનિયું આજ આવ્યું ને…” ગાવા લાગી; “કેવો રૂડો આદમી હતો!” “રૂડો લાગ્યો હોય તો માંડને એનું ઘર!” “નણંદ, તું મારી મોટેરી બેન, તું બોલી તે હું કર્યે રહીશ.” એમ કહીને એ માથે બેડા સાથે ઠાકોરના ગઢ તરફ વળી. ને પછીની વાત તો ટૂંકી જ છે. રાજેશ્વર ભાટની રૂપસુંદરીની હેલ્ય ઠાકોર વીંજલ વાજાએ ઉતરાવી લીધી. એ બનાવને આજે પાંચેક દિવસ થયા હતા. પહેલા બે દિવસ ઊનાની ભાટની નાતે ઠાકોર વીંજલજી સાથે વિષ્ટિમાં ગાળ્યા હતા, ભાટોએ પાઘડીઓ ઉતારી હતી. વીંજલજીએ જવાબ વાળ્યો હતો કે, “હું હરીને નથી લાવ્યો. બાઈ એની જાણે આવી છે. હેલ્ય ન ઉતરાવું તો મને સ્ત્રીહત્યા આપવા તૈયાર થઈ હતી. હજીય માને તો પાછી તેડી જાવ.” બાઈએ ગઢના ઊંચા ગોખેથી કહેવરાવ્યું કે “મારે વેદવાન પંડિત ધણીની કીર્તિનું આગ-ઓઢણું ઓઢવાના કોડ નથી. મારે તો ‘જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે,’ એવા જોબનિયાને સાચવી લેવું છે.” ભાટોની કાકલૂદીને રાજ વીંજલે ગણકારી નહીં. ભાટવાડો આખો શહેરની બહાર નીકળી ગયો. પાદરમાં લબાચા પાથર્યા. દરવાજાની સામે ત્રિશૂળ અને ભલકાં (ભાલાં) રોપ્યાં. કાળો કળેળાટ બોલ્યો. માતાઓને થાનોલે વળગેલાં કૂણાં કૂણાં છોકરાંને ભાટોએ માની છાતીએથી ઉતરડી લીધાં, લઈ લઈને હાથમાં હિલોળ્યાં, ને હિલોળી હિલોળી ભલકાં ઉપર ફગાવ્યાં! જીવતાં પરોવાતાં એ બચ્ચાંની ચીસો જનેતાઓની ચીસોએ ઝીલી. નાનામોટા ભાટોએ ભયંકર ધા દીધી અને નિર્દોષોનાં લોહી નગરના ઝાંપા ઉપર છંટકોર્યાં. “લે ભોગવ! લે ભોગવ, બાપ! લે માણી લે, ગોઝારા રાજા. જોગમાયાએ લીધો જાણ! બોકડો લે એમ લીધો જાણ. પાડો પીએ એમ પીધો જાણ.” ઝાંપો બંધ થયો છે, ને ઊંચા ઊંચા ગઢમાં ઠાકોર વીંજલ વાજો નવી ભાટ રાણી સાથે મોજ ભોગવે છે. ચાર દિવસ થઈ ગયા છે. ભાટોનાં છોકરાં ખૂટવા લાગ્યાં છે. મૂંગાં છોકરાંને ચડાવી દીધા પછી પોતાનો વારો આવવાનો છે, એ બીકે મોટેરાંનાં દિલ ઊંચાં થયાં છે. કેટલાંક પલાયન કરી ગયાં છે, કેટલાંક તૈયારીમાં છે. આખું શહેર આ બાળહત્યાનાં પાપની બીકે સૂનકાર થઈ ગયું છે.