લઘુ સિદ્ધાન્તવહી/ઊર્જાતંતુ સિદ્ધાન્ત અને પાક કે શય્યા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૬૭

ઊર્જાતંતુ સિદ્ધાન્ત અને પાક કે શય્યા

ભૌતિકવિજ્ઞાન ક્ષેત્રે ઊર્જાતંતુ સિદ્ધાન્ત (String Theory) આજે વાસ્તવ અંગેના કોઈ એક પ્રતિમાનને લઈને ચાલતો નથી તેમ છતાં એનો રહસ્યવાદી અભિગમ પ્રકૃતિની અભિરચના કે એની અભિકલ્પના (design)ની અછડતી સમજૂતી આપે છે. લેનર્ડ સુસ્કાય્ન્ડ (Leonard Susskind) એના પુસ્તક ‘ધ કોઝ્મિક લૅન્ડસ્કેપ : સ્ટ્રિંગ થિયરી ઍન્ડ ધી ઈલૂઝન ઑવ ઈન્ટેલિજન્ટ ડિઝાયન’ (લિટલ, બ્રાઉન)માં આ ઊર્જાતંતુ સિદ્ધાન્તને પુરસ્કારે છે. એનો સિદ્ધાન્ત ભૌતિકવિજ્ઞાન અને વિશ્વવિજ્ઞાનના સાંપ્રત મહત્ત્વના વળાંકોને જ માત્ર સ્પર્શતો નથી, પરંતુ આજના સામાજિક અને રાજકીય ફલક પરના જબરદસ્ત સાંસ્કૃતિક પ્રશ્નોને પણ જઈને સ્પર્શે છે. આપણા પોતાના અસ્તિત્વને માટે આ વિશ્વની ઉત્તમ રીતે અભિરચના થઈ છે. આ અસાધારણ હકીકતને વિજ્ઞાન સમજાવી શકે તેમ છે કે નહીં, એ લેનર્ડની મુખ્ય ચિંતા છે. લેનર્ડનું કહેવું એ છે કે વૈશ્વિક પરિપ્રેક્ષ્યને બૃહદ રીતે સ્વીકારનારાઓ પણ એની દેખીતી અભિરચનાને ખોટી સાબિત કરી શક્યા નથી. અત્યારે જે છે એનાથી સહેજ જ વધારે જો ગુરુત્વીય આકર્ષણ (gravity) હોત તો તારાઓ એકદમ જલદી પ્રજ્વલિત થઈ બ્લેક હોલમાં જઈ પડ્યા હોત. એ જ નિયમ આ વિશ્વને રચનારા અણુપરમાણુઓનાં અને પરિબળોનાં મૂળભૂત લક્ષણોને લાગુ પડે છે. આમાંના કોઈ એકને પરિવર્તિત કરો અને જીવન શક્ય નહીં રહે. આ વૈશ્વિક સંવાદિતા (Comity) એ એમનું પ્રમાણ છે. આ વાત વૈજ્ઞાનિકોને ભૌતિક નિયમના ઉદ્ગમ અંગેના એમના અજ્ઞાનને સતત યાદ અપાવ્યા કરે છે. ઊર્જાતંતુ સિદ્ધાન્તની કેન્દ્રવર્તી વિચારણાનો સાર એ છે કે વિશ્વનાં ભિન્ન ભિન્ન અણુપરમાણુઓ અને પરિબળો, ઊર્જાના એકમેકમાં અમળાતા અને ગૂંથાતા તંતુઓથી સંઘટિત છે. આ ઊર્જાતંતુઓની લાક્ષણિકતાઓ ફક્ત એમના આંદોલિત કે સ્પંદિત રૂપ પર અવલંબે છે : જો આ સમજાશે તો જગત જે પ્રકારે છે તે શા કારણે છે એ સમજાશે. વિશ્વના સમસ્ત સંઘટનને ઊર્જાતંતુઓના આંદોલન કે સ્પંદન રૂપે જોતો ઊર્જાતંતુ સિદ્ધાન્ત સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં જેને આપણે ‘પાક’ કે ‘શય્યા’ રૂપે ઓળખીએ છીએ તે સંજ્ઞાઓની સમાન્તર જતો દેખાય છે. કૃષ્ણ ચૈતન્યે એમના ‘સંસ્કૃત પોએટિંક્સ’માં નોંધ્યું છે તેમ ભિન્ન ભિન્ન ઘટકોનું કાર્ય નહીં પણ એમનું સમાકલન (integration) એ મૂળભૂત વાસ્તવ છે, અને એમનું સંતુલન સ્થિર નહીં પણ ગતિશીલ છે. આ દ્વારા જ કાવ્ય તણાવ ધરાવે છે અને જન્માવે છે. વિશ્વના સંઘટનની જેમ કાવ્યવવિશ્વનું સંઘટન પણ શબ્દ અને અર્થના આંદોલિત કે સ્પંદિત રૂપ પર નિર્ભર છે. પરસ્પરાશ્રિત અને સંતુલિત શબ્દાર્થની વ્યવસ્થામાં ક્યાંય પણ ઓછાવત્તાપણાને દાખલ કરો તો કાવ્યવિશ્વ જોખમાય છે. કુન્તકે એની કાવ્યવિચારણામાં ‘સ્વરૂપસુન્દર’ કે ‘પરિસ્પન્દસુન્દર’ જેવા શબ્દોનો પણ વિનિયોગ કર્યો છે. બીજે સ્વરૂપે ભોજની વિચારણામાં એ ‘શબ્દસંમિતત્વ’ (Symmetrical arrangement) રૂપે હાજર છે. ગુરુત્વીય આકર્ષણને જેમ ઓછું-વત્તું કરાતાં સમગ્ર સંઘટન જોખમાય તેમ કાવ્યવવિશ્વમાં એક પણ શબ્દ પરિવર્તિત કરી શકાતો નથી. કાવ્યવિશ્વમાં પરિવૃત્તિ અસહ્ય હોવાની પ્રતીતિ જ ‘પાક’ કે ‘શય્યા’ને રચી શકે છે. એટલું જ નહીં પણ કોઈ પણ કાવ્યવવિશ્વમાં શબ્દ અને અર્થના ઊર્જાતંતુઓના પરિમાપિત સંતુલનને કારણે જ એની ઉત્તમતા પમાય છે. સહૃદયના આહ્લાદ માટે રચાયેલું આ પ્રકારનું કાવ્યવિશ્વ ઉત્તમ રીતે સંઘટિત હોય છે. આ સમજ્યા પછી પણ વિશ્વની રહસ્યમયતા અને કાવ્યની રહસ્યમયતા સતત પડકાર આપ્યા જ કરવાની છે.