લઘુ સિદ્ધાન્તવહી/એરિક્સન, મનોવિવરણ, ચરિત્રસાહિત્ય
એરિક્સન, મનોવિવરણ, ચરિત્રસાહિત્ય
સાહિત્યમાં લેખક, વાચક અને પાત્રના માનસને સમજવામાં મનોવિજ્ઞાનની નવી નવી ઉપલબ્ધિઓએ કીમતી સહાય પહોંચાડી છે. ફ્રૉઈડવાદીઓ, નવ્ય ફ્રૉઈડવાદીઓ કે પ્રતિફ્રૉઈડવાદીઓએ આપેલી ઉપપત્તિઓને કારણે ઉત્પત્તિમૂલક વિવેચન (genetic criticism), અભિગ્રહણશીલ વિવેચન (reader-response criticism) કે આશયલક્ષી વિવેચનનો વિકાસ જોઈ શકાય છે. અનુસંરચનાવાદી તબક્કામાં છેલ્લે છેલ્લે ઝાં લકાં જેવાનું પ્રદાન કે નારીવાદી તબક્કામાં ચોદોરોવનું પ્રદાન ધ્યાન ખેંચનારું બન્યું છે. એ જ રીતે જ્યારે આજે અનુઆધુનિક વળાંક પર આત્મચરિત્ર, જીવનચરિત્ર કે નિબંધ-પ્રવાસ જેવું સાહિત્ય હાંસિયામાંથી ખાસ્સું કેન્દ્ર તરફ હટી રહ્યું છે ત્યારે એરિક એરિક્સન (Erik Erikson) જેવા મનોવિજ્ઞાનીના પ્રદાનની નોંધ લીધા વગર ચાલે તેમ નથી. એરિક્સને ‘યંગમૅન લ્યૂથર’માં માર્ટિન લ્યૂથર કિંગના ચરિત્રનું અને ‘ગાંધીઝ ટ્રૂથ’માં મહાત્મા ગાંધીના ચરિત્રનું જે રીતે વિશ્લેષણ કર્યું છે અને જે રીતે પોતાની ‘ઓળખ અંગેની કટોકટી’ (identity crisis)ની વિભાવનાને કામે લગાડી છે તે રસપ્રદ છે. એરિક્સન ‘ઓળખના રચિયતા’ (architect of indentity) ગણાય છે. શરૂમાં એરિક્સન ફ્રૉઈડ સાથે રહ્યા છે પરંતુ પછી એ ફ્રૉઈડથી જુદા પડ્યા છે. વ્યક્તિના વિકાસને વ્યક્તિના ઉદ્ભવપ્રારંભ (originology) સાથે સાંકળવાનું ફ્રૉઈડનું દૃઢ વલણ છે. એરિક્સન પણ શરૂના શિશુસંસ્કારોનું મૂલ્ય ઓછું નથી આંકતા, પણ એ સંસ્કારો પછી બધું જ નિર્ણીત કરે છે એ વાતનો એમને સ્વીકાર નથી. એરિક્સન ભાર મૂકે છે કે વ્યક્તિના જીવનના દરેક તબક્કે એની પોતાની કટોકટી હોય છે, એની પોતાની તકો હોય છે. દરેક કટોકટીને જે તે તબક્કા સાથે રાખીને સમજવી પડે અને છતાં દરેક તબક્કે લીધેલા નિર્ણયનો પ્રભાવ જીવનના ઉત્તરોત્તર તબક્કાઓ પર પડતો જ આવે છે. ચુસ્ત ફ્રૉઈડવાદીઓ વ્યક્તિની પાંચ વર્ષની વયે એનું વ્યક્તિત્વ બંધાઈ જાય છે એવું માનીને ચાલે છે, જ્યારે એરિક્સન જીવનના ફલક પર વિવિધ તબક્કાઓમાં ઉત્તરોત્તર ચાલતી સતત વિકાસની પ્રક્રિયાને નિહાળે છે. એરિક્સન જીવનના આઠ તબક્કાઓ દર્શાવે છે : નવજાત શિશુવય, શરૂની બાલ્યવય, ખેલકૂદની વય, શાળા જવાની વય, કિશોરવય, યુવાવય, પુખ્તવય અને પક્વવય. આ દરેક તબક્કાના કેન્દ્રમાં એમણે જુદા જુદા પ્રકારની કટોકટીને જોઈ છે. નવજાત શિશુવયમાં વિશ્વાસ અને અવિશ્વાસની કટોકટી, શરૂની બાલ્યાવયમાં સ્વાયત્તતા અને શરમશંકાની કટોકટી, શાળા જવાની વયે પરિશ્રમ અને લઘુતાગ્રંથિની કટોકટી, કિશોરવયે ઓળખ અને વિસ્તારની કટોકટી, યુવાવયે સંબંધની ધનિષ્ઠતા અને સંબંધવિચ્છેદની કટોકટી, પુખ્તવયે પ્રજનકતા અને આત્મલીનતાની કટોકટી અને પક્વવયે સમાકલન અને ઘૃણાહતોત્સાહની કટોકટી. આમ નવજાત શિશુવયની મૂળભૂત વિશ્વાસ અને અવિશ્વાસ વચ્ચેની લાગણીથી માંડી વૃદ્ધ વયની જિંદગી સમજદારીપૂર્વક જીવ્યાના સમાકલન અને અવસરો ચૂકી જવાની હતાશા વચ્ચેની લાગણી સુધીના તબક્કાઓ કોઈ પણ ચરિત્રને જુદી રીતે જોતા કરે એવી રીતે વર્ગીકૃત થયા છે. જીવનચક્રમાંથી જન્મતી એરિક્સનની બીજી નિસબત વ્યક્તિના જીવનના કેન્દ્રમાં રહેલી પોતાની ઓળખ અંગેની સભાનતા છે. પોતાની જાત માટેનું ઘડતર વ્યક્તિ માટે તો એક અર્થ ઊભો કરે છે, પણ સાથે સાથે એ વ્યક્તિ જે સમાજમાં જીવે છે એને માટે પણ એક અર્થ ઊભો કરે છે. તપાસ એરિક્સનને સાંસ્કૃતિક વિશ્લેષણની નવી દિશામાં લઈ જાય છે અને એ દિશા મનોવિવરણ (psychohistory)ની છે. બાળકોના ક્લિનિકલ અભ્યાસ અને અમેરિકી ઇન્ડિયનો તેમજ આધુનિક સંસ્કૃતિઓના અભ્યાસની પાર જઈને એરિક્સને મનોવિવરણનું તદ્દન નવું જ ક્ષેત્ર વિકસિત કર્યું છે. ફ્રૉઇડ મનોજગતમાં પ્રવેશ માટે સ્વપ્નને મહત્ત્વ આપે છે, તો એરિક્સન વયમાં વધતી વ્યક્તિનાં સંઘર્ષો અને સફળતાઓને સમજવા માટે વ્યક્તિની સજીવ ક્ષણોમાંથી થતી એની પુનરાવૃત્ત ક્રિયાઓને મહત્ત્વ આપે છે. વ્યક્તિના ભૂતકાળમાંથી અને એની પુનઃ પુનઃ સૃજનક્ષમ આત્મનિર્મિતિઓમાંથી આ ક્રિયાઓ જન્મ લેતી હોય છે. આ રીતે એરિક્સન વ્યક્તિજીવનની તરાહોને પારખી લે છે. કદાચ પહેલી નજરે ન ચઢે એવાં સંરૂપો (configurations) કે એવી આકૃતિઓ એરિક્સન ચીંધે પછી અર્થપૂર્ણ લાગવા માંડે છે. અને ક્યારેક ઊંડો અર્થ પ્રગટ કરે છે. આ પ્રકારના સંરૂપાત્મક અભિગમ, ઝીણવટ અને ચોકસાઈના ચાહકોને ન પણ ગમે, પણ માનવજગતની સૂક્ષ્મ સમજને હાંસલ કરવા માગે છે એવા થોડાઘણાઓને એરિક્સનનું પ્રતિમાન જરૂર આકર્ષે તેવું છે. કારણ, એમાં દરેક વ્યક્તિની અનન્યતાની સાથે વ્યક્તિને અતિક્રમીને રહેનારી તરાહોને જોવાની તક છે. વૃક્ષને જોવામાં જંગલ અને જંગલને જોવામાં વૃક્ષ ગુમ થઈ જાય, પણ જંગલની તરાહોના સંદર્ભમાં વૃક્ષને જોવાનો અવસર નવો અર્થ પૂરો પાડી શકે તેમ છે. આજે, ચારિત્રસાહિત્યને મૂલવવા જતાં એરિક્સનના અભિગમની ઉપેક્ષા થઈ શકે તેમ નથી.
●