લઘુ સિદ્ધાન્તવહી/પોલ-દ-માનનાં લખાણોનું પુનર્વાચન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૪

પૉલ-દ-માનનાં લખાણોનું પુનર્વાચન

વિરચનાવાદે (deconstructionism) ઘણી બધી કૃતિઓનાં પુનર્વાચન દ્વારા કૃતિઓમાં રહેલાં દમન, લોપ, આંતરવિરોધ અને ભાષાસ્ખલન વગેરે તરફ એક જાતની સભાનતા ઊભી કરી આપી છે. આ તત્ત્વોએ ખાસ્સી કામગીરી બજાવવાની છે, પણ ધ્યાન પર ચઢ્યાં નથી અને એને જ કારણે કૃતિઓ અંગેની નિશ્ચિતતાનો અંત આણ્યો છે. કૃતિઓમાં રહેલાં આંતરવિરોધો અને સંદિગ્ધતાને કારણે વિરચનાવાદ કોઈ યાદૃચ્છિક શંકા કે આકસ્મિક ઉચ્છેદ તરફ જતો નથી, પણ કૃતિ - અંતર્ગત જ રહેલા સંકેતોનાં સામસામાં યુદ્ધે ચઢેલાં પરિબળોના રેસા અલગ કરી આપવા મથે છે. આ પ્રકારનું વિરચનાવાદી વાચન કૃતિઓને કે મૂલ્યોને રદ કરવા કે બાદ કરવા નથી તાકતું, પણ કૃતિને વધુ સંકુલ, વધુ સં-રચિત કક્ષાએ જોવા ઈચ્છે છે. વિરચનાવાદી પૉલ-દ-માન (Paul de Man)નાં પોતાનાં લખાણો પણ આશ્ચર્યજનક રીતે પુનર્વાચનમાં પ્રવેશ્યાં છે. બહુ મોડે મોડે ઘણાને ખબર પડી છે કે પૉલ-દ-માને ૧૯૪૦થી ૧૯૪૨ની વચ્ચે બેલ્જિયમનાં સમાચારપત્રોમાં ૧૫૦થી વધુ લેખો લખેલા છે, જેમાં પૉલ-દ-માનનો યહૂદીવિરોધી અને નાત્સીતરફી સૂર મોજૂદ છે. વિરચનવાદી અમેરિકી છાવણીમાં આ કારણે એક હલચલ મચી કે આ મહોરાં ચઢાવેલો દ-માન કોણ છે? ૧૯૧૯માં ઍન્ટવર્પમાં જનમેલા પોલ-દ-માન પર પ્રારંભનાં વર્ષોમાં એના કાકા પ્રસિદ્ધ સમાજવાદી સિદ્ધાન્તકાર હેન્દરિક-દ-માનનો પ્રભાવ પડેલો છે. હેન્દરિક-દ-માન બેલ્જિયમ લેબર પાર્ટીનો પ્રમુખ અને સરકારોમાં મંત્રી રહી ચૂકેલો. પણ હેન્દરિકની ભૂલ એ હતી કે લોકશાહી પ્રક્રિયામાંથી વિશ્વાસ છોડી એણે નાત્સીવાદ કરતાં મૂડીવાદને મોટું પાપ ગણેલું. આવા હેન્દરિકની બૌદ્ધિક અને રાજકીય પ્રતિભાની અસર હેઠળ પૉલ-દ-માનનાં પ્રારંભના લખાણોમાં સરમુખત્યાર તરફનો સમભાવ દેખાઈ આવે છે. કલાની ચર્ચામાં બિનજર્મનોમાં પોલ-દ-માને આધ્યાત્મિક નિષ્ઠાનો અભાવ જોયેલો. સાંપ્રત સાહિત્યમાં યહૂદીઓના પ્રદાનની ચર્ચા કરતી વખતે પણ પૉલ-દ-માન પશ્ચિમની પરંપરાએ યહૂદી પ્રભાવથી મુક્ત રહી પોતાની જાતને કેવી રીતે જાળવી છે એની જ વાત કરે છે. પૉલ-દ-માનનાં આ પૂર્વજીવનનાં લખાણોને એના એક પ્રશંસક, બેલ્જિયમના કોઈ સ્નાતક વિદ્યાર્થી ઓર્તવિન દ ગ્રેફે (Ortwin de Graef) પ્રકાશમાં આણ્યાં છે. આ છપાયેલાં લેખો હતા, પણ ભુલાઈ ગયેલા, વંચાયા વગરના જૂનાં પીળાં પાનોમાં પડી રહેલા લેખો હતા. પુરાલેખો પરત્વેનો ઉત્સાહ (archival devotion) એને બહાર લાવ્યો અને એ સાથે પૉલ-દ-માનની પ્રતિષ્ઠા તો દાવ પર લાગી, પણ પૉલ-દ-માનનાં લખાણોનું નવેસરથી નવાં અર્થઘટનો સાથે પુનર્વાચન શરૂ થયું. નવી વીગતો અને નવી સામગ્રી પ્રકાશમાં આવતાં કૃતિઓનાં વાચનમાં પ્રવેશતાં પરિવર્તનો સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર ઘટના રચે છે. ઓચિંતો પ્રકાશમાં આવતો કોઈ લેખકનો પત્રવ્યવહાર, ઓચિંતી મળી આવતી કોઈ લેખકની રોજનોંધો, ઓચિંતા મળી આવતા છદ્મનામે લખાયેલા કોઈ લેખકના લેખો-બધું ચાલી આવતા મૂલ્યાંકનને પ્રતિકાર ફેંકે છે. આપણે ત્યાં ઓગણીસમી-વીસમી સદીનાં સામયિકોનું સંનિષ્ઠ પુનર્વાચન થયું નથી. હમણાં હમણાં જૂનાં સામયિકોની સામગ્રીની સૂચિ કરવાનું એકલદોકલ કાર્ય હાથ ધરાયું છે. ગુજરાતી સાહિત્યમાં સંશોધનને નામે અત્યારે તો લગભગ મીંડું છે. પીએચ.ડી.ને નામે ઉપહાસાત્મક વેપલો તો કશું રળી આપે તેમ છે નહીં. પણ સંનિષ્ઠ સંશોધનની દિશા ચાલી આવતા સાહિત્યની દશાને કેવી ધરમૂળથી બદલી શકે છે એનું પૉલ-દ-માનનો કિસ્સો એક જ્વલંત ઉદાહરણ છે.