લઘુ સિદ્ધાન્તવહી/આધિપત્યનો વિચાર
આધિપત્યનો વિચાર
પશ્ચિમના જગતમાં સામ્યવાદ એક રાજનીતિક સત્તા રૂપે પડી ભાંગ્યો, ત્યારપછી વીસમી સદીના છેલ્લા દાયકામાં અનુમાર્ક્સવાદ મહત્ત્વના સૈદ્ધાન્તિક આંદોલન રૂપે ઊપસી આવ્યો છે. આ આંદોલન માર્ક્સવાદી ભૂતકાળને નકારતા ફ્રાન્સવા લ્યોતાર, ઝાં બોદિ્લાર, મિશેલ ફૂકો જેવાઓને તેમ જ નવા સાંસ્કૃતિક અને સૈદ્ધાન્તિક પ્રવાહોના સંદર્ભમાં માર્ક્સવાદને પુનઃપ્રાણિત કરવા ઇચ્છનારાઓને – એમ બંનેને સમાવે છે. આવા અનુમાર્ક્સવાદી આંદોલનમાં અર્નિસ્તો લેકલૉ (Ernesto Laclau) અને શાન્તાલ મૂફ (Chantal Mouffe) જેવા ચિંતકો અગ્રણી રહ્યા છે. આ બંને રાજનીતિક ચિંતકોએ સાથે મળીને લખેલો ગ્રંથ ‘આધિપત્ય અને સમાજવાદી વ્યૂહ : ઉદામવાદી લોકશાહી રાજકારણ તરફ’ (Hegemony and Socialist Strategy: Towards a Radical Democratic Politics, ૧૯૮૫) સૌથી વધુ નોંધપાત્ર છે. એ નિમિત્તે ખાસ તો ‘આધિપત્ય’ (hegemony)નો વિચાર પારંપરિક રાજનીતિના ક્ષેત્રમાંથી મૂડીવાદી સમાજક્ષેત્રમાં થઈને કઈ રીતે અનુમાર્ક્સવાદી વિચારણામાં પ્રવેશ્યો છે એનો આલેખ અનુઆધુનિકતાવાદી સાહિત્યવિવેચનને સમજવામાં ઉપયોગી નીવડે તેવો છે. સામ્રાજ્યવાદી દેશોના અનુસંધાનમાં આધિપત્યનો રૂઢ અર્થ તો રાજનીતિક પ્રભુત્વ, નિયંત્રણ અને અમલના ક્ષેત્ર સાથે સંડોવાયેલો છે. પણ ઇટાલિયન માર્ક્સવાદી સિદ્ધાન્તકાર એન્તોનિયો ગ્રામસીએ આધિપત્યના ખ્યાલને જુદી રીતે પ્રયોજ્યો છે. મૂડીવાદી સમાજમાં બલપ્રયોગ વિના શાસકવર્ગ કઈ રીતે પ્રજાના મોટા ભાગ પર પોતાની વિચારધારા આરોપિત કરે છે એ સમજાવવાનો એમાં પ્રયત્ન છે. બુર્ઝ્વા મૂડીવાદીઓની માન્યતાઓ કલા અને અન્ય માધ્યમો દ્વારા ફેલાય છે. ગ્રામસીના આ વિચાર પર માર્ક્સવાદી સિદ્ધાન્તકાર લૂઈ આલ્થુઝરે આગળ વધીને પશ્ચિમના સમાજો વિવિધ ‘વિચારધારામૂલક રાજ્યઉપકરણો’ (ideological state apparatuses) અને ‘દમનમૂલક રાજ્યઉપકરણો’ (repressive state apparatuses)નો શી રીતે ઉપયોગ કરે છે તે સમજાવ્યું છે. શિક્ષણવ્યવસ્થા, કલાઓ અને અન્ય માધ્યમો જેવાં વિચારધારામૂલક રાજ્યઉપકરણો એના હેતુમાં નિષ્ફળ જાય ત્યારે સરકાર, પોલીસ કે લશ્કર જેવાં દમનમૂલક રાજ્ય-ઉપકરણો હિંસક ઉપાયો દ્વારા વ્યવસ્થાને લાદે છે. રેમન્ડ વિલ્યમ્સે આધિપત્યનું કરેલું અર્થઘટન મહત્ત્વનું છે. રેમન્ડ કહે છે કે આધિપત્યનો સંપ્રત્યય પૂર્વેના બે સમર્થ સંપ્રત્યયોને પોતામાં સમાવે છે અને એને અતિક્રમે પણ છે. આ બે સંપ્રત્યયોમાંનો એક સંપ્રત્યય સંસ્કૃતિનો છે. સંસ્કૃતિ એક સમગ્ર સામાજિક પ્રક્રિયા છે, જેમાં મનુષ્યોની ઓળખ બને છે અને મનુષ્યોનું જીવનઘડતર થાય છે. બીજો સંપ્રત્યય છે તે ‘વિચારધારા’નો છે. માર્ક્સવાદી કોઈ પણ અર્થમાં વિચારધારા-અંતર્ગત અર્થો અને મૂલ્યોની વ્યવસ્થા કોઈ ચોક્કસ સામાજિક વર્ગના હિતની અભિવ્યક્તિ બને છે, યા એનો પ્રક્ષેપ બને છે. સમસ્ત સામાજિક પ્રક્રિયાને સત્તા અને પ્રભાવના વિશિષ્ટ વિતરણ સાથે જોડવામાં આધિપત્ય સંસ્કૃતિને અતિક્રમી જાય છે અને સમસ્તતાના ખ્યાલને લક્ષમાં લેતાં આધિપત્ય વિચારધારાને પણ અતિક્રમી જાય છે. એટલે કે વિચારધારા અને આધિપત્ય બંને ભિન્ન છે. આધિપત્ય વધુ વ્યાપક છે અને રોજિંદા જીવન પર વર્ચસ્ ભોગવે છે. બીજી રીતે કહીએ તો વિચારધારામૂલક વર્ચસ્ માત્ર રાજકીય ક્ષેત્રને આવરે છે, જ્યારે પ્રધાન આધિપત્ય (hegemonic dominiation) સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોને આવરે છે. પ્રધાન આધિપત્ય વધુ વ્યાપક છે, વધુ પ્રચ્છન્ન અને છદ્મ છે, તેમ જ વિચારધારામૂલક વર્ચસ્ કરતાં વધુ પૂર્ણ છે. માર્ક્સવાદી વિવેચકો ઘણી વાર બંનેને એકઠાં કરીને ‘વિચારધારામૂલક પ્રધાન આધિપત્ય’ (ideological hegemonic domination) એવી સંજ્ઞા હેઠળ બધા આધારોને આવરી લે છે. સામ્યવાદની નિષ્ફળતા પછી, ઝડપથી બદલાતી સાંસ્કૃતિક પરિસ્થિતિઓને લક્ષમાં લઈને માર્ક્સવાદને પુનઃપ્રાણિત કરવા લૅકલૉ અને મૂફ કમર કસે છે, અને વિરચનાવાદ, નારીવાદ, અનુઆધુનિકતાવાદ જેવા સાંસ્કૃતિક અને તત્ત્વવિચારવિષયક સિદ્ધાન્તોની સાથે એનું અનુસંધાન કરવા માગે છે. પ્રશિષ્ટ માર્ક્સવાદના કેન્દ્રમાં ઐતિહાસિક અનિવાર્યતાની કસોટી રહેલી છે, જે દર્શાવે છે કે કામદારવર્ગે અંતતઃ એના શોષકો સામે માથું ઊંચું કરવાની જરૂર હતી. આધિપત્ય ખુલાસો આપે છે કે કામદારવર્ગે શાસકો સામે માથું કેમ ઊંચું ન કર્યું, પણ એનો ખુલાસો આપતો આધિપત્ય-ખ્યાલ પ્રશિષ્ટ માર્ક્સવાદના કેન્દ્રમાં રહેલા ઐતિહાસિક અનિવાર્યતાના વિચારને જ શંકાસ્પદ ઠેરવે છે. આથી લૅકલૉ અને મૂફ પ્રશિષ્ટ માર્ક્સવાદ કામદારવર્ગને જે સમરૂપ (homogeneous) અખિલાઈ તરીકે જુએ છે એનો સ્વીકાર કરતા નથી. એને બદલે વિખંડિતતાને સ્વીકારે છે. બહુવાદી માર્ક્સવાદની જિકર કરે છે, જેમાં વીસમી સદીના અંતિમ દાયકાઓમાં ઊભી થયેલી નારીવાદી, જાતિવાદી, પર્યાવરણવાદી ઝુંબેશોનો સમાવેશ થઈ શકે. માર્ક્સવાદે પુનઃપ્રાણિત થવું પડશે યા તો હંમેશ માટે નષ્ટ થઈ જવું પડશે. કેટલાકને મતે આ રીતે માર્ક્સવાદને અતિક્રમી જવાની વાત માર્ક્સવાદના વારસાની વંચના કરવા બરાબર છે અને તેથી તેઓ લૅકલૉ-મૂફની આધિપત્યની વિભાવનાની ટીકા કરે છે, પણ અનુઆધુનિક સંજોગોમાં અનુમાર્ક્સવાદે આ રીતે અનુનેયતા બતાવી છે તે ધ્યાન ખેંચે તેવી છે.
●