લઘુ સિદ્ધાન્તવહી/પ્રાથમિક અને પરિષ્કૃતનો ભેદ
પ્રાથમિક અને પરિષ્કૃતનો ભેદ
લોકોને સાહિત્યની અભિમુખ કરવામાંથી લોકો તરફ અભિમુખ થવામાં આજનો સાહિત્યકાર સપડાઈ તો નથી ગયો ને એવી વારંવાર દહેશત જાગ્યા કરે છે. કાફિયા અને રદીફની કે ધ્રુવપંક્તિ અને આંતરાઓની કૃતક ગણતરી સાથે સીમિત સંવેદનમાં બદ્ધ રહી વિવિધ શક્યતાઓને અને મોટા પડકારોને ભૂલી ગયેલી મોટા ભાગની કાવ્યપ્રવૃત્તિ તેમ જ બોલીઓને નામે વ્યંજકઘટનાથી પ્રસંગોના અભિધાવૈભવ તરફ ઘસડાયેલી મોટાભાગની કથા પ્રવૃત્તિ જાણે કે લોકોને તાત્કાલિક તૃપ્તિ આપવાની જહેમત કરી રહી છે. સદ્ય અને શીઘ્ર પ્રત્યાયનના જમાનામાં ઉત્તમ સાહિત્યના વિલંબ અને પ્રતિકાર જેવાં મૂલ્યોને પછવાડે છોડીને સાહિત્ય જાણે કે શીઘ્રપતન કે શીઘ્રસ્ખલનમાં સંતુષ્ટિ શોધી રહ્યું છે. ફ્રોઈડે આનંદને ઉદ્દીપન સાથે નહીં, પણ સમતુલા સાધવા માટેના ઉદ્દીપનના નિયંત્રણ સાથે સાંકળ્યો છે એ વાત વીસરાવી ન જોઈએ. ઈચ્છા અને ઈચ્છાની સદ્ય પરિતૃપ્તિ એ તો આદિમ સ્થિતિ છે. પરંતુ જે પરિસ્કૃત પુખ્તતાની સ્થિતિ છે એમાં તો વિરોધી વૃત્તિઓના સંયોજન દ્વારા અને સંતૃપ્તિ પરત્વેના પ્રતિકારો દ્વારા વૈયક્તિકતાની ક્રિયા હાંસલ કરવામાં આવે છે. તાત્કાલિક સંતોષ એ બીજું કશું નથી, પણ શીઘ્રપતન કે શીઘ્રસ્ખલન છે. સમૂહ સંસ્કૃતિમાં આવી તાત્કાલિક તૃપ્તિનાં ભયસ્થાનો ઓછાં નથી. લેનર્ડ માયરે (Leonard Meyer) ૧૯૫૯માં ‘સંગીતનું મૂલ્ય અને એના સામર્થ્ય પર કેટલીક નોંધ’ એ નામે એક લેખ કરેલો, જે આજની પરિસ્થિતિમાં પણ એટલો જ સંગત છે. માયરે પ્રાથમિક સંગીત સાંભળતાં જે આનંદ ઊપજે એને પરિષ્કૃત સંગીતથી ઊપજતા આનંદથી જુદો તારવ્યો છે. માયરનું માનવું છે કે પશ્ચિમનું પોપ સંગીત પ્રાથમિક સંગીત છે અને એ રૂઢિગત ચવાયેલી વસ્તુઓ સાથે એવી રીતે કામ પાડે છે કે એમાંથી તાત્કાલિક સંતૃપ્તિ જન્મે છે, જ્યારે પરિષ્કૃત સંગીત (એટલે કે શાસ્ત્રીય અથવા જેઝ સંગીત) સૂક્ષ્મ આનંદ સમર્પે છે, જેમાં તાત્કાલિકતાને જતી કરવાની એક પ્રબળ ઇચ્છા હોય છે અને અનાગત સંતૃપ્તિ માટે અલ્પતૃપ્તિનો આદર હોય છે. પ્રાથમિક શ્રોતા ઇન્દ્રિય-વિષયક આનંદથી સંતુષ્ટ રહે છે, જ્યારે પરિષ્કૃત શ્રોતા ઘણી બધી અનિશ્ચિતતાઓ અને પ્રતિકારોને સહેવા સમર્થ હોય છે. કેવળ લાગણીવિસ્ફોટનો ભોગ બનેલો આજનો ગ્રાહકશ્રોતા ભૂલી ગયો છે કે તમારું ભોજન પૂરું ન કરો ત્યાં સુધી તમને મિષ્ટાન્ન (ડિઝર્ટ) પીરસવામાં આવવાનું નથી. આજે એ જ સ્થિતિ સાહિત્યમાં છે. સ્વીકૃત વિચારો અને રૂઢ પ્રતિભાવોને દૃઢાવતો સાહિત્યનો તાત્કાલિક પરિતોષ તમારા અભ્યંતરનો ઊંડો પરિપોષ આપી શકે એવું જગતનું કોઈ સાહિત્યશાસ્ત્ર સમજાવી શકે તેમ નથી. સાહિત્યમાં તાત્કાલિક પરિતોષને ઠેલવાનો અર્થ એવો નથી થતો કે સાહિત્યના પ્રસાદગુણને બાદ કરવાનો છે. પણ સાહિત્યમાં તાત્કાલિક પરિતોષ સાથે સંકળાયેલો અતિપ્રસાદ અત્યંત ખતરનાક છે. અને એ અતિપ્રસાદ કે અલ્પપ્રસાદ સાહિત્યના અનુભવને વણસાડે છે. સંસ્કૃત આલંકારિક મમ્મટે તાત્કાલિક આનંદ (सद्यः परनिर्वृतये)ની વાત કરી છે, પણ એ તો કાવ્યપ્રયોજન સંદર્ભે કરી છે. એનું કહેવું છે કે તાત્કાલિક સધાતું પ્રયોજન આનંદનું છે. કાવ્યનાં અનેક પ્રયોજનોમાં યશ, અર્થ, વ્યવહારજ્ઞાન, અમંગલનાશ અને કાન્તાસંમિત ઉપદેશનો સમાવેશ છે, પણ આ બધાં પ્રયોજનો કાલવ્યય પછી સિદ્ધ થનારાં છે, પણ સાહિત્યમાંથી પ્રાપ્ત થતા આનંદનું પ્રયોજન તાત્કાલિક છે. તો, મમ્મટે ‘તાત્કાલિક આનંદ’ કહ્યો ત્યારે પ્રયોજનોના ક્રમમાં એનું સ્થાન સદ્ય છે એવું એ પ્રતિપાદિત કરવા માગે છે. મમ્મટે એમાં કાવ્યની આનંદપ્રક્રિયા અંગે તાત્કાલિકતાની વાત કરી નથી. આનંદપ્રક્રિયા અંગે સંસ્કૃતિ આલંકારિકોને સંભારવા જ હોય તો પ્રસાદના એમના વર્ણન પરત્વે સંભારી શકાય. કાવ્યમાં પ્રસાદગુણને વર્ણવતાં કહેવાયું છે કે સૂકા લાકડામાં જેમ અગ્નિ પ્રસરે અથવા જલ જેમ સહસા સર્વત્ર પ્રસરી જાય તેમ ચિત્તને વ્યાપી દેતો અને સર્વ રસ અને સર્વ રચનામાં રહેલો તે પ્રસાદગુણ છે. અહીં પ્રસાદની ગતિ સહસા છતાં ક્રમશઃ છે. સૂકા લાકડામાં અગ્નિ પ્રસરે કે સ્વચ્છ જલ જેમ સર્વત્ર પ્રસરે એ ‘પ્રસર’ ક્રમશઃ જ હોય. સહસામાં વેગ છે, પણ ક્રમ તો નિહિત છે જ. દૃષ્ટાંત પોતે જ આનંદની ક્રમશઃ પ્રસરતી પ્રક્રિયાનું દ્યોતક છે. તાત્કાલિકતાના જમાનામાં બધું જ તાત્કાલિક માગતી સામાજિક સ્થિતિ વચ્ચે સાહિત્યે પણ તાત્કાલિકતા અપનાવી તો એનો પ્રભાવ પણ તાત્કાલિક જ હશે. સાહિત્યની તકલાદી તાત્કાલિકતાની સામે સાહિત્યની સ્થિરમુદ્રા માટેનાં ખંત અને ધીરજ ક્યાં શોધવાં?
●