લઘુ સિદ્ધાન્તવહી/તથ્યમૂલક કલ્પના પર આધારિત જીવનલેખનો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩૨

તથ્યમૂલક કલ્પના પર આધારિત જીવનલેખનો

ટૉમસ ફ્રીડમનનું પુસ્તક ‘ધ વર્લ્ડ ઈઝ ફલેટ’માં ૨૧મી સદીના વૈશ્વિકીકરણ પામેલા જગતનું ચિત્ર દોરતાં બર્લિનના નિર્દેશ સાથે એવું કહેવાયું છે કે ‘દીવાલો પડે છે, બારીઓ ખૂલે છે’ (walls falling, windows opening). અહીં ‘બારીઓ’ દ્વારા કમ્પ્યૂટરના સ્ક્રીનનો સંકેત ભલે કરાયો છે પણ એમાંથી સંકેત ગ્રહવો હોય તો એમ પણ ગ્રહી શકાય કે આધુનિકતાની સજ્જડ સ્વાયત્ત બંધ દીવાલો તૂટી જતાં અનુઆધુનિકતાએ જીવન તરફની બારીઓ ખોલી છે. અને એમાં વૈશ્વિક પદ્ધતિની અસહ્ય ભૂખ ઊઘડેલી જોઈ શકાય છે. કદાચ એ જ કારણે તાજેતરમાં ઑસ્ટ્રેલિયાના સીડની શહેરમાં થયેલા ‘સીડની લેખક મહોત્સવ’માં લેખકોએ ઈરાક, નિરાશ્રિતો અને ભ્રષ્ટ પર્યાવરણની ચર્ચા વધુ કરી છે. આ સ્વાભાવિક છે. છેલ્લાં થોડાંક વર્ષોમાં જીવનલેખન (life writing)નાં સાહિત્યસ્વરૂપોમાં આ જ કારણે ભરતી આવેલી જોઈ શકાય છે. ગુજરાતી ભાષાસાહિત્યનાં પારિતોષિકો પણ હમણાં હમણાં જીવનચરિત્રો પ્રવાસસાહિત્ય તરફ વળી રહ્યાં છે. આત્મકથા અને જીવનકથા જેવાં જીવનલેખનનાં સાહિત્યસ્વરૂપો આધુનિકતાવાદી કાળમાં જે હાંસિયામાં પહોંચી ગયેલાં તે ફરીને કેન્દ્રમાં આવ્યાં છે. જીવનલેખનનાં સાહિત્યસ્વરૂપોમાં વ્યક્તિતા (self)ને સંઘટિત કરવાના, એની રચનારીતિના, વિષય અને ભાષાના સ્વરૂપની પ્રકૃતિના પ્રશ્નો હવે વધુ ચર્ચા માગી લે તેવા બન્યા છે. લર્કાં, દેરિદા અને ફૂકો દ્વારા વ્યક્તિતા(self)નુ ‘અસાતત્ય’ (discontinuity) રૂપે અને વ્યક્તિતાની અનિર્ણીત અવસ્થા રૂપે થયેલું નવું દર્શન એક બાજુ એકીકૃત તર્કબદ્ધ નિયંત્રિત એવી વ્યક્તિતાનો છેદ ઉડાડે છે, તો બીજી બાજુ આજ સુધીનું સત્તાનું કેન્દ્ર વિચલિત થતાં ઘૂસી આવેલા હાંસિયા પર મુકાયેલા નારીવાદી, અશ્વેત, દલિત, સજાતીય અને લઘુમતી જૂથોનો આત્મસ્થાપનાનો અને આત્મઓળખનો બળૂકો પ્રયત્ન પણ જીવનલેખન તરફ વિશેષ રીતે જોવા પ્રેરે છે. વળી, આધુનિકતાવાદે જો માત્ર સાહિત્ય તરફ જોવાનો મહિમા કર્યો છે, તો અનુઆધુનિકતાવાદે સાહિત્ય તરફ જોતાં જોતાં સાહિત્યની પાર જોવાનો પણ મહિમા કર્યો છે. અને આવો મહિમા કદાચ જીવનલેખન માટે વધુ સાર્થક બની શકે તેમ છે. એક રીતે જોઈએ તો સત્યમૂલક કલ્પનાનો આશ્રય લેતાં કવિતા, નવલકથા, ટૂંકી વાર્તા કે નાટક જેવાં સાહિત્ય પ્રકારોની સામે આત્મકથા, જીવનકથા, પ્રવાસનિબંધ, વગેરે જેવા સાહિત્યપ્રકારો તથ્યમૂલક કલ્પનાનો આશ્રય લે છે. જીવનમૂલક સાહિત્યમાં ‘તથ્ય’ કે ‘હકીકત’ મૂળ આધાર છે અને એને જ આધારે પ્રસંગો ઘટનામાં, મનુષ્યો પાત્રોમાં તેમજ જીવાયેલું જીવન નવેસરથી ભાષાના જીવન્ત દ્રવ્યમાં રૂપાન્તરિત થાય છે, આત્મકથા એ આત્મા(ની રૂપાન્તર) કથા છે, જીવનકથા એ જીવન(ની રૂપાન્તર) કથા છે. જીવનલેખન એ માત્ર. સ્મરણક્રિયા નથી પણ પુનઃસર્જનપ્રક્રિયા છે. પુન:સર્જનની આ ક્રિયામાં જીવનસામગ્રીને સમજવી, અર્થઘટિત કરવી, સાર્વજનીન બનાવવી - જેવી ક્રિયાઓ નિહિત છે. આ જીવનસામગ્રી ચેતનાના એક પરિમાણ પર નહીં પણ ચેતનાનાં બહુવિધ પરિમાણ પર વિશિષ્ટ રીતે વિચરણ કરી શકે છે. મોટાભાગનું જીવનલેખન એકપરિમાણી, એકમુખ અને એકરંગ હોય છે એ અલગ વાત છે. એવું બને કે જીવનલેખનના પ્રકારો તથ્યમૂલક કલ્પના પર આધારિત હોવાથી જીવનલેખક તથ્યને જળોની જેમ વળગી રહી નર્યો નીરસ વૃત્તાન્ત ઉતારે કે પછી કલ્પનાને વળગીને નરી ‘સાહિત્યિક’ નિર્મિતિ ઊભી કરે, પણ જીવનલેખનમાં નાનોસરખો તથ્યભંગ લેખકવાચક વચ્ચેના વણલખ્યા શ્રદ્ધા કે વિશ્વાસના અનુબંધમાં તિરાડ જરૂર પાડી શકે છે. પરંતુ, જીવનલેખનમાં સૌથી વધુ જોખમી સમતુલનની જાળવણી છે. એમાં પોતાની જાતની પ્રશંસા, જાત પરત્વેનો પ્રેમ અને જાતને સાચી ઠેરવવાનો મોહ રોકી શકાતો નથી, તો અન્યોની નિંદા, અન્યો માટેનો દ્વેષ અને અન્યોનું વ્યક્તિત્વહનન પણ રોકી શકાતાં નથી. તો વળી, લોકભયને કારણે કે લોકલજ્જાને કારણે કે અન્ય તરફની દયા-અનુકંપાને કારણે વીગતોને છુપાવવાનું પણ અટકાવી શકાતું નથી. કદાચ જીવનલેખનમાં આથી જ જે કંઈ લખાયું છે એ કરતાં જે નથી લખાયું એ લેખનની સપાટીની નીચેના આંતરપટ તરીકે ઘણીવાર મોજૂદ હોય છે. આથી જ મનુષ્યમાં રહેલી અન્ય મનુષ્યમાં ડોકિયું કરવાની વૃત્તિ (Peeping Tom વૃત્તિ કે Voyuerism) જીવનલેખનના વાચનની કદાચ મુખ્ય પ્રેરક હશે.