લઘુ સિદ્ધાન્તવહી/બેલિન્સ્કીની પ્રતિબદ્ધ સાહિત્ય અંગેની સમજ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૬૨

બેલિન્સ્કીની પ્રતિબદ્ધ સાહિત્ય અંગેની સમજ

સાહિત્ય સાથે પ્રતિબદ્ધતાનો પ્રશ્ન એક યા બીજી રીતે સંકળાયેલો રહ્યો છે. ગુજરાતી સાહિત્યમાં પછી એ દૂરનો સુધારક યુગ હોય કે એકદમ નજીકનો અનુઆધુનિક યુગ હોય; એમાંય અનુઆધુનિક યુગમાં નારીવાદી, પ્રતિસંસ્થાનવાદી, દલિત કે ઉપેક્ષિત વર્ગ (Subaltern)ના અવાજો અગ્રણી બની રહ્યા હોય ત્યારે સાહિત્યના સામાજિક દાયિત્વ અને એની સામાજિક ભૂમિકાના પ્રશ્નો પણ સપાટી પર આવવા લાગ્યા છે. શુદ્ધ સાહિત્યની જીવન-નિરપેક્ષ વિભાવનાથી ખસીને સાહિત્ય જીવનની સંનિકટ પહોંચવા મથી રહ્યું છે. ક્યારેક પ્રતિબદ્ધ આક્રોશ અને આક્રમકતા ભળતી પણ એમાં જોવાય છે. આ સંજોગોમાં સાહિત્યને મૂલવવા માટેનાં ધોરણો અંગે ફેરવિચારણા કરવાનો પણ વારો આવે. અને ત્યારે, ૧૯મી સદીના પૂર્વાર્ધના રશિયન વિસ્સારિઓન બેલિન્સ્કી (Visssarion Belinsky)-ની કેટલીક સાહિત્યિક સ્થાપનાઓ ખપમાં આવે એવો સંભવ છે. ૧૯મી સદીમાં બુલંદ બનેલો વિવેચક બેલિન્સ્કીનો દબદબો હંમેશાં સામાજિક સભાનતા સાથેના એના સાહિત્યિક સભાનતાના સમન્વયને કારણે રહ્યો છે. બેલિન્સ્કીની સાથે અને બેલિન્સ્કી પછી પણ ‘શુદ્ધ સાહિત્ય’ અને ‘સામાજિક રીતે પ્રતિબદ્ધ’ સાહિત્યનો ઊહાપોહ રશિયન સાહિત્યમાં આજે પણ શમ્યો નથી. આ ઊહાપોહ આજની અનુઆધુનિક પરિસ્થિતિ સંદર્ભે ફેરતપાસ માગે છે. એક બાજુ યુરોપમાં સેં સિમોં (Saint Simon)- ના, લેખકને સમાજધર્મના પુરોહિત તરીકે આગળ ધરતા સિદ્ધાન્ત સામે ગોત્યે તેઓફીલ (Gautier Theophile)નો આક્રોશ હતો કે પુસ્તક સૂપની વાડકી નથી, નવલકથા પગરખાંની જોડ નથી, સૉનેટ સિરિન્જ નથી કે નાટક રેલવે પ્લેટફૉર્મ નથી. તો બીજી બાજુ પુશ્કિનનો લોકદ્વેષી સૂર હતો, ‘રસોઈની તપેલી તમને વધુ વહાલી છે, કારણ એમાં તમે તમારું અન્ન રાંધો છો.’ એની સામે બેલિન્સ્કીએ અવાજ કાઢેલો કે, "હા, હા, હું મારો ખોરાક રાંધુ છું. મારા પરિવારનો ખોરાક પણ રાધું છું. મારે મારા પરિવારને અને મને પોતાને ટકાવવાનો છે." સામાજિક નિરપેક્ષતા અને સામાજિક સભાનતાના આ દ્વન્દ્વ વચ્ચે બેલિન્સ્કીએ જે માર્ગ કાઢેલો એ અંગે બેલિન્સ્કીના અમેરિકી અભ્યાસી રુફસ મેથ્યૂસને (Rufus Mathewson) ઉગ્રવાદી અને ઉદારવાદી વલણોની વ્યાખ્યા કરીને બેલિન્સ્કીને ઉદારવાદી વલણ વચ્ચે ગોઠવ્યો છે. મેથ્યૂસનનું કહેવું છે કે બેલિન્સ્કી લેખકને વિચારધારાના કાર્યવાહક તરીકે ન જોતાં લેખકના વૈયક્તિક મિજાજ અને વ્યક્તિત્વના કાર્ય તરીકે જુએ છે. આના સમર્થનમાં જોઈ શકાશે કે બેલિન્સ્કીએ લેખકની પ્રતિબદ્ધતાને બહુ વ્યવસ્થિત રીતે સ્પષ્ટ કરી છે. કલા કે સાહિત્યના ક્ષેત્રમાં સર્જક પ્રતિભા વગરની પ્રતિબદ્ધતાનો કોઈ-કશો અર્થ નથી. પ્રતિબદ્ધતા માત્ર લેખકના મસ્તિષ્કમાં જ નહીં, પણ એથી આગળ વધી લેખકના હૃદયમાં, એના લોહીમાં, એના ભાવવિશ્વમાં એક સહજસ્ફૂર્ત વૃત્તિ-રૂપે હોવી જોઈએ. તો જ કદાચ જેમ કલા જન્મે છે તેમ પ્રતિબદ્ધતા જન્મી શકે. કોઈ પુસ્તકમાં વાંચેલો કે ક્યાંથી સાંભળેલો વિચાર - ભલે ને સાચી રીતે સમજાયો હોય તેમ છતાં — જ્યાં સુધી એ લેખકની પ્રકૃતિમાંથી પસાર થતો નથી, લેખકના વ્યક્તિત્વની મુદ્રા અંકે કરતો નથી, ત્યાં સુધી એ નિર્જીવ મૂડી છે. તમારી પાસે જો સર્જક પ્રતિભા નથી તો તમારા વિચારો અને હેતુઓ માત્ર સાધારણ વાગ્મિતા બનીને રહી જશે. બેલિન્સ્કીએ આથી જ ગ્યોથ (Goethe)ના ‘ફાઉસ્ટ’માં તત્કાલીન યુગચેતનાનો અને સમાજચેતનાનો આવિષ્કર દેખાયો હતો, પણ સાથે સાથે એનું સ્પષ્ટ માનવું હતું કે માત્ર સભાનપણે સામાજિક દિશા લેવામાત્રથી લેખકની કૃતિ મહાન બની જતી હતી. બેલિન્સ્કીએ વારંવાર સાહિત્ય સાથે સામાજિકતા અને નૈતિકતાના મુદ્દાઓ ઉઠાવ્યા છે, સાહિત્ય પોતા ઉપરાંતનું પણ કશુંક કાર્ય કરે એવું વલણ અખત્યાર કર્યું છે, પણ સાહિત્યને એણે નૈતિકતા સાથે કે પ્રચાર સાથે ગૂંચવ્યું નથી. પ્રતિબદ્ધતાને આ રીતે સમજનાર બેલિન્સ્કી આ જ કારણે પુશ્કિન જેવાનું પણ ગૌરવ કરી શક્યો છે. આજના દલિત, આફ્રિકી કે કોઈ પણ પ્રતિબદ્ધ સાહિત્યને સમજવાની દિશા બેલિન્સ્કીની સમજમાંથી ઊઘડી આવી શકે તેમ છે. (સંદર્ભ : The Sense of Reality by Isaiah Berlin, Farrar Straus & Girous, New York.)