લઘુ સિદ્ધાન્તવહી/પ્રતિબદ્ધ સાહિત્યની કઠોર શરત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૬૧

પ્રતિબદ્ધ સાહિત્યની કઠોર શરત

હમણાં આફ્રો-અમેરિકન સાહિત્યના એલિક વૉકર, માયા એન્જલો, ટોની મોરિસન જેવાને વાંચવાનાં થયાં. અગાઉ આફ્રિકી કવિતાએ મનનો કબજો લીધેલો. વચ્ચે પાબ્લો નેરુદાની કવિતા વાંચવા પર ચઢેલો. ઇરાકના યુદ્ધ પછી અમેરિકી અને ઈરાકી કવિઓની રચનાઓનો ‘પોએટ્રી રિવ્યૂ’ એ આખો અંક ફાળવેલો. આ બધું સાહિત્ય એક રીતે પ્રતિબદ્ધ સાહિત્ય હતું. પ્રતિબદ્ધ સાહિત્ય સ્થાપિત ધર્મસત્તા, રાજસત્તા, અર્થસત્તા અને સમાજસત્તા સામે એક યા બીજી રીતે આક્રોશ સાથે વિદ્રોહની વાત કરતું હોય છે. શોષક પરિસ્થિતિઓ અને મનુષ્યોને નહીંવત કરી દેતાં પરિબળો અત્યંત સંવેદનશીલ તંત્ર ધરાવતા લેખકોને સ્પર્શે નહીં એવું તો ભાગ્યે જ બને. પરંતુ, સીધો આક્રોશ વ્યક્ત કરવો એ એક વાત છે અને આક્રોશનું સાહિત્ય રચવું એ બીજી વાત છે. સીધો આક્રોશ એ કેવળ ઉદ્ગારોનું કે પ્લેકાર્ડ પરનાં સૂત્રોનું કામ કરે છે. પરિસ્થિતિઓ અને પરિબળો ઓસરી જતાં જેમ પ્લેકાર્ડનાં સૂત્રો એનો પ્રાણ ગુમાવે છે, તેમ સીધો આક્રોશ વ્યક્ત કરતું જે કાંઈ હોય છે તે વખત જતાં પ્રાણહીન અને ઠાલું પુરવાર થાય છે. સંનિષ્ઠ લાગણી હોવા છતાં એ ખરાબ સાહિત્ય બનીને ઊભું રહી જાય છે. સીધા આક્રોશમાં નકરો પ્રતિઘાત કે પ્રત્યાઘાત (reaction) હોય છે. સાહિત્ય પ્રત્યાઘાત કે પ્રતિઘાતમાંથી નથી રચાતું, સાહિત્ય પ્રતિક્રિયા (response)માંથી રચાય છે. પ્રતિઘાત એ તત્ક્ષણ પ્રતિભાવ છે જ્યારે પ્રતિક્રિયા એ વિલંબિત પ્રતિભાવ છે. વિલંબિત પ્રતિભાવ એક આદરપાત્ર અંતર ઊભું કરે છે. આ અંતર આક્રોશને આક્રોશ ન રહેવા દેતાં એને તિર્ય્કતા આપી વધુ ઊંડા સંવેદનના ક્ષેત્રમાં મૂકી આપે છે. પ્રતિબદ્ધતામાંથી સાહિત્ય નથી રચાતું એવું નથી, પણ પ્રતિબદ્ધ સાહિત્યની આ એક અનિવાર્ય શરત છે. આ શરત જે સાહિત્યકાર પાળે છે એ પોતાની પ્રતિબદ્ધતા છતાં ઉત્તમ કૃતિઓ આપી શકે છે. બ્રેસ્ટને વાંચતાં કે પાબ્લો નેરુદાને વાંચતાં આની ખાતરી થયા વગર રહેતી નથી. આ વાતને વધુ સમજવા માટે એન્થની સ્ટિવન્સના પુસ્તક ‘સ્વપ્ન અને સ્વપ્નપ્રક્રિયા’ (‘ડ્રીમ્સ એન્ડ ડ્રીમિંગ’ - હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસ)ની સ્થાપના જોવા જેવી છે. આમ તો સ્ટિવન્સે આ પુસ્તકમાં મિથ સ્વપ્ન અને આદિરૂપો (Archetypes)ની ચર્ચા કરી સ્વપ્નને મનોદૈહિક ભૂમિકા પર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ એક રીતે સાહિત્યની સર્જનપ્રક્રિયા સ્વપ્નપ્રક્રિયાની લગભગ સગોત્ર અને એની સમાન્તર હોવાથી સ્ટિવન્સની સ્વપ્ન-અભિધારણા કોઈપણ સાહિત્યને સમજવામાં અને ખાસ તો પ્રતિબદ્ધ સાહિત્યને સમજવામાં સહાયક બને તેમ છે. સ્ટિવન્સ યુંગને અનુસરીને ચિત્તને ચેતન, વ્યક્તિગત અચેતન અને સામૂહિક અચેતનના વિભાજન સાથે સ્વીકારે છે. અને એમ પણ સ્વીકારે છે કે જીવો અંડજમાંથી જરાયુજ તરફ જતાં સ્મૃતિ ઉત્ક્રાન્ત થઈ છે. જોન વિન્સનના સિદ્ધાંતને અનુસરી સ્ટિવન્સ રેમ (REM - રેપિડ આય્ મુવમેન્ટ - સ્વપ્ન દરમ્યાન આંખનું ત્વરિત હલનચલન) નિદ્રા અને સ્વપ્નો વચ્ચે સંબંધ સ્થાપે છે. અને અંડજ નહીં સસ્તન જરાયુજ પ્રાણીઓ જ સ્વપ્ન જુએ છે તેવું સ્વીકારે છે. પણ સ્ટિવન્સ આથી આગળ વધી બે તરફની હેરફેરનો સ્વીકાર કરે છે. સ્ટિવન્સ કહે છે કે આપણાં સ્વપ્નોમાં બે બાજુની ગતિ છે. એક બાજુ સ્વપ્નો સાંપ્રતના અનુભવોને આપણી દીર્ઘકાલીન સ્મૃતિમાં રૂપાન્તરિત થવા એના પર પ્રક્રિયા થવા દે છે, તો બીજી બાજુ આદિરૂપો અને કલ્પનોને અચેતનમાંથી ચેતનાના સ્તરે ડોકાવાનો માર્ગ કરી આપે છે. આમ સાંપ્રતનું દીર્ઘકાલીન સ્મૃતિમાં ભળવું અને ભૂતકાળના સંચિત અનુભવોમાંથી આદિરૂપો તેમજ કલ્પનોનું બહાર આવવું-આ બે સ્વપ્નની ગતિનો સાહિત્યની ગતિ સાથે ઘનિષ્ઠ સંબંધ જોઈ શકાય છે. સાહિત્યમાં સાંપ્રત સમસ્યાઓ પરિસ્થિતિઓ અને પરિબળો લેખકના ચિત્તમાં દીર્ઘકાલીન સ્મૃતિ રૂપે પ્રક્રિયા પામે એ પહેલી શરત છે અને બીજી શરત છે લેખકના સંચિત અનુભવમાંથી આદિરૂપો તેમજ કલ્પનો પ્રક્રિયા પામીને બહાર આવે. ખાસ કરીને પ્રતિબદ્ધ સાહિત્યમાં આ પહેલાં જેની જિકર કરી એ વિલંબિત પ્રતિભાવ, ચિત્તની પ્રતિક્રિયા હોય તો જ શક્ય બને છે. સાંપ્રત અનુભવને સંચિત અનુભવનો યોગ્ય પ્રતિકાર ન મળે તો પ્રતિબદ્ધ સાહિત્ય રચાતું નથી. અને જો રચાય છે તો એનું કોઈ ઝાઝુ મૂલ્ય રહેતું નથી. હમણાં, વિદ્યાનગરમાં, અકાદમી અને એસ.પી. યુનિવર્સિટીના ગુજરાતી અનુસ્નાતક વિભાગે ‘ગ્રન્થસમીક્ષા’ને અનુલક્ષીને સરૂપ ધ્રુવની ‘સળગતી હવાઓ’ (કાવ્યસંગ્રહ), હિમાંશી શેલતની ‘એ લોકો’ (વાર્તા સંગ્રહ) અને રઘુવીર ચૌધરીની ‘સોમતીર્થ’ (નવલકથા) જેવી પ્રતિબદ્ધ સાહિત્ય કૃતિઓ પર ચર્ચા ગોઠવેલી, અહીં ચર્ચાને અંતે નિષ્કર્ષમાં સ્પષ્ટ જોઈ શકાયું કે સરૂપ ધ્રુવની રચનાઓ તિર્યકતાને છોડી સીધા ઉદ્ગારામાં ઊતરી પડી છે અને ક્યારેક તો ગાલીગલોચ સુધી પહોંચી ગઈ છે, એમાં આક્રોશ વ્યક્ત થયો છે પણ આક્રોશની કવિતા બંધાવા નથી પામી. તો બીજી બાજુ હિમાંશી શેલત પોતાના કાર્યક્ષેત્રમાં આવેલા વંચિત લોકોની વેદનાનો અલગ ચહેરો નજીકથી જુએ છે ખરાં, પણ વાર્તામાં એ ચહેરા વચ્ચે ખાસ્સું અંતર ઊભું કરી ‘બારણું’ અને એના જેવી બીજી અનેક વાર્તાઓનું સફળ સંચાલન કરી શક્યાં છે. રઘુવીર ચૌધરી ‘સોમતીર્થ’માં બે પ્રતિજ્ઞાઓ કરીને પ્રમેય સાબિત કરવા નીકળતા હોય એમ એક ભૌમિતિક માળખામાં પાત્રોની ભાષાથી માંડી પાત્રોનાં પ્રવર્તનમાં પોતે જ પ્રવેશી જઈ અનુત્તમ નવલકથામાં બનતું હોય છે તેમ નાયકના સત્યને પ્રગટ કરવાને બદલે લેખક પોતા અંગેનું સત્ય જ પ્રગટ કરી બેસે છે. અંતર ઊભું કરવાની સાહિત્યની સામાન્ય શરત પ્રતિબદ્ધ સાહિત્યમાં વધુ કઠોર રીતે પળાવી જોઈએ એવું આ નમૂનાઓ સ્પષ્ટ કરી આપે છે.