લીલુડી ધરતી - ૧/ખૂટતી કડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ખૂટતી કડી

આખા ગુંદાસરમાં દીવે વાટ્યું ચડી ગઈ હતી, પણ અંબા ભવાની હૉટેલ આજે જાણે કે ઓજપાઈ ગઈ હતી. શાદૂળભાનાં દર્શન દુર્લભ હોવાથી હૉટેલમાં સો મણ તેલે ય અંધારા જેવું લાગતું હતું અને એ સાથે રઘાના મોં પરથી પણ જાણે કે નૂર હણાઈ ગયું લાગતું હતું.

વાળુપાણીથી પરવારીને ‘બીડી-બાકસ’ ખરીદવાને બહાને સમય પસાર કરનારા કારીગરવર્ગની ઘરાકી પુષ્કળ જામી હતી. આ દિવસે તો આઠે ય પહોર ગાંગરતુ ગ્રામોફોન હમણાં હમણાં સાવ મૂંગુ હતું.

શાદૂળભાની ગેરહાજરીમાં ‘સંતુ રંગીલી’ની રેકર્ડને છંછેડવાની હિમ્મત કોઈ કરતું નહોતું.

રોજ સોળે કળાનો થઈ ને સિંહની જેમ ગર્જતો રઘો હમણાં હમણાં સાવ મૂંગો થઈ ગયો હતો એ જોઈને ઘરાકોને પણ કુતૂહલ થતું હતું. રોજ બબ્બે ગલોફામાં તેજ–તમાકુની પટ્ટીઓ ધરબી રાખનાર આ રંગીલા માણસને આજકાલ પાન ખાવામાં ચ સ્વાદ રહ્યો નહોતો. હૉટલનો નોકર છનિયો તો કહેતો હતો કે રઘાબાપા હમણાંના તો રોટલો ય નથી ખાતા. પીરસ્યે ભાણેથી ઊભા થઈ જાય ને મેડા ઉપર જઈને ઘૂડપંખની જેમ પડ્યા રહે છે.

રઘાને કાળજે એક નહિ, બે બે નહિ, ત્રણ ત્રણ કારમા ઘા ​ લાગ્યા હતા. શાદૂળભાની હૉકીસ્ટીક પાછી ન મળતાં, સંતુનું બેડું સામે ચાલીને માંડણિયાની સંગાથે મોકલી આપવું પડ્યું હતું. શાદૂળભાનું જાણે કે નાક કાપવા ખાતર જ ગોબરે સતુનું આણું કરી લીધું હતું. અને આ બન્ને અપમાનોથી ય વધારે ઉદ્વેગકારક ઘટના તો દરબારની ડેલીએ સરકારી પોલીસના આગમનની હતી. શાદૂળભાનું જીવતર રોળાઈ જવાનો ભય ઊભો થયો હતો. આવા ત્રિવિધ પરાજયોએ રઘાના મોં પરનું નૂર ઉડાડી દીધું હતું,

અત્યારે રોજે કપડાં સીવીને આવેલા ભૂધર મેરાઈના છોકરા વલભાને સંગીતની તલપ લાગતાં ગ્રામોફોન નજીક આવીને પૂછ્યું :

‘રઘાબાપા ! વાજુ વગાડું ?’

રઘાએ રાતી આંખ કરીને પૂછ્યું : ‘શું કામ ?’

‘ભારી બેડા સાંભળવાનું મન થયું છ–’

‘ભારી બેડાંના સવાદિયા ! ઘરમાં જઈને સાંભળ્ય તારાં ભારી બેડાં !’ કહીને રઘાએ એવી તો ભ્રુરુકુટી તાણી એ ત્રીજા લોચનનો તાગ જોઈને જ વલભો પાછો પોતાની બેઠક પર બેસી ગયો.

‘મારા હાળાં કાપલાં ! ફાટ્યાં છે કાંઈ ફાટ્યાં છે ! ગાજબટન કરતાં કરતાં ભારી બેડાં સાંભળવાના કોડ થાય છે ?’ રઘાએ પોતાના મનની દાઝ આ દરજી ઉપર ઉતારી.

સાંભળીને સહુ ઘરાકો વલ્લભ પ્રત્યે મનમાં ને મૂછમાં હસી રહ્યા. ‘લે, લેતો જા ! રઘા બાપાને મોઢેથી સીંજાટાણે સરસતી સાંભળી ને?’

અને પછી રઘો સાંભળે નહિ એવા ધીમા સાદે ઘરાક માંહેમાંહે ગુસપુસ કરી રહ્યા. એ ગુફતગોમાં સંતુ અને શાદૂળનાં બન્નેનાં પ્રકરણની ભેળસેળ હતી.

‘ઘરને ઉંબરે પરબતના પાછા થ્યાનો શોગ હતો તો ય હાદા ઠુમરને સંતુનું આણું કરવું પડ્યું.’ ​ ‘બીજો કઈ છેડોછૂટકો જ નંઈ રિયો હોય તંયે જ આમ કરવું પડ્યું હશે ને ?’

‘ભીનું સકેલ્યું. મારા ભાઈ !’

‘ઊછળ્યું ધાન ઉંબરે બાંધ્યું–’

‘બાંધે નઈ ને જાય ક્યાં ! કાલ્ય સવારે ઊઠીને ઢેઢફજેતા થાય તો કણબીભાઈને ક્યાંથી પોહાય ?’

‘સંતુડી તો જેમતેમ કરીને ઊંબરે બધાણી પણ ઓલ્યા શેજાદા શાદૂળભાના હવે ફજેતા ને ફાળકા થાય ઈ જોજો બેઠા બેઠા–’

‘એને નાગા માણહને નાવાનું શું ને નિચોવાનું શું ? જેને નઈં લાજ એને અડધું રાજ. તો આ તો ગામધણીનો કુંવર છે. એટલે આખું રાજ ગણાય—’

‘ઈ તો ધણીની માથે ય મોટો ધણી બેઠો છે રાજકોટની કોઠીમાં. ઈ કોઠીવાળાવે કિયે છ કે સાણસા ભીડ્યા છે–’

‘પણ ઈ તો આવીને જીવલા ખવાહને પકડી ગ્યા ને ?’

‘એકલા જીવલાને પકડ્યે હંધુ ય પતી જાય એમ ક્યાં છે ? ખરાખરીના ખેલ તો હજી બાકી છે. જીવતાં રિયો ઈ જોજો–’

શાપરમાં નવા બંધાતા મકાનના કારખાનામાં મિસ્ત્રીકામ, કરવા જતા ગુંદાસરના એક ભણેલા સુથાર જેરામે હળવેક રહીને પોતાના કોટના ગુંજામાંથી એક ચોળાયેલા ચોપાનિયાનો ડૂચો બહાર કાઢ્યો. ગુંદાસરના ૨જવાડી કુટુંબ જોડેના રઘાના જૂનાપુરાણા ઘરોબાની એને જાણ હોવાથી એ જરા આ ખસીને માંડણી પછવાડે બેઠો અને ૨ઘુ કશું જોઈ-સાંભળી ન શકે એ રીતે એણે સાવ ધીમે અવાજે વાંચવા માંડ્યું :

‘રૂપાં રબારણ ખૂનકેસના એક કહેવાતા આરોપી જીવા ખવાસની ધડપકડ થયા પછી પોલીસને આ ભેદી ખૂનખટલાની વધારે વિગતો મળી રહી છે. કહેવાય છે કે જીવાએ તો મરનારની લાશને ગઢના ભંડકમાં સગેવગે કરવામાં જ મદદ કરેલી. રૂપાના ખૂનનો સાચો ​ આરોપી તો જુદો જ છે. અને એ તો હજી પણ ગુંદાસરમાં છૂટો ફરે છે. પોલીસ વધારે બાતમી મેળવશે તો આ બનાવની ખૂટતી કડીઓ હાથ આવશે, અને આ કરપીણ ખૂનકેસનો સાચો ગુનેગાર પણ સહેલાઇથી હાથ આવી શકશે. અત્રે લોકલાગણી એવી છે કે આ કમકમાટીભર્યા ખૂનના ખટલામાં બધું ભીનું સકેલાવાનાં ચક્રો ગતિમાન થઈ રહ્યાં છે. સાચા ગુનેગારને મૂકીને ભળતા જ માણસોને હોળીનું નાળિયેર બનાવવા પ્રયત્નો થઈ રહ્યા છે. પણ સાંભળવા મુજબ, સરકારનું પોલીસતંત્ર આ બાબતમાં ઘણું જ સાવધાન છે. અને આ બનાવની ખૂટતી કડીઓ—’

‘એલા કોણ છે ઈ ખૂટતી કડિયુંવાળો ?’ કર્ણદોષથી થોડું-ઘણું સાંભળી ગયેલા રઘાએ થડા પરથી જ ત્રાડ નાખી, સાંભળીને હૉટેલમાં સોપો પડી ગયો; અખબારનું વાચન અટકી ગયું. પોતાની ત્રાડનો કશો ઉત્તર ન મળ્યો એટલે રઘાએ વધુ ઉગ્રતાથી પૂછ્યું :

‘કોણ મૂવો છે આ માંડણી પછવાડે ? કોણ છે ઈ ચોપાનિયું વાંચીને ચોવટ કરનારો ? કોણ છે ઈ મોટો ભણેશરીના પેટનો ?...’

પોતાને સામેથી કશો ઉત્તર ન મળ્યો એટલે રઘાનો મિજાજ ધીમે ધીમે ઓછો થઈ ગયો. છતાં થોડી થોડી વારે એ બબડતો તો ૨હ્યો જ.

‘મારા હાળાંવ ! ચોવટ કરવી હોય તો ચોરે જઈને બેહો ને ? તમારા બાપની આ હૉટલમાં શું કામે ગુડાવ છો ? ભોઈની પટલાઈ કરનારા...’

રઘાનો આ મિજાજ જોઈને સહુ ઘરાકો મૂંગામંતર થઈ ગયા, હવે તેઓ જીભ ચલાવવાને બદલે આંખો વડે જ એકબીજા જોડે મૂંગી ગુફતેગો કરી રહ્યાં. આ આંગિક અભિનય વડે ચાલતી ગોષ્ઠી પણ કાંઈ ઓછી રસિક કે ઓછી અસરકારક નહોતી.

કાઠી છાતીવાળો ને કરડો ગણાતો રઘો અટાણે કોણ જાણે કેમ પણ એક વિચિત્ર પ્રકારની અસ્વસ્થતા અનુભવી રહ્યો. પેલું અખબાર ​ વાંચનાર સુથાર તરફથી હવે એને ઉશ્કેરાટનું કશું જ કારણ નહોતું મળતું છતાં થોડી થોડી વારે એ બબડ્યા કરતો હતો :

‘મારા હાળાંવ ! પોતાના જ પગ હેઠે બળતું ભાળતાં નથી ને પારકી પંચાત કરવા નીકળ્યાં છે—’

‘નવરાં ચૌદશિયાને ગામની ચેષ્ઠારી કરવા સિવાય બીજો ધંધો જ નથી—’

તાજેતરની ઘટનાઓને પરિણામે રઘાનું નાક કપાયું હતું પણ હજી હોઠ સાજા હતા, તેથી ઉત્તર પણ ઝાઝા હતા, પણ એ ઝાઝા ઉત્તરો આપતી વેળા એના અંતરમાં તો પેલી ખૂટતી કડીના ઉલ્લેખે જબરું ઘમસાણ મચાવી મૂક્યું હતું.

આવા રંગભંગી માણસને છંછેડવામાં માલ નહિ, રીઝે તો રાજ આપે ને ખીજે તો ખતમ કરી નાખે એવા માણસને તો નવ ગજના જ નમસ્કાર, એવું એવું વિચારીને ઘરાકો હવે પેલી ધીમી, ગુસપુસ છોડીને મોટેથી આ મોસમે કેટલો ને કેવોક પાક ઊતરશે એની ચર્ચાએ ચડી ગયાં હતાં.

‘સમસેર ને સરખો વરસાદ પડ્યો છે, એટલે વરહ સોળને સાટે અઢાર આની ઊતરશે—’

‘આખી ઓઝતને કાંઠે આંખ ઠારે એવા માથોડું માથોડું મોલ જામ્યા છે.’

‘આગલું વરહ આઠ આની ઊતર્યું’તું, એટલે ઓણ સાલ સોળ આની પાક્યું. હવે વળી આવતું વરહ આગલા જેવું મોળું સમજવું.’

‘ભાઈ ! કુદરતમાં પણ માણહના જેવો જ સભાવ હોય. આપણાં એક જ માનાં જણ્યાં સહુ છોકરાં સરખાં નથી ઊતરતાં તો વરહે વરહે મોસમ તો એકસરખી ક્યાંથી ઊતરે ? બે સાલ સારી તો બે સાલ મોળી... હાલ્યા કરે ઈ તો—’

‘સવા કુંભારને હાથે બે હાંડલાં ય ક્યાં એકસરખાં ઊતરે છે તી વળી સારાંમોળાં વરહનો ધખધોખો કરીએ ? જંદગાનીની ​ ઘટમાળ પણ આમ જ હાલ્યા કરે... ઘડીક સુખ, ઘડીક દુઃખ, વળી પાછું સુખ—’

વળી એકાએક રઘાએ ઊભરો ઠાલવ્યો : ‘મારાં હાળાંવને અટાણે તો પારકી વાત મધ જેવી મીઠી લાગે છે. પણ દીકરા મારાવ, પગ હેઠાળે રેલો આવશે તંયે ખબર્યું પડશે—’

સાંભળીને વળી હૉટલમાં સોપો પડી ગયો. નટખટ છનિયો મૂછમાં હસતો ને આંખ મિચકારતો એઠાં પ્યાલાં વીછળી રહ્યો. એક−બે ઘરાકો તો કંટાળી મન−શું ગણગણ્યાં પણ ખરાં :

‘એલા હવે તને કોણ વતાવે છે તી એકલો એકલો બબડવા કરછ ?’

‘તારે ને શાદૂળિયાને વળી કિયું સગપણ ફાટી નીકળ્યું છે, તી આટલો વાલેશરી થઈ બેઠો છ ?’

‘આ તો ઊલળ્યો પાણો પગ ઉપર લઈ લીધા જેવું કર્યું – નઈં લેવા કે નઈં દેવા, ને ઠાલોમોફતનો વચમાં ઘોડો ખૂંદછ ?’

‘ગોળાને મોઢે ગળણું બંધાય, ગામને મોઢે નઈં. વાતું તો રાજા રામ જેવાની ય વાંહે થાય, તો તખુભા બાપુ વળી કોણ ?’

પણ આ સહુ ફરિયાદ કરનારાઓને કોણ સમજાવે કે રઘાના મોઢામાંથી થોડી થોડી વારે ઠલવાઈ રહેલા આ ઊભરાઓની પાછળ એના અંતરમાં તો એક મહાભયંકર ભૂતકાળનું આંધણ ઉકળી રહ્યું છે !

લોકસ્મૃતિ પણ કેટલી કાચી છે ! આજથી વીસેક વરસ પહેલાં અમથી સુથારણને લઈને રઘાએ ગુંદાસર ગામ છોડ્યું એ ઘટના પણ આજે કેટલાં ઓછાં ઘરડેરાંઓને યાદ હતી ! એ કિસ્સામાં રઘાએ અમથીને ફસાવેલી, કે અમથીએ રઘાને ભોળવેલ કે પછી કોઈક ત્રાહિતે જ આખો ત્રાગડો રચેલો, એ હકીકત તો આજ સુધી ગોપિત જ રહેવા પામેલી. માથે રાત લઈને નાસી છૂટેલાં આ ભાગેડુઓ સૌરાષ્ટ્રના એક નાનકડા બંદરે પહોંચેલાં ને ત્યાંથી ​ બનાવટી નામો ધારણ કરીને એક માલમના મછવામાં ચડી બેઠેલાં. લોક્વાયકા તો એવી હતી કે રઘો અને અમથી પોતાની જોડે મબલખ સોનું લઈને નાસેલાં. રઘા પાસે તો લોટ માગવાની તાંબડી સિવાય બીજી કશી માલમિલકત હતી નહિ, ને અમથીનો વર વેલજી સુથાર તો રતાંધળો હોવાથી વરસો થયાં કશું જ કમાતો નહિ. એમાં પડોસીઓ કહેતાં તેમ, ‘અમથીના ઘરમાં તો ટંકે ટંકના ફાંફાં હતાં !’ તો પછી એ ‘સૂંડલો એક સોનું’ સાથે બાંધ્યું ક્યાંથી ? આ પ્રશ્નના જ ખુલાસારૂપે એક અનુમાન કરવામાં આવતું કે બન્ને ભાગેડુઓને કોઈક મોટી આસામીની એાથ મળી ગયેલી. બલકે એ કોઈક ત્રાહિત માણસે જ એમને મબલખ મદદ કરીને ગુંદાસરની સીમ છોડાવેલી; એટલું જ નહિ, એ લોકો દેશનો કાંઠો પણ છોડી જાય છે એની પાકી ખાતરી કરવા પેલો મછવો આફ્રિકા જવા છૂટ્યો ત્યાં સુધી એમના પર ગુપ્ત નજર પણ રાખવામાં આવેલી... પછી તો સમયની રફતારમાં એ ‘વેલકા સુતારની અમથી’ વિસ્મૃત થઈ ગયેલી પણ રઘાના સ્મૃતિપટ પરથી એ વરવી ઘટના થોડી ભૂંસાઈ શકે એમ હતી ? ૨ઘો જાણતો હતો કે અત્યારે માંડણી પછવાડે બેસીને ચોપાનિયું વાંચી રહેલો જેરામ મિસ્ત્રી પેલા વેલજી સુથારનો દૂરદૂરનો છતાં ‘એકવી દિ’નું સૂતક લાગે એટલો નજીકનો કુટુમ્બી થતો હતો. એ જાણભેદુ કને અમથી–પ્રકરણની થોડીઘણી પણ જાણકારી હોવાનો સંભવ છે જ. અને તેથી જ આટલે વરસે, રહી રહીને એ જુના જોડાનો ડંખ રઘાને વેદના ઉપજાવી રહ્યો હતો ને !

‘મારાં હાળાંવ છોડિયાંવના ઉપાડા તો જુઓ, ઉપાડા !’ રઘાના અંતરવલોણાએ વળી પાછો આપમેળે જ ઊભરો ઠાલવ્યો : ‘વાંહલો ને વીધાણું મેલીને ચોપાનિયાં વાંચતાં થયાં છે !’

‘મારાજ ! જરાક મોઢું સંભાળીને બોલજો !’ માંડણી પછવાડેથી ચેતવણી ઉચ્ચારાઈ : ‘બવ બોલશો તો કોઈની સારાવાટ ​ નંઈ રિયે.’

‘કોણ છે ઈ મારી સામે અવાજ કરવાવાળીનો ?’ રઘાએ સામે પડકાર કર્યો.

સાંભળીને હડફ કરતોકને માંડણી પછવાડેથી એક પાતળિયો જુવાન થડા સમક્ષ આવીને ઊભો ને કરડી સિકલ કરીને બોલી ઊઠ્યો :

‘કયું નો મૂંગો બેઠો છું એટલે પોલું ભાળી ગયા લાગો છો ? છોડિયાં છોડિયાં કોને કીધા કરો છો ?’

'છોડિયાં પાડનારને, તને-બીજા વળી કોને ?'

‘મને ? જેરામે જરા ઢીલે અવાજે પૂછ્યું.

‘હા, હા, તને, તને ! તને શું , તારા બાપને ય કહું હું તો–’

‘કહું છું કે હજી બાપા સામા જાવ મા ! નકામી મારા મોઢાની મણમણની સાંભળવી પડશે—’

‘હવે જોયો મોટો સંભળાવવાવાળો ! મારાં હાળાંવ વાંહલા હલવનારાંયની ફાટ્ય તો જો વધી છે ફાટ્ય ? છોડિયાં કીધાં એમાં તો માખી છિંકાઈ ગઈ !’ રઘાએ એના તોરી સ્વભાવ પ્રમાણે ભરડવા માંડ્યું. ‘પૂછી આવ્ય તારા બાપને કે જિંદગી આખી છોડિયાં પાડી પાડીને જ મૂવો કે બીજું કાંઈ કરતો’તો ? ને તું મોટો ભણેસરી થઈને શું ગુંજામાં સારડીને સાટે ફૂટપટી નાખીને ફરશ એટલે શું સુતાર મટી ગયો ? અરે, એમ કોડિયું ઉતારીને કોટ પેર્યે કાંઈ મિસ્ત્રી ન થઈ જવાય, ગગા મારા !’

‘અમે મિસ્ત્રી થાઈએ કે ન થાઈએ એમાં તમારા કેટલા ટકા ગયા ? તમે ઠાલા શું કામે ને પારકી ચંત્યા કરીને દુબળા થાવ છો ?’

‘પણ તું શું કામે તે આંયાં કણે પારકી હૉટરમાં બેહીને ભોઈની પટલાઈ કરતો’તો ?’

‘હૉટરમાં કાંઈ મફત બેહાડો છો ? આ પાણી જેવી ચાનાં ફદિયાં ખણખણતાં ગણાવો છો ?’ ​ ‘નથી જોતાં મારે એવાં ફદિયાં !’

‘તો આંયાં ય કોણ નવરું છે તને ખટવવા ?’

‘તો હવે તું સુતારના પેટનો હો, તો ઉંબરો ચડીશ મા—’

‘એલી તાંબડી ! જીભ સંભાળજે !’

‘શું બોલ્યો ?’

‘તાંબડી – લોટ માગવાની તાંબડી.’ જેરામે કહ્યું. ‘તેં મને છોડિયું કીધો, તો હું હવે તને તાંબડી કહું—’

સાંભળીને હૉટેલના સહુ ઘરાકો ખડખડાટ હસ્યા. ૨ઘાના મગજની કમાન છટકી. પણ હવે એની પાસે કશા ઉગ્ર કે અપમાનજનક શબ્દો બાકી નહોતા રહ્યા તેથી આ જુવાનિયાને મુષ્ટિપ્રહાર કરવા એ થડા પરથી હેઠો ઊતરવા પ્રવૃત્ત થયો. પણ એ પાંચ મણની કાયાનું તખત પરથી પતન કરાવવું એ કાંઈ સહેલું કામ નહોતું તેથી તેણે હાક મારી :

‘છનિયા ! મને હેઠે ઉતાર્ય !’

હવે હૉટેલના ઘરાકોને પણ થયું કે મામલો હાથથી ગયો છે. રઘાએ હાથમાં સોપારી કાતરવાનો સૂડો લીધે ત્યારે તો પ્રેક્ષકોને લાગ્યું કે હવે તો ઝાટકા જ ઊડવાના. એમાંય, આંખ મિંચકારતા છનિયાએ ખભાનો ટેકો આપીને રઘાને નીચે ઉતાર્યો ત્યારે તો સહુને થયું કે આજે કાં તો ગોરદેવતાની ને કાં તો મિસ્ત્રીની ખેર નથી રહેવાની.

રઘો હજી સૂડાનું ધારદાર પાનું ઊઘાડે એ પહેલાં તે જેરામે એક ખેડૂતના હાથમાંથી કડીઆળી ડાંગ આંચકીને રઘા સામે ઉગામી પણ દીધી. બોલ્યો: ‘ઈ સૂડેથી તો સોપારી કાતર્ય, સોપારી ! આ કડીઆળી એક પડશે તો બીજી નૈં માગ્ય !’

‘હવે હાંઉં કરો, હાંઉં !’ કહીને બેચાર ડાહ્યા માણસો વચ્ચે પડ્યા. એક જણે રઘાના હાથમાંથી સૂડો ઝૂંટવી લીધો; બીજાએ ​ જેરામને લાકડીસોતી બથ ભરી લીધી અને હૉટેલના ઉંબરા બહાર ખેંચી ગયો.

‘ગામના ને ગામના જણ ઊઠીને બાધો છો શું કરવા ?’ વિષ્ટિકારો વીનવી રહ્યા. ‘કડિયાળિયું ઝીંકવી જ હોય તો ઓલ્યા ઉપર ગામવાળાં ડફેરુંની માથે ઝીંકોની ? રોજ ઊઠીને ભેળાણ કરી જાય છે તો યે ઈ ય પાંહર્યા થાય !’

‘ઈ વહવાયું ઊઠીને મને તાંબડી કહી જાય ?’ માનસિક ઉશ્કેરાટમાં હાંફી રહેલો રઘો હવે લાજ સાચવવા ફરિયાદ કરતો હતો.

‘પણ એમ તાંબડી કીધે તમે ક્યાં તાંબડી ફેરવવાના હતા ?’ લોકોએ રઘાને આશ્વાસન આપ્યું, ‘તમે તો સામા માણસને તાંબડી લેવરાવો એવા છો !’

‘એલા લોટમગા ! બવ ફોકિયાતી રે’વા દેજે, નીકર તારી ચોટલી મારા હાથમાં છે.’ હવે જેરામને પાનો ચડ્યો.

રઘાએ ફરી સૂડો ઉઘાડતાં પૂછ્યું : ‘શું બોલ્યો ? ફરી દાણ બોલ્ય જોયેં !’

હવે તો લાગ્યું કે મામલો હાથથી જ જશે. પણ સહુના આશ્ચર્ય વચ્ચે જેરામે સાવ ઠંડે કલેજે ને શબ્દેશબ્દ છૂટા પાડીને કહ્યું :

‘તારી ચોટલી–મારા–હાથમાં છે.’ અને અજબ સ્વસ્થતાથી એ તો રઘા પ્રત્યે તુચ્છકારભરી નજર નાખીને પીઠ ફેરવી ચાલતો થઈ ગયો.

સાંભળીને રઘો સમસમી રહ્યો. રોષથી હોઠ ધ્રુજી રહ્યા, પણ કશું બોલી શક્યો નહિ. પોતાની આંતરિક અસ્વસ્થતા ઓછી કરવા એણે નોકરને હુકમ ફરમાવ્યો :

‘છનિયા ! વાજાને ચાવી દે.’

હુકમ સાંભળીને ગ્રાહકોને તો ઠીક પણ ખુદ છનિયાનેય નવાઈ લાગી, હજી થોડી વાર પહેલાં જ વાજું વગાડવાની વિનંતી કરનાર ભૂધર મેરઈના વલભાને વડછકું ભરનાર ૨ઘો પોતે જ કેમ એકાએક ​ રેકર્ડ વગાડવા પ્રવૃત્ત થઈ ગયો એ કોઈને સમજાયું નહિ.

છનિયાએ વાજાની ચાવી ઘૂમળઘૂમળ ફેરવવા માંડી એટલે થોડી વારે રઘાએ એને વાર્યો.

‘હવે હાંઉ કર્ય, આ કાંઈ શેરડી પીલવાનો ચીચોડો નથી. કમાન તોડી નાખીશ તો રૂપિયા આઠની ઊઠશે !’

અને પછી કઈ રેકર્ડ વગાડવી એ અંગે પણ એણે છનિયાને જ સૂચના આપી :

‘ઓલી જાંબલી રંગવાળી મેલ્ય–’

‘રસીલાં પ્રેમીનાં હૈડાં મેલવી છે ?’

‘ના ના, રસીલાંની સગી. તેડું થયું વાળી વગાડ્ય–’

છનિયાએ રેકર્ડ ઉપર સાઉન્ડ બોક્સ મૂક્યું અને ઘસાઈ ગયેલી પિન વડે ઘોઘરો અવાજ ગાજી રહ્યો :

‘તેડું થયું કિરતારનું...
માન્યા વિના કેમ ચાલશે ?’

ઘડી વાર પહેલાની વઢવાડને સ્થાને હૉટેલમાં વૈરાગ્યનું વાતાવરણ જામી ગયું. રઘાની ગમગીન મનોદશા માટે આ ગીત બહુ અનુકૂળ હતું. રેકર્ડ વાગતી હતી પણ એના શબ્દો સાંભળતા નહોતા. ગીતની પરિચિત તરજ જ જાણે કે શાતા અર્પતી હતી. એના મનમાં તો અત્યારે પેલી ‘ખૂટતી કડી’ની જાણે કે ખરલ ઘુંટાઈ રહી હતી.

બનાવટી નામ ધારણ કરીને આફ્રિકાને કાંઠે ઊતર્યા પછી રઘાએ અને અમથીયે શા શા ગોરખધંધાઓ કરેલા, એ અંગે તો અસમારા, મોમ્બાસા, મસ્વા, ઝીંઝા વગેરે શહેરોમાંથી આવનારા કાઠિયાવાડી વેપારીઓ તો કાંઈ કિસમકિસમની વાતો કરતા. કહેવાતું કે રઘો તો અનેક વાર આફ્રિકામાં લાંબી લાંબી મુદતની જેલ ભોગવી આવેલો. પોતાના વતનમાંથી ભેદી કારણોસર વિદેશમાં જઈ વસનાર આ માણસને આખરે વિદેશમાંથી પણ તડીપાર થઈને ફરી પાછા ​ સ્વદેશ આવવું પડેલું. કહેવાતું કે રઘો તો આંતરરાષ્ટ્રીય દાણચોરી કરનારી ટોળકીમાં ભળી ગયેલો. મધદરિયે ચાંચિયાગિરી પણ કરતો. ગુંદાસરમાં એક રોમાંચક વાયકા તો એવી હતી કે વિદેશની વિવિધ સરકારોએ મળીને રઘાના માથા માટે લાખેક પૌંડનું ઈનામ પણ જાહેર કરેલું, એની આ બહુરંગી જીવનલીલા દરમિયાન અમથી સુથારણનું શું થયેલું એ અંગે તો કશું જ જાણવા મળેલું નહિ. રઘો ગુંદાસર પાછા ફર્યો એ અરસામાં કોઈ પૃચ્છકો આ બાબતની બહુ ઇંતેજારી દાખવતા ત્યારે રઘાને મોઢેથી માત્ર એટલું જ સાંભળવા મળતું કે અમથી તો આફિકાને કાંઠે ઊતરી કે તરત જ એને ત્યાંનાં જંગલોમાં થતો ઝેરી તાવ લાગુ પડેલો અને એમાં એ પિલાઈ પિલાઈને મરી ગયેલી. આ વિધાનમાં કોઈને શંકાને સ્થાન જ ન રહે એ ખાતર, ને ગામના કૂથલીખોર લોકોને કાયમ માટે મૂંગાં કરી દેવાના ઉદ્દેશથી રઘાએ મૃત પત્ની પાછળ ગુંદાસરમાં ‘ગોરણી’ પણ જમાડી દીધેલી.

‘તેડું થયું’ની એ તાવડી પૂરી વાગી રહી કે તુરત જ, આંખો ઢાળીને અંતર્મુખ બની બેઠેલા રઘાએ ઢળેલી આંખે જ છનિયાને હુકમ દીધો : ‘ફરીથી મેલ્ય !’

ફરી એનું એ જ ગીત સંભળાતું રહ્યું ને રઘો પોતાના અતીતના સંક્રમણે ચડી ગયો.

સારી વાર પછી એને કાને અવાજ અથડાયો : ‘રઘાભાઈ !’ અને એ વિચારતન્દ્રામાંથી ઝબકીને જાગ્યો. જોયું તો હૉટેલના ઉંબરા પાસે કમ્મરમાંથી લગભગ બેવડ વળી ગયેલો એક ડોસો ધ્રૂજતી લાકડીને ટેકે માંડ માંડ સમતોલ ઊભો હતો.

‘કોણ ! પંચાણબાપા ?’ રઘાએ પૂછ્યું.

આવનાર માણસ જીવા ખવાસનો બાપ હતો અને ઉંમરમાં એટલો વૃદ્ધ હતો કે રઘો પણ એને બાપા કહીને સંબોધી રહ્યો.

‘શું કામ પડ્યું ડોહા ?’ રઘાએ પૂછ્યું. ‘કાંકરી-બાંકરી ખૂટી ?’ ​પંચાણ ભાભાને અફીણનું વ્યસન હતું.

‘કાંકરી તો હમણાં જડી રિયે છે.’ ડોસાએ કહ્યું. ‘જીવલો જેલમાં ગ્યો તંયે ચાર તોલા મેલતો ગ્યો છે.’

અને આટલું બોલવાથી પણ અસાધારણ પરિશ્રમ પડ્યો હોય એમ ડોસો અંગેઅંગ ધ્રૂજી રહ્યો.

‘હવે ગઢપણના બાર્ય ન નીકળતા હો તો ?’ રઘાએ સલાહ આપી.

‘બાનો કીધો બાર્ય નીકળ્યો છું.’

બા એટલે તખુભા બાપુનાં થોરડીવાળાં ઠકરાણાં સમજુબા.

‘સમજુબાએ તમને મોકલ્યા છે ?’ રઘાએ પૂછ્યું.

‘હા.’

‘એવું તી શું કામ પડ્યું છ ?—’

‘તમે ક્યાં નથ્ય જાણતા ? પોલીસ આવી ગ્યા કેડે દિ’ ને રાત્ય રોયા જ કરે છે—’

‘સમજી ગ્યો, સમજી ગ્યો—’

‘મને કિયે કે રઘાભાઈને બરકી આવ્ય—’

‘હા...’

‘ટાણું જડે તંયે જરાક ડેલીએ આવી જાવ, તો—’

‘ભલે—’

આટલી મિતાક્ષરી વાતચીત કરીને રઘાએ ડોસાને વિદાય કરી દીધો, દરબારી માણસને આ ઉંબરે વધારે વાર ઊભો રાખવામાંય રઘો હવે પોતાની પ્રતિષ્ઠાનું જોખમ ગણતો હતો.

દરબારની ડેલીએથી આ તેડું આવ્યા પછી ક્યારનો વિચારતંદ્રામાં રહેલો રઘો વધારે વિચારમાં પડી ગયો, શું હશે ? શા માટે બોલાવ્યો હશે ? અટાણે કવેળાએ તે કેવુંક કામ પડ્યું હશે ?

સરકારી પોલીસ તરફથી સાણસા ભિડાયા પછી તો રઘો વધારે સાવધ થઈ ગયો હતો. દરબારની ડેલીએ આમ આડે દિવસે થતી અવરજવર એણે ઓછી કરી નાખી હતી. અત્યારે પણ ચાર ગામલોકોના ​ દેખતાં ડેલીએ જવાનું એને ગમતું નહોતું. રબારણના ખૂન કેસમાં હવે પોલીસનો પંજો પડ્યો છે, એના છાંટા રખે ને મને પણ ઊડે એવી એક વિચિત્ર દહેશત રઘાના મનમાં પેસી ગઈ હતી. તેથી જ તો, હૉટલ બંધ થયા પછી જ અને બજાર તથા શેરીઓમાં માણસોની અવરજવર ઓછી થઈ ગયા પછી જ એ જાણે કે ચોરપગલે ચાલતો હોય એવી સાવધાનીથી દરબારગઢ તરફ જવા નીકળ્યો.

*