લીલુડી ધરતી - ૨/ભવનો ફેરો ફળ્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભવનો ફેરો ફળ્યો

અજવાળી ત્રીજ તો ઊગ્યા ભેગી જ આથમી ગઈ હતી. જડેસરને વોંકળે પહોંચતાં તો કાજળકાળું અંધારું જામી ગયું હતું. પણ હવે જુસબને પેલા નાકાં વાળીને બેઠેલા બોકાનીબંધાઓની બીક નહોતી. રઘાના વ્યક્તિત્વનું એક નવું જ પાસું જોવા મળ્યા પછી આ ગરીબ ગાડીવાનને હૈયાધરપત મળી ગઈ હતી. હવે તો, એને હૈયે એક જ ઉચાટ હતો : ઝટપટ ઘેર પહોંચીને પોતાના નવજાત પુત્રનું મોઢું જોવાનો.

ચોગરદમ ચસોચસ ભરેલા અંધકાર વચ્ચે રઘાના હૈયાની આંખ ઊઘાડી હતી. અદાલતમાંથી જુબાની દરમિયાન ફૂટેલી અંતરસરવાણીએ એના હૃદયનાં સ્તરોને ઉપરતળે કરી નાખ્યાં હતાં. અંતર્મુખ બનીને વિચારતાં વિચારતાં એકાએક એણે ‘અંબાભવાની’માંના ધિંગાણાં વિષે કહ્યું :

‘ભાઈ ! ઈ ટાણે આ હથિયાર હાજર નો’તુ ઈ જ સારું થ્યું, જુસબ !’

‘કેમ ભલા ?’

‘હાજર હોત તો મારો હાથ કાબૂમાં ન રે’ત, ને ઠાલાં મફતનાં બે-ચાર ઢીમ ઢળી પડત—’

‘મર ની ઢળતાં ? ઈ જ લાગનાં હતાં ઈ રામભરોંસેવાળાં—’

‘ના ના, ઠાલું મારે માથે બે-ચાર નવી હત્યાનું પાતક ચડત–’

‘ઈ તો હાથે કરીને હત્યા કરાવવા જ આવ્યાં’તાં—’ ​‘ઈ મર આવ્યાં, પણ હું આ હથિયારને ન અડક્યો ઈ ઠીક જ થ્યું. કોઈને રજાકજા કરી બેઠો હોત તો ઈનો ભાર મારાથી. ન જિરવાત—’

‘ભાર ?’

‘હા, ઘણો ય ભેગો થ્યો છ.’ રઘાએ અંતરની વાત કહી દીધી. ’આ હાથે, ન કરવાનાં કામાં ઘણાં જ થઈ ગ્યાં છ. હવે એમાં વધારો કરીને વળી કિયે ભવ છૂટું ?’

‘બાપા ! પણ કોઈ સામેથી ઘા કરવા આવે તંયે હાથ ઉગામ્યા વિના હાલે ?’

‘હા, હાલે.’ કહીને રઘો ફરી એકાએક મૂંગો થઈ ગયો.

જુસ્બો વિચારમાં પડી ગયો. એના સામાન્ય ચિત્તમાં એક વ્યવહારુ પ્રશ્ન ઊઠ્યો જે એણે નિખાલસતાથી નિવેદિત કર્યો :

‘સમજો કે હવે અબઘડીએ આવશે ઈ મસીદાળી ધાર્યની નેળ્યમાં આપણો એકો ઊતરે, ને ઓલ્યાં રામભરોંહાવાળાંવ આપણો મારગ આંતરીને ઊભાં રિયે, ને તમ ઉપર નાળ્ય જંજાર્યું નોંધે તંયે તો તમે હાથ ઉપાડો કે નઈં ?’

‘ના, ન ઉપાડું.... હવે નો ઉપાડું....’

‘સામાવાળો તમને ઢાળી જાય ત્યાં લગણ તમે હાથ જ નો ઉપાડો ?’

‘હવે તો ન જ ઉપાડું....’

‘તો પછે આવું મોંઘું હથિયાર ભેગું લીધાનો ય લાભ શું ?’

‘ઈ તો, ગુંદેહરથી શાપર જાતી ફેરે કોઈ માઈનો પૂત સામો જડ્યો હોત ને, તો જોયા જેવી કરત... ઈ સાટું જ આ હથિયાર ભેળું બાંધ્યું’તુ.’ કહીને રઘાએ મોટેથી અફસોસ વ્યક્ત કર્યો : ‘પણ જુસ્બા ! મને તો ઈ વાતનો ઓરતો જ રૈ ગ્યો કે જાતી ફેરી જીવાનું કોઈ માણહ સામી છાતીએ આવ્યું જ નંઈ ! હવે આ વળતે ફેરે તો ઈ વાટ બાંધે તો ય શું, ને ન બાંધે તો ય શું ! હધું ય સરખું ​જ છે ને ?’

‘કેમ ભલા, આ દુદા ભગતની વાડી મેલ્યા કેડ્યે ડોકામરડી આવશે ઈયાંકણે કોઈ વાટ બાંધીને ઊભાં હશે તો ?’

‘જી ઊભાં હશે ઈને હું હેમખેમ જવા દઈશ.’

‘તમે તો જાવા દેશો, પણ ઈ તમને શેના હેમખેમ જાવા દેશે ?’

‘ભલેની ન જવા દિયે ? એની સામે હું મારી છાતી ધરીને કહીશ કે લ્યો ફૂંકી મારો મને !’

સાંભળીને જુસબ મૂંઝાઈ ગયો. બોલ્યો : ‘રઘાબાપા ! તમારી આ રીત તો કાંઈ સમજાય એવી નથી.’

‘લે સમજાવું. જાતે ફેરે કોઈ મને રોકવા ઊભું હોત તો એને જીવતો ન મેલત, કારણ જાણછ ? —’

‘ના.’

‘જાતી ફેરે હું મરત તો મારી જુબાની આપવાની રૈ જાત, ને ઓલી બચાડી સંતુ ગુનેગાર ગણાઈ જાત. પણ હવે તો હું જુબાની આપીને આવ્યો છઉં. મારે કરવાનું હતું ઈ કામ તો પાર પાડીને પાછો વળ્યો છઉં. હવે મને જીવવાનો બહુ ઓરતો રિયો નથી. સંતુએ કોઈ કરતાં કાળું કામ નથી કર્યું'; એને માથે ઓઢાડેલું ગોબરને માર્યાનું આળ સાવ ખોટું છે; એવી ખખડાવીને સાઈદી આપી આવ્યો છું, એનો મને સંતોષ છે. આજે મારું જીવતર લેખે લાગી ગ્યું—’

બોલતાં બોલતાં રઘો હર્ષાવેશ અનુભવી રહ્યો હતો. પણ હવે તો એકાએક હર્ષોન્માદમાં એ બૂમ પાડી રહ્યો :

‘જુસ્બા ! આજે તારા આ રેંકડાના ફેરા ભેગો મારો ભવનો ફેરો ય ફળ્યો !’

અબુધ ગાડીવાન વિસ્ફારિત આંખે આ ગોર મહારાજની ઉન્માદાવસ્થા નિહાળી રહ્યો. આ આવેશ અને ઉન્માદની પાછળ રહેલો ભાવેદ્રિક સમજવા જેટલી આ ઘાંચીની શક્તિ નહોતી. પણ ​જુસ્બો સમજે કે ન સમજે એની રઘાને બહુ પરવા પણ નહોતી. એ તો, પોતાના જ અંતરાત્મા જોડે એકાકાર થઈને કોઈક પરમ પરિતોષને વાચા આપી રહ્યો હતો :

‘જુસ્બા ! મારું જીવતર તો લેખે લાગી ગયું. પણ હવે મારગમાં મને કોઈ મારી નાખે તો મારું મરણું ય લેખે લાગી જાય...’

રઘાની એક એક ઉક્તિ જુસબ માટે વધારે ને વધારે વિસ્મયકા૨ક હતી.

‘સંતુ તો ધરતીમાતાની દીકરી સીતા સમોવડી... ઈને માથે ધણીની હત્યાનું હડહડતું આળ આવે ઈ મારાથી કેમ ખમાય ?... હા...શ ! આજે જુબાની આપીને મારો હૈયાભાર ઉતાર્યો, ભાઈ જુસબ ! શાદૂળિયો આપણી સંતુની ચેષ્ટારી કરતો, તંયે હું એને પાનો ચડાવતો’તો. ઈનો ડંખ હવે રહી રહીને મને કાળજેથી કોરી ખાતો’તો. આજે ઈ પાપનું પ્રાછત કરી આવીને હું હળવો ફૂલ થઈ ગયો છું... હવે ભલેની જીવલો મને ઝાટકે દિયે... હું ઉંકારો ય કરું તો કે’જે !...

નીરવ અંધકારમાં એક ખખડભડ અવાજ કરતો આગળ વધતો હતો, અને રઘાનું આત્મશોધન આગળ ચાલતું હતું. એકાએક એણે જુસબને પૂછ્યું :

‘ભાઈ જુસબ ! તને સતીમાની માનતા ફળી'તી ને ?’

‘હં...ક...ને, સતીમાનું સત્તર માન્યું, ને ઘેરે દીકરાની ખોટ પુરાણી—’

‘મને ય સતીમાએ દીકરાની ખોટ પૂરી છે.’ રઘાએ કહ્યું. સતીમાને પરતાપે મને ગિરજો જડ્યો...’

આવા અસંબદ્ધ વાર્તાલાપનો શો ઉદ્દેશ હશે એ જુસબ વિચારી રહ્યો હતો ત્યાં જ રઘાએ આગળ ચલાવ્યું :

‘સતીમા તો હાજરાહાજૂર છે, હો જુસબ ! મારા તારા જેવા એની માનતા માને, ને આપણાં મનની માંયલી મનેખા ફળે છે, એનું ​કારણ શું ?’

‘શું ?’ જુસબે સામું પૂછ્યું

‘એનું કારણ સતીમાનું સત, બીજું શું !’ કહીને રઘાએ ઉમેર્યું; ને ઓલી સંતુ છે ને, ઈ આ સતીમાનો અવતાર છે એમ સમજજે... અટાણે ભલે એનાં સતનાં પારખાં થતાં હોય પણ ઈ પારખાં કરનારાના હાથ અંતે હેઠા પડશે એટલું યાદ રાખજે—’

અત્યારે ભેંકાર ગણાતી ઈદ મસીદાળી નેળ્યમાં એકો ઊતરી રહ્યો હોવાથી જુસબના કાન સરવા બનીને આજુબાજુમાંથી ઊઠતા સંભવિત પડકારો ઝીલવા માટે મંડાયા હતા તેથી એ હોંકારો નહોતો ભણી શકતો, પણ પોતાનો હૈયાભાર હળવો કરી રહેલા રઘાને તો અત્યારે આવા હોંકારાની ય ક્યાં જરૂર હતી ? પોતાનું જ અંતર પ્રક્ષાલન કરી રહેલ એનો પ્રલાપ તો અવિરત ચાલુ હતો :

‘અસ્ત્રીનો અવતાર તો લીલુડી ધરતી જેવો છે... એની ઉપર શિયાળે બાળીને ભડથું કરી મેલે એવાં હિમ પડે, ચોમાસે બારે ય મેઘ ખાંગા થાય, ને કાળે ઉનાળે બાળી નાખતા તડકા તપે તંયે એના દીદાર જોનારની આંખમાં લોહી આવે; પણ અંતે તો ઈ જ ધરતી વળી પાછી લીલીછમ થઈને લહેરાઈ ઊઠે તંયે આપણી જ આંખ ઠરે...’

એકાની ખોડંગાતી ચાલ બદલી ગઈ અને એકાએક સમથળ જમીન પર સુંવાળી ચાલે ચાલવા લાગ્યો, ત્યારે જ રઘાને ખ્યાલ આવ્યો કે ખેતરાઉ ગાડાંમારગની ખડબચડી જમીન પૂરી થઈ ગઈ છે અને હવે એકાનાં પૈડાં તળે ઓઝતની ઝીણા મગ જેવી વેકૂર પિલાઈ રહી છે.

‘એલા તેં તો પાદરમાં પોગાડી દીધા ને શું ?’

‘કોઈ આડોડિયાએ આંતર્યા નઈં એટલે તો પોગી જ જાયીં ને બાપા !’ જુસબે છૂટકારાનો દમ ખેંચતાં કહ્યું. ​‘આડોડિયા હવે આ ભવમાં તો આંતરી રિયા !’ કહીને રઘાએ વળી એક સૂત્રોચ્ચાર કર્યો : ‘ભાઈ જુસબ ! સાચને જરા ય આંચ નથી આ દુનિયામાં.’

ઓઝતનો પટ પૂરો કરીને એકો ભૂતેશ્વરને આરે પહોંચ્યો ત્યારે ગામના પંચાતિયાઓ એની પ્રતીક્ષા કરતા બેઠા હતા. આટલું મોડું થયું હોવાથી એમને ખાતરી થઈ ચૂકી હતી કે મારગમાં રઘાનો ઘડોલાડવો થઈ જ ગયો હશે.

‘એલા જુસ્બા ! રઘાબાપાને ક્યાં મેલતો આવ્યો !’

જુસ્બો કશો જવાબ આપે એ પહેલાં તો રઘાએ જ એકાની અંદરથી ટહુકો કર્યો :

‘આ બેઠો, બાર વરહનો !’

પંચાતિયાઓ નિરાશ થઈને મનશું ગણગણ્યા : ‘મારો બેટો ! આ ભૂદેવ તો આપણને હંધાયને માર્યા પછી જ મરે એવો છે.’

‘ના ના. જીવોભાઈ એમ અથરો થઈને આડેધડ ઘા કરે એવો નથી. ઈ તો એના વેંતમાં જ હશે, ને દાવ આવ્યે જ સોગઠી મારશે. તમે જોજો તો ખરા, રઘાની કેવી રીગડી થાય છે ઈ ?’

આરો છોડીને એકો ગામઝાંપાની દિશામાં વળ્યો ત્યારે ૨ઘો ગણગણતો હતો કે :

‘મારા વાલીડાવ મારા મોતની વાટ જોઈને બેઠા છે – હું મરું તો સહુને મજો થઈ જાય. પણ દીકરાવ મારાવ ! આ રઘાનું મોત એમ રસ્તામાં રેઢું નથી પડ્યું...’ બોલતાં બોલતાં રઘો એકાએક બૂમ પાડી ઉઠ્યો : ‘એલા ઈ કોણ ગ્યું ?’

જુસબે ચમકીને દેરાણીજેઠાણીની વાવ તરફ નજર કરી.

‘ઈ કોણ ભાગ્યું ?’

‘આપણો સંચર સાંભળીને કોઈ બાઈ માણહ વે’તું થઈ ગ્યું.’ જુસબે કહ્યું. ​‘કોણ હશે ઈ !’

‘અંધારામાં મોઢું તો કળાયું નઈં—’

‘સંતુ તો નહિ હોય ને ?’

‘હોયે ય ખરી ! અટાણે ગામ આખામાં દખિયારી ઈ એકલી જ છે—’

‘રાતવરતનો કૂવો પૂરવા આવી હશે ?’ રઘાને શંકા ગઈ. ‘ને આપણા એકાનો ખખડાટ સાંભળીને ભાગી ગઈ હશે ?’

‘અલ્લા જાણે !’

‘એલા બળદને બડીકો માર્ય ને ઝટ દઈને આંબી લે. જોયીં તો ખબર્ય પડે, ઈ દખિયારી કોણ હતી—’

‘હવે નો અંબાય.’ જુસબે કહ્યું. ‘ઈ તો વાજોવાજ વે’તી થઈ ગઈ.’

‘પણ ઝાંપામાં તો ઈ ધીમી પડશે ને ?’

‘ના ના; ઈ તો ઝાંપેથી હાલવાને માટે હડમાનની દે’રી પછવાડેથી મેલડીમાનું થાનક ઠેકીને ગામમાં ગરી ગઈ—’

‘તો તો સાચે જ કો’ક દખિયારી હશે. આપણો એકો ભાળીને ભડકી ગઈ—’

‘એક જીવની હત્યા થાતી રૈ ગઈ—’ જુસબે કહ્યું.

‘કોને ખબર્ય !’ ‘અંબાભવાની’ના આંગણામાં એકામાંથી ઊતરતાં રઘાએ મણ એકનો નિસાસો નાખ્યો અને પછી જુસબાને કહ્યું :

‘હવે તો તારા પેટમાં ફૈડકો હેઠો બેઠો ને ?... જા હવે નિરાંતે ઊંઘજે... જરા ય ઉચાટ વિના ઊંઘજે—’

જીવા ખવાસની જફામાંથી હેમખેમ ઊગરી ગયેલો જુસબ તો એ રાતે નિરાંતે ઊંઘ્યો. રઘો પોતે પણ લાંબી મજલનો થાક્યોપાક્યો ઘસઘસાટ ઊંઘી ગયો. પોતે જિંદગીનું એક કરવા જેવું કામ કરી આવ્યો હોવાના સંતોષથી વધારે નિરાંતે ઊંઘ્યો. આખું ગામ નિરાંતે નસકોરાં બોલાવતું હતું ત્યારે ત્રણ વ્યકિતઓની ​ આંખમાં ઊંઘ નહોતી : એક તો મેણાંની મારી કૂવો પૂરવા ગયેલી, પણ જુસ્બાના એકાનો અવાજ સાંભળીને પાછી ફરેલી સંતુને હવે જંપ નહોતો વળતો; એ જ વેળા, ખીજડિયાળી વાડીએ જીવો ખવાસ અને નથુ સોની એમનાં ભેદી યંત્રો ચલાવતા જાગતા બેઠા હતા.

રઘાની જોશીલી જુબાની પડ્યા પછી સંતુના શિર પરથી પતિહત્યાનું આળ તો ઊતરી જશે એમ લાગતાં જ જીવો વધારે અસ્વસ્થ થયો હતો. પણ જીવા કરતાં ય વધારે અસ્વસ્થતા તો આજે નથુ સોનીને હૈયે હતી. શ્રાવણી સોમવારની રાતે સંતુની મા હરખે ઊભી શેરીએ જાહેરમાં જડીની બદગોઈ કર્યા પછી અજવાળીકાકીએ યેનેકેન પ્રકારેણ સંતુને સતાવવાનો નિરધાર કર્યો હતો અને એ માટે એણે પતિને ઉશ્કેર્યો હતો. પરિણામે, નથુ સોનીને હવે સંતુના પ્રકરણમાં એક પોતીકો રસ જાગૃત થયો હતો. પતિહત્યાના આળમાંથી ઊગરી જનારી સંતુ ઉપર હજી એથી ય વધારે નાનમભર્યું આળ બાકી રહે છે એનું શું ?’

નથુ સોનીએ આ મુદ્દાનો લાભ લેવાનું જીવાને સૂચવ્યું.

‘મુખીને કાને વાત નાખીએ. ગામમાં આવા નઘરોળ પાપ કેમ કરીને નભાવાય ?... ચોરે આખી નાતને બરકો ને આ વાતનો નિયા કરાવો.’

મુખી ભવાનદા ભોળાભટાક માણસ છે એ જીવો જાણતો હતો. નાતપટેલનો સ્વભાવ થોડો ચડાઉ ધનેડા જેવો પણ હતો, એટલે મુખીને જ મોખરે કરીને સંતુની વાત વાવલી શકાશે, એમ સમજાતાં જીવાએ બીડું ઝડપી લીધું.

‘સવાર પડતાં જ સમજુબાને કાને વાત નાખું... ઠકરાણાં પંડ્ય જ મુખીને હુકમ કરે કે નાતનું પંચ બેસાડો ને આ પાપનો નિયા કરાવો—’

*