લોકમાન્ય વાર્તાઓ/સીન નદીને કાંઠે
આ બનાવને તો આજે વીસ વીસ વર્ષ વીતી ગયાં છે, છતાં હજી પણ જ્યારે જ્યારે એની યાદ તાજી થાય છે ત્યારે ત્યારે આંખમાંથી હર્ષ અને શોકની ગંગાજમની વહેવા માંડે છે. એ વેળા હું વિદ્યાર્થી હતો. પૅરિસની તબીબી કૉલેજમાં ભણતો. સોર્બોં યુનિવર્સિટીની બાજુમાં જ રહેતો. દિવસ આખો ઇસ્પિતાલમાં મુડદાં ને દેડકાં ચીરવામાં પસાર થઈ જતો. જેનાંતેનાં પોસ્ટમૉર્ટમની મરણોત્તર ક્રિયાઓ કરીકરીને સાંજને સમયે એવો તો કંટાળો આવતો કે હોસ્ટેલ પર જઈને કશું વાંચવાને બદલે લેટિન કવાર્ટરમાં લટાર મારવા નીકળી પડતો. કોઈ કોઈ વાર લક્ઝમ્બોર્ગ ગાર્ડનમાં જઈ બેસતો અને ત્યાં રમવા આવેલાં ભૂલકાંઓ તથા એમની ભાડૂતી આયાઓના કૃત્રિમ સ્નેહસંબંધો નિહાળીને મનમાં રમૂજ અનુભવતો. પણ આવી રમજૂનો પણ જ્યારે કંટાળો આવતો ત્યારે વિક્ટર હ્યુગો અને મોપાસાંની આરસપ્રતિમાઓ તરફ તાકી રહેતો. કોણ જાણે કેમ, પણ જીવતા માણસો કરતાં આવાં નિર્જીવ પૂતળાંઓ પ્રત્યે મને વધારે દિલ્લગી હતી. અભ્યાસાર્થે રોજેરોજ સંખ્યાબંધ મૃતદેહો પર શસ્ત્રક્રિયા કરીકરીને મારું માનસ એવું તો જડ બની ગયું હતું કે જીવતાજાગતા માણસોમાં પણ મને મુડદાં જ દેખાતાં. કોઈ નમણા કિશોરને જોઉં, કે ખૂબસૂરત યુવતીને નિહાળું તો પણ મને તો એમાં માંસમજ્જા ને ત્વચાના આવરણ તળે ઢંકાયેલું બિહામણું હાડપિંજર જ નજરે ચડતું. જીવનની એ તરુણાવસ્થામાં આવાં અળખામણાં ને ભયાનક દૃશ્યો જીરવવાનું મારે માટે મુશ્કેલ હતું. હાલતાં ચાલતાં હાડપિંજરોનાં દર્શન ટાળવા માટે હું ઘણીય વાર નિર્જન સ્થળોએ જ ફરવા જતો. એ માટે આ અલબેલી નગરીના ગીચ રાજમાર્ગો છોડીને માણસોની ઓછી અવરજવરવાળા સીનને કાંઠે કાંઠે ફરવામાં મને બહુ મઝા આવતી… નાતાલના દિવસો હતા. કૉલેજો અને યુનિવર્સિટીઓમાં રજા હતી. રૂ દ એકોલનો આખો લત્તો જાણે કે ઉજ્જડ થઈ ગયો હતો. ઘણાખરા વિદ્યાર્થીઓ માબાપ જોડે કુટુંબમેળો યોજવા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા હતા. વિદેશોમાંથી અહીં ભણવા આવેલા કેટલાક તાલેવર વિદ્યાર્થીઓ વળી કૅન જેવાં રમણીય સ્થળોએ કે રિવિયેરાને સાગરતટે પહોંચી ગયા હતા. સહાધ્યાયીઓની ગેરહાજરીને કારણે મારી એકલતા જાણે કે દ્વિગુણિત બની ગઈ હતી. અલબત્ત, પૅરિસની નાતાલ નિહાળવા માટે અને નોત્રદામના ‘માસ’(પ્રાર્થના)માં હાજર રહેવા માટે દેશવિદેશમાંથી તવંગર ટુરિસ્ટ લોકો સેંકડોની સંખ્યામાં અહીં ઊતરી પડ્યા હતા – એ લોકોનાં ટોળેટોળાં ખભા પર કેમેરા ને હાથમાં દૂરબીનો ઝુલાવતાં ચૌટેચકલે ઘૂમતાં હતાં – પણ એ અપરિચિત ચહેરાઓનું મારે મન કશું જ મૂલ્ય નહોતું. મારી નજરે તો એ પણ હાલતાં-ચાલતાં હાડપિંજરોથી કશું વધારે મહત્ત્વ ધરાવતાં નહોતાં. આ દિવસોમાં હું જરા વિચિત્ર મનોદશામાંથી પસાર થઈ રહ્યો હતો. આમ આડે દિવસે તો સવારથી સાંજ સુધી શબાલયમાં નિશ્ચેષ્ટ શરીરોની વાઢકાપ કરીકરીને ભયંકર કંટાળો અનુભવતો હતો. અને હવે જ્યારે કૉલેજમાં રજા હતી અને મૉર્ગરૂમની પેલી કંટાળાજનક કામગીરી બંધ હતી, ત્યારે એ મુડદાંઓની ગેરહાજરીને પરિણામે વિશેષ કંટાળો આવતો હતો. ઇસ્પિતાલમાં જેનાંતેનાં પોસ્ટમૉર્ટમ કરવાની યાંત્રિક આદતનો હું એવો તો ગુલામ બની ગયેલો કે હવે એ કામગીરી બંધ પડતાં દિલમાં તેમ જ દિમાગમાં એક પ્રકારની શૂન્યતા લાગતી હતી. આવી શૂન્યમનસ્ક દશામાં હું શાંઝ-એલિઝીના ફૂટપાથ પર ફરતો હતો. ડિસેમ્બરની આખર તારીખ હતી. પૅરિસના આ રળિયામણા રાજમાર્ગનાં રંગ, રાગ ને રોશની તો આડે દિવસેય ઉજમાળાં હોય છે, તો નાતાલના દિવસોમાં તો એની વાત જ શી? આ આખાયે વિસ્તારે આજે વરણાગિયા વાઘા પહેર્યા હોય એવું લાગતું હતું. રસ્તાની બંને બાજુએ ઉત્સવપ્રિય લોકોનાં ટોળેટોળાં ફરતાં હતાં. એમનાં વેશપરિધાન પણ આજે વરણાગિયાં હતાં. શિયાળાની અતિશય ઠંડીને લીધે આજે રાતે બરફ પડશે એવી આગાહી હતી. છતાં વાતાવરણમાં એક પ્રકારનો ઉષ્માભર્યો ઉમંગ અને ઉછરંગ વરતાતો હતો. આવા મબલખ મનખા વચ્ચેથી પસાર થવા છતાં હું એકલતા અનુભવી રહ્યો હતો. મારી આજુબાજુથી પસાર થનાર અસંખ્ય બે-પગાંઓ શું માણસો નહોતાં? એ રાહદારીઓ મનુષ્ય હતાં, છતાં નહોતાં – મારી નજરે નહોતાં. તો પછી મારી દૃષ્ટિમાં કશો દોષ હતો? એમ જ હશે કદાચ. મારી આંખની કીકીમાં જ કોઈક કાતિલ લેન્સેટ છુપાઈ રહ્યો હતો, જે સામે મળનાર એકેએક માણસનું નિર્દયપણે ડિસેકશન કરી નાખતો હતો અને નજર સામે કેવળ છૂટાછવાયા અવયવો અને વેરવિખેર અંગોપાંગો જ રજૂ કરતો હતો. હોજરીઓ અને પાંસળીઓ; નાનું આંતરડું ને મોટું આંતરડું; નાનું મગજ ને મોટું મગજ; અન્નનળી ને અંડકોશ. બસ. તમે પૂછશો કે હૃદયનું શું? કહેવા દો, કે કવિલોકો જેના ગુણગાન કરતાં થાકતા જ નથી એ હૃદય તો અમારે મન રક્તાભિસરણ માટેના પમ્પિંગ મશીનથી કશું જ વિશેષ નથી. તેથીસ્તો આવાં વરવાં દૃશ્યોને બદલે – જીવતાંજાગતાં માણસોને બદલે – મને પેલો જડ સાન્તા કલૉઝ વધારે સોહામણો લાગતો હતો. એનો બિચારાનો ઉપયોગ તો માલના વેચાણને ઉત્તેજવા માટે જ થતો હતો. કાપડથી માંડીને કેક-બિસ્કિટ સુધીની વસ્તુઓની જાહેરાતમાં સાન્તા કલૉઝનાં પૂર્ણ કદનાં પૂતળાં ઉભાડવામાં આવ્યાં હતાં. એ ગાભા ભરેલાં પૂતળાં પણ મને ગમતાં હતાં. છોને એની એનેટોમી (શરીરરચના) ખોટી હોય! જે જડ દુનિયામાં હું અભ્યાસ કરતો હતો એની સૃષ્ટિ સાથે આ પૂતળાં બહુ સુસંગત લાગતાં હતાં. એ ડોસલાના દીદાર મને એવા તો દિલચસ્પ લાગી ગયા કે દસબાર ડગલાં ચાલીને હું એકાદ પૂતળા સમક્ષ ખાસ્સી વાર સુધી થોભવા લાગ્યો. એ ગમી જવાનું કારણ કદાચ એ પણ હોય કે રૂનાં પોલ ભરેલાં આ પૂતળાંમાં હૃદય નહોતું. મારી કીકીમાં છુપાયેલાં પેલાં તીક્ષ્ણ શસ્ત્રો આ પૂતળાંનું અંગછેદન કરી શકે એમ જ નહોતાં. એ બનાવટી માનવ મારી નજર સામે સલામત હતો. હું જાણતો હતો કે એ નખશિખ કૃત્રિમ છે, રમકડાના ઢીંગલા વડે રીઝતાં બાળકોને રીઝવવા ખાતર પંરપરિત લોકવાયકામાંના આ ડોસાને અહીં એક મોટા ઢીંગલા રૂપે જ રજૂ કરવામાં આવ્યો છે, બાળકોને છેતરવાનો જ એ કીમિયો છે, પણ મને એ છલના ગમતી હતી. જીવતા માણસનો એ અધ્યાસ મને મોહક લાગતો હતો. તેથીસ્તો એ પૂતળાના લાલરંગી પોશાક, ધોળી પૂણી જેવી દાઢી અને મૂછ, હસતા ચહેરા પર ટમેટાની જેમ ઊપસેલા ગાલ તથા કૃત્રિમ છતાં મધૂરું હાસ્ય વેરતા એ ઓષ્ટદ્વયની વચ્ચેની ચમકતી શ્વેત દંતપંક્તિ તરફ હું ટગર ટગર તાકી રહેતો હતો. ‘લિડો’નું પ્રાંગણ વટાવીને આર્ક દ ત્રાયોમ્ફ તરફ આગળ વધતાં વચ્ચે વળી એક સ્થળે આવા સાન્તા કલૉઝ સમક્ષ હું ખોડંગાઈને ઊભો રહી ગયો. આગળ જોયેલાં બધાં જ પૂતળાં કરતાં આ પૂતળું વધારે સુંદર લાગતું હતું. એના શરીરમાં કેટલીક યાંત્રિક કરામતો હોવાથી એ રોબોટની જેમ યંત્રવત્ હાથ ચલાવતો હતો. હાથમાંના ઘંટમાંથી ઘંટનાદ સંભળાવતો હતો અને એના ઓઠના હલનચલન જોડે પછવાડે મૂકેલી રેકોર્ડમાંથી ‘મેરી ક્રિસમસ’ અને ‘હેપી ન્યૂ યર’ની ઉક્તિઓ સંભળાતી હતી. એની આંખમાં મૂકેલા બે પ્રકાશિત વીજળી-ગોળા મને બહુ ગમી ગયાં. કદાચ આટલી બધી કૃત્રિમતાને કારણે જ એ વધારે સોહામણો લાગતો હશે. હું તો એની આંખમાં ચમકતી બત્તીઓ તરફ અનિમિષ તાકી જ રહ્યો. સારી વાર પછી જ મને ખબર પડી કે એ આંખમાંની બત્તીઓ તરફ બીજી પણ બે આંખો તાકી રહી છે. મેં એ તરફ જોયું તો એક તરુણી વિસ્ફારિત આંખે પેલી બત્તીઓમાં જાણે કે નજર પરોવી રહી હતી. મારા આશ્ચર્યની અવધિ આવી રહી. આ તરુણીને પણ સાન્તા કલૉઝની કૃત્રિમતા જચી ગઈ કે શું! બીજી જ ક્ષણે મને વિચાર આવ્યો: અરે, વીજળીના આ ટચૂકડા બલ્બમાં તે વળી શું જોવાનું છે!…પણ તુરત સમજાયું: ના, ના, એ માત્ર બત્તી નથી, આંખો છે, આંખો. નહીંતર એ નિર્જીવ આંખો પર ચાર ચાર સજીવ આંખો શાની ચોંટી રહે? અમે બંને જાણે કે સમયનું ભાન ભૂલી ગયાં. એકાએક મને થયું કે હું શાના ભણી તાકી રહ્યો છું? દીવા ઝબકાવતી કાચની આંખો તરફ? કે ઝબૂકિયાં વિનાની શાંત તેજે સુહાતી બે સાચી આંખો તરફ? સમજાયું. પેલી બે સાચી આંખો કાચની કીકીઓમાં પ્રતિબિંબિત થાય છે અને એ રીતે અમારી ચારેય આંખોનું પેલી બત્તીની આરસીમાં તારામૈત્રક રચાય છે! એકીસાથે અને એક જ ક્ષણે અમે બંનેએ સામસામું જોયું. અને એકી સાથે જ બંનેના મોઢામાંથી સંબોધન ઉચ્ચારાઈ ગયું: ‘હલ્લો!…હલ્લો!…’ એ યુવતી ભાગ્યે જ સોળસત્તર વર્ષની હશે. એનામાં અસાધારણ કહી શકાય એવું કશું જ નહોતું. પ્રચલિત અર્થમાં જેને સુંદરતા કહેવાય એવું સૌંદર્ય પણ એનામાં નહોતું. એની મુખમુદ્રા સ્પૅનિશ લાગતી હતી, છતાં સ્પેનની ગ્રામકન્યાઓ જેવી એ રૂપાળી નહોતી. એનો બાંધો એકવડો હોવા છતાં બહુ સુડોળ નહોતો. વાર્તા-નવલકથાની નાયિકાઓમાં લેખકો જે સૌંદર્યારોપણ કરે છે એમાંનું કશું જ આ યુવતીમાં દેખાતું નહોતું. અને છતાં મને એમાં કશુંક દેખાયું. શું દેખાયું એ તો આજે વીસ વીસ વર્ષ પછી પણ મને પૂરું સમજાતું નથી. સંભવ છે કે એને મળ્યા પહેલાં બધા જ મનુષ્યોને હું તબીબી નજરે જ અવલોકતો હતો, એને બદલે માત્ર ‘માનવ’ નજરે જ મેં એને નિહાળી હશે. અને તેથી જ એને જોઈને મારી આંખમાંનાં પેલા વાઢકાપના અદૃષ્ટ શસ્ત્રો આપમેળે જ મ્યાન થઈ ગયાં હશે. એનાં આંતરડાં અને ફેફસાં નિહાળવાને બદલે મેં એને કોઈક અમૂર્ત રૂપે જ અવલોકી હશે. એના દેહમાં પેલું મને સતત પજવી રહેલું મુડદું દેખાવાને બદલે કોઈક અજરામર, અમૂર્ત અને તેથી જ અતિપવિત્ર દેહમંદિરનાં દર્શન થયાં હશે, નહિતર ક્ષણેકના જ પરિચયમાં અને ‘હલ્લો!’ જેવા ટૂંકા સંબોધનમાં જ હું એની જોડે ચાલી નીકળત ખરો કે? અમે ચાલી નીકળ્યાં – મંદ ગતિએ, મૂગાં મૂગાં, મંજિલ વિના. રસ્તા ઉપર બરફના થર ઉપર થર જામતા જતા હતા. અમે ટૉપ કોટ ઉપર ગળાની આસપાસ મફલરના ચારપાંચ આંટા મારેલા, હાથના આંગળાં પર મોજાં ચડાવતાં, છતાં કાતિલ ઠંડી સામે એ કશું જ રક્ષણ આપતાં નહોતાં. હજી પણ ઉષ્ણતામાન ઘટશે એવી આગાહી હોવાથી, સૂસવતા વાયરાથી બચવા માટે અમે ‘મેત્રો’ના ભૂગર્ભમાર્ગમાં ઊતરી ગયાં. સેંટ માઇકલ સ્ટેશન પર ભૂગર્ભ રેલવેમાંથી બહાર નીકળ્યાં ત્યારે દૂર દૂર આછા ઉજાશમાં નોત્ર દામના દેવળનાં શિખરો ધૂંધળાં દેખાતાં હતાં. સીનને કાંઠેથી પસાર થતી વેળા નદીનો શાંત ગંભીર પ્રવાહ એક પ્રકારનો સૌમ્ય રોમાંચ પ્રેરી રહ્યો. અનાયાસે જ અમારાં ડગ એક બ્રાશરી તરફ વળ્યાં. આવી ઠંડીમાં પણ મારું ગળું સુકાતું હોવાથી કાઉન્ટર પર જઈને બે ‘બોર્દો’નો ઑર્ડર આપ્યો. બ્રાશરીમાં અત્યારે કેનકેન નૃત્ય ચાલી રહ્યું હતું. ‘મૂલાં રૂઝ’ની ક્લબમાંથી ઉદ્ભવેલ આ નૃત્યપ્રકારના લય ઉપર સેંકડો યુગલો અત્યારે નાચી રહ્યાં હતાં. હું જોઈ શક્યો કે કેનકેનની તરજ ઉપર આ તરુણી ડોલી રહી હતી. ‘આપણે નાચીશું?’ એવો પ્રશ્ન એની આંખમાં વંચાતો હતો. પીણાં અધૂરાં મૂકીને જ અમે ઊભાં થયાં. ઊભાં થતાં એ જરા અકળામણ અનુભવી રહી. એના હાથમાં એક નાનકડું પડીકું હતું. પૂંઠાંના બોકસમાં બાંધેલા એ પડીકા ઉપર લાલ રંગની ફીત વીંટી હતી. નાતાલની ભેટ માટે એણે ખરીદ કર્યું હશે. પોતાના હાથ છૂટા કરવા માટે આ વસ્તુ ક્યાં મૂકવી એની એ વિમાસણમાં હતી; મેં એની મૂંઝવણનો ઉકેલ લાવી દીધો. મારા ઓવરકોટનાં ગજવાં બહુ મોટાં હતાં, તેથી એ બંડલ લઇને મેં મારા ખિસ્સામાં સેરવી દીધું અને અમે નૃત્યમાં જોડાઈ ગયાં. કેટલો સમય વીતી ગયો એનો અમને ખ્યાલ નહોતો. પણ નૃત્યખંડમાં એકાએક શુભેચ્છાઓ અને અભિનંદનોના અવાજો ઊઠ્યા ત્યારે જ અમે થંભ્યા. અને ત્યારે જ ખ્યાલ આવ્યો કે ઘડિયાળમાં બંને કાંટાઓ બાર ઉપર ભેગા થઈ ગયા છે – ચાલુ વર્ષ પૂરું થઈ ગયું છે અને નૂતન વર્ષનો આરંભ થઈ રહ્યો છે. નૃત્યખંડમાં હર્ષોલ્લાસનું ઘમસાણ મચી ગયું. એકેએક વ્યક્તિએ ‘સુખદ નૂતન વર્ષ’ની શુભેચ્છાઓ વ્યક્ત કરવા માંડી. ‘અરે! બાર વાગી પણ ગયા!’ યુવતીએ કહ્યું, ‘હું મોડી થઈશ…મા ચિંતા કરશે…’ મોડા થયાની ગભરામણમાં એ હાંફળીફાંફળી સ્થિતિમાં જ બહાર જવા નીકળી. એક અપરિચિત યુવતીના સંજોગો જાણ્યા વિના જ એને અત્યાર સુધી રોકી રાખવા બદલ મને પણ એટલો તો ક્ષોભ થયો કે હું એને વિધિસરની ક્ષમાયાચના પૂરતી પણ રોકી ન શક્યો. મેં નૂતન વર્ષની શુભેચ્છાઓ સાથે છેલ્લું હસ્તધૂનન કરીને એને વિદાય આપી. અને ઓવરકોટના ગજવામાં હાથ નાખતાં પેલું બંડલ હાથ આવ્યું! તુરત હું બ્રાશરીની બહાર ધસી ગયો. રસ્તાની બંને દિશાએ દૂર દૂર સુધી હું દોડ્યો. પણ એ પોતે જેમ માને મળવા જવામાં મોડી પડી હતી, તેમ એને મળવામાં હું પણ મોડો જ પડ્યો હતો. સંભવ છે કે મારે એકાદ ડગલા જેટલો જ ફેર પડ્યો હોય અને એ ટેકસીમાં બેસી ગઈ હોય, અથવા તો ‘મેત્રો’માં ઊતરી ગઈ હોય. સીનના નિર્જન કાંઠા ઉપર હું ક્યાંય સુધી રાહ જોતો ઊભો રહ્યો. હમણાં એને આ બંડલ યાદ આવશે અને એ લેવા પાછી આવી પહોંચશે, એવી પ્રતીક્ષા કરતો હું ઊભો રહ્યો. સવાર સુધી ઊભો રહ્યો, પણ સીનનાં વહી ગયેલાં નીરની જેમ એ પાછી આવી જ નહીં. આખરે મેં પેલું બંડલ ખોલી જોયું તો એમાંથી બે નાનકડાં રમકડાં નીકળી પડ્યાં. અરે રે! બિચારીએ પોતાનાં નાનાં ભાઈભાંડુઓ માટે આ રમકડાંની ભેટ ખરીદી હશે. કદાચ એ કોઈ બ્રાશરીમાં કે રેસ્ટોરાંમાં વેઇટ્રેસ તરીકે કામ કરતી હશે અને આજે જ પગાર મળ્યો હશે એમાંથી આ ભેટસોગાદ ખરીદી હશે. કેટલા ઉમળકાથી એ આ મામૂલી વસ્તુઓ પણ ઘેરે લઈ જવા માગતી હશે! હવે એ પોતાનાં ભાંડુઓને શી રીતે ફોસલાવશે? પોતાની માતાને શો જવાબ આપશે? અરે! હું પણ કેવો મૂરખ કે એનું નામઠામ જાણવાની પણ ખેવના ન કરી! ઘણે સમયે મને જે માનવમૂર્તિનાં દર્શન થયાં એ આમ હાથતાળી આપીને જ ચાલી ગઈ! કદાચ એને આ જ બ્રાશરીમાં આવવાનું સૂઝે એવા ખ્યાલથી પેલું બંડલ મેં બ્રાશરીના માલિકને આપી રાખ્યું. એણે એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ સુધી રાહ જોઈ પણ એ રમકડાં લેવા કોઈ આવ્યું જ નહીં. અરે રે, આ તે કેવું શાપિત મિલન કે સુખને બદલે દુ:ખ સરજી ગયું! કદાચ કોઈક ભોજનાલયમાં એનો ભેટો થઈ જાય એવી આશાએ શહેરના મુખ્ય મુખ્ય બધાં જ રેસ્ટોરાંમાં હું આ રમકડાં લઈને ઘૂમી વળ્યો, પણ વ્યર્થ. સીનને કાંઠે જે સ્થળેથી અમે જુદાં પડ્યાં હતાં, ત્યાં પણ દિવસો સુધી બેસીને મેં એની પ્રતીક્ષા કરી જોઈ, પણ એય વ્યર્થ. અને છતાં તમે માનશો, આ મિલન અને આ પ્રતીક્ષા છેક વ્યર્થ નથી ગયાં. એ મિલનને પરિણામે હું મુડદાંમાં માણસનાં દર્શન કરતાં શીખ્યો. મારી આંખમાં લપાઈને બેઠેલો પેલો લેન્સેટ દૂર થઈ ગયો અને એને સ્થાને એક પ્રેમતત્ત્વ વિલસી રહ્યું. તબીબી સર્જન તરીકેની મારી બે દાયકાની પ્રૅક્ટિસ દરમિયાન મેં જ્યારે જ્યારે વાઢકાપ માટે હાથમાં શસ્ત્ર લીધું છે, ત્યારે ત્યારે મને એની એની યાદ તાજી થઈ છે. અને આજે વીસ વર્ષ પછી પણ મેં એની પ્રતીક્ષા છેક જ છોડી દીધી છે એમ કહી ન શકું. આજે મારા ક્લિનિકમાં મેજ ઉપર કેસ-હિસ્ટરીનાં કાગળિયાં દબાવી રાખવા માટે પેલાં રમકડાંનો ‘પેપરવેઇટ’ તરીકે ઉપયોગ કરું છું. કદાચને એ પ્રૌઢ માતા તરીકે અથવા વયોવૃદ્ધ દાદીમા તરીકે કોઈક દિવસ પણ અહીં આવી ચડે અને આ રમકડાં મારફત મને ઓળખી કાઢે! પણ અફસોસ. આ તો બાલસુલભ મુગ્ધ માન્યતા જ હશે. વીસ વર્ષ પહેલાંની એ મધરાતે સીનનાં જળ મહાસાગરમાં જઈને એકાકાર થઈ ગયાં, એમ એ પણ ક્યારની માનવમહેરામણમાં મળી ગઈ હશે. માનવમહેરામણમાં મળી ગઈ હશે? કે મરી ગઈ હશે? ન જાને!
નોંધ: ન્યુયૉર્કમાં પી.ઈ.એન. ઇન્ટરનેશનલ તરફથી યોજાયેલ એક પાર્ટીમાં કેટલાક લેખકો જોડે પરિચય થયેલો. પાર્ટી પૂરી થયા પછી ચારપાંચ લેખકમિત્રો એક વિવેચકને ઘેર જમવા લઈ ગયેલા. ત્યાં મધરાત સુધી સહુ પોતપોતાના સ્વાનુભવના કિસ્સાઓ સંભળાવતા હતા, એમાં પ્રોફેસર એડ્વર્ડ ડેવિસને પોતાના નાનપણમાં બનેલો જે કિસ્સો કહેલો, એને કેન્દ્રમાં રાખીને આ વાર્તા રચી કાઢી છે. એમણે આ કિસ્સો અમેરિકન વાર્તાલેખિકા યુડોરા વેલ્ટીને પણ કહ્યો છે, અને શ્રીમતી વેલ્ટીએ પણ આ ઉપરથી વાર્તા રચવાનું વિચાર્યું છે. હજી સુધી તો એમણે એ વાર્તા લખી નથી, પણ ભવિષ્યમાં તેઓ લખે, અને કોઈ ગુજરાતી વાચકની નજરે એ કૃતિ અથવા એનો અનુવાદ ચડે તો મારી વાર્તા એમાંથી તફડંચી કરેલ છે એવું કોઈ ન માને એટલી વિનતિ છે. મૂળ ઘટના લંડનમાં બનેલી; મેં અહીં ફ્રાન્સના વાતાવરણમાં મૂકી છે. – લેખક