વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/એક નોંધપાત્ર સંકલન (ડૉ. પ્રીતિ શાહ)

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
એક નોંધપાત્ર સંકલન*

શબ્દ એ મારી જીવનયાત્રાની હોડી છે. એ હોડીમાં બેસીને જીવનના અનેક કાંઠા મને લાધ્યા છે, જે તીર્થધામ બની શકે તેવા પ્રેરક અને પાવક છે. થોડીઘણી સમજણી થઈ ત્યારથી કહેતી કે પરણીને સાસરે જઈશ ત્યારે બે વસ્તુ પિયરથી લઈ જઈશ. મારું પુસ્તકાલય અને હીંચકો.’ મીરાં ભટ્ટ (પૃ. ૧૧૯)

વાચનપ્રેમી અને ઉમદા વાચનના સંસ્કાર પાડનાર માતાપિતાની સ્મૃતિમાં પોતાના જીવન ઉપર કયા પુસ્તકોનો પ્રભાવ પડ્યો તેનું આલેખન કરતા લેખો મેળવીને પ્રીતિબહેને આ પુસ્તકનું સંપાદન કર્યું છે. મુખ્યત્વે આ લેખો આપણા સાહિત્યકારો પાસેથી મેળવ્યા છે, પણ અન્ય ક્ષેત્રોના કેટલાક મહાનુભાવોના લેખો પણ આમાં છે. આ પુસ્તક અપરંપાર સમૃદ્ધિથી સભર છે. આ વાંચતાં મારા મનમાં ઉપનિષદની વાણી ગુંજ્યા કરી છે : एकेन ज्ञातेन सर्वं ज्ञातं भवति । માત્ર આ એક જ પુસ્તકના વાચનથી બીજાં અનેક પુસ્તકોનો પરિચય મળી જાય છે. માત્ર પરિચય જ નહિ, ક્યાંક ક્યાંક અવલોકન અને આસ્વાદ પણ મળે છે. સૌથી મૂલ્યવાન તો છે કેટલાંક પુસ્તકોમાંથી લેખકે ટાંકેલાં મધુબિંદુ જેવાં મધુર અવતરણો. લગભગ બધા જ લેખો સારા છે; માહિતીપૂર્ણ તો બધા છે જ, કેટલાક આનંદપ્રદ પણ છે. આ સંપાદનમાં સૌથી ઉત્તમ લેખો આ લેખકો પાસેથી મળ્યા છે : મનુભાઈ પંચોળી ‘દર્શક’ (આ લેખ ‘દર્શકની ‘મારી વાચનકથાનો સંક્ષેપ છે તેવી સ્પષ્ટતા થઈ હોત તો સારું થાત), લાભશંકર ઠાકર, મીરાં ભટ્ટ, ભોળાભાઈ પટેલ, તખ્તસિંહ પરમાર, વર્ષા અડાલજા અને પ્રકાશ શાહ. કેટલાક લેખકોએ એક જ પુસ્તકની આલોચના કરી છે. નટવરલાલ યાજ્ઞિકે મહાભારતમાંથી થોડીક રત્નકણિકાઓ આપી છે, હસમુખ બારાડીએ ચેખોવના ‘અંકલ વાન્યા’ નાટકના વાચન અને પ્રયોગોનું માર્મિક નિરૂપણ કર્યું છે અને લાભશંકર ઠાકરે ઇબ્સનના ‘એ ડૉલ્સ હાઉસ’ની ઠરીને વિસ્તારથી વાત કરી છે. તમે જો આ નાટ્યકૃતિ વાંચવાના ન હો કે આનો નાટ્યપ્રયોગ જોવાની તક તમને ન મળવાની હોય તો લા.ઠા.નો આ લેખ અચૂક વાંચજો. લા.ઠા.એ એનો મર્મ અને એનું રહસ્ય એટલાં ઉત્કૃષ્ટ રીતે પ્રકટ કર્યાં છે કે આપણને મૂળ કૃતિનો – જાણે આપણી સમક્ષ એ ભજવાતું હોય એવો આસ્વાદ મળે છે. ઇબ્સનના શબ્દોમાં, બલકે લા.ઠા.ના ભાવાર્થમાં, નોરા કહે છે : પાપા… મને તેની ‘ડૉલ-ચાઈલ્ડ’ કહેતા અને મારી સાથે રમતા. જેમ હું મારી ઢીંગલીઓ સાથે રમતી. અને હું તમારી સાથે રહેવા આવી - ત્યારે, પાપાના હાથમાંની ઢીંગલી તમારા હાથમાં ટ્રાન્સફર થઈ… હું તમારી ઢીંગલી-વહુ બની રહી અને બાળકો મારી ઢીંગલીઓ. આ છે આપણો લગ્નસંસાર.’ (પૃ. ૮૭). નોરા ઘર છોડીને ચાલી જાય છે. નીચેથી બારણું બંધ થવાનો ધમ અવાજ આવે છે. કહે છે કે રંગમંચ પર આ બારણું બંધ થવાથી આખું યુરોપ કંપ્યું હતું. આવા જ ‘લા મિઝરેબલ’નાં મધુર અવતરણોથી વિભૂષિત ડૉ. પ્રીતિ શાહનો લેખ છે. પાદરીને ત્યાંથી ચાંદીની ડિશ ચોરી જનારા જિન-વાલજિનને પોલીસ પકડી લાવે છે ત્યારે તેને પોલીસથી બચાવતાં પાદરી કહે છે કે પોતે જ જિન-વાલજિનને આ ડિશ આપી છે. ત્યારબાદ પાદરી રૂપાની બે દીવીઓ પણ જિન-વાલજિનને આપે છે અને કહે છે, ‘ભાઈ! આટલું યાદ રાખજે કે મારી આ નાનકડી ભેટના બદલામાં પ્રામાણિક મનુષ્ય બનવાનું તેં વચન આપ્યું છે.’ (પૃ. ૩૩૮). પાદરીની ઉદારતાને પરિણામે કાળમીંઢ પથ્થરમાંથી ઝરણું ફૂટી નીકળે તેમ બૂરાઈઓના ખડક વચ્ચેથી જિન-વાલજિનની માનવતા પ્રગટે છે. આ પછી જિન-વાલજિન જીવનમાં આવતી તમામ બૂરાઈઓને અને અવહેલનાને જીરવી જઈને પાદરીએ પ્રગટાવેલી ભલાઈને દિલમાં સતત જલતી રાખે છે. કુલ ૬૧ લેખોના આ સંકલનમાં માત્ર ચાર જ લેખો સાવ સામાન્ય કક્ષાના છે. આ ચારે લેખોનું સામાન્ય લક્ષણ એ છે કે ધર્મના ધજાગરાથી આ લેખો શુષ્ક અને નીરસ બની જાય છે. જોકે મારે ઝટપટ ઉમેરવું જોઈએ કે હરિભાઈ કોઠારીનો “ગીતા પંથપ્રદીપ’ આ સંકલનના ઉત્તમોત્તમ લેખોમાંનો એક છે. શંકરાચાર્યથી ગુણવંત શાહ સુધીનાં ગીતાનાં ભાષ્યો અને ગીતાવિષયક અનેક છૂટાછવાયા લેખો વાંચ્યા પછી પણ આના જેવો સંક્ષિપ્ત, સરળ, સુરેખ અને વિશદ લેખ મેં ભાગ્યે જ વાંચ્યો છે. તમે જો વિનોબાનું ‘ગીતાપ્રવચનો’, મહાદેવભાઈનું ‘ગીતા એકોર્ડિંગ યુ ગાંધી’ કે ગુણવંતભાઈનું ‘સંભવામિ ક્ષણે ક્ષણે’ ન વાંચી શકો તેમ હો તો આ ટૂંકો છતાં માર્મિક લેખ વાંચવાનું ચૂકતા નહિ. તમે ગીતાના અભ્યાસી હો તોપણ તમે એમાંથી કંઈક જરૂર પામી શકશો. આ સંકલનની સાચી સમૃદ્ધિ છે આમાં ટંકાયેલાં મૂળ લેખકોનાં મૌક્તિકો સમાં અવતરણો. અનેક પાને વિખરાયેલાં આ મોતીઓમાંથી થોડાં અહીં સાદર છે. ચંદ્રકાન્ત મહેતા કાકાસાહેબના જીવનનો આનંદનો પ્રભાવ વર્ણવતાં કહે છે કે કાકાસાહેબને કુદરતનું દર્શન ગીતાવાચન જેટલું જ ધાર્મિક કાર્ય લાગે છે. આ સંદર્ભમાં કાકાસાહેબના શબ્દો ટાંકે છે: ‘દક્ષિણ હિન્દના પ્રવાસમાં ભુવનગિરિ આગળથી પસાર થતો હતો. એ ગીતાપાઠનો સમય હતો. બીજી બાજુ ભુવનગિરિનું મનોહર દૃશ્ય હતું. બેમાંથી એકની પસંદગી કરવાની હતી. પણ પછી ગીતાપાઠે જ બોધ આપ્યો કે “પશ્ય મે પાર્થ રૂપાણિ શતશો’થ સહસ્રશઃ’ ને મને સમજાયું કે, ભુવનગિરિ પણ વિશ્વરૂપની એક વિભૂતિ છે. ભુવનગિરિ જોવામાં ગીતાપાઠનો દ્રોહ નથી થતો, પણ તેનો જ વિનિયોગ છે.’ (પૃ. ૧૯૯). સુસ્મિતા મ્હેડ આનંદશંકર ધ્રુવનો એક પ્રસંગ ટાંકે છે કે તેમના ઘરમાં એક વખત આગ લાગી. તે સમયે આચાર્યશ્રીએ ગર્ભશ્રીમંત કુટુંબની માલમત્તા, તિજોરી કે ઝવેરાતને બદલે ઝપાટાભેર પોતાનાં બધાં જ પુસ્તકો ખસેડી-ખસેડાવી બીજા ઘરમાં મૂકી દીધાં. ઉત્તરવયે તે પરિમલ સોસાયટીના ‘વસન્ત’ બંગલામાં રહેતાં હતાં. અંતિમ દિવસોમાં પોતાના મિત્રવત્ શિષ્ય રતિલાલ ત્રિવેદી પાસે તેમણે એક અભિલાષા વ્યક્ત કરી : ‘રતિભાઈ! મને એવો વસન્તોત્સવ ઊજવવાનું મન થાય કે પોળના ઘરનાં બધાં જ પુસ્તકો ગોઠવી; નમસ્કાર કરી એક પાટિયું મુકાવું કે ‘These have made me.’ (પૃ. ૧૫૧). રાધેશ્યામ શર્મા આનંદશંકર ધ્રુવના વિષાદને મૂર્ત કરે છે: ‘આચાર્ય આનંદશંકર ધ્રુવ જેવા ગંભીર પંડિતે એક મોટા ગ્રંથાલયમાં ઊભા રહી, પુસ્તકો સામે હાથ લંબાવી; શકુંતલાને નિરખી દુષ્યંતે જે કાઢ્યા હતા તેવા રસિક શ્લોક-ઉદ્ગારથી ચિંતા વ્યક્ત કરી હતી: ન જાને ભોક્તારમ્ આ સર્વને કોણ ભોગવશે? ન જાણે!’ (પૃ. ૧૮૬). રમેશ શાહ તેમના લેખમાં યોગી હરનાથના શબ્દો ટાંકે છે. અવતરણ થોડું લાંબું છે પણ આનાથી વધારે પારગામી સર્વાશ્લેષી તત્ત્વચિંતન મળવું દુષ્કર છે : મારા સત્યપરીક્ષણનો આખરી પાયો તો અનુભવ જ છે. પણ એ અનુભવને નિર્મમ તર્ક અને શાસ્ત્રસંમતિની સહાય વિના હું સ્વીકારતો નથી. મારા ગુરુજીએ મને સત્યનિર્ણય માટે ત્રણ માપદંડ પર આધાર રાખવાનું કહ્યું હતું. એ છે શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિ. માત્ર શ્રુતિ પર આધાર રાખે તો માણસ ઘણી વાર અંધશ્રદ્ધાળુ અને એકાંગી બની જાય છે. માત્ર તર્ક પર આધાર રાખે તો આ કશા નિર્ણય પર આવી શકતો નથી અને સંશયવાદી બની જાય છે. એવી રીતે એકલો અનુભવ માણસને આત્મવંચના કે ભ્રમણામાં ફસાવી મારે. માણસ પોતાની જાતને કેટકેટલી રીતે છેતરી શકે છે એની કોઈ સીમા નથી. એટલે ઝનૂની ન બનવું હોય, સંશયવાદી ન થવું હોય કે ભ્રમદાસ ન રહેવું હોય તો શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિને સાથે જ રાખવાં પડશે.’ (પૃ. ૩૨૬). આજના ધર્મને નામે થતા અત્યાચારો અને ત્રાસવાદના સમયમાં આ શબ્દો કેટલા પ્રસ્તુત છે! આ સંકલનમાં સંપાદકના લક્ષ્યને સંપૂર્ણ વફાદાર રહીને લખાયેલો ઉત્તમોત્તમ લેખ છે તખ્તસિંહ પરમારનો: ‘સંસ્કારબીજનું વાવેતર’. કૉલેજકાળ દરમિયાન વાંચેલાં અનેક ઉત્તમ પુસ્તકોની માત્ર યાદી જ આપીને, એના પ્રભાવનો સહેજ ઉલ્લેખ કરીને. લેખક ઉમેરે છે : ‘સંસ્કાર-બીજ નિક્ષેપ તો બાળપણમાં જ થાય છે. એ વખતે ચિત્ત સંસ્કારગ્રાહી હોય છે. આપણે ફળઝાડ વાવ્યાં હોય તેની માવજત કરવી જોઈએ. બીજ રોપ્યા પછી અંકુર ફૂટે તેને સાચવવા વાડોલિયું કરવું જોઈએ, જલસિંચન કરતા રહેવું જોઈએ. સારો ફાલ મેળવવા ખાતર આપતા રહેવું જોઈએ એ વાત આપણને સમજાય છે. યુવાવસ્થા-પ્રૌઢાવસ્થા-વૃદ્ધાવસ્થામાં વાંચેલું સાહિત્ય એ વાડોલિયા-જલસિંચન ને ખાતરનું કાર્ય કરે છે. બીજનિક્ષેપ તો થાય છે નાનપણમાં વંચાયેલા સાહિત્યથી.’ (પૃ. ૧૪૫) અને પછી લેખક આપણને બાળપણનાં પ્રિય કાવ્યો ને કથાઓની જે સહેલગાહે લઈ જાય છે તેના જેવું આહ્લાદક મનોરમ નિરૂપણ બીજે ભાગ્યે જ જોવા મળે. તે આપણને ફરીથી આપણા બાળપણમાં લઈ જાય છે. ન્હાનાલાલનું ‘સાચના સિપાઈ’, ‘મને તો ગમે મારી સારી કુહાડી, ભલાં માત દો પાણી માંહેથી કાઢી’નો ભુજંગી છંદ, ‘બાળકોનો બગીચો’ની વાર્તાઓ, ‘દિલભર દિલ’ની કથાનો દિલદાર સાર કે કોઈનું ભલું ચિંતવીએ તો આપણું ભલું થાય. ‘બોલતા લાકડાનો ટુકડો’ વાંચીને તમે ખુશખુશાલ થઈ જશો. આ અને આવી બીજી અનેક બાળપણમાં વાંચેલી કૃતિઓની સ્મૃતિને મધુર રીતે તખ્તસિંહ પરમારે નિરૂપી છે. આ વાંચીને પાછું બાળપણ માણી લેવાય. આ પુસ્તકની બીજી આવૃત્તિ ટૂંક સમયમાં થઈ તે ગુજરાતીઓની વાચનપ્રિયતા માટે થોડીક આશા જન્માવે છે. બીજી આવૃત્તિમાં પહેલી આવૃત્તિના મુદ્રણદોષો સુધારી લેવાની નિષ્ઠા માટે સંપાદક-પ્રકાશક ધન્યવાદને પાત્ર છે. ત્રીજી આવૃત્તિ થાય તો સંપાદકને એકાદબે સૂચન કરવાનું મન થાય છે. લેખકોનો ટૂંકો પરિચય જરૂરી લાગે છે. ગ્રંથસૂચિ આપી હોત તો અનાયાસે ઉત્તમ પુસ્તકોની યાદી મળી જાત. વાચકોને પણ એક ચેતવણી આપવાની છે. આ પુસ્તક વાંચીને તમે જરૂર ખિન્નતા અનુભવશો. તમને થશે કે અરેરે આટલાં બધાં આટલાં સુંદર પુસ્તકો ક્યારે વાંચી શકીશું? મેં તમને ચેતવ્યા નહિ તેની ફરિયાદ તમે નહિ કરી શકો! છેલ્લે મધુરેણ સમાપયેત્ પુસ્તકો માટેના વર્ષા અડાલજાના શબ્દો રત્નચિંતામણિ જેવા છે : ‘…જીવનના આરંભકાળમાં આ પુસ્તકોએ ખૂબ આનંદમાં સમય ગુજારવામાં સાથ આપ્યો. બસ એટલું જ? ના. જીવનની દરેક સ્થિતિને સ્વીકારીને હસતાં શીખવ્યું. ‘ખૂલ જા સિમસિમ’ કહેતાં એક અદ્ભુત નિરાળી દુનિયામાં પુસ્તકોએ મારો પ્રવેશ કરાવ્યો. ન વીઝા, ન પાસપૉર્ટની જરૂરત. બેરોકટોક ગમે ત્યારે ગમે ત્યાં જઈ આનંદથી વિહરી શકાય. પુસ્તકપ્રેમે એકાંતને ચાહતા શીખવ્યું… પુસ્તકોએ ઘણું ઘણું આપ્યું છે. પુસ્તકો જ શું કામ! ક્યારેક એકાદ શબ્દ પણ શીતળ લહેરની જેમ ઠંડક આપી જાય છે. એકાદ પાનામાં સમાઈ જતા કાવ્ય માટે ક્યારેક આખું હૃદય નાનું પડતું હોય છે. પુસ્તકો માનવજાતની શ્રેષ્ઠ શોધ છે. એણે બાંધેલા ભવ્યાતિભવ્ય પ્રાસાદો જમીનદોસ્ત થઈ ગયા. પરંતુ આ સર્જનકાળની થપાટો ખાઈને અડીખમ ઊભું છે. એના ગઢની એક કાંકરી પણ ખરી નથી.’ (પૃ. ૨૬૯ અને ૨૭૧). આ વડે આપણો વાચનપ્રેમ વધો એવી અભ્યર્થના…