વસુંધરાનાં વહાલાં-દવલાં/૧. ‘ત્રાજવડાં ત્રોફાવો!’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧. ‘ત્રાજવડાં ત્રોફાવો!’

‘ત્રાજવડાં ત્રોફાવો, ત્રાજવડાં...આં!’ એવો મીઠો લહેકો કરતી એક જુવાન બાઈ ગામડાની શેરીએ શેરીએ ફરતી હતી. બપોર વખતનું બળબળતું ગામ એના સુંદર બોલથી શીતળ બનતું. પણ ગામડાના જુવાનોને અને કૂતરાંને આ રૂપ પાલવતું નહોતું. તેજુડીની પછવાડે કૂતરાંએ ડાઉડાઉકારા મચાવી મૂક્યા હતા અને જુવાનો કડિયાળી ડાંગો પછાડતાં ફરતા હતા. ‘કોઈ છૂંદણાં ત્રોફાવો છૂંદણાં! કોઈ હાથે, પગે ને હૈયા વચાળે ટંકાવો ત્રાજવડાં: લીલી દાળ્યનાં ત્રાજવડાં...આં!’ ભમતાં કૂતરાં તરફ કોઈ કોઈ વાર ફરીને તેજુ તીણી નજર નોંધતી. એ આંખોમાં અદૃશ્ય સોટા હતા. થોડી વાર કૂતરાં ભાગતાં. નાની છોકરીઓ ખડકીએ ખડકીએ દોડી આવતી. છૂંદણાં ત્રોફનારી તેજુડીનું હસતું મોં એમને જોવા મળતું. તેજુના ગાલ પર છૂંદણાંની અક્કેક લીલી ટીબકી હતી. તેજુના ગાલમાં એ ટીબકીને ઠેકાણે જ ગલ પડી રહેતા. વગડાનાં કોઈ જાંબુડિયાં બે ફૂલો ઉપર જાણે અક્કેક લીલી મધમાખી બેસીને જોબન-મધનાં ટીપાં ચૂસતી હતી. એના હાથની કલાઈઓ ઉપર કોણી કોણી સુધી છૂંદણાંની ફૂલ-વેલડીઓ ચડી હતી. વચ્ચે મોરલા આકારનાં પણ છૂંદણાં હતાં. સૂરજ ને ચાંદો હતાં. કપાળે બીજ અને બીજ ઉપર પાછી એક ટીબકી ટાંકી હતી. તેજુ છૂંદણાવાળીએ લલાટમાં જાણે કે અજવાળી ચોથ-પાંચમને ચાંદો અને શુક્રનો તારલો ઝીલ્યાં હતાં. એનો ઘેરદાર ઘાઘરો મેલો અને થીગડાંવાળો છતાં પાતળી કેડને બંધ બેસતો એટલે મેલો ને થીગડાંવાળો દેખાતો જ નહિ. દેખાતો ફક્ત તેઓને જ, જેઓ તેજુના દેહની પ્રત્યેક રેખાને અને પ્રત્યેક મરોડને નિહાળી નિહાળીને જોવાની ટેવ રાખતા. એના મસ્તકે ઇંઢોણી ઉપર નાની નાની બે-ત્રણ કુરડીઓ હતી. હાથમાં છૂંદણાં ત્રોફવાની સોય પૂરેલી લાકડાની ભૂંગળી હતી. બે રૂપાળી કન્યાઓ એક ખડકીમાં ઊભી રહી. તેમના પોશાક ગામડાના નહોતા. ‘અમને છૂંદણાં, મોટી બા અમને છૂંદણાં!’ કહી એ બેઉ જણીઓ ગામડાને ન શોભે તેવા કૂદકા મારવા લાગી. “ત્રોફાવવાં છે?” તેજુડીએ પૂછ્યું: “આવડાં મોટાં થઈને ત્રાજવાં ત્રોફાવ્યાં નથી તમે?” “ત્રાજવાં શું?” “જુઓને આ રિયાં.” કહી તેજુએ પોતાના હાથ, પગ ને છાતી બતાવ્યાં. “અંદર આવ. અમનેય ચીતરી આપ.” અમરચંદ શેઠની ઓશરી પર તેજુએ કુરડીઓ ઉતારી અને ઘાઘરાનો ઘેર પાથરીને તેજુ બેઠી. શેઠની એ બે ભાણેજો મુંબઈની હતી. દીકરી મરી ગઈ હતી. જમાઈને ફોસલાવીને બેઉને લઈ આવ્યા હતા. ઊજળા તેમના દેહના વાન હતા. સીસમ-વરણા અમરચંદની ભાણીઓને સર્જાવનારું વિધાતાનું રસાયણ કેટલું બધું મતિ મૂંઝવનારું હતું! કદરૂપાં માબાપની કૂખે રૂપ રૂપના અવતાર મૂકનારી કુદરત કેટલી મનમોજીલી અને ધૂની હોવી જોઈએ! “આંહીં આવો, ક્યાં ગયાં?” અમરચંદ શેઠ પોતાનાં વહુને એકાન્તમાં ગધાડી અને રાંડ-ભૂંડણ કહી બોલાવતા, પણ જાહેરમાં એ ચીંથરા જેવી પત્નીનું પણ બહુમાન કરતા. “શું કો’ છો?” “ત્રાજવાં ત્રોફનારી આવી છે ને? શાંતા અને સુશીલાને નહિ બહુ ઘાટાં, નહિ બહુ આછાં, એવાં પાંખા પાંખાં પણ સમી ભાત્યનાં ચિતરામણ ત્રોફાવજો, હો કે!” “તમારે એમાં ન કે’વું પડે.” “કે’વાની જરૂર તો નથી, પણ અભાગિયો જીવ રે’તો નથી. આપણે બધી બાબસ્તાનો વચ્ચાર કરવો રિયો. હવે હવેમાં તો નવા વચ્ચારના વાયરા વાયા છે. જમાઈઓને ગમે ને ન યે ગમે. આપણે તો પાછી નાખી દેવી નથી ને ભાણિયુંને! બધી બાબસ્તાનો ભેળો વચ્ચાર રાખજે, ભૂંડણ!” “તમારા કરતાં ઈ બાબસ્તાનો વચ્ચાર મને વધુ છે. ઠાલા ડાયા થાવ મા. તમે તો આજ છો ને કાલની કોને ખબર્ય છે? જનમારો તો મારે જ ખેંચવાનો છે ના!” “તે તું શું મને તારી મોઢા આગળ કરવા માગછ?” અમરચંદ શેઠે પંચાવન વર્ષની ઉંમરે પણ જમણી આંખ ફાંગી કરી “તમારા મોંમાં બાવળનો ખીલો!” શેઠાણીએ પોતાના સૌભાગ્યની ચૂડલીઓ —ચૂડલીઓ કહેવા કરતાં એને બલોયાં કહીએ—ઉપર હાથ ફેરવ્યા. “આ તો હું એક વાત કરું છું. તમે બેઠ્યે હું રાજરાણી છું, તમે તો મારા હાક્યમ જેવા છો. પણ પછે—વખત છે ને તમારાં આંખ્ય-માથું દુખ્યાં, તે દી—તમે તો જાણો છો—પરતાપનો કાંઈ ભરુંસો!” એટલું કહીને શેઠાણીએ પાંપણે પટપટાવી ને શેઠે એના મોં પર હાથ પસવાર્યા: “જા-જા —ગાંડી! મારું મન કોચવાઈ જાશે નાહક—” એટલું કહેતાં અમરચંદ શેઠનો સાદ ગળગળો બન્યો, ને શેઠાણીએ ઓશરીમાં જઈ સાદ કર્યો: “સુશીલા, શાંતા!” પણ છોકરીઓ તો ત્રાજવાં ત્રોફનારી તેજુ પાસે ક્યારનીયે બેસી ગઈ હતી. સુશીલાના ગાલ પર સળી ભરીને નીલવરણું એક એક ટીપું મૂકી તેજુ હળવા હળવા હાથે સોય ત્રોફી રહી હતી. નીલા પ્રવાહીમાંથી પાંદડી ફૂટતી હતી. સુશીલાના ધીરા ધીરા વોયકારા અને અરેરાટો ઉપર તેજુના હોઠ ઝીણી ફૂંકો છાંટતા હતા. અને શાંતા તેજુની છાતી પર આલેખાયેલા એક પક્ષીને ધીરીધીરી નિહાળતી હતી. “આ કયું પંખી છે?” એ તેજુને પૂછતી હતી. “અષાઢ મહિનાનું કુંજડું છે ઈ, બા!” “ઊડે છે ને શું?” “તયેં? કુંજડું તો ઊડતું જ રૂડું લાગે ને?” “ક્યાં જાય છે?” “દરિયા ઢાળું.” “ચાંચ ઉઘાડી છે ને શું!” “કુંજડું તો, બા, કિલોલતું કિલોલતું જ ઊડે.” “શું કિલોલે?” “મી...ઠો મેરામણ! મી...ઠો મેરામણ.” “મેરામણ કોણ?” “હૈયામાં હોય છે!” તેજુએ હાથ કલેજા પર મૂક્યો. શાંતા શરમાઈ ગઈ. “તમે ક્યાંનાં? ક્યાંથી આવ્યાં?” “અમારે ગામ-મુકામ ન હોય.” “ઘર?” “અમ ભેળું ને ભેળું. જ્યાં નાનકડી છાંય જડી જાય ત્યાં.” “એકલાં છો?” “બાપ છે ભેળો.” “ક્યાં ઊતર્યાં છો?” “ગામ બા’ર, ખીજડા-તળાવડીએ.” “ગામમાં ધર્મશાળા નથી?” “અમને ફુલેસ નો ઊભવા દ્યે.” “કેમ?” “અમે ચોરટાં ઠર્યાં.” “ઓ મા!” શાંતા ને સુશીલાનાં શરીરોમાં ધ્રુજારી ફરી વળી. તેમણે તેજુડીની આંખોમાં તાકી તાકી જોયું. વિશ્વાસ ન આવ્યો. કેમ કરીને વિશ્વાસ બેસે? આટલી રૂપાળી અને મધુરી છોકરી ચોર શી રીતે હોઈ શકે?” “સાચે જ?” “માતાના સમ.” એવી વાતો વચ્ચે જ્યારે શાંતા-સુશીલાનાં ગોરાં શરીરો પર છૂંદણાંની પાંદડીઓ, ફૂલવેલીઓ અને પંખીડાં પથરાઈ રહ્યાં હતાં, ત્યારે ગામનાં તમામ કૂતરાં અમરચંદ શેઠની ખડકી પાસે ટોળું વળીને ભસતાં હતાં. ગામના દસ-પંદર જુવાનો પણ ત્યાંથી લાકડીઓ ઝુલાવતા ઝુલાવતા નીકળ્યા, તેમાંથી કોઈ કોઈએ શેઠની દુકાનેથી બીડી બાકસ ખરીદવાનો પણ લહાવ લીધો. “તમારી વાંસે કૂતરાં કેમ ભસે છે?” સુશીલાએ પૂછ્યું. “ઈને ઘ્રાણ આવે છે.” “શાની?” “અમારાં શરીરની ને અમારાં હૈયાંની.” શાંતા-સુશીલાનાં નાક સહેજ પહોળાં થયાં. બેઉ જણીઓ જાણે કશીક ગંધ ખેંચવા પ્રયત્ન કરતી હતી. તેમને ખાતરી પણ થઈ કે તેજુનો દેહ કોઈક ન સમજી શકાય તેવી માદક સુગંધ મૂકતો હતો. આવા સફેદ દાંત તો શાંતા-સુશીલાએ અગાઉ કોઈના મોઢામાં દીઠા નહોતા. “હેં, તમે શું ખાવ?” “રોટલો ને લસણનો મસાલો. મળે તો ડુંગળી.” લસણ અને ડુંગળીનું નામ પડતાં શેઠાણી ઓશરીની કોર પર ઊભાં હતાં ત્યાંથી સુગાઈને ‘એ...ખ’ અવાજે થૂંક્યાં. એણે છોકરીઓને કહ્યું, “રાંડું, આપણે શરાવક કે’વાઈએ. એવું પુછાય?” “અરે બેન્યું!” તેજુએ કહ્યું: “અમારાં તો ખાવાં અખાજ જ હોય. ઈ તો તમે સારાં માણસ સુગાવ એટલે મેં નામ લીધાં જ નથી.” “લે હવે મૂંગી મર, બાઈ! તારું કામ પતાવ, ને જા આંહીંથી, માતાજી! આજ અમને ખાવુંય નહિ ભાવે.” શેઠાણીના એ શબ્દો પ્રત્યે જરાય રોષ બતાવ્યા વગર તેજુએ મોં મલકાવ્યું. એ મોંમાંથી આટલો બધો આનંદ, આટલું સુખ શે ઝરતાં હતાં? શાંતા ને સુશીલા સ્વપ્ન જોતાં હતાં. તેજુના મોંમાંથી લેશ પણ દુર્ગંધ નહોતી નીકળતી. આહાર તેવો ઓડકાર, એ કહેવતને તેજુ જૂઠી પાડતી હતી. તેજુ જ્યારે છૂંદણાં ત્રોફી ઊઠી, અને શેઠાણી આગલા દિવસનો એક સુકાઈ ગયેલો અજીઠો રોટલો એના ખોળામાં છેટેથી પડતો મૂકવા ગયાં, ત્યારે તેજુડી બોલી ઊઠી: “નહિ મા, રોટલો નહિ.” “તયેં?” “દાણો આલો.” “કેમ? તૈયાર ઘડેલો રોટલો મૂકીને દાણાની કડાકૂટ કરીશ?” “હા, મા! મારો બાપ મને પારકું ખાવા તો નથી આલતો, પણ પોતેય મને અજીઠી હોઉં તયેં અભડાવતો નથી.” “કાંઈ મરડ! કાં...ઈ મરડ વધ્યો છે માડી આ હલકાં વરણનો!” એમ બોલતાં શેઠાણીએ સળેલા દાણા આપીને બાઈને વળાવી. ફરીથી પાછા શેરીએ શેરીએ સાદ ઘૂમી વળ્યા: ‘ત્રાજવડાં ત્રોફાવો ત્રાજવડાં...આં! એ કોઈ છૂંદણાં છુંદાવો. કોઈ હાથે, પગે, હૈયે ને હોઠે રૂડા મોરલા ટંકાવો.’ શ્વાનોના ડાઉકારાની વચ્ચે એ લાંબા લાંબા સાદનું સંગીત ગૂંથાતું ગયું. મરેલું ને મરેલું રહેનારું ગામડું તે દિવસ સજીવન બન્યું. સાંજ પડી ત્યારે ગામનાં કૂતરાં તેજુને ખીજડા-તળાવડીની પાળ્ય સુધી વળાવીને પાછાં વળ્યાં.