વસુધા/ફુટપાથનાં સુનાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ફુટપાથનાં સુનાર

સૂતાં છે સોડમાં લેઈ પૂંજીઓ પોટલી તણી,
ફાટેલાં ચીંથરાંની કે સૂકેલી રોટલી તણી,
વિશાળ રાજરસ્તાના વિશાળ ફુટપાથની
પથારી પથ્થરપોચી કરી પોઢ્યાં પ્રશાન્ત સૌ.

પોઢાડવા પથ્થર–પંથ-શાયીને
હોટેલમાં ગાયન છે થઈ રહ્યાં,
પિશાબખાનાં તણી વાસવંતો
વાયુ થઈ વીંઝણલો વહી રહ્યો,
ને મોટરોના થડકાટ બાજે
લક્ષ્મીપરીના ઘુઘરા સમાણા, ૧૦
ટાઢી સપાટી ફુટપાથ કેરી
આમંત્રતી સો મણની તળાઈ શી!

સૂતાં છે બાળ ને બુઢ્ઢાં, જુવાનો જિંદગીભૂખ્યાં,
અધૂરે વસ્ત્ર ને પેટે ગંદકીની ગમાણમાં.
પડ્યાં છે ડબલાં ઊંધાં પાણીનાં હાથ વાગતાં,
ઊંઘમાં અંગ આકારો ધરે બેડોળ એમનાં.

પ્રશાન્ત છે. જીવનની અશાંતિને
જન્માવનારી સરી છે જ જાગૃતિ.
પ્રશાન્ત કાયા; મન આત્મ એમનાં
અનાદિથી જાગૃતિહીન શાંત છે. ૨૦
પરિસ્થિતિચક્ર ચલંત કારમું
ખેંચી અહીં આ સમુદાય લાવ્યું,
જતું રહ્યું જ્યાં શિરથી જ છાપરું
ગયું હશે શું નહિ શું જ એમનું?

ગયું શાને, કશી રીતે, સમજ્યાં સમજ્યાં ન એ,
કપાળે હાથ કૂટીને અહીં સૂતાં થયાં જ એ.
આત્મઅજ્ઞાનનો દોષ, સકંજો કે સમાજનો,
શાહુકાર તણી સૂડી, રાજ્યની કે ખફાદિલીઃ

એ કૂટ કૈં કારણમાળ ઊઠતી
સંપત્તિના સંગ્રહચક કેરી, ૩૦
ભીંસીપીસી માનવમાળખાં એ,
લૈ લોટ, આ ફેંકી દીધાં જ ફોતરાં.

વિમૂઢ એ અંતરચિત્ત બાપડાં
સંજોગ વંટોળ વિષે ફસાયલાં,
ઊડે પડે ચક્કરતાં, ઘવાતાં,
પૃથ્વી પર સૌ પછડાય પામરાં!

કોણને પ્રાર્થવું, કોને દોષવું યાચવું વળી,
અજાણ્યાં જિન્દગીના આ ગૂઢ આડંબરો થકી,
જાગૃતિ ફૂંકતી જ્વાલા શમતાં તે પડ્યાં અહીં,
જાગૃતિ ઉંઘતી જાતે, ચક સયોગનું સૂતું. ૪૦

એ જાગતા અંતરને ઉંઘાડવા
યોજાય છે યુક્તિ પરંપરાઓ–
આચારની, ભક્તિની, રાષ્ટ્રભાવની
મોહોર્મિજાળો મધુ ઘેન પ્રેરતી.

ઉંઘાડવાની પણ ઔષધિ કદી
જગાડવાની જ બની પડે કદી,
જંજીરને જે ઘડતી હથોડી
ઘડી દિયે છે સમશેર કોક દી.

જાગશે ભૂમિપોઢ્યાં આ, પત્થરે પાંખ આવશે,
કાલે તો ભીખશે જો કે, અકાલે ક્રાન્તિ લાવશે. ૫૦
સંપત્તિ સંચિતા સર્જે ઝંઝાનિલો વિપત્તિના,
એહનાં ગિરિ શાં હર્મ્યો સર્જે દારિદ્રય-જંગલો.

દિનેદિને એ દૃઢતી દરિદ્રતા
સંપત્તિને અર્પત ખાદ્ય મોઘું.
ઐશ્વર્ય વિસ્તાર થકી જ રાચતી
સંપત્તિ પીતી નિજ નાશનો નશો.

દારિદ્રયનો એ દવ દીન કેરાં
હૈયાં વિશે નિત્ય થતો જ સંચિત,
હર્મ્યે થતી સંચિત સંપતો એ,
સંચે અરે સત્ત્વ જ કાન્તિકેરાં! ૬૦

દારિદ્રયારણ્યથી રે હા દાવાનળ ભભૂકશે,
સુખિયાં હર્મ્યવાસીને ચણાની જેમ ભૂંજશે;
ગુંજશે કારમાં ગીતો, સોણલાં મિષ્ટ ભાંગશે,
જાગેલું સત્ત્વ સૃષ્ટિનું ના પછી ભીખ માંગશે.

વિકાસનો જે ક્રમ તે પિછાન્યા
વિના કદી માનવ અંધ ચાલશે,
વિકાસના ગર્ભ વિષે ભરાયેલો
સંહાર ત્યાં સર્જનઅર્થ આવશે!

એ ભાવિની મંગલનાદ ઘંટા
ગુંજારતી કર્ણ વિષે મધુરવું, ૭૦
પ્રચ્છન્ન એના અધુરા નિનાદના
અભાન આશ્વાસનમાં સુતાં આ.

સૂતાં છે સોડમાં લઈ પૂંજીએ પિષ્ટ પ્રાણની,
રૂઠેલી એ જિન્દગીઓની તપેલી ઉર-ઊર્મિની,
વિશાળી સંપતે સર્જ્યાં વિશાળાં દુઃખધામની
પથારી પથ્થરપોચી વિષે પોઢ્યાં પ્રશાન્ત છે!