વસુધા/જેલનાં ફૂલો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જેલનાં ફૂલો

આ કેદખાને પણ પુષ્પ ખીલ્યાં!
શું અગ્નિઝાળે જલનો ફુવારો!
શું પાપીને અંતર પ્રેમક્યારો!
આ કેદખાને પણ પુષ્પ ખીલ્યાં!

આ ગુલછડી, તે બટમોગરો ત્યાં,
પૃથ્વીતણી દંતકળી હસે શાં!
ગુલાબ ઘેલું શિર ત્યાં ઝુકાવે,
ત્યાં બારમાસી તણી પાંચ પાંખડી
અનેક પુષ્પ વિકસેલ, પેલી
પીળાં, કસુંબી કલગી સમાં કૈં ૧૦
પુષ્પો ધરીને નિજ વૃન્તટોચે
લાંબી હથેળી સમ પાંદડાંમાં
ફાલી રહી અક્કલબેલ ઘેલી!
નાની કસુંબી નિજ રક્ત પુષ્પે
પીળે ક્યહીં કે પગમાં રમે ત્યાં,
આ ખીલતો બાગ તુરંગઅંકે,
આ પથ્થરાળી ધરતી વિષે હ્યાં
નિષ્પ્રાણ ક્ષેત્રે ફુલડાં પ્રફુલ્લ્યાં!

તુરંગઅંકે ફુલડાં પ્રફુલ્લ્યાં:
જંજીરબાંધ્યા તનડે, રુંધેલા ૨૦
અંતઃસ્તલે, માનવ–શુષ્ક વેલા

સ્વસ્થાન છોડી મરુભોમ રોપ્યા,
ગાડે, હળ, ઘાણી વિષે જ કોશે
જ્યાં જોતરાઈ પશુના જ સ્થાને
સીંચ્યાં નવાણો, ફુલબાગ ક્યારા
સીંચ્યા, લીલી ત્યાં બહકાવી વાડી;
અંગોતણી તાજપને ઉખાડી,
હૈયાતણ માર્દવને સુકાવી
ભિનાવી ભોં ને ફુલમાળ વાવી.

જ્યાં માનવીઅંગ ચુસીચુસીને,
મનુષ્યના આસવ આસવીને,
જે માનવીપુષ્પ પ્રભુકૃપાએ
અપાર યત્ને પ્રકૃતિ વિષેથી
મથી મથીને સરજી વિકાસ્યું,
ને સૃષ્ટિના શીશ પરે નવાજ્યું,
મિટ્ટીતણું તેજ-પ્રસૂન આ જે
તેને ફરી ધૂળભેળું કરીને,
મનુષ્યની માનવતા હરીને,
આ રાજ્યકર્તાજન માર્ગ ઊંધો
વિકાસનો આદરતા; જમીને ૪૦
રચાવતા બાગ અને બગીચા,
ખિલાવવા આ પ્રકૃતિપ્રભાને.
નિર્મેલ બાગે અભિષિક્ત રક્તે
તુરંગઅંકે ફુલડાં ખીલ્યાં રે!

તુરંગઅંકે ફુલડાં પ્રફુલ્લ્યાં,
ન માનવી અંતર કિંતુ ફૂલ્યાં,
રે આર્તદેહે પણ કૂટભૂમિમાં
સીંચાઈ નિર્જીવ કળી વિકાસી,
રે, દુઃખજાયી પણ મુક્તહાસ્યે
ભૂલી હસે ભૂત, ભવિષ્યઆશે. ૫૦
રે, માનવશાસનના વિધાતા
પૃથ્વી પરે સ્વર્ગ વધાવનારા
ભૂલે કદી ભૂત ન માનવનોઃ–
અજ્ઞાન ક્રોધે, કદી રાગદ્વેષે,
મૂર્છાવિષે જે સ્ખલનો કરેલાં,
તે દણ્ડ દૈને હણી માનવાત્મા,
જાતે કરીને બમણાં જ પાપો,
ચહે મિટાવા જગથી કુકર્મો.
રે, મૂઢરીઢા જનશાસકોને
હૈયે કળી ના કદિયે ફુટી હા! ૬૦

ને ખૂની, ચોરો, કપટી, પ્રપંચી,
મહાપરાધી ઉર કેદીઓને–
મારી હઠાવા મથિયા જ્હીંથી
સૌ આર્દ્રભાવો, પશુ પંકિલાં શાં,–
હૈયે છતાં ના કરમાઇ કો દી,
છુંદાઈ, કૂટાઈ, કપાઈ તો યે
સદ્‌ભાવની કોમળકાય પાંદડી.

ખૂની તણી આંખ અહીં ઝરે, જો!
કંજૂસ આપે પણ અર્ધ રોટલો,
પાપી છતાં યે ઉર એકનું હ્યાં ૭૦
પાપી બીજાને પણ પ્રેમ દેતું;

આશ્વાસ દેતું, ઉરધૈર્ય દેતું,
હૈયાબિછાને ઠરવા જ દેતું;
આ માનવીના હૃદયે વવાયી
પ્રભુતણી અંત૨વેલ મીઠી
હજી નથી મૂળથકી ઘવાઈ,
કદી કદી સૌરભ આછી એટલે
ત્યાંથી ઊઠે સૌ દિશને ભરંતી.

એ સ્નેહવેલી ઉરમાં ફુટે છે
ક્યારેક કયારેક અહીં જ તેથી ૮૦
પાપે ભરેલા સ્થળમાં અહીં યે
આ અગ્નિકાળે ધગતા પ્રદેશે
તુરંગઅંકે ફુલડાં પ્રફુલ્લ્યાં!

શું અગ્નિઝાડે બટમોગરો હા!
શું પાપધોધે મધુનો ઝરો હા!
આ કેદખાને પણ પુષ્પ ખીલ્યાં!