વાર્તાવિશેષ/૩. ટૂંકી વાર્તા : કેટલાક પ્રશ્નો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩. ટૂંકી વાર્તા : કેટલાક પ્રશ્નો


(૧) ટૂંકી વાર્તા પાસે પણ એ જ અપેક્ષા હોઈ શકે કે અન્ય કલાસ્વરૂપોની જેમ એ આસ્વાદ્ય હોય. આકાર પરત્વે લાઘવ અને પ્રભાવ પરત્વે તીવ્રતાની અપેક્ષા ટૂંકી વાર્તા પાસે સવિશેષ રહે. એની શિલ્પાકૃતિમાં જ ટૂંકી વાર્તાનું સ્થાપત્ય કેન્દ્રિત થયેલું હોવું જોઈએ. નવલકથાના સ્થાપત્યમાં અનેક શિલ્પાકૃતિઓનું વિભિન્ન સ્થિતિએ સંયોજન જોવા મળે, ટૂંકી વાર્તામાં એનું શિલ્પ એ જ એનું સ્થાપત્ય. જીવન સમગ્રને આશ્લેષમાં બાંધી લેવું ટૂંકી વાર્તાને ઉદ્દિષ્ટ નથી. એ તો સ્પર્શ કરીને છટકી જાય છે, ઝબકારો બનીને ધ્યાન ખેંચે છે. કહેવામાં અતિશયોક્તિ રહેલી છે છતાં કહીએ તો ટૂંકી વાર્તા એ એક ક્ષણનું અંકન છે. અલબત્ત, એ ક્ષણ એવો સંદર્ભ રચે જે સમગ્ર સમયના તંતુઓને સૂક્ષ્મરૂપે જોડી આપે. આ ક્ષણ આજની હોય એવી અપેક્ષા સહજ ભાવે રહે. વાર્તામાં રૂપાંતર પામેલી આજની ક્ષણ પછી તો કાલાતીત બની જાય. સર્જક તરીકે હું એ કાળજી લઉં છું કે અનુભૂતિ શબ્દરૂપ પામી છે કે નહીં? ભાવક તરીકે, આગળ કહ્યું તેમ, વાર્તા સૌંદર્યાનુભવ કરાવે છે કે નહીં તે જોવાનું રહે છે. એક ભાવકની હેસિયતથી હું જ્યારે વાર્તા વિશે લખું છું ત્યારે વાર્તાનું કથ્ય આવું જ હોય કે વાર્તા આ રીતે જ સિદ્ધ થાય એવું કશુંય મનમાં પૂર્વગ્રહરૂપે હાજર રાખતો નથી. ફક્ત એટલું જ જોઉં છું કે વાર્તાકારનું કથયિતવ્ય શું છે, એની સામગ્રી શું છે અને લક્ષ્યને પહોંચવા એણે સ્વીકારેલાં ઓજાર એને ખપ લાગ્યાં છે કે નહીં? મતલબ કે વાર્તાકારની સર્જનપ્રક્રિયા તપાસવાનો પ્રયાસ કરું છું. ભાવક તરીકે વાર્તા પાસે શક્ય હોય એટલા અનપેક્ષ થઈને જવું સારું. (૨) Content માટે તમે ‘કથાવસ્તુ’ શબ્દ મૂક્યો છે, ‘કથયિતવ્ય’ શબ્દ મને અનુકૂળ છે. માત્ર ‘વસ્તુ’ પણ ચાલી શકે. હિન્દી લેખક અજ્ઞેયજીએ ‘સબ્જેક્ટ’ માટે ‘વિષય’ અને ‘કન્ટેન્ટ’ માટે ‘વસ્તુ’ પર્યાયો યોજ્યા છે. તમે એ રીતે Formને ‘આકાર’ કહો છો. ‘સ્વરૂપ’ અથવા ‘રૂપ’ વધુ યોગ્ય છે. કારણ કે આકાર એટલે દેખાવ એવી અર્થચ્છાયાથી ઘણા ચર્ચકો કામ ચલાવે છે. આ બંનેમાંથી કોઈ એક પર ભાર મૂકવાથી સમતુલા જળવાય નહીં. એટલું જ નહીં એ બંને અલગ છે, એમ માનવું જ બરોબર નથી. આત્મા અને દેહ બંને દેહાત્મામાં – જીવનમાં જ પ્રતીત થાય છે. તેમ કથયિતવ્ય અને એના સ્વરૂપનું સાયુજ્ય હોય તો જ ‘વાર્તા’ ‘વાર્તા’ હોય છે. ‘કથયિતવ્ય અને સ્વરૂપ’ એમ ન કહેતાં ‘કથયિતવ્યનું સ્વરૂપ’ એમ કહેવાવું જોઈએ. લેખક અનુભૂતિથી અભિવ્યક્તિ તરફ ગતિ કરે છે. ભાવક અભિવ્યક્તિ દ્વારા લેખકની અનુભૂતિને પામે છે. કેન્દ્રમાં છે આ સ્વરૂપ, બલ્કે કહો કે સ્વરૂપની અભિવ્યક્તિ. આદિમાં અને અંતે છે સૌંદર્યાનુભૂતિ. પુષ્પમાંથી સૌરભને બાદ કરી શકાય? એના રસ વિના ફળને ઓળખી શકાય? સૌરભ અને રસ એ જ સૌંદર્યાનુભૂતિ. અનુભૂતિ અને આકૃતિનું નિતાન્ત સંપૃક્ત હોવું વાર્તામાં અનિવાર્ય છે. (૩) તમે પૂછો છો ‘આપણે ત્યાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે નવતર શૈલીના જે પ્રયોગો થાય છે એ વાર્તાકલાની દૃષ્ટિએ કેવા લાગે છે?’ પ્રયોગો શ્રી જયંતિ દલાલ અને સુરેશ જોષીએ કર્યા હતા. ચુનીલાલ મડિયા કે ચંદ્રકાન્ત બક્ષી કંઈક જુદા પડ્યા પણ એમણે પ્રયોગો કર્યા હોય તેવું નથી લાગતું. આજે કોઈ વાર્તાકાર પ્રયોગ કરી શકતો હોય તેવું દેખાતું નથી. પ્રયોગ કરવા એ કંઈ રમત વાત છે? પ્રયોગદાસ્ય બતાવવું અને પ્રયોગની અનિવાર્યતા સિદ્ધ કરવી એ બેમાં ભેદ છે. એ પ્રમાણે નવતા અને ફેશનપરસ્તીમાં પણ ભેદ છે. ટૂંકી વાર્તાનું ભાવિ કેવું લાગે છે? સમયને ઓળખી શકાતો નથી, છતાં અનુભવને આગળ કરીને હું કહું તો વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં અસાધારણ ભેદ હોતો નથી. વર્તમાનકાળ જ ભવિષ્યમાં પરિણમતો હોય છે. કશાય ચમત્કારમાં મને વિશ્વાસ નથી. તેથી અત્યારે હાલ જે છે તેના આધારે કહું તો આવતીકાલની ગુજરાતી વાર્તાને તમે સમગ્રતયા આસ્વાદી શકશો એવું લાગતું નથી. અહીં બે-ત્રણ વર્ષની અવધિવાળા ભવિષ્યની વાત કરી રહ્યો છું, બાકી ભવિષ્યમાં બહુ દૂર સુધી હું નજર લંબાવી શકતો નથી. (૪) ઘટનાતત્ત્વનો લોપ થવો જોઈએ – બાદબાકી થવી જોઈએ એવું કોઈ સમજું માણસે કહ્યું નથી. તમારે માની લેવું જ પડશે કે આ જગતમાં કશાયનો લોપ થતો નથી, રૂપાંતર થાય છે. દોઢેક વર્ષ પહેલાં મેં આ અંગે ચર્ચા કરી હતી તેમાં તિરોધાન અને હ્રાસ કરતાં પણ રૂપાંતર પર વધુ ભાર મૂક્યો હતો. વાર્તામાં ઘટના તો હોય જ પણ એની સ્થૂલતા વર્જ્ય છે. સ્થૂલ પ્રસંગોનું પ્રાચુર્ય કલાસૃષ્ટિને ઉપકારક નથી. ઘટનાનું તિરોધાન થવું જોઈએ એમ કહેનારને સૂક્ષ્મતા અભિપ્રેત હતી. વાર્તામાં કશું ઘટિત ન થાય, ક્રિયાશીલતાનો અનુભવ ન થાય તો પ્રાણમયતાનો પણ અનુભવ ન થાય. ઘટના એટલે વાર્તા એવું માનનારા પણ હોય છે. તેમના વિરોધમાં તિરોધાનની વાત કરવામાં આવેલી. વાર્તામાં ઘટનાનું ઘટનારૂપે મહત્ત્વ નથી, જો એનું રૂપાંતર ન થાય તો. ઘટના એટલે happening એવું સમજીએ તો ‘ઘટના’ અનિવાર્ય છે. (૫) વાર્તાએ તેના ભાવક સાથેનું સંધાન જારી રાખવું જોઈએ, એ બાબતે મતભેદ હોઈ શકે જ નહીં. જેવી વાર્તા એવો એનો ભાવક. દરેક ભાવકને ખપ લાગતું મળી આવે છે. વાર્તાઓના જેમ સ્તર હોય છે તેમ ભાવકોના પણ સ્તર હોય. ભાવકો પોતાને કેળવીને સ્તર બદલી શકે. અમને ભાવકની પડી નથી એવું કોઈ વાર્તાકાર કહી શકે નહીં. કોઈપણ કલાપ્રવૃત્તિ ભાવકસાપેક્ષ છે. જે કલાકારને કોઈપણ ભાવક ન હોય તેનો ભાવક એ પોતે હોય છે. અર્થાત્ જે કલાસ્વરૂપમાં અવગમનવું કોઈપણ કક્ષાએ સામર્થ્ય ન હોય તે કલાસ્વરૂપને કંઈક બીજું નામ આપવું જોઈએ. ‘પ્રયોગ, નવીનતાને આવકારીએ’ એમ કહેવામાં જાણે કે આપણે ઉદારતા બતાવી રહ્યા હોઈએ એવું લાગે છે. આ રીતે દયા ખાવાનો કોઈને અધિકાર નથી. આપણે આપણી ગરજે વાર્તા પાસે જઈએ છીએ. આપણે આવકારીએ કે નકારીએ તેથી વાર્તાને કંઈ લાભહાનિ થતી નથી. પ્રશ્ન ભાવક તરીકેની આપણી સજ્જતાનો છે. (૬) પશ્ચિમમાં લખાતી વાર્તાઓ કોણ વાંચે છે અને કોઈ વાંચતું હોય તો તે અનુકરણ કરવા માટે તો નહીં જ. સાચો સર્જક ગ્રહણ કરે, અનુકરણ નહીં. મૌલિક પ્રદાનની વાત પણ ભ્રામક છે. દરેક સર્જક પરંપરાને પચાવીને આગળ ચાલતો હોય છે. એક જાગ્રત માણસની જિંદગીમાં એની પૂર્વેની તમામ જિંદગીઓની ઉપલબ્ધિઓનો સમાહાર હોય છે. (૭) ટૂંકી વાર્તામાં ગદ્યની ગુંજાયશ વિશેષ વર્તાય છે એવું અતિવ્યાપ્તિવાળું વિધાન કરી શકાશે નહીં. દરેક સજર્કે પોતાની ભાષાની ગુંજાયશ તપાસી લેવાની હોય છે. (૮) અર્વાચીન વાર્તાકારોનો પરંપરા સાથેનો વિચ્છેદ કેટલે અંશે અનિવાર્ય છે? વિચ્છેદ હોય તો જ અનિવાર્યતાનો પ્રશ્ન આવે ને? સર્જકનો એક પગ પરંપરામાં અને બીજો પગ અવકાશમાં હોય છે. બીજો પગ આધાર પામે એટલે પરંપરા એક કદમ આગળ વધે. નવીનો જૂનાનો અનાદર કરે છે એમ કહેવામાં અસંતોષમૂલક આક્ષેપ રહેલો છે. જે સાહિત્ય છે તે જૂનું થતું નથી, એ તો નિત્ય-નૂતન છે. જે જીર્ણ છે તેનો તો આદર કરવાથી પણ શું? (૯) ગુજરાતીમાં કવિતા પછી ટૂંકી વાર્તા વિકાસશીલ લાગે છે. (૧૦) જે વાર્તાકારોને મેં વાંચ્યા છે, ભારતીય કે પરદેશી, તેમાંથી કોઈની બધી વાર્તાઓ ગમી નથી. તમે વાર્તાઓનાં નામ પૂછ્યાં હોત તો જવાબ આપત.

૧૯૬૫