વાસ્તુ/7

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સાત

સંજય-અમૃતાના પ્રથમ પરિચયની એ ક્ષણોનો મંદાર સાક્ષી હતો. ત્યારે મંદાર સેકન્ડ એમ.બી.બી.એસ.માં ભણતો. એક સાંજે મેડિકલ કૉલેજની હૉસ્ટેલના મંદારના રૂમમાં સંજય વરસાદ અગાઉના વાવાઝોડાની જેમ દાખલ થયો. એની રગેરગમાં શેર શેર લોહી ચઢતું નરી આંખેય જોઈ શકાતું. એના દેહમાં ઊભેલા અસંખ્ય ઘોડાઓ જાણે દોડવા માટે થનગની રહ્યા હતા. એની આંખોમાંય જાણે અસંખ્ય મોજાંઓ ઊમટતાં હતાં. એ જોઈ મંદારે સીધું જ પૂછ્યું – ‘કોઈ છોકરીને પાડી દીધી કે શું?’ ‘તને છોકરી સિવાય બીજું કંઈ સૂઝતું કેમ નથી?’ અહીં આ મેડિકલ કૉલેજ હૉસ્ટેલના કૅમ્પસમાં કે આજુબાજુય સારી છોકરી દીવો લઈને ગોતીએ તોય જોવા નથી મળતી તે અમને તો છોકરીઓનો જ વિચાર આવે ને?’ ‘હા યાર, તારી વાત સાચી છે,’ દાઢી પસવારતાં ઉમેર્યું, ‘કવિતાને મેળવવી – પામવી એ કદાચ કોઈ કન્યાના પ્રેમમાં ગળાડૂબ ડૂબવા-મરવા જેવું જ છે, કદાચ એનાથીયે અધિક.’ ‘લેક્ચર ફાડ્યા વિના હવે મૂળ વાત પર આવ ને...’ ‘હં તો, કાલે મારી કૉલેજમાં કવિસંમેલન છે. આદિલ મન્સૂરી, રમેશ પારેખ, મનોજ ખંડેરિયા ને ચિનુ મોદી આવવાના છે; તારેય આવવાનું છે.’ ‘અઠવાડિયા પછી મારે પરીક્ષા છે એનું શું? અત્યારે એક મિનિટ પણ બગાડવી મને પોસાય નહિ.’ આ સાંભળતાંવેંત સંજય ઊભો થઈને ચાલવા માંડ્યો. મંદારે એનો હાથ પકડીને ખેંચ્યો ને મુક્કો મારતાં કહ્યું – ‘મારો એ મતલબ નહોતો. પણ તને તો ખબર છે ને કે મને કવિતા-ફવિતામાં બહુ રસ નથી.’ ‘પણ કાલના કવિસંમેલન માટે કૉલેજમાંથી માત્ર હું જ પસંદ થયો છું. જિંદગીમાં પહેલી જ વાર મોટા કવિઓની હાજરીમાં સ્ટેજ પરથી આમ મારી કવિતા વાંચીશ.' ‘તો હું ચોક્કસ આવીશ. પણ તારી કવિતા પતે કે તરત નીકળી જઈશ.’ સાંભળીને સંજયે મંદારને હુકમ કર્યો – ‘ના, તારે નથી આવવાનું.’ ‘કેમ?’ ‘અઠવાડિયા પછી જ તારી પરીક્ષા છે. આ તો કવિતા રજૂ કરવા મળશે એનો નશો મારા મન પર સવાર હતો તે તનેય લઈ જવા કવિહઠ કરતો હતો. પણ મારામાંથી મારા કવિને બાદ કરીને વિચારું છું ને કહું છું કે તારે નથી આવવાનું.’ ‘સારું, જોઈશ. જેટલો સમય કવિસંમેલન માટે બગડે એટલો સમય જો હું રોજ થોડું વધારે મોડા સુધી વાંચીને કવર કરી શકીશ તો આવીશ. ન આવી શકું તોય મારી શુભેચ્છાઓ તારી સાથે જ છે કે તું હંમેશાં સફળ થાય અને તારી કવિતાઓને એક બ્યૂટીફૂલ, સૉરી, અતિ સુંદર ભાવિકાય મળે!’

કવિસંમેલન શરૂ થયું. બીજા કવિઓએ તો પૅન્ટ-શર્ટ જ પહેરેલાં. સંજયે નેવી બ્લૂ જિન્સના પૅન્ટ ઉપર ખાદી સિલ્કનો આડા બ્રાઉન શેડવાળો ક્રીમ રંગનો ઝભ્ભો પહેરેલો. દાઢીય તાજી જ સરખી કરાવેલી ને એની ભરાવદાર ભમરો પણ રોજ કરતાં આજે જુદી લાગતી. નાનકડા સુંદર બૂકે દ્વારા કૉલેજ-કન્યાઓએ કવિઓનું સ્વાગત કર્યું. સંજયનેય બૂકે આપવા એક કન્યા આવી. એની સાથે નજર મેળવવા ને એકાદ સ્મિતની આપ-લે કરવા સંજયનું હૈયું તલપાપડ બન્યું. પણ પેલી કન્યા તો નજર લગીર ઢળેલી રાખીને જ, હળવેકથી સંજયના હાથમાં બૂકે મૂકી, ટૂંકા ટૂંકા પણ ઝડપથી ડગ ભરતી ચાલી ગઈ, કોક કાવ્યપંક્તિ સમી. સ્વાગત-આવકારની ઔપચારિકતા પૂરી થઈ. સંચાલક કવિશ્રી આદિલ મન્સૂરીએ કંઈ બોલવાની શરૂઆત કરી ત્યાં જ માઇકે તીણી વ્હીસલ મારી, કવિ બોલતા અટક્યા. માઇકવાળાએ એમ્પ્લિફાયરનું એક નૉબ ડાબી તરફ જરી ફેરવ્યું ને ડોકું હલાવી ‘ઓ.કે.’નો ઇશારો કર્યો. આદિલસાહેબે ખોંખારો ખાધો, બે-ચાર સારા શેર, મુક્તક રજૂ કરી એક વાતાવરણ ઊભું કર્યું. પછી કહ્યું : ‘હવે શરૂઆત કરીએ તમારી જ કૉલેજના તરુણ કવિ સંજય મજમુદારથી. સંજય મજમુદાર…’ તાળીઓના ગડગડાટે સંજયને વધાવી લીધો. માઇક પાસે આવીને સંજય ઊભો રહ્યો. માઇક સહેજ ઊંચું કર્યું. અત્યંત ધીમા ને ભારે અવાજે એણે કહ્યું – ‘ગઝલ છે.’ ‘ઇર્શાદ!’ મહેમાન કવિઓમાંથી કોઈ બોલ્યું. પણ શ્રોતાઓમાંથી કોઈ જ અવાજ આવ્યો નહિ. ‘એક મિનિટ, સંજય.’ આદિલસાહેબ બોલ્યા. પછી શ્રોતાઓને સંબોધન કર્યું : ‘યુવા દોસ્તો, કોઈ કવિ ગઝલ રજૂ કરતાં પહેલાં જ્યારે કહે કે – ગઝલ છે – ત્યારે આપણે કહેવાનું – ઈર્શાદ– શું કહેવાનું?’ આ બધા જ શ્રોતાઓ એકીસાથે બોલી ઊઠ્યા – ‘ઇર્શાદ.’ પછી આદિલસાહેબે સંજયને રજૂઆત માટે ઇશારો કર્યો. સંજયે વળી કહ્યું, ‘ગઝલ રજૂ કરું છું.' ‘ઇર્શાદ!’ શ્રોતાઓના અવાજથી હૉલ ગુંજી ઊઠ્યો. બરાબર આ જ ક્ષણે મંદાર આવી પહોંચ્યો. સંજયનો પહેલો શેર સાંભળતાંવેંત કવિશ્રી ચિનુ મોદીની ભમ્મરો ઊંચકાઈ, ચશ્માંના કાચ પાછળ આંખો ચમકી ને મુખમાંથી ‘વાહ’ સરી પડ્યું ને આગળ સાંભળવા કાન ઉત્સુક થયા. ગઝલ પૂરી થતાં જ તાળીઓના ગડગડાટથી હૉલ ગાજી ઊઠ્યો. સંજય એની ડાયરી બંધ કરી પાછો ફરવા જતો હતો ત્યાં આદિલસાહેબ બોલ્યા, ‘એક ઓર હો જાયે, કવિ.’ શ્રોતાઓમાંથીય કોઈએ બૂમ પાડી, ‘તરન્નૂમમાં…’ સંજયે આલાપ શરૂ કર્યો. પછી હૉલમાં ટાંકણી પડવાનોય અવાજ સંભળાય એવી શાંતિ થઈ ગઈ. સંજયે અત્યંત ભાવવાહી અવાજમાં, શબ્દે શબ્દને ઘૂંટી ઘૂંટીને ગાવાનું શરૂ કર્યું. બીજા શેરથી તો એ સંપૂર્ણપણે ‘ટ્રાન્સ’માં આવી ગયો. એનું આખેઆખું હૃદય જાણે પ્રવાહી બનીને એના સ્વરમાં રેડાતું હતું ને દરેકેદરેક શબ્દ સાચા મોતીની જેમ ચમકી ઊઠતા હતા. મંદારને કવિતામાં જરીકે રસ નહિ. પણ છેલ્લા બે શેર તો એનાય કાનમાંથી સીધા જ હૈયામાં પ્રવેશી ગયા –

‘એક બારી હોત જો આકાશને,
એને ખોલી ક્યાંક ઊડી જાત હું
મોત, તેં જો ગીત ગાયું હોત તો
રાત પડતાંવેંત ઊંઘી જાત હું.’

પોતાને બૂકે આપ્યા પછી એ કન્યા શ્રોતાઓમાં ક્યાં જઈને ગોઠવાઈ છે એ સંજયે અગાઉથી જ નોંધી રાખેલું. ગઝલ પૂરી થતાં તાલીઓના ગડગડાટ વચ્ચે સંજયે એ સુંદર કન્યા તરફ નજર નાખી. નજર મળતાં જ તાળી પાડી રહેલી એ કન્યાના મુખ પર ધજાની જેમ મોહક સ્મિત ફરકી ઊઠ્યું. સંજયે પણ સહેજ માથું નમાવી સસ્મિત એનો સ્વીકાર કર્યો ને પોતાની જગા પર આવીને ગોઠવાયો. કોઈ કન્યાએ આપેલું ફૂલ એનો પ્રેમી જેમ એની ડાયરીનાં પાનાંઓ વચ્ચે મૂકી રાખે એમ સંજયે પણ એ કન્યાનું સ્મિતપુષ્પ એના હૃદયમાં જાળવીને મૂકી દીધું. કવિસંમેલન પૂરું થયું કે તરત મંદાર દોડતો સ્ટેજ પર આવી ગયો. જોરથી સંજયને ભેટીને એની પીઠે જોરદાર ધબ્બો મારીને એણે અભિનંદન આપ્યા. છોકરા-છોકરીઓનાં ઝૂમખાં કવિઓની આજુબાજુ ઑટોગ્રાફ બુક લઈને ટોળે વળેલાં એ તરફ સંજય જોઈ રહેલો ને મનોમન કલ્પના કરતો – પોતેય મોટો કવિ થશે એ પછી પોતાનો ઑટોગ્રાફ લેવા માટે બધાં આમ પડાપડી કરશે… પણ અત્યારે? ધારો કે કોઈ કન્યા કોઈ કવિનો ઑટોગ્રાફ લઈને પોતાની સામે જુએ ને ચહેરા પર દયાના ભાવ લાવીને પોતાનો ઑટોગ્રાફ લીધા વિના જ ચાલી જાય તો? પોતે કેવો છોભીલો પડી જાય?! આવો વિચાર આવવાથી સંજય બીજા કવિઓથી થોડોક દૂર જઈને ઊભો રહ્યો. એના ચહેરા પર ને આંખોમાં ઈર્ષ્યા ભભૂકતી હતી. ‘ચાલ કવિ, હું જઉં.’ મંદાર બોલ્યો. ‘જવાય છે યાર, રહે ને, બહાર કોષ્ટિની રૅકડી પર ચા પીને પછી નીકળ.’ ત્યાં સંજય જોયું તો પેલી કન્યા સ્ટેજ તરફ આવી રહી હતી. સંજયને એમ કે, એ પણ બીજાંઓની જેમ મોટા કવિઓના હસ્તાક્ષર માટે આવતી હશે. પણ એ તો મોટા કવિઓને ઓળંગીને સીધી સંજય ભણી આવી. એવું જ મોહક સ્મિત વેરતી એ સંજયની સામે ઊભી રહી. એની ઑટોગ્રાફ બુક ખોલીને સંજય સામે ધરે એ પહેલાં તો એણે ઑટોગ્રાફ બુક બંધ કરી દીધી ને જમણી હથેળી સંજય સામે ધરીને કહ્યું, ‘ઑટોગ્રાફ પ્લીઝ…’ સંજયે ખિસ્સામાંથી પેન કાઢી પણ પછી બીજી જ ક્ષણે ખિસ્સામાં પાછી મૂકી દીધી. પછી તર્જની વડે એણે એ કન્યાની ગોરી હથેળીમાં ‘ઑટોગ્રાફ' આપ્યા... એ ક્ષણોમાં એ કન્યાના સુંદર મુખ પર થોડી રતાશ દોડી આવેલી ને એનું સ્મિત પણ એ ક્ષણોમાં વધારે મોહક બનેલું. ભરેલા ગાલમાંના ખંજન સ્મિતને વધુ સુંદર બનાવતાં હતાં. ગોરો રંગ, કાળાભમ્મર વાળ, ગોળમટોળ મોં, મોટું કપાળ, અણિયાળું નાક, બંને ગાલ ભણી ખાસ્સું વિસ્તરીને સ્મિત વેરી રહેલા મરુન લિપસ્ટિક લગાવેલા હોઠ. ચમકતી એકસરખી દંતપંક્તિ, હસતી વખતે ગુલાબી પેઢાંય જરી દેખાય. સંજયે પણ સામી હથેળી ધરીને એને કહ્યું, ‘ઑટોગ્રાફ?’ ‘હું ક્યાં કવિ છું?’ ‘તું તો કવિતાથીય વિશેષ છે.’ ને એ કન્યાએ સંજયની હથેળીમાં તર્જની વડે એનું નામ લખ્યું. મંદાર પણ સંજયની આ ક્ષણોને માણી રહ્યો હતો. ‘તારું નામ?’ સંજયે પૂછ્યું. ‘અબ્બી હાલ મારું નામ તારી હથેળીમાં સોંપ્યું તો ખરું… ખબર ન પડી?' સંજયે નકારમાં ડોકું ધુણાવ્યું. એણે સંજયનો હાથ પકડી ફરી એની હથેળીમાં તર્જની વડે ખૂબ ધીમેથી નામ લખ્યું ને પછી પ્રશ્નાર્થ નજરે સંજયની આંખોમાં જોયું. ‘અમૃતા?’ ‘હા.’ કહી એ પતંગિયાની જેમ જાણે ઊડતી ઊડતી છોકરીઓના ઝૂમખામાં ખોવાઈ ગઈ. સંજય તો જાણે કોક સ્વપ્નમાંથી બહાર આવ્યો હોય એમ ઊભો જ રહી ગયો… ‘સંજય’, જોરદાર ધબ્બો મારીને સંજયને ભાનમાં લાવતાં મંદાર બોલ્યો, ‘હવે માત્ર ચાથી નહિ ચાલે, હવે તો આઇસક્રીમ – કિંગકોન…’