વાસ્તુ/6
‘હા…શ. છેક હવે ઊંઘ્યો. ક્યારની હીંચોળતી'તી…’ વિસ્મય ઊંઘતાં અમૃતાએ રાહતનો શ્વાસ લીધો. ‘સવારથી છાપું જોવાનોય ટાઇમ નથી મળ્યો…’ બબડતી અમૃતાએ છાપું હાથમાં લીધું. પણ માત્ર એની નજર છાપાના કાળા અક્ષરો પર ફરતી હતી પણ કશું એના મગજ સુધી પહોંચતું નહોતું. અજગર જેવા એક વિચારે એના મનનો ભરડો લીધેલો. તે એનું મન ભીંસાતું જતું હતું. બીજા પૅથૉલૉજિસ્ટના રિપોર્ટ્સ કેવા આવશે? લાવ, ડૉ. મંદાર પરીખને ફોન ફરી જોઉં? અત્યાર સુધીમાં અમૃતા મંદારને ચારેક ફોન કરી ચૂકેલી. દરેક વખતે મંદારે જવાબ આપેલો, ‘રિપોર્ટ્સ આવશે કે તરત હું તમને ફોન કરીશ.’ ક્યારે આવશે મંદારનો ફોન? એવા વિચાર સાથે અમૃતાએ ફોન સામે જોયું ને તરત રિંગ વાગી. માંડ માંડ ઊંઘેલો વિસ્મય ક્યાંક જાગી જશે તો?' – એવા ધ્રાસકા સાથે અમૃતા દોડી ને બીજી જ રિંગે રિસીવર ઉપાડી લીધું. એ પછીયે વિસ્મય તરફ એક નજર નાખી લીધી, એ હલ્યો તો નથી ને? ‘હૅલો’ ‘હું મંદાર.’ ‘બીજા પૅથૉલૉજિસ્ટના રિપોર્ટ્સ કેવા આવ્યા?’ ‘અમૃતા…’ મંદારનો અવાજ આ ક્ષણે એકદમ ધીમો, ઘેરો અને ભારે હતો. અવાજમાં આછો કંપ પણ હતો. ‘કેમ તમારો અવાજ કંપે છે? કશું ગંભીર તો નથી ને?’ આમ પૂછતાં અમૃતાના અવાજમાં જ નહિ, પણ આખાયે શરીરમાં અનેક કંપનો ઊઠ્યાં. ‘એવું ખાસ ગંભીર નથી, પણ…’ ‘પણ’ના ‘ણનો અનુનાદ થોડી ક્ષણ ચાલુ રહ્યો. ‘પણ શું? જે હોય તે કહી દો, મંદાર.’ અમૃતાનો અવાજ ખાસ્સો ઊંચો થઈ ગયો. એના અવાજની ફ્રિક્વન્સી પણ ઓચિંતી વધી ગઈ. અમૃતાને એવું લાગ્યું કે એની છાતીમાંનું હૃદય એના મૂળ સ્થાનેથી એકાદ વેંત જેટલું ઊંચું ન થઈ ગયું હોય! ‘તમે મારા દવાખાને આવી શકો? રૂબરૂ વાત કરીશું.’ ‘સંજયનેય સાથે લેતી આવું?’ ‘ના.' સામે છેડે રિસીવર મૂકવાનો અવાજ આવ્યો એ પહેલાં જ, ‘ના’ સાંભળતાં જ જાણે સીધી જ હૃદય પર વીજળી ત્રાટકી હોય એમ અમૃતાને ફાળ પડી. બરાબર એ જ ક્ષણે વિસ્મય એકદમ ચીસ પાડીને જોરજોરથી રડવા લાગ્યો. ‘શું થયું વિસ્મયને?’ બીજા ખંડમાંથી બા હાંફળાંફાંફળાં દોડી આવ્યાં. અમૃતાએ દો...ડીને વિસ્મયને ઊંચકી લઈ છાતીસરસો ચાંપ્યો. એમ કરવાથી જાણે અમૃતાને પોતાને કશુંક આશ્વાસન ન મળતું હોય! ‘શું થયું? પડી ગયો? વાગ્યું? કેમ રડે છે આટલું બધું?’ બાએ સામટા સવાલો પૂછી નાખ્યા. માએ છાતીસરસો ચાંપેલો તોય વિસ્મયનું રડવાનું જરીકે ઓછું ન થયું. ખૂબ ઊંચેથી પછડાયો હોય ને ખૂબ વાગ્યું હોય એમ એ જોરજોરથી રડતો હતો. ‘લાવ, એને મારી પાસે,’ બા બોલ્યાં, ‘એને ક્યાંક પેટમાં પીડ-બીડ આવતી ન હોય. લાવ, એનું પેટ જોવા દે, ભારે તો નથી લાગતું ને?’ બાએ વિસ્મયને ખોળામાં લઈને જોયું તો એની જાંઘ પર લાલ મંકોડો ચોંટેલો! મંકોડો ઉખાડ્યો તો એનો પાછલો અડધો ભાગ જ ઊખડ્યો. આગલો ભાગ હજીય ચોંટી રહેલો. અંગૂઠા ને તર્જની વચ્ચે બરાબર પકડીને એને ઉખાડ્યો. મંકોડો કરડેલો એ ભાગ લાલચોળ થઈ ગયેલો. ‘મંકોડો કરડી ગયેલો… બીજું કંઈ થયું નથી મારા વિસ્મયને… ચા…લો…ચા…લો બેટા, હવે રડવાનું નહિ.' – કહી વિસ્મયને વહાલ કરતાં બાની નજર અમૃતા પર પડી. ‘તારું મોં કેમ આટલું બધું ગભરાયેલું લાગે છે? મંકોડો કરડ્યો એમાં આટલું ગભરાવાનું શેનું? એને જાણે એરુ આભડ્યો હોય એવું મોં થઈ ગયું છે ને તારું!’ વિસ્મયને નહિ, પણ સંજયને કોઈ ગંભીર રોગ આભડી ગયો છે. નહિ તો મંદાર આમ… – વિચારતી અમૃતા બાથરૂમમાં દોડી ગઈ. બારણું બંધ કર્યું. આંખો ઊભરાઈ આવી. આડો હાથ ભીંત પર મૂકી, હાથ પર માથું ટેકવીને થોડી ક્ષણ આંસુઓને વહી જવા દીધાં. પછી ચહેરા પર ખૂબ પાણી છાંટ્યું. ખોબામાં પાણી લઈ લઈને આંખોમાં છાલકો મારી. જોર જોરથી પાણીની છાલકો મારવાથી જાણે ચહેરા પરની ભયની રેખાઓ ભૂંસાઈ જવાની ન હોય! સંજયના ગાલથી ગાલ દાબતી હોય એમ ચહેરા પર રૂંછાંરૂંછાંવાળો નૅપ્કીન દાબ્યો, વાળ છુટ્ટા કરી, કાંસકો ફેરવીને રબર નાખી દીધું. ચહેરા પરની ભયની રેખાઓ સંતાડવા જ કદાચ પાઉડર છાંટ્યો. ગાઉન કાઢી ઝટ ઝટ સાડી વીંટી, હાથમાં પર્સ લીધું ને બા કશુંક પૂછે ને એના ચહેરા પરનો સ્વસ્થતાનો નકાબ તૂટી પડે એ પહેલાં જ, બા, હું મારી બેનપણીને ત્યાં જાઉં છું.' – કહી સડસડાટ નીકળીયે ગઈ. બા જોતાં જ રહી ગયાં! મનોમન બબડ્યાં – વિસ્મયને મંકોડો કરડ્યો એમાં ઘડીક પહેલાં તો અમૃતા કેટલી ગભરાઈ ગયેલી ને હવે હજી હમણાં જ જરીક શાંત થયેલા વિસ્મયને રાખવા-રમાડવાના બદલે બેનપણીઓનાં ઘર ગણવા નીકળી પડી! આજકાલની વહુવારુઓના મનનું ને મૂડનું કંઈ ઠેકાણું જ નથી હોતું…
‘શું થયું છે સંજયને?’ મંદારની ચૅમ્બરમાં દાખલ થતાંવેંત લગભગ ચીસ જેવા તીણા અવાજે અમૃતા બોલી. છાતીની ધમણ જોરજોરથી હાંફતી હતી. એના ચહેરાનાં રંગ-રૂપ… એના ચહેરાનું જાણે ભય ને ચિંતામાં રૂપાન્તર થઈ ગયેલું. બે શ્વાસ વચ્ચેની ખાલી જગ્યા આખા ખંડમાં વિસ્તરીને થીજી ગઈ. મંદાર થોડી ક્ષણ અમૃતા સામે તાકી રહ્યો. અમૃતાના ગળામાં અવાજ થીજી ગયેલો. પણ એની વેધક આંખોમાંથી અનેક પ્રશ્નોનાં સહસ્ર બાણ છૂટતાં હતાં. એનો દરેકેદરેક ઉચ્છ્વાસ પણ જાણે પૂછતો હતો – ‘શું થયું છે મારા સંજયને?’ ‘શાંત થાવ અમૃતા,’ એકાદ ક્ષણ અટકીને પછી મંદારે ઉમેર્યું, ‘નહીંતર તમનેય કશું કહી શકાશે નહિ.’ એક ક્ષણમાત્રમાં જ અમૃતાએ સ્વસ્થતાનું મહોરું પહેરી લીધું ને ધીમા, શાંત અવાજે પૂછ્યું – ‘કશું ગંભીર છે?’ ‘હા.’ પછી મંદારે વિચાર્યું, કઈ રીતે અમૃતાને કહેવું? – ‘બીજા પૅથૉલૉજિસ્ટનો રિપોર્ટ પણ…' ‘જે હોય એ કહી દો, ડૉક્ટર.’ જરા ઊંચા અવાજે અમૃતાથી બોલાઈ ગયું. પણ પછી તરત શાંત થઈને એ બોલી – ‘કલ્પેલા કે ધારેલા દુઃખ કરતાં વાસ્તવમાં આવી પડતું દુઃખ સહન થાય એવું હોય છે. બોલો, શું થયું છે સંજયને?’ બીજા કોઈને તો ડૉ. મંદારે તરત કહી દીધું હોત કે શું થયું છે. પણ અમૃતાને કઈ રીતે કહેવું? એ માત્ર મંદારના મિત્રની પત્ની નહોતી. અમૃતા-સંજય પ્રેમમાં પડેલાં ને એની જાણ થતાં અમૃતાનાં માતા-પિતાએ કર્ફ્યુ નાખેલો ત્યારે મંદાર જ બેય જણને એકમેકના સંદેશા પહોંચાડતો. ત્યારથી અમૃતાય મિત્ર બની ગયેલી. ‘ડૉન્ટ ફીલ એની હેઝિટેશન, મંદાર, પ્લી…ઝ… હું સ્વસ્થ છું અને રહીશ. બોલો, શું થયું છે સંજયને?’ મંદારે હિંમત એકઠી કરીને કહ્યું – ‘લ્યૂકેમિયા.’ ‘એટલે?’ ‘બ્લડકૅન્સર.’