વિશ્વપરિચય/ભૂલોક
બીજા ગ્રહોના આકાર વિષે અને તેની ગતિ વિશે થોડી થોડી ખબર ભેગી થઈ છે. કેવળ પૃથ્વી એ જ એક એવો ગ્રહ છે જેના શરીરનું બંધારણ આપણે લગભગ પૂરેપૂરું જાણી શક્યા છીએ. ગૅસ અવસ્થા વટાવીને જ્યારથી તેનો દેહ ઘન બન્યો છે ત્યારથી જ તેના સર્વ અંગ ઉપર તેના ઇતિહાસનાં વિવિધ ચિહ્નો અંકાતાં રહ્યાં છે. પૃથ્વીના ઉપરના થર ઉપર કોઈ ઢાંકણુ ન હોવાને લીધે તે ભાગ જલદી ઠંડો પડીને સખત થઈ ગયો, અને અંદરનો થર ધીમે ધીમે નક્કર થતો રહ્યો. દૂધની મલાઈ ઠંડી પડતાં પડતાં જેમ તેના ઉપર કરચલીઓ પડી જાય છે, તેમ પૃથ્વીની ઉપર થર કંડે પડતાં તેના ઉપર પણ કરચલીઓ પડવા લાગી. કરચલીઓ પડી જવાથી દૂધની મલાઈ જેટલી ઊંચીનીચી થઈ જાય છે તેટલાનો આપણે હિસાબ જ નથી ગણુતા, પરંતુ કરચલી પડી ગયેલા પૃથ્વીના પડની અસમાનતાને એમ સામાન્ય વસ્તુ ગણી કાઢી ઉડાવી નહિ દઈ શકાય. નીચેનું પડ આ અસમાનતાનો ભાર સહન કરવા જેટલું પાકું થયું નહોતું. એટલે બરાબર ટેકા ન મળવાને લીધે ઉપરનું સખત પડ ભાંગીને ગોબાઈને ઊંચું નીચું થવા લાગ્યું અને એ રીતે પહાડ પવતેએ દેખા-દીધી. ઘરડા માણસના કપાળની ચામડી ઉપર કરચલી પડવાથી જેમ વાટ પડી જાય છે, તેમ એ પણ જાણે પૃથ્વીના ઉપરના ચામડાની વાટ છે. પૃથ્વીની ગંજાવર ઊંડાઈના પ્રમાણમાં એ પહાડ પર્વત માણસની ચામડી ઉપરના વાટાની રેખા કરતાં પણ નાના જ ગણાય-મોટા નહિ. પ્રાચીન યુગની પૃથ્વીમાં કરચલી પડી ગયેલું પડ ઊંચુંનીચું થઈ જવાથી ક્યાંક ખાઈ પડી ગઈ. ક્યાંક ડુંગર બની ગયો. એ ખાઈઓ તે વખતે હજી પાણીથી ભરાઈ ગઈ નહોતી, કારણ કે ત્યારે પૃથ્વીના તાપથી પાણીની વરાળ થઈ ગયેલી હતી. ધીમે ધીમે ઘટતી ઠંડી પડી, અને વરાળનું પાણી થયું. તે પછી ખાઈમાં ભરાઈ જવાથી સમુદ્ર બન્યા. પૃથ્વીના ઘણા પાણીની વરાળ તો પ્રવાહી બની ગઈ; પરંતુ હવાના મુખ્ય ગૅસો ગૅસ જ રહ્યા. તેમને પ્રવાહી બનાવવા એ સહેલું નથી. જેટલી ઠંડી હોત તો તેઓ પ્રવાહી બની શકત તેટલી ઠંડીમાં પાણી ઠરી જાત. આખી પૃથ્વી બરફના બખ્તરથી ઢંકાઈ જાત મધ્યમસરની ઠંડી ગરમીમાં ઓક્સિજન નાઈટ્રોજન વગેરે હવામાંની ગૅસરૂપ વસ્તુઓ સહેલાઈથી હરફર કરે છે, આપણે શ્વાસ લઈને જીવીએ છીએ. પૃથ્વીની અંદરની બાજુએ સંકોચન હજી તદ્દન અટકી ગયું નથી, તેની જ હિલચાલના ધક્કાને લીધે એકાએક ક્યાંક તળિયેની જગ્યા જે નીચેથી જરા ખસી જાય, તો ઉપરનું સખત આવરણ ભાંગી જઈને તેની ઉપર જોરથી પડે છે, પૃથ્વીના પડને હલાવી મૂકે છે, ભૂકંપ થાય છે. વળી કોઈ કોઈ જગ્યાએ ભાંગેલા પડના દબાણથી નીચેની ગરમ પ્રવાહી વસ્તુ ઉપર છલકાઈ આવે છે. પૃથ્વીની અંદરની અવસ્થા જાણવા માટે જેટલે ઊંડે સુધી ખોદીને જોવું જોઈએ તેટલું ઊંડે સુધી હજી કોઈએ ખોદ્યું નથી. કોચલાની શોધમાં માણસ જમીનમાં જેટલે ઊંડે ઊતર્યો છે તે એક માઈલથી વધારે નથી. તેના ઉપરથી માત્ર એટલું જાણવા મળ્યું છે કે જેમ જેમ આપણે પૃથ્વીની નીચે જતા જઈએ છીએ તેમ તેમ અમુક ચોક્કસ પ્રમાણમાં ગરમી વધતી જાય છે. આ ગરમી વધવાનું પ્રમાણુ બધે ઠેકાણે સરખું નથી હોતું, જુદે જુદે ઠેકાણે જુદું જુદું હોય છે. એક વખત એ એક મત પ્રચલિત હતો કે જમીનનું પડ પૃથ્વીની અંદર રહેલા તાપથી પીગળી ગયેલી પ્રવાહી ધાતુ ઉપર તર્યા કરે છે. અત્યારનો મત એ છે કે પૃથ્વી નક્કર છે, અંદરના ભાગમાં ગરમીનું અસ્તિત્વ માલૂમ પડે છે. ખરું પણ પૃથ્વીના પડમાં જે બધા તેજસ્ક્રિય પદાર્થો રહેલા છે તેમાંથી પુષ્કળ ગરમી મળી રહે છે. તેના અંદરના કેન્દ્રનું ઉપાદાન લોઢા કરતાં પણ ઘન છે. સંભવ એ છે કે તે સ્થાન ખૂબ ગરમ હશે, પરંતુ એટલું ગરમ નહિ હોય કે જેથી અંદરની વસ્તુ ગળી જાય. એવું અનુમાન કરવામાં આવે છે કે ત્યાંની વસ્તુ લોઢું અને નીકલ છે, એ બે હજાર માઈલમાં વ્યાપેલાં છે, અને તેમની આસપાસ જે પડ છે તે જાડું છે, બે હજાર માઈલથી પણ વધારે. પૃથ્વી આખી જ જો જળમય હોત તો તેનું વજન જેટલું હોત, તેના કરતાં જળ અને સ્થળ બંને હોવાને કારણે તેનું વજન સાડા પાંચ ગણા કરતાં પણ વધારે છે. તેના ઉપરના પડનો પથ્થર પાણી કરતાં ત્રણ ગણો વધારે ઘન છે. એટલે એની અંદરના ભાગમાં એના કરતાં પણ ભારે વસ્તુઓ છે એમ માની લેવું પડે છે. કેવળ ઉપરના દબાણને લીધે જ અંદરની વસ્તુઓનું ઘનત્વ વધી ગયું છે એમ નથી, ત્યાંના વસ્તુપુંજનું વજન સ્વાભાવિક રીતે જ વધારે છે. પૃથ્વીને જે વાયુ વીંટી વળેલા છે તેના સેંકડે ૭૮ ટકા જેટલા ભાગ નાઈટ્રોજન અને ૨૧ ટકા જેટલા ભાગ ઓક્સિજન છે. બીજા બધા ગૅસો છે તે તો બહુ જ થોડા છે. ઓક્સિજન ગૅસ મળતાવડો ગૅસ છે, લોઢાની સાથે મળી જઈને કાટ લગાડે છે, અંગાર પદાર્થની સાથે મળી જઈને અગ્નિ સળગાવે છે–એવી રીતે વાયુમંડળમાંથી હંમેશાં તે ખૂબ વપરાયા કરે છે. આ બાજુ ઝાડપાન હવામાંના અંગારમય ગૅસમાંથી પોતાને જરૂરી અંગાર લઈ લઈ તે ઓક્સિજનનો ભાગ હવામાં પાછો કાઢી નાખે છે. એમ જો ન હોત તો પૃથ્વીની હવા અંગારમય ગૅસથી ભરાઈ જાત, માણસને શ્વાસ લેવાની હવા મળત નહિ. આકાશમાં ઘણેઊંચે સુધી હવામાં વિશેષ ફેરફાર થતો નથી. જે બધા ગૅસ મળીને હવા બનેલી છે, તેમાંના ઘણાખરા વધારે ઊંચે સુધી પહોંચી શકતા નથી. સંભવ એવો છે કે સૌથી હલકા બે ગૅસ એટલે કે હિલિયમ અને હાઈડ્રોજન એ બે મળીને ત્યાંની હવા બનેલી છે. હવાનું ઘનત્વ ઘટતાં ઘટતાં ધીમે ધીમે હવા ખૂબ ઊંચે ચડી જાય છે. બહારથી પૃથ્વી ઉપર જે ઉલ્કાપાત થાય છે, તે પૃથ્વી ઉપરની હવાના ઘર્ષણથી સળગી ઊઠે છે, તેમાંના ઘણાખરા ૧૨૦ માઈલની ઉપર સળગી ઊઠે છે એવું જોવામાં આવ્યું છે. એની ઉપર પણ પુષ્કળ હવા હોવી જોઈ એ એમ માનવું પડે છે, તેમાં થઈને આવતાં આવતાં સળગી ઊઠવા જેવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. સૂર્યનો પ્રકાશ ૯ કરોડ માઈલ વટાવીને પૃથ્વી ઉપર આવે છે. ગ્રહને વીંટી વળેલા આકાશની શૂન્યતા વટાવીને આવતાં તેજમાં ઝાઝો ઘટાડો થવાનો સંભવ નથી. જે પ્રચંડ તેજની સાથે તે વાયુમંડળના છેક છેવાડાના ભાગમાં પહોંચે છે તેના આઘાતથી ત્યાંની હવાના પરમાણુ જરૂર ભાંગી તૂટીને ભુક્કો થઈ જતા હશે કોઈ આખા નહિ રહેતા હોય. હવાના સૌથી ઊંચા ભાગમાં ભાંગેલા પરમાણુઓનો જે થર રચાય છે તેને એફ ર થર (F૨) એવું નામ આપવામાં આવે છે. ત્યાં ખરચાયા પછી બાકીનાં સૂર્યકિરણ નીચેના ઘનતર વાયુ ‘મંડળ ઉપર આક્રમણ કરે છે, ત્યાં પણ ભાંગેલા પરમાણુઓનો જે થર બને છે તેને (F૧) એફ-૧ થર એવું નામ આપવામાં આવે છે. એથી પણ નીચે વધારે ઘન હવામાં સૂર્યકિરણના આઘાતથી પાંગળાં બનેલાં પરમાણુઓનો બીજો જે થર જોવામાં આવે છે તેને (E) ઈ થર કહે છે. સૂર્યકિરણના વેગણિયા પારનાં કિરણો પરમાણુ ભાંગવાતોડવાના કામમાં સૌથી વધારે ઉદ્યોગી હોય છે. ઉપલા થરમાં ઉપદ્રવ પૂરો કરતાં કરતાં વેગણિયા પારનાં કિરણો ઘણેભાગે ખલાસ થઈ જાય છે અને નીચેના થરમાં બહુ થોડાં પહોંચે છે. એમાં જ આપણો ઉગારો છે. વધારે હોત તો આપણાથી સહન ન થાત. સૂર્યકિરણ સિવાય પણ બીજા અનેક કાળા પહાડ દૂરથી આવીને હવાને અદૃશ્ય ગદાઘાત કરે છે, જેમકે ઉલ્કા, એમની વાત આગળ કહેવાઈ ગઈ છે. એ ઉલ્કા ગ્રહ–આકાશમાં થઈને એક સેકંડે દસથી એક માઈલના વેગે ધસી આવે છે. હવાના ઘર્ષણથી તેમાં ગરમી પેદા થાય છે, તેનું પ્રમાણ ત્રણ હજારથી સાત હજાર ફેરનહાઈટ અંશ જેટલું હોય છે. તેને લીધે વેગણિયા પારના પ્રકાશનાં તીવ્ર બાણ ભાથામાંથી છૂટે છે, અને હવાના અણુઓ ઉપર તૂટી પડી તેમનો બાળીને ચૂરો કરી નાખે છે. એ ઉપરાંત એક બીજા કિરણના વરસાદની વાત પહેલાં થઈ ગઈ છે. તેનું નામ કોસ્મિક રશ્મિ. વિશ્વમાં તે જ સૌથી પ્રબળ શક્તિનું વાહન છે. પૃથ્વીની હવામાં ઓક્સિજન, નાઈટ્રોજન વગેરે ગૅસનાં કરોડો અણુકણ રહેલાં છે. તેઓ અતિશય તીવ્ર વેગથી સદા ફર્યા જ કરે છે, એકબીજા સાથે અથડામણ ચાલ્યા જ કરે છે. જે કણો હલકાં હોય છે તેની ઝડપ વધારે હોય છે. આખા ટોળાના વેગ કરતાં છૂટા સ્વતંત્ર અણુનો વેગ અનેક ગણો વધારે હોય છે. એટલા માટે પૃથ્વીના બહારના આંગણાની હદમાંથી હાઈડ્રોજનના છૂટા અણુ હંમેશાં પૃથ્વીના આક ર્ષણને ચુકાવીને બહાર દોડી જાય છે. પરંતુ ટોળાની બહાર ઓક્સિજન નાઈટ્રોજનના અણુકણની ગતિ કદી પણ અધીરા ભાગેડુનો વેગ પામતી નથી. તેથી પૃથ્વીની હવામાં તેમની ખોટ પડતી નથી; કેવળ તરુણ વયમાં જે હાઈડ્રોજન પૃથ્વીની સૌથી પ્રધાને ગૅસરૂપ સંપત્તિ હતી, તેનો ઘણો ભાગ ધીમે ધીમે તેણે ખોઈ ચૂક્યો છે. મોટી મોટી પાંખવાળાં પંખી કેવળ પાંખ પસારીને જ લાંબા વખત સુધી હવા ઉપર તરતાં ફર્યા કરે છે, એ ઉપરથી આપણે સમજીએ છીએ કે પંખીને આધાર આપી શકે એટલી ઘનતા છે. હવામાંની વસ્તુતઃ કઠણ અને પ્રવાહી વસ્તુઓની પેઠે જ હવાનું પણ વજન જાણી શકાય છે. આકાશથી તે પૃથ્વી સુધી અનેક માઈલો સુધી હવા રહેલી છે. એ હવાનું દબાણ એક ફૂટ લાંબી અને એક ફૂટ પહોળી વસ્તુ ઉપર લગભગ સત્તાવીસ મણ પડે છે. એક સાધારણ માણસના શરીર ઉપર લગભગ ૪૦૦ મણ ઉપરાંત દબાણ પડે છે. આમ છતાં આપણને એની ખબર પડતી નથી. જેમ ઉપરથી તેમ નીચેથી, વળી આપણાં શરીરમાં જે હવા છે તેમાંથી સમાન રીતે હવાનું દબાણ અને ધક્કો લાગે છે એટલે હવાને ભાર આપણને પીડા કરતો નથી. પૃથ્વીનું વાયુમંડળ પોતાના આવરણમાં દિવસને વખતે સૂર્યની ઘણી ગરમીને રોકી રાખે છે, અને રાત્રે મહાશૂન્યની ઠંડીને પણ અટકાવે છે. ચંદ્રના શરીર ઉપર હવાની ઓઢણી નથી તેથી તે સૂર્યના તાપથી ઊકળતાં પાણીના જેટલો ગરમ થઈ જાય છે. આમ છતાં ગ્રહણને વખતે જ્યારે પૃથ્વી ચંદ્ર ઉપર છાયા પાડે છે કે તરત જ જોતજોતામાં તે ઠંડું થઈ જાય છે. હવા હોત તો તાપને અટકાવી રાખી શકત. ચંદ્રમાં કેવળ એટલો જ દોષ નથી, પણ ત્યાં હવા નથી એટલે તે તદ્દન મૂંગો છે, ક્યાંય સહેજ પણ શબ્દ થાય એમ નથી. અમુક રીતે હાલવાથી હવામાં જુદાં જુદાં કદનાં સૂક્ષ્મ મોજાઓ પેદા થાય છે, તે વિવિધ કંપનના ઘા આપણી કાનની અંદરની પાતળી ચામડી ઉપર મારે છે, ત્યારે તે બધાં મોજાં વિવિધ પ્રકારના અવાજરૂપે આપણને સંભળાય છે. હવાનું બીજું પણ એક કામ છે. કોઈ પણ કારણે તડકો જ્યાં કંઈક બાધા પામે છે, ત્યાં છાયામાં પણ પૂરતો પ્રકાશ હોય છે, એ પ્રકાશ ફેલાવનાર હવા છે. નહિ તો જ્યાં તડકો પડતો હોત ત્યાં જ માત્ર પ્રકાશ હોત. છાયા જેવું કશું હોત જ નહિ. પ્રખર પ્રકાશની પાસે જ ઘોર અંધકાર હોત. ઝાડની ટોચ ઉપર તડકો ડોળા ઘુરકાવતો હોત અને તેની તળિયે કાળું ઘોર અંધાર હોત. ઘરના ધાબા ઉપર બપોરનો તડકો બળબળતો હોત અને ઘરની અંદર અમાસની મધરાત ગાજતી હોત., દીવો સળગાવવાનો તો વિચાર કરવો જ ફોગટ જાત, કારણ પૃથ્વીની હવામાં રહેલા ઓક્સિજનું ગૅસની મદદથી જ બધું બળે છે. ઝાડનાં પાંદડાંમાં ગોળાકાર અણુ પદાર્થ હોય છે, તેમાં રેફિલ નામે એક પદાર્થ આવે છે–તેઓ જ સૂર્યનો પ્રકાશ ઝાડના જુદા જુદા ભાગોમાં સંઘરી રાખે છે. તેમની શક્તિને લીધે જ ફળ અનાજ વગેરે રૂપે આપણો ખોરાક તૈયાર થાય છે, અને ઝાડની ડાળનું થડ તરફનું જાડું સખત લાકડું તૈયાર થાય છે. પૃથ્વીની હવામાં અંગારો કિસન ગૅસ થોડા પ્રમાણમાં રહેલું છે. વનસ્પતિમાં જેટલો અંગાર પદાર્થ છે જેમાંથી કોયલા થાય છે, તે બધો આ ગૅસમાંથી લીધેલ હોય છે. આ ઓક્સિજની અંગાર ગૅસ માણસના શરીરમાં કેવળ કામ લાગતો નથી એટલું જ નહિ, એને જો આપણે શરીરમાંથી બહાર નહિ કાઢી નાખી શકીએ તો આપણે મરી જઈએ. પરંતુ ઝાડ પોતાના, ક્લોરોફિલની મદદથી આ ઓક્સિજની આંગારિકને પણ પાણીમાં મેળવીને ડાંગર, ઘઉં વગેરે રૂપે તેનો આપણા માટે ખોરાક બનાવી દે છે, તે ખોરાક વાટે સૂર્યના તડકાની શક્તિને આપણે જીવનના કામમાં લઈ શકીએ છીએ. એ શક્તિને આકાશમાંથી લેવાની શક્તિ આપણામાં નથી, ઝાડમાં છે. ઝાડ પાસેથી આપણે ઉછીની લઈએ છીએ. પૃથ્વીનાં બધાં પ્રાણીઓ ભેગાં થઈને જે ઓક્સિજન ભળેલો અંગારિક ગૅસ નિશ્વાસની સાથે બહાર કાઢે છે, તે ઝાડપાનને કામ આવે છે. દેવતા બાળવામાંથી, વનસ્પતિ અને પ્રાણીઓના દેહ સડે તેમાંથી પણ એ જ ગૅસ હવામાં પ્રસર્યા કરે છે. પૃથ્વીમાં કારખાનાઓમાં અને રાંધવા માટે જે કોયલા બાળવામાં આવે છે તેનું પ્રમાણ કંઈ ઓછું નથી હોતું. તેમાંથી કરોડો મણ અંગારોક્સિજની ગૅસ ઉત્પન્ન થાય છે. ઝાડને માટે જે હવાનું ભોજન જરૂરનું છે તે આ પ્રમાણે નકામી વસ્તુમાંથી મળી રહે છે. હવાને મૌલિક પદાર્થ ન કહી શકાય, એ મિશ્ર વસ્તુ છે. એમાં જુદા જુદા ગૅસ ભળેલા છે પણ મળી ગયેલા નથી. એકત્ર થયેલા છે પણ એક થઈ ગયેલા નથી. હવામાં જેટલા પ્રમાણમાં ઓક્સિજન હોય છે તેના કરતાં લગભગ ચાર ગણો નાઈટ્રોજન હોય છે. કેવળ નાઈટ્રોજન જ હોત તો આપણે શ્વાસ રૂંધાઈને મરી જાત. કેવળ ઓક્સિજન હોત તો આપણી પ્રાણવસ્તુ બળી બળીને ખલાસ થઈ જાત. એ પ્રાણવસ્તુ થોડે અંશે બળે અને થોડેઅંશે બાળવામાં અડચણ અનુભવે, ત્યારે જ આપણે બંને છેડાની વચ્ચે રહી જીવતા રહી શકીએ છીએ. આખું વાયુમંડળ પાણીથી ભેજવાળું હોય છે. વાદળાંમાં જે ભૂલેક પાણી હોય છે, તેના કરતાં અનેકગણું વધારે પાણી હવામાં હોય છે. ઉપરના વાયુમંડળમાં ભાંગેલા પરમાણુના વૈદ્યુત થરની વાત પહેલાં કહી ગયો છું. તે ઉપરાંત કુદરતી હવાના બે થર હોય છે, એમાંનો જે પહેલો થર પૃથ્વીની સૌથી નજીક હોય છે તેનું વૈજ્ઞાનિક નામ ટ્રોપો સ્ફિયર (troposphere) છે, એને આપણે ક્ષુબ્ધ થર કહી શકીએ. પાંચથી દસ માઈલ કરતાં એની ઊંચાઈ વધારે નથી. આખા વાયુમંડળના માપને હિસાબે આ ક્ષુબ્ધ થરની ઊંચાઈ બહુ ઓછી છે, પણ એટલામાં જ હવાના બધા પદાર્થના લગભગ ૯૦ ભાગ રહેલા છે. એટલે બીજા થર કરતાં એ થર અનેકગણે ઘન છે. એ પૃથ્વીને તદ્દન અડીને રહેલો છે એટલે એ થરમાં હંમેશાં પૃથ્વીની ગરમીની અસર લાગ્યા કરે છે. એ ગરમી વધવાઘટવાને લીધે હવા અહીં આખો વખત દોડાદોડ કર્યા કરે છે. એટલે એ ઘરમાં જ વાવાઝોડાં થાય છે, એની ઉપર જે થર આવેલો છે, ત્યાં પૃથ્વીની ગરમી વાવાઝોડાં કે તોફાન પેદા કરી શકતી નથી. તેથી ત્યાંની હવા શાંત હોય છે. વિદ્વાનોએ એ થરનું નામ સ્ટ્રેટોસ્ફિયર (stratosphere) પાડ્યું છે. આપણે એને સ્તબ્ધ થર કહીશું. આદિ સૂર્યમાંથી જેમ પૃથ્વી નીકળી આવી છે તેમ બાષ્પદેહી આદિ પૃથ્વીમાંથી ચંદ્ર નીકળી આવ્યો છે. ત્યાર પછી કરોડો વરસે પૃથ્વી ઠંડી પડીને કઠણ થઈ, ચંદ્ર પણ ઠંડો પડીને કઠણ થયો. બે લાખ ઓગણચાલીસ હજાર માઈલ દૂરથી ૨૭૧/૩ દિવસમાં ચંદ્ર પૃથ્વીની એકવાર પ્રદક્ષિણા ફરે છે. તે પ્રદક્ષિણા ફરતી વખતે કેવળ એક બાજુ પૃથ્વી તરફ રાખે છે. એનો વ્યાસ લગભગ ૨૧૬૦ માઈલનો છે, એનું ઉપાદાન પાણી કરતાં ૩૧/૨ ગણું ભારે છે. બીજા ગ્રહતારાઓની સરખામણીમાં પૃથ્વી કરતાં એનું અંતર ખૂબ ઓછું છે એટલે એ આટલો તેજસ્વી અને કદમાં આટલો મોટો દેખાય છે. એંસી ચાંદા ભેગા કરીને વજન કરીએ તો તેનું વજન પૃથ્વીના જેટલું થાય. દૂરબીન વડે ચંદ્રને જોઈએ તો સ્પષ્ટ સમજાય છે કે તે પૃથ્વીના જેવો જ કઠણ વસ્તુનો બનેલો છે. તેની ઉપર માટી મોટી ખાઈ ઓ અને મોટા મોટા પર્વતો આવેલા છે. પૃથ્વીના આકર્ષણને લીધે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. એક આંટો ફરતાં તેને એક મહિના કરતાં કંઈક ઓછો સમય લાગે છે. સરેરાશ તેનો વેગ સેકંડે અડધા માઈલ કરતાં વધારે નથી. પૃથ્વી સેકંડના ઓગણીસ માઈલને વેગે ફરે છે. પોતાની ધરીની આસપાસ ફરતાં ચંદ્રને એક મહિના જેટલો જ સમય લાગે છે. તેના દિવસ અને વરસ એક સરખી ધીર મંદ ગતિએ ચાલે છે. ચંદ્રના વજન ઉપરથી એવો હિસાબ કાઢવામાં આવ્યો છે કે કોઈ પણ વસ્તુનો વેગ જો ચંદ્રમાં સેકંડે દોઢ માઈલનો હોય તે તે ચંદ્રના આકર્ષણને ઉલ્લંઘીને બહાર ચાલી જઈ શકે. ચંદ્ર એટલો અર્ધો તડકો વેઠે છે કે તેને લીધે તપેલી તેની પીઠ ઉપરની હવા અત્યંત ગરમ થઈ જવાથી ચંદ્ર તેની હવાના અણુઓને પકડી રાખી શકતો નથી, તેઓ બધા આથી બહાર ચાલ્યા ગયા છે. જ્યાં હવાનું દબાણ હોતું નથી ત્યાં પાણી ખૂબ જલદી વરાળ થઈ જાય છે. વરાળ થવાની સાથોસાથ જ પાણીના અણુ ગરમીથી ચંચળ બનીને ચંદ્રનું બંધન છોડાવીને બહાર ચાલ્યા ગયા હતા. પાણી અને હવા જ્યાં નથી હોતાં ત્યાં કોઈ પણ જાતના જીવ ટકી શકતા નથી એ આપણે જાણીએ છીએ. ચંદ્રને ગોળ પીંડો કરેલી મરુભૂમિ કહી શકાય. રાતે જેને આપણે ખરતા તારા કહીએ છીએ તે તારા નથી હોતા એ વાત હવે આજે કોઈને કહેવાની જરૂર નહિ પડે. તે ઉલ્કાપિંડો પૃથ્વીના ખેંચાણને લીધે લાખોની સંખ્યામાં રાતદહાડો પૃથ્વી ઉપર પડ્યા કરે છે. તેમાંના મોટા ભાગના તો હવાના ઘર્ષણને લીધે સળગી જઈને બળીને ખાખ થઈ જાય છે. જે મોટા કદના હોય છે, તે બળતા બળતા જમીન ઉપર આવી પડે છે, બોંબની પેઠે ફાટે છે અને આસપાસ જે કંઈ હોય તેનો નાશ કરે છે. ચંદ્રમાં પણ ચાલુ એવી એક ઉલ્કાવૃષ્ટિ થયા કરે છે. એમને રોકીને ખાખ બનાવી દેનાર સહેજ પણ હવા નથી એટલે બિનરોક એ લોકો ચંદ્રના આખા દેહ ઉપર પથ્થર માર માર કરે છે. એનો વેગ કંઈ ઓછો નથી હોતો, સેકંડે લગભગ ૩૦ માઈલનો હોય છે, એટલે લાગે છે પણ ખૂબ જોરથી. ચંદ્રમાં જે મોટા મોટા ખાડા છે તેની ઉત્પત્તિ એક વાર ફાટેલા જ્વાળામુખીઓમાંથી થયેલી છે.' જે પીગળેલો પદાર્થ અને રાખ તે વખતે બહાર નીકળ્યાં હતાં તે હવાપાણી ન હોવાને લીધે આટઆટલા યુગો થઈ ગયા છતાં પણ તેવાં ને તેવાં રહ્યાં છે. રાખ પથરાયેલી હોવાને કારણે સૂર્યનો પ્રકાશ એ આવરણ ભેદીને બહુ નીચે જઈ શકતો નથી, અને નીચેની ગરમી પણ ઉપર આવી શકતી નથી. ચંદ્રની જે બાજુ ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે, તેની ગરમી લગભગ ઊકળતા પાણી જેટલી હોય છે, અને જ્યાં પ્રકાશ પડતો નથી ત્યાં એટલી ઠંડી હોય છે કે બરફની ઠંડી કરતાં પણ ૨૫૦ ફૅરનહાઈટ અંશ નીચે રહે છે. ચંદ્રગ્રહણ વખતે પૃથ્વીનો પડછાયો આવીને જ્યારે ચંદ્ર ઉપર પડે છે ત્યારે તેની ગરમી થોડી મિનિટમાં જ લગભગ ૩૪૬ અંશ ફૅરનહાઈટ જેટલી ઘટી જાય છે. હવા ન હોવાને લીધે અને રાખનું આવરણ હોવાને કારણે સૂર્યનો પ્રકાશ નીચે પેસી શકતો નથી એટલે ચંદ્રમાં સંઘરી રાખેલી કંઈ ગરમી છે જ નહિ; તેથી આટલી જલદી એટલી ગરમી ઘટી જાય છે. આ બધા પુરાવાઓ ઉપરથી કહી શકાય કે, જ્વાળામુખી પર્વતની રાખથી ચંદ્રની લગભગ આખી સપાટી ઢંકાયેલી છે. ચંદ્ર પૃથ્વીની પાસેનો ઉપગ્રહ છે. તેના આકર્ષણનું જોર આપણે પૃથ્વીના સમુદ્રોની ભરતીઓટમાં પ્રત્યક્ષ અનુભવી શકીએ છીએ. વળી એવું પણ સાંભળ્યું છે કે આપણા શરીરમાં તાવ સાથે વાની જે પીડા થાય છે તે પણ એ આકર્ષણના જોરને લીધે જ થાય છે. વાના રોગીઓ અમાસ પૂનમથી ડરે છે. આદિ યુગમાં પૃથ્વી ઉપર જીવનનાં કશાં ચિહ્નો જ નહોતાં. લગભગ સિત્તેર એંસી કરોડ વરસ સુધી જુદે જુદે રૂપે તેજનો જ ઉલ્કાપાત ચાલ્યા કરતો હતો. ક્યાંક જ્વાળામુખી પર્વત ઊની વરાળના ફૂંફાડા મારતા હોય, પ્રવાહી ધાતુ ઓકતા હોય, ગરમ પાણીના ફુવારા ઉડાડતા હોય. નીચેથી ધક્કો લાગવાથી ધરતીનું પડ કંપી ઊઠતું હોય, ફાટી જતું હોય, પહાડ પર્વતો ખડા થઈ જતા હોય, મોટા મોટા ભૂમિખંડો ડૂબી જતા હોય. પૃથ્વીની શરૂઆત પછી લગભગ દોઢ કરોડ વર્ષો વીતી ગયાં ત્યારે અશાંત આદિ યુગની માથાફોડ ઘણીખરી બંધ થઈ ગઈ. એવે વખતે સૃષ્ટિની સૌથી આશ્ચર્યજનક ઘટના બનવા પામી. કેવી રીતે, કયાંથી જીવનો અને ત્યાર પછી ધીમે ધીમે મનનો ઉદ્ભવ થયો તેનો કંઈ પત્તો લાગતો નથી. તે પહેલાં પૃથ્વીના કારખાનામાં પ્રાણહીન પદાર્થોની જ ભાંજગડ અને ઊથલપાથલ ચાલ્યા કરતી હતી. તેનાં ઉપકરણ માટી, જળ, લોઢું, પથ્થર વગેરે હતાં; અને સાથે સાથે ઓક્સિજન, હાઈડ્રોજન, નાઈટ્રોજન વગેરે કેટલાક ગૅસ પણ હતા. જાતજાતના પ્રચંડ આઘાત દ્વારા તેમને ઉલટપાલટ કરીને જોડીસાંધીને નદી, પહાડ, સમુદ્રની રચના અને અદલાબદલી ચાલ્યા કરતી હતી. એવામાં આ વિરાટ જીવનહીનતાની વચમાં પ્રાણે દેખા દીધી, અને તેની સાથે મને. એમની પહેલાંના પદાર્થોની સાથે એમને કશું જ મળતાપણું નહોતું. તારાઓની પહેલી શરૂઆત જેમ નિહારિકામાં થઈ તેમ પૃથ્વી ઉપર જીવલોકમાં જે પ્રથમ પ્રગટ થયું તેને પણ પ્રાણની, નિહારિકા કહી શકાય. એ એક જાતને અપરિક્રુટ-વેરાઈ ગયેલો પ્રાણપદાર્થ હતો, જાડી લાળ જેવો, અવયવ વગરનો, અને તે તે વખતના સહેજ ઉના સમુદ્રના જળમાં તર્યા કરતો. તેનું નામ પ્રોટોપ્લાઝમ પાડવામાં આવ્યું છે. જેમ અગ્નિમય બાષ્પમાં દાણા બંધાઈને તારા થાય છે તેમ આમાં પણ એક એક પિંડ બંધાતાં બહુ સમય લાગ્યો. તેમાંના એક વર્ગનું નામ ઓમિબા પાડવામાં આવ્યું છે. તે આકારમાં બહુ નાનો હોય છે, દૂરબીન વડે જોઈ શકાય છે. કાદવવાળાં પાણીમાંથી એ મળી આવે છે. એમને મોં, આંખ, હાથ, પગ નથી હોતાં. ખોરાકની શોધમાં ફર્યા કરે છે. દેહના પિંડનો એક ભાગ લંબાવીને પગનું કામ કરાવી લે છે. ખાવાનું પાસે આવતાં જ તે તત્કાળ પૂરતા પગ વડે તેને ખેંચી લે છે. દેહના એ ભાગની હોજરી બનાવી લે છે. પોતાના દેહના ભાગ પાડી પાડીને તે વંશવૃદ્ધિ કરે છે એ અમીબાની જ એક શાખા એવી નીકળી જેણે પોતાના દેહની આસપાસ શંખલાના જેવું આવરણ બનાવ્યું. એમના કરોડો સૂક્ષ્મ દેહે સમુદ્રમાં જોવામાં આવે છે. એમના આ દેહરૂપી કાદવ ભેગા થઈ થઈને પૃથ્વીમાં ઠેકાણે ઠેકાણે ખડીના પહાડ બનેલા છે. વિશ્વરચનાનું મૂળતમ ઉપકરણ પરમાણુ છે; તે પરમાણુઓ અકથ્ય એવા વિશેષ નિયમ પ્રમાણે અતિ સૂક્ષ્મ જીવ કોષરૂપે ભેગા થયા. દરેક કોષ સંપૂર્ણ અને સ્વતંત્ર હોય છે, તેમની દરેકની પોતાની અંદર જ એક એવી આશ્ચર્યકારક શક્તિ હોય છે કે જેને લીધે તેઓ બહારથી ખોરાક લઈને પોતાને પુષ્ટ કરે છે, બિનજરૂરીનો ત્યાગ કરે છે અને પોતાને બહુગુણિત કરી શકે છે. આ બહુગુણિત કરવાની શક્તિ દ્વારા ક્ષયમાં થઈને મૃત્યુમાં થઈને પ્રાણની ધારા વહેતી રહે છે. આ જીવાણુ કોષ પ્રાણલોકમાં પહેલાં એકલો થઈને પ્રગટ થયો છે. ત્યાર પછી એઓ જેમ જેમ સંઘબદ્ધ થવા લાગ્યા તેમ તેમ જીવજગતમાં ઉન્નતિ અને વૈચિત્ર્ય ઉત્પન્ન થવા માંડયું. જેમ અનેક કરોડોના ત્વરાના સમવાયથી એક નિહારિકા બને છે, તેમ બહુ કરોડ જીવકોષના સમાવેશથી એક એક દેહ બને છે. વંશાવલી મારફતે આ દેહજગત એક પ્રવાહ રચીને નવાં નવાં રૂપમાં થઈને આગળ વધતું રહ્યું છે. આપણે અત્યાર સુધી તારાઓ અને સૂર્યમંડળની ચર્ચા કરતા આવ્યા છીએ. તેના કરતાં આ પ્રાણલોક અનેક ગણો વધારે આશ્ચર્યજનક છે. ઉદ્દામ તેજને શાંત પાડી દઈને શુદ્ધ કદના ગ્રહરૂપે પૃથ્વીએ જે શાંત સ્થિતિને પ્રાપ્ત કરી છે, તે સ્થિતિમાં જ પ્રાણ અને તેના સહચર મનનો આવિર્ભાવ સંભવિત બન્યો છે એ વાતનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે કબૂલ કરવું પડે છે કે જગતની આ સ્થિતિ એ જ શ્રેષ્ઠ સ્થિતિ છે. જો કે કોઈ પુરાવો નથી, અને હમણાં તો પુરાવો મળવો અસંભવિત છે, છતાં એવું માનવાનું મન થતું નથી કે, વિશ્વબ્રહ્માંડમાં આ જીવનધારણયોગ્ય ચૈતન્યપ્રકાશકઅવસ્થા એક માત્ર આ પૃથ્વીમાં જ ઉત્પન્ન થઈ છે, એ દૃષ્ટિએ પૃથ્વી સમસ્ત જગતધારામાં એક માત્ર અપવાદ છે.