વીનેશ અંતાણીની વાર્તાઓ/૩. બે સ્ત્રીઓ અને ફાનસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩. બે સ્ત્રીઓ અને ફાનસ

પારોતીએ વંડીની બહાર નજર ફેંકી. કોઈ દેખાયું નહીં. થોડી વાર પહેલાં વરસાદ અટક્યો હતો અને હવે સાંજનું અંધારું ઘેરાઈ રહ્યું હતું. સૂનું ગામ વધારે સૂમસામ લાગતું હતું. પારોતી ઘરમાં પાછી આવી. ઓસરીમાં અંધારું વધારે ગાઢ લાગતું હતું. ઓરડામાં તો જાણે મધરાત ઊતરી આવી હતી. પારોતીએ અનુમાન કરીને ફાનસ શોધી કાઢ્યું. જરા હલાવી જોયું. ઘાસતેલ તો છે. ફાનસ જમીન પર મૂકીને એ પણ નીચે બેઠી. ફાનસનો ગોળો બહાર કાઢ્યો. ચૂલામાંથી રાખ કાઢવી રહી ગઈ. પારોતીનું મોેઢું બગડી ગયું. રોજનું થયું. રોજ એને ઊઠવું પડે છે. ફાનસનો ગોળો સાફ કરવા બેસે પછી જ યાદ આવે છે કે રાખ લેવી ભૂલી ગઈ. એક વાર નીચે બેસી જાય પછી ઊઠતાં તકલીફ પડે છે. ઘૂંટણ પર હાથ દાબીને એ ઊભી થવા ગઈ, પણ લથડિયું ખાઈ ગઈ. બે હાથ જમીન પર દાબીને એ ચાર પગે થઈ. માંડ માંડ ઊભી થઈ શકી. એક ડગલું આગળ માંડે ત્યાં ડર લાગ્યો. ફાનસના ગોળો ક્યાં મૂક્યો હતો તે દેખાયું નહીં. ક્યાંક પગ લાગે તો ગોળો ફૂટી જશે. પારોતી મનમાં ને મનમાં લાંબી વાટ લેતી હોય તેમ ચાલવા લાગી. રસોડામાં પણ એટલું જ અંધારું હતું. નીચે વળીને ચૂલામાં હાથ નાખ્યો. થોડી રાખ મુઠ્ઠીમાં આવી ગઈ. એ બહાર આવી. હાથમાં આવ્યો તે કપડાનો ટુકડો પણ લીધો. ફાનસ અને કાચનો ગોળો પગની હડફેટે ચડી ન જાય તેની તકેદારી લેતી—અંધકારના પાણીમાં ચાલતી હોય તેમ લાંબી વાટે એ પાછી ફરી. શ્વાસ ચઢી આવ્યો. તાંત પણ બોલવા લાગી. એ માંડ માંડ બેઠી. અનુમાન કરીને બેઠી હતી છતાં પારોતી બરાબર ફાનસની સામે બેસી શકી નહોતી. જરા બાજુએ ખસી ગઈ હતી. ઘેરા નિઃશ્વાસ સાથે એ ફાનસની સામે ખસી. પોતાના શરીરમાંથી બહાર કાઢતી હોય તેમ ધીરે ધીરે એ હાથ લંબાવતી ગઈ. ફાનસનો ગોળો માત્ર સ્પર્શથી જ શોધી શકાયો. ગોળાને હાથનો ધક્કો વાગે અને તે ફૂટી જાય તે પહેલાં પારોતીએ પકડી લીધો. એનો રૂંધાયેલો શ્વાસ એકદમ વછૂટ્યો. આજે ફરી એક વાર એ કોઈ ભયાનક ઘટનામાંથી બચી ગઈ હોય તેવી રાહત થઈ. હવે તત્કાળ કોઈ મુશ્કેલી નહોતી. ગોળાના કાચ પર રાખ ભભરાવીને એ લૂછવા લાગી. દેખાતું પણ નહોતું, પણ ગઈ રાતની મેશ લુછાતી હતી. પારોતીનાં આંગળાં મેશમાં કાળાં થયાં અને ગોળો લુછાતો ગયો. ગોળો ફાનસમાં સંભાળીને ચઢાવી દીધો. પછી યાદ આવ્યું. માચીસ તો લીધી નહોતી. પારોતી લગભગ ફસડાઈ પડી. ઊંડી નિરાશા અને જાત પ્રત્યે ધિક્કારની લાગણી જન્મી. ઓરડામાંથી બડબડાટ જેવો અવાજ સંભળાયો. સ્થિર અંધકારમાં કંપતો અવાજ. ‘કેટલી વાર, પારોતી?’ પારોતીએ તિરસ્કારથી હોઠ મરડ્યો. ‘મરી જાશે ફાનસ વગર...!’ ‘પારો...તી!’ પારોતીને એ અવાજ સાપની ફેણ જેવો લાગ્યો. ‘કોણ જાણે કે’દી મરશે આ ડોશી...!’ એ બબડી. પછી ઊંચા—લગભગ ફાટેલા અવાજે એ બાલી : ‘ધીરજ નથી ધરાતી?’ ‘મને કાંય સૂઝતું નથી... કેટલી વાર છે ફાનસને?’ —નથી સળગાવતી જા... મરતી હોય તો મર અંધારામાં... અથડા ભીંત હારે... માથું ફાટે તા યે જાન છૂટે... સૂઝતું નથી અંધારામાં! મરી જાય છે ફાનસ વગર તે. પારોતી મહામહેનતે રસોડામાંથી માચીસ લાવી, પણ દીવાસળી સળગતી નહોતી. વરસાદના ભેજમાં માચીસને હવા લાગી ગઈ હતી. પારોતી માચીસ પર ગરમ ફૂંક મારવા લાગી. તે પછી દીવાસળી સળગી. ફાનસની વાટ ફટફટ થઈ. આજે પણ વાટ કાપવી ભૂલી ગઈ. જ્યોત જરા આડી થઈ, પણ અજવાશ થયો. કદાચ એનો આછો અણસાર ઓરડામાં પણ પડ્યો. અંદરથી આવતો અવાજ તૃપ્ત થયો હોય તેમ જરા મોળો પડ્યો. પછી બંધ થઈ ગયો. પારોતી ઊભી થઈ અને સળગતું ફાનસ ઉપાડ્યું. ઓસરી અને ઓરડા વચ્ચેના બારણાની બારસાખમાં લટકતા સળિયામાં ફાનસ લટકાવી દીધું. એથી જમીન પર અંધકારનો પડછાયો રહ્યો અને અર્ધી ભીંતો પર અજવાળું ઘોળાયું. ઘરનો આકાર જ બદલી ગયો. અંદર છુપાયેલો, ધ્રૂજતો અવાજ પાછો જીવતો થયો. ‘લટકાવ્યું કાં? મારી સામે નથી રખાતું?’ ઓરડાના ઉંબરને પાર કરતી પારોતી ધસમસતી અંદર ગઈ. કાશીમાની સામે ઊભી રહી. ‘જંપો હવે...! મને ઓસરીમાં ને રસોડામાં કામ છે... મને પણ દેખાવું તો જોઈએ કે નહીં? કે પછી આખેઆખું ફાનસ તમારા સારુ જ છે? બીજાનો કાંય વિચાર જ ન કરવો? પડ્યા રોને છાનામાનાં...!’ જમીન પર બેઠેલાં કાશીમા પોટલા જેવાં લાગતાં હતાં. પારોતી સામે જોવા ધીરેધીરે માથું ઊંચું કર્યું. એમનો આખો ચહેરો પારોતી સામે સ્પષ્ટ થયો. એ જોઈ રહી. કાશીમાને પહેલી જ વાર જોતી હોય તે રીતે તાકી રહી. સાંજે જમવા ટાણે જોયેલો તે આ ચહેરો નહોતો. કાશીમાનો ચહેરો તો જાણે ક્ષણે ક્ષણે બદલાય છે. અત્યારે ત્યાં અસંખ્ય કરોળિયા દેખાતા હતા. કાશીમા પણ પારોતી સામે તાકી રહ્યાં હતાં છતાં પણ એમની નજર પહોંચતી જ ન હોય, એ નજર વચ્ચે જ ખૂટી જતી હોય એવું લાગતું હતું. તો બીજી જ ક્ષણે એવો વહેમ ગયો કે કાશીમાની નજર પારોતીના શરીરને વીંધીને આરપાર નીકળી ગઈ છે. દૂર... ક્યાંય ને ક્યાંય... પારોતી જરા ડરી ગઈ હોય તેમ શક્ય તેટલી ઝડપથી પાછી ફરી. કાં તો ડોશી આજની રાત માંડ કાઢે... પારોતીને દરરોજ સાંજે આવતો તે વિચાર આવ્યો. લટકતા ફાનસ સાથે અથડાઈ ન જવાય તેની સંભાળ લેતી પારોતી ઓસરીમાં ચાલી આવી. પછી ઊભી રહી. ઘણું કામ બાકી હતું, પણ શું બાકી હતું તે યાદ ન આવ્યું. ઓરડામાં કોઈ ઘસડાતું હોય તેવો અવાજ સંભળાયો. પારોતીએ પાછળ જોયું. કાશીમા ઘસડાતાં ઘસડાતાં ફાનસની વધારેમાં વધારે નજીક આવવા માગતાં હોય તેમ ઉંબરની પાસે આવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. પારોતીનું મન ખાટું થઈ ગયું. પારોતીને ડરાવવા માટે જ જાણે એ પાછળ પડ્યાં હતાં. કાશીમા દેખાય છે અને પારોતી બધું ભૂલી જાય છે. એનું મગજ બહેર મારી જાય છે. લાચારી સિવાય એ કશું જ અનુભવી શકતી નથી... સળિયામાં ટીંગાતુ ફાનસ પારોતીએ ઉપાડી લીધું અને રસોડામાં ચાલી ગઈ, ઓરડામાં ફરી પાછું અંધારું થઈ ગયું. કાશીમાં ઘસડાતાં અટકી ગયાં લાગે છે. એમનો લગભગ ચિત્કાર જેવા અવાજ સંભાળાયો : ‘પા...રો...તી...! ફાનસ કાં લઈ ગઈ?’ પારોતીએ જવાબ ન આપ્યો. રસોડાની ધુમાડાઘેરી વાસ પારોતીને ઘેરી વળી. ચૂલા પાસે ફાનસ મૂકીને એ એઠાં વાસણ ઉપાડવા લાગી. ઉપાડવા ક્યાં લાગી, એ તો વાસણ પટકવા પણ લાગી! મને તો જાણે ફાનસ ખપશે જ નહીં! એને એકલીને જ— પછી ફસડાઈ પડી. રસોડાની ભીંત સાથે માથું ટેકવીને એ બેસી રહી. એની આંખ સામે કાશીમાના ચહેરાની ક્ષણે ક્ષણે બદલાતી રેખાઓનાં ગૂંચળાં દેખાયાં. એને વિચાર આવ્યો—કાશીમાના ચહેરાની જેમ પારોતીને પોતાના ચહેરા પણ એ રીતે જ ક્ષણે ક્ષણે બદલાતા હશે. એણે પોતાના ગાલ પર હાથ મૂક્યો. અસંખ્ય કરોળિયા પારોતીની હથેળીમાં ખાબક્યા.

કાશીમા હતાં ત્યાં જ અટકી ગયાં. પારોતી ફાનસ ઉપાડી ગઈ હતી. હવે આગળ વધવાને કશો જ અર્થ નહોતો. બે હાથ લાંબા કરીને લીંપણ પર ઘસ્યા. એ ધીરેધીરે બડબડવા લાગ્યાં : ‘રાં...મરતી યે નથી ને મને મરવા દેતી નથી...!’ પછી આગળ બડબડી ન શક્યાં. અંધારામાં આગળ વધી ન શકેલા શબ્દો પાછા આવીને કાશીમાની છાતી માથે ભટકાયા. પારોતી ફાનસ હવે જલદી પાછું નહીં લાવે. એવી જ છે... જાણે એકલી સારુ જ ફાનસ સળગાવે છે...! એ ઊંધાંને ઊંધાં પાછળ ખસવા લાગ્યાં, પણ પોતાની મૂળ જગ્યાએ પાછાં પહોંચી નહીં શકે અને ક્યાંંક ભૂલાં પડશે એવા ભયથી એમણે પ્રયત્ન છોડી દીધો. ફાટી આંખે અંધકાર સામે જોવા લાગ્યાં. હવે તો અંધારું જ જોઈ શકાય છે અને અંધારામાં ઘણું જોઈ શકાય છે, એ બધું જ—વર્ષાની પાર આવેલા ચકચકિત દિવસો. પારોતીનો જન્મ અને તે વખતે થયેલી અસહ્ય પીડા... દાયણના ખરબચડા હાથનો સ્પર્શ અંદર ઊઠતી પીડાને વધારી રહ્યો હતો... પછી ફટફટ થતું ફાનસ છેવટે ઓલવાઈ ગયું હોય તેમ ક્ષણભર માટે ઉજાશમાં આવેલું એ દૃશ્ય ખોવાઈ ગયું. માત્ર પીડા ઓરડામાં ભરાઈ બેઠેલી કંસારીની જેમ, ત્રમ્‌ત્રમ્‌ અવાજ કરતી સંભળાતી રહી. સારું છે કે કાન હજી સાબદા છે. કાશીમાએ માથું હલાવ્યું. એ રાહ જોઈ રહ્યાં હતાં. કઈ ઘડીએ કઈ ઘટના માથે ઉજાશ ઊઘડશે તે નક્કી નહોતું. અંધકારમાં રમી શકાય તેવી આ એક જ રમત હતી. અચાનક કશુંક દેખાઈ જતું. પારોતીના લગ્નનો માંડવો. ફાનસ ફટફટ. અંધકાર. ફરી પાછો થોડો ચળકતો હિસ્સો. પારોતીના બાપની ઠાઠડી લઈ જવાય છે. કાશીમાના ગળામાં લીલ જેવું ડૂસકું સુકાય તે પહેલાં પાછું બધું બંધ. વર્ષો પહેલાં જોયેલું આ ગામ. હવે તો બધું બદલાઈ ગયું હશે. ઘણાં ઘરોની ભીંતો તૂટી ગઈ હશે. તળાવમાં પાણી આવે છે હજી? મીઠા પાણીના કૂવા... એ કૂવાની તો આવ જ બંધ થઈ ગઈ હશે. મંદિરમાં ઠાકરથાળી થાય છે. ચબૂતરા પાસે નવજાત બકરો કોઈ મૂકી ગયું છે. કસાઈ ઉપાડી જાય તે પહેલાં ઊભો થઈ જવા મથતો બકરો લથડે છે. ત્યાં જ કસાઈ બે હાથ લાંબા કરે છે. ફાનસની વાટ ફટફટ થઈ અને અધારું. ઓરડામાં ફરતી ઘંટી પાસે બેસીને કોઈ ગીત ગાય છે અને દિવસો ભરડાય છે. ઘંટીનાં બે પડ વચ્ચેથી અજવાળાનો આછો લિસોટો લંબાય છે અને કાશીમાની ચામડી પર ફુત્કારીને પાછો ખેંચાઈ જાય છે. કાશીમા ચીસ પાડી ઊઠ્યાં. પારોતી દોડતી આવી. ‘શું થયું?’ ‘ગમે તે થ્યું.! તને શું છે?’ કાશીમા બોલ્યાં. ‘તમે ચીસ પાડી?’ પારોતીનો અવાજ ગુસ્સાથી ફાટી ગયો. ‘ફાનસ હોય તો મને દેખાય કે ચીસ મેં પાડી કે બીજી કોઈએ! કાં તો તેં જ રાડ નાખી હોય અને મારા માથે આળ નાખે છે!’ પારોતી પાછી ચાલી ગઈ. કાશીમા ખુશ થઈ ગયાં. ભલે દુઃખી થાતી...ન ફાનસ લઈને બેઠી છે તે...! ઘાસતેલ ખૂટી જાશે પછી મોં વકાસીને આવશે ચુડેલ! પૂછશે—હવે શું કરું, બાઈ? —ફાનસ સોડમાં ઘાલીને સૂઈ જા હવે! ત્યાં જ એમનો આનંદ ઊડી ગયો. કાશીમા કશુંક ચૂકી ગયાં હોય તેવું લાગ્યું. શું હતું એ? સમજાયું નહીં. લાંબી ચાલેલી જિંદગીમાં હવે બધું જ ચૂકી જવાતું હતું. લાંબી ચાલેલી જિંદગી... ઓરડામાં જ ઘસડાતી જિંદગીના કોઈ એક છેડે ગાંઠ બાંધીને કાશીમા જીવતાં હતાં. પારોતી પણ આવી જ ગાંઠ બાંધીને બહાર ઓસરીમાં કે રસોડામાં ફરફર કરતી હતી. ‘હજી કેટલી વાર, પારોતી?’ પારોતીને વીંધી નાખે તેવી બૂમ પાડવાનો કાશીમાએ પ્રયત્ન કર્યો હતો, પણ અવાજ બહાર નીકળ્યો ત્યારે એ પોતે પણ આભાં થઈ જાય તેવી કોમળતા પ્રગટી હતી. એને લીધે જ કદાચ પારોતી ફાનસ લઈને ઓરડામાં આવી. માના ચહેરા સામે ફાનસ ધરીને ઊભી રહી. કશું જ બોલ્યા વિના, જરા વાંકી વળેલી પારોતી. ‘શું થ્યું, બાઈ?’ પારોતીએ પૂછ્યું. કાશીમાને પણ ખબર નથી કે શું થયું હતું! ફાનસ ઓરડામાં આવ્યું તે પહેલાંના અંધકારમાં કોઈ જગ્યાએ અજવાળાનું નાનકડું વર્તુળ ફેંકાયું હતું. ત્યાં પારોતી ખૂણામાં બેઠી હતી અને માથું ઘૂંટણો વચ્ચે દાખીને રડતી હતી... પણ એ તો વર્ષો પહેલાં... પારોતી કાશીમાની સામે બેસી ગઈ. માના ઘૂંટણ પર હાથ મૂક્યો, પૂછ્યું  : ‘કેટલા વરસ થ્યાં, બાઈ?’ ‘શેને?’ ‘તને...’ ‘મને?’ કાશીમાએ દૂર નજર ફેંકી, ખૂબ દૂર આ ઘરની ભીંતોને વીંધીને, આવ બંધ થઈ ગયેલા કૂવા માથે ઉગેલા પીપળાની સામે પાર, બીજા કોઈ ગામની સીમમાં એમની નજર અટકી. એ ગામમાં એમના જન્મની ઘટના બની હતી. પારોતી પૂછતી હતી–કેટલાં વરસ થ્યાં, બાઈ? કાશીમા તો સાચે જ ગણવા લાગ્યાં. એક, બે, ત્રણ... પછી થાકી ગયાં. કે’દિ પહોંચાશે આ રાત સુધી? આ ઘડી સુધી? કેટલાં થયાં હશે? સિત્તેર? ના... ના... સિત્તેર વરસ તો પારોતીને થયાં હશે... કાશીમા સત્તર-અઢાર વરસનાં હતાં ત્યારે દાયણના કરકરા હાથના કાંટા વાગ્યા હતા... ‘મને તો થયાં હશે પંચ્યાશી કે નેવું...?’ કાશીમાએ કહ્યું. તે વખતે પારોતીને પણ જાણે પોતાની વયનો ખ્યાલ પહેલી વાર આવ્યો! ‘તો તો મને સિત્તેર—બંઉતર... નહીં બાઈ?’ કાશીમા માથું હલાવવા લાગ્યાં. થોડી વાર બંને શાંત રહ્યાં. વીતી ગયેલાં વર્ષોનું વજન આવી ગયું હોય તેમ... રોજ ચાલતી આવી ગણતરીમાં હવે કશું વધતું યે નથી અને કશું ઘટતું પણ નથી...’ ‘પાછો વરસાદ શરૂ થયો લાગે છે...’ પારોતીએ કહ્યું...‘એક ઘડી જંપવા દેતો નથી...’ કાશીમાના બોખા મોઢામાં ખોબો ભરીને હાસ્ય છલકાયું. એ નવાઈ અને રમૂજીથી પારોતી સામે જોઈ રહ્યાં. પછી હાથ લાંબો કરીને પારોતીનાં મોઢાને સ્પર્શ કર્યો. ‘તું યે કેવી થઈ ગઈ છે, પારોતી!’ વરસાદ તને આડો આવે છે?’ ‘આખું ઘર ચૂવે છે...’ ‘સાચી વાત છે તારી, પારોતી! એકાદ છાંટો ફાનસના ગરમ ગોળા માથે પડ્યો તો કાચ તેવે ટાણે જ ફટાક...!’ પારોતી ઊભી થઈ ગઈ. રાત પડે છે ને આને તો ફાનસ સિવાય બીજું કાંય સૂઝતું નથી! એ બે ગોદડી ખેંચી લાવી, એક ગોદડી કાશીમાની સામે ફેંકી. બીજી પોતે પાથરી. ‘ફાનસ ઓલવી નાખું?’ પારોતીએ પૂછ્યું. ‘ના... વાટ સંકોરી લે જરાક...’ પારોતીને ગમ્યું નહીં. રાતે ફાનસ સળગતું રાખવાની જરૂર નહોતી. ઘાસતેલ નકામું બળે છે... અંધારામાં ફાટી મરે છે જાણે! પારોતીનો બડબડાટ ચાલુ રહ્યો, પણ કાશીમા સુધી કશું જ પહોંચતું નથી. એ ગોદડી ઘસડતાં, નળિયામાંથી પાણી ન ચૂવે તેવી સલામત જગ્યા શોધવા જઈ રહ્યાં છે. પારોતી એમને જોઈ રહી. એની નજરમાં ચીડ છે. શું કામ એંસી-નેવું વરસથી આમને આમ ગોદડી ખેંચતી આ બાઈ લીંપણ માથે ઘસડાતી ફરે છે? મરી કાં નથી જતી? ફાનસની વાટ સંકોરીને પારોતી ગોદડી પર લાંબી થઈ. કાશીમા સામે જોવા માગતી ન હોય તેમ પડખું વાળીને સૂઈ ગઈ. ભીંત ઉપર એનો પડછાયો પડતો હતો. એ બાજુની ભીંતના પોપડા ઊખડી ગયાં છે... અચાનક એ ચમકી ગઈ. પડખું વાળીને શોધવા લાગી. નાનકડા ઓરડામાં, ઝાંખા અજવાળામાં દેખાતાં કાશીમા ખૂબ દૂર લાગ્યાં. એ ક્યાંક આઘાં જઈને બેઠાં છે અને ગોદડી પાથરવાનો પ્રયત્ન કરે છે. પારોતી બેઠી થઈ ગઈ. જોવા લાગી. માએ છેવટે ગોદડી પહોળી કરી. શરીર લંબાવતાં પહેલાં પારોતી ક્યાં છે તે જોવા નજર ફેલાવી. ફાનસના સંકોરાઈ ગયેલા અજવાળામાં એમને કશું દેખાયું નહીં. કાં તો હાલી ગઈ લાગે છે—કાશીમાને વિચાર આવ્યો. ત્યાં જ ફાનસ ફટક્ય થયું. ક્ષણાર્ધ માટે વધેલા અજવાળામાં કાશીમાએ આ જ ઓરડામાં ખૂબ દૂર ગોદડી પર બેઠેલી પારોતીને જોઈ. પારોતી ઝનૂનપૂર્વક લાંબી થઈ, ફાનસ નજીક ઘસડ્યું. ગોળો ઊંચો કર્યો. ફૂંક મારીને વાટ ઓલવી નાખી. હમણાં જ ઓલવાયેલા ફાનસની વાસ ઓરડામાં ફેલાવા લાગી.