વેળા વેળાની છાંયડી/૪૨. પ્રાયશ્ચિત્ત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૨. પ્રાયશ્ચિત્ત

સાંજ પડવા ટાણે શેરીમાં બીજલ જોડે રમવા ગયેલો બટુક એક સમાચાર લાવ્યો: ‘બા, બા, મેં નરોત્તમકાકાને જોયા!’

⁠‘ગાંડો થા મા, ગાંડો,’ લાડકોરે કહ્યું, ‘બીજું કોક હશે. નરોત્તમભાઈ અહીં મેંગણીમાં ક્યાંથી આવે?’

⁠‘આવ્યા છે! મને કાખમાં તેડી લીધો ને!’

⁠‘હોય નહીં.’

⁠‘પૂછી જુઓ બીજલને!’ બટુકે કહ્યું.

⁠બટુકના સાથી બીજલે પણ શાખ પુરાવી કે અમે બજારમાં નીકળ્યા ત્યારે એક માણસે બટુકને ઓળખી કાઢ્યો, ને એની ભેગા એક બીજા જણ હતા એણે આહીરવાડનું ઠામઠેકાણું પણ બરોબર પૂછી લીધું... અને છતાં લાડકોરને ગળે આ વાત ઊતરતી નહોતી.

⁠લાડકોર આ સમાચારથી આશ્ચર્ય અનુભવતી હતી ત્યારે ઓતમચંદ એ સમાચાર ઠંડે કલેજે સાંભળી રહ્યો હતો — કેમ જાણે એના નાના ભાઈના આગમનની માહિતી આગોતરી ન મળી હોય! તેથી જ તો, નરોત્તમ આવ્યા વિશે લાડકોર વારંવાર પૂછપરછ કરતી હતી ત્યારે ઓતમચંદ લાપરવાહીથી જવાબ આપ્યા કરતો હતોઃ 'નરોત્તમ આવ્યો પણ હોય—’

⁠‘પણ અહીં મેંગણીમાં શું કામ આવે?’

⁠‘વેપારી માણસને હજા૨ જાતનાં કામ હોય. અહીં મેંગણીમાં તો શું પણ ઠેઠ લંકા લગી કામ નીકળે!’

⁠પતિ ત૨ફથી મર્મયુક્ત ઉત્તરો સાંભળીને લાડકોર વધારે ને વધારે વહેમાતી જતી હતી. આખરે આવા અસ્પષ્ટ ઉત્તરોથી કંટાળીને એણે બોલી નાખ્યું: ‘તમે તો મીંઢા જ રહ્યા! સગી પરણેતરનેય સાચી વાત નથી કહેતા!’

⁠‘સાચી વાત હું શું કહું?’ ઓતમચંદે ફરીથી દ્વિઅર્થી ઉત્તર આપ્યો, ‘સાચું જે કાંઈ હશે એ બધું વાજતુંગાજતું માંડવે આવશે—’

⁠અને સાચે જ, રાતે વાળુપાણી પતી ગયા પછી એભલ આહીરને માંડવે એક અજાણ્યા માણસનો અવાજ ગાજી ઊઠ્યો: ‘ઓતમચંદભાઈ છે ઘરમાં?’

⁠‘કોણ?’ અંદરની ઓસરીમાંથી ઓતમચંદે ઊઠતાં ઊઠતાં પૂછ્યું.

⁠‘હું કીલો!... કીલો કાંગસીવાળો!’ બહારથી ઉત્તર આવ્યો.

⁠‘અરે! તમે હવે કાંગસીવાળા શેના કહેવાવ?’ ઓતમચંદે કહ્યું, ‘તમે તો હવે કામદાર ને શિરસ્તેદાર થઈ ગયા છો!’ ભેટી રહ્યા પછી કીલો બોલ્યો:

⁠‘આ મારી અડીખમ કાયા આડે તમારો નાનો ભાઈ ઢંકાઈ ગયો છે એના તરફ નજ૨ કરો!’

⁠‘બટુકે અમને વાવડ આપી દીધા’તા, કે નરોત્તમકાકા આવ્યા છે!’

⁠‘નરોત્તમકાકા કે પરભુલાલકાકા?’ કીલાએ વ્યંગમાં કહ્યું, ‘આજે અમને બધેય ઠેકાણેથી ખોટું જ નામ સાંભળવા મળે છે.’

⁠‘બધેયથી?’

⁠‘હા. અમે મનસુખભાઈ ભેગા વેપારને નાતે એની ભાણીનાં લગનમાં અહીં આવ્યા છીએ. પણ કપૂરશેઠ તો આને જોતાંવેંત જ બોલ્યા કે આ તો પરભુલાલ નહીં, પણ નરોત્તમ છે,’ કીલાએ કહ્યું: ‘મને તો આ ગોટાળામાં કાંઈ સમજ નથી પડતી!’

⁠‘ગોટાળો થઈ ગયો છે, તો હવે પૂરો જ કરો!’

⁠‘પણ આ ગોટાળો તો અમને આકરો પડી જાય એમ છે. આ પરભુલાલને તો કપૂરશેઠ પોતાની છોકરી હારે પરણાવી દેવાની વાત લઈને બેઠા છે!’

⁠‘કઈ છોકરી?’ ઓતમચંદે પૂછ્યું.

⁠‘ચંપા. બીજી કઈ?’ કીલાએ કહ્યું, ‘કપૂરશેઠ તો એક જ વાત લઈને બેઠા છે કે આ પરભુલાલ નહીં પણ નરોત્તમ જ છે. કહે છે કે આ તો અમારા જૂના જમાઈ છે ને એને ફરીથી અમારા જમાઈ બનાવવા છે ’

⁠‘બહુ ક૨ી કપૂરશેઠે તો!’

⁠ઓતમચંદ હજી લાપરવાહીથી જ બોલતો હતો.

⁠‘ક૨વામાં તે કાંઈ બાકી રાખી છે!’ કીલો બોલ્યો, ‘હું તો સમજાવી સમજાવીને થાક્યો કે આ જણ નરોત્તમ નહીં પણ પરભુલાલ છે, પણ કેમેય કરીને માનતા જ નથી —’

⁠‘ભારે કઠણાઈ ઊભી કરી!’

⁠‘કઠણાઈ તે કાંઈ જેવીતેવી! અમે તો મનસુખભાઈ સિવાય બીજા કોઈને ઓળખીએ નહીં. એમાંથી કપૂરશેઠ ઓળખાણ કાઢી પડ્યા! કહે, કે આ તો મારા જમાઈરાજ નરોત્તમ જ. બીજા કોઈ નહીં! જૂનું સગપણ તૂટી ગયું છે, પણ હવે ફરીથી સાંધી દિયો!’ કીલાએ ગંભી૨ભાવે કહ્યું, ‘ઓતમચંદભાઈ, અમને તો નમાઝ પઢતાં મસીદ કોટે વળગ્યા જેવું થઈ ગયું છે!’

⁠‘થાવા દિયો! એ જ લાગના છો!’

⁠‘કોણ? અમે?’

⁠‘ના, ના, તમે, નહીં; કપૂરશેઠ—’

⁠‘તો ઠીક. બિચારા જીવ અમને હાથેપગે પડીને કરગરી રહ્યા કે માફ કરજો, અમે તમને ઓળખ્યા નહીં—’

⁠‘માણસની સાચી ઓળખ કરવી બહુ આકરી છે, કીલાભાઈ.’

⁠‘પણ આ તો ઓળખ થઈ એમાં અમારા પરભુલાલ ઉપર આફત આવી પડી એનું શું? કપૂરશેઠ કહે છે કે તમે તો ભગવાનના મોકલ્યા જ મારે આંગણે આવ્યા છો. તો હવે ઉંબરો નહીં વળોટવા દઉં… અમને તો કેદખાના જેવું થઈ પડ્યું છે.’

⁠ઓતમચંદે અને કીલાએ સારી વાર સુધી આ શૈલીએ વાતચીત કર્યા કરી. લાડકોર એ કૃત્રિમ સંવાદની એકેક ઉક્તિ સાંભળતી હતી, ને એના મનમાં ગૂંચવણ વધતી જતી હતી. પણ કીલાની હાજરીમાં કશું પૂછવાનું એને યોગ્ય નહોતું લાગતું.

⁠કીલાની વાતચીતો તો મોડે સુધી ચાલી. વાસ્તવમાં, લાડકોર અને બટુક ઊંઘી ગયા પછી જ ગંભી૨૫ણે ચર્ચાઓ જામી.

⁠છેક પાછલી રાતે કીલા સાથે નરોત્તમે મોટા ભાઈની વિદાય લીધી.

✽ ⁠બીજે દિવસે જસીનાં લગન હોવાથી ઈશ્વરિયેથી બાલુની જાન આવીને મેંગણીના પાદરમાં પડી.

⁠કપૂરશેઠે હોંશે હોંશે જાનના સામૈયાની તૈયારી કરવા માંડી.

⁠ગામનાં કુતૂહલપ્રિય તરુણો ‘જસીના વર’ને જોવા પાદરમાં પહોંચી ગયા.

⁠‘ક્યાં છે વ૨૨ાજા? ક્યાં છે વ૨૨ાજા?’ કરતાં આ યુવક-યુવતીઓ પાદરમાં છૂટેલાં ગાડાંઓ વચ્ચે ઘૂમી વળ્યાં પણ ક્યાંય વ૨ાજાનાં દર્શન થયાં નહીં તેથી એમનું કુતૂહલ બમણું ઉશ્કેરાયું. પૂછગાછ થવા લાગી તેમ તેમ જાનૈયાઓ ગુસ્સે થતા ગયા અને ગામલોકોને તતડાવવા લાગ્યા.

⁠આખરે, લાંબી શોધખોળને અંતે એટલી ખબર પડી કે છેવાડે ઊભેલા એક બંધ માફાવાળા ગાડામાં વરરાજા બેઠા છે.

⁠‘પણ તો પછી બહાર કેમ નથી નીકળતા?’

⁠ઓળખીતાઓએ પૃચ્છા કરી: ‘બાલુભાઈ ગાડામાંથી હેઠા કેમ નથી ઊતરતા?’

⁠‘કોઈની લાજ કાઢે છે?’

⁠ધીમે ધીમે પાદરમાંથી ગામની શેરી સુધી વાત પહોંચી: ‘જસીનો વ૨ માફાવાળા ગાડામાં પુરાઈને બેઠો છે—’

⁠શેરીમાંથી કપૂ૨શેઠની ડેલી સુધી સમાચાર પ્રસરી ગયા: ‘વ૨૨ાજા તો ઓઝલપડદે પુરાણા છે. ગાડામાંથી હેઠા જ નથી ઊતરતા—’

⁠સામૈયું લઈને રવાના થઈ રહેલા કપૂરશેઠ આ સમાચાર સાંભળીને જરા ખચકાઈ ગયા.

⁠‘શું છે?’ એવી પૂછગાછ ચાલી. એટલામાં તો ગામના બે અડીખમ જુવાનોને ખભે એકેક હાથ ટેકવીને હવે અપંગ બની ગયેલો મકનજી મુનીમ ખોડંગાતો ખોડંગાતો કપૂરશેઠની ડેલી તરફ આવતો દેખાયો.

⁠મુનીમને જોઈને કપૂરશેઠને આશ્ચર્ય થયું. આટલો પરિશ્રમ વેઠીને આ અપંગ માણસ અહીં સુધી શા માટે ખેંચાઈ આવ્યો હશે? વિવેક ક૨વા કપૂરશેઠે કહ્યું:

⁠‘મુનીમજી! તમે તો બહુ તકલીફ લીધી ને કાંઈ!’

⁠‘લેવી પડી, શેઠ!!’

⁠‘અરે, પણ અમે હમણાં જ સામૈયું કરવા જઈએ છીએ, તમને વાહનમાં બેસાડીને અહીં લઈ આવત, જો ઉતાવળ ન કરી હોત તો—’

⁠‘ઉતાવળ કરવી પડી, શેઠ! – મુનીમના આ બંને ઉત્તરો સાંભળીને કપૂરશેઠને નવાઈ લાગી. દાણો દાબી જોવાની ઢબે પૂછ્યું: ‘કાંઈ બહુ ઉતાવળા ઉતાવળા આવ્યા આજે તો!’

‘આવ્યા વિના છૂટકો જ નહોતો —’

⁠આ સાંભળીને તો કપૂરશેઠ વહેમાયા જ. મનમાં થયું કે મુનીમના મનમાં જરૂ૨ કાંઈ કહેવા જેવી વાત હશે. તેથી જ તો, મકનજીને પોતાના ખભાનો ટેકો દઈને, ઓસરીમાં ન બેસાડતાં એને અંદરના ઓ૨ડામાં લઈ ગયા.

⁠સંપૂર્ણ એકાંત સાધ્યા પછી કપૂરશેઠે પૂછ્યું: ‘સહુ સારા સમાચાર છે ને?’

⁠‘સમાચાર તો સારા જ હોય ને?’ કહીને મુનીમે એક શબ્દ ઉમેર્યો: ‘પણ—’

⁠બસ. આ એક જ શબ્દ ‘પણ’ સાંભળીને કપૂરશેઠ વિચારમાં પડી ગયા. પૂછ્યું:

⁠‘કેમ ભલા? કાંઈ અઘટિત બની ગયું છે?’

⁠‘ના રે!’ અઘટિત તો કાંઈ નથી બન્યું, પણ—’

⁠‘પણ? પણ શું છે?’ કપૂ૨શેઠે વધારે શંકાશીલ થઈને પૂછ્યું:

⁠‘દકુભાઈ શેઠને ઘેરે છે તો સહુ સાજાનરવાં ને?’

⁠‘હોવે! સહુ સાજાનરવાં ને રાતાં રાયણ જેવાં. પણ—’

⁠‘હજીય પણ? કાંઈ કહેવાપણું છે?’

⁠‘કહેવાપણું તો શું હોય બીજું? પણ—’ મુનીમને મોઢેથી હરેક વાક્યને છેડે ‘પણ’ સાંભળી સાંભળીને કપૂરશેઠ ગૂંચવાયા.

⁠એવામાં એક માણસ ‘ક્યાં ગયા કપૂરશેઠ? ક્યાં ગયા કપૂરશેઠ?’ કરતો, શોધતો શોધતો અંદર આવી પહોંચ્યો અને બોલ્યો: ‘અરે! તમે હજી અહીં છો? બહાર તો તમારી ગોતાગોત થાય છે. હાલો, સામૈયામાં મોડું થાય છે—’

⁠‘થાવા દિયો’—કપૂરશેઠે તોછડો જવાબ આપી દીધો.

⁠‘પણ ઢોલી ઉતાવળો થાય છે. આપણું પતાવીને એને એભલ આહીરને માંડવે ઢોલ વગાડવા જવું છે—’

⁠‘જાવા દિયો—’

⁠‘અરે પણ આપણા સામૈયાનું બહુ મોડું થાશે—’

⁠‘ભલે થાય,’ કહી કપૂરશેઠ ફરી મુનીમને પૂછવા લાગ્યા:

⁠‘સાચી વાત કરો... શું છે?’

⁠‘મામલો જરાક બગડી ગયો છે, શેઠ!’

⁠‘ફરીથી પોલીસની ટાંચ આવી છે?’

⁠‘ના રે ના. હવે દકુભાઈના ઘરમાં રહ્યું છે શું તે ટાંચ લાવનારા ખાટી જાય!’

⁠‘તો પછી કાંઈ બીજી મૂંઝવણ આવી પડી છે?’

⁠‘મૂંઝવણ તો માણસ માતરને આવે, પણ દકુભાઈને ક૨મે કાંઈક વધારે—’

⁠‘શું? શું? ઝટ બોલી નાખો, મુનીમજી!’

⁠‘વરરાજા માથે વિપદ—’

⁠‘વિપદ? વ૨ાજા માથે?’ કપૂરશેઠનો શ્વાસ જાણે થંભી ગયોઃ ‘કેમ કરતાં?’

⁠‘કેમ કરતાં, તે એને કરમે. બીજું શું?’ હવે મુનીમ ઠંડે કલેજે બોલતો હતો:

⁠‘વિપદ કાંઈ વણનોતરી થોડી આવે?’

⁠‘કાંઈ રજાકજા થઈ છે?’

⁠‘થોડીઘણી નહીં, સારી પટ–’

⁠‘હેં? કોણે કરી?’

⁠‘ગઈ સાલ જેણે કરી’તી એણે જ—’

⁠‘કોણે? ગામના આહીરોએ?’

⁠‘બીજું કોણ કરે?’

⁠સાંભળીને કપૂરશેઠ શરમાઈ ગયા. ધીમે અવાજે પછ્યું: ‘પણ એ વાત તો ઠામૂકી ઢંકાઈ ગઈ’તી ને?’

⁠‘સૂરજ ઊગ્યો એ પછી છાબડે થોડો ઢંકાવાનો હતો?’ મુનીમે મર્મવાક્ય ઉચ્ચાર્યું, ‘બાલુ તો બત્રીસને બદલે તેત્રીસલક્ષણો પાક્યો—’

⁠‘અરેરે!’ મારી દીકરીનાં નસીબ—’

⁠‘ફૂટી ગયાં એમ સમજો. આજ સવારે જાન જૂતવાની હતી, ને કાલે આગલી જ રાતે ઈશ્વરિયાના આહીરોએ બાલુને લાકડીએ લાકડીએ લમધારી નાખ્યો–’

⁠‘અ૨૨૨! મૂવા આહીર તો જમડા જેવા લાગે છે…’

⁠‘પોતાની બેન-દીકરીની છેડતી થાય એ કોણ સાંખી શકે?’

⁠બાલુની ઉ૫૨ કડીઆળી ડાંગું પડી, માથામાં ફૂટ થઈ, ને ભોંયભેગો થઈ ગયો. એ તો વળી ગામના ઓળખીતા બે-ચા૨ કણબી વચ્ચે પડ્યા એમાં શૂળીનું સંકટ સોયથી પતી ગયું—’

⁠‘કોક ગલઢાવનાં પુન્ય આડાં આવ્યાં હશે—’

⁠‘તોય એક હાથ તો કોણીમાંથી ખડી ગયો. ને ડિલે આખે આવડાં આવડાં ચાંભા ઊપડી આવ્યાં’

⁠‘આ તો વિવાહમાં વિઘન જેવું થયું?’

⁠‘એટલે જ તો મને લાગ્યું કે કપૂરશેઠને સંધીય સાચી વાત આગોતરી કહી રાખું, પછી તમારે કહેવાપણું ન રહે કે મુનીમે મને ચેતાવ્યો નહીં. આપણને કોઈના વાંકમાં આવવું ન ગમે. હું તો વાત કહું સાચી—’

⁠ફરી એક માણસ અંદરના ઓરડામાં ધસી આવ્યો, ને બોલ્યો: ‘વેવાઈવાળા પાદરેથી આપણે માંડવે આવ્યા છે ને પૂછે છે કે સામૈયાંને હજી કેટલી વાર છે?’

⁠‘એને કહી દિયો કે ઉતાવળા થાવ મા,’ કપૂરશેઠે ફરી પેલા માણસને ધૂત્કા૨ીને પાછો કાઢતાં કહ્યું, ‘ઘોડે ચડીને આવ્યા છો, તે અમે જાણીએ છીએ—’

⁠‘વ૨૨ાજા તો બિચારા હવે ઘોડે ચડી શકે એમ પણ નથી રહ્યા.’ મુનીમે કહ્યું, ‘હાડકાં એવાં તો ખોખરાં થઈ ગયાં છે કે ચાર જણે ટેકો દીધો ત્યારે તો માંડ માંડ ગાડે બેસી શક્યો.’

⁠‘આ તો બહુ કહેવાય. છોકરો સાવ ઉઠેલપાનિયો પાક્યો!’

⁠‘એટલે તો હું અટાણે લંગડાતો લંગડાતો પણ તમારે આંગણે આવીને ઊભો,’ મુનીમે ગંભીર મુખમુદ્રાએ કહ્યું, ‘મને મારું પાપ ડંખ્યું—’

⁠‘પાપ?’ કપૂરશેઠ ચોંકી ઊઠ્યા, ‘શેનું પાપ વળી?’

⁠‘મારાં કરેલાં કરતૂકનું, મુનીમે કબૂલત કરી, બાલુનું સગપણ મેં કરાવ્યું’તું... ને મેં તમને છેતર્યા હતા—’

⁠‘છેતર્યા હતા? આ શું બોલો છો, મુનીમજી?’

⁠‘જિંદગીમાં આજે પહેલી વાર સાચું બોલું છું, તો બોલી લેવા દો, મુનીમની રુક્ષ મુખમુદ્રા ઉપર આર્દ્ર રેખાઓ ઊપસી આવી, પાપનું પ્રાછત કરી લેવા દો.’

⁠‘શેનું પાપ ને શેનું પ્રાછત વળી?’

⁠‘મેં તમને છેતર્યા છે. દકુભાઈનો છોકરો તો પહેલેથી જ કબાડી હતો... પણ મેં તમને ભરમાવ્યા ને જસીનું સગપણ કરાવેલું... બાલિયો તો કોળી-વાઘ૨ી ક૨તાંય વધારે ખેપાની પાક્યો છે. કૂતરાં- બિલાડાં કરતાંય બેજ, એટલામાં સંધુંય સમજી જાવ, શેઠ!’

⁠‘અરેરે,’ કપૂરશેઠ સંધુંય સમજી ગયા તેથી નિસાસો મૂક્યો. ‘મારી છોકરી આવા કપાતરને પનારે પડશે તો બિચારીનો ભવ બગડશે—’

⁠‘હજીય કાંઈ મગ-ચોખા ભેગા નથી થઈ ગયા.’ મુનીમે ફરી મર્મવાણી ઉચ્ચારી: ‘હજીય છોકરીનો ભવ સુધારવો તમારા હાથમાં છે.’

⁠ફરી એક માણસ અંદર ધસી આવ્યો ને બોલ્યો: ‘દકુભાઈ શેઠ પોતે ડેલીએ આવ્યા છે... કહે છે, બપોર થઈ ગયા, તોય હજી સામૈયું કેમ નથી કરતા?’

⁠‘એને કહી દિયો કે થાતું હશે એમ થાશે બધું,’ કહીને પેલા માણસને પાછો ધકેલી કાઢ્યા પછી ઉમેર્યું, ‘ક૨મી ગગાની જાન જોડીને મોટે ઉપાડે આવ્યા છે તે જાણીએ છીએ.’

⁠મુનીમે ફરી વાતનો તંતુ સાંધ્યો, ને સૂચવ્યું: ‘હજી પણ બાજી હાથમાંથી નથી ગઈ... રમતાં આવડે તો...’

⁠‘પણ કેવી રીતે?’

⁠‘સામૈયું કરવાનું જ માંડી વાળો!’

⁠‘પણ... પણ... પછી ?’

⁠‘પછી શું?’ પાદરમાંથી જ પાછાં વાળો!' મુનીમે કહ્યું, ‘એ ઉઠેલપાનિયાને પનારે તમારી છોકરી પડશે તો બિચારીને કૂવોઅવેડો જ પૂરવો પડશે.’

⁠સાંભળીને કપૂરશેઠ કંપી રહ્યા હતા ત્યાં ફરી પેલો માણસ અંદર ધસી આવ્યો તેથી એમણે વડચકું જ ભર્યું: શું કામે પણ અહીં આવ્યા કરે છે?’

⁠‘જરૂરી કામે આવ્યો છું—’

⁠‘દકુભાઈને કહી દે કે—’

⁠‘દકુભાઈની વાત નથી—’

⁠‘તો બીજી કઈ વાત છે?’

⁠‘એભલભાઈને ઘેરે ઈશ્વરિયાના આહીર આવ્યા છે, એ વાત કરે છે—’

⁠‘શું વાત કરે છે?’

⁠‘કે દકુભાઈના બાલુને તો કાલે રાતે સાંબેલે સાંબેલે સોરી નાખ્યો છે—’

⁠‘જાણીએ છીએ અમે તારી મોરના—’ કહીને કપૂરશેઠે ફરી પેલા માણસને હાંકી કાઢ્યો પણ એમના મનમાં મુનીમે જે શંકા પેટવી હતી એને આ ઈશ્વરિયાના આહીરો તરફથી સમર્થન મળી રહ્યું.

⁠દકુભાઈને સાથે લઈને કપૂરશેઠ પાદરમાં પહોંચ્યા અને કહ્યું: ‘વરાજાને શું કામે માફામાં પૂરી રાખ્યા છે?’

⁠‘નજરાઈ ન જાય એટલા સારુ,'

⁠‘અહીં અત્યારે કોઈ મૂઠબૂઠ નાખે એવી મેલી વિદ્યા જાણનાર માણસ નથી. તમતમારે એને બેધડક હેઠા ઉતારો—’

⁠પછી વ૨૨ાજાને પ્રગટ કરવા કે ન કરવા એ અંગે બંને વેવાઈઓ વચ્ચે સારી રકઝક ચાલી. પણ કપૂ૨શેઠે જ્યારે વરરાજાનાં પ્રત્યક્ષ દર્શન કરવાનો દુરાગ્રહ ચાલુ જ રાખ્યો ત્યારે દકુભાઈએ નછૂટકે માફો ઉઘાડ્યો ને બાલુને નીચે ઊતરવાનું કહ્યું.

⁠ચાર જાનૈયા ગાડા પર ચડી ગયા અને જાણે કે લાશ હેઠી ઉતારતા હોય એ રીતે બાલુને હેઠો ઉતાર્યો. સો સો સમરાંગણોમાં જખમી થઈને આવેલા રાણા સંગ જેવા બાલુના દીદાર જોઈને કપૂરશેઠ ડઘાઈ ગયા. ઠંડે કલેજે બોલ્યા:

⁠‘વ૨૨ાજાને આટલી બધી તકલીફ આપો મા. એને ફરી પાછા માફામાં બેસાડી દિયો—’

⁠દકુભાઈએ ખુલાસો કર્યો: ‘કાલે હાલતાં હાલતાં પગ લપસી ગયો, એમાં આટલું બધું લાગી ગયું—’

⁠‘હું જાણું છું, ઈશ્વરિયા ગામની ધરતી જ એવી લપસણી છે, એમાં વ૨૨ાજા બિચારા શું કરે? પગ આઘોપાછો પડી જ જાય—’

⁠‘કોણીમાંથી હાડકું ઊતરી ગયું—’

⁠‘ઊતરી જ જાય ને! કડીઆળી પડે પછી કોની કોણી સાજી રહે?’ કહીને કપૂ૨શેઠે છેવટનું સંભળાવી દીધું: ‘હવે તો મૂંગા મૂંગા મેપાણી મોર્ય ઈશ્વરિયા ભેગા થઈ જાવ ઝટ!’