વેળા વેળાની છાંયડી/૪૧. હર્ષ-શોકની ગંગાજમના

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૧. હર્ષ-શોકની ગંગાજમના

રોંઢો નમતાં સુધીમાં ઘોડાગાડી ખળખળિયાને કાંઠે આવી પહોંચી, એટલે વશરામે લાડકોરને કહ્યું, ‘ઘોડો તરસ્યો થયો હશે, જરાક પોરો ખવરાવીને પાણી પાઈ દઉં?’

⁠‘સારી પટ પાઈ લ્યો. પછી વાઘણિયા લગી ક્યાંય પાણીશેરડો નહીં આવે,’ લાડકોરે કહ્યું, ‘આ મૂંગા જીવને ભૂખતરસ લાગે, તોય કાંઈ બોલી થોડો શકે છે?’

⁠વશરામે ઘેઘૂર આંબલી તળે ઘોડાગાડી, છોડી નાખી. લાડકોર અને બટુક ક્યારનાં ગાડીમાં બેઠાં બેઠાં અકળાઈ ગયાં હતાં તેથી પગ છૂટો કરવા નીચે ઊતર્યાં.

⁠વશરામ ઘોડાને નદીના હેઠવાસ પટમાં દોરી ગયો.

⁠ઈશ્વરિયેથી ઉશ્કેરાઈને નીકળેલી લાડકોર હજી પણ ધૂંધવાયેલી જ હતી. દકુભાઈ ઉપરનો રોષ હજી શમ્યો નહોતો. તેથી જ, નદીકાંઠે ઊડતાં અપરિચિત પક્ષીઓ વિશે બટુક ક્યારનો બાને પૂછપરછ કરી રહ્યો હતો, છતાં બા તરફથી કશો ઉત્તર નહોતો મળતો.

⁠ઉદ્વિગ્ન લાડકોર અત્યારે દકુભાઈ કરતાંય વધારે તો ઓતમચંદ ઉપર મનમાં રોષ ઠાલવી રહી હતી. પતિએ આજ સુધી આ બાબતે કશી વાત કેમ કરી નહીં?’ પોતા ઉપર આવાં ઘોર વીતક વીતી ગયાં છતાં આજની ઘડી સુધી એક હ૨ફ પણ કેમ ઉચ્ચાર્યો નહીં? ઊલટાની દકુભાઈની હેતપ્રીતના મોટા મોટા મલાવા કરી કરીને મને ભરમમાં નાખી દીધી... એ ભ૨મમાં રહીને જ હું મોટે ઉપાડે ઈશ્વરિયે આવી પૂગી... ને ભરમ ભાંગ્યા પછી હવે પાછી વાઘણિયે જાઉં છું—’

⁠‘બા, બા, બાપુ આવે! બાપુ આવે!’ બટુક આનંદભેર બોલી ઊઠ્યો.

⁠‘હોય નહીં, ક્યાં છે?’

⁠‘ઓલ્યા ઘોડા ઉ૫૨! ઓલ્યા ઘોડા ઉપર!’

⁠સામી દિશામાંથી રવાલ ચાલે ઘોડીને રમાડતા આવતા અસવારને લાડકોર ન ઓળખી શકી પણ બટુકની ઝીણી નજરે એનો અણસાર ઓળખી લીધો હતો.

⁠લાડકોર હજી તો આશ્ચર્યમાંથી મુક્ત થાય એ પહેલાં તો, હરણફાળે આવતી ઘોડીએ પાણીમાં ડાબો પાડ્યો અને અસવાર બોલી ઊઠ્યો: ‘અરે! તમે અહીં ક્યાંથી?’

⁠અને આ પ્રશ્નનો ઉત્તર મળે એ પહેલાં તો ઘોડી નદી ઓળંગીને આ કાંઠે આવી ઊભી.

⁠પૂરપાટ આવતી જાતવંત ઘોડીને અસવારે એકાએક થોભાવતાં એ બે પગે ઝાડ થઈ ગઈ અને હણહણી ઊઠી. આધેડ ઉંમરે પણ ઓતમચંદ એક જુવાનની છટાથી નીચે કૂદી પડ્યો ને બોલ્યો: ‘અહીં ક્યાંથી અંતરિયાળ ?”

⁠ઉપરાઉપરી બની રહેલી અણધારી ઘટનાઓથી લાડકોર એવી તો હેબતાઈ ગઈ હતી કે પતિને ત્વરિત ઉત્તર પણ ન આપી શકી. ઓતમચંદને પણ પત્નીનું આ મૌન અકળાવી રહ્યું તેથી એણે કહ્યું: ‘બાલુનાં તોરણ તો કાલ્યપની તથ્યનાં છે ને? આજે તમે આમ અહીં—’

⁠‘તિખારો મેલો એના તોરણમાં!’ ચકમક અને ગજવેલના ઘર્ષણમાંથી ઝરતા તણખા જેવા જ શબ્દો લાડકોરની જીભમાંથી ખર્યા.

⁠‘શુભ પ્રસંગે આવાં વેણ ન બોલીએ—’

⁠‘ન બોલવાં હોય તોય બળતે પેટે બોલાઈ જાય છે—’

⁠‘પણ આમ ઓચિંતુ કેમ વાજું ફટકી ગયું ? સરખી વાત તો કરો !’

⁠‘વાત શું કરે, કપાળ!’ લાડકોર હજી ધૂંધવાતી હતી. ‘તમે તો મીંઢા તે સાવ મીંઢા જ રહ્યા! આવી હીણપત થઈ તોય તમે તો હોઠ સીવી જ રાખ્યા!’

⁠હવે ઓતમચંદને ગંધ આવી કે દકુભાઈને ઘે૨ કશુંક આડું વેતરાઈ ગયું છે. પણ શી ઘટના બની એ સીધેસીધું પૂછવાને બદલે એણે પત્નીને ઔપચારિક આશ્વાસનો આપવા માંડ્યાં.

⁠‘હોય એ તો... એમ જ હાલે—’

⁠‘એમ જ શું હાલે કપાળ!’ લાડકોર બોલી, ‘તમારા ઉપર એ નૂગરાઓએ રૂપિયાની કોથળી ચોરવાનું આળ મેલ્યું ને માથેથી ઢોરમાર માર્યો તોય તમે—’

⁠‘કોથળી ચોરવા જઈએ તો મા૨ ૫ણ ખાવો પડે,’ ઓતમચંદે રોનક કરી, ‘આ તો માથા સાટે માલ છે, ખણખણતા રૂપિયા કાંઈ રેઢા પડ્યા છે?’

⁠‘પણ રૂપિયા તો તેલના ખાણિયામાંથી નીકળ્યા... મારી નજ૨ સામે જ અકબંધ કોથળી બહાર આવી—’

⁠‘સાચું કહો છો?’ ઓતમચંદ વિચારમાં પડી ગયો. પત્નીનું આ એક જ વાક્ય એના ચિત્તમાં વીજળી જેવો ઝબકારો કરી ગયું. આજ સુધી સહુથી અજાણી રહેલી આ ભેદભરપૂર ઘટનાનો ઘટસ્ફોટ થઈ ગયો. કોથળીની આસપાસ જામેલાં અનેકાનેક અનુમાનોનું આવરણ જાણે કે પલકવારમાં ભેદાઈ ગયું અને ઓતમચંદની આંખ સામે આખીય ઘટના દીવા જેટલી સ્પષ્ટ થઈ ગઈ.

⁠‘તમે તો મીંઢા તે કાંઈ મીંઢા! આજ લગી મોઢા ઉપ૨ ખંભાતી જ મારી રાખ્યું!’ લાડકોર હજી વસવસો કરતી હતી. ‘આજ સુધી સગી ધણિયાણીનેય સાચી વાત ન કરી!’

⁠‘વાત કર્યે શું વળવાનું હતું? ઠાલું બોલ્યું બહાર પડે,’ ઓતમચંદે સમજાવ્યું, ‘એમાં તો ઘોડીનાંય ઘટે ને ઘોડેસવા૨નાંય ઘટે ને? આપણા ભેગી દકુભાઈની આબરૂ ઓછી થાય ને?’

⁠‘એને નકટાને વળી આબરૂ ક્યાં હતી, તે ઓછી થાય? એ બે દોકડાના માણસે ઊઠીને તમારી લાખ રૂપિયાની આબરૂ ઉપર ઘા કર્યો, માથે પસ્તાળ પાડી એ બધુંય તમે ખમી કેમ ખાધું?’

⁠‘ખમી ખાવું પડ્યું. એ વખતે આપણો સમો નબળો હતો, એટલે નિંદા ખમી ખાવી પડી. સમો સમો બળવાન છે, માણસ તો એનાં એ જ છે.’

⁠‘પણ કોથળી તો એની મેળે જ ખાણિયામાં પડી ગઈ’તી… મીંદડાં વઢ્યાં, એના હડસેલાથી —’

⁠‘એ તો હુંય હવે સમજી ગયો કે આમાં કોઈનો વાંક નહોતો…’

⁠‘ઓલ્યા રાખહ જેવા પસાયતાએ તમને ઢીબી નાખ્યા, એમાંય કોઈનો વાંક નહોતો?’

⁠‘ના,’ ઓતમચંદે સમજ પાડી. ‘પસાયતા તો દકુભાઈના મોકલાવ્યા આવ્યા’તા. ને એમાં દકુભાઈનોય શું વાંક બિચારાનો?’

⁠‘હજી તમે એને બિચારો કહો છો?’

⁠‘બીજું શું કહેવાય! દકુભાઈએ ઓસરીમાં કોથળી નહીં જોઈ હોય, એટલે મારા ઉ૫૨ વહેમ આવ્યો હશે. હું ઓસરીમાં એકલો બેઠો’તો ત્યાં સુધી તો કોથળી ખાણિયાની કોર ઉપર પડી’તી. પણ પછી હું કંટાળીને, કોઈને કાંઈ કીધા વિના જ બહાર નીકળી ગયો, ને કોથળી ક્યાંક અલોપ થઈ ગઈ, એટલે મારા ઉપર જ વહેમ આવે એમાં શું નવાઈ?’

⁠‘તમે તો નરસી મેતા જેવા છો એટલે તમારા મનમાં તો કોઈનો વાંક જ નહીં વસે–’

{gap}}‘કારણ કે આમાં કોઈ કરતાં કોઈ માણસનો વાંક નથી,’ ઓતમચંદે આ કરુણાંતિકાનું કા૨ણ ફિલસૂફની ઢબે સમજાવતાં કહ્યું, ‘વાંક કોઈનો કાઢવો જ હોય તો ખાણિયાની પાળે આવી પૂગેલાં મીંદડાંનો જ કાઢી શકાય. ને મીંદડાંને કાંઈ માણસ થોડાં ગણી શકાય? એટલે આમાં કુદરતની કરામત જેવું થઈ ગયું છે... માણસની કાંઈ ભૂલ નથી થઈ—’

⁠‘સગા બનેવી ઉપર આવાં વીતક વિતાડ્યાં તોય તમને એની ભૂલ નથી લાગતી ?’

⁠‘ના. કુદરત જ આવી ભૂલ કરાવે છે. માણસ તો કુદરતના હાથમાં રમકડા જેવો છે... આ બટુકના હાથમાં પાવો છે, એના જેવો જ—’

⁠બટુકના પાવાનો ઉલ્લેખ સાંભળીને લાડકોર બોલી ઊઠી: ‘તમે તો આજ સુધી કહેતા હતા ને કે આ પાવો દકુભાઈના બાલુએ મોકલાવ્યો છે?’

⁠‘એ તો તમને રૂડું મનાવવા ખાતર જ—’

⁠‘રૂડું મનાવીને મને છેત૨ી?’ લાડકોરે ઉગ્ર અવાજે પૂછ્યું, ‘સાચું કહો હવે, આ પાવો કોણે મોકલ્યો’તો?’

⁠‘હાલો, અબઘડીએ જ એ મોકલનારનો મેળાપ કરાવી દઉં—’

⁠‘ક્યાં? કયે ઠેકાણે?’

⁠‘અહીંથી બહુ આઘું નથી. ઓલ્યાં આઘે આઘે મેંગણીની સીમનાં ઝાડવાં દેખાય!’ ઓતમચંદે કહ્યું: ‘તમારો ઠીક ભેટો થઈ ગયો! હું એકલો જાતો’તો ત્યાં તમારો સથવારો થઈ ગયો.’

⁠‘ક્યાં જાતા’તા?’

⁠‘ઈશ્વરિયે નહીં, મેંગણી જાતો’તો.’

⁠‘કેમ ભલા?’

⁠‘મારી બેનને ઘેરે લગન છે. ભાણિયાનાં—’

⁠‘તમારી બેન? મેંગણીમાં?’ લાડકોરે પૂછ્યું, ‘કોઈ દી નામ તો સાંભળ્યું નથી—’

⁠‘આ તો મારી ધરમની માનેલી બેન છે એટલે તમે ક્યાંથી ઓળખો ?’

⁠‘તમે હજીય ઠેકડી કરો છો મારી?’

⁠‘ઠેકડી નથી કરતો, સાચું કહું છું. તમે ઈશ્વરિયે બાલુનાં લગન ક૨વા ઘરેથી નીકળ્યાં‘’તાં. હવે દકુભાઈથી રિસાઈને, લગન કર્યા વિના પાછાં ઘરે જાવ તો અપશુકન જેવું ગણાય. એટલે હવે હાલો મારી ભેળાં મેંગણી. બેનના ભાણિયા બીજલનાં લગન પતાવીને સહુ રંગેચંગે પાછાં વળશું—’

⁠‘આ સંધુંય સાચું બોલો છો?’ લાડકોર હજી સંશય સેવતી હતી. ‘તમારી ધ૨મની બેનનું નામ શું?’

⁠‘હી૨બાઈ... એભલભાઈ આય૨ની ઘરવાળી,’ કહીને ઓતમચંદે ખળખળિયાને કાંઠેથી એભલ આહી૨ એને કેવી રીતે ઝોળીએ ઘાલીને મેંગણી લઈ ગયેલો, હીરબાઈએ કેવી કાળજીથી બેશુદ્ધ માણસની સા૨વા૨ કરેલી, એ બધી વીતકકથા પત્નીને કહી સંભળાવી.

⁠સાંભળીને લાડકોર કંપી ઊઠી. ‘અ૨૨! તમને પીટડિયા પસાયતાએ આટલા બધા માર્યા’તા? વગડા વચ્ચે તમને મડદાંની જેમ મેલીને હાલ્યા ગ્યા’તા?’

⁠‘હા.’

⁠‘આવી ભેંકા૨ જગામાં દીપડોબીપડો આવ્યો હોત તો?’

⁠‘તમારાં પુન્ય આડાં આવ્યાં, ને દીપડાને બદલે દેવ જેવો એભલ આવી ચડ્યો, ને મને ફાંટમાં નાખીને મેંગણી લઈ ગયો!’

⁠‘હાલો, ઝટ હાલો, મારે એ દેવ જેવા માણસનું મોઢું જોવું છે—’

⁠‘વશરામ, ગાડી જોડો!’ ઓતમચંદે કહ્યું, ‘ને મા૨ી ઘોડીની પછવાડે પછવાડે હાંકતા આવો. મેંગણી તો હવે ઢૂંકડું જ છે — જુવો સામે દેખાય એનાં ઝાડવાં—’

⁠મેંગણીના ઝાંપામાં ઓતમચંદે ઘોડી ઝુકાવી ત્યારે દોઢીમાં ખાટલા પાથરીને પડેલા સિપાઈઓ આ અસવારને ઓળખી ગયા. આખી મોસમમાં વજેસંગ દરબારને ત્યાં ઓતમચંદ વારંવાર આવ્યા કરતો, તેથી આ સંત્રીઓએ આજે પણ એવું અનુમાન કર્યું કે એ દરબારી મહેમાન છે. એ અનુમાનને કારણે તો આડા પડીને આરામ કરતા સિપાઈઓએ આ અસવારને સલામો પણ ભરી દીધી.

⁠પણ અસવારની પાછળ પાછળ એક ઘોડાગાડી પણ દાખલ થઈ અને એ આખો રસાલો દરબારગઢની દિશામાં વળવાને બદલે આહીરવાડા તરફ વળ્યો, ત્યારે સિપાઈઓને નવાઈ લાગી.

⁠ગઢની રાંગેથી નેળમાં વળીને ઘોડેસવાર એભલ આહીરની ડેલીએ આવી ઊભો. પાછળ ગાડી પણ આવી.

⁠આજે ઓતમચંદને ડેલીની સાંકળ ખખડાવવાની જરૂ૨ નહોતી. ડેલીનાં બારણાં ઉઘાડાં જ હતાં ને આંગણમાં મોટો માંડવો બાંધેલો હતો. માંડવા તળે ખાટલાઓ ઢાળી ઢાળીને કદાવર આહીરો હુક્કા ગગડાવતા બેઠા હતા, એ આ ઉજળિયાત અસવારને જોઈને ઊભા થઈ ગયા.

⁠ઘોડીના ડાબલા, ને આંગણામાં થોભતી વેળાની હણહણાટી સાંભળીને અંદરના વાડામાંથી હીરબાઈ બહાર દોડી આવ્યાં ને અસવા૨ને જોતાં જ બોલી ઊઠ્યાં:

⁠‘આવ્યો મારો વી૨! સમેસ૨ આવી પૂગ્યો!’

⁠ઓતમચંદ ઘોડી ઉપરથી નીચે ઊતર્યો કે તરત હીરબાઈએ દુખણાં લેતાં લેતાં કહ્યું, ‘સારું થયું, અવસર ઉપર આવી પૂગ્યા ભાઈ! મામા વિના મારો બીજલ અણોહરો લાગતો’તો–’

⁠ઓતમચંદે પાછળ આવેલી ઘોડાગાડી તરફ આંગળી ચીંધીને કહ્યું કે બટુક અને બટુકની બા પણ સાથે આવ્યાં છે, ત્યારે તો હીરબાઈ હરખઘેલી થઈ ગઈ. એણે એભલને કહ્યું, ‘ભાઈ તો મારી ભુજાઈનેય તેડતા આવ્યા છે! ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય!’

⁠લાડકોર બટુકને લઈને ગાડીમાંથી ઊતરી એટલે પતિએ એને આ અજાણ્યાં માણસોની ઓળખાણ આ રીતે આપી:

⁠‘દકુભાઈએ તમારો ચૂડલો ભાંગવા જેવું કામ કર્યું ને આ એભલભાઈએ તમારા ચૂડલાની રક્ષા કરી–’

⁠‘જીવતા રિયો ભાઈ!’ લાડકોરના મોઢામાંથી અહેસાનનો ઉદ્‌ગાર નીકળી ગયો.

⁠‘ને આ મારી હીરબાઈબેને, પેટના જણ્યાથીય મારી અદકી પળોજણ કરી કરીને બે દિવસે મને બોલતો કર્યો–’

⁠‘તમે મારા કપાળના ચાંદલાની રખ્યા કરી છે, તો તમારાં પેટ ઠરશે... તમારો આ ગણ તો ભવોભવ નહીં ભુલાય,’ કહીને લાડકોર આ આહીરાણી સાથે જાણે કે જનમ-જનમની પ્રીત હોય એટલી આત્મીયતાથી વાતોએ વળગી ગઈ.

⁠‘અરે! પણ વરરાજા કેમ નથી દેખાતા?’ ઓતમચંદે પૂછ્યું, ‘મારો ભાણિયો ક્યાં છે?’

⁠‘બીજલ! બેટા બીજલ!’ હીરબાઈએ વાડામાં બૂમ પાડી, ‘બેટા બારો આવ્ય, જો મામા આવ્યા!’

⁠કપાળમાં મોટો ચાંદલો ને માથા કરતાં બમણો ફેંટો બાંધેલો એક કિશોર બહાર આવ્યો કે તરત ઓતમચંદે એને વહાલપૂર્વક તેડી લીધો અને બટુકને એની ઓળખાણ આપીઃ

⁠‘બટુક, આ તારો પાવો આ બીજલભાઈએ મોકલ્યો’તો–’

⁠બટુકે પૂછ્યું: ‘મામાના બાલુભાઈએ નહીં?’

⁠‘ના, આ બીજલભાઈએ–’

⁠લાડકોર સમજી ગઈ. આખી ઘટનાના ત્રાગડા મળી રહ્યા. પોતાને થયેલી પ્રતીતિ વધારે પાકી કરવા એણે પૂછ્યું: ‘તો પછી આ પાવાભેગું તમે ગોળપાપડી ને તલસાંકળીનું ભાતું લેતા આવેલા, એ કોણે બંધાવ્યું?’

⁠‘આ મારી હી૨બાઈબેને —’

⁠‘હેં?’ લાડકોરે સુખદ આશ્ચર્ય વ્યક્ત કર્યું, ‘હી૨બાઈબેનના હાથની ગોળપાપડી આપણે ખાધી’તી?’

⁠‘હા,’ હીરબાઈ બોલ્યાં, ‘તમે અભડાઈ ગયાં!’

⁠ઓતમચંદે લાગણીવશ થઈને કહ્યું, ‘તમ જેવાં દેવાંશી માણસના હાથની પ૨સાદી પામીને અમે પુણ્યશાળી થયાં, એમ કહો, બેન!’

⁠એક ઉજળિયાત દંપતી અને એક શ્રમજીવી દંપતી વચ્ચેનો આ પ્રેમાળ વાર્તાલાપ સાંભળીને, એભલને ઘેર આવેલાં નાતીલાં મહેમાનો તો આભાં જ થઈ ગયાં.

⁠જોતજોતામાં લાડકોર અને હી૨બાઈના જીવ મળી ગયા. આ ઉજળિયાત ગૃહિણી આહીરાણીને લગનની તૈયારીમાં લાડકોર મદદ પણ કરવા લાગી.

⁠સહુથી વધારે આત્મીયતા તો બટુક અને બીજલ વચ્ચે કેળવાઈ ગઈ. સંસારના અટપટા વ્યવહારોથી અજાણયા અને ઊંચનીચના ભેદોથી પણ આજ સુધી અલિપ્ત રહેલા આ એકલવાયા કિશોરોને એકબીજાની સોબત બહુ જચી ગઈ.

⁠ઓતમચંદને લાંબી ખેપની ખેપટ લાગતાં હાથપગ અને મોઢું ધૂળથી રજોટાઈ ગયું હતું. ભેઠ છોડીને એણે હાથોમોં ધોયાં ને પછી સહુ જમવા બેઠાં.

⁠જમી પરવારીને એકલાં પડતાં ઓતમચંદે કમર ૫૨થી હળવેક રહીને વાંસળી છોડી અને હાક મારીને બીજલને બોલાવ્યો.

⁠પતિનો અવાજ સાંભળીને બીજલ સાથે લાડકોર પણ આવી પહોંચી અને કુતૂહલથી પૂછવા લાગી: ‘આ શું?’

⁠‘વાંસળી,’ ઓતમચંદે કહ્યું, ‘ઠેઠ વાઘણિયેથી કેડ્યે બાંધતો આવ્યો છું એટલે ડિલ ઉ૫૨ ભાર લાગે છે–’

⁠‘તે સેંથકના રોકડા રૂપિયાનો ભાર ભેગો ન ફેરવતા હો તો!’

⁠‘રૂપિયાનો ભાર નથી,’ ઓતમચંદે ભારેખમ મોઢે કહ્યું. અને પછી, મૂંગે મૂંગે વાસળીમાંથી એક પછી એક ચીજ ખંખેરવા માંડી.

⁠‘અરે! આ તો હાથની પોંચી!’ લાડકોરે પૂછ્યું: ‘કોને સારુ?’

⁠‘મારા ભાણિયા બીજલ સારુ—’

⁠‘ને આ કાનનાં દોળિયાં?’

⁠‘એય વરરાજાનાં—’

⁠‘ને આ હાંસડી—?’

⁠‘એ મારી બેન હીરબાઈની!’

⁠‘ને આ કન્ટેસરી?’

⁠‘એય મારી બેન પહેરશે—’

⁠સાંભળીને લાડકોર તો ઉત્તરોત્તર વધારે અચંબો અનુભવી રહી. પૂછ્યું: ‘આટલું બધું ક્યાંથી લાવ્યા?’

⁠‘કોઈની કોથળી ચોરીને નથી ઘડાવ્યું, ગભરાશો મા. સંધુંય વાઘણિયાના સોની પાસે ઘડાવ્યું છે—’

⁠‘તમે તો મીંઢા, તે સાવ મીંઢા જ રહ્યા! સરોસર મીંઢા!’ લાડકોરે ફરી મીઠો રોષ ઠાલવ્યો, ‘મને તો વાત પણ ન કરી!’

⁠‘વાત કર્યે શું વશેકાઈ?’ કહીને ઓતમચંદે બીજલને ઘરેણાં પહેરાવવા માંડ્યાં.

⁠‘પણ આટલું બધું સોનું તમે ઘડાવ્યું ક્યારે?’

⁠‘છ મહિનાથી ઘાટ ઘડાતા હતા... તમે તમારા ભત્રીજા સારુ ઘડાવતાં'તાં, ને હું ભેગા ભેગા આ મારા ભાણિયા સારુ ઘડાવતો જાતો’તો.’

⁠‘તમે તો મીંઢા, તે કાંઈ જેવાતેવા મીંઢા ! જાણે ગોરજીની જેમ મોઢે મોપત્તિ જ બાંધી રાખી ઠેઠ લગી!’

⁠‘મૂંગા રહેવામાં મઝા છે, એટલી બોલ બોલ કરવામાં નથી.’

⁠‘અરે પણ સગી ધણિયાણીનેય વાત ન કરાય?’

⁠‘મારા ભાણેજના લગનનું મોસાળું મારે ક૨વાનું, એમાં તમને વાત ક૨વાથી શું ફાયદો?’

⁠‘તે હું તમા૨ી કાંઈ સગી થાઉં કે નહીં?’ હવે લાડકોરે અર્થસૂચક વાત ક૨ી, ‘તમારો ભાણેજ તમને વહાલો છે, તો મને શું દવલો હશે?’

⁠‘તમા૨ી વાત તમે જાણો!’

⁠ઓતમચંદે હસતાં હસતાં બીજલના કાંડા ઉ૫૨ લબદા જેવી ભારે સોનાની પોંચી પહેરાવી.

⁠‘તમે તો મૂંગામંતર રહીને મને ભોંઠામણમાં મૂકી દીધી!' મીંઢા કાંઈ મીંઢા!’

⁠‘કેમ ભલા? તમારે શેની ભોંઠામણ ભલા?’

⁠‘આ તમે પોતે બીજલના મામા થઈ બેઠા એકલા એકલા, ને હું એની મામી ન ગણાઉં ?’

⁠‘ગણાવું હોય તો ગણાવ!’

⁠‘ગણાવું હોય તો એટલે શું? તમે આટલું મોટું મોસાળું ક૨શો ને હું શું હાથ જોડીને બેસી રહીશ?’ કહીને લાડકોરે કલાત્મક ભ્રૂભંગ કર્યો.

⁠પત્નીનો આ લાક્ષણિક ભ્રૂગ ઓતમચંદ આ ઉંમરે પણ મૂછમાં હસતાં હસતાં રસપૂર્વક નિહાળી રહ્યો અને હવે પછી એ માનુની કેવો અભિનય દાખવે છે એની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો.

⁠ત્યાં તો પતિને પણ આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકીને લાડકોરે કેડ પર ભરાવેલી ચાવીનો ઝૂડો ખેંચી કાઢ્યો, અને ઈશ્વરિયેથી સાથે લાવેલી પોતાની પેટીનું તાળું ઉઘાડ્યું.

⁠‘આમ આવો જોઈએ, ભાણાભાઈ!’ લાડકોરે બીજલને પોતા પાસે બોલાવ્યો, ‘મામાનાં હેત જોઈ લીધાં હોય તો હવે મામીનાં જુવો!’

⁠અને લાડકોરે હજી પણ પેલો કલાત્મક ભ્રૂભંગ ચાલુ રાખીને પેટીમાંથી પાંચ-સાત બાંધણે બાંધેલો એક મોટો દાબડો ઉઘાડ્યો.

⁠બીજલને એક પછી એક ઘરેણાં પહેરાવતાં લાડકોર હજી પણ ચાલુ ભ્રૂભંગે બોલતી હતી, ‘જુઓ કોનાં હેત વધે છે ને કોનાં મોસાળાં ચડિયાતાં થાય છે—મામાનાં કે મામીનાં?’

⁠‘અરે! આ દાગીના તો તમે બાલુ સારુ ઘડાવ્યા'તા હોંશે હોંશે—’ ઓતમચંદે ટકોર કરી.

⁠‘હવે તો આ બીજલ જ મારો બાલુ—’ લાડકોર હજી વધારે ભ્રૂભંગ કરતી કરતી બોલતી હતી, જુઓ હવે કોણ વધારે હેતાળ નીકળ્યું — મામા કે મામી?’

⁠‘ભઈ, તમારી તોલે હું તો ક્યાંથી આવું?—’

⁠‘જુઓ હવે કોનાં ઘરેણાં વધ્યાં? તમારાં ઘડાવેલાં કે મારાં?’

⁠‘ભાઈ, તમે તો લખમી માતાનાં અવતાર ગણાવ ને હું રહ્યો ગરીબ હિંગતોળ વેપારી—’

⁠‘મારાથી આજ લગી સંધુંય છાનું રાખ્યું ને, તે હવે લેતા જાવ!...મીંઢા તે કાંઈ મીંઢા!'

⁠‘અરે! આ શું?’ હીરબાઈએ આવીને, ઘરેણાંથી લદબદ બીજલને જોતાં જ પૂછ્યું, ‘આ શું? આ શું?’

⁠બીજલ બોલ્યો: ‘મામાએ પહેરાવ્યાં!’

⁠‘ને મામીએ નહીં?’ લાડકોરે વચ્ચે જ બીજલની ભૂલ સુધારી.

⁠‘હા, મામીએ પહેરાવ્યાં!’

⁠હીરબાઈ તો આ દૃશ્ય સાચું જ ન માની શક્યાં. પરંપરાથી માત્ર રૂપાનાં જ ઘરેણાં પહેરનાર આ ગરીબ કોમમાં સોનાનાં દર્શન જ દુર્લભ હતાં, ત્યાં દીકરાના ડિલ પર આટલું સૂંડલોએક સોનું જોઈને માતા ગળગળી થઈ ગઈ. બોલી રહી:

⁠‘આટલું બધું તે હોય, ભાઈ?’

⁠‘ગરીબ માણસે ગજાસંપત ૫૨માણે કર્યું છે,’ ઓતમચંદે કહ્યું, 'બાકી, તમારા ગણનું સાટું તો તમને આખેઆખાં સોને મઢીએ તોય વાળી શકાય એમ નથી.’

⁠લાડકોરે સૂર પુરાવ્યો: ‘બેન, તમે મારા ધણીનું જતન ન કર્યું હોત, તો આજે મારા હાથમાં આ ચૂડલોય શેનો સાજો રહ્યો હોત!’

⁠‘પણ આટલાં બધાં ઘરેણાં તે હોય, મારા ભાઈ?’ હી૨બાઈ હજી લાગણીવશ હતાં.

⁠‘આ તો ફૂલ નહીં, તો ફૂલની પાંખડી જેવું છે, બેન!’ ઓતમચંદે ખુલાસો કર્યો. ‘બાકી, આ કાંઈ તમારા ગણનું સાટું વાળવા સારુ નથી કર્યું. જેણે નવી જિંદગાની આપી, એના ગણનું સાટું તો એક ઉપરવાળા સિવાય બીજું કોણ વાળી શકે? અમે તો જનમભ૨ ને ભવોભવ તમારાં ઓશિયાળાં થઈને અવતરીએ – તમારે આંગણે આ બાંધ્યાં છે એવાં મૂંગાં ઢોર થઈને અવતરીએ – તોય અમારાં જીવતર ધન્ય ધન્ય થઈ જાય, બેન!’

⁠નીતર્યાં નીર જેવા સાચા દિલની આ વિનયવાણી સાંભળીને હી૨બાઈને પોતાનો મૃત ભાઈ સાંભરી આવ્યો, અને એક આંખમાંથી શોકનું એક આંસુ ખર્યું, પણ તુરત ખ્યાલ આવ્યો કે આ ધરમનો માનેલો ભાઈ તો સગા મા-જણ્યાથી સવાયો છે, ત્યારે એનું હૃદય આનંદથી પુલકિત થઈ ઊઠ્યું અને હર્ષના આંસુ ખર્યાં.

⁠હર્ષ અને શોકનાં, માનવજીવનના તાણાવાણા જેવાં એ અશ્રુપ્રવાહની ગંગાજમના ઓતમચંદ અને લાડકોર એકીટસે જોઈ રહ્યાં. અનુભવી રહ્યાં.