વેળા વેળાની છાંયડી/૫. નણંદ અને ભોજાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૫. નણંદ અને ભોજાઈ

બનેલું એમ, કે દકુભાઈની વહુ સમરથ આજે સવારના પહોરમાં લાડકોર પાસે આવેલી. દકુભાઈ પોતે વાંઢો હતો ત્યાં સુધી તો એ માબાપ વિનાનો અનાથ છોકરો બહેન-બનેવીને આંગણે આશરાગતિયા તરીકે પડ્યો રહેતો. પણ એ મોટો થતાં ઓતમચંદે એને ભણાવ્યો-પરણાવ્યો અને કામની આવડત જોઈને જતે દિવસે વેપારમાં પણ એક આની ભાગ કરી આપેલો. પછી દકુભાઈએ બનેવીની પડોશમાં જ નોખું ઘ૨ માંડેલું. નોખું ઘર માંડવામાં દકુભાઈની પત્નીનો કર્કશ સ્વભાવ પણ કારણભૂત હતો જ. એ કર્કશા સમરથ આજે સવારના પહોરમાં લાડકોર પાસે આવેલી અને એમાંથી જ આજની આખી રામાયણ ઊભી થયેલી.

⁠સમરથ સ્વભાવથી જ ભૂખાળવી હતી. પણ એ ભૂખાળવાપણાની સાથે એનામાં ભારોભાર મોટાઈ-ખોટી મોટાઈ-પણ હતી, એ કારણે નણંદભોજાઈ વચ્ચે ઘણી વા૨ ચકમક ઝરી જતી. ઓછું પાતર ને અદકું ભણેલ જેવી સમ૨થને વાત વાતમાં મોં મચકોડવાની, છણકા કરવાની અને ઓછું આણવાની આદત હતી. પોતાના ધણીની સ્થિતિ સામાન્ય હોવા છતાં એ હરહંમેશ નણંદના ઘરની નકલ ક૨વા મથતી, પોતાને લાડકોરની સમોવડી સમજતી અને એમાં જ્યારે જ્યારે નિષ્ફળતા મળતી ત્યારે ત્યારે નાસીપાસ થતી સમ૨થ પોતાના ઘ૨ની ૨હેણીકરણીમાં, પહેરવા-ઓઢવામાં બધી બાબતમાં લાડકોરની સરસાઈ કરવા મથતી. એક વેળા પોતાને પિય૨ જવાનું હતું ત્યારે અમરગઢ સ્ટેશને પહોંચવા માટે સમરથે વશરામને કહીને ઘોડાગાડી મંગાવેલી અને લાડકોરે ‘ગાડી તો અમારા બટુક સારુ ધારી છે, તારા સારુ નહીં.’ એમ કહેવડાવ્યું ત્યારે સમરથની માખી છીંકાઈ ગયેલી અને આ ઘોર અપમાન બદલ બરોબર બે મહિના સુધી નણંદ સાથે અબોલા રાખેલા.

⁠આજે સવારમાં પણ સમરથ શેઠાણી આવી જ એક ભિક્ષા કાજે ઓતમચંદને આંગણે આવેલાં. આવતાંવેંત જ એણે લાડકોર સમક્ષ પોતાની માગણી ૨જૂ કરેલી:

⁠‘તમારી મોહનમાળા આજનો દી પહેરવા આપોની.’

⁠‘કેમ ભલા ?’ લાડકોરે પૂછેલું.

⁠‘મારી ડોક અડવી છે.’

⁠‘મંગળ-સાંકળી છે ને ?’

⁠‘દોરા જેવી સાંકળી તો દીઠામાંય ન આવે.’

⁠‘દીઠામાં ન આવે તો દેખાડવાની એવી શું જરૂ૨ છે ?’

⁠‘આટલાં બધાં મહેમાનોની વચ્ચે હું ભૂંડી ન લાગું ?’

⁠‘જેવાં હોઈએ એવાં લાગીએ એમાં શરમાવાનું શું ભલા ?’ લાડકોરે પૂછ્યું. અને પછી નાદાન ભોજાઈને શિખામણ આપી: ‘ફાટ્યે લૂગડે અને દૂબળે માવતરે શરમાઈએ નહીં, સમજી ?’

⁠નણંદનાં આવાં શિખામણસૂત્રો કાને ધરવાની સમરથની તૈયારી નહોતી. એ વરણાગીને તો બસ, પહેરી-ઓઢીને મહાલવાનું જ મન હતું. એથી જ એણે મોહનમાળાની માગણીના સમર્થનમાં વિચિત્ર દલીલ કરી:

⁠‘તમારી પાસે એક મોહનમાળા વધારાની છે એટલે માગવા આવી છું.’

⁠‘વધારાનું હોય એટલું બધુંય કોઈને આપવા સારુ ન હોય, સમજી ?’

⁠પણ સમરથ એમ સમજી જાય એવી સમજુ નહોતી. એણે તો વધારે વિચિત્ર દલીલ કરી:

⁠‘તમારા પટારામાં મોહનમાળા પડી પડી વિયાશે ?’

⁠‘પટારામાં મોહનમાળા વિયાશે કે નહીં વિયાશે એની પંચાત તારે શું કામ ક૨વી પડે ભલા ?’ લાડકોરે જરા ઉગ્ર અવાજે પૂછ્યું. અને ફરી આ અકલમઠી ભોજાઈને શિખામણ આપવા બેઠી: ‘તારી આ ટેવ જ ખોટી છે. આપણું હોય એટલેથી સંતોષ માનવો જોઈએ, કોઈની મેડી જોઈને પોતાનું ઝૂંપડું પાડી ન નખાય, સમજી ?’

⁠‘પણ આટલાં બહોળાં મહીમહેમાનમાં અડવે અંગે ફરું તો એમાં મારી આબરૂ—’

⁠‘આબરૂ તો મારા દકુભાઈની જેવી છે એવી છે જ, ને સહુ એ જાણે પણ છે. માગ્યો દાગીનો પહેરીશ તો આબરૂ વધી નહીં જાય ને નહીં પહેરે તો ઘટી નહીં જાય. સમજી ?’

⁠પણ આ વખતે તો સમ૨થે કશું સમજવાને બદલે સામેથી છણકો જ કર્યો:

⁠‘તમને તમારી શેઠાઈનો એંકાર આવી ગયો છે એટલે આમ ફાટ્યું ફાટ્યું બોલો છો.’

⁠‘અમારું અમે જાણીએ. પણ તું તો વગર શેઠાઈએ આટલો એંકાર શેનો કરે છે એની ખબર પડે કાંઈ ?’ આખરે લાડકોરે પણ સમરથને સીધી વાત સંભળાવી દીધી. ‘ધણીનાં લૂગડાંમાં સાંજ પડ્યે શેર ધૂળ ભરાય ને બાઈને મોટી શેઠાણી થવાના શોખ !’

⁠સમરથ આ નગ્ન સત્ય જીરવી શકી નહીં. નણંદના આ ચાબખાએ એને પોતાની કંગાલિયતનું ભાન કરાવી દીધું હતું. આંખમાં સાચાં કે ખોટાં આંસુ લાવીને એણે કહ્યું:

⁠‘અમે તમારાં ઓશિયાળાં થઈને રહીએ છીએ એટલે જ આવી સંભળામણી કરો છો ને !’

⁠‘કોણ તમને કહે છે કે અમારાં ઓશિયાળાં થઈને રહો ?… ત્રેવડ હોય તો થાઓ ને નોખાં, ને કરો ને નોખો વેપા૨ !’ લાડકોરે આખરે પડકાર કર્યો જ. અને પછી, ઘણા દિવસની ભેગી થયેલી ખીજ પણ મોકો મળતાં ઠાલવી દીધી:

⁠‘આ તો તૈયા૨ ગાદી પડી ગઈ છે એટલે તનકારા કરો છો. પરસેવો પાડીને પાંચ પૈસા પેદા કરો તો ખબર પડે !’

⁠વાઘણ જેવી સમરથ આ પડકાર સાંભળીને સસલા જેવી શાંત થઈ ગઈ. હવે એની આંખમાંથી સાચાં આંસુ ખર્યાં.

⁠લાડકોરે પણ લાગ જોઈને ઘણા દિવસનો મનનો ઊભરો ઠાલવી જ નાખ્યો:

⁠‘આ તો ભૂખની છોકરી ભાઠમાં પડ્યા જેવું છે… ધણી બિચારો ઢેફાં ભાંગે ને બાઈને મેલાતની સાહ્યબી જોઈએ…’

⁠સમરથ સમસમી રહી હતી. હવે બોલવાનો વારો ભોજાઈનો હતો:

⁠‘તમારો દીધો રોટલો ખાઈએ છીએ એટલે જ આવાં મેણાંટોણા સાંભળવાં પડે છે ને !…

⁠‘તો હવે તમારો પોતાનો રોટલો ખાઈ જુઓ તો ખબર પડે કે કેટલી વીસે સો થાય છે.’

⁠સમરથે પડકાર ઉપાડી લીધો:

⁠‘તો આજથી હવે તમારા ઘરના ગોળાનું પાણી હરામ… અમારું ભાગ્ય કાંઈ વેચી નથી ખાધું… હવે સૂકા રોટલામાં કાંઈ નહીં જડે તો મીઠું દાબીશું, પણ તમારે આંગણે ભીખ નહીં માગીએ.’

⁠આટલું કહીને સમરથ પીઠ ફેરવી ગઈ… લાડકોરના પ્રત્યાઘાતો જાણવા પણ એ ન રોકાઈ. વિફરેલી વાઘણની જેમ એ ઘેર જઈ પહોંચી.

ઘરમાં દકુભાઈ અને મકનજી મુનીમ કપૂરશેઠની પુત્રીઓ વિશે ચર્ચા કરી રહ્યા હતા. બાલુ માટે શેઠની મોટી દીકરી અનુકૂળ ગણાય કે નાની દીકરી, એનો નિવેડો સહેલાઈથી નહોતો થઈ શકતો તેથી જરા મૂંઝવણમાં લાગતા હતા ત્યાં જ કોપાયમાન ચંડિકા સમી સમરથ બારણામાં આવી ઊભી અને પતિ સામે જોઈને પડકાર કર્યો:

⁠‘તમારામાં પાણી છે કે સાવ નપાણિયા ખીજડિયા જેવું જ છે ?’

⁠દકુભાઈ તો ડઘાઈ જઈને પત્નીના મોં સામે ટગર ટગર જોઈ જ રહ્યો.

⁠‘તમારાં બાવડાંમાં બળ છે કે બધુંય હારી બેઠા છો ?’

⁠પત્નીના આ બીજા પ્રશ્નનો પણ પૂર્વાપર સંબંધ દકુભાઈને સમજાયો નહીં તેથી એણે ખુલાસો માગ્યો:

⁠‘શું છે પણ ? આટલી વારમાં આ શું થઈ ગયું ?’

⁠મકનજી મુનીમ પણ ચોંકી ઊઠીને પૂછવા લાગ્યો:

⁠‘શું થયું, શેઠાણી ? સરખી વાત તો કરો !’

⁠પણ શીઘ્રકોપી સમરથ સીધી વાત કરવા નહોતી માગતી. એણે તો પતિને ચડાવવા ત્રીજો પ્રશ્ન પણ આડકતરો જ પૂછ્યો:

⁠‘શેર બાજરો કમાવાની તમારામાં ત્રેવડ નથી ?’

⁠‘શેર શું મણ બાજરી કમાવાની દકુભાઈમાં ત્રેવડ છે,’ મકનજીએ કહ્યું, ‘પણ આજ તમને થયું છે શું એ વાત તો કરો !’

⁠પત્નીનું કાલિકાસ્વરૂપ જોઈને, મૂળથી જ પોચી છાતીવાળા દકુભાઈની છાતી બેસી ગઈ હતી. આ પુણ્યપ્રકોપ અંગે તેઓ કશી પૂછગાછ કરવા માંડે એ પહેલાં તો સમ૨થે જાણે કે માથે આભ તૂટી પડ્યું હોય એમ ઠૂઠવો મૂકીને મોટે સાદે રડવા જ માંડ્યું.

⁠મકનજી જેવો મહા ઉસ્તાદ મુનીમ પણ આ નાટક જોઈને મૂંઝાઈ ગયો. દકુભાઈએ હિંમત કેળવીને પત્નીને ધીમે ધીમે પૂછગાછ કરવા માંડી.

⁠પણ સમ૨થ તો ઉત્તરોત્તર મોટાં થતાં જતાં ડૂસકાં ભરવા સિવાય બીજું કશું સંભળાવવા જ નહોતી માગતી.

⁠આખરે પતિની વિનવણી અને કાકલૂદીને માન આપીને પત્નીએ ડૂસકાંની એકસૂરી તરજ વચ્ચે અરધાંપરધાં વાક્યોના આંત૨ા પણ ગીતના લયમાં ગાવા માંડ્યા:

⁠‘હું અભાગણી… ઓછાં નસીબની… મારે ક૨મે કટકા લખ્યા…માથે મેણાં ને સૂંબો… છતે ધણીએ ઓશિયાળી… માગવું ને મરવું બેય બરાબર… નાણાંવાળી નણંદનો મિજાસ… ન સાંભળવા જેવાં વેણ સાંભળવાં પડે… પંડ્યના ધણીમાં રતિ નહીં તંયે જ સાંભળવાં પડે ને ?…’

⁠આટલા રુદનમિશ્રિત સંગીતના ધ્વનિ પરથી દકુભાઈ એટલું તો સમજી શક્યા કે નણંદભોજાઈ વચ્ચે કશીક ચકમક ઝરી ગઈ છે. પણ શા કારણથી આમ થવા પામ્યું છે એ તો સમરથ અપદ્યાગદ્યની અઘરી શૈલી છોડીને સીધાસાદા ગદ્યમાં વાત કરતી થાય તો જ ખબર પડે એમ હતી.

⁠સારી વાર પછી સમરથ પદ્ય છોડીને ગદ્ય તરફ વળી અને ડૂસકાં શમી ગયાં ત્યારે એણે લાડકોર સાથે થઈ ગયેલી ટપાટપીનો સવિસ્તર અહેવાલ સારા પ્રમાણમાં મસાલાનો અવેજ ભરીને ૨જૂ કર્યો.

⁠સાંભળીને ખરી રીતે તો દકુભાઈએ જ ઉશ્કેરાવું જોઈતું હતું, પણ આડેથી મકનજી ઉશ્કેરાઈ ઊઠ્યો:

⁠‘અ…ર…ર…૨… લાડકોર શેઠાણીનો આટલો મિજાસ ! આટલો બધો એંકા૨ ! સગાં ભાઈભોજાઈને આવાં આકરાં વેણ સંભળાવી જાય ?’

⁠છતાં દકુભાઈને જરાય પાનો ન ચડ્યો ત્યારે મુનીમે વધારે વિવેચન કર્યું:

⁠‘દકુભાઈ, આમાં તમારું નાક વઢાઈ ગયું, નાક !… તમારી સોના જેવી આબરૂના કાંકરા… તમે સગાં બેનબનેવીનું ગણીને આટલાં વૈતરાં કરો ને બેન તો તમને બે દોકડાના વાણોતરથી બેજ ગણે ! તમે ઘરની દુકાન ગણીને કાયાતોડ કરો ને ઘરધણીને મન તો તમારી કોડીનીય કિંમત નહીં… ગણ ઉપર અવગણ… જશને માથે જૂતિયાં !’

⁠દોણાંફોડ મુનીમ આખરે દકુભાઈને પાનો ચડાવી શક્યો ખરો. સમરથને પગલે ચાલીને દકુભાઈએ પણ શપથ લીધા:

⁠‘આજથી બેનના ઘ૨નો રોટલો મારે ગવમેટ બરાબર…’

⁠‘તમે તો આટલાં વરસ સાવ પાણીમાં જ નાખ્યાં,’ મુનીમે કહ્યું: ‘મજૂરી કરી કરીને પારકું જ ઘ૨ ભર્યું. મહેનત તમા૨ી ને તનકારા કોક પારકાં કરે એ ન્યાય ક્યાંનો ? તમે આટલાં વરસ વૈતરાં કર્યાં તોય મારી ભાભીને તો ડોકમાં મોહનમાળા સાંપડી જ નહીં. શેઠના નાના ભાઈ સારુ ઉપરાઉ૫૨ કન્યાનાં માગાં આવે ને કલૈયાકુંવર જેવા તમા૨ા બાલુ સામે કોઈ નજરેય ન કરે !’

⁠હંમેશાં પત્નીના પ્રભાવમાં અંજાતા દકુભાઈને લાગ્યું કે મુનીમની વાત તો સાચી છે !

⁠અને પછી તો દકુભાઈએ વેપારમાં બનેવીથી જુદા થઈ જવાનો નિર્ણય પાકો કરી નાખ્યો.

⁠ભવિષ્ય માટેની યોજના તો મકનજી પાસે તૈયા૨ જ હતી.

⁠‘મહિના દીમાં ઓતમચંદ શેઠની પેઢીનું ઉઠમણું ન થઈ જાય તો મારી મૂછ મૂંડાવી નાખું, મૂછ !’ મકનજીએ મૂછ ૫૨ તાવ દઈને દકુભાઈને ખાતરી આપી.

⁠હૈયાફૂટા દકુભાઈએ મનમાં હ૨ખ અનુભવ્યો.

⁠‘ને એની સામે દકુભાઈની સવાઈ સધ્ધર પેઢી જમાવી દઈએ !’

⁠દકુભાઈએ સવાયો હ૨ખ અનુભવ્યો.

⁠સાળાબનેવી વચ્ચે બરોબર ફાચર લાગી ગઈ છે એની ખાતરી થયા પછી મકનજી ઊઠ્યો.

ઓતમચંદ તો ઉઘાડે પગે દકુભાઈનાં મનામણાં કરવા ગયો છે એમ સમજતાં લાડકોર અસ્વસ્થતા અનુભવી રહી. પોતે આકરાં વેણ ઉચ્ચારી નાખીને ભોજાઈને દૂભવેલી એનું જ આ પરિણામ આવ્યું, એમ સમજતાં લાડકોરે થોડો પશ્ચાત્તાપ પણ અનુભવ્યો. હવે ભાઈ-ભોજાઈનાં ઝટપટ મનામણાં થઈ જાય ને આ મંગળ પ્રસંગે બંને જણાં આવી પહોંચે તો સારું એમ લાડકોર મનમાં ભાવના ભાવી રહી.

⁠બરોબર એ જ વખતે દકુભાઈને ઘે૨ ઓતમચંદ પોતાના સાળાને પગે પડીને વાસ્તુપૂજનમાં આવવા વીનવી રહ્યો હતો, ગઈગુજરી ભૂલી જવા કહી રહ્યો હતો, લાડકોરના ઉદ્દંડ વર્તાવ બદલ પોતે માફી માગી રહ્યો હતો.

⁠પણ કજિયાખોર સમરથ અને દોણીફોડ મુનીમે કાચા કાનના દકુભાઈના મનમાં એવું તો ભૂત ભરાવી દીધેલું કે ઓતમચંદની ખેલદિલીની કદર થઈ શકી જ નહીં.

⁠લાડકોર ઉત્કંઠ બનીને દકુભાઈના ઘર તરફના રસ્તા પર નજર માંડી રહી હતી અને પતિની સાથે આવનાર પોતાના સગા ભાઈની પ્રતીક્ષા કરી રહી હતી પણ આખરે એણે એકલા ઓતમચંદને જ આવતો જોયો.

⁠સાળાને ઘેરથી નિરાશ થઈને આવતા ઓતમચંદના પગ જાણે કે ભાંગી ગયા હતા.