શબ્દલોક/કૃતિ-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કૃતિપરિચય : ‘શબ્દલોક’

ગુજરાતી સાહિત્ય-વિવેચન અને ગ્રંથવિવેચનની મૂળગામી ચર્ચા કરતા ચાર લેખો તથા સિદ્ધાન્તચર્ચાના છ લેખો – એમ ૧૦ સુદીર્ઘ લેખોને સમાવતું આ પુસ્તક પ્રમોદકુમારના સ્વાધ્યાયતપનો પૂરો હિસાબ આપે છે. એમાં જે કવિતાચર્ચા છે એ વરણાગિયા નથી, પણ સાહિત્યના નક્કર આસ્વાદ-વિમર્શને આગળ કરે છે. એવા એક લેખનું શીર્ષક જ કેવું સૂચક છે! : ‘ઉશનસ્‌ની કવિતાના મર્મકોષોમાં’. આ બધા જ લેખો એ રીતે મર્મગામી બન્યા છે. સિદ્ધાન્તવિવેચનમાં એમણે તત્ત્વચર્ચા સાથે સમગ્ર ગુજરાતી સાહિત્યવિવેચનના બહોળા પટને બાથમાં લીધો છે. છેક અર્વાચીન વિવેચનના આરંભકાળે રમણભાઈ નીલકંઠે હાથ ધરેલી ‘વૃત્તિમય ભાવાભાસ’ (Pathetic Fallacy)ની ચર્ચાથી લઈને ‘નવ્ય વિવેચન’ સુધીના વિવેચનપટને એમણે પોતાની અધ્યયનશીલતાનો લાભ આપ્યો છે. સદ્‌ગત પ્રમોદકુમાર પટેલ ગુજરાતીના એક ઉત્તમ વિવેચક હતા પણ એમની નમ્રતા અભ્યાસીના ખુલ્લા મનની ગવાહી પૂરે એવી છે. નિવેદનમાં એમણે લખ્યું છે કે, ‘મારા પ્રથમ વિવેચનગ્રંથ ‘વિભાવના’ની આલોચના કરનાર અભ્યાસી મિત્રોએ એની ત્રુટિઓ વિશે નિખાલસતાથી ને પ્રામાણિકતાથી નિર્દેશ કર્યો છે એથી મારા જેવા અભ્યાસીને તો મોટો લાભ જ થયો છે.’ નિષ્ઠાભર્યું અધ્યયન કેવું સંગીન છતાં નિર્મળ હોઈ શકે એ પ્રમોદકુમારના વિવેચક વ્યક્તિત્વની આદરપાત્ર ઓળખ છે. – રમણ સોની