શબ્દલોકના યાત્રીઓ – ૧/પુષ્કર ચંદરવાકર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પુષ્કર ચંદરવાકર

શ્રી પુષ્કર ચંદરવાકર હાલ તેમના વતન ચંદરવા (તા. ધંધુકા)માં ‘લોકાયતન’ નામે સંસ્થાને આકાર આપી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં તે લોકસાહિત્યના રીડર હતા પણ ૧૯૭૬ના જૂનમાં તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને ‘લોકાયતન’ના સ્વપ્નને સાકાર કરવા ભારે પુરુષાર્થ કરે છે. એમનું આ સંસ્થાનું સ્વપ્ન એવું છે કે લોકોની, લોકો માટેની અને લોકોના જીવન અને સંસ્કૃતિના અભ્યાસની એક સ્વાયત્ત સંસ્થા ઊભી કરવી. સંસ્થા માટે મુખ્યત્વે પ્રજામાંથી ફંડફાળો ઉઘરાવવો અને સરકારી દખલગીરી વગર સરકાર સહાય કરે તો તે પણ સ્વીકારવી. આ સંસ્થામાં ખાદીકામનું મ્યુઝિયમ, ગુજરાતના ને ભારતના લોકજીવનની તસવીરોનો ખંડ, ગુજરાત-સૌરાષ્ટ્રના બહારવટિયાની તસવીરો, ટેઈપ રેકર્ડ લાઈબ્રેરી અને વર્કશૉપ હોય. આ ઉપરાંત ચંદરવાના સર્વદેશીય ઉત્થાન માટે તેમણે ‘લોકસેવા સંઘ’ નામે સંસ્થા સ્થાપી છે. પુષ્કરભાઈ એના પ્રમુખ છે. ચંદરવાના વિકાસની પંચવર્ષીય યોજના કરી એને રૂપ આપવાના કાર્યમાં તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ રજૂઆત કરી રહ્યા છે. શ્રી પુષ્કર ચંદરવાકરે ૧૭ નવલકથાઓ, ૪ એકાંકીસંગ્રહો, ૪ વાર્તાસંગ્રહો, લોકવાર્તા અને લોકગીતોનાં સંપાદનો, ચારણી સાહિત્યનાં સંપાદનો, પ્રૌઢ શિક્ષણની પુસ્તિકાઓ વગેરે ઘણું લખ્યું છે. તેમનું કેટલુંક સર્જન ગુણવત્તા અને ઇયત્તામાં માતબર છે. લોકસાહિત્યના તેમના જેવા તજજ્ઞ ગુજરાતમાં ઝાઝા નથી. કવિ બોટાદકરે પોતાના વતનના નામ ઉપરથી પોતાની અટક રાખેલી એમ પુષ્કરભાઈએ પણ કર્યું છે. તેમની મૂળ અટક ત્રિવેદી. એમના પિતાનું નામ પ્રભાશંકર. મૂળે તે કાશ્મીરી બ્રાહ્મણ. જ્ઞાતિએ સિદ્ધપુરના ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ. એમનું કુટુંબ સિદ્ધપુર, ઘમીજ, હળવદ વગેરે સ્થળોએ સ્થાનાંતર કરી ચંદરવામાં સ્થિર થયું. તેમનો જન્મ ૬ઠ્ઠી જૂન ૧૯૨૦ના રોજ ચંદરવામાં થયો હતો. આ તારીખ શાળાના સર્ટિફિકેટ પ્રમાણે છે (કુટુંબ પ્રમાણે મહા વદ ૨ સંવત ૧૯૭૮). ૧૯૪૪માં તેઓ મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય અંગ્રેજી સાથે બી.એ. થયા અને ૧૯૪૬માં આ જ વિષયો સાથે એમ.એ.ની પરીક્ષા બીજી શ્રેણીમાં પસાર કરી. એમ.એ.નો અભ્યાસ તેમણે અમદાવાદ, ગુજરાત વિદ્યાસભામાંથી કરેલો. તેમને મેરિટ સ્કૉલરશિપ પણ મળેલી. પુષ્કરભાઈને સાહિત્યના સંસ્કારો કુટુંબમાંથી મળેલા. એમાં તેમનાં માતાપિતાનો મોટો હિસ્સો છે. નાનપણમાં માતાના મોંએ અને કંઠે પ્રેમાનંદનાં આખ્યાનો સાંભળેલાં. તે મીઠી હલકથી, ઘંટી ફેરવતાં ફેરવતાં લોકગીતો ગાય; કાલાં ફોલતાં સરસ લોકવાર્તાઓ કહે; મધુર કંઠે હાલરડાં ગાય. પદો, ધોળ, ભજનો વગેરેના સંસ્કાર માતા તરફથી મળ્યા. ભાભુના કંઠેથી હલકદાર પરીકથાઓ સાંભળવા મળેલી. પિતા સાહિત્યના શોખીન હતા. ‘સરસ્વતીચંદ્ર’ ભા. ૧ થી ૪, ‘ગુજરાતી’ સાપ્તાહિકનાં ભેટ પુસ્તકો, ‘કરણઘેલો’, વનરાજ ચાવડો, ગાંધીજીની ‘આત્મકથા’, ‘એમ.એ. બનાકે ક્યું મેરી મિટ્ટી ખરાબ કી’ જેવાં પુસ્તકનું એક નાનકડું પુસ્તકાલય ઘરમાં હતું. ભાગવતની એક હસ્તપ્રત પણ હતી. ગિરધરકૃત અને તુલસીકૃત રામાયણ પણ ખરાં. પિતા આ પુસ્તકો વંચાવે, જોરથી વંચાવે, જેથી વાંચન સુધરે, સારા અક્ષરો કાઢવાની ખૂબ કાળજી લે. (અત્યારે પણ પુષ્કરભાઈના અક્ષરો મોતીના દાણા જેવા છે, એમાં એમના પિતાજીની કેળવણીનો ફાળો છે.) આમ સાહિત્ય-સંસ્કારનાં બી રોપાયાં. ઈ.સ.૧૯૩૨-૩૩માં તે બોટાદ હાઈસ્કૂલમાં ભણવા ગયા, ત્યાં દરરોજ ઝવેરચંદ મેઘાણીનાં દર્શન થાય. તેમના વ્યક્તિત્વમાંથી પ્રેરણા મળી અને લેખક થવાની આકાંક્ષા જન્મી. બોટાદકર પણ તાજા જ ગુજરી ગયેલા તેથી બોટાદની પાસે તેમની અનેક સ્મૃતિઓ હતી તે પણ ચિત્તે ઝીલવા માંડી. એમાંથી બોટાદકર અટક આકર્ષી ગઈ. આ જ ગાળામાં ચંદરવામાંથી મિત્રોએ મળીને ‘વિદ્યાર્થી’ નામનું એક હસ્તલિખિત કાઢવાનો વિચાર કર્યો. અને એક જોડકણું લખી નાખ્યું. આમ બાર-તેર વર્ષની વયે તેમના સાહિત્યજીવનના શ્રીગણેશ મંડાયા. ઈ.સ. ૧૯૩૫માં બોટાદ હાઈસ્કૂલ છોડી લીંબડીમાં છાત્રાલયમાં પ્રવેશ મેળવ્યો. અહીં ‘બહુરૂપી’ના તંત્રી સ્વ. ચંદુલાલ વ્યાસના પુત્ર શ્રી મનહરલાલ વ્યાસનો પરિચય થયો. હાઈસ્કૂલના પુસ્તકાલયમાંથી ૨. વ. દેસાઈ, ક. મા. મુનશી, ધૂમકેતુ, મેઘાણી, ગુણવંતરાય આચાર્યનાં પુસ્તકો વાંચ્યાં. જશવંતસિંહજી બોર્ડિંગમાંથી એક હસ્તલિખિત અનિયતકાલીન સામયિક શરૂ કર્યું. મનહરલાલ વ્યાસ સાથે તે એના સહતંત્રી બન્યા. એમાં ‘ગ્રામલક્ષ્મી’ વિશે લેખ અને ‘ગંગડી’ નામે વાર્તા લખી. આ જ અરસામાં ઉમાશંકર જોશીના એકાંકીસંગ્રહ ‘સાપના ભારા’એ પ્રેરણા આપી. ગ્રામજીવનમાંથી વસ્તુ લઈ એકાંકીઓ લખવાં માંડ્યાં. અંગ્રેજી એકાંકીસંગ્રહો પણ વાંચ્યા. ‘પિયરનો પડોશી’ કુટુંબકથામાંથી વસ્તુ લઈને લખ્યું. ઓગણીસ વર્ષની વયે લખેલ એકાંકી માટે કુમાર ચંદ્રક મળ્યો. એ પછી અદ્યાપિ પર્યંત એકાંકીઓ લખવાનું ચાલુ છે. ‘પિયરનો પડોશી’, ‘યજ્ઞ’, ‘મહીના ઓવારે’ જેવા સંગ્રહો પ્રગટ થયા છે. હજુ ઘણાં અપ્રગટ પણ છે. એકાંકીઓમાં તેઓ પૌરાણિક, ઐતિહાસિક, શહેરી જીવન, ગ્રામજીવન એમ વિવિધ વસ્તુઓ લે છે અને સુરેખ રચના કંડારે છે. પણ તેમની વિશેષતા ગ્રામજીવનના નિરૂપણમાં રહેલી છે. કાલિદાસના ‘મેઘદૂત’ને પણ તેમણે એકાંકીમાં ઢાળેલ છે. નવલકથાકાર તરીકે શ્રી ચંદરવાકરે પ્રાદેશિક નવલકથાઓ આપી આ વિશિષ્ટ પ્રકાર પરત્વે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. ૧૯૪૬માં પ્રગટ થયેલ ‘રાંકનાં રતન’ની સ્વ. ચુનીલાલ મડિયા જેવા ઘણા સાહિત્યકારોએ અને વિવેચકોએ પ્રશંસા કરેલી. એ પછી ‘ભવની કમાણી’, ‘નંદવાયેલાં હૈયાં’, ‘ગીર અમારી છે’, ‘ધરતી ભાર શેં ઝીલશે’’, ‘રાંક હૈયાંના’, ‘નવા ચીલે’, ‘ઝાંઝવાનાં નીર’ જેવી નવલકથાઓ લખી છે. નવલકથાલેખનમાં ટોમસ હાર્ડીની નવલકથાઓએ તેમને દૃષ્ટિ આપી છે, એમની નવલિકાએ પણ વિષયવૈવિધ્યની અને ટેકનીકની દૃષ્ટિએ લોકપ્રિય થયેલી છે. ‘અમરવેલ’ ટૂંકી વાર્તાને ‘હેરલ્ડ ટ્રિબ્યૂન’ વતી ‘જન્મભૂમિ’ તરફથી પારિતોષિક મળેલું. તેમની કૃતિઓને ઘણાં પારિતોષિકો અને ચન્દ્રકો મળ્યા છે. એમાં ખાસ ઉલ્લેખપાત્ર છે ૧૯૬૮માં રાજસ્થાન સાહિત્ય અકાદમીએ આપેલ પારિતોષિક, સૌરાષ્ટ્ર સાહિત્ય સંગમ ચંદ્રક, સંસ્કાર ચંદ્રક, અને ૧૯૭૫માં તુલસીપીઠ (યુ.પી.) તરફથી મળેલી વિદ્યાવારિધિની માનદ પદવી. પુષ્કરભાઈએ સરકારી, અર્ધસરકારી અનેક સમિતિઓ પર કામ કર્યું છે. અત્યારે પણ કરી રહ્યા છે. અત્યારે તે ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિના અધ્યક્ષ છે. લોકશાસ્ત્રના વિષયને ગુજરાતમાં શાસ્ત્રીય ભૂમિકાએ વ્યાપક કરવા પ્રયત્નશીલ છે. અંગ્રેજી અને હિંદીમાં તેમના આ વિષયના સંશોધન નિબંધો પ્રગટ થાય છે. વચ્ચે ‘પી.ઈ.એન.’માં તે અવલોકનો લખતા. જુદાં જુદાં દૈનિકમાં તેમણે કૉલમિસ્ટ તરીકે કાર્ય કર્યું છે અને હાલ પણ કરી રહ્યા છે. લેખક અને સાહિત્યકાર તરીકે પુષ્કરભાઈ સાચકલા માણસ છે. વધુ પડતા નિખાલસ અને બોલકા છે. ગુજરાતી સાહિત્યકારોમાં ‘અલગારી’ કહેવા હોય તો તેમના જેવાને જ કહી શકાય. લોકસાહિત્ય અને લોકશાસ્ત્રના અઠંગ અભ્યાસી, દૃષ્ટિપૂત સંપાદક, સંનિષ્ઠ સર્જક અને લોકજીવનનો પ્રત્યેક અનુભવ મેળવવા લોકોની વચ્ચે ધામા નાખીને–તેમના થઈને અનુભવનું પાથેય સંગૃહીત કરનાર આ સાહિત્યકાર લોકજીવનના ધબકારવાળી કૃતિઓથી ગુજરાતી સાહિત્યને હજુ વધુ ને વધુ સમૃદ્ધ કરશે.

૨૫–૨–૭૯