શબ્દલોકના યાત્રીઓ – ૧/મોહનલાલ મહેતા : સોપાન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મોહનલાલ મહેતા : સોપાન

એક ‘નિરક્ષર’ વ્યક્તિ ‘સાક્ષર’ બની શકે એ કીમિયો શ્રી મોહનલાલ મહેતાએ કર્યો! મોહનલાલ મહેતામાંથી ‘સોપાન’ રૂપે દ્વિજત્વ પામ્યા એ ગુજરાતી સાહિત્યની એક ઘટના છે. પદ્ધતિપૂર્વકનું શાળા કે કૉલેજનું શિક્ષણ લેવાનું ન બન્યું છતાં મોહનલાલભાઈએ સ્વ-પુરુષાર્થથી કેટલું બધું વાંચ્યું, વિચાર્યું છે એની પ્રતીતિ એમનાં પચાસેક પુસ્તકો પરથી થાય. કોઈ સંકલ્પપૂર્વક તેમની લેખનપ્રવૃત્તિ શરૂ થઈ નથી. રાષ્ટ્રીય લડતોમાં જેલવાસ દરમ્યાન આજુબાજુની દુનિયામાંથી તેમને સાહિત્યનું ‘વસ્તુ’ સાંપડ્યું અને નિસર્ગદત્ત લેખનશક્તિથી એ તેમણે પ્રેરક-રોચક રીતે રજૂ કર્યું. ગુજરાતી સમાજમાં શ્રી સોપાન એક લોકપ્રિય લેખક છે. તેમણે ‘સોપાન’ તખલ્લુસ કેમ રાખ્યું? મેઘાણીએ તેમને ‘મોહનલાલ યુદ્ધકવિ’ તરીકે ઓળખાવેલા. સૌરાષ્ટ્રમાં તો આ શબ્દો ખૂબ પ્રચલિત બનેલા. હવે તો તખલ્લુસ રાખવું જ જોઈએ. મરાઠીમાં જ્ઞાનદેવના ભાઈનું નામ ‘સોપાન’ હતું તે ગમી ગયું. ‘સોપાન’નો અર્થ થાય છે ‘પગથિયું’. એ રીતે પણ આ તખલ્લુસને તેમણે સાર્થક ઠેરવ્યું છે! શ્રી મોહનલાલ મહેતા ‘સોપાન’નો જન્મ ૧૪મી જાન્યુઆરી ૧૯૧૦ના રોજ મોરબીમાં થયેલો. એમના પિતા કરાંચીમાં હતા. એક વર્ષની ઉંમરથી જ તે કરાંચી રહ્યા. ૧૯૩૦માં સત્યાગ્રહની લડત આવી. એમને જેલવાસ થયો. સાબરમતી જેલમાં તે મુકાયા. આજે પણ તે કહે છે કે જેલવાસ એ જાણે કાશીએ ભણવા ગયા જેવી ઘટના બની. જેલમાં તે અંગ્રેજી શીખ્યા. તૉલ્સતૉય અને ગાંધીજીનાં પુસ્તકો વાંચ્યાં. સાહિત્યનાં બીજ આ પ્રથમ જેલવાસમાં રોપાયાં. બીજો જેલવાસ તેમણે ૧૯૩૨માં ભોગવેલો. આ વખતે રાજકારણ, અર્થશાસ્ત્ર વગેરેનો અભ્યાસ કર્યો. ૧૯૩૩માં તે છૂટ્યા પણ બીજે જ વષે ફરી પકડાયા. આ વખતે લડતમાં પકડાયેલા સૈનિકોની વાતો આત્મકથા રૂપે રજૂ કરી. આ પુસ્તક તે ‘અંતરની વાતો’ – એમનું પ્રથમ પ્રકાશન. એમાં ત્રણ કથાઓ છે. મેઘાણીએ એની પ્રસ્તાવના લખેલી. એ વખતની બ્રિટિશ સરકારે એ જપ્ત કર્યું. આ જ વખતે તેમણે ‘પ્રાયશ્ચિત્ત’ નામે નવલકથા લખી. બે ભાગમાં લખાયેલી આ નવલકથામાં તેમણે હરિજનોનો પ્રશ્ન છેડ્યો છે. આ નવલકથાએ તેમને ખ્યાતિ આપી. એક રીતે આ કૃતિ ‘અંકલ ટૉમ્સ કૅબિન’ જેવી તેમની યશોદાયી કૃતિ બની, તેમને લખવાની પ્રેરણા જેલમાંથી મળી. એ વખતે યુવકો રાષ્ટ્રીય ભાવનાથી ઉત્તેજિત હતા, કાકાસાહેબ અને ઝવેરચંદ મેઘાણીએ તેમને પ્રેરણા આપી. ‘અંતરની વાતો’ જેવું બીજું પુસ્તક તેમણે લખ્યું, તે ‘અંતરની વ્યથા’ છે. એમાં પાંચ સૈનિકની કથા છે. આજે લગભગ ૪૫ જેટલાં પુસ્તકો તેમના નામે છે. રાજકારણનાં વીસેક પુસ્તકો તો વળી જુદાં. શ્રી સોપાને મુખ્યત્વે નવલકથાઓ, વાર્તાસંગ્રહો અને નિબંધસંગ્રહો આપ્યા છે. સામાજિક વિષયને લગતાં તેમનાં પુસ્તકોમાં ‘જીવનસાથીની પસંદગી’, ‘લગ્ન : એક સમસ્યા’, ‘લગ્નસાધના’, ‘સંસાર ગ્રંથાવલિ’ જેમાં પત્ર રૂપે ઉદ્બોધન છે, વગેરેનો સમાવેશ થાય છે. આ બધાં પુસ્તકોની સાત-આઠ આવૃત્તિઓ થઈ છે અને તે ઘણાં લોકપ્રિય નીવડ્યાં છે. તેમની નવલકથાઓ સામાન્ય રીતે બે-ત્રણ ભાગની હોય છે. દા. ત. ‘રાજઘાટ’ ત્રણ ભાગમાં છે, ‘ઘૂંઘટકા પટ ખોલ’ ત્રણ ભાગમાં છે, ‘પચાસ પત્રો’ અને ‘ઉઘાડી આંખે’ બબ્બે ભાગમાં છે. ‘રાજઘાટ’માં સ્વરાજ્ય પછીની દેશની પરિસ્થિતિનો ચિતાર છે. ‘ઘૂંઘટકા પટ ખોલ’માં સંતો, ભજનિકો અને મહાત્માઓના જીવનની બીજી બાજુ આલેખી તેમણે ઘૂંઘટનો પટ ખોલ્યો છે! ‘ઉઘાડી આંખે’માં તેમણે ધનવાનો અને વેપારીઓને લીધા છે. ‘દેવપુરુષ’માં ભિન્ન ભિન્ન પ્રકારનાં ચાર યુગલોનું ચિત્ર છે, જેમાં એક દેવપુરુષ છે. ‘તૃપ્તિ’ એ પ્રણયત્રિકોણની નવલકથા છે. ‘પચાસ પત્રો’નું સ્વરૂપ પત્ર-કથાનું છે. અપંગ પત્ની સાવ ક્ષીણ થઈ જાય એ વખતની પરિસ્થિતિ આલેખાઈ છે. પતિપત્નીના પત્રો રૂપે તેમણે માનસિક સંઘર્ષ નિરૂપ્યો છે. ‘દીપમંગલ’, ‘દૃષ્ટિમંગલ’ અને ‘મનોમંગલ’ એ ત્રણ નિબંધસંગ્રહો કાંઈક ઉપદેશાત્મક હોવા છતાં પ્રેરક અને દિશાસૂચક બન્યા છે. ‘દીપમંગલ’ને ગુજરાત સરકારનું પારિતોષિક મળ્યું. સ્વ. પંડિત સુખલાલજીને આ સંગ્રહ ખૂબ ગમેલો. પુસ્તકમાં જ એમનો અભિપ્રાયદર્શક પત્ર પ્રગટ થયો છે. પરંપરાગત શૈલીના વાર્તાસંગ્રહોમાં ‘ઝાંઝવાનાં જળ’, ‘વિદાય’ અને ‘અંખડ જ્યોત’ નોંધપાત્ર છે. શ્રી સોપાને વ્યવસાય તરીકે પત્રકારત્વને જીવનનાં ઘણાં વર્ષો આપ્યાં છે, એમને તમે આજીવન પત્રકાર કહી શકો. ૧૯૪૦થી ૧૯૬૧ સુધી તે ‘જન્મભૂમિ પ્રવાસી’ના તંત્રી રહ્યા. આ સમય દરમ્યાન ૧૯૪૭થી ૧૯૫૬ સુધી ‘અખંડ આનંદ’ માસિકનું તંત્રીપદ પણ સંભાળેલું. ૧૯૬૨થી ૧૯૭૨ સુધી તેમણે ‘સુકાની’ સાપ્તાહિક ચલાવેલું. એમના સહધર્મચારિણી લાભુબહેન પણ પ્રતિષ્ઠિત લેખિકા છે. તેમણે બંનેએ સાતેક વર્ષ ‘જીવન માધુરી’ માસિક ચલાવેલું. એ પછી છએક વર્ષ ‘અભિનવ ભારતી’ ચલાવ્યું. શ્રી સોપાનદંપતી સાથે કોઈ ને કોઈ પત્ર જોડાયેલું રહ્યું જ છે. આજે પણ શ્રી સોપાન દર અઠવાડિયે ‘મુંબઈ સમાચાર’માં ‘કાંઈક જોયું કંઈક જાણ્યું’ કૉલમ ચલાવે છે અને રાજકારણના પ્રશ્નોની છણાવટ કરે છે. તેમણે પ્રકાશનસંસ્થા પણ ચલાવી છે. ગ્રંથમાળાઓ પ્રગટ કરી છે. આજે પણ ‘અભિનવ ભારતી પ્રકાશન’ની પ્રવૃત્તિ ચાલુ છે. લેખનને વ્યવસાય તરીકે સ્વીકારનાર અને એમાં સફળતા પ્રાપ્ત કરનાર ગણ્યાગાંઠ્યા ગુજરાતી લેખકોમાં તેમનું સ્થાન છે. ગુજરાતી લેખક કેવળ લેખન પર ટકી ન શકે એ મતને સદંતર ખોટો ઠેરવવાનું માન તેમના ફાળે જાય છે. કદાચ એ માટે એમની સંનિષ્ઠા અને કુશળતા કારણભૂત છે. હમણાં થોડા સમય પહેલાં ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિની મીટિંગમાં તે અમદાવાદ આવેલા. નિરાંતપૂર્વક મળ્યા. તેમણે વાતવાતમાં કહ્યું : “એક પણ પ્રવૃત્તિ ધનપ્રાપ્તિના હેતુથી શરૂ કરી નથી અને એકેમાં કશું નુકસાન ગયું નથી.” આજે લેખન પર નિર્ભર રહેવાની ઈચ્છા ધરાવનાર આપણા લેખકોએ એમની પાસેથી ઘણું શીખવા જેવું છે. સંસ્થાઓ ચલાવવાનો — સારી રીતે ચલાવવાનો તેમને વિશાળ અનુભવ છે. હાલ ગુજરાતી સાહિત્ય પરિષદની મુંબઈ શાખાના તે પ્રમુખ છે; પણ શાખાની કામગીરી સંબંધે તેમને ઘણી ફરિયાદો છે. પણ ‘સોપાન’ જેવા શાણા પુરુષ એને મળ્યા છે એટલે કાળે કરી બધું વ્યવસ્થિત થશે અને કશુંક ઉત્તમ નીપજી આવશે એવી શ્રદ્ધા રહે છે. વાતવાતમાં મેં પૂછ્યું : “સોપાન, છાપા વગર ચેન પડે છે?” તેમણે તરત કહ્યું : “ચેન તો નથી પડતું. કોઈ ને કોઈ પેપર સાથે જોડાયેલો રહું છું. ઓછાવત્તા પ્રમાણમાં અભિવ્યક્તિ-માધ્યમની જરૂર તો પડે જ છે, ખાસ કરીને રાજકીય પ્રશ્નો અંગે.” લગભગ સિત્તેર વર્ષના આ બુઝર્ગ સાહિત્યકારે અત્યારના સાહિત્ય વિશે વાત નીકળતાં કહ્યું કે જૂનું સારું હતું અને નવું નબળું છે એમ તે માનતા નથી, તેમ છતાં જૂના સાહિત્યની પાછળ જે અનુભવદૃષ્ટિ હતી, ભાવનામયતા હતી, જીવનને ઉચ્ચ પ્રેરણા આપવાની શક્તિ હતી એ આજના સાહિત્યમાં પ્રમાણમાં કાંઈક ઓછી જોવા મળતી હોવાનો રંજ પણ તે અનુભવતા હોય એ સ્વાભાવિક છે. કદાચ એ કારણે જ તેઓ આજે પણ આટલા સક્રિય હશે!

૧૮-૨-૭૯