શબ્દલોકના યાત્રીઓ – ૧/વજુભાઈ મહેતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વજુભાઈ મહેતા

થોડાં વર્ષો પહેલાં કવિ શ્રી સુન્દરમે મને પત્રમાં શ્રી વજુભાઈ મહેતા વિશે લખેલું અને એમની નવલકથાઓ જોવા સૂચન કરેલું. મળવાનું બનેલું નહિ. યોગાનુયોગ કલ્યાણ (મુંબઈ)માં ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશન પ્રસંગે મળવાનું બન્યું. એમની નવલકથાઓ પણ જોઈ. તેમના વ્યક્તિત્વનો પણ પરિચય થયો. મધુર વ્યક્તિત્વવાળા નિરાડંબરી વજુભાઈ આપણા ભાવનાશીલ નવલકથાકાર છે. પંદરેક નવલકથાઓ અને રેડિયોનાટકો વગેરે તેમણે લખ્યાં છે. માનવજાતિને એની યાત્રામાં કાંઈક પ્રેરક, દ્યોતક નીવડે એ ભાવાનાથી તેમણે કલમ ઉપાડી છે. પાશ્ચાત્ય અને અત્રત્ય સાહિત્ય ઘણું તેમણે વાંચ્યું છે અને સત્ત્વશીલ કૃતિઓ આપણને આપી છે. શ્રી વજુભાઈ મૂળ સૌરાષ્ટ્રના. જામનગર તેમનું વતન. પિતાજીનું નામ છગનલાલ અને માતુશ્રી મણિબાઈ. જામનગરમાં ૨૩ નવેમ્બર ૧૯૧૦ના રોજ તેમનો જન્મ થયેલો. માધ્યમિક શિક્ષણ જામનગરમાં લીધું. કૉલેજના પ્રથમ વર્ષનો અભ્યાસ ભાવનગરની શામળદાસ કૉલેજમાં કર્યો. પછી તે મુંબઈ આવ્યા. બીજું વર્ષ તેમણે મુંબઈની વિલ્સન કૉલેજમાં કર્યું. સેન્ટ ઝેવિયર્સ કૉલેજ મુંબઈમાંથી બી.એસસી. થયા અને પછી ગવર્નમેન્ટ લૉ કૉલેજમાંથી એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી. એલએલ.બી. થયા પછી બે વર્ષ જામનગરમાં વકીલાત કરી. એ પછી પાછા મુંબઈ આવ્યા. દેવકરણ નાનજીની પેઢીમાં કામગીરી સ્વીકારી. ૧૯૩૮માં નૅશનલ ઈન્સ્યોરન્સ કંપનીમાં જોડાયા. કલકત્તા ગયા. જુદા જુદા સ્થળે જુદી જુદી ઇન્સ્યોરન્સ કંપનીઓમાં કામ કર્યા બાદ ૧૯૭૩માં તે નિવૃત્ત થયા. નિવૃત્ત થયા ત્યારે હિંદુસ્તાન આઈડિયલ ઈન્સ્યોરન્સ કંપનીમાં ડિવિઝનલ મૅનેજરપદે હતા. નિવૃત્તિમાં સાહિત્ય, સંગીત, નૃત્ય આદિ કળાઓમાં જીવંત રસ લે છે અને નવલકથાઓ લખે છે. સાહિત્યક્ષેત્રમાં તે આંતરપ્રેરણાથી આવ્યા. લેખનનો આરંભ તેમણે નાટ્યલેખનથી કર્યો. ૧૯૫૦થી ૧૯૬૫ના ગાળામાં તેમનાં નાટકો છપાયેલાં. ‘જન્મભૂમિ’ના દીપોત્સવી અંકમાં (પૂર્તિમાં) ‘ટિકિટ’ નામે એકાંકી લખ્યું. ‘અખંડ આનંદ’માં ‘જય શંભો’ એકાંકી છપાયું, ‘જીવન માધુરી’માં ‘કામદેવનો શાપ’ નામે એકાંકી પ્રગટ થયું. તેમણે સહુ પ્રથમ નવલકથા ‘પ્રવાસી એક પંથના’ લખી, પણ પહેલી પ્રગટ થઈ ‘નંદિની’ ૧૯૬૬માં. આ નવલકથાને અને એના લેખકને ગુજરાતને ઓળખાવ્યા પ્રસિદ્ધ નવલકથાકાર પન્નાલાલ પટેલે. પન્નાલાલે ‘નિર્મળ નવલકથા’ નામે પ્રસ્તાવના લખેલી. આ કૃતિ પાછળનો પોતાનો આશય પ્રગટ કરતાં લેખક કહે છેઃ “…..મારો હેતુ એક સ્વતંત્ર, સ્વાયત્ત નારીના જીવનની રેખા આલેખવાનો છે.” આ નવલકથાનો મરાઠી અનુવાદ પણ પ્રગટ થયો છે. એના ઉપરથી હિંદી ફિલ્મ પણ ઊતરશે. લેખક પ્રકૃતિએ અંતર્મુખ છે. તત્ત્વજ્ઞાન વિષય રસપૂર્વક વાંચે છે. શ્રી અરવિંદના જીવનદર્શનથી પ્રભાવિત થયેલા છે, સ્વામી પ્રણવતીર્થ, કવિ સુન્દરમ્ વ.ની મૈત્રીનો લાભ તેમને મળ્યો છે. અંગ્રેજી સાહિત્યના વિદ્વાન શ્રી ઉમેદભાઈ મણિયારે પણ તેમને પ્રેરણા આપી છે. ૧૯૭૦માં તેમની નવલકથા ‘એક દીપ જલે અંતરમાં’ શ્રી સુન્દરમની પ્રસ્તાવના સાથે પ્રગટ થઈ. આ નવલકથા ગોવર્ધનરામની શૈલીએ લખાયેલી છે, પણ એમાં ગોવર્ધનરામની જેમ કથાને અવરોધક, ચિંતનમનનના ખંડો આવતા નથી. શુદ્ધ કથા તેમણે આપી છે અને કલાત્મક રીતે આપી છે. વાર્તાનાયક પ્રિયકાંતની રોજનીશીની નોંધથી કથાનો આરંભ થાય છે. પ્રિયકાંતે જીવનના બધા રસો પરિપૂર્ણ થયા માની જીવનના ઇષ્ટ ધ્યેયની –સત્યની શોધ અર્થે ગૃહત્યાગ કર્યો. તે હરદ્વાર ગયો. એનો મિત્ર દશરથ જે સ્વામી વિશ્વાનંદ નામ ધારણ કરી સંન્યાસીવ્રત પાળતો હતો તેને મળ્યો. આદર્શ ગ્રામ રચવાની પ્રેરણા લઈ તે પોતાના ગામ પંચાસર ગયો અને આ શુભ કાર્યનો આરંભ કર્યો. ‘આજનું અભિનિષ્ક્રમણ’ નામે પ્રસ્તાવનામાં સુન્દરમે લખ્યું છે:

“અહીં વજુભાઈ એમના છેલ્લાં અનેક વરસોના મુંબઈના જીવનની તથા તેમના મૂળ વતન સૌરાષ્ટ્ર-જામનગરના પ્રદેશની હવાઓનું એક મધુર મિશ્રણ લઈ આવ્યા છે. એમની ભાષામાં સાદી, સરળ, કદીક ‘સાક્ષરતા’નો સ્પર્શ પામવા પ્રયત્ન કરતી શિષ્ટ બાની છે તો એક ખાસ આસ્વાદી શકાય તેવો જામનગરી રણકો પણ છે.”

બે ભાગમાં પ્રગટ થયેલી ‘પ્રવાસી એક પંથના’માં આજના યુગમાં યુવક-યુવતીને મૂંઝવતા લગ્નના પ્રશ્નોની આલોચના કરી છે. સમીર અને મંદાકિની જેવાં નિર્મળ વૃત્તિનાં, ગોપાળ અને રીટા જેવાં ઉચ્છૃંખલ પાત્રો તેમણે આલેખ્યાં છે. સુજાતા, સુધા અને શરદનાં પાત્રો પણ સારાં ચીતરાયાં છે. તેમણે સસ્તી શૃંગારકથા આપી નથી, નિ:સ્વાર્થ પ્રણયનું આલેખન કર્યું છે. વ્યક્તિના વિકાસમાં ઉછેર, સંસ્કાર અને સંસ્કૃતિ પણ કેવો ભાગ ભજવે છે તે બતાવ્યું છે. ‘અબ તો જીવન હારી’ એ ગ્રામ જીવનનું નિરૂપણ કરતી નવલકથા છે. તેમની ‘ત્રિમુખ’ નવલકથા પણ ખૂબ લોકપ્રિય થયેલી છે. સ્ટીવન્સને વ્યક્તિનાં બે સ્વરૂપો જેકિલ અને હાઈડ તરીકે આલેખેલાં છે, વજુભાઈ વ્યક્તિનું પ્રણયી તરીકે, ગુંડા તરીકે અને સામાન્ય નાગરિક તરીકે આલેખન કરે છે. એ રીતે ‘ત્રિમુખ’ શીર્ષક સાર્થક છે. સાધનસંપન્ન, સુંદર, પ્રભાવશાળી નારીને પુરુષપ્રણયની ઝંખના ઉદ્ભવે પણ એ ઝંખના ઝંખના જ રહે ત્યારે કેવી કરુણતા સર્જાય તે ‘મોના’માં તેમણે બતાવ્યું છે. પોતાની શક્તિઓની પૂર્ણ અભિવ્યક્તિ અર્થે આ સ્ત્રી પોતાનું નવું વિશ્વ સર્જે છે. આ કૃતિની પ્રસ્તાવના જ્યોતીન્દ્ર દવેએ લખી છે. ગોવર્ધનરામની એક પંક્તિ ઉપરથી તેમણે લખેલી ‘અરણ્યે એકલો વાયુ’ એ એક સરસ નવલકથા છે. એનો નાયક અનંગ તે અદ્દલ સરસ્વતીચંદ્ર જ જોઈ લ્યો| શિવાંગી એની પ્રણયિની છે. ભાવનાશાળી અનંગના આંતરવિશ્વનું આલેખન સુંદર થયું છે. કવિ ‘કાન્ત’ની પ્રસિદ્ધ પંક્તિ “સૌંદર્ય શું? જગત શું? તપ એ જ સાથી’ ઉપરથી વજુભાઈએ ‘સૌંદર્ય શું?’ નામે નવલકથા ૧૯૭૭માં પ્રગટ કરી છે. આ નવલકથામાં સાચું સૌંદર્ય એ અંતરમાં – હૃદયમાં રહેલું છે તે તેમણે પુલિનના પાત્ર દ્વારા બતાવ્યું છે. સ્થૂલ શારીરિક દેખાવમાં સૌંદર્ય નથી એ હકીકત તેમણે ઉપસાવી આપી છે. ગયે વર્ષે પ્રગટ થયેલી તેમની ‘મધસાગરનાં મોજાં’માં આપણા ગ્રામજીવનનું આદર્શ ચિત્ર આપી એક સેવાભાવી સંસ્કારી નારીના સંસ્પર્શથી બદીઓથી ખદબદતું ગામડું પણ કેવું નંદનવન બને છે તે તેમણે દર્શાવ્યું છે. વજુભાઈની નવલકથાઓમાં વાસ્તવ અને આદર્શનો સુંદર સુમેળ રચાય છે, અને આપણા સમાજજીવનનું યથાર્થ ચિત્રણ આપવા સાથે કોઈ ને કોઈ ભાવનાબિંદુએ એમની કથાઓ પહોંચતી હોઈ આપણી પ્રજાને એ પ્રેરણાદાયી નીવડે એવી હોય છે. વિશ્વનાથ ભટ્ટે સ્વ. ૨. વ. દેસાઈને ‘યુગમૂર્તિ વાર્તાકાર’ કહેલા, વજુભાઈને માટે પણ આપણે એ નામાભિધાન યોજી શકીએ, એટલું જ નહિ એમને આપણે જીવનમાંગલ્યના આલેખક નવલકથાકાર પણ કહી શકીએ. તેમણે મુખ્યત્વે સામાજિક નવલકથાઓ લખી છે; પણ હમણાં તેમણે શકારી વિક્રમાદિત્યના સમયની ઐતિહાસિક નવલકથા ‘શ્વેત પદ્મ’ પણ લખી છે. ઐતિહાસિક વસ્તુ વિશે લખવાનું થયું હોઈ તેમણે આ સમયના સાંસ્કૃતિક જીવનના અભ્યાસ અર્થે પણ ઘણી મહેનત કરી છે. ઈતિહાસના પ્રોફેસર રજનીશના પાત્રચિત્રણ દ્વારા સંયુક્ત કુટુંબભાવનાનો પુરસ્કાર કરતી તેમની ‘પ્રોફેસર રજનીશ’ નવલકથા પણ ટૂંક સમયમાં પ્રગટ થશે. વજુભાઈ મહેતાની નવલકથાઓમાં કોઈ ને કોઈ ભાવના અને આદર્શનો પુરસ્કાર થયેલો હોય છે. તેમની અનાયાસ, અકૃત્રિમ, નિરાડંબરી અને સરળ શૈલી વાચકોને હૃદયસ્પર્શી નીવડે છે. અત્યારે નિવૃત્તિકાળમાં બધો વખત તે સાહિત્યને આપે છે. તેમના ખજાનામાં ત્રણ-ચાર નવલકથાઓ તો અત્યારે પણ હશે. લગભગ સિત્તેરની વયે પહોંચેલા આ સાહિત્યકાર હજુ ઘણી સત્ત્વશીલ કૃતિઓ આપણને આપવાના છે.

૨૫-૩-૭૯