શબ્દલોકના યાત્રીઓ – ૨/વાડીલાલ ડગલી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વાડીલાલ ડગલી

શ્રી વાડીલાલ ડગલીએ અંગત નિબંધો આપ્યા છે, કાવ્યો અને કાવ્યોનાં રસદર્શનો લખ્યાં છે. અંગ્રેજીમાં કંઈ નવું વાંચ્યું હોય તો તરત એનો આસ્વાદ ગુજરાતી વાચકોને કરાવ્યા વગર તે રહે નહિ, પણ એથીય વધુ વાડીલાલ ડગલીને આપણા સંસ્કારજીવનના રખેવાળ તરીકે, સાહિત્ય અને કલાનાં ઉચ્ચ ધોરણો માટે સદૈવ સચિંત રહેતા એક બૌદ્ધિક તરીકે, વિદ્યાના ક્ષેત્રમાં કરવા જેવી બાબતો વિશે વિચારનારા અને એ માટે સક્રિયતા દાખવનારા એક સંસ્કારહિતચિંતક તરીકે હું ઓળખું છું. દેશના જાહેર બનાવો વિશે પણ અવારનવાર એમની મૌલિક અને મૂલગામી વિચારણામાં તેમનું દેશવાત્સલ્ય પ્રગટ થાય છે. શ્રી વાડીલાલ ડગલીના જીવનનું મુખ્ય કાર્ય તે ‘પરિચય ટ્રસ્ટ’ની સ્થાપના છે. ‘પરિચય ટ્રસ્ટ’ ગુજરાતીમાં અવલોકનનું માસિક ‘ગ્રંથ’ ચલાવે છે. આ પ્રકારનું આ એક જ માસિક છે. શ્રી યશવંત દોશીના તંત્રીપદે ચાલતા આ માસિકમાં ગ્રંથાવલોકનો, ગ્રંથસાર, સાહિત્યિક ચર્ચા અને વિવેચનલેખો પ્રગટ થાય છે. હમણાં શ્રી નિરંજન ભગતના તંત્રીપદે ‘સાહિત્ય’ નામે ત્રૈમાસિક શરૂ કર્યું છે. એમાં સર્જનાત્મક સાહિત્ય પ્રગટ થાય છે. ટ્રસ્ટે સામાન્ય જનકેળવણી માટે બત્રીસ પાનાંની પરિચય પુસ્તિકાઓ પ્રગટ કરી છે. સામાન્ય જ્ઞાનના વિવિધ વિષયો પર લગભગ ૫૦૦ જેટલી પરિચય પુસ્તિકાઓ પ્રગટ થઈ છે અને પરિચય ટ્રસ્ટે ૨૦ વર્ષ પૂરાં કર્યા છે. શ્રી વાડીલાલ ડગલી પરિચય ટ્રસ્ટના સ્થાપક અને મૅનેજિંગ ટ્રસ્ટી છે. તેમને આ એક ઈષ્ટ પ્રવૃત્તિ સૂઝી એ પોતે જ એક અભિનંદનીય વસ્તુ છે. પણ એ બન્યું શી રીતે? ડગલીએ પોતાના અભ્યાસકાળ દરમ્યાન શિકાગો યુનિવર્સિટીમાં આવી પુસ્તિકા પ્રવૃત્તિ જોયેલી. તેમણે એ વાત પંડિત સુખલાલજીને જણાવેલી. પંડિતજીએ માતૃભાષામાં એ જાતની પ્રવૃત્તિ કરવાની પ્રેરણા આપી. શ્રી યશવંત દોશીનો એમાં સક્રિય સાથ મળ્યો. સ્વપ્ન સાકાર બન્યું. પરિચય પુસ્તિકાની પ્રવૃત્તિની જન્મકથા ટ્રસ્ટના એક વખતના પ્રમુખ સ્વ. પંડિત સુખલાલજીએ સરસ આપી છે. ટ્રસ્ટના ૧૯૭૩માં પ્રગટ થયેલા સુવિનિયરમાં પંડિતજીએ કહેલું કે, “આ પુસ્તિકાઓ એક ઘરગથ્થુ લઘુ જ્ઞાનકોષ છે, જે બૅટરી—હાથબત્તીની ગરજ સારે છે. જ્યાં ચંદ્ર કે સૂર્યના પ્રકાશની ગતિ ન હોય ત્યાં પણ એ હાથબત્તી એની ગરજ સારે છે. તે જ રીતે જેઓ મોટા કદનાં કે મધ્યમ કદનાં દળદાર પુસ્તકો વાંચવાના અધિકારી ન હોય કે એટલો બધો સમય કાઢી શકે તેવા ન હોય તેઓને પણ આ પરિચય પુસ્તિકા દ્વારા તે તે વિષયોનું જ્ઞાન ઘરખૂણે સંચિત મધની જેમ સરળતાથી મળી રહે છે.” આ પ્રવૃત્તિમાં શ્રી ડગલીએ કરેલા મંત્રશક્તિ (વિચારણા), યંત્રશક્તિ અને તંત્રશક્તિના ઉપયોગની તારીફ કર્યા બાદ પંડિતજીએ ઉમેરેલું કે, “ભાઈશ્રી ડગલીની સૂઝ, પ્રામાણિક્તા અને યોગ્ય રીતે યોગ્ય કામ પતાવવાની કળા એ બધાને લીધે તેમને સધિયારો મળી રહે છે...તેઓ માત્ર નાણાભીડથી ડરી કોઈ યોગ્ય પ્રવૃત્તિ થોભાવતા નથી.” ટ્રસ્ટને સ્વ. ગગનવિહારી મહેતા, સ્વ. પંડિત સુખલાલજી જેવા પ્રમુખો સાંપડ્યા છે. અત્યારે શ્રી ઉમાશંકર જોશી એના પ્રમુખસ્થાને છે. શ્રી વાડીલાલ જેચંદ ડગલીનો જન્મ ઈ.સ.૧૯૨૬ના નવેમ્બરની ૨૦મીએ ધંધુકા તાલુકાના રોજિદ ગામે થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ વેરાવળમાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં ચી. ન. વિદ્યાવિહારમાં લીધેલું. તેમના વિકાસમાં આ સંસ્થાનો મહત્ત્વનો ફાળો છે. કૉલેજના અભ્યાસ માટે તે મુંબઈ ગયા. મુંબઈની વિલ્સન કૉલેજમાં અભ્યાસ કરી ૧૯૪૮માં તે બી.એ. થયા. તરત જ તે વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા. ત્યાં યુનિવર્સિટી ઓફ કૅલિફોર્નિયામાં આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વેપારનો અભ્યાસ કરી એમ.એ.ની ડિગ્રી મેળવી. અમેરિકાથી પાછા ફર્યા બાદ તેઓ પી.ટી.આઈ.માં જોડાયા. એ પછી ‘ઈન્ડિયન એકસપ્રેસ’ના ફાઈનેન્શિયલ એડિટર તરીકે તથા સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના ચીફ ઑફિસર તરીકે પણ કામ કર્યું. હાલ તેઓ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થતા આર્થિક સાપ્તાહિક ‘કૉમર્સ’ના તંત્રી તરીકે કામ કરે છે. આ ઉપરાંત તેઓ નવજીવન, ગ્રામદક્ષિણામૂર્તિ અને લોકભારતી તથા વૈકુંઠભાઈ મહેતા સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તેઓ ‘જર્નલ ઑફ ધિ ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ બૅંકર્સ’ના માનદ તંત્રી છે. ‘કૉમર્સ’ના સંપાદક તરીકેનું તેમનું કામ મહત્ત્વનું છે. એ અંગે તેઓ અવારનવાર વિદેશના પ્રવાસે જાય છે. આ સાપ્તાહિકમાં છેલ્લાં બાર વર્ષથી તેઓ ‘એડિટર્સ નોટબુક’ નામે કૉલમ લખે છે. આ કૉલમ ગુજરાતીમાં ‘મારી નોંધપોથી’ નામે ગુજરાતનાં ત્રણ દૈનિકોમાં એકીસાથે પ્રગટ થાય છે. શ્રી વાડીલાલ ડગલી દેશના અગ્રગણ્ય અર્થશાસ્ત્રીઓમાંના એક છે. તેઓ દેશની અનેક કમિટીઓ અને કમિશનોમાં કાર્ય કરી ચૂક્યા છે. છેલ્લે તેમણે ‘અકુંશ સમિતિ’માં મહત્ત્વની કામગીરી સંભાળી હતી. અર્થશાસ્ત્ર અને વાણિજ્યવિષયક એક ડઝન જેટલી પરિચય પુસ્તિકાઓ તેમણે લખી છે અને એટલા જ અંગ્રેજી ગ્રંથો સંપાદિત કર્યા છે; પણ ગુજરાતી સાહિત્યમાં તે નિબંધકાર અને કવિતા લેખક તરીકે જાણીતા છે. શ્રી વાડીલાલને સાહિત્યની પ્રેરણા વેરાવળમાં કપોળ જ્ઞાતિના એક સામયિકે આપેલી; પણ એનું ખરું પોષણ સી. એન. વિદ્યાલયમાં શ્રી ઝીણાભાઈ દેસાઈ અને ભાસ્કરરાવ વિદ્વાંસ પાસેથી મળ્યું. એમનું પહેલું કાવ્ય રવીન્દ્રનાથના મૃત્યુ પ્રસંગે ‘વિદ્યાવિહાર’માં છપાયેલું અને પછી ૧૯૪૭માં ‘કુમાર’માં પ્રગટ થયું. આ પહેલાં ‘સ્વપ્નસ્થ’ના ‘સંસ્કાર’, યશવંત દોશી સંપાદિત ‘કેડી’ વગેરેમાં છપાયેલાં. તેઓ પરદેશ ગયા તે સમય દરમિયાન સાહિત્ય પ્રવૃત્તિ સ્થગિત થઈ ગઈ. તેમના અંગત મિત્ર ચુનીલાલ મડિયાના મૃત્યુ દિને ફરીવાર કવિતાઝરણ ફૂટી નીકળ્યું. ૧૯૬૮થી ૧૯૭૬ સુધીનાં કાવ્યો ‘સહજ’ નામે સંગ્રહમાં સંગૃહીત થયાં છે. ‘સહજ’માં એક નરવા બૌદ્ધિકની સંવેદના વિવિધ આકારોમાં કંડારાઈ છે. એમની કવિતાનો વૈશ્વિક પરિવેશ અને ભાષાની તાજગી સાંપ્રત ગુજરાતી કવિતામાં ‘સહજ’ને આગવું સ્થાન અર્પે છે. તેમનો નિબંધસંગ્રહ ‘શિયાળાની સવારનો તડકો’ અત્યારે કાંઈક ઓછા ખેડાતા આ સાહિત્યપ્રકારમાં મહત્ત્વના પ્રદાનરૂપે છે. એમાં એક ‘વર્સેટાઈલ’ – સર્વતોમુખી પ્રતિભાના ભાવજગતમાં થતો ભાવકનો પ્રવેશ આહ્લાદક નીવડે છે. શ્રી વાડીલાલે ‘શિયાળાની સવારનો તડકો’ આપ્યો, હવે કાલિદાસ-કથિત પરિણામરમણીય નિદાઘની સાંજની સુષમા પણ લઈ આવે એવી ઈચ્છા મેં આ પુસ્તકના અવલોકન વેળા પ્રગટ કરેલી. આ પુસ્તકને ગુજરાત સરકારનું લલિત નિબંધનું પ્રથમ પારિતોષિક મળ્યું હતું. શ્રી ડગલીના વિકાસમાં સ્વ. પંડિત સુખલાલજીનો ફાળો અનન્ય છે. તેમણે પોતે કહ્યું છે કે, “મારા અભ્યાસના સમયનો એક અત્યંત મહત્ત્વનો સુયોગ મને પંડિત સુખલાલજીનો પરિચય થયો તે છે. એમણે મારી ઉપર પિતા જેવી લાગણી રાખી છે અને મારી સઘળી પ્રવૃત્તિઓમાં પ્રેમપૂર્વક અને છતાં પૂરતી વિવેચકદૃષ્ટિથી રસ લીધો છે.” આ તેમણે જાહેરમાં લખેલું ૧૯૭૩માં. હમણાં તેમણે એક પત્રમાં મને લખ્યું : “પંડિત સુખલાલજી એ મારા જીવન અને સાહિત્યના સૌથી મોટા પ્રેરક બળ હતા.” અને એનાં કેવાં સુપરિણામો આવ્યાં છે તે આપણે જાણીએ છીએ. શ્રી ડગલીના ચરિત્રનિબંધોનો સંગ્રહ ‘થોડા નોખા જીવ’, આર્થિક નિબંધોનો સંગ્રહ ‘રંકનું આયોજન’ અને સાહિત્યિક નિબંધોનો સંગ્રહ ‘કવિતા ભણી’ હવે પછી પ્રગટ થશે. શ્રી વાડીલાલ, એ રસ પડે એવા ચિંતનશીલ સાહિત્યકાર છે. એમનાં લખાણોની વિચારદીપ્તિ, સંવેદનસુષમા અને ભાવનામયતા રોચક છે એટલી જ પ્રેરક પણ છે. આપણે આ પુસ્તકોની આતુરતાપૂર્વક રાહ જોઈએ.

૨૮-૧૦-૭૯