શાંત કોલાહલ/૨ પ્રથમ પ્રહરે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨. પ્રથમ પ્રહરે

હળુ હળુ વિના ઝંકારે જ્યાં ધરે પદ શર્વરી
ઉડુગણ તણાં આભે સોહી રહે કંઈ ઝુમ્મર !
પરિમલથી રોળાતી એની સુકોમલ પામરી
અરવ ફરકે, અંધારામાં અનાવિલ સુંદર.

જનપદ તણી વાળુ-વેળા વીતી ગઈ ને હવે
લહર લહરે તંદ્રાળુ કૈં અડે સહુને હવા :
સુખદુઃખની વાતે તો કોઈ પુરાણકથામૃતે,
ભજન તણી ધૂને વા કોઈ વળ્યાં રતિ-ઐક્યમાં.

ઇહ સકલ કર્મોની લીલાની યે શયને ઇતિ :
શિથિલ તનને પંપાળે જ્યાં અતીન્દ્રિયનો કર
શ્રમહર; નવોન્મેષે રે ત્યાં થતી મનની યુતિ
સ્વપનમય કોઈ લોકે વા સુષુપ્તિમહીં વર.

અહીં જ રયિ-પ્રાણે સૌહાર્દે લીધું પરિરંભણ,
શબ્દ મહીં ના આવે એવી અવસ્થિતિ નંદન.