શેક્‌સ્પિયર/કુટુંબકથા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
10. કુટુંબકથા

પિતા જ્હૉન, માતા મેરી, પત્ની એન અને ત્રણ સંતાનો – જુડિથ, સુઝાન અને હેમ્નેટ – સહુને છોડીને કવિ શેક્‌સ્પિયર 1585ના અરસામાં લંડનની વાટે ચાલી નીકળ્યો. નટ, કવિ, નાટ્યકાર – એમ ક્રમશઃ ભાગ્યોદયનું જીવનનાટક એણે ઉકેલ્યું. પરંતુ સ્ટ્રેટફર્ડ ગામમાં એના કુટુંબના દિનમાન સારા ન વીત્યા. સ્વમાની પિતા જ્હૉનને નસીબ અવારનવાર દીવાની અદાલતને ઉંબરે ખેંચી જતું. જ્યેષ્ઠ પુત્ર વિલિયમના લંડનવાસ પછીનાં વર્ષોમાં પિતા જ્હૉન ઉપર અનેક મુકદ્દમા ચાલ્યા, કરજ અંગેના એ ખટલા હતા. ક્યારેક એ હાર્યો, કદીક એ જીત્યો. જ્હૉન શેક્‌સ્પિયરના જીવનનો કટુતમ પ્રસંગ – ‘જ્ઞાતિશ્ચેત મનલેન કીમ્’ એવો સહજ ઉદ્ગાર સરી પડે તેવો પ્રસંગ સ્વમાની જ્હૉનને પત્નીનાં કુટુંબીજનોએ ભેટ ધર્યો. પોતાનાં ચાર અને પુત્રનાં ત્રણ સંતાનોના યોગક્ષેમની મથામણ કરી રહેલા જ્હૉને પત્નીની વિમકોટની જમીન સાળા ઍડવર્ડને ત્યાં ગીરવી મૂકી હતી. મુદત વીત્યે મિલકત છોડાવવા નાણાં લઈને જ્હૉન હાજર થયા તો પણ સાળાએ બહાનાં કાઢી મિલકત પાછી ન આપી. મરતાં સુધી એ મિલકત ઍડવર્ડ લેમ્બર્ટે દબાવી રાખી. એ અરસામાં નોટિંગહેમ ગામના એક દુકાનદારના જામીન તરીકે જ્હૉને વીસ પાઉંડ દંડની રકમ ચૂકવી. કોવેન્ટ્રીની અદાલતમાં માયકલ પ્રાઇસ નામનો વ્યાપારી સમયસર હાજર ન રહ્યો ત્યારે પણ જામીન બનેલા જ્હૉન શેક્‌સ્પિયરે દશ પાઉંડનો દંડ ભર્યો હતો. તેવામાં એના કૃષકભાઈ હેન્રીના દેવા પેટે એણે બીજા દસ પાઉન્ડ ભર્યા હતા. ૧૫૮૭માં પિતા જ્હૉન, માતા મેરી અને કવિ શેક્‌સ્પિયરે વિમકોટની જાગીર પાછી મેળવવા દીવાની અદાલતોનો આશરો લીધો, પરંતુ નસીબે યારી ન આપી. તેવામાં ૧૫૭૪ના સપ્ટેમ્બર માસમાં ગામમાં આગ ભભૂકી ઊઠી. જ્હૉન શેક્‌સ્પિયરનાં ત્રણ મકાનોમાંનું એક તેમાં હોમાયું. જ્હૉન શેક્‌સ્પિયરના કુટુંબે ૧૫૯૬ના ઑગસ્ટમાં વજ્રપાત અનુભવ્યો. કવિ શેક્‌સ્પિયરના પુત્ર હેમ્નેટનું ૧૧મી ઑગસ્ટે અવસાન થયું. અગિયાર વર્ષનો કિશોર હેમ્નેટ જ્હૉન શેક્‌સ્પિયરનો આશાતંતુ હતો. લેણદેણના સઘળા પ્રપંચ વૃદ્ધ જ્હૉન એ આશાએ સહન કરતા કે સાચવેલી જમીનજાગીર હેમ્નેટને મળે. કવિનાં જીવિત સંતાનોમાં હવે બે પુત્રીઓ રહી, જુડિથ અને સુઝાન. પુત્રનુ અવસાન થયું ત્યારે કવિ શેક્‌સ્પિયરની મંડળી સ્ટ્રેટફર્ડથી સામી દિશાએ કેન્ટ પરગણામાં નાટકો ભજવતી હતી. હેમ્નેટની માંદગી લાંબી હોત અને કવિ લંડનમાં હોત તો સાજામાંદાના સમાચાર મેળવી શકત પરંતુ લંડન છોડીને નટમંડળી પરિભ્રમણ શરૂ કરે તે પછી એમની ભાળ મેળવવી મુશ્કેલ. ૧૫૯૬ની પાનખરમાં ચેમ્બરલેઇન મંડળીનું આવું પરિભ્રમણ યોજાયું હતું એટલે મંડળી રાબેતા મુજબ રાજધાની લંડનમાં પાછી ફરી ત્યારે જ હેમ્નેટના મૃત્યુના સમાચાર કવિ સુધી પહોંચ્યા હશે. શેક્‌સ્પિયરની પ્રતિભાને સ્વાનુભવ રૂપે પ્રમાણી શકે તેવા કવિ કીટ્સે ફોડ પાડ્યો છે કે ઉદારચરિત મહાકવિનું પ્રાગટ્ય ત્યારે થાય છે જ્યારે કવિના ‘સ્વાર્થ’ વિરમે છે (He dies into life) અને વિશ્વની વેદના કવિની વાણી બનીને વહે છે. શેક્‌સ્પિયરનાં મહાનાટકોનું સત્ય કીટ્સના આ વિધાનમાં પ્રતિષ્ઠિત છે. પરંતુ કવિ ‘સ્વાર્થ’ ત્યજે એનો અર્થ એવો તો ન જ હોય કે એ હૃદયહીન બને. અન્યની વેદનાને લયબદ્ધ શબ્દોમાં વ્યકત કરતી વખતે પંડની અનુભૂતિ ચંદનમાં કેસર ભળે તેમ ઘોળાતી હશે ને? ૧૫૯૬માં શેક્‌સ્પિયરે રચેલા ‘રાજા જ્હૉન’ નાટકમાં રાજકુમાર આર્થરના અકાળ મૃત્યુનું દૃશ્ય આવે છે. કવિના પુત્ર હેમ્નેટ જેવડી વયે મોતને ભેટેલા એ રાજકુમારની નિર્દોષ અને હૃદયંગમ વાણી શિશુ આર્થરને આપણા ચિત્તમાં રમતો મૂકે છે. આર્થરની જનેતા કોન્સ્ટન્સની હૃદયવ્યથાની ‘રાજા જ્હૉન’ નાટકમાં જે કાવ્યમય પરિણતિ થઈ છે તેમાં વિવેચકોને કવિહૃદયનું કેસર વરતાયું છે. આર્થરના અવસાનથી જેનો ખોળો હવે સદૈવ ખાલી પડ્યો તેવી જનેતાના ઉદ્ગાર આવા છે : “અંતર્ધાન બનેલા મારા શિશુના આવાસને શોક વ્યાપી વળ્યો છે. મારા લાડીલાની શય્યામાં એ આળોટે છે, મારી આંગળીએ વળગીને શોક ધીમા ડગ ભરે છે, શોક મારા લાલનાં સોનેરી જુલફાં ઊંચે હલાવે છે અને એનાં કાલાં કાલાં વેણની યાદ આપે છે. મારા નાનકડા રતનની સમગ્ર લીલા હવે શોક તાજી રાખે છે. એના પોશાકોમાં હવે કેવળ શોક અંગ બનીને સમાય છે. કહે છે કે મૃત્યુ વિખૂટાં પડેલાંનું મિલન રચે છે. આ સાચું હશે તો મારો બાળક મને અવશ્ય પાછો મળશે!”

Grief fills the room up of my absent child,
Lies in his bed, walks up and down with me,
Puts on his pretty looks, repeats his words,
Remembers me of all his gracious parts,
Stuffs out his vacant garments
with his, vacant form,
I have heard you say,
That we shall see and know
our friends in heaven :
If that be true I shall see my boy again.

વિધિનું વૈચિત્ર્ય એવું કે હેમ્નેટના મૃત્યુ પછીનાં વર્ષોમાં હેમ્નેટને માટે જે વાંછ્યું હોત તે બધું સ્ટ્રેટફર્ડના શેક્‌સ્પિયરને પ્રાપ્ત થયું. ૧૫૭૫માં કવિના પિતાએ ખાનદાનીની સનદ માટે દૂતાવાસમાં અરજી કરી હતી. પછીનાં વર્ષોમાં એમણે અરજી પાછી ખેંચી હતી. 1596ના ઑક્ટોબરની વીસમી તારીખે જ્હૉન શેક્‌સ્પિયરની અરજી મંજૂર થઈ અને શેક્‌સ્પિયર કુટુંબને વંશચિહ્ન, મુદ્રાલેખ અને સનદ મળ્યાં. સ્નિટરફીલ્ડ ગામના ખેતમજૂરનો દીકરો જ્હૉન શેક્‌સ્પિયર આમ આપબળે વ્યાપારી બન્યો, પત્નીના સૌભાગ્યે એને ઘરબાર મળ્યાં અને કવિપુત્રે એણે ઝંખેલું પદ મેળવી આપ્યું. 1596 થી 1601 સુધીનાં પાંચ વર્ષો જ્હૉન શેક્‌સ્પિયર રાજમાન્ય બનીને સુખે જીવ્યો. શેક્‌સ્પિયર-કુટુંબને મળેલી સનદ પ્રમાણે એમનું વંશચિહ્ન આ મુજબ હતું : સોનેરી શીલ્ડમાં વચ્ચે અસિત પટલ ઉપર સોનેરી ભાલો, જેનું ફણું રૂપેરી હતું. મથાળે પાંખ પસારીને બેઠેલું બાજપંખી, જેના પંજામાં કુસુમમાળા અને ભાલો હતાં. શેક્‌સ્પિયરવંશનો મુદ્રાલેખ હતો “નહીં વિના અધિકાર” (Non Sans Droit,). ૧૫૯૬ પછી સ્ટ્રેટફર્ડના રાજમાર્ગ ઉપર જ્હૉન શેક્‌સ્પિયર પૂરા રાજમાન્ય ભદ્રપુરુષ લેખે વિચરી શક્યા. વેવાઈ એન્ડ્રિયન ક્વિનીના સમકક્ષ તેઓ બન્યા. ૧૫૯૯માં પત્નીનાં આર્ડન વંશનાં ચિહ્નો ઉમેરવા એમણે અરજી કરી, જેનો સ્વીકાર તો થયો પણ શેક્‌સ્પિયર-વંશચિહ્નમાં આર્ડનના સંકેતનું ઉમેરણ નથી થયું. `નહીં વિના અધિકાર’ મેળવેલા આ પદ વિષે ‘દૂતાવાસ’માં સારી એવી ‘તકરાર’ ઊઠી હતી. સનદ અને વંશચિહ્નનું નિર્માણ તે સમયના પ્રસિદ્ધ વંશવદ સર રૉબર્ટ ડેથિક અને અનન્ય ઇતિહાસવિદ વિલિયમ કેમ્પને મંજૂર કર્યાં હતાં. ઉભયનો સ્વભાવ ઉગ્ર હતો એટલે દૂતાવાસમાં એમના વિરોધી અનેક હતા. જ્હૉન શેક્‌સ્પિયરના મૃત્યુ પછી કવિ શેક્‌સ્પિયરને રાજમાન્ય પદ મળ્યું ત્યારે યોર્ક વિભાગના દૂત રાલ્ફ બ્રુકે ‘નટ શેક્‌સ્પિયરને’ના પદ વિશે શંકા ઉઠાવી. એણે શેક્‌સ્પિયરનું વંશચિહ્ન ઉમરાવ મોલીના વંશચિહ્નની ‘નકલ’ હતું એવો પણ વાંધો ઊભો કર્યો. પરિણામે રાજ્યના દફતરમાં કવિ શેક્‌સ્પિયર વિષે વધુ પુરાવા ઉમેરાયા. વિલિમય કેમ્ડન, જેણે લખેલો ઇતિહાસ ‘બ્રિટાનિકા’ ઇંગ્લૅન્ડનો આધારભૂત ગ્રંથ હતો તેણે શેક્‌સ્પિયર-વંશના ભદ્રપદ વિષે સચોટ દલીલો કરી. એણે જ્હૉન શેક્‌સ્પિયર વિષે લખ્યું, ‘એ સજ્જન સ્ટેટફર્ડના માનાર્હ ન્યાયાધીશ હતા, સુલેહશાંતિ માટેના ન્યાયમૂર્તિ હતા, આર્ડન ખાનદાનની વારસપુત્રી સાથે તેમનું લગ્ન થયું હતું અને તેઓ માલ-મિલકત ધરાવતા હતા.’ ‘The man was a magistrate in Stratford-upon-Avon. A Justice of Peace, he married a daughter and heir of Arden and was of good substance.’ સમકાલીન ઇતિહાસકાર કેમ્ડને સ્વહસ્તે આપેલો આ પુરાવો દફતરે ચઢ્યો છે. કવિ શેક્‌સ્પિયરનો કેમ્ડન પ્રશંસક હતો. આગામી પેઢી જેમનું બહુમાન કરશે તેવા સમકાલીન કલમનવેશની કેમ્ડને યાદી તૈયાર કરી હતી. સિડની અને સ્પેન્સરથી માંડીને શેક્‌સ્પિયર સુધીના કવિકુલનો એમાં સમાવેશ હતો. "William Shakespeare and other most pregnant wits of our times, whom succeeding ages may justly admire." ૧૯૯૬માં શેક્‌સ્પિયર-કુટુંબને ‘અધિકાર સહિત’ ભદ્રપદ મળ્યું, તો ૧૫૯૭માં કવિ શેક્‌સ્પિયરે સ્ટેટફર્ડની શોભા જેવી ન્યૂ પ્લેસ હવેલી ખરીદી લીધી. ઊખડી ગયેલા કુટુંબના ‘રખડેલ’ ઠરેલા કવિપુત્રે બત્રીસની વયે આવું સાંસારિક પ્રાયશ્ચિત્ત અને તર્પણ રચીને કુટુંબ સાથે મનમેળ સાધ્યો. ન્યૂ પ્લેસ હવેલી કેવળ વસવાટનું સ્થાન હતું. સ્ટ્રેટફર્ડમાં એ સંરક્ષિત ઇમારત હતી. એમાં વસવાટ કરનારને નગરના ગિરજાધરમાં પ્રથમ બેઠકનો અધિકાર હતો. સ્ટ્રેટફર્ડનો એક સપૂત નામે ક્લોપ્ટન લંડનમાં વ્યાપારાર્થે વસ્યો અને આપબળથી વિકાસ સાધીને લંડનનો નગરપતિ – મેયર - બન્યો. શાસને એને બેરોનેટની ઉપાધિ આપી. એ સર હ્યૂ કલોપ્ટને પોતાના વતન સ્ટ્રેટફર્ડમાં એવોન નદી પાર કરવા પથ્થરનો સેતુ બંધાવ્યો જે આજપર્યંત ટક્યો છે. જીવનનાં છેલ્લાં વર્ષો એણે વતનમાં ગાળ્યાં હતાં અને મહાજનના સભાગૃહ (Guild Hall)ની બરોબર સામે નગરના આભરણ જેવી હવેલી એમણે બંધાવી હતી. રાજા હેન્રી આઠમાના સમયમાં એ હવેલીમાં રાજવૈદોનો વસવાટ હતો. ભવિષ્યમાં રાજા પહેલા ચાર્લ્સની રાણી એમાં રાત્રિવાસ કરવાની હતી. શેક્‌સ્પિયરના સમયમાં એ હવેલી બિસ્માર હાલતમાં હતી અને એન્ડરહિલ કુટુંબ એમાં વસતું હતું. શિશુવયમાં કવિ શેક્‌સ્પિયર જે પાઠશાળામાં પ્રતિદિન અભ્યાસ કરતો તેની સામે જ આ હવેલી હતી. એના ઉદ્યાનમાં સહસ્ર કુસુમો ખીલતાં. કદાચ એનાં કુસુમિત સ્મરણો કવિહૃદયના ઋણાનુબંધ હશે એટલે ‘ઊખડેલો’ કવિ પુષ્પતંતુએ ગામ સાથે અતૂટ બંધન બાંધી શક્યો. અનુરાગી ઇંગ્લૅન્ડે આજપર્યંત એ ઉદ્યાનને કવિની પુષ્પિતા વાણીના સ્મરણે કુસુમસભર રાખ્યો છે. ૧૫૯૭માં કવિએ ખરીદેલી હવેલી તે પછીનાં વર્ષોમાં મરામત પામી હોવાના પુરાવા મળી આવ્યા છે. ૧૫૯૮માં શેક્‌સ્પિયરે સ્ટ્રેટફર્ડની નગરપાલિકાને ઇમારતી પથ્થર અને કપચી વેચ્યાં છે. ન્યૂ પ્લેસ હવેલીના પાયામાં પથ્થરો હતા અને જમીન કપચીવાળી હતી. ઘરની મરામત જેણે કરાવી હોય તેને મોડુંવહેલું સમજાય છે કે ગાફેલ રહેવાથી ખર્ચ ગજા ઉપરાંતનું થાય છે. પરગામ રહેતા કવિને જાતદેખરેખ વિના મરામત કરાવવામાં કેવા અનુભવ થયા હશે અને મકાનની મરામતના ખ્યાલ એના દિમાગમાં કેવા ઘૂમરાતા હશે તેનો ક્યાસ ૧૫૯૮ના અરસામાં કવિએ રચેલા તવારીખી નાટકની એક મિસાલમાં નજરે પડે છે. “મકાન બંધાવવું હોય ત્યારે આપણે જમીન માપવી પડે છે. તે પછી નકશા તૈયાર કરવા પડે છે. ઇમારતના આલેખ જોયા પછી બાંધકામના અંદાજની ચોકસાઈ કરવી રહી. ધાર્યા કરતાં વધુ ખર્ચ થશે એમ લાગે તો નકશો બદલીને ઓછા ઓરડાવાળું બાંધકામ હાથ ધરવું પડે અથવા ચણતરને મોકૂફ રાખવું રહ્યું.”

When we mean to build,
We first survey the plot, then draw the model,
And when we see the figure of the house,
Then must we rate the cost of the erection,
Which if we find overweighs our ability,
What do we then but draw a new model
In fewer offices, or at last desist to build at all.

શેક્‌સ્પિયરે ભાગ્યે જ બીજી કોઈ ઉપમાને આટલી દોહરાવી હશે! હવેલી અને ઉદ્યાન ઉપરાંત ન્યૂ પ્લેસની ખરીદીમાં ફળની વાડી અને અનાજની વખારોનો સમાવેશ હતો. ન્યૂ પ્લેસની પ્રાપ્તિથી શેક્‌સ્પિયર ખાનદાનને સ્ટ્રેટફર્ડના સમાજમાં આપોઆપ અગ્રસ્થાન મળ્યું. ૧૫૭૫ પછી જ્હૉન શેક્‌સ્પિયરે ગુમાવેલા માનમરતબા ધૂની અને અલગારી ગણી જેના વિશે પિતાએ અને સમાજે હાથ ધોઈ નાખ્યા હતા, તેવા કવિપુત્રે ગામ છોડ્યાના દાયકામાં પાછાં મેળવી આપ્યાં. તે પછી તો જીવનનાટકના માર્મિક ઉપહાસ જેવા અનેક પ્રસંગો ગામના ઇતિહાસે નોંધાયા. શેક્‌સ્પિયર-કુટુંબની સરસાઈમાં પાડોશી ક્વિની કુટુંબ હતું. એડ્રિયન ક્વિની પણ વેપારમાં સફળ થતાં ગામનો નગરપતિ બન્યો હતો. એનો પુત્ર રિચર્ડ કવિનો સમવયસ્ક હતો. પરંતુ રિચર્ડ કહ્યાગરો પુત્ર બનીને પિતાના વ્યવસાયમાં જોડાયો, જ્યારે શેક્‌સ્પિયર રખડુ બન્યો. આખા ગામે અને કવિના પિતાએ ચીંધી બતાવ્યું કે ક્વિની કુટુંબ કેવું નસીબદાર! ૧૫૯૮માં રિચર્ડ ગામના કામે ૨૫મી ઑક્ટોબરે લંડન પહોંચ્યો. આગથી તારાજ બનેલા સ્ટ્રેટફર્ડની વિઘોટી માફ કરાવવાનું કામ ગામે એને સોંપ્યું હતું. કાર્ટર ગલીમાં બેલ (Bell) નામના અતિથિગૃહમાં એણે મુકામ કર્યો. ત્યાંથી એણે કવિ શેક્‌સ્પિયરને લખેલી ચિઠ્ઠી સચવાઈ છે. ‘પ્યારા દોસ્ત અને હમવતન વિલિયમ શેક્‌સ્પિયર’ (My loving good friend and fellow countryman, William Shakspeare) પાસે એણે સારા રોકાણ માટે નાણાંની માગણી કરી હતી. રિચર્ડના પિતા એડ્રિયન ક્વિનીનો પુત્ર ઉપર પત્ર હતો કે નજીકના ઇવશેમ કસબામાં ગૂંથેલાં મોજાંનું સારું બજાર હતું અને એમાં કરેલા રોકાણમાં વળતર સારું મળે. તે પછીનાં વર્ષોમાં સ્ટ્રેટફર્ડના દફતરે કવિનું નામ લેણદેણ અને સ્થાવર મિલકતની ખરીદી અંગે અનેક વાર નોંધાયું છે. પરંતુ સ્ટ્રેટફર્ડના એકવારના નગરપતિના દીકરાએ ગામના વહીવટ કે જવાબદારીનાં સ્થાન અને કામમાં રસ દાખવ્યો નથી. કવિએ ગામને અંતરમાં વસાવ્યું છે, પરંતુ જાતને ગામના કામમાં જોતરી નથી. નિવૃત્તિનાં વર્ષોમાંય સ્ટ્રેટફર્ડના આ પ્રથિતયશ કવિએ ગામમાં રહેવા છતાં પિતા જ્હૉને બતાવ્યો હતો તેવો રસ ગામના કામમાં મુદ્દલ નથી દર્શાવ્યો. ૧૫૭૫માં અગિયાર વર્ષની કુમળી વયે એના મન ઉપર નગરકાજી બનેલા પિતાની નિષ્ફળતાના જે સંસ્કાર પડ્યા હશે તે કદાચ વજ્રલેપ બન્યા; કે પછી લંડનનગરીમાં ગાળેલાં વર્ષો અને રાજદરબાર અને તવારીખી પલટાના સાક્ષી બની મેળવેલી સૂઝથી કવિએ પ્રથમ નાટકમાં છઠ્ઠા હેન્રીએ કહેલાં વચનોનું તથ્ય આત્મસાત્ કર્યું હશે :

O God, me thinks it were a happy life
To be no better than a homely swain
... .... ...
So minutes, hours, days, months and years,
Pass’d over to the end they ware created,
Would bring white hairs to a quiet grave
Ah ! what a life were this! how sweet! how lovely!

`ઈશ્વરને નામે કહું છું, સાદા ગ્રામજનનું જીવન એ જ સાચું સુખ છે.’ એમાં વીતેલી ક્ષણો, પ્રહરો, દિવસો, મહિનાઓ અને વર્ષો જીવનને સાર્થ કરીને વાર્ધક્યનાં પળિયાં સાથે પૂર્ણ શાંત વિરામ જેવું મૃત્યુ આણે છે. કેવું ધન્ય એ જીવન! કેટલું મધુરસુંદર!’ સ્ટ્રેટફર્ડના વ્યવહારમાં આથી જ કવિ જાહેર પ્રપંચોથી દૂર રહ્યા. ૧૫૯૫ પછીનાં વર્ષો દેશની ખેતીને નુકસાન કરનાર વર્ષો નીવડ્યાં. તેમાંય સામાન્ય જનોના આધાર જેવા જવની ફસલ ઓછી ઊતરી હતી. જવ ગ્રામજનોની ખાણી અને પીણીનું મુખ્ય ધાન્ય હતું. અછતમાં ભાવ નીચા રાખવા પ્રિવી કાઉન્સિલે જથ્થો નોંધાવવાનું ફરમાન કાઢ્યું. સ્ટ્રેટફર્ડ ગામનું દફતર દર્શાવે છે તે મુજબ દરેક ધરમાં જવનો સંઘરો થયો હતો. ચેપલસ્ટ્રીટની કવિ શેક્‌સ્પિયરની વખારમાં અઠ્ઠાવન મણ (૮૦ બુશલ) જવ હતા. એની પડોશમાં શાસ્ત્રીજીને ત્યાં વળી એક મણ વધારે હતા. બીજા પડોશી ડિકસનને ત્યાં ૬૩ મણ જવ ભર્યા હતા. દેશમાં ધાન્યની અછત હતી ત્યારે પણ સંઘરાખોરી કરનારની યાદીમાં સ્ટ્રેટફર્ડના શેક્‌સ્પિયરનું નામ બાકાત નથી. ૧૬૦૧ની સાલમાં કવિનો વસવાટ લંડનના સથાર્ક વિસ્તારમાં હતો. રાજધાનીની મુખ્ય તુરંગ માર્શલસી એ વિસ્તારમાં હતી. એ વર્ષની હેમંતમાં સ્ટ્રેટફર્ડના મુખ્ય નાગરિકોને માર્શલસી જેલમાં પૂરવામાં આવ્યા હતા. ગામના નગરપતિ અને મહાજન ઉપર હુલ્લડ મચાવવાનો આરોપ હતો. કવિના બે મિત્રો, રિચર્ડ ક્વિની અને હેન્રી વૉકર, પણ ‘હુલ્લડખોર’ બનીને તુરંગવાસી બન્યા હતા : સહિયારી ગોચર જમીન વિષે જમીનદાર સર ઍડવર્ડ ગ્રેવિલ (Lord of the Manor of Stratford) અને નગરજનો વચ્ચે તકરાર ઊઠી. ગ્રેવિલ ખાનદાન હતું જ વિચિત્ર ખોપરીનું. સર ઍડવર્ડના પિતા નોકરનું ખૂન કરવાનો આરોપ વહોરીને એક વાર બંદીવાન બન્યા હતા અને બીજી વાર ખેડૂતનું પૈસા ખાતર ખૂન કરીને ફાંસીને માંચડે લટક્યા હતા. સર એડવર્ડે નિશાનબાજીમાં આકસ્મિક ગોળીબારથી પોતાના લઘુબંધુને હણીને યૌવનપ્રવેશ ઊજવ્યો હતો. વોરિકના ઉમરાવ પાસે એણે સ્ટ્રેટફર્ડ મેનોર ખરીદ્યો ને પછી ગામ જોડે નવાબી વહેવાર શરૂ કર્યો. ગામનું ગોચર એણે વાડ બાંધી વાળી લીધું, એટલે એની સામે ગામ ઊઠ્યું ને મોટાં મહાજનો પણ કોદાળીપાવડા ઊંચકીને મેદાને પડ્યાં. સહુએ મળીને ગોચર આડે બાંધેલી વાડને રફેદફે કરી નાખી. પરિણામે સર ઍડવર્ડે ફોજદારી દાખલ કરી એમને લંડનની તુરંગમાં ધકેલ્યા. ત્યાંથી જામીન ઉપર છૂટીને રિચર્ડ ક્વિનીએ ગામના જૂના ખતપત્ર (Charter)ના અધિકારો જાળવવા વરિષ્ઠ ન્યાયમંદિરમાં અરજ પુકારી. ગામના હક્કની તરફેણ કરવા જૂના નગરપતિ જ્હૉન શેક્‌સ્પિયરને સાક્ષી થવું પડ્યું. છેલ્લાં પચીસ વર્ષથી કર્મસંન્યાસ લઈ બેઠેલા જ્હૉન શેક્‌સ્પિયર ગામની વહારે ધાયા. ૧૬૦૧ની સાલમાં એમણે ‘પ્યારા વતન’ની છેલ્લી સેવા કરી બતાવી. એણે ઘડેલા ફરિયાદનામાનું પરિણામ સારું આવ્યું. ગામના હક્કનું રક્ષણ થયું ને ૧૬૦૧ના સપ્ટેમ્બરની ૮મી તારીખે પચાસેક વર્ષના સ્ટ્રેટફર્ડ-વાસ પછી કવિપિતા જ્હૉન શેકસ્પિયરે જીવનલીલા સંકેલી લીધી.