શેક્‌સ્પિયર/નવું નટઘર

11. નવું નટઘર

૧૫૯૭ના એપ્રિલની ૨૩મીએ રાણી એલિઝાબેથના વેસ્ટમિન્સ્ટર પ્રાસાદમાં ચેમ્બરલેઇન મંડળીએ શેક્‌સ્પિયરના ‘વિન્ડ્સરની મનસ્વી લલનાઓ’ની ખાસ રજૂઆત કરી. ‘ચોથો હેન્રી’ નાટકનો ફૉલસ્ટાફ રાણી એલિઝાબેથને એવો તો જચ્યો કે પ્રણયપાઠમાં ફૉલસ્ટાફને રજૂ કરવાની કવિને વિનંતી થઈ. પરિણામે વિન્ડસરની લલનાઓ દ્વારા પરિહાસ પામતા ફૉલસ્ટાફનું નાટક રચાયું. પારકું કહેણ ભલે ને સત્તાધીશનું હોય તો પણ સર્જનમાં કેવું નાકામયાબ નીવડે છે તેનો નમૂનો આ નાટક બન્યું. રાજા હેન્રી વિશેનાં નાટકોમાંનો ફૉલસ્ટાફ આમાં નથી જ. કેવળ એનો પડછાયો આ નાટકમાં મળી આવે છે. નાટક સફળ બન્યું છે ‘વાસંતી રાત્રિનું સ્વપ્ન’નું અનુસંધાન જેવું હાસ્યનું અને પરીલોકનું વાતાવરણ આ નાટકમાં પરંપરિત થવાથી. રાજપ્રાસાદમાં ભજવાયેલા એ નાટકમાં ચેમ્બરલેઇન મંડળીની તત્કાલીન એક વિકટ સમસ્યાનો સંદર્ભ મળી આવે છે. બીજા અંકના બીજા દૃશ્યમાં કવિએ લખ્યું છે, `Like a fair house built on another man’s ground, so that I’ve lost my edifice by mistaking the place where I created It.’ (પારકી જમીન ઉપર સુંદર ભવન રચીને મેં પારકી જમીન મારી માન્યાથી ઇમારત ગુમાવી છે.) જૅમ્સ બરબેજે પહેલું નટઘર ‘થિયેટર’ વીસ વર્ષને પટે જમીન લઈને બાંધ્યું હતું. શોરડીચ વિસ્તારમાં એ નટઘરમાં ચેમ્બરલેઇન મંડળી અત્યાર સુધી નાટકો ભજવતી. પરંતુ ૧૫૯૭ના એપ્રિલની ૧૩મીએ ભાડાપટાની મુદત પૂરી થતી હતી. વધુ દશ વર્ષની મુદત મળી શકશે એવી આશાએ રિચર્ડ બરબેજ જમીનના માલિક જાઇલ્સ એલન જોડે વાટાઘાટા ચલાવી રહ્યો હતો. કોણીએ કંઈક એવો ગોળ એલને વળગાડી આપ્યો કે ચતુર બરબેજ અત્યાર સુધી વિશ્વાસે જ વેચાયો. એપ્રિલની ૧૩મી પછી એલને આખીય ઇમારત પોતાની ગણી લીધી. આ રીતે બરબેજે પારકી જમીનના વિશ્વાસે પોતાનું નટઘર લગભગ ખોયું. પરંતુ તવારીખી નાટકની ભજવણીમાં સફળ બનેલો બરબેજ નિષ્ક્રિય શાનો જ રહે? સાથીઓ જોડે મસલત કરીને થિયેટરના સામે કાંઠે હેમિંગે શોધી કાઢેલા એક પ્લોટનું મંડળીએ બાનાખત કર્યું. નવા નટઘરનો પ્લોટ મળી ગયો, એટલે બરબેજ-બંધુના પાંચ ભાગીદારોએ મળીને નવી ઇમારત માટેનું ભંડોળ એકઠું કર્યું. એ પાંચે ભાગીદારોનાં નામ આ પ્રમાણે હતાં : વિલિયમ શેક્‌સ્પિયર, ઑગસ્ટીન ફિલિપ્સ, વિલિયમ કેમ્પ, હેન્રી કૉન્ડેલ અને જ્હૉન હેમિંગ. અત્યાર સુધી નાટકમંડળી ભાગીદારીમાં ચાલી રહી હતી. હવે નટઘરની માલિકી સહિયારી બની. ભાડાના પચાસ ટકા બરબેજ કુટુંબના અને બાકીના પચામાં પાંચ ભાગ, એવી વહેંચણી નક્કી થઈ. સાતે વ્યક્તિઓ મિલકતના રક્ષકો (House-keepers) બન્યા. એ પછીના વર્ષની નાતાલમાં પીટર સ્ટ્રીટ નામના સુથાર સાથે જૂનું નટઘર ઉતારવાનો અને નવું નટઘર બાંધવાનો કરાર કર્યો. ૧૫૯૮ના ડિસેમ્બરની ૨૮મીના પ્રભાતે સ્ટ્રીટ, એના કારીગરો અને બરબેજ મંડળીના સભ્યોએ મળીને એલનની જમીન ઉપર બાંધેલા પોતાના થિયેટરને ઉતારવાનું કામ શરૂ કર્યું. જમીનમાલિકને આ વાત પહોંચી. એટલે મિત્રમંડળ એકઠું કરીને પોતાના પ્લોટમાં અધિકાર વિના દાખલ થયેલા ટોળાને હાંકી કાઢવા એલન આવી પહોંચ્યો. અત્યાર સુધી શેક્‌સ્પિયરનાં નાટકો થિયેટરમાં ભજવાયાં હતાં. હવેનું નાટક થિયેટરના પ્રાંગણમાં ભજવાયું. બે ટોળાં વચ્ચે ઘમસાણ થયું. એ ઝપાઝપીમાં નટો ફાવ્યા અને એલન સાથીદારો સાથે પલાયન થયો. બધી તકરારોમાં બને છે તેમ આ તકરારમાં પીછેહઠ કરનારે અદાલતનો આશ્રય શોધ્યો. પરંતુ અદાલતની ગત ન્યારી હોય છે એટલે કાયદો અમલી બને તે પહેલાં આખીયે ઇમારત ભાંગીતોડીને બધુંયે ઇમારતી લાકડું સુથાર સ્ટ્રીટ અને એના કારીગરો નદી પાર લઈ ગયા. તે પછીના ખટલામાં જમીનમાલિક જૂઠા ઠર્યા. પરંતુ સુથાર સ્ટ્રીટને થોડા દિવસનો કારાવાસ મળ્યો. નવા નટઘરની નાન્દી આવા પ્રકારની હતી. નદીકાંઠે ક્લિન્ક (Clink)ના ફ્રાહોલ્ડ વિસ્તારમાં જૂના નટઘર ‘થિયેટર’ના કાટમાળમાંથી એક નવા નટઘરનો ઘાટ રચાયો. નદીકાંઠાની કાદવિયા પોચી જમીનમાં બાંધકામ કરવાનું હોવાથી પાયા ઊંડા ઉતારવા પડ્યા. જૂના પથ્થરો અને મજબૂત ઇમારતી લાકડું મંડળીને આર્થિક રીતે ઉપયોગી નીવડ્યું. પીટર સ્મિથ કુશળ કારીગર હતો એનો અણસાર આ મંડળીનું નવું નટઘર બાંધ્યા પછી પ્રતિસ્પર્ધી હેન્સ્લોએ પોતાનું નટઘર ‘શ્રી’ (Fortune) સ્મિથ પાસે જ બંધાવવાનો આગ્રહ રાખ્યો એ હકીકતમાં મળી આવે છે. સ્મિથે છ માસમાં નવા નટઘર ‘ગ્લોબ’નું બાંધકામ પૂરું કર્યું. એના પ્રેક્ષકાગારમાં ત્રણ હજાર પ્રેક્ષકો માટે વ્યવસ્થા હતી. ચેમ્બરલેઇન મંડળીનો નાટકો ભજવવાનો વર્ષોનો અનુભવ નવા નટઘરની રચનામાં કામયાબ બન્યો. વર્તુળાકારના એ નટઘરમાં રંગભૂમિની ત્રણે બાજુ પ્રેક્ષકો માટેની અટારીઓ હતી. ત્રણ માળની એ અટારીઓમાં વરસાદ અને તડકાથી પૂરું રક્ષણ મળે એવી બેસવાની વ્યવસ્થા હતી. પરંતુ નટઘરના મધ્યભાગમાં નીચે અખાડા (The Pit)માં તો વરસતા વરસાદે કે ઇંગ્લૅન્ડમાં સોનેરી ગણાય તેવા તાપમાં ઊભીને નાટકો જોવાની વ્યવસ્થા હતી. શેક્‌સ્પિયરે જેને ‘blunted monster’ – નઘરોળ દૈત્ય – કહ્યા છે તેવા અલગારી પ્રેક્ષકો માટેનું એ સ્થાન હતું. પરંતુ નવા નટઘરમાંયે રંગભૂમિ તો પછીની પેઢી જેને ‘અણછાજતો માંચડો’ (unworthy scaffold) કહેવાની હતી તેવા જ્વનિકારહિત, સપાટ મંચની જ રચવામાં આવી હતી. એ માંચડાની પછીતે ત્રણ માળની અટારીઓ ગોઠવવામાં આવી હતી. એનો સર્વોચ્ચ મિનારો નટઘરની ભાષામાં ‘કુટીર’ (The Hut) કહેવાતો. એની ઉપર એક ધ્વજસ્તંભ હતો. નાટ્યપ્રયોગના દિવસે પૃથ્વીના ચિત્રવાળી રેશમી પતાકા ત્યાં ફરફરતી. ત્યાં ઊભા રહીને નાટ્યારંભ રણશિંગું ત્રણ વાર વગાડવામાં આવતું. નવું નટઘર ‘ગ્લોબ’ ઇંગ્લૅન્ડે દીઠેલું સર્વોત્તમ નટઘર હતું એમ વિદેશી પ્રવાસીઓએ નોંધ્યું છે. રંચમંચ ઉપર ત્રીજે માળે જે છત ઝૂલતી તેને ‘સ્વર્ગલોક’ (the Heaven) એવો પર્યાય મળ્યો હતો. મેઘગર્જન માટેની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી હતી તેમજ હવામાં અદ્ધર ઊતરનાર પાત્રો માટેની દોરડી અને ગરગડી ત્યાં સંતાયાં હતાં. ‘સ્વર્ગલોક’ની નીચેની અટારીમાં વાદ્યવૃન્દની વ્યવસ્થા હતી. એથી નીચેની અટારીને ‘બાલ્કની’ કહેતા. એની મધ્યમાં જે દ્વાર હતું તે ખોલાતાં જે દૃશ્ય નજરે પડે તે અભ્યાસખંડ(The Study)ને નામે ઓળખાતું. સૌથી નીચે વિશાળ તખતો હતો. જેની પછીતે રંગીન આવરણ (The Traverse) દૂર થતાં જે ઓરડો દેખાતો તે કદીક ગુફા, કદીક ઘોર તો કદીક તંબૂના અંદરના ભાગ તરીકે ઉપયોગમાં લેવાતો. આ નટઘરમાં ‘સન્નિવેશ ખંડ’(The Tiring Room)ની રચના રંગમંચની નીચે કરવામાં આવી હતી. ઉપરાંત ભૂગર્ભ સંગીત અને ભૂતાવળના અવાજ માટે પણ ત્યાં જ વ્યવસ્થા હતી. રંગમંચ ઉપર બે-ત્રણ છટકબારીઓ (The Trap Doors) ગોઠવવામાં આવી હતી, જેથી યમલોકમાં ખેંચી જવાના પ્રસંગો રચી શકાય. નવા નટઘર વિશેની એક વિચિત્ર હકીકત નોંધ પામી છે. જે પ્લોટ ઉપર એ બાંધવામાં આવ્યું તે જમીનના માલિકનું નામ બ્રેન્ડ હતું. એની માલિકીની એ વિસ્તારની જમીનો બ્રેન્ડના ભાડાપટા(Brend’s rents)ને નામે ઓળખાતી હતી. બ્રેન્ડના વકીલને ચોપડે નવા નટઘર ગ્લોબને ‘વિલિયમ શેક્‌સ્પિયર તેમજ અન્ય બીજાના કબજામાં’ એવી નોંધથી ઉલ્લેખ્યું છે. સમય જતાં, નદી તરફની એ ગલીને ‘ગ્લોબ શેરી’ (Globe Alley) એવું નામ મળ્યું હતું. નવા નટધરની મુદ્રા લેખે ધરતીનો ગોળો ખભે ઊંચકીને ઊભેલા મહાવીર હરક્યુલીસનું ચિત્ર હતું. ગ્લોબનું ઉદ્ઘાટન ઐતિહાસિક નાટ્યાવલિના મેરુ જેવા રાજા પાંચમા હેન્રી વિશેના નાટકની રજૂઆતથી કરવામાં આવ્યું. આઠમા હેન્રી વિશેના નાટકમાં સહલેખનને બાદ કરતાં શેક્‌સ્પિયરનું આ છેલ્લું તવારીખી નાટક હતું. કિશોરાવસ્થામાં ગાંડિયો ગણાયેલો અને પિતાએ વારંવાર જેને કુલલાંછન કહ્યો હતો તેવા રાજકુમાર હાલ (Prince Hal)નું પાંચમા હેન્રી તરીકે રાજ્યારોહણ થયું. એ ક્ષણે એની કાયાપલટ થઈ અને મધ્યયુગમાં ઇંગ્લૅન્ડને મળેલો શ્રેષ્ઠ વિજયી રાજા એ બન્યો. રાજત્વ એનામાં સોળે કળાએ ખીલ્યું. પરંતુ ઉષ્માભર્યા માનવ હેન્રીને પૂર્ણતયા કચડીને રાજત્વ પ્રગટ થયું. રામના જીવનમાં સીતાની અગ્નિપરીક્ષા અને ત્યાગનું સાદૃશ્ય હેન્રીના જીવનમાં ભેરુ ફૉલસ્ટાફના અને સુરાલય વરાહશિરની મહેફિલોના કઠોર ત્યાગમાં મળી આવે છે. ફ્રાન્સવિજય કરીને યુવાવસ્થામાં અવસાન પામેલા પાંચમા હેન્રીમાં શેક્‌સ્પિયરે સ્વદેશગૌરવના પ્રતીક બનેલા રાજાનું આલેખન કર્યું છે. યુદ્ધખોરીનું આળ કવિને લલાટે ચોંટે એટલો દેશપ્રેમ આ નાટકનાં દૃશ્યોમાં ઊભરાય છે. જે દેશને, જે લોકજીવનને, જે અંગ્રેજી જીવનઢંગને શેક્‌સ્પિયરે તવારીખી નાટકોમાં ચહુદિશ શોધ્યાં છે તે બધાંનો ઉલ્લસિત વિપાક ‘પાંચમા હેન્રી’માં લાધ્યો છે. ફરીને કવિ શેક્‌સ્પિયર રોમિયો અને જુલિયેટનો ભાવાવેશ સ્વદેશ વિશે અનુભવે છે. પાંચ અંકના આ નાટકમાં પ્રત્યેક અંકના પ્રારંભે પ્રાસ્તાવિક ઉદ્ઘોષક તરીકે કવિ તરીકે પ્રવેશે છે. વર્તુળાકાર નટઘરમાં ભજવાતા પ્રથમ નાટકના આરંભે પ્રજ્વલિત કાવ્યપ્રેરણાની આવી આરાધના કવિમુખે સ્રવી છે :

O for a muse of fire, that would ascend
The brightest heaven of invention,
A kingdom for a stage, princes to act,
And monarches to behold the swelling scene!
Then should the war-like Harry, like himself,
Assume the port of Mars; and at his heels.
Leash’d in like hounds,
Should famine, sword and fire
Crouch for employment.

“પ્રાથું હું વૈશ્વાનરની પ્રેરણા – જે સર્જનના ઉજ્જ્વલતમ વ્યોમને વ્યાપી રહે! જેમાં વિસ્તીર્ણ સામ્રાજ્ય એ જ રંગભૂમિ હો, જેમાં રાજપુત્રો અભિનય કરે અને ઉદ્ગીત દૃશ્યોના દ્રષ્ટા બને પૃથ્વીપતિ. તદા હેરી યુદ્ધકેસરી યથાર્થ સોહે યુદ્ધદેવશો અને પ્રતિપદ અનુસરે યાચતાં ભક્ષ્ય શૃંખલાબદ્ધ વન્ય શ્વાનશાં દુર્ભિક્ષ, આયુધ અને દાવાનલ.” તે પછી લાક્ષણિક વિનમ્રતાથી કવિ પ્રેક્ષકોની ક્ષમા પ્રાર્થે છે. ફ્રાન્સનાં ગરવાં યુદ્ધક્ષેત્રો નવા નાટ્યઘરના ‘અણછાજતા માંચડા’ ઉપર શી રીતે ખેંચી આણી શકાય? એ જ રીતે સમરભૂમિ ઉપરના તોપખાના ‘કાષ્ઠ વર્તુળ, (wooden O) જેવા ગ્લોબમાં શી રીતે ખડકી દેવાય? (કવિને અભિપ્રેત નહીં એવું ભાવિકથન આ ઉક્તિમાં મળી આવે છે. દશ વર્ષ રહીને આઠમા હેન્રીની ભજવણી પ્રસંગે કાષ્ઠ વર્તુળ જેવું ગ્લોબ વૈશ્વાનરે સ્વાહા કર્યું હતું.) એટલે ‘વાસંતી રાત્રિ’માં કર્યું હતું તેમ કવિ બે હાથ જોડીને પ્રેક્ષકોને વીનવે છેઃ

Think, when we talk
of horses, that you see them
Printing their proud hoofs.
i’ the receiving earth’
For ‘tis your thoughts
that now must deck our kings.

“જ્યારે અમે અશ્વોનો ઉલ્લેખ કરીએ ત્યારે કલ્પનાદૃષ્ટિથી તમે એમને સાક્ષાત્ કરજો અને મૃદુ ધરણી ઉપર એમના ગર્વીલા દાબડા ગાજતા સાંભળજો. અમારા રાજાઓને તમારા ખ્યાલમાં વિભૂષિત કરજો.” આવા ઉદ્ગાન પછી પ્રથમ અંકમાં ફ્રાન્સ સાથેના વિગ્રહનાં મંડાણ જેવાં દૃશ્યો આવે છે. ફ્રાન્સ પાસે પોતાનાં મૂળ ગામ પાછાં મેળવવા પાંચમા હેન્રીએ કરેલા પ્રયત્નના ઉત્તરમાં ફ્રાન્સનો પાટવીકુંવર હેન્રીને ટેનિસના દડા મોકલે છે. ભારતમાં કોઈ રાજબીજને ચૂડીઓ મોકલવા જેવું આ કૃત્ય હતું. ફ્રાન્સે જાણે કે ઇંગ્લૅન્ડના નવા રાજવીને કહી બતાવ્યું કે યુદ્ધ એ બચ્ચાંના ખેલ નથી. જગતમાં અને શેક્‌સ્પિયરના જમાનામાં યુદ્ધખોરીને આશીર્વાદ આપનાર રાજગુરુ ઓછા નથી હોતા. પાંચમા હેન્રીને ધર્મગુરુઓની અનુમતિ મળે છે ફ્રાન્સ સામે યુદ્ધે ચડવા. યુદ્ધકથાના આ નાટકમાં શેક્‌સ્પિયરે કળાકાર મટીને કેવળ ભાટ-ચારણનું કામ કર્યું છે. એવો ખ્યાલ આવે તે પહેલાં નાટક કાળજીથી વાંચવું પડે એટલો નાટ્યવ્યાઘાત પ્રથમ અંકમાં અને તે પછીનાં સમરભૂમિનાં દૃશ્યો અને સંવાદોમાં ધરબાયો છે. ધર્મનું ધ્યેય યુદ્ધ નહીં કિંતુ શાંતિ હોય, જ્યારે કેન્ટરબરી અને એલિના ધર્મગુરુઓ રાજાને યુદ્ધનો મંત્ર પ્રબોધે છે. શેક્‌સ્પિયર કુનેહથી સૂચવે છે કે દેવદ્રવ્ય જપ્ત કરવાનો કાનૂન અમલી બને તે પૂર્વે રાજાને યુદ્ધ માટે નાણું આપીને શૂળીનું વિઘ્ન કાંટે કાઢ્યું છે. તેવી જ રીતે ધર્મગુરુએ ફ્રાન્સની ગાદી ઉપર હેન્રીનો દાવો પોકળ પાયે સ્વીકાર્યો છે. વધુમાં ‘રાજા હેન્રી’ ભાવતું ભોજન ધર્મ પાસે મેળવે છે. એમ સૂચવીને નાટ્યકાર યુદ્ધના કારમા સત્યને પ્રગટ કરે છે. નાગરિક જીવનની નીતિ યુદ્ધમાં અનીતિ ઠરે છે અને શાંતિના સમયની અનીતિ એ જ યુદ્ધમાં નીતિ બને છે એ ભયાનક વાત કવિએ આખા નાટકમાં વગર બોલ્યે વણી લીધી છે. ‘આદર્શ’ રાજા બનવામાં હેન્રીએ ઉષ્માભર્યો ‘હાલ’· ગુમાવ્યો છે, અંતઃકરણને ઉવેખ્યું છે ને શેક્‌સ્પિયર યુદ્ધના કોલાહલમાં અને વિજયના યશગાનમાં પણ આ વાત છુપાવી નથી જ. સત્તા સંમુખે એણે શાણપણને અવ્યક્ત નથી રાખ્યું. ‘યુદ્ધ’ અને ‘વિજય’ને એણે અનિમેષ ચક્ષુએ નાણ્યાં છે. ‘યુદ્ધ-કાવ્ય’ સ્વરૂપે એણે ભીષણ દર્શનનું કવિકર્મ સ્વીકાર્યું છે. શેક્‌સ્પિયરનાં તવારીખી નાટકો રાજાની ઓથે પ્રજાને કદી નથી વીસર્યાં. એટલે યુદ્ધરમતના બીજા અંકમાં જ પાંચમા હેન્રીના પૂર્વજીવનના વૈભવ જેવો ફૉલસ્ટાફનું મૃત્યુ અને બાકી રહેલા એના ગોઠિયાના યુદ્ધે ચડવાના નિર્ણયોનાં દૃશ્યો ઉમેરાયાં છે. યુદ્ધનાં આહ્વાનની બાની શેક્‌સ્પિયરે બીજા અંકના પ્રારંભે કોરસને મુખે આ રીતે રેલાવી છે :

Now all the youth of England are on fire,
And silken dalliance in the wardrobe lies,
Now thrive the armours, and honour’s thought
Rains solely in the breast of every man:
They sell the pasture now to buy the horse...
O England! modell’d to thy inward greatness.
Like little body with a mighty heart
What mightest thou do that honour would thee do
Were all thy children kind and natural?

“ઇંગ્લૅન્ડના યુવાનો હવે ઉદ્દીપ્ત બન્યા છે અને વિલાસનાં રેશમી પરિધાન હવે પેટીભેગાં થયાં છે. બખતરની બોલબાલા છે હવે અને પ્રત્યેક હૈયામાં વીરશ્રીની આણ પ્રવર્તે છે. યુવાનો મિલકત વેચીને યુદ્ધઅશ્વનાં મૂલ્ય ચૂકવે છે. હે સ્વદેશ, નાનકડા દેહમાં ધબકતા ગરવા ઉર જેવું તારું આંતિરક સત્ત્વ જ્યારે આવિર્ભાવ પામે છે ત્યારે જો સંતાનો પ્રેમાળ અને સાચાં નીવડે તો તારી કરણી યશોભાગી બનીને ઠરે.” જંગની સદા તાસીર રહી છે કે યોદ્ધાને જંગલી બનાવ્યા વિના ફતેહ મળતી નથી. રણશિંગાં અને દુંદુભિ અને શૌર્યગીતો લોહીમાં ઉશ્કેરાટ ફેલાવે છે તો સુરાપાન દિમાગને બહેકાવે છે. આમ ચકચર બનેલું સૈન્ય જ સમરાંગણનાં ભીષણ દૃશ્યોને જીરવી શકે છે. ત્રીજા અંકમાં ફ્રાન્સના એક નગર(Harfleur)ને ઘેરી વળેલા અંગ્રેજ સૈન્યને રાજા હેન્રી આવો પોરસ ચડાવે છે :

`In peace nothing so becomes a man
As modest stillenls and humility;
But when the blast of war blows in our ears,
Then imitate the action of the tiger.’

“સામાન્ય શાન્તિના દિવસોમાં ભલેને વિનમ્ર અને નિરહંકારી મન એ જ પુરુષનું ભૂષણ હોય, પરંતુ રણભેરીનો તુમુલ સ્વર કર્ણોને ભેદી રહે ત્યારે તો વાઘ બનીને ઊછળજો.” શૌર્યાંકિત આ ઉક્તિમાં પૌરુષનો સ્વાંગ પશુનો રહ્યો છે. ત્રીજા અંકમાં પછી સૈનિકોનો અનેક દૃશ્યોમાં શેક્‌સ્પિયરે યુદ્ધની કટોકટીમાં અને સમરભૂમિ પરે સામાન્ય જનતા સુખદઃખ, ભયશૌર્ય, હાસ્ય અને અશ્રુને સાચવ્યાં છે. દેશપ્રેમનું નાટક ગણીને વીસરી શકાય તેથી વિશેષ ‘પાંચમા હેન્રી’માં સમાયું છે. વિશિષ્ટ પાત્રાલેખન અને બહુલક્ષી કલ્પનાના સંસ્કારપુટ આ કૃતિમાં સચવાયાં છે. વિજેતા હેન્રીમાં પિતાની ક્રૂરતા અને શૈશવના ઉલ્લાસ અને લાપરવાહી રાજાના ભીરતમાં લપાયાં છે અને વિપદ ટાણે એનું વર્તન પૂર્વસંસ્કારોને છતાં કરે છે. પારકા મુલકમાં અનેક પરેશાનીથી અને યુદ્ધના સંહારથી થાકેલું અંગ્રેજ લશ્કર પીછેકૂચ કરતું હોય છે ત્યાં ફ્રાન્સનાં લશ્કરો એને એજિનકોર્ટના મેદાનમાં ઘેરી વળે છે. યુદ્ધની આગલી રાત અને પરોઢનાં દૃશ્યોમાં શેક્‌સ્પિયરે કાવ્યમંડિત નાટ્યચરિત્ર રચ્યું છે. એક પક્ષે સાઠ હજારનું ફ્રેન્ચ સૈન્ય છાવણીમાં અધીરાઈથી રાત વિતાવે છે. સૈન્યના સરદારો પરોઢની વાટ જોતાં યુદ્ધઅશ્વોની અને શસ્ત્રોની વાતોમાં – કદીક પ્રેયસીના ગુણગાનમાં –સમય ખુટાડે છે. બીજે પક્ષે થાકેલું અને રોગચાળામાં વ્યસ્ત બનેલું બાર હજારનું કૃશકાય અંગ્રેજ લશ્કર દૈવાધીન લાચારીથી જાગતું પડ્યું છે. ‘એજિનકોર્ટની આગલી રાત’ શેક્‌સ્પિયરના નાટ્યસાહિત્યની એક ચમત્કૃતિ લેખાય છે. ચોથા અંકના પ્રારંભે કોરસનું કથયિતવ્ય આ પ્રમાણે છે : “હવે એવા સમયની કલ્પના કરો કે જ્યારે વિશ્વનું મહાપાત્ર નીરવ રાત્રિના સળવળાટ અને ગાઢ તમિસ્રની વર્ષાથી છલકાતું હોય. પ્રતિસ્પર્ધી શિબિરોમાં સૈન્યોનો શાંત કલરવ કાલરાત્રિના ગર્ભદ્વારે એવો વીંટળાયો છે કે પ્રતિસ્પર્ધી શિબિરરક્ષકોને એકબીજાના ગુપ્ત સંકેતો શ્રવણસાધ્ય બન્યા છે. તાપણાનો જવાબ તાપણામાં પ્રગટે છે અને એમના ધૂંધળા પ્રકાશમાં ઉભય સૈન્યો પરસ્પરનાં શામળાં વદનો નિહાળે છે. રાત્રિના કર્ણપટલ યુદ્ધઅશ્વોની હણેહણાટીથી ચિરાય છે.”

Now entertain conjecture of a time
When creeping murmur and the poring dark
Fills the wide vessel of the universe.
From camp to camp through the foul womb of night,
The hum of either army stilly sounds,
That the fix’d sentinels almost receive
The secret whispers of each other’s watch.
Fire answers fire, and thourgh their play flames
Each battle sees the other’s umber’d face;
Steed threatens steed, in high and boastful neighs
Piercing the nights dull ear...

આવી રાત્રિએ રાજા હેન્રીનું દૈવત પ્રગટે છે. નષ્ટપ્રાયઃ સૈન્યનો એ રાજવી સેનાની (The royal Captain of this ruin‘d band) શિબિરે શિબિરે ઘૂમી વળે છે. એની મુખરેખામાં માથે ઝઝૂમતી આફતનો ઓછાયો પણ નથી વરતાતો. પ્રત્યેક સૈનિકને એ સસ્મિત અભિવાદન અર્પે છે. એનું પ્રસન્ન વદન અને મધુર પ્રભુતા મ્લાન હૃદયોમાં નવી ચેતનાનો સંચાર અર્પે છે અને ખિન્ન સૈન્યમાં નવા પ્રાણ પૂરે છે. હેન્રીના મૃદુ સંસ્પર્શે કાલરાત્રિમાં ચમત્કાર સર્જાય છે. તે પછીનાં પાંચ દૃશ્યોમાં એજિનકોર્ટના યુદ્ધક્ષેત્રે અંગ્રેજ સૈન્યનાં પરાક્રમ અને વિજયનું આલેખન થયું છે. એજિનકોર્ટનું યુદ્ધ ઇંગ્લૅન્ડની મધ્યયુગની શ્રેષ્ઠ સિદ્ધિ છે. શેક્‌સ્પિયરે નાટકમાં યુદ્ધકાવ્ય રચ્યું હોત તો એના દેશપ્રેમને એ અભિપ્રેત ગણાત, પરંતુ ૧૫૯૮નો શેક્‌સ્પિયર સ્વસ્થ દર્શનનો સ્વામી હતો. ‘પાંચમો હેન્રી’ નાટક ટૉલ્સ્ટૉયના ‘યુદ્ધ અને શાંતિ’ના જેવું માનવતાના વિજયનું નાટક ઠર્યું છે. એજિનકોર્ટનો સાચો વિજેતા રાજા હેન્રી નથી જ એમ નાટ્યકારે પાંચ દૃશ્યોમાં સ્પષ્ટ કર્યુ છે. સામાન્ય અફસરના વેશમાં શિબિરોમાં ઘૂમતા હેન્રી રાજાને શિરે યુદ્ધની જવાબદારી એવી કારમી હશે તેનું પૂર્ણ ભાન સૈનિકો કરાવે છે. બીજા દિવસે મૃત્યુ અનિવાર્ય હશે એમ જાણી ગયેલા ભયભીત સૈન્યમાં વ્યવસ્થા અને શિસ્ત જાળવી રાખવા મથતો કપ્તાન ફલુલેન કે અનેક યુદ્ધોમાં પ્રાણ હારી બેઠેલા અસંખ્ય માનવોના મૃત્યુની જવાબદારી રાજાને શિરે છે એવી સ્પષ્ટ માન્યતા ધરાવતો સૈનિક વિલિયમ રાજાની આંખનાં પડળ દૂર કરે છે. વિલિયમ વેશપલટો કરીને આવેલા રાજા હેન્રીને આ રીતે જ્ઞાની બનાવે છે : “વિના કારણે યુદ્ધે ચડેલા રાજાએ ભારે કિંમત ચૂકવવાની હોય છે. સમરભૂમિ ઉપર કપાયેલા હાથ, પગ અને માથાં ઇહલોકમાં ચિત્કાર કરશે કે અમુક યુદ્ધમાં અમારો સંહાર થયો અને જ્યારે ઘાયલ મરતાં મરતાં વૈદનું નામ રટશે, કે અકિંચન પત્નીને યાદ કરશે કે ન ચૂકવેલા ઋણને સ્મરશે અને અનાથ બાળકોને યાદ કરીને ઝૂરશે. સમરાંગણનાં મોત બધાં જ અકાળે આવ્યાં હોય છે. લોહીનો હિસાબ ભાગ્યે જ પુણ્યનો સંચય હોય છે. આવા પાપી સંહારનો ભાર રાજાના આત્માનો ઓથાર બનશે.” રાજા હેન્રીને વિલિયમનાં સાચાં વેણ હૈયામાં શૂળ બનીને કનડે છે. અંગ્રેજ સૈન્યની સશક્ત ભુજાઓ જેવા સામાન્ય સૈનિકો વિલિયમ, બૅટસ, કૉર્ટસ કે ફલુલેનનો પરિચય મેળવીને યુદ્ધની ભીષણતાથી ચોંકી ઊઠેલો હેન્રી એકલો પડતાં પ્રભુને વીનવે છે : “હે યુદ્ધદેવ, મારા સૈનિકોનાં હૈયાં વજ્જરથી મઢો.” રાજા રિચર્ડને હણીને ચોથા હેન્રીએ ગાદી મેળવી હતી તેનું સ્મરણ થતાં પાંચમો હેન્રી પ્રાર્થે છે : “ના, ના, ઓ વિભુ! આજનો દિવસ મારા પિતાએ રાજ્યના લોભે કરેલું પાપાચરણ ક્ષમસ્વ... એ પાપનું પ્રાયશ્ચિત્ત અનેક દાન અને પશ્ચાત્તાપથી હું કરીશ તોયે પૂરતું નહીં હોય, કારણ મારો પસ્તાવો અન્યાયને ટાળી ન શકાય એટલો મોડો પ્રગટ થયો છે. હું પાર્થુ છું કેવળ ક્ષમા.”

Not to-day, O lord,
O not to-day, think not upon the fault
My father made, in compassing the Crown...
More will I do;
Though all that I can do is nothing worth;
Since that my penitence comes after all,
Imploring pardon.
– King Henry The Fifth, Act IV, Sc. I-310

યુદ્વના પ્રભાતે અંતસ્તાપથી પુનિત બનેલો હેન્રી સૈન્યને બિરદાવતાં કહે છે :

For he to-day that sheds his blood with me
Shall be my brother; be he never so vile,
This day shall gentle his condition.
And gentlemen in England, now abed,
Shall think themselves accursed they were not here;
And hold their manhoods cheap, while any speaks
That fought with us upon saint Crispin’s day.

“સંત ક્રિસ્પિનની આ પુષ્ણ પર્વણીએ યુદ્ધમાં મારી સાથે જે કોઈ રક્ત વહાવશે તે સહુ મારા બાંધવો લેખે સ્વીકાર પામશે. નિમ્નકુલમાં જન્મેલા પણ રક્તદીક્ષા પામીને આજે અભિજાત થશે. આજે વતનમાં પથારીમાં પડી રહેલા પુરુષો જાતને અપમાનિત સમજશે, કેમ કે યુદ્ધભૂમિથી તેઓ વેગળા રહ્યા છે. ભાવિકાળમાં જ્યારે પણ આપણો યુદ્ધવીર વિક્રમની વાતો કરશે ત્યારે પેલા બધા પોતાના પૌરુષને નીંદશે.” એજિનકોર્ટના સમરાંગણમાં શૂરા બાર હજાર અંગ્રેજોએ શત્રુના સાઠ હજારના અરિદળને પરાજય આપ્યો. પરંતુ ક્ષાત્રવટનો અને યુદ્ધખોરીનો નશો વાચકો ન અનુભવે એવાં સૂક્ષ્મ નાટ્યસૂચનો કવિએ યુદ્ધનાં દૃશ્યોમાં સંતાડ્યાં છે. ‘રક્ત વહાવો’ની અહાલેક જગવનાર હેન્રી સમરાંગણમાં અક્ષત રહે છે. ‘મારા બાંધવો’ કહીને સૈન્યને લલકારનાર હેન્રી યુદ્ધ પૂરું થતાં ‘પાંચસાત અમીરો ગુમાવ્યા છે, બીજા તો અભદ્ર સામાન્ય સૈનિકો હતા’ એમ કહીને સંતોષ અનુભવે છે. રાજકુમાર હતો ત્યારે હેન્રી શ્રુબરીના યુદ્ધમાં વીરશ્રીને વર્યો હતો. પરંતુ રાજા હેન્રી એજિનકોર્ટના ધર્મક્ષેત્રે કેવળ ચારણકર્મ કરી શક્યો છે. યુદ્ધ જિતાયું સામાન્ય સૈનિકોના બાહુબળથી, યશસ્વી બન્યો હેન્રી, દુઆ દીધી ખુદાને. આમ પાંચ દૃશ્યોમાં યુદ્ધનાટકને શેક્‌સ્પિયરે યુદ્ધ વિષે સચિંત બનીને શાંતિપર્વના બીજારોપણથી વધાવ્યું છે. કવિની અંતરસૂઝનું એ પરિણામ છે. પાંચમા અંકમાં ફ્રાન્સની કુંવરીને પ્રેયસી બનાવી સ્વદેશ પાછા ફરતા હેન્રીનું લંડનનગરીમાં કેવું સ્વાગત થયું તેનું વર્ણન કોરસ આ પ્રમાણે કરે છે :

As by a lower but loving likllihood
Were now the general of our gracious Empress
As in good time he may, from Ireland Coming
Bringing rebellion broached upon his sword;
How many would that peaceful city quit,
To welcome him! Much more and much more cause.
Did they this Harry.

“આયર્લેન્ડના વિદ્રોહને અસિધારાથી શમાવીને કૃપાળુ સામ્રાજ્ઞીના સેનાપતિ જો આજે પાછા ફરે – જેમ બનવાની ઓછી છતાં મનભાવન શક્યતા છે, પરંતુ સમય જતાં તેવું પણ બને. તો શાંત આ નગરીનાં કેટલાં બધાં લોકવૃંદ એમના સત્કાર અર્થે ઉમંગે એકઠાં થશે! એથી અનેકગણાં વિશાળ વૃંદો વધારે યોગ્ય હેતુથી હેરીના અભિવાદન કાજ ઊમટ્યાં.” આમ અતીતની યશગાથાને શેક્‌સ્પિયરે કોરસમુખે વર્તમાનની જટિલ સમસ્યામાં બાંધી લીધી. આયર્લેન્ડમાં જાગી ઊઠેલા વિદ્રોહને ડામવા સામ્રાજ્ઞી એલિઝાબેથે લાડીલા ઉમરાવ ઇસેક્સને સૈન્ય સાથે વળાવ્યા હતા. ઇસેક્સ શેક્‌સ્પિયરની મંડળીનો માનવંતો પેટ્રન હતો. શેક્‌સ્પિયરના સખા શાઉધમ્પ્ટનનો એ પ્રેરણામૂર્તિ હતો. નટ નાટ્યકાર શેક્‌સ્પિયર રજવાડી યુગમાં પણ ખુશામતથી કેટલો મુક્ત હતો તેનો પુરાવો કોરસના શબ્દોમાં મળી રહે છે. ઇસેક્સની સફળતા વિષે એણે લખ્યું : જે બનવાની ઓછી છતાં મનભાવન શક્યતા છે (As by a lower but a loving likelihood). ઇતિહાસને નાટકની સામગ્રી બનાવીને કવિ એવો નિપુણ બન્યો હતો કે એણે એમ પણ લખ્યું કે વિજયી ઇસેક્સને વધામણે લંડન ઊમટે તેના કરતાં વધુ વાજબી હેતુથી હેરીનો સત્કાર લંડનમાં થયો હતો. (Much more and much more cause). નવા નટઘરના વાસ્તુપ્રવેશ મુહૂર્તે નિર્ભીક બનીને ઇતિહાસના અજવાળામાં કવિએ સમકાલીનોને ચેતવ્યા છે. ઇસેક્સ લંડનવાસીઓનો પ્રિય ઉમરાવ હતો. રાણીનો સ્વજન હતો. દૈવનું રમકડું હતો. ‘પાંચમા હેન્રી’ના નાટકના અંતે શેક્‌સ્પિયરે ઇસેક્સ વિશે જે ઉલ્લેખ કર્યો તે વિસ્તૃત બને તે પહેલાં એક દિવસ રાણીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આયર્લેન્ડથી ઇસેક્સ સ્વદેશ પાછો વળ્યો. વિદ્રોહને દાબી દેવાને બદલે વિદ્રોહી સાથે સંધિ કરીને આવી પહોંચેલા ઇસેક્સ સીધો રાજપ્રાસાદમાં ધસ્યો. શણગાર સજી રહેલી રાણીએ એને ધમકાવ્યો. માનીતો હોવાના અધિકારથી ઇસેક્સે ઉદ્ધત જવાબ વાળ્યો. સર્વાશે પ્રભુતાના અવતાર સમી રાણીએ એને લપડાક્યો. અવિચારી ઇસેક્સનો હાથ તલવારની મૂઠને સ્પર્શ્યો ને રાજપ્રાસાદમાં સામ્રાજ્ઞી સંમુખે રાજદ્રોહનો ઇસેક્સ આરોપી બન્યો. એની નસોમાં રાજવંશી રક્ત હતું તે ધ્યાનમાં લઈને કે સોહામણો યુવાન ઇસેક્સ કદીય અનુરાગનું ભાજન હતો તે સ્મરીને એલિઝાબેથે એને આકરી સજા ન ફરમાવી. લંડનમાં એના વસવાટના યોર્કભવનમાં ઇસેક્સ નજરકેદ બન્યો. ચેમ્બરલેઇન મંડળીના વિકાસ અને વૈભવનો ઇસેક્સ અનેક રીતે ઉદ્ગમ હતો. વિક્ટોરિયન યુગે કલ્પ્યો હતો તેવો એટલે કે કવિ ટેનિસને ગાયેલો ભાવાવેશી કવિ શેક્‌સ્પિયર હોત તો ઇસેક્સની બગાવતના દિવસોમાં તાલ ચૂક્યો હોત, એણે લયભંગ રચ્યો હોત. પરંતુ નાટકમાં પ્રકૃતિનું અંતરંગ દર્શન પામેલો શેક્‌સ્પિયર વહાલસોયા પુત્રના મસ્તકે ઠેરવેલા ફળનો લક્ષ્યવેધ કરનાર પ્રસિદ્ધ દેશભક્ત વિલિયમ ટેલ જેવો ઊર્મિસંયમ કેળવી શક્યો છે. ઇસેક્સનો ગુણાનુરાગી શેક્‌સ્પિયર ગ્રીક નાટ્યકારના તાટસ્થ્યથી ઇસેક્સના સ્વભાવદોષ અને દૈવને પામી ગયો છે. જેમ માતાના પ્રતિદ્રોહથી સ્તબ્ધ રાજકુમાર હૅમ્લેટ અંતરના ઊંડાણથી પુકારી ઊઠે છે, ‘ઓરત, તારું નામ છે બેવફાઈ!’ તેમ પ્રિય ઇસેક્સનાં સ્ખલનોથી ત્રાસીને જ કવિ ‘તાલ-બેતાલ’ (Measure for Measure) નાટકમાં આક્રંદ સંભળાવે છે.

Man, proud man,
Dressed in a little brief authority,
Most ignorant of what he’s most assur’d,
His glassy essence, like an angry ape,
Plays such fantastic tricks before high heaven,
As make the angels weep.
– Measure for Measure, Act II, ii.

“મનુષ્ય! ગર્વીલો મનુષ્ય, થોડીશી સત્તા મળી, અલ્પજીવી પદ પામ્યો, એટલે અસીમ અજ્ઞાનને દૃઢ વિશ્વાસથી વળગીને, પારદર્શક એના પ્રાણોને કુપિત વાનરદેહ લાધ્યો હોય તેમ, ઊભા આકાશ નીચે એવી તો અવળચંડાઈ આચરે છે કે દેવદૂતો પણ ક્રદન કરે.” નજરકેદ પામેલો ઇસેક્સ સખણો ન રહી શક્યો. પડોશી સ્કૉટલૅન્ડના રાજા જૅમ્સને એણે છૂપો સંદેશો મોકલ્યો. જૅમ્સે એને પ્રોત્સાહન આપ્યું અને પોતાના વિશ્વાસુ મારના ઉમરાવને લંડન મોકલવાનું વચન આપ્યું. હિંસક ક્રાન્તિ સમય માગી લે છે, પરંતુ અધીર ઇસેક્સ આકળો બન્યો. રાજધાનીમાં અફવાઓનું તૂફાન ઊઠ્યું : રાણી સ્પેનનું શરણું શોધતી હતી! ઇસેક્સને તુરંગમાં લઈ જવાશે? રાણીએ રહસ્યમંત્રીઓની સભા બોલાવી. ઇસેક્સને હાજર રહેવા નિમંત્રણ મળ્યું, પરંતુ અમંગળ શંકાથી વ્યગ્ર એના સાથી ઉમરાવોએ એને ન જવા દીધો. અસ્વસ્થ તબિયતનું બહાનું આગળ કરી ઇસેક્સ ઘરરખુ બન્યો. મિત્રોની સલાહ પડી કે આખું લંડન શહેર ઇસેક્સને પડખે હતું. રાજમહેલને ઘેરો નાખી રાણીને સાનમાં લાવવાનું ષડ્યુંત્ર ઘડાયું. નગરજનો રવિવારે કામકાજ બંધ રાખતા હોવાથી ૧૬૦૧ની સાલના ફેબ્રુઆરી માસનો બીજો રવિવાર (૮મી ફેબ્રુઆરી) બગાવત માટે નક્કી થયો. શનિવારે સાતમી ફેબ્રુઆરીની બપોરે નવા નટઘર ‘ગ્લોબ’માં એક નાટક રજૂ થવાનું હતું. તે પ્રભાતે નદી ઓળંગીને ઇસેક્સના છ ઉમરાવમિત્રો નટઘરમાં પ્રવેશ્યા. એ મંડળીના એક સભ્ય સર ગિલી મેરિકે નટોને કહેણ આપ્યું કે તે બપોરનું જાહેર થયેલું નાટક બદલીને એમણે રાજા રિચર્ડને પદભ્રષ્ટ કરવાનું નાટક રજૂ કરવું. દસ્તાવેજી પુરાવા બતાવે છે કે નટોએ આ વાતનો વિરોધ કર્યો. ‘રાજા રિચર્ડ બીજો’ શેક્‌સ્પિયરનું જૂનું નાટક હતું અને ઝાઝા પ્રેક્ષકો એ જોવા ન પણ આવે. ઇસેક્સના મિત્રોએ તે દિવસની પૂરી આવક ભરપાઈ કરવાનું સ્વીકાર્યું. આમ લાચાર બનીને ચેમ્બરલેઇન મંડળીએ ૭મી ફેબ્રુઆરી, ૧૬૦૧ના દિવસે જાહેર કરેલું નાટક ફેરવી નાખીને ‘બીજો રિચર્ડ’ નાટકની ભજવણી હાથ ધરી. શેક્‌સ્પિયરે આ વાતનો વિરોધ એટલા માટે પણ ન કર્યો હશે કે એના નાટકમાં રાજદ્રોહને બળદાયી કશું ન હતું. રાણી અને ઇસેક્સ વચ્ચે ઊભું થયેલું બખડજંતર વણસાડે તેવું સાદૃશ્ય ‘બીજા રિચર્ડ’ નાટકમાં શોધ્યું નહીં જડે. ઊલટાનું રાજા રિચર્ડનું ખૂન નિંદ્ય અને ઘૃણાસ્પદ લાગે અને એના વિરોધીઓ ક્રૂર ઠરે તેવો એ નાટકનો અંત હતો. રિચર્ડ માટે અનુકંપા જન્મે એ રીતે નાટકનું સમાપન થયું હોવાથી કવિએ એમ પણ માન્યું હોય – સ્વલ્પ શક્યતા હોવા છતાં – કે નાટકની અસર નીચે ઇસેક્સના અનુયાયીઓનો ઉશ્કેરાટ શાંત પડશે. પરંતુ એવું કશું ન બન્યું. રવિવારના પરોઢમાં ઇસેક્સનું બંડ શરૂ થયું. સાંજ સુધીમાં એને સર્વાંશે નિષ્ફળતા મળી. ઇસેક્સ ત્રણસો સાથીદારો સાથે લંડનની શેરીઓમાં ઘૂમી વળ્યો. રાણીએ નગરપતિઓને ગામના દરવાજા બંધ કરવાને સત્વર આદેશ આપ્યો અને ઇસેક્સને રાજદ્રોહી ઘોષિત કર્યો. નગર બંડ માટે તૈયાર ન હતું અને રાજદ્રોહની શિક્ષા લોકહ્રદયને ડારે તેવી ભયંકર હતી. બંડ માટેનાં વાજબી કારણો જનમુખે વસ્યાં ન હતાં. બપોર સુધીમાં સૂત્રો પોકારતું ઇસેક્સમંડળ સંત કૉલના ગિરજાઘર સુધી આવી અટક્યું. ઇસેક્સ પોકારી ઊઠ્યો કે એનો જાન ખતરામાં હતો અને અંગ્રેજ તખ્ત સ્પેનને વેચી દેવાયું હતું. પરંતુ ચકલુંયે ન ફરક્યું. નગરમાંથી કોઈ એના પડખે ન જ આવ્યું. પરસેવાથી રેબઝેબ ઇસેક્સને આખરે ભીષણ પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો કે બંડના ઝાંવા નાખવામાં અનિવાર્ય રીતે એનો સર્વનાશ રચાયો હતો. નદી પાર કરીએ સ્વગૃહે પાછો ફર્યો ત્યારે રાણીનું લશ્કર એની પ્રતીક્ષા કરી રહ્યું હતું. ઇસેકસે શસ્ત્રો છોડ્યાં અને શરણાગતિ સ્વીકારી. ટાવરના કિલ્લામાં એને પૂરવામાં આવ્યો. ઉમરાવ સાઉધમ્પ્ટન પણ સાથે પુરાયો. ચેમ્બરલેઇન મંડળીને માથે આભ ફાટ્યું. રાજદ્રોહને સહાય કર્યાનો આરોપ મંડળીને લલાટે ચોંટ્યો. મંડળી વતી નટ ઑગસ્ટ ફિલિપ પ્રિવી કાઉન્સિલમાં રજૂ થયો. કુશળ વકીલોએ પોપ હેમ અને ફેનરે પૂછેલા અનેક પ્રશ્નોનો એણે જવાબ વાળ્યો. કદાચ એણે યોગ્ય બચાવ કર્યો તેથી, કે રાણીને કટોકટીના આ સમયે કલાનું આશ્વાસન ખપતું હતું એટલે, મંડળીને કશી શિક્ષા ન મળી. ઊલટાનો ચેમ્બરલેઇન મંડળીને આદેશ મળ્યો કે તારીખ ૨૪મીએ મંગળવારે, રાણી સમક્ષ નાટક રજૂ કરવું. ૧૯મી ફેબ્રુઆરીના દિવસે ઇસેક્સ અને સાઉધમ્પ્ટન ઉપર રાજદ્રોહનો આરોપ મૂકીને ખુલ્લી અદાલતમાં મુકદ્દમો શરૂ થયો. ઇસેક્સને છેલ્લો ઝેરકટોરો એ મળ્યો કે એનો જ આશ્રિત ફ્રાન્સિસ બેકન રાજ્યનો મુખ્ય વકીલ બનીને અદાલતમાં આવ્યો. ઇસેક્સને જે અનેક આરોપોનો જવાબ આપવાનો હતો તેમાંના બે આ પ્રકારના હતાઃ ૧. જ્હૉન હેવર્ડનું બીજા રિચર્ડ વિશેનું તવારીખી પુસ્તક એને અર્પણ થયું હતું. ૨. ‘બીજો રિચર્ડ’ નાટકની ભજવણીમાં અનેક વાર એ હાજર હતો અને તાળીઓ પાડીને એણે નાટકને વધાવ્યું હતું. ફ્રાન્સિસ બેકને ઇન્સાનને ન શોભે તેવી હિકમત અને કુનેહથી દલીલો કરી અને ઇસેક્સનો સર્વનાશ યોજ્યો. ઇસેક્સની વિરુદ્ધનો ચુકાદો આવ્યો. રાજદ્રોહની પૂરી શિક્ષા ફરમાવવાનું હવે રાણીની મુનસફી ઉપર છોડવામાં આવ્યું. મંગળવાર ૨૪મી ફેબ્રુઆરીના દિવસે ચેમ્બરલેઇન મંડળીનું નાટક મહેલમાં રજૂ થાય તે પહેલાં રાણીએ ઇસેક્સના મૃત્યુખત ઉપર દસ્તખત કર્યા. શિક્ષા માટે બુધવાર નક્કી થયો. જેવા ગૌરવથી સ્કૉટલૅન્ડની રાણી મેરી ફાંસીને માંચડે વર્તી હતી તેવા જ ધૈર્ય અને ગૌરવથી ૩૪ વર્ષની વયના સોહામણા ઉમરાવ ઇસેકસે મૃત્યુને વધાવ્યું. એણે શ્યામ અને રાતાં રંગીન વસ્ત્રો પરિધાન કર્યાં, જલ્લાદને ભેટીને વિદાય માગી, વધ માટે મસ્તકને વેદી ઉપર ગોઠવીને એણે જનમેદનીને પ્રાર્થનામાં સાથ આપવા વિનંતી કરી કે – ‘હાથ પ્રસારીને વધ માટે હું શિર ઝુકાવું અને જલ્લાદનો હાથ પરશુ લઈને ઊંચો થાય ત્યારે આપ સહુ પણ પ્રાર્થના કરજો કે અવિનાશી ઈશ્વર એમના દેવદૂતો મોકલીને મારા આત્માને કરુણાનિધાન સમક્ષ દોરી જાય.’ જેમણે આ શબ્દો સાંભળ્યા તે કદી વીસરી શક્યા નહીં. શેક્‌સ્પિયર એ શબ્દો વીસરી શક્યો નથી એમ કહેવાનું મન થાય એવા શબ્દો એણે તે પછી રચેલી વિશ્વસાહિત્યની અમરકૃતિ ‘હૅમ્લેટ’ના અંતે મૂક્યા છે :

Good night Sweet Prince,
And flights of angels sing thee to thy rest.

‘અલવિદા, પ્રિય રાજકુમાર, તારી ચિરનિદ્રામાં દેવદૂતોનાં યક્ષગાન હો!’ કોઈના મૃત્યુથી દુનિયા કદી ડૂબી નથી, પરંતુ સ્વજનો અને પરિચિતો માટે જગત અવશ્ય જુદું બને છે. દૃષ્ટિ બદલાય છે ત્યારે સૃષ્ટિ આપમેળે બદલાય છે. ઇસેક્સવધ પછીનાં શેક્‌સ્પિયરનાં નાટકો અનુભૂતિની નવી જ ગહરાઈ વ્યક્ત કરે છે. રાણી એલિઝાબેથને સિત્તેર વર્ષ થયાં હતાં. ઇસેક્સની નસોમાં રાજવંશી રક્ત હતું. રાણીને દૂરના ભત્રીજા રાજા જૅમ્સ કરતાં ઇસેક્સ માટે વધુ મમતા હતી. શેક્‌સ્પિયરે સાચું જ લખ્યું હતું કે શિરે જેણે રાજમુકુટ ધર્યો તેની ચિંતાનો નહીં પાર (Uneasy lies the head that wears the crown). યોગીને કે રાજાને વળી સ્વજન શાનાં અને મમતા શી? એલિઝાબેથે પ્રભુત્વ વિનાનું જીવન જાણ્યું ન હતું. રાજરમતનાં પ્યાદાં ગણીને અનેક શોણિતથી એણે ઇતિહાસનું ખપ્પર ભર્યું હતું. એના જ વંશની સ્કૉટલૅન્ડની રાણી અને યુરોપની અતિસુંદર રમણી મેરીને પણ એણે જ દેહાંતદંડ દીધો હતો. ઇસેક્સ સત્તાના રાજકારણનો એલિઝાબેથે મેળવેલો છેલ્લો બલિ હતો. યુરોપના એક ખૂણે આવેલા નાનકડા ઇંગ્લૅન્ડની આ રાણી અઢાર વર્ષની વયે નગણ્ય એવી એક પ્રોટેસ્ટન્ટ પ્રજાની સર્વસત્તાધીશ બની હતી. કૅથોલિક સંપ્રદાયનાં મહારાષ્ટ્રો એના નાનકડા દેશને છીનવી લેવા સદા યત્નશીલ હતાં. એક માતાની ધૃતિ અને ઉદ્યમથી એલિઝાબેથે બ્રિટનનું તત્કાલીન વિશ્વની મહાસત્તામાં પરિવર્તન કર્યું. એણે માતાની મમતા અને નિષ્ઠાથી, કદાચ ઝનૂની આવેશથી લોકજીવનમાં સર્વતોમુખી વિકાસ અને કલ્યાણ ઝંખ્યાં. સ્વદેશની સરહદો એણે કદી ન તરછોડી. દેશ એનું વિશ્વ બન્યો. દેશબાંધવોને એણે દેશ દશે મોકલી આપ્યા. એના શાસનમાં નૌકાપતિ ડ્રેક સાથે સમંદર ખૂંદી વળ્યો. નવા શોધાયેલા અમેરિકા ખંડમાં એણે વસાહતો સ્થાપી હિંદ સાથે વ્યાપારાર્થે એણે મંડળી ઊભી કરી. સ્પેનના નૌકાકાફલાને શિકસ્ત આપી. એણે બ્રિટનને સાગરની મહારાણી લેખે ત્રણ સૈકાનું પ્રભુત્વ અર્પ્યુ. પ્રજાને મહામૂલી શાંતિનાં વર્ષોની ભેટ ધરી એણે લોકજીવનને નવપલ્લવિત કર્યું, કુસુમિત કર્યું. એના શાસનના છેલ્લા બે દશકા અંગ્રેજી તવારીખનાં કલામઢ્યાં સોનેરી વર્ષો હતાં. જગતે અનેક કવિકંઠ મુખરિત કાવ્યકુંજ જેવું બ્રિટન એના શાસનકાળે દીઠું. અસીમ એના દેશપ્રેમે અન્ય દેશોના સાંસ્કૃતિક ઉદ્ગમોને અપનાવ્યા. મધ્યયુગના સામાજિક જાડ્યનું નિરસન કરનારા વિદેશી વાયરા એણે આવકાર્યા. પ્રાચીન પ્રણાલીના સિંહાસને આરૂઢ રહીને એણે અર્વાચીન વિશ્વના માનવતાવાદને છૂટો દોર આપ્યો. ધાર્મિક ઝનૂનના જમાનામાં એણે સાંપ્રદાયિક આગ્રહનો ત્યાગ કરીને માનવ્ય મૂલ્યોને બહલાવનાર કલાબીજને દેશમાં ચહુદિશ વેરાતાં દીઠાં. યુરોપની નવજાગૃતિનાં પ્રથમ મબલખ તુલ બ્રિટને રાણીના શાસનકાળમાં જ લણ્યાં. ઇતિહાસનું એ વિચિત્ર લાસ્ય હતું કે સર્વથા એકહથ્થુ સત્તાની આગ્રહી રાણીએ સુવર્ણયુગ સર્જ્યો. જેટલી નિષ્ઠાથી એણે રાજકલ્યાણ ઝંખ્યું તેટલી જ નિષ્ઠાની એણે રાજસેવકોમાં અપેક્ષા રાખી. રાજ્યભાર એ જ મોટું વળતર હોય તેમ એના મંત્રીઓ અને કર્મચારીઓ નાના પગારમાં મોટાં કામ ઉદ્યમથી ઉકેલી શક્યા. વર્ષો સુધી ઇંગ્લૅન્ડનો વહીવટ જેમણે વફાદારીથી અને ચાણક્ય મતિથી સંભાળ્યો હતો તે લૉર્ડ બર્ગલી જ્યારે છેલ્લા શ્વાસ લેતા હતા ત્યારે રાણીનો સરળ સંદેશો આવ્યો, ‘ઈશ્વરની આશિષ તમને પ્રાપ્ત થાઓ અને તમે ઝાઝું જીવો’ (God bless you and long may you last). રાજકોષનું અઢળક ધન મળ્યું હોય એટલો સંતોષ મરણોન્મુખ બર્ગલીએ અનુભવ્યો. એના પુત્ર રૉબર્ટે તે પછીના વર્ષમાં લોકસભાને બિનઆવડતથી દુભવી ત્યારે રાણીએ એક સો ચાલીસ સભ્યોનું અધિવેશન ભરીને સૌજન્ય અને કુનેહથી સહુને વશ કર્યાં. એણે કહ્યું, ‘ઈશ્વરે મને ઊંચે આસને બેસાડી છે, પરંતુ મારા રાજમુકુટનું સર્વોચ્ચ જવાહિર તો આપ સહુનો પ્રેમ છે. મારું જીવન અને શાસન આપના સ્નેહથી સીમાબદ્ધ છે. મારાં અરમાન આપનું કલ્યાણ યોજવાનાં છે.’ આવી રાણીને અવગણવા જેટલું સશક્ત કોણ જ હોય! એટલે ઇસેક્સના મૃત્યુ પછી પણ ચેમ્બરલેઇન મંડળીના ખેલ તો ભજવાતા રહ્યા. લોકરંજનનો વ્યવસાય જેમણે સ્વીકાર્યો હતો તેમણે સેવાધર્મ આચરવો રહ્યો. નટઘરનો તો મૂલમંત્ર હતો :

The Drama’s laws do drama’s partrons give,
And those who live to please, must please to live.

‘નાટકના આશ્રયદાતાઓ જ નાટકના નિયમો આપી શકે, અને (નટો) જેમણે જનાર્થ જીવન ધારણ કર્યું છે તેમણે જીવનાર્થ રંજન અર્પવું ઘટે.’ એટલે નટઘરો પ્રતિદિન મુખરિત રહ્યાં. નવા નટઘર ‘ગ્લોબ’માં અને એલિનના ‘શ્રી’માં તેમજ શ્યામ કંથાધારી(Black Friars)ના વિસ્તારના શિશુ નટઘરમાં નવ નવાં નાટકો રજૂ થતાં ગયાં. પરંતુ શેક્‌સ્પિયરના ‘કાષ્ઠ વર્તુળ’ (wooden O) જેવા ગ્લોબમાં શેક્‌સ્પિયરે આપેલાં નાટકોમાં વિધિવિરચિત કરુણાના પ્રલંબ પડછાયા વિસ્તરતા હતા. ‘જુલિયસ સિઝર’નું કરુણ નાટક એણે ‘પાંચમા હેન્રી’ પછી આપ્યું. ‘હૅમ્લેટ,’ ‘ટ્રૉયલસ’ અને ‘ક્રેસિડા’ અને ‘અંતે માંગલ્ય’ (All’s well that ends well) આટલાં નાટકો એણે એલિઝાબેથના શાસનમાં છેલ્લાં વર્ષોમાં રચીને ‘નવા નટઘર’ને જગજૂની વેદનાની વાણીથી ભરી દીધું.