શેક્‌સ્પિયર/કૃતિ-પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કૃતિ-પરિચય

૧૯૬૪માં શેક્સ્પિયરની ચતુર્થ જન્મશતાબ્દી પ્રસંગે સંતપ્રસાદે ૧૯૬૪-૬૫માં ‘સંસ્કૃતિ’માં શેક્સ્પિયરનાં જીવન અને સાહિત્ય વિશે ૧૪ લેખોની એક લેખમાળા પ્રગટ કરી હતી. પછીથી ૧૯૭૦માં એ લેખમાળાને ‘શેક્સ્પિયર’ શીર્ષકથી ગ્રંથરૂપે પ્રગટ કરી હતી. સમગ્ર વિશ્વસાહિત્યમાંથી એક માત્ર શેક્સ્પિયર સાથે જ એમને સૌથી વધુ આત્મીયતા હતી. સૌથી વધુ તાદાત્મ્ય હતું. એમણે જીવનભર શેક્સ્પિયરનું જ સૌથી વધુ આકર્ષણ અનુભવ્યું હતું. શેક્સ્પિયરના જીવનમાં અને સાહિત્યમાં કરુણા અને એકાન્ત-એકલતા હતી. સંતપ્રસાદના જીવનમાં પણ, અગાઉ નોંધ્યું છે તેમ કંઈક અંશે એવી જ કરુણા અને એકાન્ત એકલતા હતી. બંને વચ્ચેના આ સામ્યમાં આ આત્મીયતા, આ તાદાત્મ્ય, આ આકર્ષણનું રહસ્ય છે. આ રહસ્યને કારણે જ એમણે આ ગ્રંથમાં શેક્સ્પિયરના જીવન અને સાહિત્યનું મૌલિક અને માર્મિક આલેખન કર્યું છે, પણ તેઓ બહુશ્રુત વિદ્વાન હતા એથી એમણે આ ગ્રંથમાં માત્ર શેક્સ્પિયરના જીવન અને સાહિત્ય જ નહિ, પણ એની સાથે સાથે એમાં સામાજિક, સાંસ્કૃતિક, મનોવૈજ્ઞાનિક અને ઐતિહાસિક સંદર્ભોને કારણે એલિઝાબેથના યુગના અને યુરોપીય રનેસાંસના યુગના ઇંગ્લૅન્ડનું પણ આલેખન કર્યું છે. શેક્સ્પિયરના જીવન અને સાહિત્ય વિશેનાં અનેક વિવેચકો, ચિંતકો, સંશોધકો અને વિદ્વાનોનાં દૃષ્ટિબિંદુઓ અને અર્થઘટનોની સાથે સાથે એમણે એમનાં વિશિષ્ટ અને વિલક્ષણ નિરીક્ષણો દ્વારા એમનાં સ્વતંત્ર અને સ્વાયત્ત દૃષ્ટિબિંદુ અને અર્થઘટન પણ પ્રસ્તુત કર્યાં છે. એમાં એમણે શેક્સ્પિયરનાં જીવન અને સાહિત્ય વિશેનું એમનું જીવનભરનું મનન અને ચિંતન પણ પ્રગટ કર્યું છે.

શેક્સ્પિયરની પ્રતિભા, એમનાં નાટકોમાં જે અખિલાઈનું દર્શન છે, એમાં પ્રગટ થાય છે. શેક્સ્પિયરની પ્રતિભાનો પાર તો કોણ પામી શક્યું છે? એનું સંપૂર્ણ આલેખન તો અશક્ય છે, પણ આ ગ્રંથમાં સંતપ્રસાદે એનો આલેખ તો અવશ્ય પ્રસ્તુત કર્યો છે. શેક્સ્પિયરનું જીવન અને સાહિત્ય સતત સાદ્યંત પરસ્પર સમાંતર રહ્યું છે, એનું તાણા અને વાણાની જેમ સુશ્લિષ્ટ ગ્રથન થયું છે. શેક્સ્પિયરનાં આત્મલક્ષી સ્વાનુભવો અને એમનાં નાટકોનાં પાત્રોના પરલક્ષી પરાનુભવો વચ્ચે સૂક્ષ્મ સંબંધ છે. એથી આ ગ્રંથમાં સન્તપ્રસાદની એક નજર શેક્સ્પિયરના જીવન પર અને બીજી નજર શેક્સ્પિયરનાં નાટકો પર એક સાથે સતત કેન્દ્રિત રહી છે. ‘શેક્સ્પિયર’ ગુજરાતી ભાષાનો એક અપૂર્વ અને અદ્વિતીય ગ્રંથ છે એ તો ગ્રંથકારની ગદ્યશૈલીની મૌલિકતા અને અભિવ્યક્તિની માર્મિકતાને કારણે. આ ગદ્યશૈલી અને અભિવ્યક્તિનું રહસ્ય છે એમનું ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી એમ ત્રણે ભાષા પરનું એકસમાન પ્રભુત્વ. એમણે જીવનભર આ ત્રણે ભાષાઓની આત્મીયતાથી સઘન સાધના-ઉપાસના કરી છે. એમની કલાત્મક કથનશક્તિ, ચિત્રાત્મક વર્ણનશક્તિ અને આદર્શ અનુવાદશક્તિ – આ ત્રિવિધ શક્તિઓના સામંજસ્યથી આ પ્રભુત્વ એમણે સિદ્ધ કર્યું છે, એમાં એમની વાગ્છટા અને એમનો વાગ્વૈભવ પ્રગટ થાય છે. એથી આ ગ્રંથમાં વિદ્વત્તા અને રસિકતાનો સંપૂર્ણ સુમેળ થયો છે. ‘શેક્સ્પિયર’ એ સંતપ્રસાદનો એક માત્ર ગ્રંથ છે, ગુજરાતી ભાષામાં શેક્સ્પિયરનાં જીવન અને સાહિત્ય પરનો પણ એક માત્ર ગ્રંથ છે. આ એક જ ગ્રંથને કારણે ગુજરાતી ભાષાના ઇતિહાસમાં બહુશ્રુત વિદ્વાન વિવેચક અને વિશિષ્ટ વિરલ ગદ્યકાર તરીકેનું સંતપ્રસાદ ભટ્ટનું હંમેશનું સ્થાન છે.