શેક્‌સ્પિયર/પ્રકાશક-સંસ્થાનું નિવેદન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રકાશક-સંસ્થાનું નિવેદન

(પ્રથમ આવૃત્તિ)

મહાકવિ શેક્‌સ્પિયરની ચતુર્થ જન્મશતાબ્દી 1964માં ઊજવાઈ તે પ્રસંગે અંગ્રેજી સાહિત્યના પ્રખર અભ્યાસી અને જાણીતા પ્રાધ્યાપક આચાર્ય સંતપ્રસાદ ર. ભટ્ટે ‘સંસ્કૃતિ’માં જે પંદર જેટલા અભ્યાસલેખો દ્વારા એ મહાવિભૂતિને અંજલિ આપી તેને ગ્રંથાકારે પ્રસિદ્ધ કરવાનું યુનિવર્સિટીએ ઠરાવ્યું. તેના ફળ રૂપે આ પુસ્તક આજે પ્રસિદ્ધ થતાં આપણા અલ્પધન વિવેચન-સાહિત્યમાં એક મૂલ્યવાન મૌલિક ગ્રંથનો ઉમેરો થશે એ આનંદની વાત છે. ગુજરાત યુનિવર્સિટીના પ્રકાશન તરીકે આ ગ્રંથ પ્રસિદ્ધ કરવાની સંમતિ આપવા માટે આચાર્ય સંતપ્રસાદ ર. ભટ્ટનો હું આભારી છું. આપણા શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને અન્ય સાહિત્યપ્રેમી મિત્રોને આ પ્રકાશન રસપ્રદ અને ઉપયોગી નીવડશે એમ આશા રાખું છું.

ગુજરાત યુનિવર્સિટી,
અમદાવાદ-9.

કં. ચં. પરીખ
કુલસચિવ

જાન્યુઆરી 30, 1970.
સૌર માઘ 10, 1891 (શક).

મહેણું ફરી ટળે છે !

પ્રકાશકીય
(દ્વિતીય આવૃત્તિ)

આ પુસ્તક-પ્રસંગે એટલે કે આજથી બરાબર સત્યાવીશ વર્ષો પૂર્વે વિષય અને વિષયી રૂપે બે વિરલ પરિબળોનો દૂધ-સાકરયોગ થયો હતો : વિશ્વપ્રસિદ્ધ નાટ્યકાર વિલિયમ શેક્‌સ્પિયર અને તેના એવા જ અષ્ટાંગ અભ્યાસી આપણા એસ. આર. ભટ્ટ - સાહેબ અર્થાત્ સંતપ્રસાદ ભટ્ટ ! આ. ભટ્ટસાહેબે 1964માં શેક્‌સ્પિયરની ચોથી જન્મશતાબ્દી નિમિત્તે ગુજરાતી ભાવકોને લક્ષ્ય કરીને ‘સંસ્કૃતિ’ માસિકમાં લેખમાળા લખી અને 1970માં ગુજરાત યુનિવર્સિટીએ એ ઉત્તમ લેખમાળાને ગ્રંથસ્થ કરીને મુ. ભગતસાહેબે કહ્યું છે તેમ, ‘ગુજરાતી ભાષામાં શેક્‌સ્પિયર પર માર્મિક વિવેચન નથી એવું મહેણું’ ટાળ્યું. પરંતુ વર્ષોથી એ પુસ્તક ઉપલબ્ધ ન હતું. પરિષદ પ્રમુખ શ્રી વિનોદ ભટ્ટને એ પુસ્તક પુનર્મુદ્રિત થવું જોઈએ એવો સ્તુત્ય વિચાર સ્ફૂર્યો અને એમના મિત્ર શ્રી રાજેશ શાસ્ત્રીએ સહર્ષ એ વિચારને નરી સાહિત્યપ્રીતિથી સ્વખર્ચે અમલમાં મૂક્યો. આ ભૂમિકાએ પરિષદ રાજેશભાઈનો વિશેષ આભાર માને છે. 1964માં જ ભટ્ટસાહેબે ‘ગુજરાત સમાચાર’માં શેક્‌સ્પિયર - જન્મજયંતી 23મી એપ્રિલે એક વિશિષ્ટ લેખ લખેલો. પુસ્તકની પ્રથમ આવૃત્તિ થઈ ત્યારે સંજોગવશાત્ એ લેખ સમાવી શક્યો ન હતો. આ વેળા એ લેખ શ્રી બકુલ ત્રિપાઠીની સહાય અને ‘ગુજરાત સમાચાર’ના સૌજન્યથી સુલભ થતાં પુસ્તકમાં આમેજ કરી લીધો છે. પ્રશિષ્ટ એવા આ વિવેચનગ્રંથના પુનર્મુદ્રણ માટે સદ્. ભટ્ટસાહેબનાં પરિવારજનોએ તેમ જ ગુજરાત યુનિવર્સિટીએ સહર્ષ આપેલી સંમતિ બદલ તેમના પણ આભારી છીએ. અપેક્ષા છે, સમય વીતતાં ખૂણે ખસી ગયેલા આવા અન્ય મહત્ત્વપૂર્ણ ગ્રંથો પણ આવી જ રીતે પુનઃપ્રકાશિત થશે. એ સંદર્ભે ગુજરાતી સાહિત્ય પરિષદ નિમિત્ત બનવામાં આનંદ અનુભવશે.

માધવ રામાનુજ
પ્રકાશનમંત્રી
ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ