શેક્‌સ્પિયર/શેક્‌સ્પિયર : પ્રતિભા-છબી (‘સંસ્કૃતિ’ના તંત્રીના બે બોલ)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
શેક્‌સ્પિયર : પ્રતિભા-છબી

(‘સંસ્કૃતિ’ના તંત્રીના બે બોલ)

“તમારામાં એસ. આર. ભટ્ટ કોણ?” અંગ્રેજી બી. એ.ના વર્ગના વિદ્યાર્થીઓ પોતાની આસપાસ નજર કરવા લાગ્યા, અને બોલ્યા : “દેખાતા નથી.” “તો, આજે વર્ગ નહીં લેવાય.” પ્રો. વિષ્ણુપ્રસાદ જેવા અધ્યાપક વર્ગ લેવાનું માંડી વાળવા તૈયાર થાય એનું આખા વર્ગને આશ્ચર્ય થયું. ન સમજાય એવું તો એ હતું કે પ્રોફેસર એ વિદ્યાર્થીને ઓળખતા પણ ન હતા! ઓળખતા ન હતા? પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અંગ્રેજી તેમજ ગુજરાતી બંને વિષયોના અધ્યાપનકાર્યના અનુભવીઓમાંના એક. પ્રો. વિષ્ણુપ્રસાદને સુરતની કૉલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓમાંથી થોડાકના અંગ્રેજી નિબંધો તપાસવાનું કાર્ય પણ સોંપવામાં આવેલું. એક વિદ્યાર્થીના નિબંધમાં એમને ઉત્તરોત્તર વધુ ને વધુ રસ પડતો ગયો. નિબંધના હાંસિયામાં નોંધો લખાતી જાય અને વિદ્યાર્થીનો ને એમનો સંબંધ એ રીતે બંધાતો આવે. અધ્યાપક ચાહીને બોલાવવામાં, તો વિદ્યાર્થી ચાહીને મળવા જવામાં, કંઈક સંકોચશીલ. સંબંધ લખાયેલા શબ્દો મારફત જ રહ્યો. વરસને અંતે પ્રોફેસરે લખ્યું : ‘બી. એ.માં અંગ્રેજી વિષય લેજો.’ તે પછીનું એ વખતનું ઇન્ટરનું એક વર્ષ વટાવી, બી. એ.માં પ્રવેશતાં વિદ્યાર્થીએ અંગ્રેજી લીધું. પોતાના અંગ્રેજી બી. એ.ના વર્ગમાં પૂર્વના એ પરિચિત વિદ્યાર્થીને ગેરહાજર જોતાં પ્રોફેસરે એ દિવસે ભણાવવાનું મુલતવી રાખવું મુનાસિબ માન્યું! ગુજરાતીના આપણા એક ઉત્તમ અધ્યાપક અને વિવેચક પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના એ નિર્ણય પાછળ જે જે આશાઓ હશે તે આજે શ્રી એસ. આર. ભટ્ટ ઇંગ્લૅન્ડના જ નહીં પણ જગતના શ્રેષ્ઠ નાટ્યકાર કવિ શેક્‌સ્પિયર ઉપર ગુજરાતીમાં એક ગ્રંથ લઈને આવે છે ત્યારે જરૂર ફલવતી બનેલી જણાશે. શેક્‌સ્પિયર વિશેનું આ પુસ્તક શેક્‌સ્પિયરની જન્મની ચતુઃશતાબ્દી નિમિત્તે મળ્યું છે. પ્રો. સન્તપ્રસાદ ભટ્ટની પહેલી મુલાકાત, મને યાદ છે ત્યાં સુધી, એક તંત્રી તરીકે – હું ‘બુદ્ધિપ્રકાશ’નો તંત્રી હતો ત્યારે – થયેલી. એવામાં અંગ્રેજી વિવેચક-અધ્યાપક આર્થર કવીલર-કુચ(ક્યુ)નું અવસાન થયેલું. નાનકડી પણ સુરેખ મૃત્યુનોંધ પ્રકાશનાર્થે લઈને તેઓ વિદ્યાસભામાં મારી પાસે આવેલા. એમની પાસેથી એવું એવું થોડુંક ‘બુદ્ધિપ્રકાશ’ માટે મળતું રહેલું. તે પછીનાં વરસોમાં ‘સંસ્કૃતિ’ માટે વચ્ચે વચ્ચે અનેક પાશ્ચાત્ય લેખકો અને પુસ્તકો વિશે લખાણો મેળવેલાં, પણ સંભાષણોમાં કે જાહેર વ્યાખ્યાન અથવા વર્ગમાં મૌખિક રજૂઆતથી સંતોષાનાર જીવ પાસેથી લખાણરૂપે કંઈક મેળવવું એ હંમેશાં મુશ્કેલ. શેક્‌સ્પિયરના જન્મની ચતુઃશતાબ્દીનું વરસ ઢૂકડું આવી રહ્યું હતું. 1961માં રવીન્દ્રનાથની શતાબ્દીના વરસમાં એમને વિશે ‘સંસ્કૃતિ’માં આખું વરસ કંઈ ને કંઈ આપવાનો પ્રયત્ન કર્યો હતો. શેક્‌સ્પિયર વિશે શું કરીશું? ત્યાં એક સાંજે હું શું જોઉં છું, શું સાંભળું છું? આચાર્યશ્રી સન્તપ્રસાદ ભટ્ટ પોતે મારે ત્યાં આવીને કહી રહ્યા છે : ‘આવતા વરસમાં શેક્‌સ્પિયર વિશે કંઈ કરવું જોઈએ. દર મહિને હું કંઈ ને કંઈ આપું.’ મેં કહ્યું : ‘પણ એકે અંક પડવો જોઈએ નહીં.’ એ કહે : ‘હા’ મારે તો જોઈતું હતું તે સામેથી મળી ગયું. નક્કી થયું કે શેક્‌સ્પિયર ભલે જન્મ્યા એપ્રિલમાં, આપણે તો 1964ના જાન્યુઆરીથી શરૂ કરી દેવું અને અલબત્ત પૂરું કરવું 1965ના એપ્રિલમાં. એકાદ અંક બાદ કરતાં સળંગ પ્રકરણો લખાતાં આવ્યાં. એ તે બે પ્રકરણ વચ્ચે વાંચવા-વાગોળવા-વિચારવા-લખવાનો ગાળો પણ એમને મળ્યો. અવારનવાર ભાઈ નિરંજન ભગત જેવા ઉતારવાનું ગણેશ-કાર્ય કરે એટલે શબ્દ તો બોલાય-એ વાગ્વ્રત પણ મોટે ભાગે સચવાયું. ચતુઃશતાબ્દીના વર્ષને-બલકે સવા વર્ષને-અંતે ઋષિઋણ કંઈક અંશે ચૂકવાયું. શેક્‌સ્પિયર ઉપર અઢળક લખાયું છે. બાઇબલથી બીજા નંબરે પુસ્તકો લખાયાં છે શેક્‌સ્પિયર ઉપર, દુનિયાની અનેક ભાષાઓમાં, એક સારું એવું પુસ્તકાલય ભરાય એટલાં. ચતુઃશતાબ્દી વર્ષમાં વળી શેક્‌સ્પિયર ઉપરનાં લખાણોનો ધોધ વરસ્યો. ખરેખર શેક્‌સ્પિયર નામનો કોઈ માણસ જ થયો નથી, શેક્‌સ્પિયરના નામે ચાલતાં નાટકોનો સાચો કર્તા છે માર્લો, લૉર્ડ બેકન કે અર્લ ઑફ ઑક્સફર્ડ, અરે તામિલભાષી શેષૈયર અથવા તો રશિયન પ્રજાજન શેકોવ્સ્કી(?)એ એ નાટકો લખેલાં છે એવા દાવાઓ ગંભીરતાપૂર્વક લડાવવામાં આવે છે. સૉનેટોમાં આવતી શ્યામસુંદરી અને મિત્ર કોણ એ પણ ઘણા અભ્યાસીઓને વિદ્વત્તાના અખાડામાં ધકેલે છે. આ બધી ચર્ચાઓના વમળમાંથી જેની રુચિ ઊગરે તેને શેક્‌સ્પિયરની બે-પાંચ નાટ્યકૃતિઓની અજબ કલ્પનાકલાના આનંદનું આછું બયાન કરવા માટે પણ એક મનુષ્યજિંદગી ઓછી પડતી લાગે છે. ઘણા મોટા વિચારકો, કલાચિંતકો અને વિવેચકોએ શેક્‌સ્પિયરની શબ્દસૃષ્ટિનાં રહસ્યોનો પોતે જે આનંદ પામ્યા છે તે બીજાઓને કંઈક પહોંચાડવામાં ધન્યતા અનુભવી છે. આચાર્યશ્રી સન્તપ્રસાદ ભટ્ટે શેક્‌સ્પિયરના જન્મની ચતુઃ શતાબ્દીમાં લખવાનું આરંભ્યું એટલે કવિના જન્મથી માંડીને એની જીવનકથા આપવા ઉપર જ એમની નજર રહી. પણ કવિની જીવનકથા એ માત્ર ભૌતિક કથા ઓછી છે? તરત જ એમાં સામાજિક, ઐતિહાસિક, મનોવૈજ્ઞાનિક, સાંસ્કૃતિક પરિમાણો ઉમેરાતાં ગયાં અને યુરોપમાં રિનેસાઁસ (નવજાગૃતિ) યુગમાં પ્રતાપી રાણી એલિઝાબેથના શાસન નીચે સ્પેનિશ નૌકાકાફલાને હરાવનાર, નવા પ્રગટેલા શક્તિપુંજથી ધબકતા, ઇંગ્લૅન્ડના ખોળે શેક્‌સ્પિયરની પ્રતિભાનો અધ્યાત્મપિંડ આવિષ્કાર પામ્યો તેની કથા એ બની રહી. વળી વળીને આચાર્યશ્રી ભટ્ટની કલમ શેક્‌સ્પિયરની પ્રતિભાનાં રહસ્યો અવલોકવામાં ગૂંથાય છે. તરુણ શેક્‌સ્પિયર એવન નદી ઉપરના સ્ટ્રેટફર્ડ ગામનું ઘર છોડીને, ભાગીને લંડન આવ્યો. નદી પાર નાટકશાળા પર ઘોડે ચઢીને નાટક જોવા આવનારના ઘોડા સાચવવાનું કામ એણે સ્વીકાર્યું. પછી નાના કિશોરો એ કામ માટે રોક્યા અને પોતે અંદર સર્યો, પાઠ સંભારી આપનાર (પ્રોમ્પટર) બન્યો, લહિયો થયો, તક મળતાં નટ બન્યો, જૂનાં નાટકોની મરમ્મત પર હાથ અજમાવતાં નાટ્યકાર નીવડ્યો. – શેક્‌સ્પિયરની મહાપ્રતિભા પ્રગટવાનો આ છે સ્થૂળ સોપાનક્રમ. યુનિવર્સિટીના વિદ્યાવંતો નાટકશાળાને ઉત્તમ નાટકો આપવા છતાં એમાં રળતર કંઈ ન હોવાથી ભૂખે મરણશરણ થયા. માત્ર નિશાળનું યત્કિંચિત્ ભણતર પામેલા પણ સંસારશાળાના અઠંગ શાગિર્દ શેક્‌સ્પિયરે ઉત્તમોત્તમ નાટ્યકૃતિઓ રચતી વેળાએ પણ ધંધા તરીકે તો અભિનેતાની કામગીરી જ ખેડી. “અનામી દનિયું રળનાર આગંતુક” મોટો નામી કવિ બન્યો, પણ લેખક કહે છે તેમ “કવિ શેક્‌સ્પિયરનું ભરણપોષણ નટ શેક્‌સ્પિયરે જ કર્યું છે.” થોડોક વખત લંડનથી પણ ભાગવું પડ્યું ત્યારે ઉમરાવના અતિથિ તરીકેનો અનુભવ એણે કરી જોયો છે, પણ એમાંથી યોગ્ય નિચોડ પોતાને માટે એણે કાઢ્યો છે. આચાર્યશ્રી સન્તપ્રસાદ ભટ્ટ કહે છે : “વિરાટ નગરીમાં બૃહન્નલા સ્વરૂપે અર્જુનનું વનવાસનું તેરમું વર્ષ તેવું મહામારીના સમયમાં સાઉધમ્પટનની જાગીર ચેટફીલ્ડમાં શેક્‌સ્પિયરનું 1593નું વર્ષ. ત્યાં લખેલા નાટક ‘લવ્ઝ લેબર્સ લૉસ્ટ’ના ભરતવાક્યમાં એનો નિરધાર નીતરે છેઃ `You that way, we this way.’ – અમીરો, તમારો માર્ગ અલગ, અમારો માર્ગ અલગ... જગતને નહીં પણ જાતને સમજાવવા બે કાવ્યો એણે લખ્યાં. ભીતર સમૃદ્ધિનું માપ મેળવીને એણે નટઘરને દૃઢ વિશ્વાસથી સ્વીકાર્યું. હવે ‘ફાલતુ’ મટીને કવિના હક્કથી એણે નાટ્યપ્રવૃત્તિમાં પદાર્પણ કર્યું. 1594થી એ ‘શેક્‌સ્પિયર’ પદ પામ્યો.” “વિચારોની પ્રદીપ્ત ભઠ્ઠી” સમાણી રાજધાની-લંડન-માં શેક્‌સ્પિયર જેવા માટે શું ન હતું? લેખકને જ સાંભળીએ : “ગ્રામજીવનના રૂપસંસ્કાર લઈને આવેલા શેક્‌સ્પિયરને પારકાં આયખાંની વાણી લંડને શીખવી, જૂનાં નાટકો ગોખાવીને. શેક્‌સ્પિયરે દીઠેલું લંડન નવજાગૃતિનું પ્રતીક હતું... ઇતિહાસના મર્મ એને લંડનની શેરીમાં લાધ્યા છે... લોકભાઈઓનાં દર્શન એણે સ્ટ્રેટફર્ડમાં કર્યાં છે, પણ એના ફિલસૂફો અને વીરો એને લંડને બતાવ્યા છે… એલિઝાબેથના સમયનું લંડન જીવનનું આશક હતું. જે દીઠું, સૂણ્યું કે વાંચ્યું તેને પ્રેમ કરવાની અજબ લગન લંડનને હતી. રસદર્શનનું નહીં, કિંતુ રસસમાધિનું એ ધામ હતું. સાહિત્યના ઇતિહાસમાં તે યુગને ‘ગાતાં પંખીનો નીડ’ કહ્યો છે તે સાર્થ છે.” શેક્‌સ્પિયરની અંદરની મહાપ્રતિભાનું જતન કરવાનું, તેની માવજત કરવાનું શેક્‌સ્પિયર સિવાય બીજા કોનું ગજું હતું? કશી રાવ, ફરિયાદ, ઉંકારો, બળાપો કરવા રોકાયા વિના એણે એલિઝાબેથના દરબારમાં સર વૉલ્ટર રાલે જેવા રૂપેરી બખ્તરમાં ઓપતા તે જમાનામાં ચુપચાપ મન સાથે ગાંઠ વાળી લીધી કે દિવસે ભજવાતાં નાટકોમાં અભિનય કરીને રોટલો મેળવી લેવો અને બાકીનો સમય આપવો મસ્તકમાં ભીડ મચાવતાં પાત્રોને હૃદયસંજીવની છાંટીને અમર શબ્દદેહ બક્ષવામાં. આચાર્યશ્રી ભટ્ટ કહે છે : “નટઘરમાં પુનઃ પ્રવેશેલા શેક્‌સ્પિયરે ખભેથી ખડિયો ઉતાર્યો, તેમાં નાટ્યવખરી લેખે હતાં કાવ્ય, કરુણા અને હાસ્ય. પ્રથમ બે વર્ષમાં એણે બે નવાં નાટકો રચ્યાં : ‘વાસંતી રાત્રિનું સ્વપ્ન’ અને ‘રોમિયો અને જુલિયેટ’.” આ ઉપરાંત ‘વેનિસનો વેપારી’, અમર હાસ્યમૂર્તિ ફૉલ્ટાફને રજૂ કરતાં ‘ચોથો હેન્રી-પ્રથમ ભાગ’ અને ‘ચોથો હેન્રી-બીજો ભાગ’ – એ બધાં નાટકો રચાતાં આવ્યાં. શેક્‌સ્પિયરની સિસૃક્ષાની ગંગોત્રી શી હતી? લેખક યોગ્ય રીતે જ કહે છે : “આ વર્ષોની કવિની સરજતનું રહસ્ય છે છલકાતો ઉમંગ.” 1595 થી 1599 સુધી લખાયેલાં તવારીખી નાટકો શેક્‌સ્પિયરના આંતરબાહ્યજીવનનું સામંજસ્ય રચી દેવામાં ફાળો આપે છે. થોડાં વરસ પહેલાં રચાયેલાં સૉનેટોમાં “રંગભૂમિ અને નટના વ્યવસાય પરત્વે નિવેદ અનુભવતો શેક્‌સ્પિયર હવે દૃષ્ટિગોચર નથી. ‘રંગારાના હાથ જેવો મારો હાથ પણ વ્યવસાયના રંગે રંગાયો છે’ એવી ફરિયાદ હવે કવિને નથી રહી. નટનો વ્યવસાય અને કવિના હૃદય વચ્ચે બારમો ચંદ્ર નથી રહ્યો. રંગભૂમિ એના મુલાયમ કવિમિજાજની આળપંપાળ કરે છે. હવે એનાં ચરણનાં ચાલવાં હૃદયને વશવર્તી બન્યાં છે”, કેમ કે “પરલક્ષી તવારીખી વસ્તુમાં આત્મલક્ષી સ્પંદનો” ને હવે સહેજે ભરપટ્ટે અવકાશ મળી રહે છે. ઉપરાંત તવારીખી નાટકોમાં શેક્‌સ્પિયરનો અઢળક “વતનપ્રેમ કાવ્યમૂલક અને નાટ્યાત્મક અભિવ્યક્તિ પામે છે. પરંતુ એ કવિનું ‘વતન’ છે. એના રોમરોમની અનુભૂતિ જેવાં સાગર અને સરિતા, જળ, વન, ઉપવન, નગરો અને જનપદો, લાખેણાં એનાં માનવો અને પ્રાણોના શ્વસન જેવી મધુરી એની વૈખરી, શ્વાસોને ઉન્મત્ત કરતું વતનનું હવામાન અને અનંતને ચીંધતું આસમાન તથા એની અનાદિ જવનિકાને આવરી લેતી વાદળોની સવારી અને મેઘગર્જન, હીરે મઢી અને શશાંકમાર્જિત એની શર્વરી અને સચરાચરને વ્યાપી વળતી એની વસંત – આમાંનું કશુંય હવે શેક્‌સ્પિયરના સર્જનમાં ઉપેક્ષિત નથી.” 1601ના ફેબ્રુઆરીમાં શેક્‌સ્પિયરની મંડળીના માનવંતા આશ્રયદાતા અને રાણીના સ્વજન ઉમરાવ ઇસેક્સે બંડ કર્યું અને રાણીએ એને દેહાંતદંડ આપ્યો. લેખક કહે છે તેમ ‘ઇસેક્સવધ પછીનાં શેક્‌સ્પિયરનાં નાટકો અનુભૂતિની નવી જ ગહરાઈ વ્યક્ત કરે છે.’ એનાં નાટકોમાં ‘વિધિવિરચિત કરુણાના પ્રલંબ પડછાયા’ વિસ્તરે છે. 1604 થી 1608 સુધીમાં ‘શેક્‌સ્પિયરે રચેલાં કરુણાન્ત નાટકોને ભજવતાં અને ચર્ચતાં જગતના સાહિત્યરસિકો આજદિન પર્યંત થાક્યા નથી.’ આચાર્યશ્રી ભટ્ટ શેક્‌સ્પિયરની એ અલૌકિક સિદ્ધિને માર્મિક રીતે બિરદાવે છે : “કાવ્ય સાધનાને સાથે ધર્મસાધના માની શકાય તેવી માનવજીવનની ‘શાશ્વતી’ શેક્‌સ્પિયરની 1600 પછીની મહાકૃતિઓમાં પ્રતિષ્ઠિત બને છે. નાટ્યકાર એનો એ હતો પણ પ્રત્યેક કૃતિ એની ચેતનાના વિકાસનું સોપાન બની છે. ‘ટિટસ’ના પાત્રમાં સુલક્ષણા વીરની અવનતિ ચીતરીને, ‘રોમિયો અને જુલિયેટ’ નાટકમાં સામાજિક ખુન્નસના વાતાવરણમાં પ્રેમના મૃદુ કુસુમને મૂરઝાતું દર્શાવીને, ત્રીજા રિચર્ડના પાત્રમાં અદમ્ય દુષ્ટતાના વિકાસ અને વિલયને નોંધીને, બીજા રિચર્ડના અને રાજા જ્હૉનના ચારિત્ર્યમાં સત્તાસ્થાને રહેલા નિર્બલ મનને સહાનુભૂતિથી વ્યક્ત કરીને અને સીઝરના તોર અને બ્રુટસની આદર્શઘેલછાને વ્યક્ત કરીને, હવે કવિની દૃષ્ટિમાં ‘અખિલાઈ’ એવી સમાઈ છે કે ચાર મહાકૃતિઓમાં – વ્યક્તિવિશેષની કથા ઉકેલતાં હૅમ્લેટ, ઑથેલો, લિયર, મૅકબેથમાં – કવિવાણી ધરિત્રીના સહુ માનવોની જાતકકથા ઉચ્ચારે છે.” શેક્‌સ્પિયર લંડનને પૂરી એક પચીસી, લગભગ અર્ધું આયુ આપીને, વતનમાં ઘર ખરીદી નિરાંત શોધે છે. ‘કલ્પનાની માયાવી સૃષ્ટિથી વિમુખ બની છેલ્લાં ચાર વર્ષ કવિએ વિલિયમ શેક્‌સ્પિયરને સોંપ્યાં છે.’ જીવનનું મધ્યબિન્દુ હવે પ્રેયસી નથી, પુત્રી છે. “1608 પછીનાં ચાર નાટકોમાં કેન્દ્રવર્તી પાત્ર પુત્રીનું રહ્યું છે : ‘પેરિક્લિસ’માં મરીના, ‘સિમ્બલિન’માં ઇમોજિન, ‘ધ વિન્ટર્સ ટેઇલ’માં પર્ડિટા અને ‘ધ ટેમ્પેસ્ટ’માં મિરાન્ડા.” મનની વાનપ્રસ્થ દશામાં લખાયેલાં આ નાટકોમાં “આશાભર્યાં સંતાનોમાં કવિએ સંસારની નિર્મળી પ્રાપ્ત કરી છે. ‘ઝંઝા’ નાટકમાં ફરી એક વાર શેક્‌સ્પિયરે સાગરકન્યાના આલેખનમાં નિસર્ગમય જીવનમાં પાંગરેલી વેલ જેવી રાજકન્યામાં રાજપ્રપંચોની ઝાળથી દાઝેલાં જીવનોનો અનુલેપ શોધ્યો છે.” શેક્‌સ્પિયરના કવિજીવનની ફલશ્રુતિ આચાર્યશ્રી ભટ્ટ ઉચિત શબ્દોમાં સારવે છેઃ “જ્હૉન બનિયનની પ્રસિદ્ધ ધર્મવાર્તા ‘યાત્રિકની પ્રગતિ’ (Pilgrim’s Progress)નો યાત્રી ઈસાઈ હાથમાં બાઇબલ અને ખભે પાપભાર વહીને ધર્મની લાકડીને આધારે જેમ મૃત્યુના ઓછાયાની ખીણ વટાવી ગયો હતો તેમ બહુરૂપી વેશે શેક્‌સ્પિયરે હોઠે સ્મિત, કંઠે ગીત અને હૈયે કરુણા વહાવીને નટોના સથવારામાં મૃત્યુના ઓછાયાની ખીણમાં પાંગરેલાં આંતરજીવનને એવું તો આત્મસાત્ કર્યું છે કે એનાં નાટકોના દર્પણમાં માનવજાત અદ્યાપિ જિંદગીના મર્મોને પામે છે.” કવિજીવનકથાને મિષે, કવિકથાના માળખામાં, કવિની અમર પ્રતિભાનાં સર્જનોની કથા જ આચાર્ય ભટ્ટે મોટે ભાગે આપી છે. સાંકડા સંગેમરમરના કિનારાઓ વચ્ચે રેવાને વહેવું પડે એવું શૈલીનું પ્રવાહલાઘવ આ પુસ્તકમાં વારંવાર જોવા મળશે. પહેલા પ્રકરણને અંતે આવતી બે નોંધો (1. હેમિન્ગ અને કૉંન્ડેલ, 2. બેન જૉન્સન), નેટ 107 ઉપરનું વિવરણ, અંતિમ નાટક ‘ઝંઝા’નું અને એનાં પાત્રોનું – ખાસ તો લિબાનનું અલપઝલપ દર્શન એ વિવેચનની ગાગરમાં સંશોધન અને વિદ્વત્તાના સાગરને સમાવવાનાં હૃદયંગમ ઉદાહરણો છે. આચાર્યશ્રી ભટ્ટ છૂટ્ટે હાથે શેક્‌સ્પિયરની પ્રતિભાસૃષ્ટિ પર પ્રકાશ પાથરે એવાં ઉજ્જ્વલ નિરીક્ષણો વેરતા રહે છે : “એમણે (વાયાટ અને સરેએ) વેરેલા તણખા ત્રીસ વર્ષ પછી સ્પેનિસ નૌકાકાફલાને છિન્નવિશીર્ણ કરી દેનારા તૂફાની વાયરે મહાજ્વાલામાં ભભૂકાવ્યા અને 1587 પછીનાં વર્ષોમાં અંગ્રેજી કાવ્યસાહિત્યની વસંત મહોરી ઊઠી અને વાસંતી કિવ શેક્‌સ્પિયરની પ્રતિભા કુસુમિત બની શોભી રહી. “શેક્‌સ્પિયર અનેક વાર ભાર મૂકીને કહે છે કે પોતાની કાવ્યકલાનો આધાર દિલની સચ્ચાઈ છે.” “કવિએ (સૉનેટોમાં) વાસનાની અંધારી રાતમાં પ્રેમના અપાર્થિવ સ્નેહનાં નક્ષત્ર ચમકાવ્યાં છે.” “મનોવિજ્ઞાનના આપણા જમાનાએ કવિપ્રતિભાનું વર્ગીકરણ ‘પુરુષમાં રહેલા સ્ત્રૈણ’ તરીકે કર્યું છે. 21મે વર્ષે જેનું લગ્નજીવન સમાપ્ત થયું તેવા કવિને સંસાર શબ્દમય જ હોય.... એનું કવિત્વ, સ્થળકાળની મર્યાદાથી છૂટવા મથતું કવિત્વ, અત્ર, તત્ર, અન્યત્ર શાશ્વત ‘હું’ને શોધી રહ્યું છે. ગોપી-ભાવના-અંશ એ રીતે સૉનેટોનું સુવર્ણ છે... આત્મખોજના આ પ્રણય-હલાહલના બુંદેબુદને સચ્ચાઈથી એણે કાવ્યાંકિત કર્યું છે, પરંતુ પ્રેમના અમૃતબિંદુનું એણે આચમન કર્યું છે.” " ‘...‘ઑથેલો’ નાટકમાં શેક્‌સ્પિયરે માનવીના શુદ્ધ સ્નેહમાં રહેલી પાપમોચનની દિવ્ય શક્તિને ચાક્ષુષ બનાવી છે.” “શેક્‌સ્પિયરનું હાસ્ય સદૈવ એના સ્વાસ્થ્યનું માપયંત્ર રહ્યું છે. ‘વિફલ પ્રેમ’માં શેક્‌સ્પિયરને એનું ખોવાયેલું હાસ્ય મોડું મોડુંયે પાછું મળ્યું છે.” “સૉનેટોમાં ‘સત્તાના ઑથારમાં મૂક બનેલી એની કળા’ (Art made tonguetied with authority) રંગભૂમિના માનવમેળામાં ફરીને મુખરિત બની છે, આત્મોપલબ્ધિની મહાદશાને એ પામ્યો છે.” “શેક્‌સ્પિયરના સર્જનનું મૂળ ભાષાની જીવંત વિભૂતિમાં ખૂંપ્યું છે.” “શેક્‌સ્પિયરને મન નાટ્યપ્રવૃત્તિ એટલે જુદાં જુદાં પ્રયોજનો વચ્ચે સમતુલા સાચવવાનો પુરુષાર્થ. ભવાયાની ભૂંગળને એણે કદી ઉવેખી નથી.” “વિશ્વહાસ્યનો કોઈ અજાણ વિદૂષક એના લોહીમાં ભળી ગયો છે. સમભાવની શ્રેષ્ઠ ક્ષણે પણ એની વાચામાં કટાક્ષની તીક્ષ્ણ ધાર હોય છે.” “દવલું પાત્ર આવે એટલે શેક્‌સ્પિયરને વતન યાદ આવતું અને ક્યાં ભગવાન સર્જી શકે, ક્યાં શેક્‌સ્પિયર સર્જી શકે એવો પ્રતીતિજનક મૂર્ખ છતો થતો.” “શેક્‌સ્પિયરની અદમ્ય હાસ્યવૃત્તિનો શ્રેષ્ઠ ચમત્કાર એટલે ફૉલ્સ્ટાફનું સર્જન.” “દેશની તવારીખમાંથી લીધેલાં નવ નાટકોમાં એણે નાનાવિધ રાજાઓને રજૂ કરીને રાજત્વની ખોજ કરી છે... રાજા નિર્દય હોય તો નાશને નોતરું અને સહૃદય હોય તો દેશનું રક્ષણ કરવામાં નિષ્ફળ! આવું સ્પષ્ટ એનું તવારીખી દર્શન છે.” “બીજા રિચર્ડ’માં કવિહૃદયના ઊર્મિભારને પરકાયાપ્રવેશ મળ્યો. પરંતુ પારકા ઘરમાં લાખ પ્રયત્ને પણ મનને ગોઠે નહીં એવું કાંઈક ‘રિચર્ડમાં બન્યું છે. રાજા રિચર્ડ ઊર્મિલ બની શક્યો, પણ કરુણાવર્તી નાટકનું અનિવાર્ય કેન્દ્ર ન બની શક્યો. પરકાયાપ્રવેશનો એ પ્રયોગ અધૂરો અને ઊણો રહ્યો. પછી ‘હૅમ્લેટ’ નાટક રચીને શેક્‌સ્પિયરે પ્રયત્નસિદ્ધિ પ્રાપ્ત કરી.” “ઇતિહાસની વીગતોમાં રાષ્ટ્રપ્રાણને ઢંઢોળવા મથતા શેક્‌સ્પિયરે ફોલ્કનબ્રીજને આત્મસાત્ કરીને એક સાચો અંગ્રેજ સરજ્યો છે. કવિની સંમતિની મહોરવાળું એ પ્રથમ મહાપાત્ર છે. ‘Bastard’ વાસ્તવ નથી, એ તો ઇંગ્લૅન્ડનું હૃદ્ગત છે. એની જબાન આગવી છે. એ છે સાચો અંગ્રેજ, ધૂની અને ક્રાન્તિકારી.” આચાર્યશ્રી ભટ્ટ શેક્‌સ્પિયર-સાહિત્યનો ગંજ ઠીક ઠીક ઉથામ્યો છે. અનેક દૃષ્ટિબિન્દુઓ એમની નજર સામે તરવરે છે, બીજાઓનો અભિપ્રાયતંતુ ગૂંથી લે ત્યારે પણ એ વળ એવો આપે છે કે ચિંતનરજ્જુ પોતાનું આગવું ગૂંથાતું આવે. અભિવ્યક્તિની મૌલિકતા, ઉપરનાં અવતરણોમાં, ઊડીને આંખે વળગે એ પ્રકારની છે. બહુશ્રુતપણું લોહીમાં એવું ભળી ગયું છે કે ત્વચાની ચમકની જેમ એક નિજી તત્ત્વરૂપે એ પ્રકાશે છે. આ પુસ્તકમાં આચાર્યશ્રી સન્તપ્રસાદ એ એક અત્યંત બૌદ્ધિક સ્ફૂર્તિવાળા અને કથન-કસબવાળા ગદ્યકાર તરીકે પ્રગટ થાય છે. ક્યાંક અતિસંક્ષેપ, ક્વચિત્ વિદગ્ધ વાચક માટે પણ દુરૂહ નીવડે એવા સંદર્ભને લીધે નીપજતી દુર્બોધતા, તો ક્યાંક અતિઅલંકાર એમની ગદ્યશૈલીને નડે છે, પણ ઉપર આપેલાં અવતરણો જ આપણે સુંદર ગદ્યના સંપર્કમાં મુકાઈ રહ્યા છીએ એવી પ્રતીતિ કરાવવા માટે પૂરતાં છે. આચાર્યશ્રી સન્તપ્રસાદ ભટ્ટની ગદ્યશૈલીમાં અભિવ્યક્તિની બેત્રણ છટાઓ મુખ્ય ફાળો આપે છે. એક તો છે ગુજરાતી ભાષા – બોલચાલની ભાષા પરનું પ્રભુત્વ. ‘જીવવું તો બાપોકાર’, ‘ઘર વેચીને જામા શિવડાવનાર ફતન દેવાળિયા યુવાનો’, ‘વિવેચકો થાકીને બેસક પડે છે’, ‘શંકિત હૃદયનાં એ બધાં ઝાવાં છે’, – એ વર્ણનો રૂઢિપ્રયોગને કારણે સચોટ બન્યાં છે. ‘સંવાદો ગાંગર્યે રાખે’, ‘નેપથ્ય ભજવણીટાણે ઉશ્કેરાટ અને ઇર્ષ્યાથી ખદબદે છે’, ‘સૉનેટોમાં ધરબાયેલા સમકાલીન ઉલ્લેખો’, – જેવામાં ક્રિયાપદોની પસંદગીનું ઔચિત્ય મનમાં વસી જાય એવું છે. ‘આવણું જાવણું તપાસીએ’માં ભવાઈના ‘આવણા’ ઉપરથી ‘જાવણું’ શબ્દ નવો બનાવી પ્રવેશવિદાય માટે નવો સમાસ નિપજાવી લીધો છે. સંસ્કૃત ભાષા તો લેખકની જીભને ટેરવે નાચે છે. સંસ્કૃતનો લાભ લઈને એની લોખણી ગમે તેવા વિકટ અભિવ્યક્તિના પ્રશ્નનો ઉકેલ શોધી લે છે. જો તળપદા ગુજરાતી માટેનો એમનો પક્ષપાત ન હોત તો શૈલી સંસ્કૃતપ્રચુર થઈને કદાચ અરોચક પણ બની જાત. 1592-93 ‘કવિકુલનિકંદન વર્ષો’, ‘રાણી ઇલિઝાબેથ ઇંગ્લૅન્ડનાં કૌમુદી હતાં’ એવા પ્રયોગો તો હોય જ, પણ ભવભૂતિની સ્મૃતિ એમને ‘મારે પ્રિયતમ ત્વમેવ’, ‘નાટકોમાં એણે દેશને મૂર્ઘ્નિ સ્થિતિ અર્પી છે, એવા પ્રયોગો સુધી સહજમાં લઈ જાય છે કે ઇશાવાસ્યને યાદ કરીને તેઓ “એની કળા સમકાલીન મટીને ‘શાશ્વતી સમા’ વિહરે છે” જેવા ઉદ્ગારોમાં રાચે છે. કોઈ વાર દબાવેલું સ્મિત અથવા તો ડૂસકું ઇડીપસની ‘રાણી તથૈવ માતા જોકાસ્ટા’ના ઉલ્લેખ પ્રસંગે મૂકેલા ‘તથૈવ’ જેવામાં અંકિત થતું હોય છે. પણ નાનાલાલ કવિ ભૂતકૃદંત ‘પ્રફુલ્લ’ ઉપરથી વળી ‘પ્રફુલ્લવું’ ક્રિયાપદ કરતાં રોકાતા નહીં, તેમ આચાર્યશ્રી સન્તપ્રસાદ ‘સમસ્યા ઉવાચે છે’ જેવામાં ભૂતકાળ ‘ઉવાચ’ ઉપરથી ‘ઉવાચવું’ કરતાં અચકાતા નથી! આચાર્ય ભટ્ટની વર્ણનશક્તિ ચિત્રાત્મકતામાં રાચે છે. શેક્‌સ્પિયરને એક ઠેકાણે એ ‘તખ્તાનો શાહ અને જીવનનો રાંક’ કહીને વર્ણવે છે. ભારતીય, સંસ્કૃત, શબ્દાવલિ-ચિત્રાવલિ એમને પદે પદે મદદ કરે છે : ‘શાંતિએ ચિરંજીવ આસોપાલવનાં તોરણો રચ્યાં છે.’ સંસ્કૃત પુરાણકલ્પનો આપણા ચિત્તમાં ‘નાટકનો નારદજી પક’, ‘દુંદાળા દેવ જેવા ફૉલ્સ્ટાફ’, ‘રહસ્યમયી ત્રાટકા Sphinx, એ ચિત્રો સુરેખ આંકી આપે છે. ‘જૂનું નાટક શેક્‌સ્પિયરની વાસુદેવી પ્રતિભાને માર્ગે મળેલી કુબ્જા છે.’ જેવામાં જૂના નાટકની કવિને હાથે થતી કાયાપલટનો અણસાર વાસુદેવ-કુબ્જાના પુરાણકલ્પનથી કેવો સચોટ રીતે મળે છે! અનુવાદોમાં ગુજરાતી સંસ્કૃતની એ જ શ્રી કીમિયો કરી જાય છે. ‘માર્લોની બલીયસી પંક્તિ’ ‘Marlowe’s mighty line’નો અને સૉનેટની શ્યામા ‘Dark Lady of the Sonnets’નો હૂબહૂ ખ્યાલ આપે છે. ‘Everyman’નું ‘સહુલોક’ અને ‘As You Like It’નું ‘આપની પસંદ’, તો ‘Comedy of Errors’નું ગોટાળાની ગમ્મત એટલાં જ હૃદ્ય છે. શિક્ષક રહ્યા જીવનભરના, એટલે ચાલુ લખાણમાં અંગ્રેજી અવતરણો આપવાના પ્રસંગો – વિષય જ એવો લીધો છે એટલે – ડગલે ડગલે આવ્યા કર્યા ત્યારે ચુપચાપ આગોતરા અનુવાદ, ભાવાર્થ, તાત્પર્ય આપી દઈ પછી જ અજાણ્યું અંગ્રેજી ઉતારવાની ચીવટ લેખકે રાખી છે. અનુવાદો શબ્દેશબ્દના આપવાને બદલે ગુજરાતીમાં સજીવ ઉક્તિ લાગે એ રીતે આપવાની એમની નેમ છે. આ પુસ્તકમાંનું આવું અનુવાદકાર્ય એ પણ ખાસ અભિનંદન માગી લે એવું છે. કોઈક વાર, કોઈક જ વાર, એ મૂળથી થોડા દૂર જતા ભાસે છે – ‘We are such stuff as dreams are made on’નો મથિતાર્થ તેઓ આપે છે : ‘માનવી એટલે સ્વપ્નમ્હોરી મૃત્તિકા.’ આ તરજુમો નથી, અનુવાદ કરતાં પણ વધુ તો અનુકથન, લગભગ નવું કથન છે. ‘Ripeness is all’નો અનુવાદ ‘સમતા એ જ સર્વસ્વ’ – એવો કર્યો છે. Ripeness એટલે ‘પરિપક્વતા’ એ આપણે સૌ જાણીએ છીએ, પણ લેખકનો અનુવાદ, વિચાર કરતાં, ન સ્વીકારવા મન માનશે નહીં. પહેલા પ્રકરણમાં મૅથ્યુ આર્નલ્ડની પ્રસિદ્ધ પંક્તિ ‘Others abide our question, thou art free’ના લેખકના મુક્ત અનુવાદમાં ફેરફાર કરી જુઓ, એટલે એ રીતના અનુવાદની કિંમત સમજાશે. Commodity શબ્દનું અર્થનિર્વાચન કરતાં લેખકની સઘન ગદ્યશૈલી પ્રગટ થાય : “સત્તાના મધપૂડામાં બણબણી રહેલા આ પામરોનો જીવનમંત્ર છે Commodity-દુનિયાદારી. ‘Bastard’ના આ એક શબ્દમાં શેક્‌સ્પિયરે અનેક અર્થ ભર્યા છે. સંસારના સ્વાર્થ, સમાજ અને સમયની પરાધીનતા, વ્યવહાર, અધીનતા, તડજોડ, પ્રપંચ, રાજરમત, વકીલાત, આપદ્ ધર્મ અને તકવાદ – આ બધી Commodiy દુનિયાદારીની અર્થછટાઓ છે.” `The Play is the thing’ એ વાક્યનો મુક્ત અનુવાદ ઉત્તમ થયો છે : “સો વાતની એક વાત નાટક.” આટલું કહેતાં લેખક નાટક પદાર્થ કેવા વિધિવંટોળ વચ્ચે પાંગરે છે તે એક અત્યંત વેધક ચિત્ર દ્વારા હૂબહૂ કરાવે છે. ચિત્રણનિરૂપણ સંક્ષેપમાં કેવું સઘન-સચોટ થઈ શકે છે તેના એક ઉત્કૃષ્ટ નમૂના રૂપ એ હોઈ અહીં ઉતારવાનો લોભ ખાળી શકતો નથી. “નટોનું જગત સદૈવ આવેશપૂર્ણ હોય છે. નેપથ્ય ભજવણીટાણે ઉશ્કેરાટ અને ઈર્ષ્યાથી ખદબદે છે. રિહર્સલોમાં છતા થતા ગોટાળા, પ્રમાદ અને વિલંબ કોઈ પણ નાટ્યકારને વેરાગી બનાવી શકે છે. અભિનેતાઓના ઊર્મિસંઘર્ષો અને કલહો સંતાપજનક હોય છે જ. તેમાં વળી પ્રેક્ષકોનો અસંતોષ ભળે ત્યારે નાટ્યકારનું જીવન અસાર બની જાય. રોજ રોજના આ ક્લેશ સહ્ય એટલા માટે બને છે કે કદીક આ યાતના પસાર કરીને નાટક પ્રેક્ષકોના સાન્નિધ્યે સોળે કળાએ પ્રગટ થાય છે. આવા નાટ્યોદય સમયે પ્રેક્ષકોમાં વિસ્મયની દ્યુતિ ઝળહળે છે અને નાટ્યકાર, નટો અને પ્રેક્ષકોના બે પ્રહર વૈકુંઠલીલામાં વ્યતીત થાય છે. આમ અનુતાપ, આવેશ અને ચમત્કાર ત્રણે મળીને નાટ્યપ્રવૃત્તિની ભાગ્યકુંડળી રચે છે.” લેખકની હાસ્ય-કટાક્ષ-ની શક્તિ પણ અછતી રહેતી નથી. એક જાતની હૃદ્ય વક્રતા પણ શૈલીને રોચક બનાવવામાં પોતાનો ફાળો આપી જાય છે. નટશિરોમણિ બર્બેજના પિતાના મોંએ એ વખતની રંગભૂમિની દિનચર્યા આલેખતાં ‘તે હેર્મિગ તને પૂછું – હું માનતો તો નથી પણ – કહે છે કે …’ એ ઉક્તિવૈચિત્ર્ય પ્રગટે છે તે ધ્યાન ખેંચ્યા વગર રહેતું નથી. લેખક શેક્‌સ્પિયર ઉપર આફરીન પોકારનારા (અને કોણ એ વાતમાં પાછળ છે?) હોવા છતાં “દેશમાં ધાન્યની અછત હતી ત્યારે પણ સંઘરાખોરી કરનારની યાદીમાં સ્ટ્રેટફર્ડના શેક્‌સ્પિયરનું નામ બાકાત નથી” એ વિગત નોંધતાં ખચકાતા નથી. શેક્‌સ્પિયરના જીવન વિશે પુરાવાથી ટકી શકે એવી વિગતો જૂજ જ મળે છે. લેખકે એવી તમામ વિગતોનો યુક્તિપુરઃસર ઉપયોગ કર્યો છે અને એના ભૌતિક, સામાજિક જીવનનો સુરેખ આલેખ રજૂ કર્યો છે, પણ, આરંભમાં જ કહ્યું તેમ, મુખ્યત્વે તેમની નેમ ઇંગ્લૅન્ડની ભૂમિમાં અવતરેલી અપ્રતિમ વાઙ્મય ચેતનાનો અણસાર આપવા ઉપર જ છે. આચાર્યશ્રી ભટ્ટ એકસાથે અનેકાવધાની છે, શેક્‌સ્પિયરના જીવનની, એલિઝાબેથયુગની, સમગ્ર યુરોપીય સંસ્કૃતિની નાની નાની વીગતોમાંથી ખપ પૂરતી તે તે પ્રસંગે તેઓ ઊંચકી લે છે, પણ સારોય વખત એમની નજર તો ઠરી હોય છે શેક્‌સ્પિયર-પ્રતિભાની અખિલાઈ ઉપર. એ અખિલાઈ આખી તો કેમ કરી આલેખાય, પણ એનો આલેખ સરખો આંકી શકાય – અરે ઇંગિત પણ આપી શકાય તોય એ નાની વાત નથી. કવિના માનવી તરીકેના જીવનની કે એના લેખન અંગેની ઐતિહાસિક વીગતો કડીબદ્ધ રજૂ કરવી એ આચાર્યશ્રી સન્તપ્રસાદનો આશય છે જ નહીં, એમણે તો અત્યાર સુધી સુલભ થયેલી કવિજીવનની વીગતોને અને કવિનાં કાવ્યો-નાટકોને એકસાથે નજરમાં રાખીને શેક્‌સ્પિયરની પ્રતિભા-છબી આપવાનું બીડું ઝડપ્યું છે. અંગ્રેજી-સંસ્કૃત-ગુજરાતી ભાષાની જીવનભરની આત્મીયતાભરી સાધના, ત્રણે ભાષાનો સંદર્ભવૈભવ[1] લેખકને આ આશય પૂરો પાડવામાં મદદરૂપ નીવડે છે. ભાષાત્રિવેણીના અભિષેકથી એ કવિપ્રતિભાની પ્રભાવના કરે છે. શેક્‌સ્પિયરની જન્મચતુઃશતાબ્દીમાં આપણા દેશની ભાષાઓમાં, મારી જાણ પ્રમાણે, આ કોટિનો ગ્રંથ પ્રગટ થયો નથી. આ એક જ પુસ્તકથી આચાર્યશ્રી સન્તપ્રસાદ ભટ્ટ ગુજરાતી ભાષાના એક બહુશ્રુત અને માર્મિક વિવેચકનું પદ પ્રાપ્ત કરે છે અને તેથી સ્તો આ પ્રસંગે એમને વિનંતી કરવાની કે આ પુસ્તકનું જોડિયું પુસ્તક ‘શેક્‌સ્પિયરની કરુણાન્તિકાઓ (ટ્રેજેડીઓ)’ તેઓ ગુજરાતીમાં ત્વરિત આપે. ફૉલ્સ્ટાફ અને ફૉલ્ડનબ્રીજ એ બે મહાપાત્રો વિશે અને ‘ધ ટેમ્પેસ્ટ’ વિશે થોડુંક પણ દ્યોતક લખાણ આ પુસ્તકમાં ચાલતી કલમે તેઓએ કર્યું છે. પણ મૅકબેથ વિશે નહિવત્ છે. હૅમ્લેટ અંગે નર્યુ મૌન એ તે કેમ ચાલે? ઑથેલો અંગે બ્રેડલી જેવાને કંઈક અતૃપ્તિ રહે છે, જ્યારે આપણા લેખકના ઉદ્ગારો કાંઈક સાચા સંતોષના છે, તો એ આપણને બરોબર સમજવા મળવું જોઈએ. કિંગ લિયરને આપણા લેખક શેક્ સ્પિયરની સર્વોત્તમ નાટ્યરચના ગણવા તરફ ઢળતા લાગે છે. શા કારણે? આપણને જાણવા મળે એવી આશા રાખીએ. એ ઉપરાંત પણ યુરોપીય સાહિત્યમાંથી આ પ્રકારનું ઘણુંઘણું આપણને એમના તરફથી મળ્યાં કરવું જોઈએ. આ પુસ્તક એ વાત પુરવાર કરે છે કે એક ભાષાને જે ચાહે છે તે બધી ભાષાઓને ચાહે છે. અંગ્રેજી જેવા માતબર સાહિત્યનો આસ્વાદ જેણે લીધો છે તેને ગુજરાતી દ્વારા એ આનંદ પહોંચાડવામાં ભાગ્યે જ કોઈ મુશ્કેલી પડે. અંગ્રેજી સાહિત્યનો ઊંડાણથી અભ્યાસ કરવાની તક જેમને મળી છે અને જેઓએ એ સાહિત્યના રસનું હૃદય-ભર પાન કર્યુ છે તેઓ ગુજરાતી ભાષામાં એ સાહિત્યની કૃતિઓ ઉતારીને અને એ સાહિત્યની સમૃદ્ધિ વિશે લખીને એ રસનો આસ્વાદ બીજાઓને પણ કરાવે એવી માગણી અત્યારના કેળવણીવિસ્તારના યુગમાં તો સવિશેષ કરવાની રહે છે. કેવલાઘો ભવતિ કેવલાદી, એકલ-ખાઉ નર્યો પાપ-ખાઉ બને છે એમ ઋષિ કહે છે. યુરોપની, આખી દુનિયાની, અન્ય ભાષાઓના સાહિત્યમાંથી અંગ્રેજી દ્વારા અથવા સીધો જે આનંદ મળ્યો હોય તે પણ ગુજરાતીભાષી વાચકો સુધી યતકિંચિત્ પહોંચાડવો જોઈએ. એક સમાજ તરીકે ગુજરાતી સમાજને દુનિયાની અનેક ભાષાઓની જાણકારી મેળવવાનો પ્રસંગ આવે છે. અંગ્રેજીનો દાવો છે કે દુનિયાની ગમે તે ભાષામાં પુસ્તક બહાર પડ્યું હોય તે જો ઉત્તમ હશે તો વરસમાં અંગ્રેજીમાં એનો અનુવાદ પ્રગટ થઈ ગયો સમજજો. તે તે ભાષા ભણીને એની સાહિત્યકૃતિનો અનુવાદ અથવા એના સાહિત્ય વિશેનો પરિચય સીધો જ તે તે ભાષામાંથી ગુજરાતીમાં હવે મળવા માંડે એવી આશા રાખીએ. અને મોટી આશા તો એ રહે છે કે દેશની કે પરદેશની કોઈ પણ ભાષાના સાહિત્ય વિશે આપણી ભાષામાં લેખ કે પુસ્તક લખાય તે એવાં ઉચ્ચ કોટિનાં હોય કે તે મૂળ ભાષાના લોકોને પોતાને ત્યાં એનો અનુવાદ કરવાનો લોભ જાગે. આ પુસ્તક જોયા પછી, આવી આશા રાખવી એ વધારે પડતું નથી.

– ઉમાશંકર જોશી
21-12-1969
શેક્‌સ્પિયર




  1. બે જ ઉદાહરણ બસ થશે
    (1) શેક્‌સ્પિયર વિશે ‘હવે એનાં ચરણનાં ચાલવાં હૃદયને વશવર્તી બન્યાં છે’ (પૃ. 130) એવું કહેવામાં લેખક મદદ લે છે કવિ નાનાલાલના ‘ઇન્દુકુમાર’ (અંક 1, પ્રવેશ 6)માંની કાન્તાની નીચેની હૃદયવિદારક ઉક્તિનો :
    અરેરે ! પણ હૃદયની આજ્ઞા એક
    ને ચરણનાં ચાલવાં બીજાં.
    (2) લંડનનું વર્ણન કરતાં ‘ચારિત્ર્યની શંકા અંગે અભાગી સ્ત્રીઓને ત્યાં જાહેરમાં ફટકા મારવામાં આવતાં. આના સોળ શેક્‌સ્પિયરના અંતરમનમાં એવા ઊઠ્યા -’ એ ચિત્ર ઉપસાવતાં લેખક પાડાને પડેલા ફટકાના જ્ઞાનેશ્વર ઉપર સોળ ઊઠ્યા અંગેની દંતકથાનો સંદર્ભ ઉપયોગમાં લેતા લાગે છે.