સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/ચારુત્વ પર આધારિત કાવ્યપ્રકાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

વાચ્યના ચારુત્વ પર આધારિત કાવ્યપ્રકાર

સંસ્કૃત કાવ્યશાસ્ત્ર તો આથી આગળ જાય છે અને ગુણીભૂતવ્યંગ્ય નામનો કાવ્યપ્રકાર પણ સ્વીકારે છે, જેમાં વાચ્યનું ચારુત્વ વ્યંગ્યથી વિશેષ હોય છે, વાચ્ય આગળ રહે છે, વ્યંગ્ય પાછળ રહે છે. એટલે કે કાવ્યત્વનો મુખ્ય આધાર વાચ્ય અર્થાત્ કાવ્યનું શબ્દાર્થશરીર હોય છે. જેમાં વ્યંગ્યાર્થ પ્રધાન હોય અને ચારુત્વનું કારણ હોય એ કાવ્યરચનાને ધ્વનિ’ નામ આપવામાં આવે છે, પણ એ નોંધપાત્ર છે કે મમ્મટ આદિ કાવ્યશાસ્ત્રીઓ ‘ધ્વનિ’ તે ઉત્તમ કાવ્ય, ગુણીભૂતવ્યંગ્ય તે મધ્યમ કાવ્ય એવી ઉચ્ચાવચ શ્રેણી રચે છે પણ આનંદવર્ધન એવું કરતા નથી, એ તો ગુણીભૂતવ્યંગ્યને એક બીજા કાવ્યપ્રકાર તરીકે જ ઓળખાવે છે. [1] એટલું જ નહીં, એ એમ પણ કહે છે કે પ્રસન્ન અને ગંભીર પદોવાળી તથા સુખાવહ એવી કાવ્યરચનાઓ ગુણીભૂતવ્યંગ્ય એ પ્રકારમાં આવે છે. [2]અલંકારનિષ્ઠ કાવ્યરચનાઓ ધ્વનિકારની દૃષ્ટિએ બહુધા ગુણીભૂતવ્યંગ્ય કાવ્યપ્રકારમાં પડે છે. [3]વાગ્વિકલ્પોની અનંતતા ને તેથી અલંકારોની અનંતતા સંભવે છે તથા ગૌણ ભાવે વસ્તુ અને રસ વ્યંજિત થઈ શકે છે – એમ ગુણીભૂતવ્યંગ્યનું ક્ષેત્ર વિશાળ હોવાનું ધ્વનિકાર સૂચવે છે અને આ બીજા કાવ્યપ્રકારને પણ અતિરમણીય તથા મહાકવિઓનો વિષય લેખવે છે.[4] ધ્વનિ અને ગુણીભૂતવ્યંગ્ય એ બંનેના આશ્રયથી કવિપ્રતિભા આનન્ત્યને પામે છે એ પણ એ કહે છે. ref>૧૦. ધ્વનેર્ય : સગુણીભૂતવ્યઙ્ગ્યસ્યાધ્યા પ્રદર્શિતઃ ।
અનેનાનન્ત્યમાયાતિ કવીનાં પ્રતિભાગુણઃ ।। ૪.૧ ॥</ref> ગુણીભૂતવ્યંગ્યની ધ્વનિથી એક અલગ કાવ્યપ્રકાર તરીકેની ઓળખ ભૂંસાય એવું પણ આનંદવર્ધન ઇચ્છતા નથી. એટલે એ કહે છે કે બધે ધ્વનિરાગી ન થવું, જ્યાં શાસ્ત્રસિદ્ધાંત અનુસાર ગુણીભૂતવ્યંગ્ય પ્રતીત થતો હોય ત્યાં ધ્વનિનો પ્રકાર ઠોકી ન બેસાડવો. (૩.૩૯ અને તેની વૃત્તિ)


  1. ૬. પ્રકારોડકુન્યો ગુણીભૂતવ્યંગ્ય કાવ્યસ્ય દૃશ્યતે || ૩.૩૪ ||
  2. ૭. પ્રસન્નગમ્ભીરપદાઃ કાવ્યબન્ધા સુખાવહા।।
    યે ચ તેષુ પ્રકારોયમેવ યોજ્યઃ સુમેધસા |॥ ૩.૩૫ ||
  3. ૮. વ્યયાંશસંસ્પર્શે સતિ ચારુત્વાતિશયયોગિનો
    રૂપકાદયોડલંકારાઃ સર્વ એવ ગુણીભૂતવ્યઙગ્યસ્ય માર્ગઃ । (૩.૩૬ વૃત્તિ)
  4. ૯. દ્વિતીયોઽપિ મહાકવિવિષયોઽતિરમણીય । (૩.૩૬ વૃત્તિ)