સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/ધ્વ. કા. શબ્દાર્થશરીરની ઉપેક્ષા?
ધ્વનિસિદ્ધાંતમાં કાવ્યના શબ્દાર્થશરીરની ઉપેક્ષા?
આનંદવર્ધનના ધ્વનિસિદ્ધાંત પ્રત્યે શું કશી ફરિયાદ થઈ શકે એવું નથી? આજના સમયમાં કેટલીક ફરિયાદો જરૂર સાંભળવા મળે છે. એક ફરિયાદ એ છે કે આનંદવર્ધને ધ્વનિને કાવ્યનો આત્મા કહીને કાવ્યદેહને ગૌણ ને ઊતરતા સ્થાને મૂક્યો છે ને એમાં એમનો અધ્યાત્મવાદી અભિગમ પ્રગટ થાય છે. (નામવરસિંહ, ઈસ્ટ વેસ્ટ પોએટિક્સ ઍટ વર્ક, પૃ.૧૦૬) કદાચ આથી જ, ધ્વનિસિદ્ધાંતની, ગુણરીતિ ને અલંકારના સિદ્ધાંતોથી પૂર્તિ થવી જોઈએ એવું પણ કહેવાયું છે. (કૃષ્ણમૂર્તિ, ઉદ્ધૃત, ઈસ્ટ વેસ્ટ પોએટિક્સ ઍટ વર્ક, પૃ.૮૧) મારી દૃષ્ટિએ આ ટીકા યથાર્થ નથી. આનંદવર્ધન ધ્વનિને કાવ્યનો આત્મા જરૂર માને છે, પણ એ આત્મા કંઈ આકાશમાંથી ઊતરી આવતો નથી, કાવ્યદેહનું – કાવ્યના શબ્દાર્થશરીરનું જ એ સ્ફુરણ છે એ તો એમની મૂળભૂત સ્થાપના છે. ધ્વનિપ્રતિપાદનનો એમનો મોરચો જ કેવો વિલક્ષણ છે! કાવ્ય એટલે શબ્દાર્થનું સાહિત્ય, એમાંથી અર્થને એ પહેલાં સહૃદયશ્લાઘ્ય કહે છે અને કાવ્યના આત્મા તરીકે દર્શાવે છે. આ અર્થમાં વાચ્ય અને પ્રતીયમાન બંને અર્થોનો સમાવેશ છે. [1] તેથી વાચ્ય અર્થ પણ સહૃદયશ્લાઘ્ય અને કાવ્યના આત્મારૂપ સ્થાપિત થાય છે જે વાત કેટલાક લોકોને આનંદવર્ધનના ‘ધ્વનિ કાવ્યનો આત્મા છે’ એ પ્રતિપાદન સાથે બંધબેસતી લાગી નથી. આટલું જ નહીં કાવ્યનું શબ્દશરીર પણ ગમે તેવું ચાલે એમ કંઈ આનંદવર્ધન કહેતા નથી. એ શબ્દશરીર કેવું હોવું જોઈએ એ એ ત્યાં જ બતાવે છે – ‘લલિતોચિતસન્નિવેશ- ચારુણઃ શરીરસ્ય આત્મા અર્થ : (લલિત અને ઉચિત સન્નિવેશથી સુંદર બનેલા કાવ્યશરીરમાં અર્થ આત્મા રૂપે રહેલો છે) ભલે ધ્વનિને કાવ્યનો આત્મા કહ્યો, કાવ્યશરીર વિશેની આનંદવર્ધનની અપેક્ષા સ્પષ્ટ છે – એ લલિત અને ઉચિત સન્નિવેશની સુંદરતા ધરાવતું હોવું જોઈએ. વળી પ્રતીયમાન અર્થ વિશે એ કહે છે કે એ વાચ્યના સામર્થ્યથી આક્ષિપ્ત થાય છે – ઉદ્દબુદ્ધ થાય છે. (૧.૪ વૃત્તિ) એટલે કે પ્રતીયમાન અર્થ માટે પણ વાચ્યના એટલે કે શબ્દાર્થશરીરના સામર્થ્યની અપેક્ષા છે. આનું વિવરણ કરતાં અભિનવગુપ્ત એક ઘણી ઉપયોગી સ્પષ્ટતા કરે છે : ઇન્દ્રિયાદિ વિશિષ્ટ અધિષ્ઠાનોથી યુક્ત શરીરમાં આત્મા રહેલો હોય ત્યારે એને આપણે જીવ કહીએ છીએ (ઘડામાં પણ વિભુ આત્મતત્ત્વ છે, એને જીવ કહીશું?) એમ ગુણ અને અલંકારના ઔચિત્યથી સુંદર એવા શબ્દાર્થશરીરમાં ધ્વનિ નામનો આત્મા રહેલો હોય ત્યારે એ કાવ્ય કહેવાય. કાવ્ય કંઈ એકલા ધ્વનિ – આત્માથી થતું નથી, સુંદર શબ્દાર્થશરીર એનું અનિવાર્ય અંગ છે. આગળ જતાં અભિનવગુપ્ત કહે છે કે ધ્વનિ વાચ્યવિશેષ એટલે કે ગુણાલંકારયુક્ત શબ્દાર્થની પાછળપાછળ આવે છે. જો એ વાચ્યવિશેષ ન હોય તો શ્રુતાર્થાપત્તિનેયે ધ્વનિ કહેવાનો વારો આવે – જાડો દેવદત્ત દિવસે ખાતો નથી’નો એ રાત્રે ખાય છે એવો અર્થ કરીએ ત્યાંયે ધ્વનિ છે એમ કહેવું પડે. વસ્તુતઃ શ્રુતાર્થાપત્તિમાં સુંદર શબ્દાર્થશરીર નથી તેથી ત્યાં કાવ્યધ્વનિ નથી. (૧.૧૩ની ટીકા) હજુ આગળ જુઓ. આનંદવર્ધન કહે છે કે મહાકવિએ પ્રતીયમાન અર્થ અને એ અર્થને વ્યક્ત કરનાર કોઈક એટલે કે ખાસ શબ્દને પ્રયત્ન કરીને બરાબર ઓળખી લેવો જોઈએ. (૧.૮) હા, વ્યંજક શબ્દને પણ ઓળખવો જોઈએ, કેમ કે એનાથી જ તો પ્રતીયમાન અર્થ આવે છે. વ્યંજનાવ્યાપારનું મહત્ત્વ કરનાર આનંદવર્ધનના મનમાં અભિધાવ્યાપાર નિરર્થક હોવાનો પણ કોઈ ખ્યાલ નથી. ઊલટું એ કહે છે કે કવિઓએ પહેલાં વાચ્યવાચકને જ સાધવાના હોય છે, એ દ્વારા જ વ્યંગ્યાર્થ પ્રગટે છે, જેમ પ્રકાશ ઇચ્છેનારે દીવો પેટાવવો પડે છે. આ વાત ભાવકપક્ષે પણ લાગુ પડે છે. એને પણ વાચ્યાર્થની પ્રતીતિ મારફતે વ્યંગ્યાર્થની પ્રતીતિ થાય છે, જેમ શબ્દાર્થની પ્રતીતિ દ્વારા જ વાક્યાર્થની પ્રતીતિ થતી હોય છે તેમ. (૧.૯થી ૧.૧૨) વ્યંગ્યાર્થને શબ્દાર્થશાસનના એટલે ભાષાવ્યાકરણના જ્ઞાનમાત્રથી પામી શકાતો નથી, ભાવકને કાવ્યાર્થની સમજ હોવી જોઈએ એમ આનંદવર્ધન કહે છે (૧.૭) તેમાં ‘માત્ર’ શબ્દને ચૂકી જવા જેવો નથી. ભાષાવ્યાકરણનું જ્ઞાન તો જોઈએ જ, પણ એ પર્યાપ્ત નથી એમ તાત્પર્ય છે. આજે આપણે કેટલીક વાર એવું કહીએ છીએ કે કવિ કંઈ ભાષાથી લખતો નથી, સંવેદનથી લખે છે. એને ભાષાજ્ઞાનની એવી જરૂર નથી જેવી વેદનક્ષમતાની જરૂર છે. આવું જ આપણે ભાવક વિશે પણ માનતા હોઈએ છીએ. આપણા એક નોંધપાત્ર કવિના કાવ્યસંગ્રહમાં મને ખોટા અર્થમાં વપરાયેલા શબ્દો દેખાયેલા. મને શંકા ગઈ કે કવિને ખરેખર આ શબ્દોના અર્થની ખબર હશે? મેં એમને લખ્યું ત્યારે એમણે સ્વીકાર્યું કે એ શબ્દોના અર્થથી એ અજાણ હતા પણ એમણે કહ્યું કે હું તો શબ્દપ્રેમી છું, શબ્દ મને ગમી ગયો હોય છે માટે વાપરું છું, હંમેશાં અર્થનો વિચાર કરીને નથી ચાલતો. હરીન્દ્ર દવેએ એમના કૉલેજકાળમાં પોતાની કવિતાઓ ભૃગુરાય અંજારિયાને વાંચવા આપેલી ત્યારે એમણે કેટલાક ખોટા શબ્દપ્રયોગો ને દૂષિત વાક્યરચનાઓ તરફ ધ્યાન દોરેલું અને ગુજરાત વિદ્યાપીઠનો શબ્દકોશ ન વસાવ્યો હોય તો વસાવી લેવા સૂચન કરેલું. આનંદવર્ધન સમેત કોઈ સંસ્કૃત કાવ્યશાસ્ત્રી ભાષાની ક્ષતિની ઉપેક્ષા ન કરે. એની કિલષ્ટતા ને અનુપકારકતાની ખસૂસ નોંધ લે. અમસ્તાં કંઈ કાવ્યશાસ્ત્રના ગ્રંથોમાં કાવ્યદોષ વિશે લાંબાંલાંબાં પ્રકરણ મળે છે? પ્રતિભાવંત કવિના અવ્યુત્પત્તિકૃત દોષોને એ માફ કરે એ જુદી વાત છે. તાત્પર્ય કે કાવ્યશાસ્ત્રીઓ તો કાવ્યના સ્થૂળ શબ્દદેહની માવજત કરવા સુધી ગયા છે. [2] અને આનંદવર્ધનના ગ્રંથમાં ‘ધ્વનિ’ શબ્દ ભલે આપણે કાને સતત અથડાયા કરતો હોય, એમણે વિશ્લેષણ તો શબ્દાર્થરૂપ શરીરનું જ કર્યું નથી? પદ, પદાંશ, પ્રત્યય, વર્ણ, અલંકારાદિની વ્યંજકતા બતાવી છે તે બીજું શું છે? કાવ્યના શબ્દાર્થરૂપ શરીરની શોભા એમને માટે કંઈ ત્યાજ્ય નથી, બલ્કે, આવશ્યક છે, એ હેતુપૂર્ણ હોવી જોઈએ એ એમનું કથયિતવ્ય છે. કાવ્યની શબ્દાર્થશોભાનું વિવેચન તો પૂર્વે થયેલું જ હતું એટલે એમણે એની હેતુપૂર્ણતા – એની વ્યંગ્યપરકતા બતાવવામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. પણ ધ્યાનથી જોનારને એમાં શબ્દાર્થશરીરનો મહિમા દેખાયા વિના નહીં રહે. ધ્વનિવિચારને જ અનુસરતા મમ્મટ જેવા પરવર્તી કાવ્યશાસ્ત્રીઓના ગ્રંથોમાં તો અલંકારપ્રકરણ જ ઘણી મોટી જગ્યા રોકે છે એ બતાવે છે કે ધ્વનિને મહત્ત્વ આપવાથી કાવ્યશરીરનું માહાત્મ્ય જરાયે ઘટતું નથી. વસ્તુતઃ અભિધા (અને લક્ષણા) એ શબ્દવ્યાપારો વ્યંજનાના મૂળમાં રહેલા છે માટે તો વ્યંજનાને શબ્દવ્યાપાર ગણવામાં આવે છે. બાકી વ્યંજના માટે અનુભવની પરિપક્વતાની ક્યાં જરૂર નથી પડતી? મમ્મટ વ્યંગ્ય અર્થને અભિધા – લક્ષણયોગી – અભિધા અને લક્ષણા સાથે જોડાતો – એમ કહીને જ ઓળખાવે છે.
- ↑ યોઽર્થો સહૃદયશ્લાઘ્ય : કાવ્યસ્યાત્મોતિ વ્યવસ્થિતઃ ।
વાચ્યપ્રતીયમાનાખ્યૌ તસ્ય ભેદાવુભૌ સ્મૃતૌ ।। ૧.૨ ॥ - ↑ ટી.એસ. એલિઅટ દર્શાવે છે કે કાવ્યના શબ્દો નાદસૌંદર્ય માટે જ નથી હોતા, એમનું કામ મુખ્યત્વે વ્યાકરણી અર્થનું સંક્રમણ કરવાનું છે, વ્યંજકતા એ સ્પષ્ટોજ્જ્વલ કેન્દ્રબિંદુની આસપાસનું પ્રભામંડલ છે ને પ્રભામંડલ કંઈ એકલું ન હોઈ શકે. (જુઓ ઈસ્ટ વેસ્ટ પોએટિક્સ ઍટ વર્ક, પૃ.૨૫)